- Gujarati News
- Dvb original
- Gujarat Amreli Bawli Gang Loot Murder Case Part 6 | Asur Series Divya Bhaskar
અસુર-6ધોકાથી માથાં ફાડી નાખતું 9 અસુરનું ઝુંડ:ઘરેણું ન નીકળે તો અંગો કાપી નાખે, પેન્ટ-શર્ટવાળી બાઈની 'બાવલી ગેંગ'એ વાડીએ સૂતેલા 7નાં ઢીમ ઢાળી દીધાં
- કૉપી લિંક

‘સાવ શાંતિથી અંદર જાજો, હાલવાનોય અવાજ નો આવવો જોઈ અને કોઈ કૂતરું કે ઢોર અવાજ કરે તો પે’લું ઢીમ એનું ઢાળજો.’ જૂનના વરસતા વરસાદમાં પલળતાં પલળતાં લૂંટારાઓની ગેંગને શિયાળ જેવી શાતિર ડાકણ ‘બાવલી’એ આદેશ આપ્યો. એક આદેશે લૂંટારાઓ ધીમા ડગલે ઘરમાં ઘૂસ્યા ને ખા
***
વાત છે 2019માં અમરેલી જિલ્લામાં તરખાટ મચાવનારી ‘બાવલી ગેંગની’. ત્યાંના બાબરા ગામની આ બાવલી ગેંગ એક પછી એક સેમ પેટર્નથી લૂંટ વિથ મર્ડર કરીને નૌ દો ગ્યારાહ થઇ જતી. આખી ગેંગ લીડર ચંદુ લખુ જિલિયાના ઇશારે ઘરમાં ઘૂસે, પહેલા ઘરના સભ્યોને ધોકા-કુહાડી વડે પતાવે ને પછી આખું ઘર લૂંટી લે. આ ગેંગમાં એક મહિલા પણ હતી, નામ બાવલી ચંદુ જિલિયા, ચંદુની ઘરવાળી. જેના નામ પરથી આખી ગેંગનું નામ પડ્યું હતું, ‘બાવલી ગેંગ’. પણ લૂંટ કરવા જાય ત્યારે બધા જ પુરુષોમાં બાવલી પણ પેન્ટ-શર્ટ પહેરી આદમીની જેમ જોડાય.
ગામેગામ લૂંટના બનાવો વધતા જતા હતા, પણ પોલીસને હાથ લાગે એ પહેલાં ગેંગ બીજા જિલ્લામાં ભાગી જતી. ગુનેગારો અભણ અને દેવીપૂજક સમાજના, પણ દિમાગે એટલા શાતિર કે ક્રાઇમ સીન પર એકપણ નિશાન ન છોડે. આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ‘ખેલ પાડ્યા’ બાદ જૂનમાં બાવલી ગેંગની નજર પડી અમરેલી પર, એ જ તેમની ભૂલ. IPS ઑફિસર નિર્લિપ્ત રાયની નજર તેમના પર પડી ગઈ. એક પછી એક સાત-સાત નિર્દોષનાં ઢીમ ઢાળી નાખનારી આ ખૂનખાર ગેંગની વાત કરીએ ગુજરાતના ખૂનખાર સિરિયલ કિલર્સની સિરીઝ ‘અસુર’ના આજના એપિસોડમાં.

***
9 જૂન 2019, રાતના 1 વાગ્યાનો સમય દરેડ, અમરેલી ગામ છેવાડે વસતિથી દૂર સીમ વિસ્તારની વાડીની વાત. અડધી રાતે ઘેઘૂર સન્નાટા વચ્ચે એક માત્ર તમરાનો અવાજ અંધારાને ચીરતો હતો. વાવણીનો સમય નજીક હતો, એટલે ખેતરો ખાલીખમ હતાં, પણ વાડીએ બાંધેલાં ઢોર માટે લીલોછમ ચારો લહેરાતો હતો. આખા દિવસની મજૂરી બાદ વાડીએ બાંધેલાં નાનાં ખોરડાં (નાનું કાચું મકાન)માં એક ભરવાડ દંપતી ઘસઘસાટ સૂતું હતું, પણ આ આજની ઊંઘ તેમની હરામ થવાની હતી. દિવસોથી પહેરો દઈને બેઠેલા લૂંટારાઓની નજરમાં તેઓ આવી ગયાં હતાં.
***
1 દિવસ પહેલાં, 8 જૂન 2019 લાઠીદડ, અમરેલી જ્યાંથી આખી લૂંટનો પ્લાન ઘડાયો. ચંદુ જિલિયા બાવલી ગેંગનો માસ્ટર માઇન્ડ હતો. દરેક ગેંગ માટે એક-એક માણસને ‘આપણે એક કામ પતાવવાનું છે’ કહી કહીને ભેગા કર્યા હતા. પ્લાન પણ એનો અને એક્ઝિક્યુશન લીડર પણ એ જ. ગેંગના ટોટલ 9 મેમ્બર, પણ જરૂર પડ્યે દરેક મર્ડર માટે અલગ અલગ માણસોને પસંદ કરે. આ લૂંટ માટે પાંચ લોકોને કામે લગાડ્યા, ચંદુ લખુ જિલિયા પોતે, ચંદુની વાઈફ બાવલી, દીકરો વિશુ, જમાઈ ફલજી સાઢમિયા અને હળિયાદ (ભાવનગર)નો કિશન વાઘેલા. ઘટનાને અંજામ આપવાને આગલે દિવસે 8 તારીખે જ એક એક મેમ્બરને ચંદુએ ભેગા કર્યા. બધાને ડિટેલમાં પ્લાન સમજાવ્યો અને બપોરે 3 વાગ્યે રવાના થયા. લાઠીદડ બસ સ્ટેન્ડ પાસે ભેગા થઈ અલગ અલગ મોટરસાઇકલ પર દરેડ જવા રવાના થયા. દરેડની બહાર નીકળી સીમના રસ્તે નીકળ્યા એટલે રસ્તામાં બાઇક પર જ ચંદુએ બધાને ઈશારો કરી એક વાડીમાં બાંધેલી ઝૂંપડી બતાવી, ‘જોઈ લેજો, આ મકાનમાં ‘કામ ઉતારવાનું’ છે.’ બાઇક ઊભી રાખ્યા વિના હંકારી મૂકી ને બાબરા ચક્કર મારવા નીકળી પડ્યા. સાંજ પડ્યે પાછા આવ્યા ને ભાભા-ડોશીની ઝૂંપડી બહાર જ ડેરો નાખ્યો.

***
ઘાતક મોડસ ઓપરેન્ડી દેખાવમાં ગરીબડી લાગતી આ ગેંગના સભ્યો જેટલા ભોળા દેખાતા હતા એટલા જ શાતિર અને ક્રૂર હતા. બાદમાં ડિટેક્શન બાદ પોલીસે જાહેર કરેલી મોડસ ઓપરેન્ડી મુજબ, ‘દેવીપૂજક ગેંગના અભણ સભ્યો પોલીસની શોધખોળથી પૂરા વાકેફ હતા. માટે ઘરેથી નીકળે ત્યારે જ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દેતા.
લૂંટના પ્લાનિંગની શરૂઆત થાય અઠવાડિયા પહેલાં. અઠવાડિયા અગાઉ ચંદુ અને બાવલી લોકેશન શોધી રેકી કરી આવે, જેથી ફેરો નિષ્ફળ ન જાય અને પૂરતો માલ મળી રહે. ક્રાઇમ કરવાનો હોય એના આગલા દિવસે જરૂર મુજબ સંબંધીઓને બોલાવી ગેંગ બનાવે અને આગળના દિવસે જ જે ઝૂંપડીને ટાર્ગેટ કરવાની હોય એ ઝૂંપડીની બહાર જ જઈ વણઝારા બની ડેરો નાખે, પણ ત્યાં જતી વખતે ઘરેથી કોઈ જ વસ્તુ લઈને નહીં જવાનું, કોઈ હથિયાર પણ નહીં. હથિયાર માટે જગ્યા પર પહોંચી ત્યાં બાવળનાં મોટાં ઝાડ કાપી એમાંથી જ ધોકા બનાવી લેવાના અને ત્યાં ખેતરમાંથી જ કુહાડી કે પાવડો લઈ લેવાનો. રાત પડ્યે ઘનઘોર અંધારું થાય એટલે ઘરમાં ઘૂસી પાવડો, કુહાડી, ધોકા લઈ સૂતેલાઓ પર તૂટી પડવાનું અને બાદમાં ઘરમાં જે વસ્તુઓ પડી હોય એ બધું જ લૂંટી, મૃતકોનાં કાન, નાક, હાથમાંથી ઘરેણાં કાઢવા. જો કોઇ ઘરેણું નીકળવામાં તકલીફ પડે તો એ અંગો જ કાપી લેવાનાં અને અંગો લઈ ફટાફટ નાસી જવાનું. ઉપરથી આ બધામાં જલદી ભાગી શકે અને મહિલા તરીકે પકડાઇ ન જાય એ માટે ચંદુની ઘરવાળી ‘બાવલી’ પણ પુરુષોનાં પેન્ટ-શર્ટ જ પહેરી લેતી.

***
8 જૂન 2019, સાંજે 7:30 વાગ્યે દરેડની સીમ, અમરેલી ડોસા-ડોશીને વિશ્વાસમાં લઈ રાતે પાંચેયે વાડી પાસેના અવેડે જ વાળુ કરવા ચૂલો માંડ્યો. જમી-કારવી વહેલી સાંજે જ પાંચેય સૂઈ ગયાં. ઉપરથી ડોસા-ડોશીએ તો ભલા માણસ થઈ પૂછ્યું પણ ખરું કે ‘છોરાવ, કંઈ જોતું હોય તો કે’જો હોં.’
***
9 જૂન 2019, રાત્રે 2 વાગ્યે દરેડ, અમરેલી ડાયાભાઈ અને જિલુબેન શિરોળિયા માટે કાળ ચોઘડિયાની શરૂઆત થઈ ચૂકી હતી. પાંચેય રાક્ષસોએ પોતાનાં કાળનેત્ર ખોલી નાખ્યાં હતાં. સવારે ક્યાંક ફરવા જવાનું હોય ને બાળક જલદી ઊઠી જાય એમ ઊઠીને તરત જ કામે વળગવા પાંચેય ઝૂંપડી પાસે પહોંચી ગયાં. વિશુ અને કિશન ઝૂંપડીની અંદર નજર નાખવા ગયા. સામે કોઈ પ્રહાર ન થાય એટલે ડાયાભાઈ પાસે પડેલો ધોકો અને ટોર્ચ લઈ બહાર આવ્યા. દરમિયાન ચંદુ અને તેનો જમાઈ ફલજી દરવાજા પાસે ધ્યાન રાખી ઊભા રહ્યા અને જિલિયા સાડી ઉતારી પેન્ટ-શર્ટ પહેરી ટનાટન થઈ ગઈ.
ફલજીએ કુહાડી ઉપાડી, ચંદુ-વિશુ-કિશને ધોકો ને જિલિયાએ શર્ટની બાંયો વાળી. ઝૂંપડીમાં ઘૂસતાં જ વિશુએ ડાબી બાજુથી ડાયાભાઈ પાસે જઈ ધોકો પોતાના માથા પાસે લઈ જઈ જોરથી ડાયાભાઈના મોઢા પર નાક છૂંદાય એવી રીતે ઝીંકયો. બાજુમાં કિશને તેનો ધોકો ઉપાડી પગ પર ઝીંકવાનું શરૂ કર્યું ને ચંદુએ પોતાના ધોકાથી તેનો સાથ આપ્યો. બીજી બાજુ ડોશીને પતાવવા ફલજીએ તેની કુહાડીનો પાછલો ભાગ જિલુબેનના મોઢા પર ઝીંક્યો ને જિલિયા ઢીંકા-પાટુએ તૂટી પડી.

ભડવીર ડાલામથા ડાયાભાઈનો હાથ ઊંચો થાય એ પહેલાં તો બેભાન થઈ પડ્યા ને પાંચેયએ મળી આ ભરવાડ દંપતીને તેમના જ ખાટલા સાથે બાંધી દીધું ને ધમકાવ્યા કે ‘જો ચૂં કે ચાં થયું તો સાવ મારી નાખીશું.’
આ તો હજુ અડધું કામ જ પત્યું હતું. મૂળ લૂંટનો ઉદ્દેશ તો હવે શરૂ થવાનો હતો. આખા ઘરમાં લૂંટ મચાવવાની શરૂ થઈ. ડાહ્યાભાઈના હાથના ચાંદીના કડલા, કેડનો ચાંદીનો કંદોરો, જિલુબેનના પગના ચાંદીના કડલા સહિત બંનેનાં શરીરે જેટલું સોનું-ચાંદી મળ્યું એ બધું જ કાઢી લીધું. કબાટ ફંફોળી, એમાં પડેલું સોનું-ચાંદી, 42 હજાર રૂપિયા અને ત્યાં સુધી કે ઘરમાં પડેલા મોટા વાડકા અને કેરીઓ પણ લૂંટી લીધી. બાજુમાં જ્યાં રોકાયા હતા ત્યાં પહોંચી, પાંચેયે સેલિબ્રેશન કરવા કેરીઓ ખાધી ને પછી લાઠીદડ જવા રવાના થયા.
અહીં દંપતીનું મોત નહોતું થયું. બંનેને ગંભીર હાલતમાં ખાટલા સાથે બાંધી લૂંટેરાઓ બહારથી દરવાજો બંધ કરી ભાગી ગયા હતા. બીજી બાજુ તેમનો દીકરો આગલા દિવસથી સવાર સુધી સંપર્ક કરવાની ટ્રાય કરતો હતો, પણ દર વખતે કોલરટ્યૂનમાં પેલાં બેન ‘ફોન કોઇ ઉપાડતું નથી’ એવું બોલીને નિરાશા જ આપતાં હતાં. ટેન્શનનો માર્યો દીકરો સવારે સીધો જ દરેડ ભાગ્યો અને સીમના ઝૂંપડામાં જઈ જુએ ત્યાં તો મા-બાપ અધમૂઆ. સીધી જ 108 બોલાવી દવાખાને પહોંચ્યો અને બા-બાપુજીને એડમિટ કરી બપોરે ખખડાવ્યા અમરેલી SP કચેરીનાં દ્વાર...

‘સાહેબ, ન્યાય ક્યાં? કાયદો ક્યાં? રાતે કોઈ મારાં બા-બાપુજીને અધમૂઆ કરી ગયું અને તમે અહીં આરામથી બેઠા છો?’ SP કચેરીએ IPS નિર્લિપ્ત રાયની ઓફિસમાં જઈ દીકરા મહેશે રોકકળ ચાલુ કરી. ગુનાની તપાસ કરવા મહેશ પાસેથી પૂરી માહિતી મેળવી એક મિનિટની પણ રાહ જોયા વિના IPS નિર્લિપ્ત રાય પોતે બાબરાના દરેડ ગામે ક્રાઇમ સીનની તપાસ કરવા પહોંચી ગયા. બધું જોયું પારખ્યું ને જોતાં ગુનો ગંભીર લગતાં પરત અમરેલી આવી તરત જ SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ-કોઈ એક કેસની ઊંડી તપાસ માટે)ની રચના કરી અને સાથે SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ), LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) સહિત બધી જ પોલીસની ટુકડીઓએ કામે લગાવી.
ક્રાઇમ લોકેશન ફંફોળી માર્યું, આજુબાજુનો વિસ્તાર વીંખી માર્યો, અડધોએક કિમી સુધીના આજુબાજુના વિસ્તારના લોકોની પૂછપરછ કરી લીધી, ગામની સીમના ખેતરની વાત એટલે ત્યાં CCTV મળવાનો કોઈ જ ચાન્સ નહીં, એમાં પણ આ તો 6 વર્ષ પહેલાંની વાત. એડીચોટીનું જોર લગાવી પોલીસ આરોપી શોધવા તૂટી પડી. SP નિર્લિપ્ત રાય ખુદ રોજ કેસની પર્સનલ માવજત કરે, અધિકારીઓના ઊધડા લે, પણ કેસમાં એક કડી મળવા તૈયાર નહોતી. એમાં SOG PSI (હાલ SMC PI) આર. કે. કરમટાના મગજે ચડ્યો લૂંટનો સામાન, જેમાં બે મોબાઈલ ચોરાયા હતા. એના પરથી ટેક્નિકલ સોર્સ લગાવી આરોપીનું લોકેશન જાણી શકાય.

પોલીસે તપાસની દિશા બદલી અને એકાદ દિવસમાં તો બાતમી મળી ગઈ કે એ મોબાઈલ અત્યારે કોઈ વાપરી રહ્યું છે. લૂંટારો અથવા લૂંટારાએ જ્યાં મોબાઈલ વેચ્યો એ કંઈપણ મળે, કડી મહત્ત્વની હતી. પોલીસે સિમ કાર્ડનું લોકેશન શોધ્યું ને પહોંચી ગઈ દૂધેલીની સીમમાં આવેલી એક ઝૂંપડીએ. પોલીસને હતું કે બની શકે ગામડામાં રહેતા કોઈ મજૂરે આ મોબાઈલ ખરીદી લીધો હોય, પણ SOG પોલીસ જેવી ત્યાં પહોંચી તો ખોરડી બંધ હતી. અંદર કોઈ જ નહીં. પોલીસે આજુબાજુ તપાસ આદરી તો ખબર મળી કે ભાઈ એના સસરાના ઘરે લાઠીદડ ગયા છે.
SOG પોલીસ ટુકડી તબડતોબ પહોંચી લાઠીદડ અને જેવું ઘર ખખડાવ્યું ત્યાં તો સામે એક મહિલા. પોલીસે અંદર ડોકિયું કર્યું તો નાનકડી ખોરડીમાં 8-9 મજૂર ઘૂસેલા હતા. પોલીસને હજુ શંકાનો દોરો પણ નહોતો. પરંતુ પોલીસની એન્ટ્રીથી એ નવેનવ મજૂરોના ચહેરાના હાવ-ભાવ જોઇ પોલીસને શંકા ગઈ કે ગરીબડા મજૂરો સાવ નિર્દોષ તો નથી.
પોલીસે આખું ઘર ફંફોળી માર્યું, પણ શંકાસ્પદ વસ્તુના નામે એક ટાંકણી પણ નહોતી. વસ્તુઓ કંઈ ન મળી, પણ તેમના હાવભાવ કશુંક જ અજુગતું હોવાની ચાડી ખાતા હતા. PI-PSI બહાર વાત કરવા નીકળ્યા, ત્યાં વાત કરતાં કરતાં તેમનું ધ્યાન પડ્યું એક ખોદેલી જગ્યા પર. ત્યાં જોયું પોલી જમીન દેખાઇ. કોન્સ્ટેબલને બોલાવી થોડું ખોદકામ કરાવ્યું, ત્યાં તો PI-PSIની આંખો ચાર!
આજુબાજુ પણ ખાડા ખોદવાની શરૂઆત કરી તો ખજાનો ખૂલતો હોય એમ એક પછી એક વસ્તુઓ નીકળવાનું શરૂ થઈ. કોઈ ખાડામાં સોનાના દાગીના તો કોઇમાં ચાંદીના, કોઈમાં રૂપિયાનાં બંડલ તો કોઈમાં મોબાઈલ, ક્યાંક વાસણો તો ક્યાંક જીવલેણ હથિયારો… પોલીસે નવેનવની પૂછપરછ કરી, પણ એકેય પાસે કોઇ જવાબ નહીં! પોલીસે ‘પ્રેમ’થી નવેયને ભર્યા ગાડીમાં ને ધરી દીધા IPS નિર્લિપ્ત રાયની સામે.

તાબડતોબ બીજા જ દિવસે કોર્ટમાંથી રિમાન્ડ લીધા ને સામ-દામ-દંડ-ભેદથી પૂછપરછ ચાલુ કરી ત્યાં તો પોપટની જેમ નવેય લૂંટારાઓએ કબૂલાત ચાલુ કરી દીધી. ઘરનો દરવાજો ખોલ્યો એ મહિલા એટલે બાવલી અને સિમ કાર્ડનો માલિક એટલે ડોશીમાને કુહાડીનો ઘા ઝીંકનાર ફલજી.
વન બાય વન નવેય લૂંટારાઓએ ગુના કબૂલવાની શરૂઆત કરી. એક પછી એક મર્ડર અને લૂંટના ઘટસ્ફોટ થવાની શરૂઆત થઈ. નવેનવ લૂંટારા એક લૂંટમાં સાથે નહીં, પણ દરેક લૂંટમાં 4-5, 5-7ની અલગ અલગ ટોળકી. ગુનાની પેટર્ન યાને કે મોડસ ઓપરેન્ડી સેમ, પણ લૂંટારાની ટોળકી દર વખતે અલગ અલગ મજૂરોની. જોકે એ બધામાં કોમન હતા ચંદુ અને બાવલી. પેલી નેટફ્લિક્સની સિરીઝ ‘મની હાઇસ્ટ’ની જેમ ‘પ્રોફેસર’ગીરી કરતો ચંદુ એની ઘરવાળી જિલિયા સાથે મળી દર વખતે અલગ અલગ માણસોને ‘કામ પતાવવાનું છે.’ કહી બોલાવે અને આ ચંડાળ ટોળકી કોઇની માલદાર ઝૂંપડી પર તૂટી પડે.
***
ખૂનખાર હત્યાઓનો સિલસિલો
100 વર્ષનાં માજીને ગળે ટૂંપો દઈ દીધો
તારીખ : 3 ઓકટોબર 2018 લોકેશન : બોરાણા, સુરેન્દ્રનગર મૃતક : બોજીબેન ધનજીભાઇ મંદુરિયા ગેંગ મેમ્બર્સ : ચંદુ જિલિયા, બાવલી, ફલજી સાડમિયા, મુકેશ સાડમિયા પતિ-પત્ની ચંદુ-બાવલીએ આ વખતે રેકી કરી હતી બોરાણાના એક ઘરની. ઘરે પરત આવી લૂંટની તારીખ નક્કી કરી કે ક્યારે ધાડ પાડવા જવું છે. બધો જ પ્લાન બનાવી જમાઈ ફલજી અને મુકેશને બોલાવ્યા. બે બાઇક લઈ આ ચંડાળ ચોકડી નીકળી પડી બોરાણા જવા. બોરાણા પહોંચી લૂંટના મકાનની થોડે જ દૂર ડેરો નાખ્યો અને રાત પડતાં ઘૂસી ગયા ઝૂંપડીમાં. અંદર એક 100 વર્ષનાં ઘરડા ડોશીમા બોનજીબેન મંદુરિયા એકલાં. પગ મૂકતાં વેંત જ ડોશીમાને ગળેટૂંપો દીધો અને માજી મરતાં જ અંગે પહેરેલું બધું જ સોનું લૂંટી ભાગી ગયા.
***

ધારિયાથી લક્ષ્મણભાઇનું ઢીમ ઢાળી દીધું તારીખ : 16 જાન્યુઆરી 2019 લોકેશન : ગલસાણા, અમદાવાદ મૃતક : લક્ષ્મણભાઈ ભીખુભાઈ ભરવાડ ગેંગ મેમ્બર્સ : ચંદુ જિલિયા, બાવલી, કિશન વાઘેલા, ભઈલુ જિલિયા પતિ-પત્ની ચંદુ-બાવલી ગલસાણા જઈ ઘર શોધી આવ્યાં અને આ વખતે ગેંગમાં લીધા જમાઈ કિશન અને દીકરા ભયલુને. બે બાઇક પર ચારેય જણા ઊપડી ગયાં ગલસાણા જવા. રેકી કરેલા ઘર પાસે જઈ સૂરજ આથમવાની રાહ જોઈ અને રાત પડ્યે ઘરમાં ઘૂસી ધોકા અને ધારિયાં લઈ લક્ષ્મણભાઇ ભરવાડ અને એમની પત્ની પર તૂટી પડ્યાં. પણ લક્ષ્મણભાઈ બળૂકા, સાધારણ રીતે હાર ન માની. થોડી લડત આપતાં ચંદુને વધારે બીક લાગી અને ધારિયાથી લક્ષ્મણભાઇનું ઢીમ ઢાળી દીધું.
***
ધોકાના ઘા મારી મારીને દંપતીનાં માથાં ફાડી નાખ્યાં
તારીખ : 27 માર્ચ 2019 લોકેશન : વાટાવચ્છ, સુરેન્દ્રનગર મૃતક : પતિ-પત્ની, રાયસંગભાઈ અને પત્ની જમનીબેન ગેંગ મેમ્બર્સ : ચંદુ જિલિયા, બાવલી, મુકેશ સાડમિયા, કિશન વાઘેલા વાટાવચ્છમાં ચંદુ-બાવલી દંપતીએ સાથી બનાવ્યા બીજા બેને. જમાઈ મુકેશ અને કિશન. બોટાદ થઈ પહોંચ્યાં સાયલાના વાટાવચ્છ ગામે. આ વખતે ઘરમાં ખાલી વૃદ્ધ દંપતી જ હતું, એટલે પ્લાન માત્ર ચોરીનો જ હતો. ઘરમાં ઘૂસી ચારેયે ચોરી ચાલુ કરી, પણ અવાજ આવતાં ભાભા-ડોશી રાયસંગભાઈ નાનુભાઈ અને તેમનાં પત્ની જમનીબેન જાગી ગયાં. હવે ભાગવાનો કોઈ ચાન્સ નહોતો. મર્ડર કરવા ટેવાઇ ગયેલા ચંદુએ દંપતીને માથામાં ધોકાના ઘા ઝીંકી ત્યાં ને ત્યાં પતાવી દીધા અને ઘરનું રોકડ-સોનું-ચાંદી બધું ચોરી ભાગી ગયા.

***
દંપતી ઉપરાંત ભસતા કૂતરાને પણ મારી નાખ્યો
તારીખ : 24 એપ્રિલ 2019 લોકેશન : ધાંધળી, ભાવનગર મૃતક : સંજયભાઇ બિજલભાઈ પરમાર ગેંગ મેમ્બર્સ : ચંદુ જિલિયા, બાવલી, મુકેશ સાડમિયા અને વિસુ જિલિયા પતિ-પત્ની ચંદુ-બાવલી મળીને આ વખતે રેકી કરી આવ્યાં શિહોરના ધાંધળીની. દીકરા વિસુ અને જમાઈ મુકેશને લઈ ચારેય જણા ધાંધળી પહોંચી ગયાં. ટાર્ગેટ કરેલા મકાનની બાજુના ખેતરમાં જ રાતવાસો કરવા રોકાયાં. મોડી રાતના દોઢ-બે વાગ્યે ઊઠી પહોંચી ગયાં બાજુના ખેતરમાં. જેવો ઝાંપો ખોલ્યો ત્યાં તો સામે કૂતરાએ ભાસવાનું ચાલુ કર્યું. પહેલો ઘા, કૂતરાને મારી એને ત્યાં ને ત્યાં પતાવી દીધો. ગામ સધ્ધર એટલે ખેતરમાં પણ આખી રાત સારી એવી લાઇટ. ચંદુએ પાછળ જઈ પહેલાં ઘરની લાઇટ કાપી. જેવી લાઇટ ગઈ અને થોડો અવાજ આવ્યો એટલે અંદર સૂતેલો સંજય પરમાર તો સીધો લોખંડનો સળિયો લઈ બહાર આવ્યો. બહાર આવી જુએ ત્યાં તો સામે કોઈ અજાણ્યો શખસ. સંજય તો સળિયો લઈ ભાગ્યો વિસુની પાછળ, આગળ વિસુ દોડે જાય ને પાછળ રાડો નાખતો સંજય. વાડી પૂરી થતાં જેવી દીવાલ આવી વિસુ એક જ ઝાટકે દીવાલ કૂદ્યો અને સંજયે કર્યો સળિયાનો છુટ્ટો ઘા. ઘા ચુકાયો અને વિસુ બચી ગયો. ચોર ભગાવ્યાના સંતોષ સાથે પહોળી છાતીએ સંજય તો પાછો ફર્યો ત્યાં ચંદુ ઘરના દરવાજે રાહ જોઈને ઊભો હતો. ધોકાનો ઘા સંજયના માથે મારી ત્યાંને ત્યાં એનું ઢીમ ઢાળી દીધું. પતિની મરણચીસ સાંભળી એની અર્ધાંગિની રાધાબેન દોડતી દોડતી બહાર આવી. જેવી એ બહાર આવી બાવલીએ રાધાબેનનું ઢીમ ઢાળી દીધું. બંને પતિ-પત્નીનાં ઘરેણાં અને ઘરમાં પડેલા સામાનની લૂંટ મચાવી બાવલી ગેંગ રવાના થઈ.
***
જેણે પાણી પાયું, તેના જ ફેમિલીને પતાવી નાખ્યું
તારીખ : 4 મે 2019 લોકેશન : ફેદરા, અમદાવાદ મૃતક : જશુભાઇ ભરવાડ ગેંગ મેમ્બર્સ : ચંદુ જિલિયા, બાવલી, હરેશ જિલિયા, કિશન વાઘેલા, કાળું જિલિયા આ વખતે નજર હતી ધંધુકાના ફેદરા પર. સૌરાષ્ટ્રથી લાંબા થઈ ધંધૂકાનું ગામ જોઈ આવ્યા ને આ વખતે ગેંગ બનાવી પાંચ લોકોની. કામ પૂરું પાડવાના દિવસે ફેદરા જઈ જ્યાં લૂંટ કરવાની હતી એમના જ ખેતર પાસે બાઇક મૂકી, આજુબાજુમાંથી ખાખરાનાં લાકડાં લઈ ધોકા બનાવ્યા. ખેતરમાં બાજરાનો મોટો જબ્બર પાક હતો, એટલે બાજરામાં પાંચેય લીંપાઈને રાત સુધી બેઠાં રહ્યાં. રાત પડ્યે પિશાચો જાગ્યા અને નીકળી પડ્યા ટાર્ગેટ બાજુ.
ખેતરની સામે પાર મંદિર ને મંદિર બાજુમાં મજબૂત ફેન્સિંગવાળું પાકું મકાન. આ વખતે છુપો હુમલો શક્ય નહોતો, એટલે ચતુરાઇને સાથી બનાવ્યો. વહેલી રાત, એટલે બધા જાગતા હતા. પ્રેમથી ઘરમાં જઈ પાણી માગ્યું. જેવો પાણીનો ગ્લાસ લાંબો કર્યો કે વિસુએ જોરથી ધોકો ઉગામી જશુભાઇ ડોંડાના માથે માર્યો. જશુભાઈ જમીન પર ને આખું ઘર ઓસરીમાં આવી ગયું. પાંચેય લૂંટેરા ઘરના ચારેય સભ્યો પર ધોકા લઈ તૂટી પડ્યા અને બાદમાં લૂંટ ચાલુ કરી. છેલ્લે આખું ઘર લૂંટી ઘરના સભ્યોને ઘરમાં પૂરી દીધા અને પાંચેય રવાના થયા.

***
તારીખ : 19 નવેમ્બર 2017 લોકેશન : હળિયાદ, ભાવનગર મૃતક : અંજુબેન દેવજીભાઈ નાવડિયા ગેંગ મેમ્બર્સ : ચંદુ જિલિયા, બાવલી, હરેશ જિલિયા, કિશન વાઘેલા, કાળું જિલિયા પોતાની એ જ મોડસ ઓપરેન્ડીથી આ વખતે ચંદુ અને બાવલી હળિયાદનું એક ઘર જોઈ આવ્યાં. પતિ-પત્નીએ જમાઈ કિશન અને કાળુને સાથે બોલાવ્યા ને ચારેય જણા પહોંચી ગયાં વલ્લભીપુરના હળિયાદ. નક્કી કરેલા ઘર પાસેના ખેતરમાં રાતવાસો કરવાનું કહી રોકાયાં અને જેવી મોડી રાત થઈ, ઘરમાં ઘૂસી પહેલાં જ દેવજીભાઈ નાવડિયા અને એમની ઘરવાળી અંજુબેનને માથે ધોકા ઝીંકી દીધા. બંને બેભાન થયાં એટલે આખા ઘરમાં લૂંટ આદરી જલદી બહાર નીકળી ભાગ પાડ્યા અને ઘરે જવા રાવાના થયા. આ હુમલા વખતે બંનેનાં મોત નહોતાં થયાં, પણ ગંભીર ઇજાના કારણે અંજુબેનનું સારવારમાં પાછળથી મોત થયું.
આ સિવાય આ ટોળકીએ દરેડ, ઘંટિયા, મોરસલ, સાયલા, આંબારેલી સિમેજની સીમ, જોબાળ, ખિતલા અને ચોટીલા હાઇવે પર દેહવર ચોકડી પાસે સાધુની લૂંટ મળી લાખો રૂપિયાની લૂંટની પણ કબૂલાત આપી હતી. સાથે દર વખતે જ્યાં સોનીઓ પાસે આ વધુ સોનું-ચાંદી વેચવા જતા એ સોનીને પણ ખબર હતી કે આ માલ લૂંટનો છે, છતાં પૈસા આપી ખરીદતા હોવાના કારણે શિહોરના સોની શરદભાઈ રાજપુરા અને રાજ રાજપુરની પણ પોલીસ ધરપકડ કરી હતી. દરેક ગુનાની મોક ટ્રાયલ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ ગેંગના નવેય સભ્યો અત્યારે જેલમાં સજા ભોગવી રહ્યા છે.
ગેંગ બનાવી આ પ્રકારના ગુનાઓ કરતી ક્રાઇમને 2023થી BNS (ભારતીય ન્યાય સંહિતા)ના સેકશન 11માં સમાવી લેવામાં આવ્યા છે, જેમાં ગેંગ બનાવી કિડનેપિંગ, સાયબર ક્રાઇમ, લૂંટ કે કોન્ટ્રેક્ટ કિલિંગ જેવા તમામ ગુનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સજામાં ગેંગ સાથે ફક્ત નામ જોડાયેલું હોય તોપણ મિનિમમ 5 વર્ષની કેદ અને પાંચ લાખના દંડથી શરૂઆત કરી આખી ગેંગને ઉંમરકેદ સુધીની સજાની જોગવાઈ છે.
(આ સ્ટોરીમાં લખાયેલા એક એક શબ્દ માટે પોલીસ સ્ટેશનના લૉકરમાં પડેલાં દરેક નિવેદન-દસ્તાવેજ, તપાસમાં જોડાયેલા સિનિયરથી જુનિયર ઓફિસર્સ અને કર્મચારીઓ સાથે મળી ઓફિશિયલ માહિતી મેળવવામાં આવી છે.)
અસુર - એપિસોડ 1 : મેલડીના નામે કેમિકલથી આખા પરિવારને પતાવી લાશો કેનાલમાં ફેંકી : ‘એક કા તીન’ની લાલચે ભૂવાએ 12 મર્ડર કર્યાં, સગા સાળાએ 6 મહિના ટેક્સી ચલાવીને પકડાવ્યો
અસુર - એપિસોડ 2 : 'કુહાડીથી નગમાની લાશના ટુકડા કરી મેલડીના મંદિર પાસે દાટ્યા’:સોડિયમ નાઇટ્રાઇટથી 12 મર્ડર કરનારા સિરિયલ કિલરે જેલમાં આપઘાત કેમ કરી લીધો?
અસુર - એપિસોડ 3 : પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો : રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
અસુર - એપિસોડ 4 : વિધવા સાથે સંબંધ બાંધી પતાવી દીધી:TV જોઈને મર્ડર કરતા શીખેલો અમરેલીનો સિરિયલ કિલર, ગળું દબાવી જીવ ખેંચી લે, મરેલાનું સાચવેલું ઘરેણું જોઈ ખુશ થતો
અસુર - એપિસોડ 5 : ચોળાફળી વેચનારો બન્યો સિરિયલ કિલર!:યુટ્યૂબ જોઇને બંદૂક ચલાવતાં શીખ્યો, 4 હત્યા કરી લાખોનું સોનું લૂંટ્યું, ચોથી લાશ ગટરમાંથી કાઢી, કાપી ફરી ગટરમાં ડુબાડી
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















