- Gujarati News
- Magazine
- Rasrang
- Khimjibhai Devabhai Friendship Story | Emotional Reunion & Last Goodbye
વૈશાખ મહિનો એટલે લગ્નોત્સવ:ઓથ વિનાનો આધાર
- કૉપી લિંક
વૈશાખ મહિનો એટલે લગ્નોત્સવ. લગ્ન જ લગ્ન. ફૂલોથી સજ્જ પાર્ટીપ્લોટ હોય. આજ આનંદભાઈને ગામના મોટા ઉદ્યોગપતિની દીકરી માટે પાર્ટીપ્લોટ શણગારવાનો હતો. ખીમજીભાઈની એકની એક દીકરી નોઈનાનાં લગ્ન હતાં. ખીમજીભાઈ મોટા ઉદ્યોગપતિ હતા એટલે સ્વાભાવિકપણે દિગ્ગજોની હાજરી મોટા પ્રમાણમાં જ હોય. ખીમજીભાઈ આજ અંદરથી બહુ તૂટેલા જણાતા હતા. તેમની પત્ની વિનીતા પણ જાણતી હતી કે આજ એના પતિ ખૂબ ઉદાસ છે. વિવાહવાળું ઘર હતું એટલે કામની વ્યસ્તતા વચ્ચે વિનીતા ખીમજીભાઈ પાસે 2 મિનિટ નિરાંતે બેસી શકે એવો સમય નહોતો. છતાં વિનીતાએ ખીમજીભાઈને ઘરના ગાર્ડનમાં ઝૂલા પર બેસીને 2 મિનિટ કામ છે તેમ કહીને બોલાવ્યા. ‘ઉદાસ રહેવાનું કારણ હું જાણું છું કે દેવાભાઈ છે.’ ‘તમે શાને આટલી જીદ પકડીને બેઠા છો? આટલી તે જીદ શાને? જો તમે નમી જાવ તો મોટા ઉદ્યોગપતિમાં જે નામના છે તે નીચે ગબડી પડશે શું! આજ આપણી લાડકી દીકરીના લગ્ન છે, શું તમે એને બોલાવશો નહીં! દેવાભાઈએ આમ પણ આપણી નોઈનાને કેટલા લાડ-પ્યારથી ઉછેરી છે. જ્યારે એમને ખબર પડી કે તેઓના નસીબમાં બાપ બનવાનું સુખ નથી, ત્યારથી તેઓએ આપણી દીકરીને આપણા કરતાં પણ વધારે કાળજીથી જતન કરીને ઉછેરી છે. ‘રમકડાં, ચોકલેટ, દર જન્મદિવસે સોનાની વસ્તુ. આવું તે કોણ કરે! અને જ્યારે આજ દીકરીનાં લગ્ન છે તો તમે આમ એનાથી થયેલ એક ભૂલની આજીવન સજા આપી દીધી! તમારા મનને પણ અંદરથી તેમની ખોટ સાલે છે, છતાં તમને આટલી અક્કડ!?’ ‘જો વિનીતા, એ કોઈ નાની ભૂલ નહોતી. કરોડોનો વ્યાપાર મેં દેવાના ભરોસે છોડ્યો હતો. એની એક ભૂલના લીધે હું પાયમાલ થઈ ગયો હતો.’ ‘હા, તમે એ ભૂલનું પડીકું દિલમાં સંઘરી બેઠા છો, પણ તમને ખબર છે!’ આટલું બોલીને વિનીતા અટકી ગઈ અને ચોધાર આંસુએ બોલી, ‘દેવાભાઈ મને માફ કરી દેજો, તમારું વચન હું આજ તોડી રહી છું.’ વર્ષો થઈ ગયાં, કદાચ તમે એના કોન્ટેક્ટમાં નથી પણ હું સદા એના કોન્ટેક્ટમાં રહી છું. આજ ફરી તમે ઊભા થયા છો તેનું કારણ દેવાભાઈ જ છે. દેવાભાઈએ પોતાની સમગ્ર મિલકત વેચીને તમને જે સહાય મળી છે તે દેવાભાઈ જ કરતા હતા બીજાના નામે.’ ‘ઑહ! આ તું શું વાત કરી રહી છે વિનીતા!’ ‘હા, તમે સાંભળ્યું એ જ...’ ‘મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ.’ ખીમજીભાઈ જલ્દી ગાડી લઈને દેવાભાઈને પસ્તાવા સાથે મળવા દોટ મૂકે છે. દેવાભાઈના ઘરે જઈને તેનાથી થયેલી ભૂલની માફી માંગવા જાય છે. દેવાભાઈની પત્ની બારણું ખોલે છે અને ખીમજીભાઈ ‘દેવા... દેવા...’ કરતા ઘરમાં પ્રવેશે છે. જીવનની આખરી પળો ગણી રહેલા દેવાભાઈની પથારી પાસે પહોંચે છે. જોઈને આશ્ચર્ય થઈ જાય છે, ‘આ શું દેવા?’ ‘ખીમા, જે થવાનું હતું તે થઈ ગયું. અચાનક આવી પડેલી બીમારી મને ભરખી ગઈ છે.’ ‘દેવા ચાલ, હું તારી સારવાર કરાવું.’ ‘દોસ્ત! હવે બહુ મોડું થઈ ગયું છે.’ ‘દેવા મને માફ કરી દે, નફરતની મનમાં જે વાડ વણાયેલી હતી તે આજ તૂટી એટલે હું તરત તને મળવા દોડી આવ્યો.’ ‘એટલે ભાભીએ તને આખરે કહી જ દીધું ને! ખરેખર વિશ્વાસ જેવો શબ્દ આ દુનિયામાં રહ્યો જ નથી. ખીમા, મારાથી જો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજે!’ હાથ જોડીને એટલું બોલે છે અને દુનિયાને કાયમને માટે અલવિદા કહી દે છે.
‘દોસ્ત! એક મોકો તો આપવો હતો મને મારી થયેલ ભૂલ સુધારવાનો! તેં તો તારી સાચી મિત્રતા નિભાવી અને હું તને ઓળખી પણ ન શક્યો. દોસ્ત! મને માફ કરી દે... મને માફ કરી દે.’ મનમાં પડી ગયેલ ગાંઠનો જો સમયસર નિચોડ ના આવે તો આજીવન પસ્તાવો રહી જાય છે. - અલ્પા નિર્મળ ‘અમી’
















