ભાસ્કર એક્સક્લૂઝિવ:કૂરિવાજનો રેલો કતલ સુધી પહોંચ્યો - પ્રેમલગ્નના એક વર્ષમાં ગળું દબાવી પત્નીની હત્યા કરી, લાશને દોરી પર લટકાવી ગળાફાંસો ખાધાનો ડ્રામા કર્યો
- ધ્રોલના ડાંગરા ગામની સીમમાં બનેલી ઘટનાએ પોલીસને પણ ચકરાવે ચડાવી
- આદિવાસી યુવકને ધ્રોલ પેાલીસે હિરાસતમાં લીધો, યુવકે વિચાર્યુ, મારી નહીં તો કોઇની નહી, અને...!
- સમાજના રિવાજ મુજબ, યુવકની પાસે સાસરિયા નાણાં માંગતા હતાં, નહીતર પુત્રીને બીજે પરણાવી દેવાની ધમકી આપતા
ધ્રોલ તાલુકાના ડાંગરા ગામની વાડી વિસ્તારમાં આદિવાસી મહિલાએ ગળાફાંસો ખાઇ લીધો હોવાની માહિતી મળતા પોલીસ દોડી હતી. જોકે, આ ઘટના આત્મહત્યા નહી, પણ હત્યા હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસ ચોંકી ઉઠી હતી. આદિવાસી સમાજના રિવાજ મુજબ યુવતીનો પરીવાર યુવક પાસે નાણાંની માંગણી કરીને પુત્રીને બીજે પરણાવી દેવાની ધમકી આપતા યુવકે જ પત્નીની હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું હતું.
લાશનું પોસ્ટમોર્ટમ થતા હત્યા હોવાનું ખૂલ્યું ધ્રોલ તાલુકાના ડાંગરા ગામના વાડી વિસ્તારમાં રહેતા કેરૂભાઈ ભંગડાભાઈ ડાવર મૂળ અલીરાજપુર મધ્યપ્રદેશ પત્ની જમકુબેન (ઉ.વ.24) સાથે મનસુખભાઈ ભંડેરીની વાડીએ ખેતમજૂરી કામ કરતા હતા. મંગળવારના રાત્રિના જમકુબેને ગળાફાંસો ખાઈ લીધો હોવાની જાહેરાત તેના પતિ કેરૂભાઈએ પોલીસમાં કરતા પીએસઆઈ ચુડાસમા, રામદેવસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર વગેરે દોડી ગયા હતા અને લાશની તપાસણી કરતા તેમને શંકા લાગતા તાત્કાલિક લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી જ્યાં તેની હત્યા થઈ હોવાનું ખૂલતા પતિ પર શંકા જતાં તેની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત આપી હતી.
સમાધાન રૂપે પૈસાની માગણી કરી હતી તેનાથી વધુ ચોંકાવનારુ હત્યાનું કારણ હતું જેમાં તેણે જણાવ્યું કે, એક વર્ષ પહેલા તેણે અને તેની પત્ની જમકુબેને ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા જે પગલું સમાજ વિરોધી તેના સમાજમાં ગણાય. સમાધાનના ભાગરૂપે તેની પત્નીના સાસરિયા પક્ષ તરફથી પૈસાની માંગણી કરવામાં આવી જે પેટે તેને એક લાખ રૂપિયા આપી દીધો અને બીજા પૈસા દેવાની વાત હતી જે પછી તે જામનગર ખેતમજૂરી કરવા પત્ની સાથે આવી ગયો, પરંતુ પૈસા માટે સતત ફોન આવતા, વધારે દબાણ આવતા તેણે કંટાળીને તેની પત્ની તેની નહીં તો કોઈની નહીં તેમ માની તેને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી.પોલીસ કેરૂભાઈના નિવેદનથી ચોંકી ઉઠી હતી અને તેના કોરોના ટેસ્ટ કર્યા બાદ ધરપકડની કામગીરી હાથ ધરી છે. જમકુબેનના ભાઇએ કેરૂભાઈ વિરૂદ્ધ તેની બહેનની હત્યા કરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોસ્ટમોર્ટમમાં પતિના નાટક પરથી પડદો ઉઠી ગયો પતિ કેરૂ દ્વારા તેની પત્નીએ આત્મહત્યા કરી હોવાની થિયરી પોલીસ સમક્ષ રજૂ કરી હતી જે બાબતે પોલીસને પ્રથમથી જ શંકા હતી. પરંતુ પોસ્ટમોર્ટમ દરમિયાન તેને ગળે ટૂંપો આપીને મારી નાખી હોવાનો ઘટસ્ફોટ થતાં ખોટું બોલી રહેલા પતિ પર પોલીસને તુરંત શંકા ગઈ અને ગુનાનો ભેદ તુરંત ઉકેલાઈ ગયો.
પૈસા માટે સસરા પક્ષ તરફથી સતત દબાણ હતું પ્રેમલગ્ન કરનાર કેરૂએ એક લાખ રૂપિયા તો સસરા પક્ષને આપી દીધો હોવાનું પોલીસને જણાવ્યું હતું જે બાદ સસરા પક્ષ તરફથી બીજા પૈસા માટે સતત દબાણ થતું હતું. છેલ્લે તો એવો ફોન આવ્યો હતો કે, અમે જમકુને બીજે પરણાવી દઈશું જે પછી કેરૂએ તેની પત્ની તેની નહીં તો કોઈની નહીં તેમ મનમાં ગાંઠ વાળી તેની હત્યા કરી નાખી હતી.
