Mon, Nov 16, 2026Updated 02:18 PM IST
Google Preferred Source CTA

મહિલાએ પતિ-દીકરાના આત્માને બોલાવવા સ્મશાનમાં કાળા નાગની વિધિ કરી:અમદાવાદની વિધવાને 14 લાખનો ચૂનો લાગ્યો; 15-20 લોકો યુવતીને ખાટલા સાથે બાંધીને લાવ્યા

અમદાવાદ10 મહિનો પેહલાલેખક: ધ્રુવ સંચાણિયા
  • કૉપી લિંક

1 માર્ચ 2025 જુહાપુરા, અમદાવાદ ‘હું બ્લેક મેજિક કરી તમારાં બધાં દુ:ખ દૂર કરી દઇશ. મારી પાસે આવી તમારાં દુ:ખો દૂર કરો. મારું કરેલું કદી ફોગટ જતું નથી, મારી વિદ્યાને કોઈ તોડી શકતું નથી…’ બપોરનો સમય છે. શાંત માહોલ છે. એવામાં ઘરનાં કામમાંથી પરવારીને બેઠે

.

***

જ્યારે મુશ્કેલી, ચિંતા અને લાચારીમાં અંધશ્રદ્ધાના ઝેરી ટીપાં પડે ત્યારે માણસનું જીવન ઝેર જેવું બની જાય છે. ને પછી માણસ ક્યારે અંધશ્રદ્ધાના અંધારિયા કૂવામાં ડૂબી જાય છે એ ખબર પણ નથી પડતી. અદ્દલ આવો જ એક કિસ્સો બન્યો હતો અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં. ‘માયાજાળ’ના આજના એપિસોડમાં વાત કરીશું એક એવા કિસ્સાની, જેમાં મહિલા મુશ્કેલીના પહાડ પરથી ઊતરવા ગઈ અને અંધશ્રદ્ધાની ખાઈમાં પડી.

કોણ હતી એ મહિલા? નામ ફાતિમા. ઉંમર 41 વર્ષ. ફાતિમા પર છેલ્લાં 4-5 વર્ષોમાં દુ:ખના પહાડો તૂટ્યા હતા. જુહાપુરામાં શાંતિપૂર્ણ જીવન ચાલતું હતું ત્યાં 2022માં વહાલસોયા દીકરાએ અલવિદા કહી જન્નતની વાટ પકડી. દીકરો ગુમાવ્યાના આઘાતમાંથી હજુ બહાર આવે ત્યાં ફાતિમાના પતિ 2024માં અલ્લાહને પ્યારા થઈ ગયા. છેલ્લા 1 વર્ષથી નાનકડી દુકાન ચલાવીને પેટનો ખાડો પૂરતી ફાતિમા માનસિક અને આર્થિક રીતે પૂરેપૂરી ભાંગેલી હતી. એવામાં એક દિવસ બપોરે એના પર આ બાબાનો વીડિયો આવ્યો ને ફાતિમા ભોળવાઈ ગઈ.

***

‘તારા ઘરમાં કોઇએ તાંત્રિક વિદ્યા કરી છે’ 6 માર્ચ 2025 રાતના 9:30 વાગ્યે સમય કાઢી રાત્રે મહિલાએ એ બાબાને કોલ કર્યો. સામે છેડે બાબાએ સહેજ સહાનુભૂતિ દાખવી કે ફાતિમાએ પોતાના જીવનમાં રહેલી તમામ મુશ્કેલીઓનો પોટલો ઠલવી દીધો. ફાતિમાના દુઃખમાં બાબાને કમાણીની ભરચક તક દેખાઈ એટલે બાબાએ શિકાર સમજી ધીમે ધીમે પૈસા સેરવવાનું શરૂ કર્યું. સૌથી પહેલા બાબાએ ફાતિમાને વિશ્વાસમાં લીધી. કહ્યું કે તારા ઘરમાં કોઈએ તાંત્રિક વિદ્યા કરેલી છે, એટલે તારા પર એક પછી એક દુઃખો આવ્યાં કરે છે. એને હટાવવા માટે 10 હજાર રૂપિયાની એક વિધિ કરવી પડશે. ફાતિમાને વિશ્વાસ બેઠો, એટલે એ તરત જ તૈયાર થઈ ગઈ. ફાતિમાએ પૈસા આપવાની હા પાડી તો બાબાએ પોતાનું UPI ID આપ્યું. પૈસાની આપ-લે થઈ અને કાળા જાદુની વિધિ થઈ.

15 દિવસ જેટલો સમય વીતી ગયો હતો, પણ હજુ કોઈ રિઝલ્ટ નહોતું આવ્યું ને ફાતિમાના જીવનમાં કોઈ દેખીતો ફેરફાર નહોતો દેખાતો. એટલે ફાતિમા થોડા થોડા દિવસે ફોન કરતી હતી. ત્યાં 21મી માર્ચે બાબાએ ફરી પોતાની માયાજાળ પાથરી. તમારે હજુ એક વિધિ કરવી પડશે, પણ એ માટે ત્રણ હજારનો ખર્ચ થશે. કંટાળેલી ફાતિમા એ માટે પણ તૈયાર થઈ ગઈ. ફરી UPI મોકલ્યું ને આ વખતે ત્રણ હજાર મોકલ્યા. હવે બાબો હળી ગયો હતો. જોઈતું મળી જતાં પૈસાની માગ થોડા થોડા દિવસે ચાલુ રાખી. 30મીએ ફરી સાત હજાર માગ્યા. ફાતિમાએ એ પણ મોકલ્યા. આ સિલસિલો ચાલુ ને ચાલુ રહ્યો.

‘મેલી અઘોરી વિદ્યા દૂર કરવા માટે એક માણસનો બલિ ચડાવવો પડશે’ દિવસો વીતતા ગયા, પણ કોઈ સમસ્યાનું નિવારણ દેખાતું જ નહોતું. મહિલા ધીરજ રાખતી ગઈ ને લેભાગુ બાબો લૂંટતો ગયો. એમ કરતાં કરતાં એક દિવસ બાબાએ પોતાની સૌથી મોટી અને સૌથી જોખમી માયાજાળ પાથરી. આ વખતે કહ્યું કે ‘તારા પર કોઈએ સાધારણ નહિ, પણ અઘોરી વિદ્યા કરી છે. એ હટાવવા માટે આપણે સ્મશાનમાં વિદ્યા કરવી પડશે. એ માટે ગુરુમાતાની જરૂર પડશે અને એક નરબલિ ચડાવવો પડશે, જીવતા માણસને કાપવો પડશે! હું તને ગુરુમાતાનો નંબર આપું છું, તું તેમની સાથે વાત કરી લે.’

***

‘સ્મશાનની વિધિ નહીં કરાવે તો તારું મોત નજીક છે’ 05 એપ્રિલ 2025 મહિલાએ ગુરુમાતાના નંબર પર ફોન કર્યો તો સામેથી થોડી જ વારમાં ધમકી આપતા હોય એવા અવાજે ગુસ્સામાં ગુરુમાતા બોલવા માંડ્યાં કે ‘તારા પર કોઈએ કાળો જાદુ કર્યો છે. તારે સ્મશાનની વિધિ કરવી જ પડશે. તને કોઈ મારી નાખવા માગે છે. તું વિધિ કરાવી મુક્ત નહીં થાય તો થોડા મહિનામાં તું મરી જઈશ.’ ફાતિમા ગભરાઈ ગઈ અને ભાંગી પડી. સામેથી પેલી મહિલા ફરી બોલી, ‘એ માટે તારે 1.73 લાખ રૂપિયા આપવા પડશે. જો એ નહીં આપે તો તારું મોત નજીક જ છે.’

ફાતિમાએ પોતાના જીવનમાં બે મોત જોયાં હતાં. હવે પોતે મરવા નહોતી માગતી, એટલે ગુરુમાતાએ કહ્યું એ પ્રમાણે પૈસાની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું. એકલી રહેતી ફાતિમાએ પોતાની મરણમૂડી સહિતની બધી જ સંપત્તિ ભેગી કરી ને પૈસાનું સેટિંગ કર્યું. બાબાએ ફરી ફોન કરીને કહ્યું, ‘હું તને એક આંગડિયા પેઢીનું સરનામું મોકલું છું, ત્યાં આંગડિયા પેઢીથી તું પૈસા મોકલી દે.’ ફાતિમા એ વાત પણ માની ગઈ અને પૈસા મોકલી દીધા. દિવસોના દિવસો વીતતા ગયા, પણ ફાતિમાના જીવનમાં કોઈ ફરક ન પડતાં ફાતિમાએ ફરી ફોન કર્યો કે હજુ કેમ કોઈ ફરક નથી પડતો? તાંત્રિકે ફરી નવું પાસું ફેંક્યું.

‘સ્મશાનની વિધિમાં 9 લાખ રૂપિયાનો ખર્ચો થશે’ આ વખતે તેણે ફાતિમાને કહ્યું કે ‘તારી વિધિમાં મુશ્કેલીઓ વધતી જાય છે. હવે આ અઘોરી વિધિ માટે મહારાષ્ટ્રના નાસિક પાસે સ્મશાનમાં એક માણસની નરબલિ આપવો પડશે. ફાતિમા સાંભળતાંવેંત જ ગભરાઈ ગઈ કે, ના ના, એ મારાથી નહીં થાય. મારી પાસે બલિ આપવા માટે કોઈ માણસ નથી. તો નફ્ફટ તાંત્રિક સામે કહે, ‘જો તમારે માણસનો બલિ ન આપવો હોય તો બીજી ચાર વિધિ કરવી પડશે, જેમાં એક વિધિનો ખર્ચ 2.3 લાખ થશે, એટલે તમારે ટોટલ 9.2 લાખ રૂપિયા આંગડિયાથી મોકલવા પડશે.’

‘કબ્રસ્તાનમાં તારા પતિ અને તારા દીકરાના આત્મા બોલાવવા પડશે’ ફાતિમા પાસે હવે પૈસા ખલાસ થઈ ગયા હતા, પણ જેને એકવાર પણ નહોતી મળી અને જેની સાથે માત્ર ફોન પર જ વાત થયેલી તે કહેવાતા તાંત્રિક પર અને તેની કથિત વિધિ પર પૂરેપૂરો ભરોસો હતો! ફાતિમા અંધશ્રદ્ધાની માયાજાળમાં કરોળિયાના જાળામાં ફસાયેલા જંતુની જેમ બરાબરની ફસાઈ ગઈ હતી. હવે ફાતિમાએ વ્યાજે પૈસા લેવાનું શરૂ કર્યું, પતિની બધી જ મૂડી ઉપાડી લીધી ને અંતે પૈસા ભેગા કરી 22 એપ્રિલે 9.2 લાખ રૂપિયા આંગડિયાથી મોકલાવ્યા. આટઆટલા પૈસા લીધા પછી પણ એ નફ્ફટ તાંત્રિક તો ધરાતો જ નહોતો. હવે તેણે ફરી નવી વાત ઊખેળી, ને કહ્યું કે ‘હું ને ગુરુમાતા હવે તારી વિધિ કબ્રસ્તાનમાં કરીશું. એ વિધિ માટે કબ્રસ્તાનમાં કાળા નાગને માટલામાં મૂકી તારા પતિ અને તારા દીકરાના આત્માને બોલાવવા પડશે. એ માટે 15 હજાર રૂપિયા તો તારે હવે આપવા જ પડશે, નહિતર તારો નાશ થઈ જશે. ફાતિમાએ ફરી આંગડિયાથી 15 હજાર રૂપિયા મોકલ્યા. સ્વાભાવિક રીતે જ કોઈ રિઝલ્ટ ન આવ્યું.

‘14 લાખ રૂપિયાની વિધિ કરાવી, તોય કેમ ફરક પડતો નથી?’ હવે ફાતિમાની ધીરજ ખૂટી. સમાજના વડીલોને મળી અને વાત કરી કે 14 લાખ રૂપિયાની વિધિ કરી તોપણ કોઈ ફરક નથી પડતો, હવે શું કરવું જોઈએ? વડીલો તરત સમજી ગયા કે ફાતિમાને એકલી સમજી આ બાબાઓ છેતરે છે. તેમણે ફાતિમાને સમજાવી કે આ ફ્રોડ છે, આપણે તાત્કાલિક પોલીસ પાસે જવું પડશે. ફાઇનલી 5 એપ્રિલે ફાતિમાએ સમજદારી બતાવી અને તાત્કાલિક વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચી. PI આર. એમ. ચૌહાણને વાત કરી એટલે PI તરત જ સમજી ગયા કે મામલો ફ્રોડનો છે. તરત જ ફરિયાદ નોંધી અને DCP અમદાવાદ ઝોન-7 IPS શિવમ વર્માને વાત કરી. શિવમ વર્માએ તાત્કાલિક બે-ત્રણ ટીમ બનાવી તપાસ ચાલુ કરાવી.

લાખો રૂપિયાની મત્તા ગઈ ક્યાં? હવે પોલીસે જાળ બિછાવી. વેશપલટો કર્યો ને પોતે ગ્રાહક બનીને એ બાબાને વિધિ માટે ફોન કર્યો. એ નફ્ફટ તો ફરી ખુશ થઈ ગયો કે વાહ, નવો શિકાર મળ્યો! પણ અહીં શિકારી પોતે જ શિકાર બનવાનો હતો. પોલીસે વાત ચાલુ રાખી ટેક્નિકલ સર્વેલન્સથી એ ઢોંગીનું લોકેશન કઢાવ્યું તો એ રાજસ્થાનના બિકાનેરનો નીકળ્યો! પોલીસ તાત્કાલિક અમદાવાદથી રવાના થઈ અને લોકેશન પરથી બિકાનેરની પાસેના ગામડે જઈ 9 ઓક્ટોબરે એ ઢોંગીની ધરપકડ કરી. તપાસ શરૂ કરી અને એકાઉન્ટ તપાસ્યું તો એમાં તો માત્ર 10 હજાર જ નીકળ્યા! બાકીના લાખો રૂપિયા એ બાબાએ સગેવગે કરી નાખ્યા હતા.

મહિલાનું એકાઉન્ટ ચેક કર્યું તો એમાંથી પણ ફક્ત ₹31 હજાર જ મોકલેલા, કેમ કે બાકીના પૈસા તો આંગડિયાથી મોકલ્યા હતા. પોલીસે આંગડિયાનું લિસ્ટ તૈયાર કર્યું ને તપાસ શરૂ કરી. જેનું આજ દિન સુધી સોલ્યુશન નથી આવ્યું. આજની તારીખે એ કહેવાતો તાંત્રિક, એની ગુરુમાતા બંને જામીન પર બહાર ફરે છે અને ફાતિમાને પોતાનો એકપણ રૂપિયો પરત નથી મળ્યો. હવે એના જીવનમાં પતિ અને દીકરા ઉપરાંત લાખો રૂપિયાની મરણમૂડી ગુમાવ્યાનું પણ દુઃખ છે.

***

લોકો કેમ આવા લેભાગુઓની જાળમાં ફસાઈ જાય છે? કોઈ દુઃખી અને લાચાર વ્યક્તિનો ગેરલાભ ઉઠાવી, તેને અંધશ્રદ્ધાની માયાજાળમાં ફસાવી લાખોની છેતરામણી થયાનો આ વધુ એક કેસ હતો, પરંતુ વારંવાર આવા કેસ બનવા છતાં મીડિયામાં એ ભરપૂર ચર્ચાવા છતાં લોકો ચેતતા કેમ નથી? કેમ આટલી સરળતાથી લેભાગુઓની જાળમાં ફસાઈ જાય છે? આ સવાલોનો જવાબ મેળવવા છેલ્લાં 33 વર્ષથી ગુજરાતના ખૂણે ખૂણે ફરી આવા ઢોંગીઓનો પર્દાફાશ કરતાં જયંત પંડ્યા સાથે અમે વાત કરી. જયંતભાઈ અત્યારે સુધીમાં હિન્દુ-મુસ્લિમ મળી ધાર્મિક અંચળો ઓઢીને લોકોને છેતરતા લગભગ 10 હજારથી વધુ ઢોંગીઓનો પર્દાફાશ કર્યો છે.

‘ધર્મની વાત આવે એટલે કોઈ નેતા કે આગેવાન આગળ નથી આવતા’ જયંતભાઈ આ જવાબદારી મુખ્યત્વે સમાજના આગેવાનોની છે, તો એ લોકો કેમ આ બાબતે કશું બોલતા નથી? જયંતભાઈ કહે, ‘કેમ કે આ કામ ઘણું મુશ્કેલ છે, તમારા પર હુમલાઓ પણ થઈ શકે છે અને રોકવાવાળા હજારો છે. અમે જ્યારે ‘ભારત જન વિજ્ઞાન જાથા’ની સ્થાપના કરી ત્યારે આખા દેશમાં 400 લોકો હતા. જેમાંથી હવે માત્ર ગુજરાતનું એક જ સેન્ટર ચાલુ છે. આ પ્રવૃત્તિ આડકતરી રીતે ધર્મને જ અસર કરે છે અને કહેવાતા ધાર્મિક આગેવાનો ધર્મને વેપાર સમજીને બેઠા છે. તેમનો પ્રચાર પણ ખૂબ જ શક્તિશાળી છે, એટલે અમારી પ્રવૃત્તિની પણ ધારી અસર નથી પડતી. મારા પર પણ કેટલીય વાર જીવલેણ હુમલા થાય છે, પણ ધર્મની બાબત હોવાથી કોઈ પણ રાજકીય કે સામાજિક આગેવાન ક્યારેય મદદ નથી કરતા. એ લોકો તો બોલતા પણ ડરે છે, કેમ કે જો બોલે તો એમની વોટબેંક પર અસર થાય.’

‘પાખંડીઓની સામે પડતા લોકો સામે જીવનું જોખમ હોય છે’ દાણા નાખવા, બલિ ચડાવવો, આવી બધી બાબતોને કારણે થતા બળાત્કાર, ફ્રોડ જેવા કેસ કેમ ઓછા થતા નથી? લોકો કેમ સમજવા તૈયાર નથી કે આવું ન હોઇ શકે. આ બધું ખોટું છે! જયંતભાઈ કહે, ‘એ લોકો પણ વિજ્ઞાનના કોઈ ને કોઈ ટોટકા યુઝ કરીને જ લોકોને ઉલ્લુ બનાવે છે, પણ તેમની સાથે ઘણા માફિયાઓ જોડાયેલા હોય છે, એટલે જો કોઈ વ્યક્તિ તેમની સામે પડે તો તેમનો કસ કાઢી લેવા સુધી એ લોકો મંડી પડે છે. એના કારણે આવા પાખંડીઓનું જોર વધતું જાય છે, કેમ કે કોઈ રોકવાવાળું નથી અને તેમના કાંડ બહાર આવતા રોકાઈ જાય છે. આવા લોકો સામે ઘણાએ વિરોધ કરવો હોય છે, પણ કોઈને ક્યાંયથી સપોર્ટ નથી મળતો, એટલે વાત અટકી પડે છે. લોકોને વિજ્ઞાન જાથાનું કામ ગમે છે, પણ ધર્મનું નામ પડતાં લોકો એક શબ્દ પણ ઉચ્ચારતા ડરે છે અને કશું બોલતા નથી.’

અંધશ્રદ્ધા સમૂળગી નાબૂદ થઈ શકે ખરી? તો અંધશ્રદ્ધાને સાવ નાબૂદ થઇ શકે ખરી? એ માટે શું કરી શકાય? જયંતભાઈ કહે, ‘આ માટે તો ધાર્મિક અગ્રણીઓ આગળ આવે તો જ પોસિબલ થાય. પછી એ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે કોઈપણ ધર્મ હોય! જો ધાર્મિક આગેવાનો આગળ આવી અંધશ્રદ્ધાની નાબૂદી માટે કામ કરે તો હું માનું છું કે સમાજ આ બદીથી મુક્ત થઈ શકે. હું તો માનું છું કે રાજકીય નેતાઓ પણ નાબૂદી ઈચ્છે છે, પણ ધાર્મિક બાબતને કારણે એ લોકો મૂકપ્રેક્ષક બની રહે છે.’

દુઃખી અને જરૂરિયાતમંદ વ્યક્તિ, પાખંડીઓના સોફ્ટ ટાર્ગેટ ભૂવાઓ એવી તો કેવી સાઇકોલોજી વાપરી લોકોને ઉલ્લુ બનાવે છે અને લોકો કેમ આ લોકોની વાતોમાં ફસાઈ જાય છે? એ બાબતે ઊંડાણથી સમજવા અમે અમદાવાદના જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. શેમલ પટેલ સાથે વાત કરી. તેઓ છેલ્લાં નવ વર્ષથી આ ફિલ્ડમાં સક્રિય રીતે જોડાયેલા છે.

ડૉ. શેમલ કહે, ‘એ લોકોની છેતરવાની રીત બહુ જ સિમ્પલ છે. એ બાબાઓ જરૂરિયાતમંદોને ફક્ત આશા આપે છે. લોકોને ગેરંટી મળે એટલે પછી એ સાચા કે ખોટાની દિશામાં વિચારતા જ નથી. દુઃખી વ્યક્તિને ફક્ત એટલું જ કહે છે, ‘જો તું મારા શરણમાં આવીને આટલું કરીશ તો હું તારી બધી જ તકલીફો દૂર કરી દઇશ.’ સામે રહેલી વ્યક્તિ પરેશાનીથી થાકેલી હોય છે, એટલે સોલ્યુશનની ભૂખના કારણે એ જલ્દી ભોળવાઈ જાય છે. માણસ જ્યારે ક્યાંક ફસાઈ ગયો હોય ત્યારે એ રસ્તાઓ શોધવા મરણિયો બન્યો હોય છે. એને કોઈ નાનકડી ખોટી આશા આપશે તો પણ એ જતો રહેશે. જ્યારે એ માનસિક કે આર્થિક તણાવમાં હશે ત્યારે જ એ છેતરાશે.’

‘સાચો ધર્મ ક્યારેય પૈસાની વાત કરે નહીં’ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા કેમ ઓળખવી? ડૉ. શેમલ મીઠા કટાક્ષ સાથે સમજાવતાં કહે, ‘હું ક્યારેય ધર્મી વિરુદ્ધ નથી. દુ:ખ-ચિંતા કે કોઈ મુશ્કેલી દૂર કરવા આપણે ધર્મનો રસ્તો અપનવવો જ પડે છે. ધર્મ હશે તો જ આપણને જીવનનો સાચો-ખોટો રસ્તો ખબર પડશે, પણ જ્યારે કોઈ પણ ધર્મગુરુ તેમની વાતમાં પૈસાનો ઉલ્લેખ કરે તો તમારે થોડું ચેતી જવું જોઈએ. ધર્મમાં ક્યારેય પૈસાની વાત આવતી જ નથી.’

‘અંધશ્રદ્ધાના કેસ વધ્યા છે, કારણ કે જાગૃતિ પણ વધી છે’ તમારી પાસે આવતા અંધશ્રદ્ધાના કેસમાં સમય જતાં શું ફરક પડ્યો? ડૉ. શેમલ કહે, ‘એમ જોવા જઈએ તો કેસમાં વધારો થયો છે, પણ હું માનું છું કે એ જાગૃતિના કારણે. સમાજમાં એવી પ્રવૃત્તિઓ ઘટી છે, પણ જ્યાં જ્યાં આવા કેસ થાય તો લોકો જલદીથી ડૉક્ટર પાસે આવતા થયા છે. આ પ્રકારના આર્ટિકલ જો વધારે લોકો પાસે પહોંચશે તો લોકોમાં અવેરનેસ પણ વધશે કે, ધૂણવું કે કોઈ પંડમાં આવવું એ એક પ્રકારની માનસિક બીમારીનાં લક્ષણ હોઇ શકે, એટલે આપણે ભૂવા-તાંત્રિક પાસે જઈએ એ કરતાં ડૉક્ટર પાસે જઈએ તો થોડું જલદી ચોક્કસ સોલ્યુશન આવશે. હું તમને એક કેસ કહું….’

‘ચીસાચીસ કરતી છોકરીને ખાટલામાં બાંધીને ટ્રકમાં લાવ્યા’ ‘છ મહિના પહેલાં એક આખો ટેમ્પો ભરી લોકો અમારી પાસે હોસ્પિટલે આવી ગયા. એમાંથી 12-13 લોકો નીચે ઊતર્યા. ટેમ્પોમાંથી બહુ જ અવાજ આવતો હતો. અવાજ સાંભળી અમે બધા બહાર આવ્યા કે શું થયું હશે? કોઈ મોટું એક્સિડેન્ટ થયું કે શું? ત્યાં તો અંદરથી એક પથારી ઉતારી, જેના પર 18 વર્ષની એક યુવાન છોકરીને દોરડાથી કચકચાવીને બાંધીને લઈ આવ્યા હતા. છોકરી બિચારી બૂમાબૂમ કરે, ચીસાચીસ ચાલુ. સદનસીબે એ લોકો અમારી પાસે જ આવ્યા હતા. તો અમે પહેલા તો છોકરીને છોડાવી અને બધું પૂછ્યું તો ખબર પડી કે એ લોકો 100 કિમી દૂરથી અમદાવાદ સુધી એ છોકરીને ખાટલામાં બાંધીને અમારી પાસે લઈને આવ્યા હતા.’

‘છોકરી અચાનક આંખો કાઢીને બધાને શ્રાપ આપવા માંડેલી’ કારણ કંઈક એવું હતું કે છેલ્લા દસેક દિવસથી ઘરમાં ઝઘડા થયા તો છોકરી જોર જોરથી રડવા માંડી હતી ને બે-ત્રણ દિવસ રાત્રે સૂતી જ નહિ. પણ છેલ્લા સાતેક દિવસથી તો એનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયેલું, જાણે કે એનામાં કોઈ માતાજી આવ્યાં હોય. છોકરી એકદમ ડાહી અને શાંત હતી, પણ જ્યારથી આવું થયું ત્યારથી પોતે કાલી માતા હોય એમ મોટી મોટી વાતો કરવા માંડી હતી. લોકો સામે આંખો કાઢે, માતા-પિતાને તુંકારે બોલાવે, અજાણ્યા લોકોને પણ ધમકાવે કે હું તમને શ્રાપ આપીશ તો આવું થઈ જશે. એટલે પરિવાર પછી કંટાળીને તેને અમારી પાસે લઈને આવ્યો.’

‘મગજ અસહ્ય દુઃખની પરિસ્થિતિ સ્વીકારી ન શકે ત્યારે…’ પણ એ પાછળનું કારણ શું? ડૉ. શેમલ કહે, ‘અસહ્ય ટેન્શન! જ્યારે કોઈ એવું દુ:ખ આવી પડે કે જેને માણસનું મગજ સ્વીકારી ન શકે. ત્યારે આપણું મગજ એ સમસ્યામાંથી છુટકારો મેળવવાને બદલે ભાગવાનું કામ કરે છે. એના જ ભાગરૂપે આપણું મન આપણને આવું વર્તન કરાવડાવે છે. તમે ‘અપરિચિત’ ફિલ્મ જોઈ છે? એમાં જેમ હીરો ટેન્શનમાં હોય અને એ પોતે સામનો ન કરી શકે એટલે એનું મગજ જ બીજું સ્વરૂપ ધારણ કરી લે. ફિલ્મમાં તો થોડા મરી-મસાલા છાંટીને બતાવ્યું હોય, પણ આ પ્રકારની પરિસ્થિતિ એ માનસિક બીમારી છે જ, અને અમારી પાસે આવા કેસ આવતા જ રહે છે. અમે આ યુવતીની દસેક દિવસની સારવાર કરી ને એ પછી ક્યારેય એણે એવું વર્તન નથી કર્યું.’

‘મગજ પોતે માથાભારે પર્સનાલિટી અખત્યાર કરી લે’ આવા કેસ પાછળનું કારણ શું હોય છે? ડૉ. શેમલ કહે, ‘હાલની સાઇકિયાટ્રિક ભાષા પ્રમાણે અમે એને ડિસોસિયેટિવ ડિસઓર્ડર કહીએ છીએ. મતલબ કે જ્યારે કોઈ મોટું ટેન્શન આવી જાય ત્યારે પોતાનામાંથી કશું છૂટું પડી જવું. ધારો કે હું શાંત અને ડા્યોહી વ્યક્તિ હોય, જે કોઈ વાતનો પ્રતિકાર ન કરી શકે. તો મારું મન અજાણતા જ કોઈ એવી પર્સનાલિટી ધારણ કરી લે, જે દાદાગીરીથી વાત કરી શકે અને શક્તિશાળી હોય. જેમ આપણી આંખ પાસે કશું આવતું આવતું હોય, તો આંખ બંધ થઈ જાય એમ આપણને માનસિક રીતે બચાવવા માટે મન આવું કોઈ બીજું રૂપ ધારણ કરી લે. આ ડબલ કેરેક્ટર ક્યારેય માણસ જાણીજોઈને નથી કરતો, પણ એનું મન જ અજાણતા આવું કરી લે છે. આ બચાવનો શોર્ટકટ છે, પણ એ હેલ્ધી નથી.’

‘હું જિન્નાત છું, આ છોકરીના શરીરને ખાઈ જઇશ’ ડૉ. શેમલ પટેલ પોતાની પાસે આવેલા બીજા એક કેસ વિશે વાત કરતાં કહે, ‘અમારી પાસે એક મુસ્લિમ યુવતીનો કેસ આવ્યો હતો, જેમાં એ વ્યક્તિને એવું લાગતું હતું કે એનામાં જિન્નાત આવે છે. જ્યારે પણ એ મુશ્કેલીમાં હોય કે ઘરેથી પપ્પા ભણવાનું કહે તો એનામાં જિન્નાત આવી જાય. જિન્નાત દાદાગીરીથી ધમકાવે અને એ જ રીતે વાત કરે. ‘હું આ છોકરીના શરીરને ખાઈ જઈશ, હું બધું તબાહ કરી નાખીશ’ એવું જ બોલે રાખે. એટલે પેરેન્ટ્સ સ્વાભાવિક રીતે એને મુસ્લિમ ધર્મગુરુ પાસે લઈ ગયા. પણ ધર્મગુરુએ જ સામેથી કીધું કે આ બાળકને જે થાય છે, એ ધાર્મિક નથી પણ ટેન્શનના કારણે છે, તમે એને ડૉક્ટર પાસે લઈ જાઓ. કેસ અમારી પાસે આવ્યો અને અમે ઈલાજ કર્યો. એટલે જો ધર્મગુરુઓ સાચા હશે તો એ પણ લોકોને અંધશ્રદ્ધા તરફ જતાં રોકશે.’

ડૉ. શેમલ આગળ વાત કરતાં કહે, ‘આ પ્રકારની બીમારીમાં તમારા શરીરમાં એ જ આવશે, જેને તમે માનતા આવ્યા છો. હિન્દુ હશે તો માતાજી આવશે, મુસ્લિમ હશે તો જિન્નાત કે શેતાન આવશે, ક્રિશ્ચન હશે તો ડેવિલ આવશે. પણ મૂળ આ ડિસોસિયેશન જ હોય છે, પણ જે લોકો સારી અને વ્યવસ્થિત રીતે ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા હોય છે તે હંમેશાં કહેશે કે દુ:ખને સ્વીકારવું પડે, દુ:ખને પચાવવું પડે. દુ:ખ સાથે થોડો સમય પસાર કરવો પડે, એ જ એક રસ્તો છે, પણ જે લોકો આર્થિક સ્વાર્થ કે કોઈ આશાથી ધર્મ સાથે જોડાયેલા હોય એ જલદીથી આવી ખોટી ગેરંટીઓમાં ફસાઈ જાય છે. દુ:ખ સમયે આવાં પ્રલોભનોમાં ફસાવું ન જોઈએ અને મજબૂત રહેવું જોઈએ, તો આપણે ક્યાંય ફસાઈશું નહિ.’

માયાજાળ - એપિસોડ 1 : પૈસાના વરસાદની લાલચે યુવતી નગ્ન થઇને તાંત્રિક વિધિમાં બેઠી:વિધિના નામે ભૂવાએ દુષ્કર્મ કર્યું, યુવતીએ બદલો લેવા ધ્રૂજી જવાય એવી સજા કરી

માયાજાળ - એપિસોડ 2 : પુનર્જન્મ માટે પતિ-પત્નીએ પોતાનો જ બલિ ચડાવી દીધો:કમળપૂજા માટે 200 કિલોનું ગિલોટિન બનાવ્યું, લોઢાની બ્લેડ નીચે પડી ને માથાં ધડથી અલગ!

માયાજાળ - એપિસોડ 3 : પૈસાના વરસાદની તાંત્રિક વિધિ માટે ખેલાયો ખૂની ખેલ:પોલીસના ઘરડા મા-બાપને ધારિયાથી રહેંસી નાખ્યાં; કડલા ન નીકળ્યા, તો નરાધમોએ પગ કાપી નાખ્યા

માયાજાળ - એપિસોડ 5 : ‘આ ડાકણ છે, મરી જાય ત્યાં સુધી મારો’:'ઓપરેશન દેવી'એ 64 સ્ત્રીને બચાવી, 'લોકો મને જોઈને થૂંકતા, ગંદી ગાળો આપી રસ્તો બદલી નાખતાં

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links