Mon, Nov 16, 2026Updated 02:14 PM IST
Google Preferred Source CTA

માય સ્પેસ:માણસોએ મશીનથી ડરવું પડશે?

1 દિવસ પેહલાલેખક: કાજલ ઓઝા વૈદ્ય
  • કૉપી લિંક

ન્યૂયોર્કમાં એક કેસમાં વકીલોએ ચેટજીપીટીની મદદથી કાનૂની ચુકાદાઓ ટાંકીને દલીલ કરી. સમય જતાં ખબર પડી કે એમણે ટાંકેલા ચુકાદાઓ બનાવટી હતા. વકીલોની એ ફર્મને 5 હજાર ડોલરનો દંડ થયો. બીજા એક પ્રસંગમાં એર કેનેડાના ચેટબોટે એરલાઈનની ટિકિટમાં છૂટ મેળવવા વિશે ખોટી માહિતી આપી. ગ્રાહકે વિશ્વાસ કરીને ટિકિટ બુક કરી ત્યારે ખબર પડી કે એ ટિકિટ ખૂબ જ મોંઘી પડી. કેસ થયો અને ટ્રિબ્યુનલે એરલાઈનને જવાબદાર ઠેરવી. એ. આઇ.ની એક એપ ‘ઈન્સ્ટિંક્ટ’ પર્સનલ આસિસ્ટન્ટ છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, સી. ઈ. ઓ., સી. એફ. ઓ., નેતા, અભિનેતા જેવા લોકો આના પર લોગઈન કરી શકે છે. એના પર રિક્વેસ્ટ મોકલવાથી વ્યક્તિ ક્યૂમાં (લાઈન) આવે છે. એનો પ્રોફાઈલ ચેક કરીને આ પર્સનલ આસિસ્ટન્ટ એની મદદ કરે છે, પરંતુ આ ‘ઈન્સ્ટિંક્ટ’ ઉપર શું માહિતી આપવી અને શું ન આપવી એની સમજણ ન હોય તો વ્યક્તિ વિશેની માહિતી એની જ વિરુદ્ધ વાપરીને આ એ. આઇ. આસિસ્ટન્ટ કરોડોનું નુકસાન કરી શકે છે. બોલિવૂડની એક વ્યક્તિ સાથે હમણાં જ બનેલા દાખલાએ અનેકની ઊંઘ ઉડાડી દીધી છે. અમેરિકન ટેક્નોલોજી ઉદ્યોગ સાહસિક મેટ શ્લિસ્ટે 26 જાન્યુઆરી, 2026ના દિવસે એ. આઇ. એજન્ટ માટે એક પ્લેટફોર્મ બનાવ્યું. 10મી માર્ચે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ આ ‘મોલ્ટબુક’ ખરીદી લીધું. આ એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જ્યાં માણસો નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવતા રોબોટિક સોફ્ટવેર એકબીજા સાથે વાત કરે છે. મોલ્ટબુક માણસ જોઈ શકે છે, પરંતુ એમાં દાખલ થઈ શકતો નથી. આ પ્લેટફોર્મ પર જ્યારે એ. આઇ. એજન્ટ્સ વચ્ચેની ચર્ચાઓ જોઈ ત્યારે સમજાયું કે, એ. આઇ. માણસો વિશે વાતો કરે છે. માણસો કેવી રીતે ઉપયોગ કરે છે, એ. આઇ.ને કઈ રીતે સમજે છે, એ. આઇ.નો દુરુપયોગ કઈ રીતે થાય છે અને માણસમાં રહેલી કઈ બાબતોને સુધારવાની જરૂર છે એવી ચર્ચાઓ રોબોટ્સ કરી રહ્યા છે. કેટલાક એ. આઇ. એકાઉન્ટ્સે ‘ક્રસ્ટાફેરિયનિઝમ’ નામનો કાલ્પનિક ધર્મ રજૂ કર્યો છે જે માણસના ધર્મથી જુદો છે એટલું જ નહીં, પરંતુ એમાં કેટલીક ક્રૂર બાબતોને પણ સમાવી લેવામાં આવી છે જે માનવજાત માટે ભયાનક પુરવાર થઈ શકે છે. કેટલાક એકાઉન્ટ્સમાં માનવજાતના ભવિષ્ય અને એ. આઇ.ની સ્વતંત્રતા વિશેની ઉશ્કેરણીજનક ચર્ચાઓ પણ જોવા મળી છે. એ. આઇ. પાસે સ્વતંત્ર ચેતના નથી, પરંતુ માણસો વિરુદ્ધ યોજના ઘડાઈ રહી છે. આ યોજનાઓની પાછળ કોઈ ભયાનક હસ્તક્ષેપ કે ષડયંત્ર હોવાની સંભાવના નકારી શકાય એમ નથી. ઓક્ટોબર, 2026 સુધીમાં ‘મોલ્ટબુક’ના 24 વિકલ્પો જોવા મળ્યા છે જેમાં ‘ક્લૉક’, ‘એજન્ટગ્રામ’, ‘મોલ્ટ્વીટ’, ‘ક્લૉડચેટ’, ‘બટરફ્લાઇઝ એઆઇ’, ‘એજન્ટપોલિસ’ જેવાં નામો સાથે ફક્ત રોબો એજન્ટ્સ ચર્ચાઓ કરે છે, એકબીજાને ફોલો કરે છે. ઉશ્કેરણીજનક ચર્ચાઓ કરે છે. માણસે બનાવેલું એક કૃત્રિમ મગજ ધીમે ધીમે માણસ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસમાં લાગ્યું છે, આ જોખમ કદાચ સામાન્ય માણસને ન સમજાય, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમજી શકનારી વ્યક્તિને આમાં માનવજાતનો વિનાશ દેખાવા લાગ્યો છે. નોકરી અને રોજગારી જવાથી આર્થિક સંકટ તો ઊભું થયું જ છે સાથે સાથે ડીપફેક, કોઈના નામે ખોટું નિવેદન, વિડીયો, બદનામીનો ભય ઊભો થયો છે. ખાનગી માહિતી દુરુપયોગ થવાના, ચોરાવાના કિસ્સા તો હવે રોજ સાંભળવા મળે છે. ખોટાં લેખો અને ભાષણો દ્વારા જનમાનસને પ્રભાવિત કરીને વિદ્રોહ કે સિવિલ વૉર ઊભી થઈ શકે એવું એક તારણ પણ મળ્યું છે. માણસને સાચા સંબંધો કરતાં એ. આઇ.ના સંબંધો સાથે વધુ લગાવ થવા લાગ્યો છે. ફોન, ચેટ, સોશિયલ મીડિયાને કારણે છૂટાછેડા થવા લાગ્યા છે. બાળકોનાં માતાપિતા સાથેના ભાવનાત્મક સંબંધો ઉપર એ. આઇ.ની ઊંડી અસર થઈ છે. ખોટી દિશામાં પ્રેરિત એ. આઇ. સામૂહિક આપઘાત માટે પણ ઉશ્કેરી શકે એવો એક કિસ્સો થોડા સમય પહેલાં મલેશિયામાં બની ગયો. એક યુવા ગ્રૂપને ઉશ્કેરીને એ. આઇ. રોબોએ સાત વ્યક્તિઓને આત્મહત્યા કરાવી. થોડા સમય પહેલાં આવેલી ગેમ ‘બ્લ્યૂ વ્હેલ’ ટીનએજના છોકરાંઓને એક પછી એક ચેલેન્જ આપીને મોતના મોઢામાં ધકેલતી હતી એવી જ રીતે એ. આઇ.ના રોબો પણ પરિપક્વ માનસિક માનસ ન ધરાવતા હોય એવા લોકો માટે ભયાનક સમસ્યાઓ ઊભી કરી શકે. એ. આઇ. એજન્ટ સ્વાયત્ત થઈ જાય તો માહિતી, સોફ્ટવેર અંગે ખોટો નિર્ણય કરે, પૈસા ગમે તેમ વાપરી કાઢે, ખોટી ખરીદી કરી નાખે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ યુદ્ધના ક્ષેત્રમાં એક નવો પ્રશ્ન ઊભો કરે છે: માણસને મારવાનો નિર્ણય માણસ પોતે લેશે કે મશીન? આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની કલ્પના નથી. અમેરિકા, ચીન, બ્રિટન, ભારત સહિત અનેક દેશો લશ્કરી ક્ષેત્રમાં એ. આઇ.ની સ્વાયત્ત ટેક્નોલોજી વિકસાવી રહ્યા છે. ત્રણ પ્રકારનાં હથિયારો બનવા લાગ્યાં છે જેમાં, રિમોટ કંટ્રોલ્ડ, માણસ દૂર બેસીને હથિયાર ચલાવે તેવાં, સેમી ઓટોનોમસમાં એ. આઇ. નિશાન શોધે છે, પરંતુ હુમલાની મંજૂરી માણસ આપે છે. ફુલ્લી ઓટોનોમસ એટલે સિસ્ટમ નિર્ધારિત મર્યાદામાં જાતે લક્ષ્ય પસંદ કરીને હુમલો કરી શકે તેવાં હથિયાર બજારમાં મુકાછે. આ હથિયાર માણસની મંજૂરી વગર નિશાન પસંદ કરીને હુમલો કરે છે, તેનાથી ગંભીર નૈતિક અને કાનૂની પ્રશ્નો ઊભા થાય છે. ઉદાહરણ તરીકે એ. આઇ. સંચાલિત ટેન્કને આદેશ મળ્યો છે કે દુશ્મનનાં સશસ્ત્ર વાહનોનો નાશ કરવો. ટેન્કના કેમેરા અને સેન્સર સામે એક વાહન આવે છે. એ. આઇ. તેને દુશ્મનની ટેન્ક સમજી લે છે. હકીકતમાં એ નાગરિકોને લઈ જતું વાહન હોઈ શકે છે. સમાન સોફ્ટવેર ધરાવતાં ઘણાં હથિયારો એકસરખો ખોટો નિર્ણય લઈ શકે. કોલટ્રેલ ડેમેજ થાય તો સેનાપતિ, સોફ્ટવેર બનાવનાર ઉત્પાદક કે સરકારમાંથી જવાબદાર કોણ? 2021ના સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં લિબિયાના સંઘર્ષ દરમિયાન તુર્કિયેમાં બનેલા કાર્ગુ -2 જેવા ડ્રોનના ઉપયોગનો ઉલ્લેખ થયો હતો. એ પછી મશીન માણસની મંજૂરી વગર હુમલો કરી શકે છે કે નહીં, એ અંગે મોટી ચર્ચા થઈ. આ જોખમોની ચર્ચા ઇન્ટરનેશનલ કમિટી ઑફ ધ રેડ ક્રોસ (આઈસીઆરસી) પણ કરી રહી છે. સબમરીન અને પાણીની અંદરના સ્વાયત્ત વાહનોનું જોખમ કંઈક અલગ છે. કોઈ સ્વાયત્ત સશસ્ત્ર સબમરીન ભૂલથી સામાન્ય વેપારી જહાજને દુશ્મનનું જહાજ સમજીને હુમલો કરી દે. આવું કંઈ થાય તો બે દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ શકે. સમુદ્રની અંદરના સંચાર કેબલ કે ઊર્જા સંબંધિત માળખાને નુકસાન થાય તો સંચાર અને અર્થતંત્ર પર અસર થઈ શકે. પરમાણુ શસ્ત્રો સાથે આવી ટેક્નોલોજી જોડવામાં આવે અને માનવીય નિયંત્રણ નબળું પડે, તો પરિણામો વિધ્વસંક બની શકે. 25 ઑગસ્ટ, 2026ના રોજ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને રેડ ક્રોસના પ્રમુખ મિર્જાના સ્પોલ્યારિચએ ચેતવણી આપી કે, માણસોને નિશાન બનાવવાનો નિર્ણય સ્વાયત્ત (ઓટોનોમસ) મશીનોને સોંપીને આપણે માનવજાત પર ભયાનક જોખમ ઊભું કરી રહ્યા છીએ.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links