Mon, Nov 16, 2026Updated 02:19 PM IST
Google Preferred Source CTA

એન્કાઉન્ટર:‘કાગનું બેસવું ને ડાળનું તૂટવું’, એટલે શું?

1 દિવસ પેહલાલેખક: અશોક દવે
  • કૉપી લિંક

 સંતાનોનાં વિચિત્ર નામો ટીસા, સિયા, હિયા પાડવાની ઘેલછાનું કારણ શું હશે?(મિહિર પારેખ, બારડોલી) - હું જન્મ્યો ત્યારે મહાન રાજાઓનાં નામો ચલણમાં હતાં!  તમારા પુસ્તક ‘ઍન્કાઉન્ટર’માં એકના એક વાચકોનાં નામ રિપીટ થયાં છે. શું સવાલો ખૂટી ગયા હતા?(ક્ષિતિજ ઠાકોર, અમદાવાદ) - આ કૉલમમાં કદાચ, તમારું નામેય ચોથી-પાંચમી વાર આવ્યું. તોય તમારો સવાલ તો જુદો છે ને?  ફિલ્મ સ્ટાર્સ જે પ્રોડક્ટનું મૉડેલિંગ કરતા હોય છે, એ સારી જ હોય ને? (ડૉ. સંકેત શેઠ, કરમસદ) - હા. ઘણી વાર એ સ્ટાર્સ કરતાં પ્રોડક્ટ વધુ સારી હોય છે!  પીપળે પાણી કેમ પાવું જોઈએ..? થોરના ઝાડ પર કેમ નહીં? (અમૃત સોલંકી, બોટાદ) - થોર સ્વાવલંબી હોય છે!  ટ્રેનના પાટાની જેમ માણસો સીધા ચાલી ન શકે? (નૂતનકુમાર ભટ્ટ, સુરત) - સરખામણી વાજબી નથી. લાઇફ-ટાઇમમાં બે પાટા કદી ભેગા થતા નથી!  તપેલી સિવાય કિચનમાં બીજાં વાસણો પણ હોય છે? (સુનીલ વર્મા, અમદાવાદ) - મારે કદી માંજવા-ધોવાનાં આવ્યાં નથી, એટલે ખબર નહીં પડે!  આજકાલ માણસો વધુ અને માલસામાન ઓછો કેમ વેચાય છે? (ડૉ. મહેન્દ્ર મૈસૂરીયા, અમદાવાદ) - ઓહ… વાજબી ભાવે માણસો મળે? અમને તો નોકરેય મળતો નથી!  લોકો દરિયા તરફ જોતા રહીને ફોટા કેમ પડાવે છે? (વિનોદ જૈન, ગોધરા) - મોટું મન! પોતાની સાથે દરિયાનો પણ ફોટો આવવો જોઈએ!  કૂતરા જેવી જિંદગી, એટલે કેવી જિંદગી? (હિતેશ દમણીયા, સુરત) - જે આપણામાંથી કોઈને જીવવાની નથી આવી, એ!  વડાપ્રધાન ચીન-જાપાન ગયા, એ વિશે શું કહો છો? (પરેશ અંતાણી, રાજકોટ) - એમનો ટેસ્ટ ઊંચો છે.  ગુસ્સો આવે તો કોના ઉપર ઉતારવો?(નરેશ પરમાર, ભરૂચ) - ઘરમાં અરીસો તો હશે ને? એ વખતે જોઈ લેવો!  જીવનમાં લોચા લાપસી ન થાય, એ માટે શું કરવું? (શિવમ યાજ્ઞિક, રાજકોટ) - જૂઠું બોલવું જ પડે, તો સ્માર્ટ થઈને બોલવું!  ‘ટેસ્લા’ની ડ્રાઇવરલેસ કાર ઇન્ડિયામાં કેટલી સફળ થશે? (જીતેન્દ્ર કેલા, મોરબી) - ‘પબ્લિકલેસ’ રસ્તાઓ થાય તો એવી કારની જરૂર નથી!  મંદબુદ્ધિ સાથે સંબંધ રાખનારાઓને પણ મંદબુદ્ધિ ગણવા જોઈએ? (શરદ મહેતા, મહુવા) - અર્થાત્… આપણી વચ્ચે તો ક્યારેય સંબંધ જ નહીં બંધાય!  ઘણી યુવતીઓ મોઢે દુપટ્ટા કેમ બાંધે છે?(મહાસુખ દરજી, અમદાવાદ) - ગળે ન બંધાય એટલે!  હવે સ્કૂલ-બેગો ચેક કરવાનો જમાનો આવી ગયો છે...! (અબ્બાસ કૌકાવાલા, સુરત) - રોજ સેંકડો વિદ્યાર્થીઓની બેગો ચેક કરવી શક્ય છે?  ભૂવાઓ જુવારના દાણાનો જ ઉપયોગ કેમ કરે છે? મગ કે ઘઉંના કેમ નહીં?(ધર્મેશ ખખ્ખર, રાજકોટ) - આઇ મીન… તમારે એ લાઇનમાં કરિયર બનાવવી છે?  આપણા અધિકારો મહત્ત્વના કે જવાબદારીઓ? (સાગર ખોરસિયા, પાલિતાણા) - એ બંને બીજાનાં હોઈ શકે છે. આપણને પરવડતું હોય તે કરવું.  ડોનાલ્ડ ટ્રમ્પ એમના સલાહકારોનું માનતા હશે? (શશિકાંત મશરૂ, જામનગર) - પ્રેસિડન્ટ બની રહેવું હોય તો માનવું પડે!  પાણીપૂરીને આપણો રાષ્ટ્રીય ખોરાક માની શકાય?(મુકેશ પરમાર, અમદાવાદ) - કોઈ ખવડાવે તો જ ખવાય, એવો એ ખોરાક છે… બોલો, શું વિચાર છે?  ભ્રષ્ટાચાર રોકવાનો તમારી પાસે કોઈ રામબાણ ઇલાજ ખરો?(બટુકભાઈ હીરાણી, ધોરાજી) - મારે કાંઈ રોકવો-બોકવો નથી. આખી દુનિયાની દાળરોટી એનાથી ચાલે છે.  દરેક લેખક એક શિક્ષકની ગરજ સારે છે. આપને અભિનંદન. (રક્ષિત શાહ, કલોલ) - હા, પણ અમને ટ્યૂશનોનો લાભ ન મળે ને?  ‘મત’ ચોરી કઈ રીતે થતી હશે?(કમલેશ ઉદાણી, રાજકોટ) - એક વાર કરી જોઉં, પછી ખબર પડે!  તમારો લેખ ‘હાથના લખેલા પ્રેમપત્રો’ ખૂબ ગમ્યો. (તુષાર ધારોડિયા, મોરબી) - ખબર નહીં કેમ, પણ નાનપણથી મારા મનમાં ઘૂસી ગયેલું કે, પ્રેમપત્રો તો હાથથી જ લખાય!  માણસને દુઃખી કોણ કરે છે?(યોગેશ શાંતિ પટેલ, વડોદરા) - આપણું નામ તો લેવાનું જ નહીં!  લગ્નમાં આવેલ ચાંદલાની રકમ ઉપર ઇન્કમટેક્સ લાગે? (દેવાંગ વ્યાસ, અમદાવાદ) - લાગતો હોય તોય એ ભરવા તમારે નહીં જવાનું! કન્યાના પપ્પાને મોકલવાના!  કોઈ વાર એકનો એક સવાલ બીજી વાર પૂછાય છે... (પ્રકાશ શાહ, અમદાવાદ) - આપણા દેશમાં એ તો રહેવાનું!  તમારા ઇ-મેલ આઇડી માં 52 એટલે તમારા જન્મનું વર્ષ ને? (પ્રશાંત ગોર, કલોલ) - હા હા… પુરુષોને તો એમની ઉંમર પૂછાય!  ઘડિયાળની શોધ થઈ, ત્યારે કેટલા વાગ્યા હતા? (સુરેશ બલસારા, દહેગામ) - બપોરે 3.47 વાગ્યા હતા!  તમે હકીભાભીથી ખૂબ ડરતા લાગો છો!(વિનાયક શુક્લ, ગોધરા) - હું તો કોઈની પણ ભાભીથી ડરું છું!  હાલમાં ભારત સરકારે અશોક સ્તંભમાં ગરજતા સિંહો મૂક્યા છે.... (નીતા છેડા, ઘાટકોપર-વેસ્ટ, મુંબઇ) - એટલે તો સિંહો સામે કૂતરાં વધારે ભસ્યા રાખે છે!  ટ્રમ્પ ટેરિફ વધાર્યા કરે છે, તો ભારતે શું કરવું? (ભૂપત સોલંકી, એમને એમના ગામનું નામ ખબર નથી!) - જવા દો ને! મારે ટ્રમ્પ સાથે બોલવાના સંબંધ નથી.  ‘ઑનલાઇન’ છેતરપિંડીથી બચવાનો ઉપાય? (કિરણ મોવડીયા, માણસા) - મને લાગુ પડતું નથી. હું તો ક્યારેય ‘ઓફલાઇન’ કે ‘આઉટલાઇન’ પણ જતો નથી!

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links