- Gujarati News
- Bhaskar khaas
- Meinbharatkapm
- Rajiv Gandhi's Chair Was Snatched Away By Waving A Folded Paper
મૈં ભારત કા પીએમએક વાળેલો કાગળ લહેરાવીને રાજીવ ગાંધીની ખુરશી છીનવી:લાલુના માધ્યમથી અડવાણીની રથયાત્રા અટકાવી; PM વીપી સિંહના કિસ્સા
- કૉપી લિંક

16 મે 1987ની બપોર. દિલ્હીના બોટ ક્લબ ગ્રાઉન્ડમાં કોંગ્રેસની મોટી રેલી હતી. તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી તેમાં ભાષણ આપવાના હતા. રક્ષા મંત્રીના પદેથી રાજીનામું આપીને રાજીવ પર હમલાવર એવા વી.પી. સિંહે નક્કી કર્યું કે મારે પણ આ રેલીમાં ભાગ લેવો જોઈએ.
ધગધગતા તાપમાં માથા પર ગમછો લપેટી પરસેવાથી લથબથ વી.પી. સિંહ સૌથી આગળની હરૉળમાં બેસી ગયા. વીપીની માતાનું થોડા દિવસો પહેલા જ અવસાન થયું હતું અને તેમણે માથું મુંડન કરાવ્યું હતું.
રાજીવે ભાષણ આપવાનું શરૂ કર્યું- 'આજે આપણે યાદ રાખવું પડશે કે કેવી રીતે આપણી વચ્ચે મીર જાફર ઉઠ્યા હતા, જયચંદ ઉઠ્યા હતા, ભારતને વેચવા માટે. ભારતને નબળું પાડવા માટે. અમે તેમને યોગ્ય જવાબ આપીશું.
'વરિષ્ઠ પત્રકાર દેબાશીષ મુખર્જી તેમના પુસ્તક 'ધ ડિસપ્ટરઃ હાઉ વીપી સિંઘ શૂક ઈન્ડિયા'માં લખે છે કે જયચંદ કથિત રીતે વીપી સિંહના પૂર્વજ હતા. રાજીવનો સંકેત સ્પષ્ટ હતો. વીપીનું અપમાન થયું હતું. તેઓ તરત જ રેલીમાંથી નીકળી ગયા. આ ઘટના બાદ જ વીપી સિંહે મન બનાવી લીધું હતું કે તેઓ રાજીવને પીએમ પદ પરથી હટાવીને જ રહેશે.
'મૈં ભારત કા પીએમ' શ્રેણીના 7મા એપિસોડમાં, વિશ્વનાથ પ્રતાપ સિંહના વડાપ્રધાન બનવાની કહાની અને તેની સાથે જોડાયેલા કિસ્સાઓ…

રાજીવ 'બોફોર્સ કૌભાંડ'માં ઘેરાયા, વીપી સિંહને મળ્યો ચૂંટણીનો મુદ્દો
18 માર્ચ, 1986ના રોજ ભારત સરકાર અને સ્વીડિશ આર્મ્સ મેન્યુફેક્ચરિંગ કંપની એબી બોફોર્સ વચ્ચે 1,437 કરોડ રૂપિયાનો સોદો થયો હતો. તેના દ્વારા ભારતીય સેનાને 155 એમએમની 400 હોવિત્ઝર તોપની સપ્લાય કરવાની હતી. એક વર્ષ પછી, 16 એપ્રિલ 1987ના રોજ, એક સ્વીડિશ રેડિયો ચેનલે આરોપ મૂક્યો કે, 'આ ડીલ માટે કંપનીએ ભારતીય રાજકારણીઓ અને લશ્કરી અધિકારીઓને લાંચ આપી હતી.'
આ પહેલા તત્કાલિન સંરક્ષણ પ્રધાન વીપી સિંહે રાજીવની સંમતિ વિના અન્ય સંરક્ષણ સોદાની તપાસ શરૂ કરાવી દીધી હતી. દેબાશીષ મુખર્જી લખે છે, 'વીપીને માહિતી મળી હતી કે HDW સબમરીન ડીલમાં ગેરરીતિઓ થઈ છે. વીપીએ તત્કાલીન સંરક્ષણ સચિવને બોલાવી તેમને આ ડીલની તપાસ કરવા કહ્યું. જ્યારે આ વાત બહાર આવી તો રાજીવ નારાજ થયા. કોંગ્રેસમાં જ વીપી વિરુદ્ધ વાતો થવા લાગી અને પાર્ટીના સાંસદો તેમનો ખુલ્લેઆમ વિરોધ કરવા લાગ્યા.
આ કારણે વીપીએ 12 એપ્રિલ 1987ના રોજ રક્ષા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ચાર દિવસ પછી બોફોર્સ કૌભાંડનો મુદ્દો પણ ગરમાયો અને વીપી પ્રમુખતાથી રાજીવ ગાંધી પર નિશાન સાધવા લાગ્યા. આ કારણે તેમને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને વીપીએ જન મોરચા નામની પોતાની પાર્ટી બનાવી. 1988માં, જન મોરચાનો જનતા દળમાં વિલય થઇ ગયો.
વીપી બોફોર્સ કૌભાંડના આધારે 1989ની ચૂંટણી લડ્યા અને દરેક નાગરિકને આ ભ્રષ્ટાચાર વિશે જાણ કરવા માટે સમગ્ર અભિયાન ચલાવ્યું. વીપીએ નારા આપ્યો, 'રાજા નહીં ફકીર હેં, દેશ કી તકદીર હેં’.
કાગળ કાઢી વીપી બોલ્યા: મારી પાસે છે રાજીવનો સ્વિસ બેંક એકાઉન્ટ નંબર
વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવાઈ કહે છે કે વીપી સિંહ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ખિસ્સામાં એક કાગળ લઈને ફરતા હતા. ભાષણ આપતી વખતે તેઓ કહેતા હતા કે મારી પાસે સ્વિસ બેંક એકાઉન્ટ નંબર છે જેમાં બોફોર્સ કૌભાંડના પૈસા જમા છે.
3 નવેમ્બર 1988ના રોજ પટનામાં એક ચૂંટણી રેલીમાં વી.પી.સિંહે રાજીવ ગાંધીના સ્વિસ બેંકના ગુપ્ત એકાઉન્ટનું રહસ્ય ખોલવાનો દાવો કર્યો હતો. બીજા દિવસે વરિષ્ઠ પત્રકાર સુરેન્દ્ર કિશોરે જનસત્તામાં લખ્યું, 'સ્વિસ બેંક કોર્પોરેશનના આ એકાઉન્ટનો નંબર 99921 PU છે. આ ખાતામાં બોફોર્સ સોદાના કમિશનમાં મળેલા 3,20,76,709 સ્વીડિશ ક્રોમર (તે સમયે રૂ. 8 કરોડ) જમા છે. આ ખાતું લોટસના નામે છે. વીપીએ પડકાર ફેંક્યો કે કમળ અને રાજીવનો અર્થ એક જ થાય છે. જો આ વાત ખોટી સાબિત થાય તો તે નિવૃત્તિ લેવા તૈયાર છે.
જો કે, 17 ડિસેમ્બર, 1988ના રોજ ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલીમાં લેખક ભવાની સેન ગુપ્તા 'ફ્રોમ બોફોર્સ ટુ બોફોર્ટિસ' શીર્ષક હેઠળના લેખમાં લખે છે, '10 નવેમ્બર, 1988ના રોજ, વીપી સંસદમાં નવી સંસદીય સમિતિ બનાવીને બોફોર્સ કૌભાંડની તપાસ કરાવાની માગ કરે છે, પરંતુ રાજીવ ગાંધીના સ્વિસ ખાતાની માહિતી અંગે એક પણ શબ્દ બોલતા નથી. કારણ કે તે જાણતા હતા કે તે આ દાવાને સાબિત કરી શકશે નહીં.
નેશનલ ફ્રન્ટને બહુમતી મળી અને સરકાર બનાવવાના પ્રયાસો શરૂ
1989ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 198 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, પરંતુ બહુમતીથી ઘણી પાછળ રહી ગઇ. બોફોર્સ મુદ્દે ચૂંટણી લડનાર રાજકીય ગઠબંધન 'નેશનલ ફ્રન્ટ'ને બહુમતી મળી હતી.

'નેશનલ ફ્રન્ટ'માં સામેલ જનતા દળને 143 બેઠકો, ભાજપને 85 અને ડાબેરી મોરચાને 52 બેઠકો મળી હતી. જ્યારે ડીએમકે, આસામ ગણ પરિષદ, તેલુગુ દેશમ જેવા પ્રાદેશિક પક્ષોને 9 બેઠકો મળી હતી. આ બેઠકોનો સરવાળો 289 થતો હતો, જે બહુમતીના જાદુઈ આંકડા કરતા 17 વધુ હતો.
વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈય્યર તેમના પુસ્તક 'એક જિંદગી કાફી નહીં'માં લખે છે, 'વીપીએ બોફોર્સનો મુદ્દો દેશની જનતા સમક્ષ એવી રીતે રજૂ કર્યો કે બોફોર્સ ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો. તેનો ફાયદો 1989ની લોકસભા ચૂંટણીમાં વીપી અને નેશનલ ફ્રન્ટને મળ્યો. દેશની જનતા ઈચ્છતી હતી કે વીપી આગામી પીએમ બને.
વીપીને પીએમ બનાવાની યોજના દેવીલાલે તૈયાર કરી બહુમતી મળ્યા બાદ પણ સંસદીય દળની બેઠક 3 દિવસ સુધી મળી શકી નહી. 30 નવેમ્બર 1989ના રોજ જ્યારે ચંદ્રશેખર તેમના નિવાસસ્થાન 3 સાઉથ એવન્યુ લેનમાં નંબૂદિરીપદ, જ્યોતિ બસુ અને અટલ બિહારી વાજપેયી સાથે ચર્ચા કરી રહ્યા હતા.

આ દરમિયાન ઓડિશા ભવનમાં પણ બેઠક ચાલી રહી હતી. જેમાં દેવીલાલની મદદથી વીપી સિંહને વડાપ્રધાન બનાવવાની યોજના બનાવવામાં આવી રહી હતી. આ મીટિંગમાં દેવીલાલ, અરુણ નેહરુ, વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈય્યર અને ઓડિશાના બીજુ પટનાયક હાજર હતા.
કુલદીપ નય્યર લખે છે, 'બેઠકમાં દેવીલાલે કહ્યું કે વીપી એક સારા વડાપ્રધાન સાબિત થશે, પરંતુ સમસ્યા એ છે કે મેં ચંદ્રશેખરને વચન આપ્યું છે અને હું ચોક્કસપણે હરીફાઈમાં ઉતરીશ.
'જો વીપીને પીએમ નહીં બનાવવામાં આવે તો પાર્ટી તૂટી જશે. ત્યાં હાજર દરેક નેતા આ વાત જાણતા હતા. આ પછી દેવીલાલે ચંદ્રશેખરને ઓડિશા ભવનમાં બોલાવ્યા. ચંદ્રશેખરે કહ્યું કે દેવીલાલનું નામ સંસદીય બેઠકમાં પ્રસ્તાવિત કરવામાં આવશે, જેને હું પોતે મંજૂરી આપીશ. ચંદ્રશેખરનું કડક વલણ જોઈને બધા તેમની સાથે સહમત થઇ ગયા.
ચંદ્રશેખરની ગેરહાજરીમાં વીપીને પીએમ બનાવવાનું પ્લાનિંગ કરાયું. અરુણ નેહરુએ એવી વ્યવસ્થા પણ કરી હતી કે તાઉ દેવીલાલ તેમના પુત્ર ઓમપ્રકાશ ચૌટાલાને પણ મળી ન શકે. કારણ કે ઓમપ્રકાશ ચૌટાલા જનતા દળના તે નેતાઓમાં સામેલ હતા જેમણે ચંદ્રશેખરને સમર્થન આપ્યું હતું. આવી સ્થિતિમાં જો ચૌટાલા તેમના પિતા દેવીલાલને કંઈક કહેતા તો તેઓ પુત્રમોહમાં આવીને તે કરવા તૈયાર થઇ જાત.
નાટકીય રીતે વીપી સિંહ પીએમ બન્યા, બીમાર ચંદ્રશેખર ભડક્યા 1 ડિસેમ્બર 1989નો દિવસ... સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં જનતા દળની સંસદીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું. વીપી સિંહ, દેવીલાલ, મધુ દંડવતે, અજિત સિંહ અને જનતા દળના તમામ સાંસદો અને દિગ્ગજ નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.
આ સિવાય પોતાને વડાપ્રધાન પદના મજબૂત ઉમેદવાર માનતા ચંદ્રશેખર પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ચંદ્રશેખર તે સમયે મેલેરિયા તાવથી પીડિત હતા. આ બેઠકના આયોજનની જવાબદારી અધિકારીમાંથી રાજકારણી બનેલા અને ચંદ્રશેખરના નજીકના યશવંત સિંહાને સોંપવામાં આવી હતી.
તેમણે આ ઘટનાને તેમના પુસ્તક 'રિલેંટલેસ'માં લખી છે, 'જેવી સંસદીય દળની બેઠક શરૂ થઇ તરત જ મધુ દંડવતેએ વીપીને પ્રસ્તાવ મૂકવા કહ્યું. આના પર વીપી ઝડપથી ઉભા થયા અને પવનની ઝડપે બોલવા લાગ્યા. વીપીએ બેઠકમાં તાઉ દેવીલાલને PM બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી હોલમાં માત્ર બે-ચાર તાળીઓનો જ ગડગડાટ થયો હતો.
આ સમાચાર હોલની બહાર કાન લગાવી ઉભેલા પત્રકારો સુધી પહોંચી ગયા અને દેવીલાલને દેશ-દુનિયામાં ભારતના વડાપ્રધાન કહેવા લાગ્યા. પરંતુ આ સમાચાર 10 મિનિટ પણ ટકી શક્યા નહીં.
દેવીલાલ ઉભા થયા અને બોલ્યા, 'મને હરિયાણામાં તાઉ કહેવામાં આવે છે. અહી પણ તાઉ જ રહેવું છે. હું ઈચ્છું છું કે વિશ્વનાથ પ્રતાપ સિંહ વડાપ્રધાન બને. હું મારું નામ પાછું ખેંચું છું અને માનનીય વીપી સિંહનું નામ સૂચવું છું. કારણ કે દેશની પસંદ વીપી છે. આ પછી હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો.
અજિત સિંહે આ પ્રસ્તાવને મંજૂરી આપી અને દંડવતેએ વીપી ચૂંટાયા તેની જાહેરાત કરી.

આના પર ચંદ્રશેખર ઉભા થયા અને તેમની શાલ પકડીને બેઠક છોડીને ચાલવા લાગ્યા. આ દરમિયાન ચંદ્રશેખરે કહ્યું, 'હું આ નિર્ણયને સ્વીકારતો નથી. મને કહેવામાં આવ્યું હતું કે દેવીલાલને નેતા તરીકે પસંદ કરવામાં આવશે. આ છેતરપિંડી છે. હું બેઠક છોડી રહ્યો છું.

ચંદ્રશેખરે પોતાની આત્મકથા 'ઝિંદગી કા કારવાં'માં આ ઘટના વિશે લખ્યું છે, 'મે એવું અનુભવ્યુ કે સરકારની શરૂઆત જ ખૂબ કપટપૂર્ણ રીતે કરવામાં આવી હતી. આ અત્યંત નિમ્ન સ્તરનું રાજકારણ હતું, જેમાં વીપી સિંહ એક નૈતિક માણસ તરીકે ઉભરી આવ્યા. તેમનો ઉદય એ રાજકારણમાં અસ્તની શરૂઆત હતી. તેમણે ભ્રષ્ટાચારના મુદ્દાને ભાવનાત્મક મુદ્દો બનાવી દીધો હતો.
શપથ ગ્રહણના દિવસે પણ ઉથલપાથલ ચાલુ રહી 2 ડિસેમ્બર 1989. વિશ્વનાથ પ્રતાપ સિંહના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરાયું હતું. તત્કાલિન રાષ્ટ્રપતિ આરકે વેંકટરામને વીપીને વડાપ્રધાનના શપથ લેવડાવ્યા હતા. પરંતુ ગઇકાલ સુધી જે તાઉ દેવીલાલે વીપી માટે પીએમ પદ છોડી દીધું હતું, તેઓ હવે નાયબ વડાપ્રધાન બનવા પર અડગ હતા. તેમની માગ વીપીએ પૂરી કરી.
સીમા મુસ્તફા વીપીની આત્મકથા 'ધ લોન્લી પ્રોફેટઃ વીપી સિંહ અ પોલિટિકલ બાયોગ્રાફી'માં લખે છે, 'દેવીલાલે સોગંદનામામાં લખેલું મંત્રી પદ વાંચ્યું ન હતું, પરંતુ નાયબ વડાપ્રધાન તરીકે વાંચ્યું હતું. વેંકટરામને આના પર તેમને અટકાવ્યા, પરંતુ દેવીલાલ પર કોઈ અસર થઈ નહીં.
ખરેખર, બંધારણમાં નાયબ વડાપ્રધાન પદનો કોઈ ઉલ્લેખ નથી. નાયબ વડાપ્રધાન બનનાર નેતાના સોગંદનામામાં મંત્રી લખવામાં આવે છે.

વીપી સિંહને પીએમ બનાવવાની રણનીતિ ઘડનાર અરુણ નેહરુ અને કુલદીપ નય્યરને મોટા હોદ્દા મળ્યા. અરુણને વીપીએ તેમની સરકારમાં સામેલ કર્યા અને વાણિજ્ય મંત્રીનું પદ આપ્યું. વીપીએ વરિષ્ઠ પત્રકાર કુલદીપ નય્યરને લંડનમાં ભારતના હાઈ કમિશનર તરીકે નિયુક્ત કર્યા.
આ સિવાય વીપીએ મુફ્તી મોહમ્મદ સઈદને ગૃહમંત્રી બનાવ્યા. આમ કરીને વીપીએ મુસ્લિમો અને જમ્મુ-કાશ્મીરને સાધવાનો પ્રયાસ કર્યો. વીપી ઈચ્છતા હતા કે આના માધ્યમથી મુસ્લિમોમાં એવો સંદેશ જાય કે તેમની પહોંચ ઘણી ઉપર સુધી છે.
સઈદની પુત્રીને બચાવવા માટે વીપીએ આતંકવાદીઓને છોડ્યા જે દિવસે મુફ્તી મોહમ્મદ સઈદ ગૃહ મંત્રાલયનો કાર્યભાર સંભાળે છે તે જ દિવસે તેમની 23 વર્ષની પુત્રી રૂબૈયા સઈદનું અપહરણ થઇ જાય છે. 8 ડિસેમ્બર, 1989ના રોજ રૂબૈયા હોસ્પિટલથી ઘરે જવા નીકળે છે, જેનું પાંચ અલગતાવાદીઓ મળીને અપહરણ કરી લે છે.
આ અલગતાવાદીઓ હમીદ શેખ, શેર ખાં, જાવેદ અહેમદ ઝરગર, મોહમ્મદ કલવાલ અને મોહમ્મદ અલ્તાફ બટ્ટની મુક્તિની માગ કરે છે. આ મોસ્ટ વોન્ટેડ આતંકીઓને પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ ખૂબ જ મહેનત કરીને પકડ્યા હતા.
આના પર વીપીએ સઈદને કહ્યું, 'અમે આ કામ માટે તમામ ગુપ્તચર એજન્સીઓને લગાવીશું, પરંતુ તેમને કંઈ નહીં થવા દઇએ.' પૂર્વ વડાપ્રધાન ઈન્દર કુમાર ગુજરાલ પોતાના પુસ્તક 'મેટર ઓફ ડિસ્ક્રેશન'માં લખે છે, 'લાંબી વાતચીત બાદ પીએમ વીપી સિંહે રૂબૈયાની મુક્તિ માટે આતંકવાદીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. જે ત્યારે અને અત્યારે પણ આઘાતજનક લાગે છે.

આ પછી 10 ડિસેમ્બર, 1989એ પાંચેય આતંકવાદીઓને મુક્ત કરવામાં આવે છે અને સઈદની પુત્રી રૂબૈયા પરત આવે છે. આ ઘટનાથી વીપીની ઈમેજને ઘણું નુકસાન થયું અને તેમની ટીકા થવા લાગી.
સંતોષ ભારતીય કહે છે, 'વીપી સિંહે અહીં શુદ્ધ માનવીય લાગણીઓ દર્શાવી. આ ઘટનાએ વીપી સિંહની વડાપ્રધાન પદની કારકિર્દીથી સ્પષ્ટ કરી દીધું કે તેમના પર દબાણ કરીને કંઈ પણ કરાવી શકાય છે. જો વીપી આ કરાર માટે સંમત ન થયા હોત તો વડાપ્રધાન પદના ઈતિહાસમાં તેમની છબી વધુ સારી હોત.
જ્યોતિષમાં વિશ્વાસ નહી રાખનાર વીપી માટે જ્યોતિષ સાચું સાબિત થયું રાજા માંડા વિશ્વનાથ પ્રતાપ સિંહના પરિવારને જ્યોતિષ અને હસ્તરેખા શાસ્ત્રમાં શ્રદ્ધા અને રસ હતો. વી.પી.ના પિતા અને મોટા ભાઈને જ્યોતિષમાં ખૂબ શ્રદ્ધા હતી. એટલા સુધી કે તેમના પિતાને પણ જ્યોતિષ શાસ્ત્રનું થોડું જ્ઞાન હતું.
'ધ ડિસપ્ટરઃ હાઉ વિશ્વનાથ પ્રતાપ સિંહ શૂક ઈન્ડિયા'ના લેખક દેબાશિષ લખે છે, 'વીપીનો પરિવાર હંમેશા દરેક નાના-મોટા કામ કરતા પહેલા પરિવારના જ્યોતિષની સલાહ લેતો હતો, પરંતુ વીપીના વિચાર અલગ હતા. વીપી કહેતા હતા કે તેઓ જે ભવિષ્યવાણીઓ કરે છે તેમાંથી મોટાભાગની આગાહીઓ ખોટી સાબિત થાય છે.

વીપીની પત્ની સીતા કુમારી સિંહને ટાંકીને દેવાશિષ લખે છે, 'અમારા પારિવારિક જ્યોતિષીએ કહ્યું હતું કે મારા પતિ ઘણા ઉચ્ચ હોદ્દા પર પહોંચી જશે, પરંતુ ક્યાંય વધુ સમય સુધી ટકી શકશે નહીં... અને આવું જ થયું.'
હંમેશા વિવાદોમાં રહેલી વીપી સિંહની પશ્મિના ટોપી
વડાપ્રધાન વીપી સિંહ એક ખાસ પ્રકારની ફરવાળી ટોપી પહેરતા હતા. આ મુદ્દે ઘણા વિવાદો થયા હતા. વન્યજીવ પ્રેમીઓનું કહેવું હતું કે તે પશ્મિના દોરાથી બનેલી છે. હકીકતમાં, પશ્મિના દોરો હિમાલયમાં જોવા મળતા ખાસ ઘેટાંના ચામડામાંથી બનાવવામાં આવે છે.
કેટલાક લોકો તેને જિન્નાહ કેપ તરીકે જોતા હતા. પાકિસ્તાની ઉચ્ચ વર્ગ દ્વારા પહેરવામાં આવતી કેપ ભારતમાં જિન્નાહ કેપ તરીકે જાણીતી બની હતી. આ દ્વારા વીપી તે ભારતીય મુસ્લિમો સાથે ભાવનાત્મક રીતે જોડાવા માગતા હતા જેમણે તેમને અને તેમની પાર્ટીને મત આપ્યા હતા.
કેટલાક લોકોનું કહેવું છે કે આ કેપ વીપી સિંહનો લકી ચાર્મ છે. તેમના આધ્યાત્મિક ગુરુએ તેમને આ કરવા માટે કહ્યું છે. જોકે, વીપી સિંહે આ વિવાદને અનેક પ્રસંગોએ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. સૌપ્રથમ તેમણે કહ્યું કે તે ફર નથી, પરંતુ સિન્થેટિક છે. તેને બનાવવામાં કોઈ પ્રાણી સાથે ક્રૂરતા કરાઇ નથી.
તો પછી વી.પી.સિંહ તેને કેમ પહેરતા હતા? તેના પર વીપી સિંહ કહેતા હતા કે, 'મારા માથા પરની કુદરતી વસ્તુઓ (વાળ) થોડા પાતળા થઈ રહ્યા છે, તેથી તેને ગરમ રાખવા માટે મારે કેટલીક કૃત્રિમ વસ્તુઓની જરૂર છે.'

મંડલ અને કમંડલના રાજકારણમાં ફસાયા વીપી જનતા દળના મોટાભાગના નેતાઓ મંડલ આયોગની ભલામણોના સમર્થનમાં હતા. વીપીએ મંડલ આયોગની ભલામણો લાગુ કરીને દેશમાં હલચલ મચાવી દીધી હતી. હકીકતમાં, આના દ્વારા, શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત વર્ગો એટલે કે OBCને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત મળી હતી. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓએ ઘણી જગ્યાએ આનો વિરોધ શરૂ કર્યો હતો.
દેબાશીષ મુખર્જી 'ધ ડિસપ્ટરઃ હાઉ વીપી સિંહ શૂક ઈન્ડિયા'માં લખે છે, 'મંડલ કમિશનની ભલામણોને લાગુ કરવામાં ત્રણ લોકોની મહત્વની ભૂમિકા હતી. તત્કાલિન કાપડ મંત્રી શરદ યાદવ અને સમાજ કલ્યાણ મંત્રી રામવિલાસ પાસવાને આ મામલે સાંસદો અને મંત્રીઓને એકત્ર કરવાનું કામ કર્યું હતું. જ્યારે તત્કાલીન સમાજ કલ્યાણ મંત્રાલયના સચિવ પી.એસ. ક્રિશ્નને આ અંકમાં કઈ બાબતોનો સમાવેશ કરવાનો હતો તેની તૈયારી કરી હતી.

કુલદીપ નય્યર 'એક જિંદગી કાફી નહીં'માં લખે છે, 'વીપી સિંહ સૌથી વિવાદાસ્પદ રાજકારણીઓમાંથી એક હતા. ભારતીય રાજકારણમાં તેમનો પ્રભાવ ભલે વિભાજનકારી હોય, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન મંડલ કમિશનની ભલામણો લાગુ થઇ. વીપીએ મને (કુલદીપ નય્યરને) કહ્યું હતું કે ભલે મેં મારો એક પગ ગુમાવ્યો હોય, પણ હું ગોલ કરીને જ રહીશ.
ભાજપે ટેકો ખેંચ્યો તો સરકાર પડી, જનતા દળ વિખેરાઇ ગયું 25 સપ્ટેમ્બર 1990ના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતના સોમનાથથી રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. દેશભરમાં 10 હજાર કિમીની યાત્રા પૂર્ણ કર્યા બાદ આ યાત્રા અયોધ્યા પહોંચીને રામ મંદિર નિર્માણ માટે કારસેવા કરવા જઈ રહી હતી. પરંતુ મુલાયમ સિંહ, લાલુ યાદવ જેવા નેતાઓ આ યાત્રાની વિરુદ્ધ હતા. વીપીએ અડવાણીને તેને રોકવા માટે કહ્યું પરંતુ તેઓ માન્યા નહીં.
તે સમયે ઉત્તર પ્રદેશના સીએમ મુલાયમે કહ્યું હતું કે, 'અયોધ્યામાં કોઈ પ્રવેશી નહીં શકે. ' આમ કહીને મુલાયમે અડવાણીને અયોધ્યા આવવાનો પડકાર ફેંક્યો હતો.
કહેવાય છે કે વીપીએ બિહારના તત્કાલીન સીએમ લાલુ યાદવને કહ્યું હતું કે, 'મુલાયમ અડવાણીની ચોક્કસપણે ધરપકડ કરશે, તમે કેમ આવું નથી કરતા.'

લાલુ પોતાની આત્મકથા 'ગોપાલગંજથી રાયસીના'માં લખે છે, 'મેં બે વાર વીપીને ફોન કરીને અડવાણીને અટકાયતમાં લેવાની સહમતિ લીધી હતી. 22 ઓક્ટોબર 1990ના રોજ વીપીએ લાલુને તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવા અને અડવાણીને રાત્રે 2 વાગ્યા પછી કસ્ટડીમાં લેવા કહ્યું. કારણ કે ત્યાં સુધીમાં અખબારો છપાઇ ગયા હોય. અને બીજા દિવસે બહુ હોબાળો નહીં થાય.
23 ઓક્ટોબર 1990ની રાત્રે 2 વાગ્યે બિહારના સમસ્તીપુર જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે. સિંહ અને IPS અધિકારી રામેશ્વર ઓરેને પોલીસ દળ સાથે અડવાણીને કસ્ટડીમાં લીધા. આનાથી નારાજ થઈને બીજેપીએ કેન્દ્ર સરકારમાંથી પીછેહઠ કરી હતી.
દેબાશિષ મુખર્જી લખે છે કે, 'ભાજપના આ નિર્ણય બાદ વીપી રાજીનામું આપવા માંગતા હતા, પરંતુ પાર્ટીના અન્ય નેતાઓએ તેમને અવિશ્વાસ પ્રસ્તાવ સુધી પદ પર ચાલુ રહેવાની સલાહ આપી હતી.'
7 નવેમ્બર 1990ના રોજ લોકસભામાં વીપી સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. 11 કલાકની ચર્ચા બાદ 10.15 કલાકે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું હતું. જેમાં વીપી સિંહ સરકારના પક્ષમાં 142 અને વિરોધમાં 346 મત પડ્યા હતા. આ પછી તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. વીપી માત્ર 11 મહિના જ પીએમ પદ પર રહ્યા.
સરકાર પડતાં જ જનતા દળ તૂટી ગયું. કેટલાક નેતાઓ ચંદ્રશેખર સાથે તો કેટલાક નેતાઓ વીપી સાથે રહ્યા. ગુજરાતના તત્કાલિન સીએમ ચીમનભાઈ પટેલ, ઉત્તર પ્રદેશના સીએમ મુલાયમ સિંહ યાદવ અને હરિયાણાના સીએમ ઓમપ્રકાશ ચૌટાલા ચંદ્રશેખરની સાથે રહ્યા જ્યારે બિહારના સીએમ લાલુ યાદવ વીપી સાથે રહ્યા હતા.
------------
‘મૈં ભારત કા પીએમ’ શ્રેણીના આઠમા એપિસોડમાં આવતીકાલે એટલે કે 23 માર્ચે ચંદ્રશેખરના વડાપ્રધાન બનવાની કહાની. કેવી રીતે તેમણે અને રાજીવ ગાંધીએ વી.પી. સિંહે તેમની સાથે કરેલા વિશ્વાસઘાતનો બદલો લીધો...
-------------
‘મૈં ભારત કા પીએમ’ શ્રેણીના અન્ય એપિસોડ્સ અહીં વાંચો...
એપિસોડ-1 80% કોંગ્રેસ કમિટીઓની પસંદ હતા પટેલ, છેલ્લી ક્ષણે ગાંધી મક્કમ બન્યા; કેવી રીતે વડાપ્રધાન બન્યા નહેરુ
એપિસોડ-2 આંખમાં આંસુ સાથે ઇન્દિરા ગાંધીએ શાસ્ત્રીજીને કહ્યું- હવે તમે જ દેશ સંભાળો, શાસ્ત્રીના પીએમ બનવાની કહાની
એપિસોડ-3 ઈન્દિરાના વડાપ્રધાન બનવાના કિસ્સા; 'ગૂંગી ગુડિયા' કેવી રીતે બની ગઈ આયર્ન લેડી
એપિસોડ-4 મોરારજી દેસાઈ લાંબા આયુષ્ય માટે સ્વમૂત્ર પીતા હતા, ભડભડિયા સ્વભાવના કારણે રો એજન્ટોએ જીવ ગુમાવ્યા
એપિસોડ-5 આ વડાપ્રધાન ક્યારેય સંસદ નથી ગયા, ઈન્દિરાની ધરપકડ કરાવી, ચૌધરી ચરણ સિંહ કેમ બન્યા 5 મહિના માટે પીએમ
એપિસોડ-6 સવારે ઈન્દિરાની હત્યા, સાંજે રાજીવના PMપદના શપથ, સોનિયાએ વડાપ્રધાન બનતાં રોક્યાં તો કહ્યું- આમ પણ હું તો મરવાનો છું
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















