- Gujarati News
- Dvb original
- Gujarat Serial Killer Navalsinh Chavda Murder Case; Jigar Secret And Asur Series Launch On Divya Bhaskar App
અસુર-1‘સાહેબ, કાલે મર્ડર થવાનું છે, રોકી લેજો’:12 મર્ડર કરનારો સિરિયલ કિલર ભૂવો, સાળાએ ભાઇના ખૂનનો બદલો લેવા છ મહિના ટેક્સી ચલાવીને પકડાવ્યો
- કૉપી લિંક

30 નવેમ્બર 2024 સાંજે 7:30 વાગ્યાનો સમય DCP ઝોન 7 ઓફિસ, સેટેલાઈટ, અમદાવાદ
શનિવારની સાંજ હતી, ગુલાબી ઠંડીના માહોલમાં અધિકારીઓ રૂટિન કામ પતાવીને નીકળવાની તૈયારીમાં હતા, ત્યાં DCP (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ)નો મોબાઈલ રણક્યો. ‘યસ્સ, IPS શિવમ વર્મા બોલ રહા હૂં, આપ કૌન?’ ‘સાહેબ, હું જિગર. કાલે મુમતપુરા ગ્રાઉન્ડમાં એક મર્ડર થવાનું છે. મારો શેઠ જ મર્ડર કરવાનો છે. માહિતી પાક્કી છે, મારી પાસે કોલ રેકોર્ડિંગ અને બધા જ પ્રૂફ છે. સાહેબ પ્લીઝ, આ મર્ડર રોકી લેજો!’ ફોન કટ! એક નનામા ફોન પર મળેલી મર્ડરની આગોતરી માહિતી પર કેટલો વિશ્વાસ કરવો? પરંતુ IPS શિવમ કોઇ ચાન્સ લેવા નહોતા માગતા. એ જ સેકન્ડે PIને બોલાવ્યા અને નંબર ટ્રેક કરી માહિતી કઢાવવા કહ્યું. PIએ તરત જ પોતાના સૌથી મજબૂત ઘોડા દોડાવ્યા અને બે કલાકમાં તો જિગર તેમની સામે ઓફિસમાં બેઠો હતો! ‘સાહેબ, હું ખોટું નથી બોલતો, મારી પાસે બધા પ્રૂફ છે. તમને રેકોર્ડિંગ સંભળાવું?’ DCP શિવમ વર્મા સામે આવતાં જ ડરેલા જિગરે પોતાનો ફોન ટેબલ પર મૂકી દીધો.
***
કોણ હતો આ જિગર? તેની પાસે મર્ડરની આગોતરી માહિતી ક્યાંથી આવી? કોણ કોનું મર્ડર કરવાનું હતું? આ બધા સવાલોના છેડે 12 હત્યા કરી ચૂકેલા ગુજરાતના સૌથી મોટા સિરિયલ કિલરનું સિક્રેટ ખૂલવાનું હતું. દિવ્ય ભાસ્કર એપ પર આજથી શરૂ થઈ રહી છે ગુજરાતના સૌથી ખૂનખાર સિરિયલ કિલર્સની લોહિયાળ અને જબરદસ્ત થ્રિલિંગ સિરીઝ ‘અસુર. એના પહેલા એપિસોડમાં આજે વાંચીએ નવલસિંહ ચાવડા નામના સિરિયલ કિલરની થથરાવી મૂકતી દાસ્તાન. સ્ટોરીમાં લખાયેલા એકેએક શબ્દ માટે પોલીસ સ્ટેશનના લૉકરમાં પડેલાં દરેક નિવેદન-દસ્તાવેજો, તપાસમાં જોડાયેલા સિનિયરથી જુનિયર ઓફિસર્સ અને કર્મચારીઓ સાથે મળીને ઓફિશિયલ માહિતી મેળવવામાં આવી છે.

‘એ હત્યારો નવલસિંહ માતાજીનો ભૂવો છે’ પોલીસે જિગરને વિશ્વાસમાં લેતાં જ જિગરે મર્ડરનો આખો પ્લાન કહેવાની શરૂઆત કરી. ‘સાહેબ, હું મૂળ સુરેન્દ્રનગરનો, પણ છેલ્લા 6 મહિનાથી અહીં અમદાવાદમાં જ રહું છું. મારી પાસે એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી હતી, પણ પૈસાની તાણ પડતાં મેં એ વેચી નાખી અને અહીં કામ શોધતો હતો. ત્યાં એકાદ વર્ષ પહેલાં મારી વાત મારા બનેવી નવલસિંહ ચાવડા સાથે થઈ. નવલસિંહ માતાજીનો ભૂવો છે, વઢવાણમાં મસાણી મેલડીનો મઢ ચલાવતો. છેલ્લા 6-8 મહિનાથી તેના દીકરાને ક્રિકેટ શિખવાડવા ક્રિકેટ એકેડમીના નામે અહીં અમદાવાદ રહે છે. દિવસે ઇકો ગાડી ભાડે ચલાવે છે. તેની સાથે હું તેના ડ્રાઈવર તરીકે કામ કરું છું. દિવસે એ ગાડી ચલાવે અને રાતે હું. મારી માહિતી મુજબ નવલ કાલે રવિવારે બપોરે અભિજિતને મારી નાખવાનો છે.’

‘ગાડી હાંકે પૈસાવાળા નહીં થવાય!’ ‘આ અભિજિત કોણ?’ જિગરે બીજું પાનું ખોલ્યું, ‘સાહેબ, અભિજિતની ગાંધીનગરમાં વાઇન શોપ છે અને બીજા પણ બિઝનેસ છે. પૈસાવાળી પાર્ટી છે. અભિજિત છેલ્લા ઘણા ટાઈમથી નવલ પાસે મેલડીમાના આશીર્વાદ લેવા આવે છે. થોડા દિવસો પહેલાં નવલશેઠે મને કહ્યું કે ‘એલા જિગરા… આમ ને આમ ગાડીયું જ હંકારવી છે? ગાડી હાંકે પૈસાવાળું નઇ થવાય!’ ‘તો? બીજું શું કરીશું?’ ‘મારી પાસે એક પ્લાન છે,’ એમ કહી નવલસિંહે મને અભિજિતને પતાવી દેવાના બે પ્લાન કહ્યાઃ
પ્લાન નં. 1 ‘રવિવારે (એટલે કે હવે આવતીકાલે) આપણે અભિજિતને પતાવી દઇશું. મુમતપુરા ગ્રાઉન્ડમાં આપણા સમાજની ટુર્નામેન્ટ છે. ત્યાં મેં આપણું નામ લખાવી દીધું છે, એટલે આપણે ત્યાં જ હાજર છીએ એ સાબિત થઈ જશે. મેં અભિજિતને વિશ્વાસમાં લઈ લીધો છે કે હું એના પૈસા ત્રણ ગણા કરી આપીશ. એટલે કાલે બપોરે આપણી મેચ ચાલુ હશે ત્યાં અભિજિત તેની ગાડી અને સાથે લાખો રૂપિયા લઈને આવશે. હું એ પૈસા લઇ, આપણું પાણી પીવડાવી દઇશ. તેને કહીશ કે ‘જા, તારી ગાડીમાં 30 મિનિટ ક્યાંક આંટો મારતો આવ. તું પાછો આવીશ એટલે તારા પૈસા ત્રણ ગણા થઈ ગયા હશે.’ પણ એ જશે એની 10-15 મિનિટમાં તેને પાણીની અસર થઈ જશે. એ બેભાન થશે ત્યાં તેનો એક્સિડેન્ટ થઈ જશે અથવા તો એટેક આવી જશે, એટલે આપણી પર પણ કશું નહીં આવે અને પૈસા પણ આપણને મળી જશે.’
પ્લાન નં. 2 નવલે મને બીજો પ્લાન પણ કહ્યો હતો. ‘જો રવિવારે પ્લાન પાર ન પડ્યો તો બીજો પ્લાન વઢવાણ જઈ પાર પાડીશું. હું પહેલા વઢવાણ જતો રહીશ, ત્યાં જઈ કડિયાને બોલાવી ટાઇલ્સ ખોદાવી ખાડો કરાવી રાખીશ. બે દિવસમાં એ કામ થઈ જાય એટલે પછીનું કામ તારે કરવાનું છે. હું કહું એટલે અભિજિતને બોલાવી લેજે. મેં કહી રાખ્યું હશે કે તેણે તારી સાથે આવવાનું છે. જ્યાં રોડ પર કે આજુબાજુ કોઈ દુકાનોના કેમેરા ન હોય એવી જગ્યાએથી અભિજિતને તારી ગાડીમાં બેસાડી અહીં વઢવાણ લેતો આવજે, પણ હા, રસ્તામાં ક્યાંય પણ ગાડી ઊભી ન રાખતો અને જેવા ગાડીમાં બેસો એટલે તેનો ફોન બંધ કરાવી તારો ફોન પણ બંધ કરી દેવાનો, એટલે આગળનું લોકેશન ન પકડાય.’

‘લાશના ટુકડા કરી થેલીમાં ભરી દઇશ’ ‘અભિજિત વઢવાણનો ભાણો છે, એટલે તેને વઢવાણમાં બધા ઓળખે છે. કોઈ તેને જોઈ ન જાય એ માટે કારના કાચમાં પણ જાળી લગાવી દેજે. અભિજિતને વઢવાણ ઉતારી તું જતો રહેજે અને ધોળી પોળના દરવાજે ઊભો રહેજે. હું અભિજિતને પાણી પીવડાવી દઇશ અને જેવો જીવ જાય એટલે કુહાડીથી એના હાથ, પગ, ગળું બધું રપ્પા રપ્પા કાપી એક થેલીમાં ભરી લઇશ અને પેટમાં મીઠું ભરી ખાડો કર્યો છે એમાં દાટી દઇશ. એના મોબાઈલ, પર્સ કપડાં સાથે લઈ આપણે લીમડીના રસ્તેથી સરખેજ, અમદાવાદ જવા નીકળી જઈશું. રસ્તામાં કેનાલ આવશે ત્યાં ફોન ચાલુ કરી, કપડાં પર્સ, હાથ-પગ બધું ફેંકી દઇશું, એટલે છેલ્લું લોકેશન ત્યાંનું જ બતાવે. બસ, પછી તો લાખો રૂપિયા અને ઘરેણાં બધું આપણું!’
સિરિયલ કિલરની મોડસઓપરેન્ડી ભોગ બનનારને ‘પાણી પીવડાવી’ને પતાવી નાખવો એ ભૂવા નવલસિંહ ચાવડાની મોડસ ઓપરેન્ડી હતી. જેવી રીતે સાઉથમાં ‘સાયનાઇડ મોહન’ હતો, એ રીતે આ ‘સોડિયમ નાઇટ્રાઈટ નવલ’ હતો. દરેક મોત માટે સોડિયમ નાઇટ્રાઈટ (NaNO₂) નામનું ઝેરી કેમિકલ વાપરતો. કોઈ પણ પૈસાદાર માણસને પૈસા ત્રણ ગણા કરવાની લાલચ આપી ફસાવે, લાખો રૂપિયા લઈ મળવા બોલાવે. જેવી એ વ્યક્તિ પૈસા લઈ મળવા આવે એટલે તેને વિધિનું પાણી પિવડાવવાનું કહી, પાણીમાં સોડિયમ નાઇટ્રાઇટ ભેળવી પીવડાવી દે. સોડિયમ નાઇટ્રાઇટના કારણે વ્યક્તિ 15-20 મિનિટ પછી બેભાન થવા લાગે અને પાંચેક મિનિટમાં એનું હાર્ટ-એટેકથી મોત થઈ જાય. એ જ 15-20 મિનિટ માટે નવલસિંહ વિક્ટિમને અડધો કલાક તેમની જ ગાડીમાં આંટો મારવા જવાનું કહે, જેથી રસ્તામાં એક્સિડન્ટ કે હાર્ટ-એટેકથી મોત થઈ જાય અને જે પૈસા આપીને ગયો હોય એ પોતાના.

આ બધી માહિતી ઉપરાંત જિગરે પોલીસને નવલ સાથેની વાતચીતનાં રેકોર્ડિંગ પણ આપ્યા. હવે પોલીસનું ટાસ્ક હતું કોઇપણ ભોગે નવલસિંહને રંગે હાથ પકડવાનું.
***
10:30 PM અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનનો માહોલ ગરમ થઇ ગયેલો. ગમે તે ભોગે આ મર્ડર રોકવાનું હતું. IPS શિવમ વર્માએ તરત જ સરખેજ PI ધૂળિયા અને LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ના PSI વાય. પી. જાડેજા (હાલ PI)ની એક એક ટીમ બનાવીને નવલસિંહ અને અભિજિતને લઈ આવવા આદેશ આપ્યા. એક બાજુ પોલીસ દોડતી થઇ અને બીજી બાજુ નવલ અને અભિજિતના ફોન ટ્રેક કરવાનું સ્ટાર્ટ થયું, પરંતુ રાત્રે 10:30 વાગ્યા આસપાસ બંનેના ફોન બંધ આવ્યા. બંનેને ઘરે જઈ શોધ્યા તો ત્યાં પણ ગેરહાજર. ઘરના લોકોને પૂછ્યું, બંનેની સાંજની બેઠકો તપાસી, તો ત્યાં પણ કોઇ સગડ મળ્યા નહીં. રાતના 12:30 વાગ્યા સુધીમાં પોલીસના રાઇટર ASI બહાદુરસિંહે જિગરનું નિવેદન નોંધી લીધું. હવે રસ્તો એક જ હતો કે બીજા દિવસે સવારથી મુમતપુરા ગ્રાઉન્ડ પર વોચ રાખી મર્ડર રોકવાનું.
મર્ડર તો કાલે થવાનું છે, તો અત્યારે કેમ સાથે ફરે છે? રાત્રે સાડાબાર વાગ્યાની આસપાસ PSI જાડેજાએ ફરી એકવાર નંબર ટ્રેક કર્યા. તેમના આઘાત વચ્ચે આરોપી અને સંભવિત વિક્ટિમનું એટલે કે નવલ અને અભિજિત બંનેનું લોકેશન એક જ જગ્યાએ બતાવતું હતું! મતલબ કે અત્યારે બંને સાથે હતા, પરંતુ બાતમી પ્રમાણે મર્ડર તો કાલે થવાનું છે, તો અત્યારે કેમ સાથે? શું કાલનો પ્લાન અત્યારે જ પાર પાડવાનો હતો? અત્યારે જ મર્ડર થવાનું હતું? જવાબ માત્ર એક વ્યક્તિ પાસે હતો, નવલ પાસે! પોલીસ ટુકડીએ એ જ ક્ષણે ગાડીઓ સ્ટાર્ટ કરી ને ભગાવી.

***
12:45 AM વેજલપુર ગ્રાઉન્ડ, અમદાવાદ વેજલપુર પોલીસચોકી પાછળના ભાગે આવેલા લોકેશન પર પહોંચ્યા ત્યાં અંધારિયા ગ્રાઉન્ડ વચ્ચે એક મારુતિ સ્વિફ્ટ ડિઝાયર અને એક ટાટા હેરિયર પડી હતી, બંને ત્યાં જ હતા. હવે અંદર શું પરિસ્થિતિ છે એ જાણ્યા વિના કાર પાસે જવું પણ હિતાવહ નહિ, કેમ કે જો એ લોકોનો ઝઘડો ચાલતો હોય અથવા તેમની પાસે હથિયાર હોય તો પોલીસને જોઈ અભિજિતનો જીવ જઈ શકે તેમ હતો. પોલીસના 2-3 જવાનો જમીન પર લપાઈ ધીરે ધીરે હેરિયર નજીક ગયા અને ચેક કર્યું. ત્યાં અંદર ડ્રાઇવિંગ સીટ પર અભિજિત અને બાજુમાં પેસેન્જર સીટ પર નવલ બેઠો હતો, બંનેની શાંતિથી વાત ચાલતી હતી. કોન્સ્ટેબલે હાથ ઊંચો કર્યો અને આખી ટોળી તૂટી પડી અને બંનેને ગાડી અંદરથી બહાર કાઢ્યા. બાજુમાં પડેલી નવલની સ્વિફ્ટ ડિઝાયર અને ટાટા હેરિયર બંને કારની તપાસ ચાલુ કરી.
‘સાહેબ, અભિજિત તો મારો ભાણો થાય’ જેવી પોલીસ પહોંચી એ સાથે જ નવલસિંહ ભોળું પારેવું બની ગયો. નાના બાળકની જેમ એક જ વાત વાગોળે, ‘સાહેબ, અભિજિત તો મારો ભાણો થાય. હું કેમ તેને મારું? તમને કોઈ ગેરસમજ થાય છે.’ બીજી બાજુ પોલીસે અભિજિતને જિગર સાથે મળાવ્યો અને બધા રેકોર્ડિંગ સંભળાવ્યા. અભિજિતને હકીકતનું ભાન થયું અને તરત જ ફરિયાદી બન્યો. નવલસિંહ વિરુદ્ધ FIR થઈ અને બીજા જ દિવસે કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે અઠવાડિયાના રિમાન્ડ પણ આપી દીધા.

***
ભાઈ કા બદલા આ તો થઈ એક કેસની વાત. આ ફક્ત શરૂઆત હતી. પૂરી ક્રાઇમ સ્ટોરી હવે ખૂલવાની હતી. છેલ્લાં 5 વર્ષમાં થયેલી ડઝનબંધ હત્યાઓનો સિલસિલો બહાર આવવાનો હતો, પણ સૌથી મોટો સવાલ એ હતો કે જિગર રાઠોડ સામેથી પોલીસ પાસે કેમ આવ્યો? તેને તો પૈસા પણ મળવાના હતા અને આરોપી નવલ તો તેનો બનેવી હતો. તો પછી પોલીસ પાસે આવીને તેને પકડાવવાનું કારણ શું? જવાબ શોકિંગ છે.
દરઅસલ, આ આખું ષડ્યંત્ર જિગરના વેરની વસૂલાત હતી, જેનાં મૂળિયાં 2021માં રોપાયાં હતાં. નવલે 2021માં જિગરના સગા ભાઈ વિવેક રાઠોડને આ રીતે જ મારી નાખ્યો હતો. પોલીસ સામે જિગરે એ ચેપ્ટર ખોલ્યું.
ઓગસ્ટ 2021 અસલાલી, અમદાવાદ વિવેક (જિગરનો ભાઈ) પૂરેપૂરો ભૂવા નવલસિંહના કહેવામાં આવી ગયો હતો. નવલસિંહ જેમ કહે એમ જ કરવાનું. જેટલું કહે એટલો જ શ્વાસ લેવાનો. વિવેકને લગ્ન પછી ધંધો કરવો હતો, પણ જેટલું ફંડ જોઈએ એટલું ભેગું નહોતું થતું છતાં તેની પાસે 3 લાખ તો થઈ ગયા હતા. નવલસિંહે વિવેકને એ 3 લાખની વિધિ કરી ત્રણ ગણા કરવાની લાલચ આપી અસલાલી બોલાવ્યો. વિવેકને ત્યાં ‘મંત્રેલું પાણી’ પિવડાવ્યું અને બાઇક પર આંટો મારી આવવા કહ્યું. વિવેક ગયો અને સોડિયમ નાઇટ્રાઇટે એનું કામ કર્યું. થોડી જ વારમાં રસ્તા પર વિવેકનો એક્સિડેન્ટ થઈ ગયો.

સ્ટેન્ડ પર બાઇક રાખી એક્સિડેન્ટ કેમ થાય? પોલીસ આવી, તપાસ કરી અને રસ્તા પર મોત થયું હોવાના કારણે એક્સિડેન્ટમાં ખપાવી દેવામાં આવ્યું, પણ જિગરને આ વાતે વિશ્વાસ ન બેઠો. માત્ર જિગર જ નહિ, તેનો આખો પરિવાર માનવા તૈયાર નહોતો કે આ મોત એક્સિડેન્ટમાં થયું છે. હત્યાની પૂરેપૂરી શંકા હતી અને શંકા હકીકત તરફ દોરતી હતી. જિગર અને એના પરિવારે તપાસની અરજીમાં એક-બે મુદ્દા પણ ટાંક્યા હતા. જિગરે લખાવ્યું હતું કે જો એક્સિડેન્ટ થાય તો વ્યક્તિ નીચે પડે, તેને કશુંક વાગે, પણ અહીં તો મારો ભાઈ (વિવેક) જ નીચે પડ્યો છે અને બાઇક તો સ્ટેન્ડ પર ઊભું છે! બાઇક સ્ટેન્ડ પર રાખીને એક્સિડેન્ટ કેવી રીતે થઈ શકે? ફરી તપાસ ચાલુ થઈ.
‘મૃતક વિવેકે મારા સપનામાં આવી મને કહ્યું છે કે…’ હત્યારા નવલસિંહને પોલીસ તપાસની જાણ થઈ એટલે એ તરત જ કેસ બંધ કરાવવા પ્લાન બનાવવા લાગ્યો. નવલ બીજા જ દિવસે જિગર-વિવેકના ઘરે ગયો અને ત્યાં જઈ પરિવારને કહેવા લાગ્યો કે ‘વિવેક મને બે દિવસથી સપનામાં આવે છે. બિચારાનો આત્મા ભટકે છે. તેની એક જ ઈચ્છા છે કે તમે એની પાછળ કેસ કબાડા કરી વાત આગળ ન વધારો. જો આમ ને આમ કેસ ચાલતો રહેશે તો તેના આત્માને શાંતિ નહિ મળે. એ માટે તમારે કેસ બંધ કરાવવો પડશે.' ઘરનો જુવાનજોધ દીકરો ગુમાવ્યાના દુઃખમાં ભાંગી પડેલા પરિવારે વિવેકના આત્માની શાંતિ માટે વાત માની અને કેસ પાછો ખેંચી લીધો.

ભાઇની હત્યાનો રાઝ જાણવા એક વર્ષ ટેક્સી ચલાવી પરિવારે કેસ પાછો ખેંચી લીધો, પણ જિગરને અંદરથી ભાસ હતો કે મારા ભાઈનું મર્ડર આ નવલ ભૂવાએ જ કર્યું છે. પોલીસ તપાસ બંધ થઈ, પણ જિગરે પોતાનું પર્સનલ મિશન શરૂ કર્યું અને નવલ પર વોચ ગોઠવી. 2-3 વર્ષ સુધી કોઈ સુરાગ ન મળતાં છેલ્લે સાથે રહેવાનું નક્કી કર્યું, જેથી વધુ નજીકથી જાણી શકે અને એ માટે જ એકાદ વર્ષથી સાથે ધંધો ચાલુ કર્યો. જેવા બધા જ પુરાવા મળ્યા તરત જ પોલીસ પાસે જઈ નવલને ઉઘાડો પાડી દીધો. અમદાવાદમાં એક મર્ડર થતાં રોકાયું અને પાંચ વર્ષ જૂના એક કેસની કુંડળી પણ ખૂલી ગઇ.
આ સાથે જ મીડિયામાં ચારેકોર જિગર હીરો બની ગયો. પોતાના ભાઇની હત્યાનો બદલો લેવા માટે બીજો ભાઇ ત્રણ વર્ષ સુધી હત્યારા માટે ડ્રાઇવર બને અને તેને પકડાવે, એ સ્ટોરી કોઇપણ થ્રિલર ફિલ્મને આંટે એવી હતી. આ લખનારે પણ જિગર સાથે વાત કરી હતી, પણ જિગરે મીડિયા સામે આવવાની પણ ના પાડી દીધી.
કારણ? ‘મેં એક આરોપીને પકડાવ્યો છે, તો મારા જીવને ખતરો છે. હું સામે ન આવી શકું.’
પરંતુ જિગરના નકાર પાછળ બીજાં સિક્રેટ પણ છુપાયેલાં હતાં.
***
2 ડિસેમ્બર 2024 સેટેલાઈટ પોલીસ સ્ટેશન, અમદાવાદ કોર્ટમાંથી નવલસિંહના રિમાન્ડ મળ્યા એટલે ઇન્ટરોગેશન ચાલુ થયું, પણ ભૂવો કોઈ રીતે ટસનો મસ ન થાય. એકની એક વાત જ વાગોળે. ‘મેં કશું નથી કર્યું, હું નિર્દોષ છું.’ ઇવન બે દિવસ સુધી તો જમવાનું છોડી દીધું અને ચા-બિસ્કિટ પર આવી ગયો. એક વર્ષ પહેલાં આ નવલસિંહે વઢવાણમાં શું કાંડ કરેલા, એ શોધવા માટે IPS શિવમ વર્માએ તેમની ટીમના હેડ કોન્સ્ટેબલ જયરાજદાન ગઢવી અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાની આસપાસના પોલીસ જવાનોની ટીમ બનાવી રવાના કર્યા.

‘એ ભૂવો તો છે જ એવો, પૈસા લે અને ભાગી જાય’ જયરાજદાનની ટીમને ખબર પડી કે નવલસિંહની છાપ ક્યાંય સારી નથી. દરેકનું એવું જ કહેવું હતું કે ‘એ ભૂવો શું કરે છે એ જ નથી ખબર. બધાના પૈસા લઈ લે છે અને પછી ભાગી જાય છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તેની બાજુમાં જ રહેતા એક પરિવારે બે વર્ષ પહેલાં સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી, તેનો પણ નવલસિંહ સાથે ઘણો ઊંડો સંબંધ હતો.
મારી દીકરી માટે જમાઈ નથી મળતો એ પાટડિયા પરિવાર પહેલાં નવલસિંહની જ સોસાયટીમાં રહેતો અને બાદમાં સુરેન્દ્રનગર ટ્રાન્સફર થયો હતો. ઘરના મોભી દીપેશભાઈ પાટડિયા નવલસિંહના છટકામાં આવી ગયા હતા. એનાં દીકરો-દીકરી જુવાનજોધ થઈ ગયાં હતાં. નોકરી-ધંધા માટે અમદાવાદ રહેવા ગયેલા દીકરા માટે મકાન લેવું હતું અને ઘરે દીકરી ઉત્સવીના લગ્ન નહોતા થતા. ધીમે ધીમે નવલસિંહ સાથે સંપર્ક થતાં નવલસિંહે કહ્યું કે 'માતાના મઢે આવવું પડશે. દરેક સમસ્યાનું સમાધાન થઈ જશે, દીકરી માટે સારો જમાઈ પણ મળી જશે અને દીકરાનું અમદાવાદમાં ઘર લેવા રૂપિયા પણ મળી જશે. તમારી પાસે જેટલા રૂપિયા પડ્યા હોય એ રૂપિયા લઈ મારી પાસે આવી જજો.’
10 માર્ચ 2023 વઢવાણ, સુરેન્દ્રનગર નવલસિંહે દીપેશ પાટડિયાને પોતાની જાળમાં ફસાવી તેની પાસે પડેલા 10 લાખ રૂપિયા લઈ વઢવાણ પોતાના મસાણી મેલડીના મઢે બોલાવ્યો. ત્યાં આવતાં જ વિધિના બહાને દીપેશભાઈ, તેની પત્ની પ્રફુલાબેન અને દીકરી ઉત્સવીને સોડિયમ નાઇટ્રેટવાળું પાણી પીવડાવી દીધું અને બાદમાં ત્રણેયની લાશને બાજુમાં રાજપર પાસે કેનાલમાં ફેંકી દીધી.
11 માર્ચે પરિવારના ત્રણ સભ્યોની લાશ મળી, એટલે પોલીસ તપાસ અને દરેક સમાચારમાં એક જ વસ્તુ બતાવવામાં આવી કે આ એક સામૂહિક આપઘાત છે, પણ અમદાવાદ રહેતા દીકરા ભાવિકને આ વાત ગળે ન ઊતરી. દીકરાએ પોલીસમાં તપાસ માટે અરજી કરી કે મારા પરિવારે આપઘાત નથી કર્યો, તેમની હત્યા થઈ છે. આગળ જિગરની જેમ ભાવિકે પણ કારણો આપ્યાં અને ગૃહ વિભાગમાં અરજી કરી.

સામૂહિક સુસાઇડ કે સામૂહિક મર્ડર? ભાવિકે કહ્યું, ‘જે દિવસે આપઘાત થયો એના આગળના દિવસે જ મારે ઘરે વાત થઈ હતી. બધું જ બરોબર હતું. ઉપરથી જ્યાં કેનાલમાં ડૂબીને આપઘાત કર્યો છે ત્યાં ગોઠણસમું જ પાણી છે. આટલા પાણીમાં કોઈ ડૂબીને મરી ન શકે. બીજું કે પડ્યા બાદ ત્રણેયના ચંપલ તણાવાને બદલે એક જ જગ્યાએ કેમ પડ્યા છે. જો ના તણાયા તો પણ ત્રણેયની લાશ પાસે હોવા જોઈએ. ત્રણેયની લાશ એક જગ્યાએ અને ત્રણેયના ચંપલ એક જગ્યાએ કેવી રીતે હોઈ શકે? ઉપરથી ઘરમાં કોઈ ઘરેણાં પણ નથી અને એ લોકોએ પહેરેલાં ઘરેણાં પણ ગુમ છે. આ ચોક્કસ લૂંટના ઇરાદે થયેલી હત્યા છે.’ પોલીસે કડક રીતે તપાસ હાથ ધરી, પણ કોઈ જ કડી ન મળતાં અંતે આપઘાત જાહેર કરી કેસ બંધ થયો.
***
‘હું તાંત્રિક વિધિ કરીને તારી દીકરીનું અફેર છોડાવી દઇશ’
5 ડિસેમ્બર, 2024 વઢવાણ, સુરેન્દ્રનગર હેડ કોન્સ્ટેબલ જયરાજદાનના ધ્યાને આ ઘટના આવતાં તેમણે તરત જ દીપેશ પાટડિયાના મોટા ભાઈનો સંપર્ક કર્યો. તેમાંથી નવલનું કનેક્શન નીકળ્યું. દીપેશ પાટડિયાના મોટા ભાઈએ પોલીસ સમક્ષ કહ્યું કે ‘મારો ભાઈ દીપેશ આ નવલ ભૂવાને બહુ જ માનતો હતો. તેના ઘરે કોઈપણ પ્રસંગ હોય, બધે જ નવલને બોલાવતો. દીપેશ નવલના વશમાં જ હતો. એક વાર તો દીપેશ પાસેથી લાખો રૂપિયા પણ લઈ ગયો હતો. દીપેશ ઘણા ટાઈમથી ઉઘરાણી પણ કરતો હતો. આ બધામાં નવલના ધ્યાને આવ્યું કે દીપેશની દીકરીનું ક્યાંક અફેર હતું. એટલે મોકાનો લાભ લઈ નવલ દીપેશને કહેતો કે તું મારી પાસે વિધિ કરવા આવ, હું તારી દીકરીનું અફેર છોડાવી દઇશ. આ બધી વાતો ચાલુ હતી ત્યાં અચાનક આખા પરિવારે આપઘાત કરી લીધો.
પોલીસ અધિકારીઓ તરત જ સમજી ગયા કે આ ત્રણ સુસાઇડ નહીં, પણ ચોક્કસપણે મર્ડર જ હતાં અને એ પણ નવલ ભૂવાએ જ કર્યાં હતાં.
***
આ સિવાય પણ રાજકોટના પડધરી ગામે એક પરિવારની સામૂહિક હત્યા થઈ હતી અને તેમની દીકરીનો ટુકડા કરાયેલો મૃતદેહ મળી આવવાનો હતો. શું આ બધાં મર્ડર પણ નવલસિંહ ચાવડાએ જ કરેલાં? જો હા, તો શા માટે? જવાબ વાંચવા માટે ‘અસુર’નો આવતીકાલનો એપિસોડ વાંચવાનું ચૂકશો નહીં.
અસુર - એપિસોડ 2 : 'કુહાડીથી નગમાની લાશના ટુકડા કરી મેલડીના મંદિર પાસે દાટ્યા’:સોડિયમ નાઇટ્રાઇટથી 12 મર્ડર કરનારા સિરિયલ કિલરે જેલમાં આપઘાત કેમ કરી લીધો?
અસુર - એપિસોડ 3 : પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો : રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
અસુર - એપિસોડ 4 : વિધવા સાથે સંબંધ બાંધી પતાવી દીધી:TV જોઈને મર્ડર કરતા શીખેલો અમરેલીનો સિરિયલ કિલર, ગળું દબાવી જીવ ખેંચી લે, મરેલાનું સાચવેલું ઘરેણું જોઈ ખુશ થતો
અસુર - એપિસોડ 5 : ચોળાફળી વેચનારો બન્યો સિરિયલ કિલર!:યુટ્યૂબ જોઇને બંદૂક ચલાવતાં શીખ્યો, 4 હત્યા કરી લાખોનું સોનું લૂંટ્યું, ચોથી લાશ ગટરમાંથી કાઢી, કાપી ફરી ગટરમાં ડુબાડી
અસુર - એપિસોડ 6 : ધોકાથી માથાં ફાડી નાખતું 9 અસુરનું ઝુંડ:ઘરેણું ન નીકળે તો અંગો કાપી નાખે, પેન્ટ-શર્ટવાળી બાઈની 'બાવલી ગેંગ'એ વાડીએ સૂતેલા 7નાં ઢીમ ઢાળી દીધાં
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















