Mon, Nov 16, 2026Updated 02:20 PM IST
Google Preferred Source CTA

માયાજાળ-2
પુનર્જન્મ માટે પતિ-પત્નીએ પોતાનો જ બલિ ચડાવી દીધો:કમળપૂજા માટે 200 કિલોનું ગિલોટિન બનાવ્યું, લોઢાની બ્લેડ નીચે પડી ને માથાં ધડથી અલગ!

અમદાવાદ11 મહિનો પેહલાલેખક: ધ્રુવ સંચાણિયા
  • કૉપી લિંક

હેમુભાઈ અને તેમનાં પત્ની હંસાબેન 200કિલો વજનની ધારદાર જંગી બ્લેડ નીચે માથાં રાખીને સૂઈ ગયાં. થોડીવારે મીણબત્તીની જ્યોતથી દોરી કપાઈ અને ઉપર ઊંચકાયેલી લોઢાની ભારેખમ બ્લેડ ધડ દેતી નીચે આવી. એ સાથે જ એકઝાટકે પતિ-પત્નીનાં માથાં ધડથી અલગ થઇ ગયાં. વ્યવસ્થા

.

***

કમળપૂજાનો કાળો કિસ્સો ‘માયાજાળ’ના આજના એપિસોડમાં વાત કરીશું કમળપૂજાની. અંધશ્રદ્ધામાં તમે બલિ આપવા વિશે સાંભળ્યું હશે, ક્યારેક પશુની તો દાયકામાં ક્યારેક કોઈ માણસની, પણ સદીઓ પહેલાંની ‘કમળપૂજા’માં તો શિવજીની સામે ભક્ત પોતાના જ માથાનું બલિદાન આપતા એવું નોંધાયેલું છે. પુસ્તકોમાં વાંચેલી આ પ્રથાનો એક કિસ્સો તાજેતરમાં આપણી નજીકમાં જ બન્યો હતો. વાત છે રાજકોટની નજીક આવેલા વીંછિયાની, જ્યાં પતિ-પત્નીએ જાતે કમળપૂજા કરી, એકસાથે બંનેએ પોતાનું જ બલિદાન આપી દીધું, પણ આવું શુંકામ કર્યું? વો રાઝ ભી ઉસી કે સાથ ચલા ગયા!

મિકેનિકલ આવડતનો કેવો ઉપયોગ કર્યો! વીંછિયા ગામ છેડે સેંટ મેરી સ્કૂલની દીવાલ પાસે વાડીમાં વાંસની ઝૂંપડીમાં 38 વર્ષના હેમુભાઈ મકવાણાનું ઠેકાણું. 4 ભાઈ અને 4 બહેનો વચ્ચે મોટા થયેલા હેમુભાઈ બીજા નંબરના. ચારે બહેનોને પરણાવી દીધેલી ને ચારેય ભાઈઓનાં પણ લગ્ન થઈ ગયાં હતાં એટલે નજીકમાં જ ઘર રાખી બધા અલગ અલગ રહેતા. પિતાની જમીનમાંથી જ ભાગ પડેલી ભાંડુઓની જમીન આસપાસ. બધા પોતપોતાની જમીનમાં ખેતી કરે ને રોટિયું રળે, પણ બધાનો નિયમ, રોજ રાત્રે એકવાર બાપુજીને મળવા જવાનું. બે વીઘા જમીનના માલિક હેમુભાઈએ તેમની વાડીમાં જ ઝૂંપડી બનાવી દીધી હતી. એક વર્ષથી ત્યાં અલગ રહેતા હેમુભાઈ મિકેનિકલ બાબતોમાં હોશિયાર, એટલે નજીકના એક કારખાનામાં નોકરીએ લાગ્યા હતા. નોકરી રાતપાળીની, એટલે રાત્રે નોકરીએ જાય ને દિવસે ઘરે વાડીએ.

***

બલિ ચડાવ્યાના આગલા દિવસે શનિવાર, 15 એપ્રિલ 2023 સાંજે સાતેક વાગ્યાનો સમય વીંછિયા, રાજકોટ. આજે હેમુભાઈએ નોકરીએ રજા રાખી હતી. બંને બાળકો અને પત્ની હંસાબેન તૈયાર થતાં હતાં ત્યાં હેમુભાઈએ બૂમ પાડી, ‘એલાવ, તૈયાર થાવ જલદી, આપણે નીકળવાનું છે અને છોકરાંવ કંઈ ભૂલતાં નંઇ હોં.’ રવિવારની રજાના દિવસે મામાના ઘરે રોકાવા જવા ઉતાવળાં ભાઈ-બેને બધું જલદી જલદી પેક કર્યું ને મમ્મી-પપ્પા સાથે નીકળી પડ્યાં.

***

8:30 PM

બંને બાળકો અને પત્નીને લઈ હેમુભાઈ તેમની બહેનના (જેમનું નામ પણ હંસાબેન જ હતું) ઘરે જવા નીકળ્યાં. હંસાબેને જમવાની બધી વ્યવસ્થા કરી રાખી હતી, એટલે ઘરે પહોંચતાં જ આખા પરિવારનો હસ્તમેળાપ ચાલ્યો ને હસી-ખુશીથી બેઉ પરિવાર સાથે જમવા બેઠાં. જમીને ઢાકોઢૂંબો કરી બહેન હંસા સાથે હેમુભાઈએ થોડી વાતચીત કરી. 10 વાગવા આવ્યા એટલે નીકળવાનું ચાલુ કર્યું. ‘હાલ બેન, અમે નીકળીએ. હજુ મારા સાળાને ત્યાં જવાનું સે તો વે’લા ભાગીએ.’ વાતચીત પતાવી હેમુભાઈને એનો કુટુંબકબીલો નીકળ્યો પત્ની હંસાના ભાઈના ઘરે. બંને બાળકોને લઈ મામાને ઘરે પહોંચ્યાં ને બાળકોને ત્યાં મૂકી 11 વાગ્યે પોતાના ઘરે જવા નીકળ્યાં.

***

ભોળાનાથ કોઇનાં માથાંનું બલિદાન માગે ખરા?

11:30 PM હેમુભાઈની ઝૂંપડી બંને બાળકોને સાળાના ઘરે મૂકી પતિ-પત્ની નીકળી પડ્યાં પોતાના ધ્યેય તરફ. ઘરે આવી ઝૂંપડીએ પહોંચ્યાં અને તૈયારી શરૂ કરી. તૈયારી કમળપૂજાની. તૈયારી બલિની. તૈયારી ખુદના બલિદાનની! શિવજીની પૂજા કરી શિવલિંગની સામે ગિલોટિન સેટ કરવાની શરૂઆત કરી.

200 કિલો વજનની ધારદાર જંગી બ્લેડ નીચે બંને સૂઈ ગયાં. થોડીવારે મીણબત્તીની જ્યોતથી દોરી કપાઈ અને લોઢાની ભારેખમ બ્લેડ ધડ દેતી નીચે આવી, એ સાથે જ એકઝાટકે પતિ-પત્નીનાં માથાં ધડથી અલગ થઇ ગયાં. વ્યવસ્થા એ રીતે કરેલી કે બંનેનાં માથાં કપાઈને સીધાં જ હવન કુંડમાં શિવજીની સામે પડે! પણ આ દંપતીએ ગિલોટિન બનાવ્યું હતું કેવી રીતે? અને એનાથીયે મોટો સવાલ, શા માટે?

***

ફ્રાન્સમાં શોધાયેલા ગિલોટિનથી વીંછિયામાં માથાં કપાયાં સફેદ કલરના કંતાનની ઝૂંપડીમાં હેમુભાઈએ આ આખું સેટઅપ કરી રાખ્યું હતું. ઝૂંપડીમાં પ્રવેશતાં જ દક્ષિણ બાજુએ 17X16 ઇંચનો માટી-પથ્થરનો હવન કુંડ, દક્ષિણ દિશામાં એનાથી આગળ બે પાઇપ ઊભી કરી એ પાઇપની વચ્ચે ગરગડીથી ઉપર-નીચે થઈ શકે એવી ધારદાર લોખંડની મોટી અને 200 કિલો વજનની હડિમદસ્તા જેવી બ્લેડ સેટ કરી અને નીચે લાકડાનું પાટિયું મૂકી ગિલોટિન બનાવ્યું હતું (બાય ધ વે, મધ્યયુગીન ફ્રાન્સમાં ગુનેગારોને મૃત્યુદંડ આપવા માટે આવાં ગિલોટિન વપરાતા). એ માંચડાની જ આગળ દક્ષિણમાં ગોડદાની પથારી, જેના પર પતિ-પત્ની સૂઈ શકે. ગિલોટિનની ઉપરની બ્લેડ સાથે દોરી બાંધી પૂર્વ-દક્ષિણ દિશામાં નીચે જમીન સાથે બાંધી દીધી. એ દોરી નીચે જ્યાંથી શરૂ થાય ત્યાં દોરીની એક્ઝેક્ટ બાજુમાં એક દીવો પ્રગટાવ્યો. જેથી જ્યારે એ દીવો પેટાવવામાં આવે તો એ દીવાની જ્યોતથી દોરી ધીમે ધીમે સળગે અને થોડી વારમાં દોરી જેવી ત્યાંથી તૂટે એટલે ઉપર બાંધેલી બ્લેડ નીચે પડે અને પથારી પર સૂતેલાં પતિ-પત્નીની ગરદન પર ધારદાર બ્લેડ પડે, બ્લેડ નીચે પડતાં જ બંનેનાં માથાં કપાઈ શિવલિંગની સામે રાખેલા હવનકુંડમાં પડે અને બલિની વિધિ પૂરી થાય.

***

એક માથું હવનકુંડમાં પડ્યું, બીજું થોડે દૂર

12 વાગ્યા પછી હેમુભાઈની ઝૂંપડી બંને પતિ-પત્નીએ પૂરી તૈયારી કરી ને હવનમાં પૂજા કરી થોડીવારમાં દોરી નીચે દીવો પ્રગટાવ્યો. પતિ- પત્ની ગિલોટિન નીચે બનાવેલી પથારી પર એ રીતે સૂતાં કે જેથી માથું હવન કુંડ તરફ રહે અને ઉપરથી બ્લેડ બંનેનાં માથાં પર પડે. દીવાની જ્યોતે ધીમે ધીમે પોતાનું કામ ચાલુ કર્યું ને દોરીના એક-એક રેસા ધીમે ધીમે બળીને તૂટતા ગયા ને અંતે બચ્યા-કુચ્યા થોડા રેસા એ લોખંડની પાઇપનું વજન ઊંચકી ન શક્યા. બંનેની આંખો સામે લોખંડની પાઇપ પર ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું ને ધારદાર બ્લેડ ધડામ દઈને નીચે પડી, પતિ-પત્નીનાં ગળાં પર! બંનેનું માથું ધડથી અલગ અને શિવલિંગની સામેના હવનકુંડમાં સ્વાહા! હંસાબેનનું માથું હવન કુંડમાં પડ્યું ને હેમુભાઈનું હવનકુંડની પાળી સાથે અથડાઇ કુંડની બાજુમાં. પતિ-પત્નીએ શિવજીની સામે હવનમાં પોતાનાં માથાંનો બલી ચડાવ્યા!

***

તલવારથી પોતાનું જ માથું કાપીને ચડાવે એ ‘કમળપૂજા’ જે પ્રમાણે જૂનાં પુસ્તકોમાં ઉલ્લેખ છે એ પ્રમાણે, કમળપૂજા એટલે જે-તે વ્યક્તિ શિવમંદિરમાં જઈ મહાદેવની પૂજા કરે, તેમાં સૌપ્રથમ પોતાના હાથ-પગના નખ ઉતારી શિવજીને ચડાવે. પછી તલવારની મૂઠ અને અણીવાળા છેડે મજબૂત દોરી બાંધીને પછી તલવાર ખભા ઉપર ગરદન પર મૂકીને દોરીને જોરથી જાટકો મારે, જેથી તેનું માથું કપાઈને સીધું શિવલિંગ ઉપર પડે. આ ઘટનાને ‘કમળપૂજા’ કહે છે. ઇ.સ. 1347માં ગુજરાતમાં પહેલી કમળપૂજા થઈ હોવાનું ઇતિહાસ કહે છે, જે બાદ ઘણી કમળપૂજાઓ થઈ, પણ દરેકમાં યુદ્ધ લડતાં લડતાં ઘવાયેલા સૈનિકોએ રણભૂમિમાં જ રેતી-ગારાનું શિવલિંગ બનાવીને શિવજીને કમળ પૂજા કરેલી હોવાનો પુસ્તકોમાં ઉલ્લેખ છે.

***

રવિવાર, 16 એપ્રિલ 2023 વહેલી સવારે વીંછિયા, રાજકોટ મામાના ઘરે ગયેલાં બંને બાળકોમાંથી દીકરીને ઘરે કોઈ વસ્તુ ભુલાઈ ગઈ હશે તો એ માટે મામાને કહ્યું કે હું ઘરે આંટો મારીને આવું. દીકરી મામાના ઘરેથી નીકળીને ધીમે ધીમે રસ્તામાં ગીત ગાતી ગાતી રમતાં રમતાં ઘરે પહોંચી. ઘરે જોયું તો મમ્મી-પપ્પા હતાં નહીં. થયું કે વાડીએ કામ કરતાં હશે. એટલે દોડીને વાડીએ ગઈ, પણ વાડીએ પણ કોઈ ન દેખાયું. ત્યાં વાડીએ ઝૂંપડી તો બાંધેલી હતી જ, એટલે થયું કે ઝૂંપડીમાં કદાચ ભાત (વાડીએ જમાતું જમણ) જમવા બેઠાં હશે. ‘મમ્મી…. બાપુ….’ બૂમો પાડતી ઝૂંપડીમાં ઘૂસી ત્યાં તો બાળકીના મોંમાંથી મોટી ચીસ નીકળી ગઈ. નાનકડી દીકરીની સામે જોયું પોતાનાં જ મા-બાપની લાશ પડી હતી, હવનકુંડમાં એની સગી માનું બળેલું માથું હતું, ને હવન કુંડની બાજુમાં પિતાનું માથું. આ દૃશ્ય જોઇને એ નાનકડી બાળકી પર શું વીતી હશે તેની કલ્પના કરીને જ કંપારી છૂટી જાય છે.

‘મારાં મમ્મી-પપ્પા મરી ગયાં’ ચોધાર આંસુએ રડતી દીકરી બૂમાબૂમ કરતી કરતી બાજુની વાડીમાં કામ કરતા ભરતકાકા (હેમુભાઈના નાનાભાઈ)ની વાડીએ ગઈ, જ્યાં કાકા-કાકી નિંદણ વાઢતાં હતાં . દીકરી એટલી ગભરાયેલી હતી કે ત્યાં જતાં જતાં રસ્તે પડી ગઈ, પણ ભરતકાકાને દીકરીની ચીસ સાંભળાઈ એટલે એ દોડીને સામે ગયા. કાકાને વળગી દીકરી જોર જોરથી રડવા માંડી. પોતાની વાડી તરફ ઈશારો કરી એક જ વાત બોલે રાખે, ‘મારાં મમ્મી-પપ્પા મરી ગયાં.’ કાકા ભરતભાઇ ભત્રીજીને લઈ દોડતાં દોડતાં હેમુભાઈની વાડીએ પહોંચ્યા ને ત્યાં જઈ જોયું તો ભરતભાઇની આંખો ફાટી ગઇ. સામે પડી હતી પોતાના મોટા ભાઈ અને ભાભીની માથાં કપાયેલી લાશ! ભરતભાઈની આંખો પણ ભીની થઇ ગઇ ને દોડીને તેમણે બાપુજીને વાત કરી. હેમુભાઈના પિતા ભોજાભાઈએ આવી બધું જોયું ને બધા દીકરાઓને જગ્યાએ બોલાવ્યા કે હવે શું કરવું.

ત્યાં મોટા ભાઈ રાજુભાઇએ સમજદારીથી પહેલાં પોલીસને ફોન કર્યો. નાનકડા વીંછિયા ગામમાં 5-10 મિનિટમાં પોલીસ સ્થળે પહોંચી ગઈ. પંચનામું કરી ઇન્વેસ્ટિગેશનની શરૂઆત કરી. ત્યાં અંદરથી 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બે પાનાંની સુસાઇડ નોટ મળી આવી.

***

સુસાઇડ નોટઃ ‘અમે અમારી મરજીથી આ પગલું ભરીએ છીએ’

તળપદી ભાષામાં લખેલી સુસાઇડ નોટનું ભાષાંતર કંઈક આ રીતે હતુંઃ

પેજ 1 : ‘અમે બંને અમારા હાથે અમારા રાજીપે જીવનનો ત્યાગ કરીએ છીએ. મારાં પત્ની હંસાબેનની તબિયત સાજી નથી રહેતી. અમારા ભાઈઓ, બા-બાપુજી, બહેનો કે કોઈએ અમને ક્યારેય કશું કહ્યું નહોતું, એટલે તેમને કોઈ જાતની પૂછપરછ કરતા નહીં. અમારાં સાસુ-સસરાએ પણ અમને ક્યારેય કશું માઠું કહ્યું નથી. તેમને પણ કોઈ પણ પ્રકારની પૂછપરછ ન કરતા. અમને કોઈએ કશું કહ્યું નથી. અમે અમારી મરજીથી આ પગલું ભરીએ છીએ, એટલે કોઈની કશી પૂછપરછ ન કરતા.’

પેજ 2 : ‘આ કાગળ મારા ભાઈ માટે. તમે ત્રણેય ભાઈ સાથે રહેજો અને મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજો અને સાથે ચારેય બહેનોનું પણ ધ્યાન રાખજો. મારા દીકરા અને દીકરીનું ધ્યાન રાખજો. તમે ત્રણેય ભાઈ થઇને ધ્યાન રાખજો. દીકરીને પરણાવી દેજો. મને મારા ભાઈઓ પર ભરોસો છે.’

***

સુસાઇડ નોટ માટે સ્ટેમ્પ પેપર ખરીદેલા! હેમુભાઇ અને હંસાબેનની તૈયારી એટલી જડબેસલાક હતી કે સુસાઇડ લખવા માટે અગાઉથી સ્ટેમ્પ પેપર પણ લઈ રાખ્યા હતા. પોલીસે નજીકના સ્ટેમ્પ પેપર સેલરની તપાસ કરી તો જાણ થઈ કે બે દિવસ પહેલાં જ હેમુભાઈ 50 રૂપિયાનું સ્ટેમ્પ પેપર લઈ ગયા હતા, જેથી પોતાના પરિવાર પર કોઈ પૂછપરછ ન થાય અને પોતાનાં બાળકોનું પણ ભવિષ્ય બગડે નહીં.

‘કોઇ વિધિને લીધે આમ કર્યું હશે’ તેમના ભાઈઓ બાજુ બાજુની વાડીમાં જ કામ કરતા છતાં અગાઉ કોઈને આવી હિચકારી ઘટનાનો અણસાર સુધ્ધા કેમ ન આવ્યો? એ વિશે અમે હેમુભાઈના નાના ભાઈ ભરતભાઈ સાથે વાત કરી, જેમની પાસે દીકરી દોડતી દોડતી ગઈ હતી. ભરતભાઈ એ ઘટના વિશે વાત કરતાં કહે, ‘તેમણે ઝૂંપડીમાં જે કંઈપણ બનાવ્યું એ બધું રાત્રે જ બનાવ્યું હશે, કેમ કે આગલા દિવસે તો અમે પણ કામ કરતા હતા, તો ત્યાં કશું નહોતું. તેમણે આટલું મોટું પગલું ભરી લીધું, પણ અગાઉ અમને કોઈ ગંધ પણ નહોતી આવવા દીધી કે અમે આવું કશું કરવાનાં છીએ. જે રીતે બધું થયું એ જોતાં આ કોઈ વિધિના કારણે થયું હોય એવું જ લાગે છે.’

‘અમે ભાઈઓ દીકરીને પરણાવીશું’ પોલીસે એ પછી તમને કશું કહ્યું હતું? ‘ના ના, પોલીસે ખાલી સાધારણ પૂછપરછ કરી હતી કે તમને કશું ખબર છે? કોઈને વાત કરી હતી? બાકી તો કોઈએ કંઈ નથી કીધું.’ ભરતભાઈ બોલ્યા, તો અત્યારે બંને બાળકો ક્યાં છે?’ અમે પૂછ્યું. ‘દીકરી 12મા ધોરણમાં અને દીકરો 10મા ધોરણમાં ભણે છે. બંને અત્યારે અહીં રાજકોટ જિલ્લાના એક ગામમાં આવેલી એક સંસ્થાની હોસ્ટેલમાં રહે છે.’ ‘તમારે તેમની સાથે કોઈ અવરજવર?’ ભરતભાઈ કહે, ‘હા, જ્યારે જ્યારે વાલી સંમેલન કે એવું કશું હોય ત્યારે અમે નાસ્તો આપવા જઈએ છીએ.’ ‘તમારા ભાઈએ દીકરીના લગ્નની વાત કરી હતી એ?’ ભરતભાઈ કહે, ‘અત્યારે તો એ ભણે છે, પણ નોટમાં અમારા ત્રણેય ભાઈઓને લગ્ન કરાવવાની જવાબદારી આપી હતી તો અમે ત્રણેય ભાઈઓ મહેનત કરી એ પૂરી કરીશું.’

‘મારા દીકરાએ આવું પગલું કેમ ભર્યું એ જ સમજાતું નથી’ જ્યારે હેમુભાઈના પિતાએ પોલીસને કહ્યું હતું કે, ‘મારો-દીકરો અને વહુ બહુ જ ધાર્મિક હતાં, પણ એ લોકો આવું પગલું ભરશે એની આશા નહોતી. અમારી કે એની વાડીએ ક્યારેય કોઈ સાધુ-સંતો પણ નહોતા આવતા. છેલ્લા એક વર્ષથી જ એ લોકો અલગ રહેવા ગયાં હતાં, બાકી તો એ અમારી સાથે જ રહેતાં. ખબર નહીં કેમ અચાનકથી આવું પગલું ભરી લીધું.’

ઇન ફેક્ટ, 2023માં બનેલી આ ઘટનામાં કોઈ જ FIR નોંધવામાં નહોતી આવી. કેમ કે કોઈએ ફરિયાદ નહોતી નોંધાવી. લાશની પાસેથી સુસાઇડ નોટ પણ મળી હતી, એટલે છેલ્લે આત્મહત્યા ગણીને પોલીસે બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) પાસે નમૂના લેવડાવી ઝીણામાં ઝીણી તપાસ આદરી.

અંધશ્રદ્ધામાં મા-બાપના જીવ ગયા, બાળકો અનાથ બન્યાં પરંતુ ક્યાંય કોઈ જ એવો ક્લુ ન મળ્યો કે એક્ઝેક્ટ્લી કયા કારણોસર આ દંપતીએ આવું પગલું ભર્યું હશે. આ આખી ઘટનામાં અંધશ્રદ્ધાના કારણે બંનેએ આત્મહત્યા કરી હશે, એ મુદ્દે વાત આવીને અટકી ગઈ. અંતે દિવસો-મહિનાઓ વીતતા ગયા એમ આ વાતને લોકો પણ ભૂલતા ગયા.

અપૂરતું ભણતર અને અંધશ્રદ્ધાના પડછાયાએ વધુ બે જીવ લઈ બે બાળકોને અનાથ કરી મૂક્યાં! બાળકો અત્યારે અનાથ આશ્રમમાં માતા-પિતાની છત્રછાયા વિનાનું જીવન વીતાવી રહ્યા છે. માતા-પિતાએ આ પગલું કેમ ભર્યું, એ પ્રશ્ન હંમેશને માટે વણઉકેલ્યો રહી ગયો.

માયાજાળ - એપિસોડ 1 : પૈસાના વરસાદની લાલચે યુવતી નગ્ન થઇને તાંત્રિક વિધિમાં બેઠી:વિધિના નામે ભૂવાએ દુષ્કર્મ કર્યું, યુવતીએ બદલો લેવા ધ્રૂજી જવાય એવી સજા કરી

માયાજાળ - એપિસોડ 3 : પૈસાના વરસાદની તાંત્રિક વિધિ માટે ખેલાયો ખૂની ખેલ:પોલીસના ઘરડા મા-બાપને ધારિયાથી રહેંસી નાખ્યાં; કડલા ન નીકળ્યા, તો નરાધમોએ પગ કાપી નાખ્યા

માયાજાળ - એપિસોડ 4 : મહિલાએ પતિ-દીકરાના આત્માને બોલાવવા સ્મશાનમાં કાળા નાગની વિધિ કરી:અમદાવાદની વિધવાને 14 લાખનો ચૂનો લાગ્યો; 15-20 લોકો યુવતીને ખાટલા સાથે બાંધીને લાવ્યા

માયાજાળ - એપિસોડ 5 : ‘આ ડાકણ છે, મરી જાય ત્યાં સુધી મારો’:'ઓપરેશન દેવી'એ 64 સ્ત્રીને બચાવી, 'લોકો મને જોઈને થૂંકતા, ગંદી ગાળો આપી રસ્તો બદલી નાખતાં

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links