- Gujarati News
- Bhaskar khaas
- Asur
- Gujarat Gandhinagar Serial Killer Madan Monish Bhanwarlal Nayak Mali Murder Case Part 5 Asur Series Divya Bhaskar
અસુર-5વીકેન્ડમાં જ મર્ડર કરતો ગાંધીનગરનો સિરિયલ કિલર!:લાશને કાપી ગટરમાં ડુબાડી, ચોળાફળીવાળો યુટ્યૂબ જોઇ મર્ડર કરતા શીખ્યો, મરેલાને લૂંટી રેસ્ટોરાં ખોલી
- કૉપી લિંક

27 જૂન 2019 કઠવાડા GIDC એરિયા, અમદાવાદ શિયાળાની સાંજ આથમવું આથમવું કરતી હતી. સૂરજ ઢળવાની તૈયારીમાં હતો. સનસેટના પ્રકાશથી આખું આકાશ કેસરિયું બની ગયું હતું. અચાનક નર્મદા કેનાલ પાસેથી જતી એક જૂની ઇકો ગાડીમાંથી ધડામ દઈને મોટો અવાજ આવ્યો ને બારીના ચકચકાટ

***
મજા અને લૂંટ માટે ત્રણ મર્ડર, ચોથી હત્યા પુરાવા છુપાવવા મૂળ રાજસ્થાનનો મોનીષ સપનાંનું પોટલું ભરી અમદાવાદમાં આવ્યો હતો. અમદાવાદમાં પોતાનું ઘર અને દુકાન કરવી હતી, પણ ખાલી ખિસ્સે બહારથી આવી નવા શહેરમાં ઘર-દુકાન કરવામાં લોકોની પેઢી નીકળી જાય. મોનીષને એટલી રાહ નહોતી જોવી, એટલે શોધ્યો સરળ અને ક્રૂર રસ્તો ને ગાંધીનગર પોલીસની ઊંઘ હરામ કરી દીધી. ત્રણ મર્ડર મજા અને લૂંટ માટે ને ચોથું? એ ત્રણ મર્ડર છુપાવવા માટે!
***
સાવકી માતાએ પેદા કર્યો સિરિયલ કિલર મોનીષ દેખાવે એકદમ સુકલકડી, માથે બંને બાજુ થોડી ટાલ પડી ગયેલી. આગળ મોટું નાક ને કરવાનું કાળું કામ. રાજસ્થાનના ગામડામાં જન્મેલા મોનીષની નાની વયે જ માતાનું અવસાન થઈ ગયું હતું. પિતાએ બીજા લગ્ન કર્યા અને બાળકો થયાં, પણ આ બધામાં મોનીષ સાથે ઘરમાં બહુ જ ખરાબ વર્તન થતું. સાવકી માતા આખો દિવસ ઘરે તેને કૂટે જ રાખતી અને તોછડાઈથી જીવન વીતતું હતું.
એક રાત્રે બાજુની સોસાયટીમાં મોનીષ એકલો રમતો હશે, ત્યાં દારૂડિયાઓનું ટોળું ત્યાં આવ્યું. મોનીષને જોઈ પહેલા મજાક કરી, પણ પછી નશામાં ભાન ન રહેતાં મોનીષને ઝૂડવાનું ચાલુ કર્યું. મોનીષ કુમળો જીવ અને આ દારૂડિયાઓનું ટોળું. મારી મારીને તોડી નાખ્યો, ઉપરથી મોનીષના કાનમાં એ ટાઈમે એક ઘરેણું પણ હતું. દારૂડિયાઓએ કાઢ્યું, પણ નીકળ્યું નહિ, એટલે વારાફરતી બધાએ ખેંચવાનું ચાલુ કર્યું ને કાનનું એ કાણું લાંબું કરી દીધું, જે ઘા આજીવન રહી ગયો. એક-એક દિવસ દાયકાઓની પીડા વેઠી મોનીષ જેમ તેમ કરી મોટો થયો, પણ એક ઉંમરે એવો કંટાળ્યો કે 'હવે હું આ હેવાનો સાથે નહીં રહી શકું'. એટલે રાજસ્થાન છોડી અમદાવાદ એક બહેન પાસે આવી ગયો. અમદાવાદની બોર્ડરમાં પગ મૂકતાં જ મનમાં ક્લિયર કે ‘મારે અહીં ખાણીપીણીનો કોઈપણ બિઝનેસ કરવો અને અહીં પરિવાર વસાવવો.’

મહેનતમાં મેળ નહીં પડે, ચોરી કરો પૈસા બનાવો! શરૂઆતમાં કાલુપુર રેલવે સ્ટેશને 5-5 રૂપિયામાં નોકરી ચાલુ કરી. થોડા દિવસમાં એક સાઇકલ ચોર સાથે તેનો સંપર્ક થયો. અવળે રવાળે ચડવાની મોનીષની શરૂઆત થઈ ચૂકી હતી. લાંબો ટાઈમ સુધી સાઇકલ ચોરી કરી, ત્યાં 2002માં ગોધરા કાંડ થયો અને અમદાવાદ ભડકે બળ્યું.
એક ચોરટાની લવસ્ટોરી આ અરસામાં બહારથી આવેલા શરણાર્થીઓ અને ગરીબવર્ગને તેમની રક્ષા માટે સરકારે ઇસનપુરમાં ઝૂંપડાં બાંધી રહેઠાણ આપ્યું હતું. મોનીષે ત્યાં રસોઈનું કામ ચાલુ કર્યું અને આજુબાજુમાં બધાને જમવાનું બનાવી આપવા લાગ્યો. મોનીષનો હાથ હવે રસોઈ પર બેસી ગયો હતો. એ બધામાં ત્યાં એક યુવતી સાથે મોનીષની મુલાકાત થઈ અને મનમેળ બેસી ગયો. જેવો માહોલ શાંત થયો મોનીષે એ જ યુવતી સાથે લગ્ન કરી લીધા અને અમદાવાદમાં નાનકડી ઓરડી રાખી ઘર સંસાર વસાવ્યો.
ચોરી-લૂંટ જેવા બધા જ ધંધા પડતા મૂક્યા અને કોમન મેન તરીકે જીવન શરૂ કર્યું. એ અરસામાં મોનીષના ઘરે દીકરાનો જન્મ પણ થયો. ફેમિલી મેન મોનીષે નક્કી કર્યું કે મારું જીવન ગમે તેમ વીત્યું, પણ મારા દીકરાને હું સારી લાઈફ આપીશ.
ગ્રાહકની રિવોલ્વરથી ચોળાફળીવાળો બન્યો સિરિયલ કિલર મોનીષે હવે ચોળાફળીની લારી ચાલુ કરેલી, પણ મનમાં એક જ વાત રમે રાખે કે આમને આમ ચોળાફળી વેચે તો ક્યારે ઘરનું મકાન અને મોટી દુકાન લઇશ. એ દરમિયાન સાબરમતી રેલવે કોલોની પાસે કોઈ લગ્નમાં ચોળાફળી વેચવા ઊભો રહ્યો. ત્યાં લગ્નમાં ઘરધણીએ રોફ ઝાડવા કમરે રિવોલ્વર ટાંગેલી. ઉપરથી દીકરાના લગ્નની દાદાગીરીમાં હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું, એટલે ફેમિલીમાં સાહેબનું માન વધી ગયું. મોનીષની નજર ત્યાં અટકી. એ રિવોલ્વરના સીનસપાટા સિરિયલ કિલરનો જન્મ હતો.

મોનીષની નિયત બગડી ને ખુરાફાતી વિચાર આવ્યો કે ‘જો આ રિવોલ્વર મળી જાય તો કામ થઈ જાય. મારાં બંને સપનાં રમતાં રમતાં પૂરાં થઈ જશે. લોકોને લૂંટી લૂંટી પૈસા પણ જલદી મળી જશે. મહેનત ઘણી થશે, પણ વર્ષોનું કામ મહિનાઓમાં થશે.’ એ માટે સૌથી પહેલા જોઈશે રિવોલ્વર. એ ક્યાંથી કાઢવી? નજર સામે તો એક જ રિવોલ્વર હતી, આ ઘરધણીની. ત્યાંથી જ મોનીષે એના બે નંબરના ધંધાની શરૂઆત કરી.
લગ્ન પૂરા થયા એના બીજા જ દિવસે મોનીષે એ જ ઘરમાં ઘરફોડ ચોરી કરી અને એ મકાનમાલિકની .32 બોરની રિવોલ્વર ચોરી લીધી. એ મકાનમાલિક રેલવેનો ટિકિટ કલેક્ટર હતો અને તેને યુનિક સિક્કા સાચવવાનો શોખ. મતલબ કે 50ના કે 100ના કે 200 સિક્કા, જે સામાન્ય રીતે ક્યાંય મળી ન શકે. મોનીષે ઘરમાંથી પૈસાની સાથે રિવોલ્વર અને સિક્કા પણ ચોરી લીધાં.
યુટ્યૂબ જોઇને રિવોલ્વર ચલાવતાં શીખ્યો રિવોલ્વર તો પાસે આવી ગઈ, પણ હવે એ ચલાવવી કેમ? જેણે ચોળાફળીના ઝારા સિવાય ક્યારેય ચપ્પુ પણ હાથે ન ઝાલ્યું હોય તેને આ વિદેશી રિવોલ્વર ચલાવતા તો કેવી રીતે આવડે? મોનીષે પોતાના સેમસંગ S2 મોબાઈલમાં એકાદ GBનું રિચાર્જ કરાવ્યું, ચાલુ કર્યું યુટ્યૂબ ને ઓનલાઈન રિવોલ્વર ચલાવતા શીખ્યો. હવે ગન લઈને કોઈને સામે જવું પણ સૂકલકડી મોનીષ માટે સહેલું નહોતું, એટલે યુટ્યૂબ પર જ મોનીષે એ પણ સર્ચ કર્યું કે રિવોલ્વરથી કોઈને મારવાનો સૌથી સહેલો રસ્તો કયો? જેનાથી એક મિનિટની અંદર જીવ જતો રહે અને અવાજ પણ દૂર સુધી ન જાય? મોનીષ યુટ્યૂબ પાસેથી શીખી ગયો બધું ને નીકળી પડ્યો લૂંટ કરવા અને એ પણ જરૂર પડ્યે મર્ડર કરવાની પૂરતી તૈયારી સાથે.

***
પહેલું મર્ડર 14 ઓકટોબર 2018, સવારે 10:30 વાગ્યે દંતાલીની સીમ, ગાંધીનગર
દિવાળીનો સમય નજીક હતો, ઠંડીએ જોર પકડવાનું શરૂ કરી દીધું હતું, ગાંધીનગરનાં આજુબાજુનાં ગામડાંઓની વાડીઓમાં પાક ઉતારી લેવાયો હતો. એ ઊઝડેલી વાડીઓમાં ઢોર ચરાવવા રબારીઓ ને ભરવાડોની અવરજવર ચાલુ હતી. એવો જ એક 60 વર્ષનો રબારી, નામ જયરામ ભરવાડ… ભેંસોનું ઝુંડ લઈ નીકળી પડ્યા દંતાલીની સીમમાં. ભરવાડો ખેડૂતો સવારે નીકળે એટલે પછી ઘરે આવવાનું પ્રયાણ સાંજે જ હોય, કેમ કે બધાં ઢોર-ઢાંખરને છોડી ઘરે એકલા જઈ ન શકે. એટલે બપોરે જ્યાં પહોંચ્યા હોય ત્યાં ઘરેથી કોઈ આવી જમવાનું આપી જાય. એવામાં જયરામબાપાને પણ દીકરાએ ફોન કર્યો ને લોકેશન પૂછ્યું, ‘એ બાપુ, સું કરો? ચમના છો?’ ‘જો ને, એય માલ ચરે છે અને દંતાલીની સીમમાં પહોંચ્યો છું.’ ‘સારું સારું, તો હું ત્યાં ભાતું લઈને આવું છું.’દીકરો તેજમલ ઘરેથી ભાતું (બપોરનું જમવાનું) લઈને તો નીકળ્યો, પણ એ જમણ આજે જેમનું તેમ રહેવાનું હતું. પિતાએ આપેલા લોકેશન પર જેવો તેજમલ પહોંચે ત્યાં તો બાપા ઊંધા સૂતેલા. રબારી જણ આવી રીતે વાડીમાં ઊંધો સૂવે એ વાતમાં માલ નહિ. દીકરાએ જોરથી બૂમ પાડી ને પિતા પાસે જઈ જોયું તો માથામાં પાછળના ભાગે ઊંડો ઘા અને એ પણ ગોળીનો. આઘાતમાં આવેલા દીકરાએ કુટુંબી ભાઈને ફોન કર્યો ને સાથે 108 બોલાવી, પણ 108 આવતા વાર લાગી ત્યાં સુધીમાં બાજુમાંથી રિક્ષા નીકળી તો પિતાને રિક્ષામાં રાખી 108ના રસ્તે સામે દોડ્યા ને જલદીથી હોસ્પિટલ લઈ ગયા, પરંતુ માથા પર પાછળના ભાગે બંદૂકની અણી અડાડીને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી છોડેલી ગોળીથી વીંધાયેલ માથા બાદ જીવ બચે એ અશક્ય હતું.

અવાવરૂ જગ્યાએ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી મર્ડર આ કામ કરનાર હતો મોનીષ! મોનીષની આ પહેલી લૂંટ હતી અને પહેલા જ ઘાએ 70-80 હજારનું સોનું ગપચાવી પાડ્યું હતું. હવે આ કીમિયો મોનીષની દાઢે વળગી ગયો. ચોળાફળી વેચી બે-ચાર મહિને કમાય એટલું માત્ર અડધા કલાકની મહેનતે કમાઈ લીધું હતું. હવે આ જ તેની મોડસ ઓપરેન્ડી બની ગઈ. કોઈ એકલી અજાણી વ્યક્તિ શોધવાની, જે કોઈ અવાવરૂ અથવા એકલી જગ્યાએ હોય, ચુપકીદીથી તેની નજીક જવાનું, પાછળ જઈ માથા પર રિવોલ્વર અડાડી (પોઈન્ટબ્લેક રેન્જથી) ગોળી છોડી દેવાની. જેથી શિકાર ભાગી પણ ન શકે, એક મિનિટમાં મરી પણ જાય અને અવાજ પણ દૂર સુધી ન જાય. જેવો તે મરે એટલે તેનો બધો જ માલ લૂંટી ભાગી જવાનું. મોનીષે પોતાનું કારસ્તાન ચાલુ રાખ્યું. બીજો શિકાર શોધ્યો ગાંધીનગરના કોબામાં...
***
લોખંડની દુકાનના માલિકની ખોપરી ફાડી નાખી 2 ડિસેમ્બર 2018, સવારે 8:00 વાગ્યે પ્રેક્ષા ભારતી રોડ, ગાંધીનગર વહેલી સવારનો સમય હતો, પાટનગરમાં દુકાનો ખૂલવાની હજુ ખાસ્સી વાર હતી. શિયાળાના લીધે દિવસ ઊગવામાં પણ આળસ કરી રહ્યો હતો. બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ, દૂધના ફેરિયાઓ અને સફાઇવાળા સિવાય ક્યાંય હલચલ નહોતી. ધીમે ધીમે લોકોની અવરજવર શરૂ થઈ અને પ્રેક્ષા ભારતી પાસે સર્વિસ રોડ પરના એક ટ્રેડર્સે ભગવાનનું નામ લઈને દુકાનનું શટર ખોલ્યું. નિત્યક્રમ પ્રમાણે અંદર આંટો મારી બાજુની લોખંડની દુકાનમાં જઈ કેશવભાઈ પટેલને રામ-રામ કરવા ગયો, ત્યાં તો શું જોયું? ઊંધે માથે પડેલા 75 વર્ષના કેશુબાપાની લાશ! સવારની શાંતિ ભંગ થઈ ને જોરથી બૂમ પાડવાની સાથે કેશુબાપાના દીકરાને ફોન કર્યો. આ વખતે પણ મોનીષે, પટેલે પહેરેલાં ઘરેણાં ને બધું જ લૂંટી લીધું હતું. સારુંએવું સોનું મળ્યું. ઘર સારી રીતે ચાલતું થયું, પણ મોનીષ તો મનછા હતી સારી દુકાન અથવા રેસ્ટોરાં ખોલવાની. થયું કે આ રીતે એક-એક લાખ રૂપિયા લૂંટે તો ભેગું નહિ થાય.

ચોળાફળી ખવડાવે, એક્ટિવાથી પીછો કરે, પછી કામ તમામ મોનીષની નજર હવે મોટો હાથ મારવા પર હતી, પણ તે આ બધા શિકાર શોધતો ક્યાંથી? રેન્ડમલી કોઈપણ? ના! મોનીષના શિકાર પણ તેના ગ્રાહકો જ હતા. એ માટે મોનીષ મોટી મોટી હોટલો પાસે જ પોતાની ચોળાફળીની લારી રાખીને ઊભો રહેતો, પણ એક્ટિવા સાથે. મતલબ જ્યાં પણ લારી રાખે ત્યાં સાથે એનું એક્ટિવા પણ લેતો જાય. ત્યાં હોટલ પર જે મોટા ઘરની વ્યક્તિ આવે, જેના શરીરે ઝાઝું ગોલ્ડ દેખાતું હોય, જે દેખાવે અમીર હોય, તે વ્યક્તિ જેવી હોટલથી નીકળે એટલે લારી બંધ કરી તેની પાછળ એક્ટિવા લઈને જાય અને પીછો કરે. લોકેશન જોઈ બીજા દિવસે એ શિકારનું ઘર, ગાડી, ઊઠક-બેઠક બધાની એક દિવસ સુધી રેકી કરી લે. જો લાગે કે આમાં સારો માલ મળશે તો તે શિકારનો ખેલ ખતમ. ત્યાં જવાનું અને તેને પાછળથી એકલા જઈ ગોળીએ વીંધી નાખવાનો.
એક કિલો સોનું પહેરીને ફરવું જમીન-દલાલને ભારે પડી ગયું એક દિવસ એવી જ એક હોટલ પાસે આવ્યા એક જમીન-દલાલ, નામ જૂઠાજી ઠાકોર. મજબૂત બાંધો ને શરીરે એકાદ કિલો સોનું ઊંચકીને ચાલતા હોય એવા ખમતીધર ઠાકોર. ગળે ખોડિયાર માતાના મોટા પેન્ડલવાળો જાડો ચેન, સોનાના શેર, ડાબા-જમણા બંને હાથની ત્રણ-ત્રણ આંગળીઓમાં સોનાની જાડી-જાડી વીંટીઓ. આ વેશે જાહેરમાં હોટલમાં જવું મોંઘેરા જૂઠાજીને મોંઘું પડવાનું હતું.
***
ખાટલા પર પિતાની લાશ, માથામાં બંદૂકની ગોળીનું ભગદાળું 26 જાન્યુઆરી 2019, સવારે 9:30 વાગ્યે શેરઠા ગામની સીમ, ગાંધીનગર જૂઠાજીનો દીકરો હજુ તો માતાજીનાં દર્શન કરી ઘરની બહાર નીકળવાની તૈયારી કરતો હતો ત્યાં ફોન રણક્યો કે ‘મહેન્દ્રભાઇ, બાપુનું કોઈએ મર્ડર કરી નાખ્યું છે અને સરકારી નાળિયામાં પડ્યા છે.’ મહેન્દ્ર ભાગ્યો સીધો જ વાડીના રસ્તે અને જુએ છે તો ખાટલા પર પિતાની લાશ. પાછળથી વાગેલી ગોળી ને શરીરે સોનાનો એક કણ પણ નહિ. હત્યા હતી એ પાક્કું હતું એટલે પોલીસને જાણ કરી ને 108 બોલાવી હોસ્પિટલે પહોંચતા કર્યા, પણ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા.
જેવું આ ત્રીજું મર્ડર થયું એટલે મોનીષને ખાધું ન ખૂટે એટલું મળી ગયું હતું. નહિ નહિ તો પણ 3-4 લાખ જેટલા રૂપિયા મોનીષે ભેગા કરી લીધા હતા, એટલે હવે આ બધા ધંધા બંધ કરી શાંતિથી પોતાનું જીવન વિતાવવાનું નક્કી કર્યું.

ગાંધીનગરમાં સિરિયલ કિલર છુટ્ટો ફરે છે! સામે બીજી બાજુ પોલીસની ઊંઘ ઊડી ગઈ હતી. 6 મહિનામાં ઉપરાઉપરી 3 મર્ડર અને એ પણ સેમ પેટર્નથી. છુટ્ટા ફરી રહેલા આ સિરિયલને પકડવા માટે મીડિયા અને લોકોના પ્રેશરની સાથે સાથે ઉપરી અધિકારીઓનું પણ જબરું પ્રેશર આવ્યું. આ કેસ બાબતે DGP આશિષ ભાટિયાએ પર્સનલ ધ્યાન આપવાનું શરૂ કર્યું. આરોપી એક જ હતો એ ફાઇનલ થયું એટલે તેને પકડવા ગાંધીનગર સિટી પોલીસ, ગ્રામ્ય પોલીસ, LCB, SOG, રેન્જ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, SIT, બધી જ ટીમોને આ એક કેસ પાછળ દોડતી કરી. 6 મહિના સુધી બધાએ એડીચોટીનું જોર લગાવ્યું, પણ હવે ઉપરી અધિકારીઓની ધીરજ ખૂટી. કેસમાં ઇનવોલ્વ કરી ગુજરાતની બે સૌથી સ્માર્ટ અને મોટી પોલીસ ટીમ CID (ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ) અને ATS (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ)ને.
ATSમાં એ વખતે DIG હિમાંશુ શુક્લા, DCP ભાવેશ રોઝિયા, PI આર. આઈ. જાડેજા, PI મહેશ નાયક સહિતની ટીમ, તો બીજી બાજુ CIDમાંથી SP ગઢીયા, DySP રઘુવંશી, PI રાજવી સહિતની ટીમ દોડતી થઈ અને આરોપીને પકડવા તમામ ઘોડા દોડાવવાના શરૂ કર્યા. કોઈ એક અધિકારીથી આ કેસ સોલ્વ થાય એવો કોઈ ચાન્સ હતો જ નહીં. એટલે બંને ટીમના બધાએ મળી કામ કરવાનું શરૂ કર્યું.
હત્યારા પાસે રિવોલ્વર આવી ક્યાંથી? થોડા દિવસોમાં જ ટીમનું ધ્યાન પડ્યું રિવોલ્વર પર. આરોપી મર્ડર તો રિવોલ્વરથી જ કરે છે, તો તેની પાસે રિવોલ્વર આવી ક્યાંથી? જેની પણ હોય, રિવોલ્વર ક્યાંકથી તો ચોરાઇ જ હશે. આખા ગુજરાતમાં જેટલા જેટલાની રિવોલ્વર ખોવાઈ હતી તેમનું લિસ્ટ મગાવ્યું તો જાણવા મળ્યું કે પૂરા ગુજરાતમાંથી ફક્ત બે જ રિવોલ્વર ચોરાઇ હતી, એક રાજકોટથી અને એક અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી.
PI રાજવી એ જ મિનિટે રાજકોટ જવા રવાના થયા અને ઊભા ઘોડે તપાસ કરાવી તો જેની ખોવાઈ હતી તેની રિવોલ્વર મળી ગઈ. હવે વધી એક રિવોલ્વર, ગાંધીનગરની. તાબડતોબ એ વ્યક્તિ પાસે પહોંચ્યા અને તપાસ કરી તો ખબર પડી કે મર્ડર થયું એના દિવસો પહેલાં જ તેની રિવોલ્વર ગાયબ થઈ હતી. હવે એક વાત ક્લિયર થઈ ચૂકી હતી કે આ ગન ચોરનાર જ ત્રણેય જીવ લેનાર છે. જો અહીંથી કોઈ માહિતી મળી જાય તો આરોપી સુધી પહોંચવું સહેલું થઈ જાય.

સિરિયલ કિલરની માહિતી આપનારને પાંચ લાખનું ઇનામ! સાબરમતી પાસેથી ટિકિટ કલેક્ટરની ઘરની આસપાસના વિસ્તારના CCTV તપાસવાની શરૂઆત કરી તો એક એ ટાઈમે ત્યાંથી એક્ટિવા લઈ જતો એક વ્યક્તિ દેખાઈ, જેમાં તેનો આછોપાતળો ચહેરો દેખાતો થઈ ગયો હતો. પોલીસે એ ચહેરા પરથી સ્કેચ બનાવડાવ્યો અને અમદાવાદ-ગાંધીનગરમાં ચારેબાજુ લગાવી દીધા અને જે આરોપીની પોલીસને જાણ કરે તેને પાંચ લાખનું ઈનામ પણ જાહેર કર્યું. ટ્વિન સિટીમાં સિરિયલે કિલરે ઉપાડો લીધો હતો. આ ઊહાપોહ ચોથું મર્ડર કરાવવાનો હતો, જેના બણગાં ફૂંકાઈ ચૂક્યાં હતાં.
દરેક હત્યા પછી વાહન બદલાઈ કેમ જતું હતું? સામે પોલીસની તપાસ તો ધમધોકાર ચાલુ જ હતી. દરેક મર્ડરની આજુબાજુના વિસ્તારના CCTV તપાસવાનું ચાલુ જ હતું. એમાંય આ આરોપીનો ચહેરો થોડો દેખાયો એટલે તપાસ વધુ સરળ બની. હવે આવી દેખાતી વ્યક્તિને જ શોધવાની હતી. થોડા દિવસોમાં એ પણ મળી ગયું. પહેલાં બે મર્ડરમાં એક્ટિવા જેવું વાહન લાગ્યું અને ત્રીજા મર્ડરમાં એક્સેસ કે બીજું કોઈ વ્હીકલ લાગ્યું. પોલીસે ખોવાયેલા વ્હીકલની તપાસ કરી તો ઇન્ફોસિટીના એક ફરિયાદીએ કહ્યું કે મારું એક્ટિવા ચોરાયું હતું, પણ એ તો થોડા દિવસો પહેલાં કોબા સર્કલ પાસે એક મંદિરની બાજુમાંથી મને મળી ગયું છે. આગળ તપાસ કરી તો એ જ દિવસે બીજું એક એક્ટિવા ચોરાયાની ફરિયાદ થઇ હતી. પોલીસ એ વ્યક્તિને મળ્યા તો તેનું એક્ટિવા પણ મળી ગયું હતું, પણ સામે એ જ દિવસે ત્રીજું એક એક્ટિવા પણ ચોરાયું હતું.
ઇન શોર્ટ, મોનીષ ચોરેલું એક્ટિવા ચલાવતો, પણ મર્ડર કર્યા બાદ એ એક્ટિવા ત્યાં ને ત્યાં છોડી દેવાનું અને નવું કોઈ એક્ટિવા ચોરી લેવાનું, કેમ કે મર્ડર કર્યા બાદ એ એક્ટિવા જો કોઈ CCTVમાં આવી જાય અથવા તો કોઈ જોઈ જાય તોય તેને આધારે પોલીસ તેના સુધી ન પહોંચી શકે.

આ બધા વચ્ચે ATSના PI આર. આઈ. જાડેજાને એક લીડ મળી કે એક એક્ટિવા ચોરાયેલું હતું એ અત્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પડ્યું છે. તાબડતોબ તેઓ ત્યાં પહોંચ્યા અને તપાસ્યું તો ધ્યાન પડ્યું કે થોડા દિવસ પહેલાં તેમની PCR વાન પેટ્રોલિંગ કરતી હતી ત્યારે એક કપલ આ એક્ટિવા પર બેઠું હતું. અમે જેવી ત્યાં બ્રેક મારી એટલે છોકરો તરત જ ત્યાંથી ભાગી ગયો. છોકરીએ પણ કહી દીધું કે આ એક્ટિવા મારું નથી. એટલે પોલીસે બિનવારસી હાલતમાં ગણી એ એક્ટિવા કબજે કર્યું, ત્યારથી અહીં પડ્યું છે. PI જાડેજા એ દિવસે PCR વાન લઈને નીકળેલા હેડ કોન્સ્ટેબલને મળ્યા, સાથે એક હોમગાર્ડ પણ હતો. તેઓ કહે, ‘રાતે અંધારું હતું એટલે તેમનો ચહેરો તો યાદ નથી, પણ બિનવારસી એક્ટિવાના કારણે ત્યાં હાજર યુવતીનો મોબાઈલ નંબર અમે લીધો હતો.’
એક્સ્ટ્રા મેરિટલ અફેરનો ચસકો ભારે પડ્યો તરત જ એ યુવતીને પોલીસ સ્ટેશન બોલાવી અને સાથે હાજર યુવાનની પૂછપરછ ચાલુ કરી, તો માલૂમ પડ્યું કે એ ભાઈના તો લગ્ન પણ થઈ ગયા હતાં છતાં તેની સાથે આ યુવતીને એક્સ્ટ્રા મેરિટલ અફેર હતું. પોલીસે ઘણી પૂછપરછ કરી, પણ યુવતી બીજું કશું જ બોલવા તૈયાર નહોતી. પોલીસે યુવતીને રવાના કરી, પણ હજુ શક તો હતો જ. એટલે તેનો મોબાઈલ નંબર ટ્રેક કરવાનું ચાલુ રાખ્યું અને ઇનકમિંગ-આઉટગોઇંગ બધા જ કોલ તપાસવાનું ચાલુ કર્યું. એક દિવસ, બે દિવસ ને ત્રીજા દિવસે યુવતીના નંબર પર એક ફોન આવ્યો. નંબર ચકાસ્યો તો એ ખાસિયત એ મળી કે આ નંબર પર ફોન આવતી વખતે જ એ ચાલુ રહેતો, એ સિવાય સ્વિચ ઓફ. પોલીસને થોડો વધુ શક ગયો અને તપાસ ઓર ટાઇટ કરી. બીજી વાર નંબર ચાલુ થયો એટલે પોલીસે નંબરનું લોકેશન કઢાવ્યું અને તપાસ કરી તો તે માણસનો ચહેરો CCTVના ચહેરા સાથે એકદમ બંધબેસતો હતો. જૂઠાજી ઠાકોરનું મર્ડર કર્યું એ પછીથી મોનીષે લૂંટનો ધંધો છોડી દીધો હતો. ત્યારથી 6-8 મહિના જેટલા સમયમાં તો સરખેજમાં મોનીષે ગુજરાતી અને રાજસ્થાની થાળીનું પોતાની રેસ્ટોરાં પણ ખોલી નાખી હતી, ‘પુરોહિત ઢાબા’.
4 જણાનો ભોગ લેનારી રિવોલ્વર ગઈ ક્યાં? મોનીષને ઉઠાવ્યો અને નાખ્યો લોકઅપમાં. ATSનું કામ અહીં પૂરું થતું હતું. આરોપીની ધરપકડ બાદ હવેનું ઇન્ટરોગેશન અને ઇન્વેસ્ટિગેશન CIDને સોંપવામાં આવ્યું. ઇન્ટરોગેશન ચાલુ કર્યું એના દિવસો સુધી તો મોનીષ એક શબ્દ ન બોલ્યો. તપાસમાં જોડાયેલા બધા જ IPS-PI બધાએ એડીચોટીનું જોર લગાવી લીધું, પણ મોનીષના મોઢેથી એક શબ્દ પણ ન નીકળે. ત્યાં સુધી કે બે દિવસ તો ખુદ DGP શિવાનંદ ઝાએ પણ પૂછપરછ કરી.

બીજી બાજુ તપાસમાં પોલીસે મોનીષના ઘરની તલાશ લીધી તો ઘરમાંથી થોડી-ઘણી રોકડ સિવાય કશું મળ્યું નહીં, ત્યાં સુધી કે રિવોલ્વર પણ લાપતા હતી. કલાકો સુધી આખું ઘર ફંફોળી મારતાં. અંતે, ધ્યાન પડ્યું ઇલેક્ટ્રિસિટીના બોક્સ પર. ઘરના દરવાજા પાસે લગાવેલા ઇલેક્ટ્રિસિટીના બોક્સની અંદર મોનીષે રિવોલ્વર છુપાવી રાખી હતી!
ચોરીનો માલ ખરીદનારો પણ ગયો કામથી આ બાજુ ધીમે ધીમે મોનીષે મોઢું ખોલ્યું અને ત્રણેય મર્ડર કબૂલ્યાં, પણ આટલું બધું ચોરેલું સોનું ક્યાં ગયું? કયા સોનીને વેચ્યું? એક-બે દિવસમાં તેનું પણ પત્તું ખૂલ્યું, નામ હતું ‘વિશાલ સોની’. પોલીસે તેની તપાસ આદરી તો ધ્યાનમાં આવ્યું કે એ વ્યક્તિ તો ગાયબ છે! કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એની જાણવાજોગ ફરિયાદ પણ નોંધાયેલી છે. તપાસ મજબૂત કરી, વિશાલની દુકાનની આજુબાજુના એ ટાઈમના CCTV તપાસવાનું ચાલુ કર્યું. ધ્યાને આવ્યું કે છેલ્લે વિશાલ મારુતિ વાનમાં મોનીષની સાથે ક્યાંક ગયો હતો. હવે પોલીસે સામ દામ દંડ ભેદથી પૂછપરછ ચાલુ કરી. મોનીષ ભાંગ્યો અને મોતનું રહસ્ય ખોલ્યું.
‘મેં નક્કી કરી લીધું, હવે આને પતાવવો પડશે’ ‘સાહેબ મેં જ વિશાલને ઘણા સમય પહેલાં મારી નાખ્યો હતો. હું મારું બધું સોનું તેની પાસે જ વેચતો હતો. તેને ખબર હતી કે આ ચોરીનો માલ છે, પણ એ નહોતી ખબર કે હું મર્ડર કરીને લૂંટ કરું છું. થયું એવું કે જ્યારે તમે આખા ગામમાં મને પકડવા માટે મારા ચહેરા સાથે પોસ્ટર લગાવ્યાં, એ પોસ્ટર એક પેટ્રોલ પંપ પર વિશાલ જોઈ ગયો હતો. તેણે મને ફોન કર્યો કે મેં આ પોસ્ટર જોયાં છે એ તારાં છે? આ વ્યક્તિ એકદમ તારી જેવી જ લાગે છે, તું કોઈનાં મર્ડર તો નથી કરતો ને? મેં ત્યારે તો ના પાડી દીધી, પણ હવે વિશાલ મારા માટે ખતરો હતો. જો એ થોડા પૈસા માટે લૂંટનો માલ ખરીદી લેતો હોય તો મારા માથે તો પાંચ લાખનું ઈનામ હતું. મેં નક્કી કરી લીધું કે હવે આને પતાવવો પડશે.

***
‘મેં તેની લાશ પથ્થરથી બાંધીને ગટરમાં નાખી દીધી’ 27 જૂન 2019
બે દિવસ સુધી આખો પ્લાન બનાવ્યો અને વિશાલને ફોન કર્યો કે ‘મારી પાસે બહુ વધારે માલ આવ્યો છે, પણ આપણે એ લેવા જવું પડશે. તું એક કામ કર, તારી ઇકો ગાડી લઈ લે, આપણે ત્યાં જઈને લઈ આવીએ. લાલચુ વિશાલ તરત જ તૈયાર થઈ ગયો. અમદાવાદથી બહાર લઈ જવા હું રસ્તો બતાવતો ગયો અને દેહગામવાળા રસ્તે નીકળી પડ્યા. રસ્તામાં કેનાલ બાજુ અવાવરૂ જગ્યા આવતાં જ મેં પાછળથી વિશાલના માથે ગોળી ધરબી દીધી. વિશાલનો જીવ ગયો એટલે તેને સાઈડમાં કર્યો અને થોડે આગળ જઈ પથ્થરથી બાંધી તેની લાશ ગટરમાં નાખી દીધી.’
‘ગટરમાંથી સડેલી લાશ કાઢી, ટુકડા કર્યા ને ફરી પાછી ગટરમાં ડુબાડ્યા’ ‘વિશાલનો ખેલ ખતમ થયો, પણ મારા જીવને ધરપત નહોતી કે તેની લાશ ડૂબી હશે કે નહીં, એટલે બે-ત્રણ દિવસ પછી હું ફરી ત્યાં ચેક કરવા ગયો. એની કોહવાયેલી લાશ પથ્થર સાથે પાણીની ઉપર આવી ગઈ હતી. મેં એ ગટરના પાણીમાંથી કોહવાયેલી લથપથ લાશ બહાર કાઢી. મારા હાથેથી લાશના કટકા કર્યા અને એક એક કટકાને અલગ અલગ કરી ગટરમાં વેરી નાખ્યા હતા.’

‘સાહેબ, હું તો ગરીબ માણસ છું, મજબૂરીમાં મર્ડર કર્યાં છે’ મોનીષે ત્રણેય ગુનાનાં નિવેદનમાં કબૂલ્યું કે ‘સાહેબ, હું તો પૈસાની જરૂરિયાતવાળો માણસ હતો. મારો ઉદ્દેશ કોઈને મારી નાખવાનો નહોતો. જે કોઈ મને એક રૂપિયો પણ આપી દેતું તેને ક્યારેય મેં ઇજા નથી પહોંચાડી. જો મને સાવ તરછોડી પૈસા આપવાની ના પાડે તોપણ પહેલાં હું એ વ્યક્તિની બાજુમાં જ ચેતવણી માટે ગોળી મારતો અને છતાં ન માને તો જ પછી તેનું મર્ડર કરતો. પહેલીવાર રબારીના મર્ડરમાં પણ એવું જ થયું હતું. તેઓ ખેતરમાં બેઠા હતા, મેં તેમની પાસે જઈને પૈસા માગ્યા તો તેમણે ‘હેંડ હેંડ, નીકળ અહીંથી’ એવું કહી દીધું. એટલે મારો ઇગો વધારે હર્ટ થયો. હું ત્યાં ને ત્યાં જ મારી નાખવાનો હતો, પણ બાજુમાં એક બકરી ચરાવવાવાળો હતો, એટલે ત્યારે મેં લેટ ગો કર્યું, પણ બીજા દિવસે એ ભાભો જેવો ત્યાં ભેંસો ચરાવવા આવ્યો એટલે પાછળથી જઈ માથે ગોળી ધરબી દીધી.’
આ ક્રૂર અસુરે તેના બધા જ ગુના કબૂલ્યા અને પોલીસ સામે બધું પડતું મૂક્યું. પોલીસે સ્ટેટમેન્ટ લીધું અને સજા અપાવવા કોર્ટમાં હાજર કર્યો. મોનીષ અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં સજા ભોગવી રહ્યો છે અને આટલાં વર્ષો બાદ આજે પણ હજુ કોર્ટમાં તેનો કેસ ચાલી રહ્યો છે. પોલીસસૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ દર મુદતે મોનીષને કોર્ટમાં લઈ જવાતો હતો, પણ છેલ્લા 3 મહિનાથી તો હવે કોર્ટમાં લઈ જવાનું પણ બંધ કરાયું છે અને જેલમાંથી જ તેને ઓનલાઈન કોર્ટમાં રજૂ કરવામાં આવે છે.
(આ સ્ટોરીમાં લખાયેલા એક-એક શબ્દ માટે પોલીસ સ્ટેશનના લૉકરમાં પડેલાં દરેક નિવેદન-દસ્તાવેજ, તપાસમાં જોડાયેલા સિનિયરથી જુનિયર ઓફિસર્સ અને કર્મચારીઓ સાથે મળીને ઓફિશિયલ માહિતી મેળવવામાં આવી છે.)
અસુર - એપિસોડ 1 : મેલડીના નામે કેમિકલથી આખા પરિવારને પતાવી લાશો કેનાલમાં ફેંકી : ‘એક કા તીન’ની લાલચે ભૂવાએ 12 મર્ડર કર્યાં, સગા સાળાએ 6 મહિના ટેક્સી ચલાવીને પકડાવ્યો
અસુર - એપિસોડ 2 : 'કુહાડીથી નગમાની લાશના ટુકડા કરી મેલડીના મંદિર પાસે દાટ્યા’:સોડિયમ નાઇટ્રાઇટથી 12 મર્ડર કરનારા સિરિયલ કિલરે જેલમાં આપઘાત કેમ કરી લીધો?
અસુર - એપિસોડ 3 : પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો : રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં
અસુર - એપિસોડ 4 : વિધવા સાથે સંબંધ બાંધી પતાવી દીધી:TV જોઈને મર્ડર કરતા શીખેલો અમરેલીનો સિરિયલ કિલર, ગળું દબાવી જીવ ખેંચી લે, મરેલાનું સાચવેલું ઘરેણું જોઈ ખુશ થતો
અસુર - એપિસોડ 6 : ધોકાથી માથાં ફાડી નાખતું 9 અસુરનું ઝુંડ:ઘરેણું ન નીકળે તો અંગો કાપી નાખે, પેન્ટ-શર્ટવાળી બાઈની 'બાવલી ગેંગ'એ વાડીએ સૂતેલા 7નાં ઢીમ ઢાળી દીધાં
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















