Mon, Nov 16, 2026Updated 02:25 PM IST
Google Preferred Source CTA

મજાતંત્ર:શોપિંગ ગલી અતિ સાંકરી…...

1 દિવસ પેહલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

ચેતન પગી

Loading advertisement...

ધર્મના ધુરંધરો કરતાં વેપારીઓ હંમેશાં ચાલાક રહ્યા છે. બંને વચ્ચેની ભેદરેખા પાતળી થઈ રહી છે એ અલગ ચર્ચાનો વિષય છે પણ તહેવાર આવે એટલે ધાર્મિક માણસો એવા પ્રયાસ કરશે કે મેક્સિમમ લોકો મંદિરમાં આવે જ્યારે વેપારીઓ શ્રદ્ધાળુઓને ગ્રાહકમાં કન્વર્ટ કરવા માટે શક્ય એટલા મોટા ફોન્ટમાં લલચાવશે. ઈશ્વર સમક્ષ માથું નમાવવાથી પ્રાપ્ત થતું પુણ્ય ક્યારે દર્શનાર્થીના ખાતામાં જમા થશે એની કોઈ મુદત નથી. પણ હા, ધર્મસ્થાનોને ચલાવનારાઓના ખાતામાં દાન-ધર્માદાની રકમ તરત જમા થઈ જતી હોય છે. ધર્મસ્થળોમાં પણ લાઇટ-પંખા તો ચલાવવા પડે ને? તહેવારોને શોપિંગોત્સવમાં ફેરવી દેવામાં વેપારીઓ સફળ થયા છે. નોરતાં પતે, ઘરની સાફસફાઈ પતે એટલે બેન્ક ખાતામાં જમા બોનસની સફાઈ શરૂ થાય છે. ઘરની સફાઈ માણસ શક્ય એટલાં જૂનાં કપડાં પહેરીને કરશે પણ બેન્ક ખાતું સાફ કરવા માટે લોકો સરસ તૈયાર થઈને નીકળશે. વેપારીઓ પણ ઓછા નથી. ગ્રાહકને આવકારવા માટે દુકાનના દરવાજે બે કન્યાઓ જરૂર ઊભી રાખશે. ચહેરા પર સ્માઇલ સાથે ગ્રાહકોને આવકારતી આ કન્યાઓ મનોમન ‘આવ, તારું સેવિંગ્સ અકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડની લિમિટ સાફ કરી આપું’ એમ બોલતી નહીં હોય એની શું ખાતરી? હવે દિવાળીમાં દેવદર્શન કરતાં ડિસ્કાઉન્ટદર્શન વધુ આકર્ષે છે. 500 રૂપિયાની વસ્તુ પર 900 રૂપિયાની પ્રાઇસ ટેગ લગાવીને 300 રૂપિયા ડિસ્કાઉન્ટ ઑફર કરીને ગ્રાહકોને રાજીના રેડ કરી દેવા એ ખરો માસ્ટરસ્ટ્રોક છે. પણ દિવાળીમાં શોપિંગ એટલે જાણે કતારોત્સવ! પહેલાં ટ્રાફિક જામ ખૂલે એ માટેની કતાર, પછી પાર્કિંગની જગ્યા માટેની કતાર, નવાં કપડાં ચેક કરવા માટે ટ્રાયલ રૂમ બહારની કતાર અને છેલ્લે પેમેન્ટ કરવા માટે બિલિંગ કાઉન્ટર પરની કતાર. અને હા, જો ડિનર બહાર કરવાનું હોય તો પછી હોટેલની કતાર તો ખરી જ. રાતે થાકીને ઘરે આવીને પોઢી ગયેલા માણસના સપનામાં પણ લાંબી કતારો ન દેખાય તો બીજું શું દેખાશે. જોકે માણસ એટલી રાહત અનુભવી શકે કે એટીએમની કતાર કે હૉસ્પિટલના ખાટલા માટેની કતાર કરતાં આ કતાર સારી. બજારમાં ‘દિવાળી નિમિત્તે વિશેષ ડિસ્કાઉન્ટ’ લખેલાં બોર્ડ આવનાર વર્ષોમાં ‘વિશેષ ડિસ્કાઉન્ટ નિમિત્તે દિવાળી’માં ફેરવાઈ જશે તો કોઈને આશ્ચર્ય નહીં થાય. અમુક સમાચારો જાણે દિવાળી માટે જ બન્યા હોય એવું લાગે! માવામાં ભેળસેળ, સીંગતેલના ભાવમાં ભડકો વગેરે. દર દિવાળીએ રાબેતા મુજબ ભાવ ભડકે બળતા હોવાથી હવે દીવા કરતાં પેટમાં વધારે તેલ રેડાય છે. મોંઘવારીથી વિફરેલો મધ્યમ વર્ગનો માણસ મનોમન પ્રાર્થના કરે છે કે હવે દૂધની થેલી, કાંદા-બટાકા, સ્કૂટરના ટાયરની સેકન્ડહેન્ડ ટ્યૂબ કે કમરના દુખાવાની દવા જેવી વસ્તુઓની ખરીદીને પણ ‘દિવાળી શોપિંગ’માં ગણી લેવામાં આવે. જેથી આડોશપાડોશમાં ‘અમારું શોપિંગ થઈ ગયું’ એમ કહી શકાય. દિવાળીના શોપિંગમાં મીઠાઈની ખરીદી સૌથી ખતરનાક છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં લોકોને જીવના જોખમે ઘરની બહાર નીકળવું પડે એમ દિવાળીગ્રસ્ત દિવસોમાં જીવના જોખમે મીઠાઈ ખરીદવી પડે એવી સ્થિતિ થઈ ગઈ છે. જેને તમે કાજુ કતરી માનો છો એમાં કાજુનો એક પણ અંશ ન હોય એવું બની શકે. આપણી આસપાસ માવામાં ભેળસેળ કરીને ભળતી મીઠાઈ પધરાવી દેતા માવાવાદીઓની કમી નથી. ઘરે આવેલા મહેમાન જો નિયમિત અખબાર વાંચતા હશે તો જરૂર કહેશે કે બહેન, એક ગ્લાસ પાણી આપી દેશો તો ચાલશે પણ મહેરબાની કરીને મોં મીઠું કરાવતા નહીં. ડાયાબિટીસના પેશન્ટ હોય એવા ઘરના રસોડામાં સીસીટીવી કૅમેરા મૂકવા પડે એવો તહેવાર એટલે દિવાળી. સીસીટીવી કૅમેરા ન હોય એવામાં રસોડામાં મઠિયાં, સુવાળી કે સોનપાપડીની ચીલઝડપે ઉઠાંતરીની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. આ દિવસોમાં બજારમાં ક્યારે ખિસ્સું કપાઈ જાય અને રસોડામાં ક્યારે ડબ્બો ખાલી થઈ જાય એની ખબર સુધ્ધાં પડતી નથી. અને દિવાળી પતે એટલે? ખિસ્સું ખાલી થઈ જાય છે અને ફોનની મેમરી ફુલ થઈ જાય છે.

.
Loading advertisement...