- Gujarati News
- Dvb original
- Gujarat Rajkot Gay Psycho Serial Killer Hitesh Ramavat Murder Case Part 3 Asur Series Divya Bhaskar
અસુર-3પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો:રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
- કૉપી લિંક

20 એપ્રિલ 2016 સવારના 9:10 વાગ્યાનો સમય રાજકોટના રેલવે પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે કારકૂનોએ ઓફિસ આવવાનું ચાલુ કરી દીધું હતું. એક બાજુ ચાની હોટલે ફોન કરી મીઠી ચાનો ઓર્ડર અપાઈ ગયો હતો ને બીજી બાજુ સફાઇવાળાનું ઝાડું ઓફિસમાં ફરતું હતું. ત્યાં ઓફિસના ટેલિ
***
એ લાશ કોની હતી? મર્ડર હતું કે આત્મહત્યા? અડધી રાત્રે થઇ હશે કે વહેલી સવારે? મરનાર રાજકોટનો હશે કે બહારનો? ઢગલાબંધ સવાલો સાથે રાજકોટ સિટી પોલીસની કસોટી શરૂ થઈ ચૂકી હતી. વાત છે ગુજરાતના સૌથી કુખ્યાત અને સાઇકો કિલર ‘હિતેશ રામાવત’ ઉર્ફે ‘બાડા’ની. રાક્ષસની વ્યાખ્યામાં પર્ફેક્ટ બેસે એવું જ કેરેક્ટર. થોડો સાઇકો, થોડો ક્રૂર, થોડો વિકૃત. દુનિયાએ હિતેશ સાથે ઘણું ખોટું કર્યું, જેનો બદલો લેવા જ તેણે માસૂમોને મોતને ઘાટ ઉતારવાનું શરૂ કર્યું. હિતેશનો કેર એટલો વધી ગયો કે કાઠિયાવાડનું પાટનગર અને વીરતાનું ભૂષણ કહેવાતા રાજકોટિયન્સ ભડવીરોએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું, પણ અંતે પોલીસની કડી મહેનત રંગ લાવી અને રંગીલા રાજકોટ પર લાગેલો એ ડાઘ ભૂંસાયો. આજે ‘અસુર’ના ત્રીજા એપિસોડમાં વાત રાજકોટના ‘ગે સાઇકો સિરિયલ કિલર’ હિતેશ રામાવતની...

***
પેન્ટ ઉતારેલી હાલતમાં પડેલી લાશનું માથું છૂંદાયેલું હતું ઇન્ફર્મેશન મળતાં જ પોલીસ ટીમ રેલવે યાર્ડ પાસે પહોંચી ગઈ. બતાવેલી જગ્યાએ ઝાડીઝાંખરાંમાં તપાસ કરી તો પચ્ચીસેક વર્ષના જુવાનની લાશ ચત્તીપાટ અવસ્થામાં પડી હતી. નજર ઉપર, પગ સીધા, લાલ ટી-શર્ટ, અડધું ઉઘાડું બ્લૂ પેન્ટ ને માથું? લોહીથી લથપથ! ચહેરા પર પથ્થરના 5-6 ઊંડા ઘા ઝીંકી કોઈએ અત્યંત ક્રૂરતાપૂર્વક એનું ઢીમ ઢાળી દીધું હોય એવું સ્પષ્ટ દેખાઇ આવતું હતું. બાજુમાં એક લોહીલુહાણ 12X9 ઇંચનો પથ્થર પણ પડ્યો હતો. 10:30 વાગતાં સુધીમાં તો ડોગ-સ્ક્વોડ પણ આવી ગઈ ને લાશની આજુબાજુનો આખો વિસ્તાર ફંફોળી માર્યો, પણ કશું જ મળ્યું નહીં. ઉપરથી એ વ્યક્તિ કોણ છે તેનો પણ સાંજ સુધી કોઈ પત્તો મળ્યો નહિ, એટલે પોલીસે રાજકોટનાં સાંજનાં છાપાંમાં જાહેરાત આપી કે ‘એક અજાણી વ્યક્તિની લાશ મળી છે, કોઈ ઓળખતું હોય તો જાણ કરો.’
***
‘સાહેબ, મારા દીકરાને કોણે મારી નાખ્યો?’ રાત્રે 8:00 સિવિલ હોસ્પિટલ, રાજકોટ કલાકોમાં તો યુવાનના પિતા પાસે આ જાહેરાત પહોંચી ને હઠીભાઈ(નામ બદલાવેલું છે) તરત જ પોલીસ સ્ટેશન પહોંચ્યા. પહોંચીને પોતાના દીકરાની ઓળખ આપી એટલે પોલીસ તેમને હોસ્પિટલમાં લઈ ગઈ અને લાશ બતાવી. પોલીસને હા/નાનો જવાબ મળે એ પહેલાં તો પિતાનાં ચોધાર આંસુએ પોલીસને જવાબ આપી દીધો. ‘સાય્બ, મારા દીકરા ‘સાગર’ને આ શું થઈ ગયું? કોઈ સાથે કોઈ દુશ્મની પણ નહોતી, આવું કેમનું થઈ ગયું?’

***
‘હા, અહીં ગે પ્રવૃત્તિઓ થાય છે’ 1 મે, 2016 પોલીસે કોલ હિસ્ટ્રી, CCTV ફૂટેજ, ઓળખીતા લોકો બધાની તપાસ ચાલુ કરી, તો ખબર પડી કે સહપરિવાર રહેતો એક દીકરીનો બાપ સાગર તો ગે પાર્ટીનો હેવાયો હતો. કડી શોધવા પોલીસે સૂત્રો લગાવી રાજકોટના કુખ્યાત ગે પોઈન્ટ શોધ્યા. બસ સ્ટેન્ડની અંદર-બહારના શૌચાલય, ત્રિકોણબાગની મુતરડી, રાજકુમાર રોડ પર આવેલું શૌચાલય, રામકૃષ્ણ આશ્રમની આજુબાજુનો વિસ્તાર, ભક્તિનગર રેલવે ગોદામ જેવી જગ્યાઓએ છાપા મારી સાગરની પૂછપરછ આદરી તો ત્યાંનાં લોકોએ સ્વીકાર્યું કે હા, અહીં ગે પ્રવૃત્તિઓ થાય જ છે.
રાજકોટમાં 1517 લોકો ગે ક્લબના સભ્યો હતા! હવે પોલીસ માટે એક બારી ખૂલી હતી ‘ગે’ની. સાગરના મિત્રોમાંથી જે કોઈપણ હોમોસેક્સ્યૂઅલ હોય તેમને તપાસવાનું શરૂ કર્યું તો એક મિત્રએ કબૂલ્યું કે ‘હું અને સાગર ‘ટોપ’ તરીકે ઓળખાઈએ છીએ. અમે ‘મોજમસ્તી અને જલસા’ નામનું ગે વ્હોટ્સએપ ગ્રુપ પણ ચલાવીએ છીએ.’ પૂરા રાજકોટમાં એ ટાઈમે ગે એસોસિયેશન સાથે સંકળાયેલા 1517 તેના ઓફિશિયલ ગે મેમ્બર હતા!
***
23 મે, 2016 યુનિવર્સિટી રોડ, રાજકોટ સાગરની ક્રૂર હત્યાને એકાદ મહિના જેવો સમય વીતી ચૂક્યો હતો. પોલીસની તપાસ ધમધમાટ ચાલુ હતી, ત્યાં યુનિવર્સિટી રોડથી મુંજકા ગામના રસ્તે વધુ એક મર્ડર થયું. 45 વર્ષના બ્રિજેશભાઈ(નામ બદલાવેલું છે)નું. સેમ એ જ પેટર્ન, પેન્ટ અડધું ઊતરેલું, માથું ભારેખમ પથ્થરથી છૂંદાયેલું.

***
રંગીલા રાજકોટને રંજાડતો રાક્ષસી કિલર એ સમયના રાજકોટ CP (કમિશનર ઑફ પોલીસ) અને હાલ સુરત CP અનુપમ ગેહલોત દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહે, ‘જેવું આ બીજું મર્ડર થયું એટલે એક છાપામાં સમાચાર આવ્યા કે ‘બંને મર્ડરની પેટર્ન સેમ છે, તો શું આ સિરિયલ કિલર તો નથી ને?’ અમે તરત જ એ દિશામાં વિચારવાનું ચાલુ કર્યું અને તપાસ ચાલુ કરી, ત્યાં ત્રીજું મર્ડર થયું અને સેમ પેટર્ન એટલે પાક્કું થયું કે આ કામ 100% સિરિયલ કિલરનું જ છે.’
યાને કે સામાન્ય રીતે શાંત અને રંગીલા ગણાતા રાજકોટમાં એક સિરિયલ કિલર ખુલ્લેઆમ ફરી રહ્યો હતો અને ગમે તે નિર્દોષ વ્યક્તિને ટાર્ગેટ બનાવતો હતો. નેચરલી, આખા શહેરમાં એક ભયનું લખલખું પસાર થઇ ગયું, પણ પરિસ્થિતિ ઓર ગંભીર બનવાની હતી.
***
‘મૈંને યે આદમી કો ટપકા દિયા હૈ’ 2 જૂન 2016 રામધણ આશ્રમ, રાજકોટ હજુ આ બે હત્યાના લોહીના ડાઘ ભૂંસાયા નહોતા ત્યાં 2 જૂને ફરી એક મર્ડર થયું અને ફરી પોલીસ દોડતી થઈ. મવડી ગામ બાયપાસ પાસે 60 વર્ષના વિકાસ(નામ બદલાવેલું છે)ના મોતની FIR કરાવવા તેમનો જ દીકરો શશિ(નામ બદલાવેલું છે) પોલીસ સ્ટેશને આવ્યોઃ ‘સાહેબ, મારા બાપુનું મર્ડર થઈ ગયું છે.’

મારા પપ્પા રોજ સવારે 5:30એ ચાલવા જાય છે અને 7 વાગ્યા આસપાસ ઘરે આવી જાય, પણ આજે સવારે પપ્પા નહિ, તેમનો ફોન જ આવ્યો. કોઈ અજાણ્યું જ વાત કરતું હતું. મને કહ્યું, ‘મૈંને યે આદમી કો ટપકા દિયા હૈ.’ હજુ હું બીજું કશું બોલું એ પહેલાં તો તેણે ફોન કાપી નાખ્યો. હું પાડોશીઓ સાથે પપ્પાને શોધવા નીકળ્યો ત્યાં મને કોઈએ કહ્યું કે રામધણ આશ્રમ પાસે એક લાશ મળી છે. અમે ત્યાં જઈને ચેક કર્યું તો એ મારા પપ્પાની જ લાશ હતી.’
પોલીસ તરત જ ભાગીને ઘટનાસ્થળે પહોંચી તો અહીં પણ માથું છૂંદાયેલી લાશ હતી ને અડધું પેન્ટ ઊતરેલું હતું.’
વધુ એક વ્યક્તિ ‘ગે સ્ટોનમેન કિલર’નો ભોગ બની હતી. ત્રણ વ્યક્તિ તેનો શિકાર બની ચૂકી હતી.
***

‘ગે સેક્સ માટે લલચાવે, મરે નહીં ત્યાં સુધી તરફડતો જોયા કરો’ CP ગેહલોત આગળના ઇન્વેસ્ટિગેશન વિશે વાત કરતાં કહે, ‘ત્રીજું મર્ડર થયું એટલે સિરિયલ કિલરની મોડસ ઓપરેન્ડી અમને મળી ગઈ હતી. તેના ટાર્ગેટ ફક્ત ગે (સમલૈંગિક) જ હતા. આરોપી એક્ટિવ પાર્ટનર હતો એટલે કોઈ પેસિવ ગે પાર્ટનરને સમલૈંગિક સેક્સની જાળમાં ફસાવી, એને કોઈ ઝાડીઝાંખરામાં લઈ જાય, જ્યાં આજુબાજુ પથ્થરો પડ્યા હોય. સેક્સના બહાને વિક્ટિમને પેન્ટ કાઢી ઊલટા સૂવાનું કહે અને જેવો એ સૂવે એટલે પાછળથી મોટો પથ્થર એના માથા પર મારી પતાવી નાખે. પેન્ટ ગોઠણ સુધી અડધું નીકળેલું હોય એટલે વ્યક્તિ જલદી ભાગી પણ ન શકે. એટલું જ નહીં, પાછળથી કિલરે કબૂલ્યું કે ‘હું મર્ડર કરીને એ વિક્ટિમ તડપી તડપીને મરે નહિ ત્યાં સુધી એને જોવા ત્યાં બેસી રહેતો. એ લોકોને મરતા જોવાની મને મજા આવતી. બાદમાં તેના જ મોબાઈલમાં ‘મમ્મી-પપ્પા-ભાઈ’ એવો કોઈપણ નંબર સર્ચ કર્યું, જે મળે તેને ફોન કરું કે ‘મૈંને ઇસકો ટપકા ડાલા હૈ.’ પછી ટ્રેન પકડી કોઈવાર સુરેન્દ્રનગર, કોઈવાર મોરબી, એમ અલગ અલગ દિશામાં કોઈ જગ્યાએ જઈ ફોન બંધ કરી દઉં, એટલે પોલીસ કદાચ ટ્રેક કરે તો દર વખતે અલગ અલગ લોકેશન મળે અને પછી ત્યાંથી પરત જામનગર જતો રહું.’

રાજકોટમાં લોકોએ કામ વિના નીકળવાનું બંધ કરી દીધું ગેહલોત સર આગળ વાત કરતાં કહે, ‘ત્રીજું મર્ડર થયું એટલે પોલીસ ફુલ એક્ટિવ થઈ ગઈ, નાઈટ પેટ્રોલિંગ વધારી દીધાં. હજારેક જેટલા પોલીસની ટીમ તો ફક્ત રાત્રે પેટ્રોલિંગ કરતી. ત્રણ મર્ડર પછી સિરિયલ કિલરની વાત સમગ્ર રાજકોટમાં ફેલાઈ ગઈ હતી અને પોલીસ પણ આટલી એક્ટિવ થઈ ગઈ એટલે આખા રાજકોટમાં એ ટાઈમે ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. લોકોએ કામ વિના બહાર નીકળવાનું બંધ કરી દીધું. રેસકોર્સ પર સવારે ચાલવા આવતા લોકો બંધ થઈ ગયા. પોલીસે પોતાની તપાસ વધારી દીધી હતી, પણ એ ટાઈમે CCTVનું નેટવર્ક પણ એટલું સારું નહોતું, નહિતર કામ ઘણું સહેલું થઈ જાત. આ અરસામાં પોલીસના ધ્યાને સિરિયલ કિલરનો એક જૂનો શિકાર આવ્યો.’

***
26 મે 2016 રાત્રેઃ 2:30 AM બસ સ્ટેન્ડ, રાજકોટ નવરાત્રિ હોય કે ગમે તેવી ઇવેન્ટ, રાત્રે 12 વાગે બધું જ બંધ કરી સૂઈ જવાવાળા રાજકોટમાં વદ ચોથનું અંધારું હતું. નાઈટ આઉટના ચસકાવાળું પબ્લિક ચાની હોટેલો શોધી શોધી ચુસ્કીઓ મારવામાં મસ્ત હતું. એવો જ એક કાળો શર્ટ ને નેરો ફંકી પેન્ટ પહેરેલો 42 વર્ષનો જીતેશ મજમુદારે (નામ બદલેલ છે), સિગારેટના ઠૂંઠાની છેલ્લી કશ મારી કપનો છેલ્લો સબડકો લીધો ને એક્ટિવાને સેલ્ફ માર્યો. પગ ઉપર પગની આંટી ચડાવી લિવરને ઝટકો માર્યો ને હજુ માલવિયા ચોકે પહોંચ્યો ત્યાં એક બીજા યુવાને હાથ લાંબો કરી લિફ્ટ માગી. ‘ભાઈ આગળ સુધી છોડી દ્યો ને.’ (કાઠિયાવાડી દિલદારે હિતેશને બેસાડી લીધો) એક્ટિવા હજુ તો કણકોટ પાટિયે પહોંચી ત્યાં પાછળ બેઠેલા શૈતાન હિતેશે ચપ્પુ કાઢ્યું ને જીતેશના પેટમાં ખૂંચાડ્યું.
‘તુજે જાન પ્યારી હૈ તો જહાં બોલું વહાં જાને દે.’ ગભરાયેલો જીતેશ ચપ્પાની અણીએ એક્ટિવાનું હેન્ડલ ફેરવતો ગયો ને એન્જિનિયરિંગ કોલેજ બાજુ ત્રણેક કિમી દૂર જઇ એક્ટિવા ઊભું રખાવ્યું. જેવો જીતેશ નીચે ઊતર્યો, કે તરત જ હિતેશે જોરથી ધક્કો મારી એને પાડી દીધો ને પાછળથી માથા પર પથ્થર ઝીંકયો. અંધારામાં હિતેશનું નિશાન બરાબર લાગ્યું નહીં ને જીતેશ બચી ગયો. એ જલ્દીથી રોડ પર ભાગ્યો ને, બૂમાબૂમ ચાલુ કરી, ‘બચાવો… બચાવો…’ રસ્તે જતા એક માણસે બાઇક ઊભી રાખી. આ બધું જોઇને હિતેશ ગભરાયો, દોટ મૂકી ભાગ્યો. જીતેશે પરત ફરી પોતાનું એક્ટિવા ચાલુ કર્યું ને લોહીલુહાણ હાલતમાં એક્ટિવા ભગાવી હોસ્પિટલમાં એડમિટ થયો.

***
સિરિયલ કિલરનો ચહેરો સામે આવ્યો 4 જુલાઇ, 2016 જીતેશ ડરી ગયો હતો એટલે હોસ્પિટલે એક્સિડેન્ટનું બહાનું આપી વાત દબાવી દીધી, પણ જેવી આ સ્ટોન કિલરની ચર્ચા પૂરા રાજકોટમાં ચાલુ થઈ એટલે જીતેશમાં હિંમત આવી ને એ પોલીસ પાસે દોડી ગયો. ‘સાહેબ, આ સ્ટોન કિલરે મને મારવાનો પણ પ્રયત્ન કર્યો હતો.’
પોલીસ પાસે હવે ચાર કેસ હતા. સેમ પેટર્ન, સેમ ક્રિમિનલ અને ચાર અટેક. પોલીસ કમિશનર ગેહલોતે તરત જ એ માણસ (જીતેશ) પાસે ટીમ મોકલી અને એની પાસેથી બધી જ માહિતી એકત્ર કરાવી. કેમ કે આ એક માત્ર વ્યક્તિ હતો, જેણે એ સ્ટોન કિલરને જોયો હતો. એ વ્યક્તિની ચાલથી લઈ બધી જ બાબતો એકત્ર કરી, અને જીતેશ પાસેથી એ સિરિયલ કિલરનો ફેસ સ્કેચ બનાવડાવ્યો.

‘અમે સ્ટોન કિલરને પકડી પાડ્યો છે.’ બીજી બાજુ 60 વર્ષના આધેડના મર્ડરની તપાસમાં પોલીસે ઘરથી મર્ડર સ્પોટ સુધીના રસ્તા તપાસ્યા તો ત્યાં ફ્રૂટ માર્કેટ પાસે એક CCTVમાં એ આધેડની સાથે એક વ્યક્તિ જતો દેખાયો. ત્યાં કેમેરા પાસે જ કેરીના બોક્સની દોરી લેવા એ નીચે વળ્યો અને કેમેરામાં આવી ગયો. કેમેરાની ક્વોલિટી સારી નહોતી પણ બોડીની આઉટલાઇનથી એની ચાલ અને થોડો ચહેરો પકડાઈ ગયો. હિતેશની ચાલ નોર્મલ માણસો કરતાં બહુ જ અલગ હતી. એટલી અલગ કે ચાલ જોઈને પણ કોઈ એને ઓળખી જાય.
આજથી 10 વર્ષ પહેલાં ફક્ત આટલી માહિતીના આધારે આરોપીને શોધવો થોડો અઘરો હતો. પોલીસે આરોપીનો સ્કેચ જાહેરમાં મૂકી ઈનામ રાખ્યું. ‘જે કોઈ પણ આ વ્યક્તિને શોધી લાવે તેને બે લાખ રૂપિયા ઈનામ આપવામાં આવશે. પોલીસનું તીર થોડું ત્રાંસું વાગ્યું અને આ મુહિમ ઊલટી પડી. પબ્લિક રિએક્શન એ આવ્યું કે, આના જેવો દેખાતો કોઈ પણ વ્યક્તિ દેખાય તો લોકો એને મારવા તૂટી પડતા. લાકડીઓ લઈ ઝૂડી નાખતા અને પછી કંટ્રોલ રૂમમાં ફોન કરતાં કે, અમે સ્ટોન કિલરને પકડી પાડ્યો છે.’ સ્ટોન કિલર પ્રત્યે રાજકોટના લોકોમાં કેટલો ગુસ્સો હશે તેનો પણ આના પરથી ખ્યાલ આવી શકે છે.

અન્ય ક્રિમિનલો પણ સ્ટોન કિલરની રીતે ગુના કરવા માંડ્યા એ સમયના રાજકોટની હાલત વિશે વાત કરતાં CP ગેહલોત કહે, ‘આખા રાજકોટમાં માહોલ ગરમાઈ ગયો હતો. આખું રાજકોટ ગભરાયેલું હતું, ઉપરથી ઘણા ગુનાઓમાં પણ વધારો થઈ ગયો હતો. લોકો પથ્થરથી મારઝૂડ કરતા ને નામ સ્ટોન કિલરનું આવતું. એ બધાની વચ્ચે અમે ઘણા સાઇકોલોજિસ્ટની પણ મદદ લીધી હતી, જેમાં એક વાત એવી જાણવા મળી કે ‘આ પ્રકારના સાઇકો લોકો પોતાના વિશે સાંભળીને ખુશ થતા હોય છે. મતલબ જે કોઈપણ મર્ડર કરે એ બાબતે ન્યૂઝપેપરમાં વાંચીને આનંદ લેતો હશે.
***
‘હું આ હત્યારાને ઓળખું છું’ 30 જુલાઇ 2016 12:00 PM આખું રાજકોટ પોલીસ તંત્ર આરોપીને શોધવા રઘવાયું થયું હતું, ત્યાં રાજકોટ DCP (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) કારણરાજ વાઘેલા પર બે કોન્સ્ટેબલનો ફોન આવ્યો કે ‘અહીં ગોંડલ ચોકડી પાસે એક રિક્ષાવાળો આ હત્યારાને ઓળખતો હોવાનું કહે છે. એ ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડીની વચ્ચે રિક્ષા ચલાવતો, પણ છેલ્લા 6 મહિનાથી દેખાતો નથી.’ એકપણ સેકન્ડની રાહ જોયા વિના IPS કરણરાજ વાઘેલાએ કમિશનર અનુપમ ગેહલોતની ઓફિસની ઘંટડી ગજાવી. મહિનાઓથી નાકે દમ કરી મૂકનારા કેસમાં આ પહેલી મોટી કડી મળી હતી. કમિશનરે એ જ મિનિટે કહી દીધું. ‘જલદીથી મારી ઓફિસમાં આવો.’ ઓફિસમાં બોલાવી કન્ફર્મ કર્યું તો માહિતી સાચી હતી. કમિશનરે રાજકોટમાં હાજર બધા જ IPS ઓફિસર્સ અને કેસ સાથે જોડાયેલા તમામ PI સુધીના અધિકારીઓને પોતાની ચેમ્બરમાં બોલાવી લીધા.

રાજકોટનો સિરિયલ કિલર, જામનગરનો નીકળ્યો પરંતુ જે રિક્ષાવાળાએ માહિતી આપી એની પાસે આ આરોપીની રિક્ષાનો નંબર હતો. DCP કારણરાજે રાજકોટના RTOમાં તપાસ કરાવી તો આવા નંબરનું કોઈ રજિસ્ટ્રેશન હતું જ નહીં. જો રાજકોટની નહીં તો ક્યાંની? DCPએ સૌરાષ્ટ્રના બધા જ RTOમાં તપાસ ચાલુ કરી તો ખબર પડી કે આ રિક્ષા જામનગરમાં રજિસ્ટર થયેલી છે. જામનગર RTOથી આરોપીનું નામ મળી ગયું, હિતેશ રામાવત. પહેલીવાર આખા રાજકોટમાં ભયનો માહોલ ફેલાવનારા સિરિયલ કિલરનું નામ સામે આવ્યું હતું. હવેની માહિતી શોધવી એટલી અઘરી નહોતી. DCPએ તરત જ એ નામનું લાઇસન્સ અને બીજા મળે એટલા ડોક્યુમેન્ટ શોધવાનું શરૂ કર્યું. એક એડ્રેસ મળ્યું, પરંતુ તે એની બહેનના ઘરનું હતું, હિતેશ ત્યાં નહોતો, પણ એ સાઇકો છે જામનગરનો, એ નક્કી થઈ ગયું.
કમિશનરે આદેશ કર્યો કે હવે કેસ સોલ્વ ન થાય ત્યાં સુધી કોઈપણ ઘરે નહીં જાય. દરેક ઓફિસરે પોતાની એક્સપર્ટીઝ કામે લગાવી દીધી. CCTV, CDR (કૉલ ડિટેલ રેકોર્ડ), મળે એટલા ડોક્યુમેન્ટ, બતમીદારો, બધે જ તપાસ ધમધોકાર.

શાપરમાંથી માથું છૂંદાયેલી લાશ મળી ત્યાં બપોરે જ આવો જ એક કિસ્સો શાપર પાસે બન્યો. બાંકડા પર આ જ રીતે માથું છૂંદાયેલી હાલતમાં એક વ્યક્તિની લાશ મળી. ફરી સ્ટોન કિલરનું નામ ચગ્યું. પોલીસે સાંજ સુધીમાં જ એ મર્ડરના આરોપી શોધી કાઢ્યા. અસલમાં એક પિતાએ પોતાના જ પુત્રનું મર્ડર કરાવી નાખ્યું હતું, અને સ્ટોન કિલર પર દોષનો ટોપલો ઢોળવા આ રીતે હત્યા કરાવી હતી. ઘટના બપોરે બની એટલે રાજકોટનાં સાંધ્ય છાપાંઓમાં આ સમાચાર આવી ગયા, પણ આરોપીનું ડિટેકશન નહોતું થયું એટલે આ સ્ટોન કિલરનું કામ નથી અને પિતા-પુત્રનો ઝઘડો છે, એ વાત લોકો સુધી ન પહોંચી.
***
‘સાહેબ, શાપરવાળું મર્ડર મેં નથી કર્યું’ સાંજે 5:30 વાગ્યે કમિશનર કચેરી, રાજકોટ કમિશનર ગેહલોતને એ જ વખતે લાઇટ થઈ કે જો આ મર્ડર હિતેશે નથી કર્યું, પણ એના નામે ચડ્યું છે તો શક્યતા છે કે એ પોતાનું નામ હટાવવા કે એના નામે ચડેલું મર્ડર જાતે કરવા રાજકોટ આવી શકે છે. તરત જ પોલીસની અલગ અલગ ટુકડીઓ બની અને વોચ ગોઠવાઈ.
અલગ અલગ વેશમાં રાજકોટથી ચોતરફના રસ્તે પોલીસે પોઝિશન લઇ લીધી. આવતા જતા દરેકની ચાલ પર પોલીસની નજર હતી. સાંજે આરોપીને પકડવા નીકળેલી ટીમને વોચ રાખ્યે 24 કલાક જેટલો ટાઈમ વીતી ચૂક્યો હતો, પણ હજુ સુધી પોલીસને એક પણ શંકસ્પદ વ્યક્તિ નહોતી મળી. ત્યાં સાંજના સમયે જામનગર રેલવે સ્ટેશન પાસેની ઝૂંપડપટ્ટીમાંથી એક વ્યક્તિ દેખાઈ. એની ચાલ પરથી પોલીસ તરત જ સમજી ગઈ કે આ છે તો હિતેશ રામવત જ છતાં સાથે લઈ ગયેલા રિક્ષાવાળા બાતમીદાર પાસે પણ કન્ફર્મ કરાવ્યું અને ખાતરી મળી કે આ એ જ રાક્ષસ છે. પ્રાઇવેટ ગાડીમાંથી ઊતરી પોલીસે તરત જ હિતેશને દબોચ્યો અને ગાડીમાં નાખ્યો.

અંદર બેસાડી જેવું પોલીસે કહ્યું, ‘રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ’! હિતેશના મોઢે પહેલું વાક્ય હતું, ‘સાહેબ, શાપરવાળું મર્ડર મેં નથી કર્યું.’ ‘હેં?’ પોલીસચોંકી. ‘હા, આગળનાં મર્ડર ઠીક છે, પણ આજનું મર્ડર મારા નામે ન ચડાવતા.’ સાઇકો કિલરને ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ લઈને આવવા ગાડી હંકારી મૂકી. ફાઇનલી 36 કલાકની સખત મહેનત પછી રાજકોટ પોલીસે સિરિયલ કિલરને ઝડપ્યો અને CP ઓફિસમાંથી અધિકારીઓને બહાર જવાની છૂટ મળી.
5 વર્ષની છોકરીને ગોદડીમાં સળગાવી નાખી પાછળથી પૂછપરછ કરતાં માલૂમ પડ્યું કે હિતેશના નામે જે ખોટું મર્ડર ચડ્યું હતું એ આંકડો સરભર કરવા આજે એ પોતે મર્ડર કરવા રાજકોટ આવી રહ્યો હતો. ધીમે ધીમે એણે પોતાના બધા જ ગુના કબૂલ્યા અને સાથે આગળનો એક જૂનો ગુનો પણ ખૂલ્યો, જેમાં ત્રણ-ચાર વર્ષ પહેલાં પાટણમાં 2-3 લોકો સાથે મળી 5 વર્ષની એક છોકરીને ગોદડીમાં વીંટી સળગાવી નાખી હતી તેવો જઘન્ય અપરાધ પણ સામેલ હતો.
***

‘દુનિયાએ મારી સાથે ખરાબ કર્યું, હું બધાને મારીને બદલો લઇશ’ આ બધા ગુનાઓ કરવાનું કારણ શું? આટલી સાઇકો મેન્ટાલિટી ક્યાંથી આવી? પૂછપરછમાં બહાર નીકળ્યું કે ‘હિતેશ જ્યારે નાનો હતો ત્યારે એક રિક્ષાવાળાએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. પિતાનું નાનપણમાં મોત થઈ ચૂક્યું હતું, માતાએ ભાગીને બીજા લગ્ન કરી લીધા હતા. એ પોતે મોટી બહેન સાથે રહેતો, પણ મહિનાઓ પહેલાં કોઈ બાબતે ઝઘડો થતાં બહેને ઘરેથી કાઢી મૂક્યો હતો. બહેને જ્યારે ઘરેથી કાઢ્યો ત્યારે પોતાની જિંદગીથી હતાશ થઈ હિતેશ આત્મહત્યા કરવા નીકળી ગયો હતો. પણ જ્યારે અંતિમ ક્ષણની બોર્ડર લાઇન પર હતો ત્યારે તેને વિચાર આવ્યો કે ‘દુનિયાએ મારી સાથે ખરાબ કર્યું છે, તો હું કેમ મરું? હું બધાને મારીને બદલો લઇશ. અને એટલે પછી પોતાના આનંદ માટે રાત્રે જે મળે તેને મારવાનું શરૂ કર્યું. મર્ડર પાછળ કોઈ આશા નહીં, લૂંટનો ઇરાદો નહીં, કોઈ બદલો નહીં, ફક્ત ને ફક્ત રાક્ષસી આનંદ.’ પોલીસે તેને કોર્ટમાં હાજર કર્યો અને કોર્ટે સજા સંભળાવી. ત્યારથી લઈ આજ સુધી હિતેશ રમાવત ઉર્ફે બાડો, રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે.
ગે સ્ટોન કિલરથી ત્રાસીને એક કેદીએ આપઘાતનો પ્રયાસ કર્યો પણ આ શેતાનને જેલમાં નાખ્યા પછી પણ તેની હરકતો બંધ ન થઈ. સિનિયર પોલીસ ઓફિસરો પાસેથી જાણવા મળ્યું કે ‘હિતેશને શરૂઆતથી આઇસોલેટેડ બેરેકમાં રાખવામાં આવ્યો હતો. પણ થોડાં વર્ષો વીતતાં જનરલ બેરેકમાં ટ્રાન્સફર કરાયો, તો ત્યાં પણ હિતેશે પોતાના બે નંબરી ધંધા શરૂ કરી દીધા ને અન્ય આરોપીઓનો રેપ કરી પરેશાન કરવાનું શરૂ કર્યું. જેમાં હિતેશના કારનામાથી કંટાળીને એક આરોપીએ તો આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. રંગબેરંગી કરતૂતોને કારણે હિતેશને ફરી આઇસોલેટેડ વોર્ડમાં ટ્રાન્સફર કરાયો અને હાલ એકલી ઓરડીમાં સજા ભોગવી રહ્યો છે.’ (આ સ્ટોરીમાં લખાયેલા એક એક શબ્દ માટે પોલીસ સ્ટેશનના લૉકરમાં પડેલાં દરેક નિવેદન-દસ્તાવેજો, તપાસમાં જોડાયેલા સિનિયરથી જુનિયર ઓફિસર્સ અને કર્મચારીઓ સાથે મળીને ઓફિશિયલ માહિતી મેળવવામાં આવી છે.)
અસુર - એપિસોડ 1 : મેલડીના નામે કેમિકલથી આખા પરિવારને પતાવી લાશો કેનાલમાં ફેંકી : ‘એક કા તીન’ની લાલચે ભૂવાએ 12 મર્ડર કર્યાં, સગા સાળાએ 6 મહિના ટેક્સી ચલાવીને પકડાવ્યો
અસુર - એપિસોડ 2 : 'કુહાડીથી નગમાની લાશના ટુકડા કરી મેલડીના મંદિર પાસે દાટ્યા’:સોડિયમ નાઇટ્રાઇટથી 12 મર્ડર કરનારા સિરિયલ કિલરે જેલમાં આપઘાત કેમ કરી લીધો?
અસુર - એપિસોડ 4 : વિધવા સાથે સંબંધ બાંધી પતાવી દીધી:TV જોઈને મર્ડર કરતા શીખેલો અમરેલીનો સિરિયલ કિલર, ગળું દબાવી જીવ ખેંચી લે, મરેલાનું સાચવેલું ઘરેણું જોઈ ખુશ થતો
અસુર - એપિસોડ 5 : ચોળાફળી વેચનારો બન્યો સિરિયલ કિલર!:યુટ્યૂબ જોઇને બંદૂક ચલાવતાં શીખ્યો, 4 હત્યા કરી લાખોનું સોનું લૂંટ્યું, ચોથી લાશ ગટરમાંથી કાઢી, કાપી ફરી ગટરમાં ડુબાડી
અસુર - એપિસોડ 6 : ધોકાથી માથાં ફાડી નાખતું 9 અસુરનું ઝુંડ:ઘરેણું ન નીકળે તો અંગો કાપી નાખે, પેન્ટ-શર્ટવાળી બાઈની 'બાવલી ગેંગ'એ વાડીએ સૂતેલા 7નાં ઢીમ ઢાળી દીધાં
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















