Mon, Nov 16, 2026Updated 02:18 PM IST
Google Preferred Source CTA

‘આ ડાકણ છે, મરી જાય ત્યાં સુધી મારો’:'ઓપરેશન દેવી'એ 64 સ્ત્રીને બચાવી, 'લોકો મને જોઈને થૂંકતા, ગંદી ગાળો આપી રસ્તો બદલી નાખતાં

અમદાવાદ10 મહિનો પેહલાલેખક: ધ્રુવ સંચાણિયા
  • કૉપી લિંક

ફેબ્રુઆરી 2025 જમાન્યામાળ, ડાંગ ગામનો એક છોકરો સતત બીમાર રહેતો. કોઈ નોર્મલ પરિવાર હોય તો તેને સારા ડૉક્ટર પાસે લઈ જાય, પરંતુ આ સમાજના ‘સમજુ વડીલો’એ ભેગા થઈ નક્કી કર્યું કે આ છોકરો કોઈ ધાર્મિક કારણથી જ બીમાર પડ્યો છે. આખા સમાજે એકઠા થઈ નક્કી કર્યું કે

.

***

ઓક્ટોબર 2023 ગળકુંડ, ડાંગ ‘અહીંથી અમારા ઘરે આવવાનો રસ્તો છે. એક દિવસ ત્યાં સામે રહેતાં મારાં સગાં ભાભીએ મને ને મારી પત્નીને ગંદી ગાળો ભાંડવાનું શરૂ કર્યું. સવારે દસ વાગ્યાથી એમણે ગાળો બોલવાની શરૂઆત કરી, તે છેક સાંજે 5-6 સુધી એ બકવાસ ચાલુ રાખ્યો. મેં પૂછ્યું કે આવું શા માટે કરો છો? તો કહે, ‘તારી બૈરી ડાકણ છે. એને કારણે જ બધા હેરાન થાય છે. મેં મારા ભાઇને આ વાતની ફરિયાદ કરી, તો તેણે પોતાની પત્નીને સમજાવવાને બદલે મને જોર જોરથી મારવાનું શરૂ કર્યું. અમે પોલીસ પાસે ભાગ્યાં, તો પોલીસ પાસે પહોંચ્યા ત્યાં સુધી અમને માર્યા. મને, મારી ઘરવાળી અને દીકરાઓને પણ!’

***

સ્ત્રીને ડાકણ ગણવાની ક્રૂર પ્રથા, 21મી સદીનું કાળું સત્ય આ બંને કહાની અલગ અલગ છે, પણ બંને વચ્ચેનું એક પાસું કોમન છે, ડાકણપ્રથા! દાયકાઓ પહેલાં નામશેષ થયેલી આ પ્રથા 21મી સદીના 25 વર્ષે પણ આપણા ગુજરાતમાં જ ક્યાંય ક્યાંક જેમની તેમ છે. તેની મોડસઓપરેન્ડી લગભગ એકસરખી હોય છેઃ કોઈ મહિલાને બદનામ કરવી, ઘર ગામ કે સમાજમાં થઈ રહેલી બીમારી, મૃત્યુ, તકલીફો માટે તે મહિલાને જવાબદાર ઠેરવી તેને ‘ડાકળ’ કહીને વગોવી મારવાની. તેનો સામાજિક બહિષ્કાર કરવાનો, શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો. એ હદે એને હેરાન કરવાની કે એ મહિલા કંટાળીને આપઘાત સુદ્ધાં કરી લે.

ડાંગમાં પોલીસે ચલાવ્યું ‘ઑપરેશન દેવી’ જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હો અને તમને લાગશે કે આવી ઘટનાઓ તો ભૂતકાળની વાત થઈ. તો તમારે ગામડાંની મુલાકાત લેવી જોઈએ, ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં! ત્યાંના ડાંગ જેવા વિસ્તારોમાં આદિવાસીઓ આજે પણ ડાકણપ્રથાના હિમાયતી છે. જ્યારે પણ કોઈના પરિવારમાં કશું ખોટું થાય, કોઈ બીમાર પડે તો એ પૂરો દોષનો ટોપલો એક મહિલા પર ઢોળી દેવામાં આવે છે.

ગુજરાતમાં અંધશ્રદ્ધાના શોકિંગ બનાવો પરની આપણી સિરીઝ ‘માયાજાળ’ના પાંચમા અને છેલ્લા એપિસોડમાં વાત કરીએ ડાંગ જિલ્લામાં પોલીસે આ ડાકણ પ્રથા દૂર કરવા માટે જે અનોખું ‘ઓપરેશન દેવી’ ચલાવ્યું તે વિશે.

2023માં ડાંગના તત્કાલીન SP (સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) IPS યશપાલ જગાણિયાએ શરૂઆત કરી અને અત્યારે SP ડાંગ તરીકે IPS પૂજા યાદવ ‘ઓપરેશન દેવી’ને આગળ વધારી રહ્યા છે. તે અંતર્ગત ડાંગમાં જે જે મહિલાઓને સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવી હોય, એ દરેકને શોધી, તેમની સાથે મુલાકાત કરી અને સાથે સમાજના લોકો સાથે પણ વાત કરી અને દરેક મહિલાઓને સમાજમાં ફરી પ્રસ્થાપિત કરી. દિવ્ય ભાસ્કરે ડાંગનાં ગામડાંમાં ફરી એ મહિલાઓ સાથે વાત કરી અને તેમની આપવીતી જાણી. એ પણ જાણવા પ્રયાસ કર્યો કે અત્યારે શું પરિસ્થિતિ છે?

‘તમારા દીકરા પર ડાકણનો પડછાયો પડ્યો છે’ સૌથી પહેલાં વાત કરીએ જમન્યામાળ નામના ગામની. ગામનો રમણ વાઘમારે નામનો એક છોકરો થોડા સમયથી બીમાર રહેવા લાગ્યો. લાંબી દવાઓ કરાવી પણ કોઈ સોલ્યુશન ન આવ્યું એટલે પિતા ધનજુભાઈએ બાજુના ગામ કડમાળના ભગત (ડાંગમાં ભૂવાને ‘ભગત’ કહે છે)નો સંપર્ક કર્યો. ભગત ગણાભાઈ, તેનાં પત્ની જમાબેન અને બીજો ભગત સોનિરાવ ગામમાં આવ્યો. દીકરા પર ધૂપધુમાડા કરી છેલ્લે કહી દીધું કે ‘તમારા દીકરા પર ડાકણનો પડછાયો પડ્યો છે. એને લીધે જ તમારો દીકરો બીમાર રહે છે. હવે ડાકણની વિધિ કરવી પડશે તો જ તમારો દીકરો સાજો થશે.’

‘આ ત્રણેય ડાકણ છે, એના કારણે જ બધાને દુઃખો પડે છે’ ધનજુભાઈએ ઘરમાં આખા કુટુંબને બોલાવ્યું, વિધિના નામે આખો સમાજ ભેગો પણ થયો. કુટુંબના એક ઘરે બધા ભેગા થયા ને સમાજના વડવાઓએ બે ભૂવાઓને બોલાવ્યા. રૂમમાં બધું સેટઅપ કરી રાખ્યું હતું. તાંત્રિક વિધિની ચોકડી ફરતે બધી મહિલાઓને બેસાડી. મહિલા સામે આંખો બંધ કરી બંને ભૂવાએ આંખો બંધ કરી ને નાટક ચાલુ થયાં. શ્લોક બોલ્યા, ધતિંગ કર્યા ને થોડી વારમાં આચનક બૂમ પાડી. ત્રણ મહિલાઓ તરફ આંગળી ચીંધીને નજીક બોલાવી, જોરથી બૂમ પાડી, ‘આ ત્રણેય ડાકણ છે, આમના કારણે જ બધાને દુ:ખો પડે છે.’

બંને ભૂવાએ મળી ત્રણેય મહિલાઓ પર અત્યાચર ચાલુ કર્યા કે ‘તું જ ડાકણ છે, કહી દે કે તારા કારણે જ આ છોકરો બીમાર પડે છે.’ ત્રણેય મહિલા તો નિર્દોષ હતી. સામાન્ય ગૃહિણીઓ હતી, તો એ ક્યાંથી કબૂલે? પણ એ ભૂવાઓએ અત્યાચાર ચાલુ કર્યા ને આખી રાત પજવણી કરી. સવાર સુધી એ આખા ગામની સામે આ ભવાડો ચાલ્યો. આખો સમાજ મૂકપ્રેક્ષક બની જોતો રહ્યો ને મહિલાઓને બેફામ માર મારતા રહ્યા. અંતે સવારે ઘરેથી વાત બહાર નીકળી. ત્રણેય મહિલાને વાજતેગાજતે નદીકિનારે ડાકણ વિધિ કરવા લઈ ગયા, પણ અહીં એક ભૂલ થઈ.

‘દેવલીબેનથી સહન ન થયું ને તેણે ગળેફાંસો ખાઈ લીધો’ નદીએ જવાનો રસ્તો ગામમાં થઈને નીકળે, એટલે વહેલી સવારે નદીએ જતી વખતે ગામનું કોઈ જોઈ ગયું અને એ લોહીલુહાણ થયેલી મહિલાઓની હાલત દેખાઈ. એ ભલા માણસે જઈને આખા ગામમાં વાત ફેલાવી ને વીજળીવેગે આખું ગામ નદીએ પહોંચ્યું. પોલીસને બોલાવી અને એ ત્રણેય મહિલાને છોડાવી. ત્રણેય સ્ત્રીને તેમનાં ઘરે મૂકી આવ્યાં. પણ આ બધું એમાંની એક મહિલા દેવલીબેનથી સહન ન થયું. કાળઘાબેન અને પાનકીબેન ઘરે પહોંચીને રડતાં હતાં, પણ દેવલીબેને તો ઘરમાં પહોંચીને ગળાફાંસો ખાઈ લીધો.

‘આખું ગામ જોતું હતું, પણ કોઈ અમને બચાવવા આગળ ન આવ્યું’ આ ઘટના દાયકાઓ કે સદીઓ જૂની નહિ, પરંતુ 6 મહિના પહેલાંની જ છે. કાળઘાબેન અને પાનકીબેન અત્યારે પણ એકલાં જ પોતાનું જીવન વિતાવે છે. 65-70 વર્ષની આ ઘરડી મહિલાઓ આખો દિવસ વાડીએ કામ કરી ઘરમાં એકલી જ રહે છે. અમે ડાંગના સુબીર ગામે જઈ એ બંને મહિલાઓ સાથે વાત કરી, તો કાળઘાબેને ડરતાં ડરતાં બોલવાનું શરૂ કર્યું, ‘એ બે ભૂવાઓ અમને લઈ ગયાં અને અમને ત્રણેયને હેરાન કર્યાં. એમાં બિચારી દેવલી તો દેવને પ્યારી થઈ ગઈ. એને બહુ ખોટું લાગી ગયું હતું.’ જ્યારે પાનકીબેન સાથે વાત કરી તો એ કહે, ‘અમારી ઉપર એ લોકો એવો અત્યાચાર કરતાં હતાં, તોપણ બધા શાંતિથી જોતા હતા. કોઈએ બચાવવા હાથ પણ લાંબો ન કર્યો, કે કોઈ એક શબ્દ પણ ન બોલ્યું. ત્યાં બહુ બધી મહિલાઓ હતી, પણ અમારા સિવાય કોઈને હેરાન ન કરી. ભગત જ્યારે દાણા જોઈને અમારી વિધિ કરતો હતો ત્યારે એની પત્ની તો અમને ત્રણેયને મારતી પણ હતી.’

21મી સદીમાં પણ દ્રૌપદીનું ચીરહરણ અટક્યું નથી કિસ્સો જોઈ અમને યાદ આવ્યું દ્રૌપદીનું ચીરહરણ. ઘટનામાં કોઈ ફરક નથી! દ્રૌપદીની જગ્યા આ સ્ત્રીઓએ લીધી. પાંચ હજાર વર્ષ બાદ 21મી સદીમાં એકની જગ્યાએ દ્રૌપદીની સંખ્યા વધીને ત્રણ થઈ! દુર્યોધન-દુ:શાસનની જગ્યા એ બે ભૂવાએ લીધી. નારી હેરાન થતી રહી ને સભા મૂકપ્રેક્ષક બની જોતી રહી! આખી રાત તમાશો ચાલ્યો ને સવારે ગામલોકોએ અને પોલીસે ત્રણેય મહિલાને બચાવી.

***

આવ જ એક બીજો કિસ્સો બન્યો હતો સાપુતારા પાસેના એક અંતરિયાળ ગામડામાં, જ્યાં 48 વર્ષનાં મંગળાબેનને તેમના જ પરિવારનો ત્રાસ હતો. અમે મંગળાબેન અને તેમના પતિ અનિલભાઈ પવાર સાથે વાત કરી. જે અત્યારે પોતાના પરિવાર સાથે સમાજથી એકલવાયું જીવન વિતાવી રહ્યા છે. જ્યારે એક મહિલાને સમાજમાંથી તરછોડવામાં આવે ત્યારે તેમની શું હાલત થાય છે, એનું આ જીવતુંજાગતું ઉદાહરણ છે. મંગળાબેન મૂળ મહારાષ્ટ્રનાં. 1998-99માં લગ્ન કરી ડાંગમાં રહેવા આવ્યાં. ઘરે ત્રણ દીકરા છે, જેમાં મોટા દીકરાના લગ્ન થઈ ગયા છે. આટલાં વર્ષે ગુજરાતી સમજતા તો થઈ ગયાં, પણ બોલવું હજુ તેમના માટે મુશ્કેલ છે. અમે મંગળાબેન સાથે વાત ચાલુ કરી. મંગળાબેન મરાઠીમાં વાત કરતાં ગયાં ને તેમના પતિ અમને ગુજરાતીમાં સમજાવતા ગયા.

‘આ ડાકણને એટલી મારો કે એ મરી જાય’ મંગળાબેન તમને પહેલીવાર કોણે ને ક્યારે ડાકણ કહ્યું હતું? મંગળાબેન કહે, ‘લગ્નનાં 4-5 વર્ષ સુધી બધું બરોબર ચાલ્યું, પણ એ પછી અચાનક એક દિવસ તેમના પરિવારમાં કોઈ બીમાર પડ્યું તો એના દોષનો ટોપલો મારી પર ઢોળી દીધો. જ્યારે પહેલી વાર બધાએ મને બાસ (મરાઠીમાં ‘બાસ’ એટલે ડાકણ) કહીને માર માર્યો ત્યારે મને ખબર જ નહોતી પડતી કે આવું કેમ થાય છે? મને એ જ નહોતું સમજાતું કે, અહીં આટલી બધી મહિલાઓ છે, એમાંથી મને જ કેમ ડાકણ કહે છે? બધા ત્યારે મને મારતાં મારતાં એ જ બોલતા હતા કે આને એટલો માર મારો કે આ મરી જાય. મને એટલો ત્રાસ આપ્યો કે મને થઈ ગયું, આના કરતાં હું ઝેર ખાઈને આત્મહત્યા કરી લેવી સારી. સાંજે મારા પતિ આવ્યા ત્યારે માંડ મામલો શાંત પડ્યો. પણ એક-બે દિવસમાં ફરી મામલો ગરમાયો.’

‘એ ડાકણ ઘરમાં જ છે, તેને બહાર કાઢો’ મંગળાબેને વાત ચાલુ રાખી, ‘આ વખતે તો મારા પતિ હાજર હતા તોય એ લોકોએ રસ્તામાં જ અમને મારવાનું શરૂ કર્યું. મારતાં મારતાં ઘરમાં પૂરી ગયાં. બે વખત અમારી સાથે મારપીટ થઈ. અમે સરપંચ પાસે પણ મદદ માગી, તો એમણે કહ્યું કે, તમે પોલીસ પાસે જાઓ, એ જ તમારી મદદ કરી શકે છે. છેલ્લે અમે કેસ કરવા પોલીસ સ્ટેશન ગયાં. અમે કેસ કરવા ગયાં તો પાછળથી અમારા ઘરે પણ આવ્યા હતા. મારા છોકરાઓએ દરવાજો બંધ કરી દીધો તો દરવાજા પર મારવાનું શરૂ કર્યું કે, ‘એ ડાકણ ઘરમાં જ છે, એને બહાર કાઢો.’ છોકરાઓએ કહ્યું કે, ‘મમ્મી-પપ્પા ઘરે નથી, એ પોલીસ સ્ટેશન ગયાં છે. તો એ લોકોએ વધુ ઝઘડો કર્યો. છેલ્લે કંટાળીને દીકરાએ અમને ફોન કર્યો તો પોલીસ પણ ત્યાં હતી. એમણે પણ સાંભળ્યું કે, ઘરે આ લોકો કેવો હંગામો કરે છે. એટલે પોલીસ પણ અમારી મદદ કરવા સાથે ઘરે આવી.’

‘એ ડગરી ઘરમાં જ છે, બહાર કાઢો’ પણ આ બધા પાછળનું કારણ શું? મંગળાબેનના પતિ આગળ વાત કરતાં કહે, ‘કુદરતી પ્રકોપને એ લોકો અમારો દોષ માનતા હતા. ઘરમાં કોઈ પણ બીમાર થાય, પછી એ છોકરાંઓ હોય કે ઘરનાં કોઈ પશુ; દોષનો ટોપલો મારી પત્ની પર જ ઢોળતા કે, ‘આ બધાનું કારણ આની ઘરવાળી જ છે, એ જ ડાકણ છે એટલે આવું થાય છે.’

‘પણ એવું કેમ કહેતા?’ અમે પૂછ્યું. ‘એ જ તો નથી ખબર. આજ સુધી ખબર નથી પડી. જ્યારે એ લોકો કહેતા કે આનામાં ડાકણ છે, તો હું એમને સમજાવતો કે, ‘તમે તો એને થોડી વાર જુઓ છો, મારી સાથે તો આખો દિવસ અને રાત રહે છે, અમે સાથે જ જ છીએ, સાથે જ સૂઈએ છીએ. મને તો કશું નથી દેખાતું. આ તમારો વહેમ છે. મારી પત્ની નિર્દોષ છે, પણ એ લોકો સમજવા જ તૈયાર નહોતા. કોઈને કશું પણ થાય, એટલે વાંક મારી પત્નીનો જ. ‘ડગરી’ (ડાકણને ડાંગમાં ડગરી કહે છે) કહી પાછળ પડી જાય. મારી પત્ની તો મરવા પર આવી ગઈ હતી કે, મારે મરી જ જવું છે, એટલે પછી અમે પોલીસ પાસે ભાગ્યાં.’

‘હવે તો આ પોલીસ જ અમારો પરિવાર છે’ ‘ઓપરેશન દેવી’ અંતર્ગત મંગળાબેનને પણ ફરી સમાજમાં પ્રસ્થાપિત કર્યાં અને હાલમાં તેઓ શાંતિથી પોતાનું જીવન વિતાવી રહ્યાં છે. એમના પતિ આગળ વાત કરતાં કહે, ‘હવે તો એ લોકોનો ત્રાસ બંધ થઈ ગયો છે. કોઈ કશું નથી કહેતું, પણ અમારી સાથે વાત પણ નથી કરતા. આજની તારીખે કોઈ અમને બોલાવતું પણ નથી, પણ અમને કોઈ ફરક નથી પડતો. એ લોકો નથી બોલાવતા તો સામે અમે પણ એમની સાથે વાત નથી કરતાં. અમે રસ્તે નીકળીએ તો અમારી સામે જુએ, પણ ક્યારેય બોલાવે નહીં. કુટુંબના પણ કોઈ લોકો નથી બોલાવતા. પણ કોઈ અમારા ઘરે રોટલા નથી આપી જતું તો અમારે એમની જરૂર પડે. ગામમાંથી ફક્ત બે જ લોકો અમારી સાથે વાત કરે છે. અમે એમની સાથે વાત કરીએ છીએ. (હાથ જોડીને કહે) કુટુંબના લોકોને તો હું હાથ જોડું છું કે તમે વાત નથી કરતાં તો ન જ કરતાં, અમને શાંતિથી જીવવા દ્યો. અમે ભલા અને અમારું ઘર ભલું.’ ત્યાં મંગળાબેન બોલ્યા, ‘પોલીસ છે ને અમારો પરિવાર.’

64 બહિષ્કૃત મહિલાઓને સમાજમાં પુનઃસ્થાપિત કરી આ છે પોલીસની કામગીરી, પોલીસનો વિશ્વાસ. આજે આખા ગામમાંથી કોઈ નથી બોલાવતું, ગામ વચ્ચે એકલો પરિવાર રહે છે. છતાં કોઈ ડર નથી કે નથી કોઈ ચિંતા. પોલીસને પોતાનો પરિવાર માની જીવતું આ ફેમિલી અત્યારે ખુશ છે. ડાંગ પોલીસે ફક્ત એ મહિલાઓને ફરી સમાજમાં પ્રસ્થાપિત કરી એટલું જ નહીં, પણ આફ્ટર કેર પણ એટલી જ કરી. આજે પણ દર પંદર દિવસે ડાંગ પોલીસની ‘SHE’ ટીમ એ દરેક મહિલાઓને ઘરે ઘરે મળવા જાય છે. આ ફક્ત એક કેસ નહોતો, આ રીતે તો ડાંગ પોલીસે છેલ્લાં બે વર્ષમાં 64 મહિલાઓને ફરી સમાજમાં પ્રસ્થાપિત કરી છે. ડાંગના મુખ્ય સેન્ટર ગણાતા આહવામાં જ અમે એક મહિલાને મળ્યા તો એમની પણ હાલત દયનીય હતી.

‘મને જોઇ જાય તો લોકો થૂંકી નાખતા’ 60 વર્ષનાં શાલુબેન દુઃખી અવાજે વાત કરતાં કહે, ‘મને આ લોકો ડાકણ કહીને હેરાન કરતાં, ગંદી ગાળો ભાંડતા ને ઝઘડ્યે રાખતા. ગામમાં નીકળું તો પણ લોકો મને જોઈને ભાગી જાય. હું રસ્તાની બાજુમાં ચાલીને જતી હોઉં ને સામે કોઈ આવતું હોય તો એ લોકો મને જોઈને રસ્તો બદલી નાખે. મને જોઈ જાય તો પણ પહેલાં થૂંકી નાંખે. છોકરાઓ મને જોઈ જાય તો પણ પથ્થર મારે રાખે. આખા ગામમાં મારા વિશે ફેલાવી દીધું હતું કે, હું ડાકણ છું. છ વર્ષ સુધી મેં આ બધું સહન કર્યું પણ પછી મારાથી સહન ન થયું એટલે હું કંટાળી પોલીસ પાસે ગઈ ને અત્યારે છેલ્લાં બે વર્ષથી હું એકદમ ખુશ છું.’

‘મારા ઘરના લોકો જ મને હેરાન કરતા’ જ્યારે સુબીર ગામે રહેતાં 55 વર્ષના વિમળાબેનને તો એમના ઘરના લોકોએ હેરાન કરી મૂક્યાં હતાં. વિમળાબેન કહે, ‘રસ્તે નીકળું તો પણ લોકો મારી મજાક ઉડાવ્યે રાખે, ડાકણ કહીને ગાળો આપે. ગમે તે ગમે તેવું ખરાબ બોલે. ખાલી બહારના નહીં, મારા ઘરના અને કુટુંબના લોકો પણ મારી સાથે એવો જ વ્યવહાર કરતાં. પણ જ્યારથી પોલીસને વાત કરી ત્યારથી ઘણી શાંતિ છે. હવે કોઈ હેરાન નથી કરતું.’

***

‘કોઇને આર્થિક નુકસાન જાય તોય કોઈ સ્ત્રીને ‘ડાકણ’ કહીને દોષ ઢોળી દે’ ઓપરેશન દેવીના કારણે મહિલાઓની હાલત અત્યારે કેટલી સુધરી છે, એ સમજી શકીએ છીએ. ઓપરેશન દેવી વિશે વિસ્તારે માહિતી મેળવવા અમે SP ડાંગ IPS પૂજા યાદવ સાથે વાત કરી, IPS પૂજા મેડમ કહે, ‘ડાંગ વિસ્તારમાં ડાકણપ્રથા ઘણી જૂની છે. અહીં જો કોઈ સ્ત્રી વિધવા હોય કે એકલી રહેતી હોય તો એમની પર અત્યાચાર થતા. જો કોઈના પણ ઘરે કશું પણ ખોટું થાય તો એ દોષનો ટોપલો એમના પર જ ઢોળવામાં આવતો. ઇવન કોઈને આર્થિક નુકસાન થાય તો પણ એ મહિલાને ડાકણ કહી એમને સમાજમાંથી કાઢી મૂકવામાં આવતી. આ પ્રથાને નાબૂદ કરવા માટે ડાંગ પોલીસે ‘ઓપરેશન દેવી’ શરૂ કર્યું.

‘ઓપરેશન દેવી પછી પાંચ મહિનામાં એકેય ફરિયાદ નથી આવી’ IPS પૂજા યાદવ ઓપરેશન દેવી વિશે વાત કરતાં કહે, ‘ઓપરેશન દેવી હેઠળ જે મહિલાઓને ડાકણ કહીને હેરાન કરવામાં આવતી હોય, એમને દેવીનું રૂપ આપી સન્માન સાથે અમે ફરી સમાજમાં ભેળવીએ છીએ. જેમાં 65 મહિલાઓને અમે એમનું સન્માન પરત અપાવ્યું છે. એટલું જ નહીં, સમાજમાં ફરી પ્રસ્થાપિત કર્યા બાદ પણ અમારી SHE ટીમ કન્ટિન્યુ એ મહિલાઓની મુલાકાત લે છે અને ધ્યાન રાખે છે, જેથી ફરી એમના પર કોઈ અત્યાચાર ન થાય. એ દરેક મહિલાઓ પાસે અમારો નંબર પણ છે, જેથી એ લોકો ક્યારેય પણ અમને ફરિયાદ કરી શકે છે. પરંતુ બે વર્ષમાં ઓપરેશન દેવીની એટલી અસર પડી છે કે, છેલ્લા 5 મહિનામાં ડાકણને લગતી એક પણ ફરિયાદ નથી આવી.’

‘ડાકણ જાહેર કરાયેલી કેટલીયે સ્ત્રીઓ આપઘાત કરી લે છે’ ડાકણપ્રથા પર વાત કરતાં વિજ્ઞાનજાથાના જયંતભાઈ પંડ્યા કહે, ‘આ પ્રથાની બદી તો વર્ષોથી નહીં પણ સદીઓથી ચાલતી આવે છે. જેમાં મહિલાને સમાજમાંથી દૂર કરવાથી લઈ આત્મહત્યા સુધીનો ત્રાસ અપાતો હોય છે. ખાસ કરી ગરીબ અને આદિવાસી વિસ્તારોમાં આ પ્રકારના કેસ વધુ જોવા મળે છે. અમે એવું પણ જોયું છે કે, ઘણા કિસ્સાઓમાં તો મહિલાઓ પોતાનું ચારિત્ર્ય સાચવવા માટે પણ આ પગલું ભરે છે, જેથી જો એવું સાબિત કરે કે, એનામાં માતાજી આવ્યાં છે. તો લોકો તેમના પર કુદૃષ્ટિ નાખતાં ડરે.’

માયાજાળ - એપિસોડ 1 : પૈસાના વરસાદની લાલચે યુવતી નગ્ન થઇને તાંત્રિક વિધિમાં બેઠી:વિધિના નામે ભૂવાએ દુષ્કર્મ કર્યું, યુવતીએ બદલો લેવા ધ્રૂજી જવાય એવી સજા કરી

માયાજાળ - એપિસોડ 2 : પુનર્જન્મ માટે પતિ-પત્નીએ પોતાનો જ બલિ ચડાવી દીધો:કમળપૂજા માટે 200 કિલોનું ગિલોટિન બનાવ્યું, લોઢાની બ્લેડ નીચે પડી ને માથાં ધડથી અલગ!

માયાજાળ - એપિસોડ 3 : પૈસાના વરસાદની તાંત્રિક વિધિ માટે ખેલાયો ખૂની ખેલ:પોલીસના ઘરડા મા-બાપને ધારિયાથી રહેંસી નાખ્યાં; કડલા ન નીકળ્યા, તો નરાધમોએ પગ કાપી નાખ્યા

માયાજાળ - એપિસોડ 4 : મહિલાએ પતિ-દીકરાના આત્માને બોલાવવા સ્મશાનમાં કાળા નાગની વિધિ કરી:અમદાવાદની વિધવાને 14 લાખનો ચૂનો લાગ્યો; 15-20 લોકો યુવતીને ખાટલા સાથે બાંધીને લાવ્યા

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links