Mon, Nov 16, 2026Updated 02:18 PM IST
Google Preferred Source CTA

માયાજાળ-3
પૈસાના વરસાદની તાંત્રિક વિધિ માટે ખેલાયો ખૂની ખેલ:પોલીસના ઘરડા મા-બાપને ધારિયાથી રહેંસી નાખ્યાં; કડલા ન નીકળ્યા, તો નરાધમોએ પગ કાપી નાખ્યા

અમદાવાદ11 મહિનો પેહલાલેખક: ધ્રુવ સંચાણિયા
  • કૉપી લિંક

15 જૂન 2025 સમયઃ રાત્રે 12 વાગ્યા પછીનો જસરા, બનાસકાંઠા. ‘ધીમે ધીમે પગ મૂકજે, આજુબાજુ કોઈને ભણક પણ ન આવવી જોઈએ.’ પોચે પગલે બાપ-દીકરાએ ઝૂંપડી તરફ ચાલવાનું શરૂ કર્યું. જેવા ઝૂંપડીના દરવાજે પહોંચ્યા એટલે બાજુના ખેતરમાં રોટાવેટર પર બેઠેલા મિત્રને કૉલ કર્

.

***

પૈસાના વરસાદની વિધિ માટે બે નિર્દોષના જીવ લીધા કોણ હતા આ આરોપીઓ? શાંતિથી સૂઈ રહેલાં આ વૃદ્ધ દંપતીની આવી કરપીણ હત્યા શા માટે કરી? કોઈ જૂની અદાવત કે લૂંટનો ઇરાદો? નહીં. જવાબ છે, અંધશ્રદ્ધા. લોકો અંધશ્રદ્ધાની જાળમાં બીજા કોઈને ફસાવી પોતાના ધ્યેય પૂરા કરતા હોય છે, એ વાત હજુ આપણા માનવામાં આવે, પરંતુ ‘માયાજાળ’ના આજના એપિસોડમાં જોઇશું કે આરોપીઓએ વિધિ કરવા માટે બે નિર્દોષને આંટીએ લઈ લીધાં. બનાસકાંઠાના જસરા ગામે ‘પૈસાનો વરસાદ’ કરાવી આપે એવી વિધિ પૂરી કરવા ચાર નરાધમોએ મળીને બે નિર્દોષના જીવ લઈ લીધા.

***

પગમાંથી કડલાં ન નીકળ્યા, તો પગ કાપીને કાઢી લીધા! અડધી રાત્રે ઘરમાં ઘૂસીને એ રાક્ષસ બાપ-દીકરાએ લોહિયાળ ખેલ ખેલ્યો, પછી ઘરમાંથી નીકળતાં નીકળતાં પણ ખાંખાંખોળા કરીને પૈસા અને કીમતી સામાન લૂંટ્યો. માજીએ પગમાં પહેરેલાં અઢી લાખનાં કડલાં ખેંચીને કાઢવાની ટ્રાય કરી, પણ નીકળ્યાં નહીં, એટલે ફરી ધારિયું ઉગામ્યું ને બંને પગ કચડ… કચડ… અલગ કર્યા. પગમાં પહેરેલા અઢી લાખના કડા કાઢ્યા ને ભાગી ગયા. બહાર નીકળી ખેતરમાં રોટાવેટર ચલાવતા સાળાને ફોન કર્યો એટલે તેણે પણ બ્રેક મારી ને ત્રણેય અંધારામાં ઓગળી ગયા.

***

પોલીસ ઇન્સ્પેક્ટરનાં માતા-પિતા જ અંધશ્રદ્ધાની અડફેટે આવી ગયાં આરોપીઓએ જ્યારે રેકી કરી ત્યારે એટલી ખબર હતી કે આ વૃદ્ધ દંપતી વાડીએ ભાગિયા સાથે રહે છે અને એ ભાગિયાની દીકરી બંને વૃદ્ધોને ઘરકામમાં મદદ કરે છે. જ્યારે તેમનો દીકરો શહેરમાં ક્યાંક નોકરી કરે છે. અડધી રાત્રે થયેલા એ ડબલ મર્ડર બાદ રાત ગઈ, પણ વાત હવે વધવાની હતી. કેમ કે જે વૃદ્ધ બા-દાદાનું ઢીમ ઢાળી દીધું હતું, તેમનો દીકરો કોઈ સામાન્ય નોકરિયાત નહીં, પણ પોલીસબેડાની સ્પેશિયલ ટીમ SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)નો PI (પોલીસ ઇન્સ્પેક્ટર) હતો! નામ અજમલ વર્ધાભાઈ પટેલ ઉર્ફે SMC PI એ. વી. પટેલ! પટેલ સાહેબનું પત્ની-બાળકો સાથે રહેવાનું પાટણ, પણ શહેરમાં ઘરડાં દંપતીનું મન ન લાગ્યું એટલે વાડીએ જ ઘર બનાવીને રહેતાં.

‘ભાઈ, તું જલદી આવી જા, કોઇકે બા-બાપુનો જીવ લઈ લીધો છે’ 16 જૂન 2025 સવારના 6:46 વાગ્યે જસરા, બનાસકાંઠા. વહેલી સવારે ભાગિયાની દીકરી ઘરમાં આવી અને જોયું ત્યાં તો એની આંખો પહોળી થઇ ગઇ. સામે પડી હતી બે લાશ! હેબતાઈને યુવતી ભાગી ને ઘરે ગઈ અને પિતાને વાત કરી કે, ત્યાં તો આવું થયું છે. ભાગિયા સેધાભાઈએ સીધો જ PI સાહેબને ફોન કર્યો, પણ અજમલભાઈ કામથી વડોદરા હતા એટલે એમનો ફોન ઊપડ્યો નહીં. થોડી વાર રહીને એમણે સામેથી ફોન કર્યો ત્યાં સેધાભાઇએ રડતાં રડતાં કહ્યું, ‘સાહેબ… સવારે મારી દીકરી તમારા ઘરે ગઈ, ત્યાં બા-બાપુ લોહીવાળા ખાટલામાં સૂતાં હતાં…’ હજુ તો આટલું સંભળાયું, ત્યાં અજમલભાઈનો ધ્રાસકો પડ્યો. ફોન કાપ્યો ને, ગામના મિત્ર મફાભાઈને ફોન કર્યો કે, ‘ભાઈ, જલદી મારા ઘરે જા અને જો તો બા-બાપુને શું થયું છે?’ હજુ 10-15 મિનિટ પણ નહોતી થઈ ત્યાં મફાભાઈનો સામે ફોન આવ્યો કે, ‘ભાઈ, તું જલદી ઘરે આવી જા. બા-બાપુને કોઇકે તીક્ષ્ણ હથિયારો મારીને જીવ લઈ લીધો છે.’

ઓરડીમાં વૃદ્ધ દંપતીની લોહીઝાણ લાશ હતી, વૃદ્ધાના તો પગ પણ કપાયેલા હતા! PIએ વડોદરાથી તાત્કાલિક ગાડી ભગાવી અને જસરા પહોંચ્યા. ઝૂંપડીમાં જઈ જોયું તો, 56 વર્ષનાં માતા હોશીબેન ને 60 વર્ષના પિતા વર્ધાભાઈ પટેલની લાશ પડી હતી. આરોપીએ ધારિયાથી ગળે, છાતી પર અને માથામાં જોર જોરથી ઘા માર્યા હતા. ઉપરથી હોશીબેનના તો પગ ગોઠણથી કપાયેલા પડ્યા હતા. હોશીબેને પહેરેલું સોનાનું ફૂલ, કાનની બુટ્ટી, કડીઓ અને બંને પગના દોઢ કિલોના ચાંદીના કડલા ગાયબ હતા. ઘરની તિજોરીનાં તાળાં પણ તૂટેલાં હતાં ને એમાંથી પણ ઘરેણાં મિસિંગ હતાં. મતલબ ઘરમાં હત્યા ઉપરાંત લૂંટ પણ થઈ હતી.

સવારે જેવી ગામમાં ખબર પડી ત્યારે 8-9 વાગ્યે જ કોઈએ પોલીસને જાણ કરી ને સ્થાનિક PI એ. બી. ભટ્ટ તાત્કાલિક ક્રાઇમ સીન પર પહોંચી ગયા. મામલો ગંભીર જણાતાં કેસ પહોંચ્યો જિલ્લા પોલીસવડા SP અક્ષયરાજ મકવાણા પાસે. જાંબાઝ IPS અક્ષયરાજ પોતાની ટીમ લઇને તુરંત જ ક્રાઇમ સીન પર પહોંચી ગયા ને તપાસ ચાલુ કરાવી. વધારે કડક તપાસ માટે આખા કેસનું ઇન્વેસ્ટિગેશન સોંપ્યું બનાસકાંઠા ASP સુમન નાલાને. IPS સુમન મેડમે પોતાના ઘોડા દોડાવવાનું શરૂ કર્યું. આજુબાજુમાં બધે પૂછપરછ શરૂ કરી. પરંતુ ન તો કોઈએ અવાજ સાંભળ્યો હતો કે ન તો ક્યાંય પગલાં કે કશું મળ્યું. તપાસ ધીરે ધીરે અઘરી બનતી જતી હતી.

‘રાજસ્થાનની એક ગેંગ અદ્દલ આ જ મોડસ ઓપરેન્ડીથી હત્યાઓ કરે છે’ સાંજ સુધી તપાસ ચાલી. બધી બાજુ ટેક્નિકલ સર્વેલન્સ શરૂ કર્યું. ત્યાં કોઈએ ધ્યાન દોર્યું કે, રાજસ્થાનની એક ગેંગ છે, જેની આ સેઇમ મોડસ ઓપરેન્ડી છે. એ લોકો આ રીતે જ મર્ડર કરી લૂંટ મચાવે છે. IPS સુમન નાલાએ એ દિશામાં તપાસ કરી તો ખબર પડી કે, એ ગેંગની ક્રાઇમ પેટર્ન અને આ ક્રાઇમ પેટર્નમાં એક મોટો ફર્ક છે. એ ગેંગ ફક્ત હાઇવે પર જ લૂંટ મચાવે છે, જ્યારે આમનું મર્ડર તો ઘરમાં થયું છે. મતલબ આ એ ગેંગ તો નથી, પણ બીજી બાજુ તપાસમાં એવું લાગ્યું કે, બની શકે કે ક્રિમિનલ અહીં આસપાસનો જ હોય.

યુવાન તો સૂઈ ગયેલો, પછી એણે ફોન પર કોની સાથે વાત કરી? પૂછપરછ કરતાં ખ્યાલ આવ્યો કે રાત્રે આ વૃદ્ધ દંપતીએ એમની દીકરી સાથે ફોન પર વાત કરી હતી. યાને કે ત્યાં સુધી તેઓ સુરક્ષિત હતાં. એ પછીથી રાત્રે 11 વાગ્યા બાજુ તો આસપાસના લોકો પણ જાગતા હતા. એટલે જે થયું એ મોડી રાત્રે થયું હતું. પોલીસે સૌથી પહેલાં તો ટાવર ડમ્પિંગ કરી મોડી રાત્રે જેટલા લોકોના ફોન ચાલુ હતા, એ દરેકનો ડેટા મંગાવ્યો. તેમાંથી જેટલા લોકોના ફોન મોડી રાત્રે ચાલુ હતા એ દરેકને પૂછપરછ માટે બોલાવ્યા. દરેકને અલગ અલગ બેસાડી નોર્મલ પૂછપરછ કરી, ત્યાં 20-22 વર્ષનો એક શકમંદ સુરેશ પટેલ બોલ્યો કે, હું તો કાલે રાત્રે 10-11 વાગ્યામાં સૂઈ ગયો હતો. પોલીસની બત્તી ઝબકી. કેમ કે અડધી રાત્રે બે-ત્રણ કોલ એના નંબર પર આવેલા હતા અને એણે ઉપાડ્યા પણ હતા. પોલીસને એ આરોપી પર વધુ શંકા ગઈ. એના પરિવારને અને એની સાથે સંપર્કમાં હતા એ દરેકની ઊંડાણથી પૂછપરછ શરૂ કરી.

બાપ-દીકરાની માયાજાળમાં મામા પણ લપેટાયા પોલીસે ક્રોસ ક્વેશ્ચનિંગ કરી પોતાની રીતથી પૂછપરછ કરી તો થોડી જ વારમાં બહાર આવી ગયું કે, સુરેશે એના પિતા શામળાભાઈ સાથે મળીને આ આખી માયાજાળ પાથરી હતી. જેમાં સુરેશના મામા ઉમાભાઈ પટેલ પણ ઇનવોલ્વ હતા. જ્યારે બાપ-દીકરો મર્ડર કરી લૂંટ મચાવતા હતા ત્યારે કદાચ કોઈ બૂમબરાડા કરે, તો અવાજ બહાર ન જાય એટલે ઉમાભાઈ બાજુના જ ખેતરમાં રોટાવેટર ચલાવતા હતા. વારાફરતી પિતા અને મામાની પૂછપરછ કરી તો થોડી વારમાં એમણે પણ કબૂલી લીધું, પણ આ કરવા પાછળનું કારણ શું? લૂંટ કરવી હતી તો મર્ડર કેમ કર્યું ને મર્ડર કરવું હતું તો આટલી ક્રૂરતાથી પગ કેમ કાપ્યા?

‘કડલાની વિધિ કરો, તો જીવનમાં ધનવર્ષા થશે’ હકીકતે આખી ઘટના પાછળ જવાબદાર હતી અંધશ્રદ્ધા. સુરેશને માથે મોટું દેવું થઈ ગયું હતું. ક્યાંયથી પૈસા ભેગા થાય એમ નહોતા. એવામાં એક ભૂવા સાથે મુલાકાત થઈ. નામ દિલીપજી મફાજી ઠાકોર. ભૂવાએ કહ્યું કે, જો તમે કોઈ વૃદ્ધાનો જીવ લઈ એમના કડલાની વિધિ કરો તો તમારા જીવનમાં ધનવર્ષા થશે. સુરેશ વાતમાં આવી ગયો, પણ આમ કોઈનું મર્ડર કેમ કરવું? એટલે વાત કરી પિતાને. બાપ-દીકરાએ આખો પ્લાન બનાવ્યો ને જરૂર પડી તો મામાને પણ ઇનવોલ્વ કર્યા. ત્રણેય રાક્ષસોએ મળીને પડોશીમાં રહેતાં વૃદ્ધાનું જ ઢીમ ઢાળી દેવાનું નક્કી કર્યું. પ્લાન મુજબ મોડી રાત્રે ઘરમાં ઘૂસ્યા, દંપતીનું ઢીમ ઢાળ્યું ને કડલા લઈ ભાગી ગયા.

ખૂની ખેલ પછી એ જ રાત્રે શરૂ થઈ તાંત્રિક વિધિ એ પછી સુરેશના પિતા રાત્રે ઘરે જઇને સૂઈ ગયા, ને મામા-ભાણિયો વિધિ કરવા નીકળી પડ્યા. ઘરે કોઈ વ્હીકલ નહોતું એટલે ટ્રેક્ટર પર જ ભૂવા પાસે જવા નીકળી પડ્યા. ભૂવાને પણ અડધે રસ્તે બોલાવી લીધો ને, એક પેટ્રોલ પંપ પર ભૂવાને મળ્યા. મામા-ભાણિયાએ ટ્રેક્ટર ત્યાં પેટ્રોલ પંપ પર જ મૂક્યું ને ભૂવાની સ્વિફ્ટ ગાડીમાં બેસી નીકળી પડ્યા. રસ્તામાં એક હોસ્પિટલેથી પથરીની દવા લીધી ને પછી ભૂવાના ઘરે જઇ કડલાની વિધિ કરી. ભૂવાએ પૂછ્યું પણ ખરું કે, આ કડલા ક્યાંથી આવ્યા? જવાબમાં સુરેશ કહે, ‘એક માજીએ ઘરે છુપાવ્યા હતા ત્યાંથી લઈ આવ્યા છીએ.’ ભૂવાએ વિધિ કરી ને વહેલી સવારે મામા-ભાણિયો ઘરે આવ્યા ને સૂઈ ગયા.

‘મારા શરીરમાં મામાદેવ આવે છે’ પોલીસ સાથે વાત કરી તો ખબર પડી કે, ‘સવારે જ્યારે ક્રાઇમ સીન ઇન્વેસ્ટિગેશન ચાલુ હતું એ ટાઈમે ત્યાં હાજર પોલીસ અને મીડિયાને આ સુરેશ તો પાણી પીવડાવતો હતો! જાણે એને પણ મા-બાપ જેવાં પાડોશી ગુમાવવાનું પારાવાર દુઃખ હોય એવા હાવભાવ એના ચહેરા પર હતા. સુરેશની પૂછપરછમાં એવું ચોક્કસથી લાગતું હતું કે, તે માનસિક રીતે થોડો વિકૃત અને સાયકો છે. એ માનસિકની વાતોમાં એ એવું પણ બોલતો હતો કે, એના શરીરમાં ‘મામાદેવ’ આવે છે અને ‘મામાદેવ’ જ બધું કરાવે છે. ધનવર્ષા માટેની વિધિમાં કડલાની સાથે મર્ડરમાં વપરાયેલું હથિયાર પણ મૂકવાનું હતું. એટલે પોલીસે જ્યારે ભૂવાના ઘરે તપાસ કરી તો ભૂવાના ઘરે જમીનમાં દાટેલું ને મર્ડરમાં વપરાયેલું એક હથિયાર મળી આવ્યું. જ્યારે મર્ડર વેપનની બીજી છરી આરોપીઓએ નજીકના મામાદેવના મંદિરે ચડાવી હતી.’ પોલીસે ભૂવાની પૂછપરછ કરી તો માલૂમ પડ્યું કે, ‘બનાસકાંઠાની આસપાસ ઉત્તર ગુજરાતમાં પગના કડલાને સુહાગનું નિશાન માનવામાં આવે છે. એટલે વિધિ માટે ખાસ કડલા મંગાવ્યા હતા.’

જ્યારે સોનાના કડલાની તપાસ કરી તો રાત્રે વિધિ કર્યા બાદ ભૂવો વહેલી સવારે નજીકના જ્વેલર્સમાં એ કડલા વેચી આવ્યો હતો. પોલીસે એ હથિયારો પરથી લોહીનાં સેમ્પલ લીધાં અને આરોપીઓની કબૂલાત પ્રમાણે રસ્તે આવતાં CCTV તપસ્યા તો બધી જ કડી મળી ગઈ અને કેસનો નિવેડો આવ્યો.

એ ઘરડાં દંપતીનો શો વાંક હતો? આ ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલા ચારેય આરોપી બાપ-દીકરો, મામો અને ભૂવો, જેલના સળિયા પાછળ છે. ગુજરાત હાઇકોર્ટમાં એમનો કેસ ચાલી રહ્યો છે. પરંતુ એમની અંધશ્રદ્ધાના ચક્કરમાં સાવ નિર્દોષ એવાં એક ઘરડાં દંપતીએ પોતાનો જીવ ગુમાવ્યો ને એક પરિવારે પોતાનાં મોભી એવાં મા-બાપની છત્રછાયા ગુમાવી. આ એવી ખોટ હતી જેની ભરપાઈ ક્યારેય થાય એમ નહોતી.

માયાજાળ - એપિસોડ 1 : પૈસાના વરસાદની લાલચે યુવતી નગ્ન થઇને તાંત્રિક વિધિમાં બેઠી:વિધિના નામે ભૂવાએ દુષ્કર્મ કર્યું, યુવતીએ બદલો લેવા ધ્રૂજી જવાય એવી સજા કરી

માયાજાળ - એપિસોડ 2 : પુનર્જન્મ માટે પતિ-પત્નીએ પોતાનો જ બલિ ચડાવી દીધો:કમળપૂજા માટે 200 કિલોનું ગિલોટિન બનાવ્યું, લોઢાની બ્લેડ નીચે પડી ને માથાં ધડથી અલગ!

માયાજાળ - એપિસોડ 4 : મહિલાએ પતિ-દીકરાના આત્માને બોલાવવા સ્મશાનમાં કાળા નાગની વિધિ કરી:અમદાવાદની વિધવાને 14 લાખનો ચૂનો લાગ્યો; 15-20 લોકો યુવતીને ખાટલા સાથે બાંધીને લાવ્યા

માયાજાળ - એપિસોડ 5 : ‘આ ડાકણ છે, મરી જાય ત્યાં સુધી મારો’:'ઓપરેશન દેવી'એ 64 સ્ત્રીને બચાવી, 'લોકો મને જોઈને થૂંકતા, ગંદી ગાળો આપી રસ્તો બદલી નાખતાં

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links