Mon, Nov 16, 2026Updated 02:23 PM IST
Google Preferred Source CTA

માયાજાળ-1
પૈસાના વરસાદની લાલચે યુવતી નગ્ન થઇને તાંત્રિક વિધિમાં બેઠી:વિધિના નામે ભૂવાએ દુષ્કર્મ કર્યું, યુવતીએ બદલો લેવા ધ્રૂજી જવાય એવી સજા કરી

અમદાવાદ11 મહિનો પેહલાલેખક: ધ્રુવ સંચાણિયા
  • કૉપી લિંક

02 ડિસેમ્બર 2021 સવારે 11:30 વાગ્યે પાલનપુર મુકેશ સવિતાને એક અંધારિયા રૂમમાં લઈ ગયો. બાકીના લોકોને બહાર બેસવાનું કહ્યું. મુકેશે રૂમનો દરવાજો બંધ કર્યો ને સવિતાને અંદરના રૂમમાં ગાદી પર બેસાડી. સવિતાએ તે અંધારિયા ઓરડામાં ચારેકોર નજર ફેરવી. લોબાનના ધુમા

.

***

ગુજરાતને અજગરભરડો લેતી અંધશ્રદ્ધાની ‘માયાજાળ’ વેલકમ, દિવ્ય ભાસ્કર પર આજથી શરૂ થઈ રહી છે નવી સિરીઝ, ‘માયાજાળ’. આજથી પાંચ દિવસ સુધી દરરોજ આપણે વિકસિત અને સુશિક્ષિત ગણાતા ગુજરાત રાજ્યમાં પણ અંધશ્રદ્ધાના ખપ્પરમાં કેવી રીતે લોકો હોમાય છે તેની ચોંકાવનારી સત્યઘટનાઓ વિશે વાત કરીશું. આજે વાત કરીએ ચાર વર્ષ પહેલાં પાલનપુરમાં થયેલા એક કાળા ઘટનાક્રમની. આ ઘટના જ્યારે બહાર આવી અને પોલીસે તેમાં સંકળાયેલા તમામ લોકોનાં એક પછી એક નિવેદન લેવાનું શરૂ કર્યું, ત્યારે ‘રશોમોન ઇફેક્ટ’ જેવો ઘાટ સર્જાયો.

1950માં આવેલી જાપાનીઝ ફિલ્મ ‘રશોમોન’ પરથી આવેલા આ શબ્દપ્રયોગ પ્રમાણે એક જ ક્રાઇમ સાથે સંકળાયેલાં દરેક કેરેક્ટરનાં સ્ટેટમેન્ટ અલગ અલગ હોય અને એક જ ઘટનાનું સાવ વિરોધાભાસી ચિત્ર ઊભું કરે. અંતે જોનાર માટે એ નક્કી કરવું અઘરું થઇ જાય કે આમાં પીડિત કોણ અને ગુનેગાર કોણ. થોડાં વર્ષ પહેલાં આવેલી હૃતિક રોશન સ્ટારર ફિલ્મ ‘વિક્રમ વેધા’માં પણ કંઇક આ જ ટેક્નિક વપરાઈ હતી.

પીડિત, આરોપી વચ્ચેનું કોમન ફેક્ટરઃ અંધશ્રદ્ધા!

આજની આપણી કહાનીમાં પણ કંઈક એવું જ છે. વિકટીમ કોણ અને આરોપી કોણ? કહેવું મુશ્કેલ છે. વાર્તામાં બે યુવતી છે, જે પીડિત પણ છે અને આરોપી પણ. તેમાં સંડોવાયેલા બે યુવકોનું પણ એવું જ છે. પરંતુ તમામ વચ્ચે એક કોમન ફેક્ટર છે અંધશ્રદ્ધાનું. આખી ઘટનાને અંતે ‘શિકારી ખુદ યહાં શિકાર હો ગયા’ જેવો ઘાટ સર્જાયો.

વેઇટ, એક કામ કરીએ, અમે તમને દરેકના પર્સ્પેક્ટિવથી સ્ટોરી કહીએ. આ ષડ્યંત્રનાં બીજ રોપાયેલાં આજથી આઠ વર્ષ પહેલાંની એક સામાન્ય લાગતી મુલાકાતમાં.

(આ સ્ટોરીમાં લખાયેલા એકેએક શબ્દ માટે પોલીસ સ્ટેશનના લૉકરમાં પડેલાં દરેક નિવેદન-દસ્તાવેજ, FIR, તપાસમાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને ઓફિશિયલ માહિતી મેળવવામાં આવી છે. ઓળખ છતી ન થાય એ માટે તમામ વ્યક્તિઓનાં નામ બદલાવેલાં છે.)

***

‘હું પૈસાનો વરસાદ કરવાની વિધિ શીખીને આવ્યો છું’ 2018 અમદાવાદ સાંજનો સમય હતો. સરખેજ-ગાંધીનગર હાઇવે પર ઓફિસથી છૂટેલા કોર્પોરેટ ઓફિસરોની ગાડીઓ ઘોડાની રેસની જેમ દોડી રહી હતી. ટ્રાફિકથી ધમધમતા અમદાવાદના સૌથી વ્યસ્ત રોડના એક કાંઠે 38 વર્ષનો નવીન પંચાલ ચાની ચૂસ્કી લેતાં લેતાં એના જ સમાજના એક વ્યક્તિની રાહ જોઈ રહ્યો હતો. અમદાવાદની નાનકડી પ્યાલીની ચા પૂરી થઈ ને હજુ ખિસ્સામાંથી પૈસા કાઢી આપવા જતો હતો ત્યાં ‘મુકેશ’ આવ્યો. મુકેશ મિસ્ત્રી! જમીન-લે વેચમાં દલાલીનું કામ કરતો અપરિણીત મુકેશ એક નંબરનો ચાલાક અને શેતાની દિમાગનો. એણે નવીન સાથે વાત ચાલુ કરી ને વાત કરતાં કરતાં બેટપીચ બોલ ફેંક્યો. જે નવીનને લાલચાવવા માટે પૂરતો હતો.

‘એ જય વિશ્વકર્મા ભાઈ! કેમ છો?’ મુકેશ આવતા વેંત નવીને વાત ચાલુ કરી. ‘જય વિશ્વકર્મા ભાઈ, તમે તો ફોન પર જ મળો છો. રૂબરૂ મળ્યે તો લાંબો ટાઇમ થઇ ગયો.’ મુકેશ બોલ્યો. ‘હા ભાઈ, આ કામ ધંધામાં ક્યાં નવરા થઈએ છીએ?’ નવીન બોલ્યો.

બંનેની વાતો ચાલુ હતી ત્યાં મુકેશે નવી વાત માંડી, ‘ભાઈ હું તો વાંઢો છું, એટલે ઘરે થોડો ટાઈમ મળી રહે છે. હમણાં નવરો હતો તો મારા ગુરુ પાસે એક વિદ્યા પણ શીખી આવ્યો છું. એમની પાસે તપ કર્યું તો ગુરુજીએ એક વિધિ શીખવાડી છે, જેનાથી પૈસાનો વરસાદ થઈ શકે છે.’ ‘હેં? તો કરો ને, શેની રાહ છે?’ નવીનને લાલચ જાગી. મુકેશે ડચકારો બોલાવ્યો, ‘પણ એ વિધિ અત્યારે નહીં થઈ શકે.’ અધીરો થયેલો નવીન કહે, ‘કેમ? શું પ્રોબ્લેમ છે?’ પોતાની દાઢીમાં આંગળી ફેરવતા ફેરવતા મુકેશ એક આંખ ઝીણી કરીને કહે, ‘એ માટે વિધિમાં નગ્ન સ્ત્રીને બેસાડવી પડે. કોઈ સ્ત્રી નગ્ન અવસ્થામાં વિધિમાં બેસવા તૈયાર હોય તો અને પૈસાનો વરસાદ કરાવવો હોય તો કહેજો. તમને ય સારા એવા પૈસા મળશે.’

આ વાત નવીનના દિમાગમાં ઘૂસી ગઈ. સમય વીતતો ગયો. કેલેન્ડરનાં પાનાં ફરતાં ગયાં ને એમાં નવીનને ચામુંડા માનાં દર્શન કરવા વાઘણા ગામે જવાનું થયું. ત્યાં મંદિરે નવીનની મુલાકાત થઈ રાહુલ (48 વર્ષ) સાથે. રાહુલની કડીમાં ફેક્ટરી હતી, પણ કોઈ કારણોસર એ ફેક્ટરી વેચી દીધી હતી અને અત્યારે પ્રાઇવેટ કામ કરતો હતો. વાતો વાતોમાં મિત્રતા થઈ ગઈ અને બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી. ‘પૈસાના વરસાદ માટે નગ્ન થઇને બેસે તેવી સ્ત્રીની જરૂર છે’

એક મહિના પછી ગોતા ચોકડી, અમદાવાદ હવે આ વખતે પોતાના કોઈ કામથી સિદ્ધપુરના રાહુલને અમદાવાદ આવવાનું થયું. સાંજ પડતાં સુધીમાં કામ પતાવ્યું ને મહિના પહેલાં મળીને ગયેલા નવીનને યાદ કર્યો. ફોનની ઘંટડી વાગતાં જ નવીન ગોતા ચોકડીએ હાજર થયો ને બંનેએ ચાની ચુસકી લગાવી. વાતવાતમાં નવીને પેલી મુકેશની પૈસાના વરસાદવાળી વાત ટપકાવી. ‘મારો સાણંદવાળો એક મિત્ર છે એને એક વિધિ આવડે છે. પણ એ માટે વિધિમાં સ્ત્રીને વિના કપડે બેસાડવી ફરજિયાત છે. આવી કોઈ સ્ત્રી તમારા ધ્યાનમાં હોય તો કહેજો, આપણને સારા પૈસા મળે એવું છે.’

લાલચ સૌથી મોટો ચેપી રોગ છે. નવીનની લાલચનો ચેપ હવે રાહુલને પણ લાગ્યો. એણે નક્કી કરી લીધું કે, મારે આ વિધિ કરાવવી છે. વિધિ માટે બે વસ્તુની સૌથી વધુ જરૂર હતી, ઉઘાડા ડીલે વિધિ કરવા બેસવા તૈયાર હોય એવી સ્ત્રી અને એવી કહેવાતી વિધિ કરી શકાય તેવું અવાવરું ઘર.

રાહુલે પહેલાં ઘર શોધવાનું શરૂ કર્યું. ત્યાં યાદ આવ્યું કે, વાઘણાવાળા મિત્ર કનુજીએ એકવાર ઘર બાબતે વાત કરી હતી. કનુજીને વાત કરી તો કનુજીએ રસ્તો બતાવ્યો, ‘જો તમારે વિધિ કરવી હોય તો તવાડિયા રોડ પર તલાજીનું મકાન ખાલી પડ્યું છે, જેમાં ઉપરનો માળ ખાલી છે. ત્યાં વિધિ થઈ જશે.

‘તમે સ્ત્રી શોધી લાવો, હું એને વશમાં કરીને પૈસા વરસાવીશ’ 28 નવેમ્બર 2021 જેવું ઘરનું સેટિંગ થયું, રાહુલે તરત જ નવીનને ફોન કર્યો ને કહ્યું કે, તમે અને ભુવાજી સિદ્ધપુર આવી જાઓ. આપણે પૈસાના વરસાદની વિધિ કરવાની છે. ઘરની વ્યવસ્થા થઈ ગઈ છે, તમે આવી જાઓ અને સ્ત્રીની ચિંતા ન કરતા, એ વ્યવસ્થા પણ થઈ જશે. જેવું ગ્રીન સિગ્નલ મળ્યું નવીન અને મુકેશે બીજા જ દિવસે સિદ્ધપુરની વાટ પકડી ને નીકળી પડ્યા વિધિ કરવા. ચારેક વાગ્યે તો સિદ્ધપુર પહોંચી પણ ગયા, ને ત્યાંથી રાહુલ આ બધાને લઈ ખાલી મકાનમાં લઈ ગયો.

ચારે બાજુ વાડી ને વચ્ચે બે માળનું મકાન. મકાનમાં ગમે તે થાય, આજુ બાજુ કોઈને જરાસરખો પણ અવાજ ન સંભળાય એવી જગ્યાએ રાહુલે સેટિંગ કરી રાખ્યું હતું. ઘરમાં જઇ સારી રીતે બેસી, થોડી વારમાં શેતાન મુકેશ ભૂવાએ પોતાની ડિમાન્ડ મૂકી, ‘તમારે પૈસાના વરસાદની વિધિ કરવી હોય તો ઉઘાડી થઇને બેસે એવી સારી છોકરી લઈ આવો. હું એને વશમાં કરી એના પર પૈસાનો વરસાદ કરાવીશ.’ ત્યાં રાહુલને યાદ આવ્યો છાપી ગામનો એનો મિત્ર હનીફા.

‘હું ને મારી બહેનપણી બંને આ વિધિમાં બેસવા તૈયાર છીએ’ 2 ડિસેમ્બર 2021 ચાર દિવસથી ભૂવો મુકેશ અને નવીન વાડી વચ્ચેના એ ઘરમાં જ હતા. રાહુલે હનીફાને જેવી આખી વાત કરી તો હનીફાએ પહેલાં તો ના પાડી પણ પછી એ લાલચનો માર્યો પણ તૈયાર થઈ ગયો. ચારેબાજુ ઘોડા દોડાવવાનું શરૂ કર્યું. હનીફાનું કામ માર્કેટિંગનું, એટલે એને યાદ આવ્યું કે, મારી સાથે માર્કેટિંગનું કામ કરતી ખુશાલીને વાત કરું તો કદાચ કશુંક થઈ જાય. વાત સાંભળી ખુશાલી તો તરત જ તૈયાર થઈ ગઈ ને હા પાડી દીધી કે, ‘હું ને મારી મિત્ર સવિતા બંને આવીશું.’

‘સિદ્ધપુરમાં એક બાપુ આવ્યા છે, પૈસા વરસાવશે’ 02 ડિસેમ્બર 2021 સવારે 11:30 વાગ્યે પાલનપુર ખુશાલી લાલચુ ખરી પણ સાથે ચાલાક પણ. વાતો પર પૂરો વિશ્વાસ ન બેઠો એટલે એણે એની બહેનપણી સવિતાને પણ સાથે તૈયાર કરી. ખુશાલીએ સવિતાને ફોન કર્યો કે, ‘સિદ્ધપુરમાં એક બાપુ આવ્યા છે. આ આપણા પર પૈસાનો વરસાદ કરશે. તું આવીશ મારી સાથે?’ પાલનપુરમાં રહેતી 32 વર્ષની સવિતા વિધવા હતી ને પોતાના 14 વર્ષના દીકરા સાથે પાલનપુર એકલી જ રહેતી. પાર્ટી માલદાર, પાલનપુર સિટીમાં પોતાના નામે મકાન, પોતાની કિયા સોનેટ કાર. છતાં જેવી પૈસાના વરસાદની વાત સાંભળી બંને યુવતીઓ વિધિ માટે તૈયાર થઈ ગઈ ને હા પાડી કે, કલાકમાં હું આવું છું.

કિયા કારમાં લાલચુ અંધશ્રદ્ધાળુઓ સવાર થયાં બપોરના 12 વાગ્યાનો સમય અડધા કલાકમાં તો સવિતા તૈયાર થઇને પોતાની કિયા સોનેટ લઈ નીકળી ગઈ. પાલનપુરથી જગાણા પહોંચી ખુશાલી ને મળી ને ત્યાંથી બંને બહેનપણીઓ નીકળી પડી. એણે રસ્તામાં હનીફા અને એના મિત્ર કાસિમને પણ સાથે લીધા. ગાડી આગળ ચાલી ત્યાં રાહુલ એનું એક્ટિવા લઈને ત્યાં ઊભો જ હતો. રાહુલ આગળ પેટ્રોલિંગ કરતો ગયો ને પાછળ સવિતાની કિયા દોડતી ગઈ.

થોડી વારમાં તો બધા ગણેશપુરા ગામની સીમમાં રાખેલા એ અડ્ડાએ પહોંચી ગયાં, જ્યાં પહેલેથી અમદાવાદથી આવેલા મુકેશ અને નવીન હાજર જ હતા. એમાંય ઉપરથી રાહુલની સાથે એના બે મિત્રો ભારતજી અને કનુજી હાજર જ હતા. યાને કે આખા કમઠાણમાં હવે આઠ લોકો સામેલ થયા.

‘મને આ છોકરીમાં જીન દેખાય છે’ બંને યુવતીઓ મુકેશ ભૂવાની સામે બેઠી. ખુશાલી કરતાં એની બહેનપણી સવિતા વધારે દેખાવડી હતી એટલે હવસખોર મુકેશે મનોમન એનો જ લાભ લેવાનું નક્કી કર્યું. પણ એમ ખુશાલીને ના કેમ પાડવી? એટલે બંનેની સામે જોઈ માળા ફેરવવાનું નાટક શરૂ કર્યું. 5 મિનિટ પછી મુકેશ કહે, ‘મને ખુશાલીમાં જીન દેખાય છે, એટલે એના પર વિધિ નહીં થઈ શકે. સવિતા પર થઈ શકશે.’ સવિતા તૈયાર પણ થઈ ગઈ.

બંધ ઓરડામાં સવિતા નગ્ન થઇને બેઠી 3:00 PM વાડી વચ્ચે વિધિનું ઘર મુકેશ સવિતાને અંદરના રૂમમાં લઈ ગયો ને બાકીના બધાને બહાર બેસવાનું કહ્યું. મુકેશે રૂમનો દરવાજો બંધ કર્યો ને સવિતાને અંદરના રૂમમાં ગાદી પર બેસાડી. મુકેશે બધી જ તૈયારી કરી રાખી હતી. અંધારિયો રૂમ, ચારેબાજુ ધુમાડો, હાથમાં મોરપીંછનું ઝાડુ, જમીન પર કુંડાળું, એના પર ક્યાંક ક્યાંક દીવા ને મીણબત્તી. શરીરે ભભૂત ચોળીને માથે કાળો રૂમાલ, હાથમાં માળા, નીચે લુંગી પહેરેલા મુકેશે ‘પૈસાનો વરસાદ કરવાની વિધિ’ ચાલુ કરી.

‘તારું શરીર શુદ્ધ નથી, રાત્રે તને શુદ્ધ કરવી પડશે’ સવિતા બેઠી એટલે મુકેશ ભૂવો એનો હાથ સવિતાના નાક પાસે લઈ ગયો ને પૂછ્યું કે, અત્તરની સુગંધ આવે છે? સવિતાએ તો ના પાડી. મુકેશે પછી સવિતાને એક લાદી પર બેસાડી ને કહ્યું, ‘તને શરીરે વાઇબ્રેશન અનુભવાય છે?’ સવિતાએ એમાં પણ ના પાડી. મુકેશે સવિતા પર અત્તરનો છંટકાવ કર્યો. ધૂપ-ધુમાડા કરી અષ્ટમ્-પષ્ટમ્ શ્લોક બોલવાના શરૂ કર્યા. અડધી કલાક સુધી નાટક ચાલુ રાખ્યા ને પછી મુકેશે વિચાર્યું કે, આ સવિતા રૂપાળી છે, તો રાત્રે એને નગ્ન કરી એના પર ‘વિધિ’ કરીશ.

અચાનક એણે જાહેર કર્યું, ‘હમણાં તારા પર વિધિ નહીં થઈ શકે, કેમ કે તારું શરીર શુદ્ધ નથી. પહેલાં શરીર શુદ્ધિકરણ કરવું પડશે. તમે હવે રાત્રે આવજો.’ સવિતા તો ચિઠ્ઠીની ચાકર. બહાર નીકળી ને, ત્યાંથી ખુશાલી સાથે કારમાં બેસી ચાર વાગ્યે પાલનપુર પરત જતી રહી.

***

સાંજના 6:00 વાગ્યે બીજી બાજુ, ભૂવાને અને સાગરીતોને બીક પેઠી કે હવે એ બંને પાછી નહીં આવે તો? એટલે અધીરા થઈ પાછો ફોન કરી દીધો. ખુશાલીએ સવિતાને કોલ કર્યો કે, ‘રાત્રે 8:30 વાગ્યે ફરી વિધિમાં બેસવાનું છે.’ આ બાજુ ખુશાલી અને સવિતાને પણ પૈસાની જરૂર હતી. એટલે રાત્રે 8:30 વાગ્યે બંને ફરી ત્યાં પહોંચી ગયાં.

બંધ ઓરડામાં ધુમાડા વચ્ચે ‘વિધિ’ શરૂ થઈ રાતના 9:30 વાગ્યે દરવાજા બહાર ઊભેલા નવીન, રાહુલ, હનીફા, કાસિમ, તલાજી, કનુજી અને કલુજી ત્યાં જ ઊભા હતા. બધાએ મળી સવિતાને સમજાવી કે, પહેલાં તારા શરીરનું શુદ્ધિકરણ કરવું પડશે. એટલે તું અંદર જઈ મુકેશભુવાજી સામે બેસ. સવિતા તૈયાર થઈ ને અંદરના રૂમમાં ગઈ. જેવો દરવાજો ખોલ્યો ત્યાં સામે ગાદી પર મુકેશ ‘ભુવાજી’ બેઠા હતા ને સવિતાને સામેની ગાદીએ બેસવાનું કહ્યું. જેવી સવિતા સરખી રીતે બેઠી એટલે મુકેશ ઊભો થયો ને દરવાજો બંધ કરી દીધો. વિધિમાં નગ્ન બેસવું પડશે, એ તો વાત થઈ જ હતી. એટલે શરૂઆતમાં અગરબત્તી અને ગૂગળથી ધૂપધૂમાડા કરવાની શરૂઆત કરી અને થોડા થોડા શ્લોક બોલવા માંડ્યો.

***

‘મેં તો સવિતાની મરજીથી એની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો’ અહીં સુધી વાત એકદમ સીધી લીટીમાં હતી, પણ અહીંથી દરેકનાં અલગ અલગ સ્ટેટમેન્ટ છે.

પહેલાં મુકેશ ભૂવાનું સ્ટેટમેન્ટ જાણીએ : ‘સવિતા નગ્ન થઈ વિધિ કરાવવા માટે સહમત જ હતી. એટલે થોડા શ્લોક બોલી પછી મેં કહ્યું કે, હવે તારે કપડાં ઉતારવા પડશે. તો એણે વારાફરતી પોતાનાં બધાં જ કપડાં કાઢી નાખ્યાં. થોડી જ વારમાં એ સંપૂર્ણપણે નગ્નાવસ્થામાં બેસી ગઈ. એટલે પછી મેં એના શરીરના અંગેઅંગ પર મારો હાથ ફેરવવાનું શરૂ કર્યું ને પછી સ્પર્શ વિધિ પૂરી થઈ એટલે મેં એની મરજીથી એકવાર સવિતા સાથે શરીર સબંધ બાંધ્યો હતો. પછી ફરી વિધિ કરવાનો પ્રયત્ન કર્યો, પણ પૈસાનો વરસાદ થયો નહીં. એટલે પછી હું સવિતાને લઈને બહાર ગયો.’

‘ભૂવાએ મને બેભાન કરીને મારા પર દુષ્કર્મ કર્યું’ જો કે પીડિત સવિતાના સ્ટેટમેન્ટ મુજબ વાતમાં થોડો ટ્વિસ્ટ છે: ‘હું જેવી અંદર ગઈ એટલે મુકેશ ભુવાજીએ દરવાજો અંદરથી બંધ કરી દીધો અને પછી મારી પાસે આવી મને ગુલાબનું પાણી સૂંઘાડી પૂછ્યું કે, ‘ગુલાબની સુગંધ આવે છે?’ એમાં સુગંધ હતી એટલે મેં હા પાડી. એટલે મુકેશ ભૂવાએ મને કહ્યું કે, આ પાણી પી લો એટલે તમારું શરીર શુદ્ધ થઈ જશે. મેં જેવું એ પાણી પીધું એટલે હું અર્ધબેભાન થઈ ગઈ હતી. એ પછી મુકેશે મારી પાસે આવીને મારા કપડાં ઉતારવાનું શરૂ કર્યું. મને થોડું થોડું ભાન હતું ત્યારે એ મારા શરીર સાથે કશુંક કરતા હતા. પણ એ પછી હું સંપૂર્ણ બેભાન થઈ ગઈ હતી. લગભગ બે કલાક બાદ મને ફરી ભાન આવ્યું. પણ જ્યારે ભાનમાં આવી ને જોયું તો મારા ગુપ્તાંગમાં લોહી નીકળેલું હતું અને મને બહુ જ પીડા થતી હતી. હું જેવી ભાનમાં આવી કે તરત જ મુકેશભાઇએ મારા હાથમાં લીંબું આપી દીધું અને કહ્યું કે, જો આ વાત તું બહાર જઈને કોઈને કહીશ તો તારા પરિવારમાં બધાને લોહીની ઊલટીઓ થવા માંડશે. એ પછી મને કપડાં પહેરાવ્યાં અને મને લઈને બહાર આવ્યા.’

આમાં કોણ સાચું એ આજ સુધી નક્કી નથી થયું, પણ હવે જે બન્યું એ અમાનવીય હતું.

***

‘આજે નહીં, કાલે પૈસાનો વરસાદ થશે’ સવિતા અને મુકેશ જેવા બહાર આવ્યાં એટલે રાહુલ, હનીફા, ખુશાલી અને અન્ય લોકોએ મુકેશ પર તાડૂકવાનું શરૂ કર્યું કે, પૈસાનો વરસાદ કેમ ન થયો? તું ખોટું બોલતો હતો? મુકેશે ફરી એ લોકોને સમજાવ્યા કે, ચિંતા ન કરો, કાલે સવારે વિધિ થઈ જશે. કાલે તમે લોકો ફરી આવો, હું પૈસાનો વરસાદ કરી આપીશ. અંતે બધા સહમત થયા. મુકેશની અને નવીન ત્યાં એ સીમ વચ્ચેના ઘરમાં જ રોકાયા અને બાકીના બધા ઘરે જવા નીકળ્યા.

‘સાંભળ, મેં પેલી સાથે સેક્સ કર્યું છે, કોઈ પૈસા પડે એમ નથી’

3 ડિસેમ્બર 2021 સવારના 8 વાગ્યા પહેલાં રાત્રે જે રીતે સવિતાના સાગરીતોએ મુકેશને ધમકાવ્યો, મુકેશ ડરી ગયો હતો પણ રાત્રે કશું ન બોલ્યો. સવારે ઊઠતાંવેંત જ પહેલાં રાહુલને બોલાવ્યો અને કહ્યું કે, ‘રાત્રે સવિતાને નગ્ન કરી વિધિના બહાને મેં એની સાથે સેક્સ કર્યું હતું. આ વિધિમાં કોઈ પૈસા પડે એમ નથી.’ રાહુલ બરાબરનો ખિજાયો અને પછી ડરેલા અવાજે બંનેને અમદાવાદ ભાગી જવાનું કહ્યું. મુકેશ અને નવીન ઊભી પૂંછડીએ ભાગ્યા.

‘ભૂવાએ મને ધમકી આપી છે, કોઇને કહીશ તો લોહીની ઊલટીઓ થશે’ પરંતુ ખુશાલીને રાત્રે સવિતાની તબિયત બરોબર નહોતી લાગી એટલે સવારે તબિયત પૂછવા સવિતાને ફોન કર્યો. ફોન કરતાં વેંત જ સવિતાએ બધું કહી દીધું કે, કાલે રાત્રે મારી સાથે દુષ્કર્મ થયું હતું, પણ મને કોઈને કહેવાની ના પાડી હતી કે જો કોઈને કહીશ તો લોહીની ઊલટીઓ થશે. ખુશાલીએ સીધો જ એમના મિત્ર હનીફાને ફોન કર્યો કે, ‘તમે કહ્યું ત્યાં અમે આવ્યાં, પણ એ નફ્ફટે વિધિના નામે મારી મિત્ર સવિતા સાથે દુષ્કર્મ કર્યું છે.’ હનીફા દોડતો દોડતો બંને પાસે આવ્યો અને અમે રાહુલભાઇને ફોન કર્યો કે, આ બાબતે અમારે બંને ભૂવાઓને મળવું છે. રાહુલભાઈએ પહેલાં તો હાથ ઊંચા કર્યા કે મને ખબર નથી, પણ પછી થોડી પૂછપરછ કરતાં બોલી ગયો કે, એ લોકો અમદાવાદ તરફ ગયા છે.’ ખુશાલીએ તલાજી, કાસિમ, હનીફા અને રાહુલને સવિતાની કિયા ગાડીમાં બેસાડ્યા ને અમદાવાદ તરફ ગાડી ભગાવી.

ભૂવો અને સાગરીત બંનેને હોકીથી ઝૂડી નાખ્યા આગળ મુકેશ-નવીનની ગાડી અને પાછળ ફુલ સ્પીડમાં સવિતાની ટોળકી. મુકેશની ગાડી હજુ તો કલોલ પહોંચે એ પહેલાં તો સવિતાએ કિયાથી એમને પકડી પાડયા. બંને અમદાવાદીઓ છત્રાલ પાસેની એક કીટલીએ ચાની ચૂસકી મારતા હતા ને ત્યાં આ આખું ટોળું આવી પહોંચ્યું. મુકેશ-નવીનને ગાડીમાં ભર્યા ને સિદ્ધપુર બાજુ ગાડી ભગાવી. સવિતાએ રસ્તામાં કહ્યું કે, ચલો હવે પૈસાના વરસાદની વિધિ કરો. પણ મુકેશને તો કોઈ વિધિ આવડતી જ નહોતી તો પૈસાનો વરસાદ ક્યાંથી થાય? એટલે ખુશાલી અને સવિતા ઉશ્કેરાઈ કે, આણે આપણને ઉલ્લુ બનાવ્યા છે. બંને બહેનપણીઓએ મળી ગાડીમાંથી હોકી સ્ટિક અને લાકડીઓ કાઢી, બંનેએ મળી મુકેશ અને નવીનને મારી મારીને અધમૂવા કરી મૂક્યા.

‘આ બંનેની ગુદાના ભાગે લાકડીઓ ઘુસાડ, ને વીડિયો ઉતારજે’ આટલેથી ન અટકતાં સવિતાએ એના પાલનપુરના જ મિત્ર આકાશ પંચાલને ફોન કર્યો અને એને પણ ત્યાં બોલાવ્યો. સવિતાએ આકાશને કહ્યું કે, અમે આને સિદ્ધપુરથી લાવ્યા છીએ. આપણે આની પાસેથી 10 લાખ રૂપિયા લેવાના છે, એટલે આને તારા ઘરે રાખવાના છે. આકાશ તરત જ તૈયાર થઈ ગયો. બંનેને આકાશના ઘરે રાખ્યા અને ફરી મુકેશને માર્યો, પણ એની પાસેથી પૈસા નીકળે એમ હતા નહીં. એટલે અંતે કંટાળી સવિતાએ એના મિત્ર આકાશને ક્રૂરતાથી કહ્યું કે, ‘આણે મારી સાથે બહુ ખોટું કર્યું છે. હવે આપણો વારો છે. તું આ બંનેના ગુદાના ભાગે લાકડીઓ ઘૂસાડ અને એનો વીડિયો પણ ઉતારજે.’ એમ કહી બંને બહેનપણીઓ ઘરે જવા નીકળી ગઈ.

‘આણે અમારા બંને વચ્ચે ગંદું કામ કરાવ્યું’ આ બાજુ આકાશ પૂરેપૂરો ક્રૂર માણસ. એણે સવિતાની વાત તો માની, પણ એનાથી આગળ વધી ઓર ક્રૂરતા આચરી. મુકેશના કહેવા મુજબ, ‘આકાશે રાત્રે દસેક વાગ્યા બાજુ મને બળજબરીથી એનો પેશાબ પીવડાવ્યો અને પછી ઉપરના રૂમમાં લઈ ગયો અને પછી જબરજસ્તીથી એનું લિંગ મારા મોઢામાં ઘૂસાડી ગંદું કામ કરાવતો હતો. એ પછી આકાશે મને નગ્ન કર્યો, મા-બહેન સમાણી ગાળો દઈ મારી ગુદામાં અનેક વાર લાકડીઓ ઘૂસાડી. એ પછી આકાશે નવીન સાથે પણ આ જ ક્રૂરતા આચરી. ઉપરથી એણે અમારા બંને વચ્ચે પણ ગંદું કામ કરાવ્યું. રાત્રે 12 વાગ્યા સુધી આકાશે અમારી સાથે આવું કર્યું. એ પછી 12:30 વાગ્યા બાજુ સવિતા અને ખુશાલી આવી જતાં આકાશે અમારી સાથે જે કર્યું હતું એ બધાના વીડિયો બતાવ્યા. સવિતા એને રોકવાને બદલે વીડિયો જોઈને બોલી કે, ‘જે કર્યું એ બરોબર કર્યું છે.’ અને પછી ફરી સવિતા અને ખુશાલીએ મળી અમને બંનેને માર માર્યો હતો.’

દુષ્કર્મ પીડિતાએ આરોપીના પરિવાર પાસેથી 10 લાખની ખંડણી માગી? આ બધાની વચ્ચે આકાશ, સવિતા અને ખુશાલી મળી મુકેશના ભાઈને ફોન કરી 10 લાખની માગણી કરી. પણ જેવી મુકેશના ભાઈને આ બધા વિશે ખબર પડી, એણે તાત્કાલિક ધોરણે પોલીસનો સંપર્ક કર્યો. મામલો પહોંચ્યો બનાસકાંઠા SP અક્ષયરાજ મકવાણા પાસે. IPS મકવાણાએ તાત્કાલિક ફોન કોલ પરથી લોકેશન કઢાવ્યું અને એક્શનપ્લાન બનાવ્યો. પણ જ્યારે પોલીસ ટુકડી પાલનપુર પહોંચી ત્યાં તો મુકેશ લોહીલુહાણ હતો, અને તાત્કાલિક એને હોસ્પિટલ એડમિટ કરવો પડ્યો. મુકેશે પોતે સવિતા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો એ સ્વીકાર્યું, પણ એ ફરિયાદી બન્યો કે, આ લોકોએ મારી સાથે જે કર્યું એ અમાનવીય અને અસહ્ય છે. સામે પક્ષે સવિતા અને એના સાગરીતોએ આરોપ મૂક્યો કે, આ જુઠ્ઠું બોલે છે, એણે બળાત્કાર કર્યો હતો એટલે અમે એને માર્યો, પણ અમે કોઈ ખંડણી નથી માગી.’

***

કોણ ગુનેગાર? કોણ પીડિત? ડિસેમ્બર 2021થી આજે ડિસેમ્બર 2025 સુધીમાં હજુ આ કેસમાં કોઈ ચુકાદો નથી આવ્યો. આ કેસમાં તારીખ પર તારીખ જ ચાલે છે. હવે આમાં બળાત્કાર કરનાર મુકેશ વધુ ગુનેગાર કે મુકેશ સાથે આવું ક્રૂર કૃત્ય કરનાર સવિતા અને તેના સાગરિતો ગુનેગાર? કોણ ગુનેગાર અને કોણ વિક્ટિમ એ આજ સુધી નક્કી નથી થયું. પણ એટલું ક્લિયર છે કે, જો આ લોકો અંધશ્રદ્ધામાં અને લાલચમાં ન આવ્યા હોત અને પૈસાનો વરસાદ કરવા જેવી વાહિયાત બાબત પર વિશ્વાસ ન કર્યો હોત તો આ આખી ઘટના ઘટી જ ન હોત.

માયાજાળ - એપિસોડ 2 : પુનર્જન્મ માટે પતિ-પત્નીએ પોતાનો જ બલિ ચડાવી દીધો:કમળપૂજા માટે 200 કિલોનું ગિલોટિન બનાવ્યું, લોઢાની બ્લેડ નીચે પડી ને માથાં ધડથી અલગ!

માયાજાળ - એપિસોડ 3 : પૈસાના વરસાદની તાંત્રિક વિધિ માટે ખેલાયો ખૂની ખેલ:પોલીસના ઘરડા મા-બાપને ધારિયાથી રહેંસી નાખ્યાં; કડલા ન નીકળ્યા, તો નરાધમોએ પગ કાપી નાખ્યા

માયાજાળ - એપિસોડ 4 : મહિલાએ પતિ-દીકરાના આત્માને બોલાવવા સ્મશાનમાં કાળા નાગની વિધિ કરી:અમદાવાદની વિધવાને 14 લાખનો ચૂનો લાગ્યો; 15-20 લોકો યુવતીને ખાટલા સાથે બાંધીને લાવ્યા

માયાજાળ - એપિસોડ 5 : ‘આ ડાકણ છે, મરી જાય ત્યાં સુધી મારો’:'ઓપરેશન દેવી'એ 64 સ્ત્રીને બચાવી, 'લોકો મને જોઈને થૂંકતા, ગંદી ગાળો આપી રસ્તો બદલી નાખતાં

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links