- Gujarati News
- Magazine
- Rasrang
- Prasadik Parampara No Pavan Pravah | Akshar No Ajvas Jayendrasinh Jadhav
અક્ષરનો અજવાસ:પ્રાસાદિક પરંપરાનો પાવન પ્રવાહ
- કૉપી લિંક

જયેન્દ્રસિંહ જાદવ
ધન્ય ધન્ય ભૂમિકા ભાગ્ય અમિત રે, થઇ હરિચરણે અંકિત રે ધન્ય ધન્ય એ શેરી બજાર રે, જ્યાં હરિ ફર્યા બહુ વાર રે..
સહજાનંદ સ્વામીની પાવન ચરણરજથી અંકિત થયેલી ભૂમિ વડતાલ વિશે પુરુષોત્તમ પ્રકાશમાં લખાયેલી આ પંક્તિઓ સાર્થક છે. વડતાલ મંદિર નિર્માણની જવાબદારી ભગવાન સ્વામિનારાયણ દ્વારા કવિ બ્રહ્માનંદ સ્વામીને સોંપવામાં આવી હતી. શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મંદિરના ખર્ચ પેટે 12 રૂપિયા આપતાં કહ્યું હતું, ‘આપણે વડતાલમાં નાનું મંદિર બાંધવાનું છે’. બ્રહ્માનંદ સ્વામીએ તો વડતાલ જઇ મોટા મંદિરના બાંધકામની શરૂઆત કરી. ઈંટો પકવવાનું શરૂ કરી દીધું. એક એક લાખ ઈંટના નવ ઈંટવાડા તૈયાર કર્યા. ચરોતર પ્રદેશની જમીન પાણીયાળી અને માટીયાળી એટલે પથ્થર તો આવે જ નહીં. સ્વામીએ પાયા ઊંડા ખોદાવ્યા. છતાં જેમ જેમ ઊંડું ખોદે તેમ તેમ ત્યાં પાણી આવી જ જાય. આ રીતે પાયામાં છ-સાત લાખ ઈંટ વપરાઈ ગઈ. શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામીને પત્ર આપી વડતાલ મોકલ્યા. તેમાં એક સાખી લખી હતી, ‘અપની પહોંચ બિચારકે, કરીએ તેતી દોડ, તેતા પાઉં પસારીએ, જેતી લંબી સોડ’. નિત્યાનંદ સ્વામી શ્રીજી મહારાજનો પત્ર લઈ વડતાલ પહોંચ્યા અને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે, ‘આ બધું શું થઈ રહ્યું છે?’ ત્યારે સ્વામીએ હસીને કહ્યું, ‘શ્રીજી મહારાજના સંકલ્પ પ્રમાણે મંદિર થાય છે. મને તો આ પણ હજુ નાનું લાગે છે.’ સ્વામીએ પત્રનો ઉત્તર લખ્યો. બ્રહ્માનંદ સ્વામી મોટા કવિ એટલે ઉત્તર પણ સાહિત્યિક જ હોય ને! ‘સાહેબ સરીખા શેઠિયા, બસે નગર કે માહી, તાકે ધનકી ક્યા કમી, જાકી હુંડી ચલે નવખંડ માંહી’. મંદિર નિર્માણમાં મજૂરોને બદલે સાધુ-સંતો તથા સત્સંગીઓએ જાતે ઈંટો તથા ચૂનો ઉપાડવાનું, પકવવાનું, તમામ કામ તથા બાંધકામ સેવાભાવથી કર્યું. વડતાલ મંદિરના પાયામાં અને પગથારમાં નવ લાખ ઈંટો વપરાઈ છે. સહજાનંદ સ્વામી પોતે 37 ઈંટો સ્વમસ્તક પર ઉપાડી લાવેલા તેમાંથી 35 ઈંટો લક્ષ્મીનારાયણની મૂર્તિ નીચેની બેઠક (પડધી)માં ચણી છે. આ રીતે સુંદર કમળાકાર નવ શિખરનું મંદિર તૈયાર થયું. સંવત 1881ના કારતક સુદ બારસે એક દિવ્ય સંયોગ રચાયો. શ્રી સહજાનંદજીએ પોતાના હસ્તે વડતાલના ગગનચુંબી મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા અને એક દિવ્ય પરંપરાનો પ્રારંભ થયો. આ પરંપરાને 200 વર્ષ થતાં હાલ વડતાલ મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ, અનેક પરંપરાઓનું ઉદગમસ્થાન એવું તીર્થભૂમિ વડતાલ એટલે સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની. મંદિરના પ્રારંભ સાથે અનેક પરંપરાઓનો અહીં પ્રારંભ થયો. વડતાલમાં જ સહજાનંદ સ્વામીએ પોતાના અપર સ્વરૂપ ઉપદેશ ગ્રંથ ‘શિક્ષાપત્રી’ લખી. ‘શિક્ષાપત્રી’ એ આદર્શ મનુષ્ય નિર્માણની જડીબુટ્ટી છે. બ્રિટિશ સર્વેયર મોનિયર વિલિયમ્સ ભગવાન સ્વામિનારાયણ અને ‘શિક્ષાપત્રી’ના ઉપદેશોથી ખૂબ પ્રભાવિત હતા. મોનિયરે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે સમય માગ્યો. ભગવાન સ્વામિનારાયણ સર્વેયર મોનિયરને મળ્યા અને ‘શિક્ષાપત્રી’ની મુલાકાત લીધી. તે અભ્યાસક્રમ આજે લંડનની ઑક્સફર્ડ યુનિવર્સિટીની બોડલિયન લાઇબ્રેરીમાં સંગ્રહિત છે. વડતાલમાં કમળાકાર મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણદેવના દિવ્ય દર્શન કાજે વડતાલમાં લાખો હરિભક્તોની ભરતી આવે છે. પ્રથમ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે પણ તેમના ગ્રંથ ‘હરિલીલા કલ્પતરુ’માં પૂનમના દર્શનનું મહાત્મ્ય વર્ણવ્યું છે. દેશની એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલના પિતાજીને વડતાલ મંદિરમાં અનન્ય શ્રદ્ધા હતી. તેથી ઝવેરભાઈ દર પૂનમે વડતાલ આવતા. આજે પણ દેશ-વિદેશના અનેક હરિભક્તો વડતાલની પૂનમ વર્ષોથી ભરતા આવ્યાનો નિયમ હોવાનું પણ દેખાય છે. કેટલાક પરિવારોમાં તો ત્રણ-ચાર કે પાંચ-પાંચ પેઢીઓથી વડતાલની પૂનમ ભરવાનો નિયમ અખંડ રહ્યો છે. તે વડતાલ મંદિરની સનાતન આસ્થાનું પ્રતીક છે. વડતાલ મંદિર એ ભક્તરાજ જોબનપગી, બાપુભાઈ અને વાસણ સુતાર જેવા ભક્તોના સમર્પણની ભૂમિ છે. વડતાલ મંદિરના બાંધકામ વખતે પણ સેંકડો ભક્તોએ સેવા કરી હતી. આ મંદિરના ચણતરમાં વેરાયેલા ભક્તોના પ્રસ્વેદબિંદુઓ આજે પ્રેમના અમૃતબિંદુ બની મહેકી રહ્યા છે. વડતાલના વડવાઓએ આપેલ ત્યાગ અને સમર્પણની પરંપરા આજે પણ જીવંત છે. લાખો હરિભક્તો તન-મન-ધનથી શ્રી લક્ષ્મીનારાયણદેવની સેવા કરે છે. મંદિરમાં પાંચ-પાંચ આરતી થાય છે. મંગળાથી લઈ શયન સુધી દરેક આરતીના દર્શન કરતા હરિભક્તોના જીવનમાં અજવાળાં પથરાય છે. સત્સંગરૂપી જ્યોતનું ઊર્ધ્વગમન થયા કરે છે. ભગવાન શ્રીહરિએ વડતાલમાં જ વીસ-વીસ વચનામૃતોનો બ્રહ્મોપદેશ આપ્યો. ‘શિક્ષાપત્રી’માં સદ્વિદ્યાનું પ્રવર્તન કરવાનું કહ્યું. સરદાર પટેલ એમ કહેતા કે ‘શિક્ષાપત્રી’ પ્રમાણે સૌ વર્તે તો આપણને કોર્ટ-કચેરીની જરૂર જ ન રહે. શ્રીજી મહારાજે પોતે ગ્રંથો રચાવીને ઉપનિષદીય પરંપરાનું સંધાન કર્યું. આ પરંપરાને અનુસરીને આજે પણ વડતાલ મંદિર દ્વારા શ્રી લક્ષ્મીનારાયણદેવ સંસ્કૃત પાઠશાળા ચલાવીને બ્રહ્મવિદ્યાનું જ્ઞાન આપવાનું અવિરત છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતોનું પ્રદાન અનન્ય છે. વડતાલ મંદિરમાં નંદ સંતોના સાહિત્યની અનેક હસ્તપ્રતો છે, જે આપણી મહામૂલી મૂડી છે. સામાન્યજન માટે શ્રીજી મહારાજે કહ્યું હતું, ‘રેંટિયો કાંતતી ડોશીને પણ સમજાય તેવી ભાષામાં ધર્મગ્રંથો લખવા અને સમજાવવા જોઈએ.’ મહારાજની આ આજ્ઞાને અનુસરીને સંતો દેશ-વિદેશમાં જાય છે અને અનેક કથા-પારાયણના માધ્યમથી જનસામાન્યની જિજ્ઞાસા સરળ ભાષામાં જ સંતોષે છે. બાળ મંડળો, બાળ સભાઓ, યુવા મંડળો અને બહેનો માટેના વિવિધ પ્રકલ્પોથી મંદિર પ્રવૃત્તિઓથી સતત ધમધમે છે. મંદિરની આ પ્રવૃત્તિઓ જોઈને લાગે કે સત્સંગરૂપી ગંગાજળિયા કૂવાનું અને જ્ઞાનકૂપનું જળ હજુ સુકાયું નથી! શ્રદ્ધા છે કે પ્રાસાદિક પરંપરાનો આ પાવન પ્રવાહ ચિરંતન છે અને સતત વહેતો રહેશે! અંતે, અંધકાર એટલે પ્રકાશની ગેરહાજરી, અહંકાર એટલે જાગૃતિની ગેરહાજરી. - ઓશો
















