- Gujarati News
- Bhaskar khaas
- Meinbharatkapm
- Congress Syndicate Bets On Indira, Morarji Shakes Up Again; How A Dumb Doll Became The Iron Lady
મૈં ભારત કા પીએમઈન્દિરાના વડાપ્રધાન બનવાના કિસ્સા:'ગૂંગી ગુડિયા' કેવી રીતે બની ગઈ આયર્ન લેડી
- કૉપી લિંક

1959ની ઓગસ્ટની એક સવાર. અલાહાબાદના આનંદ ભવનમાં ડાઇનિંગ ટેબલ પર વડાપ્રધાન નેહરુ, તેમની પુત્રી ઈન્દિરા અને જમાઈ ફિરોઝ ગાંધી બેઠાં હતાં. હંમેશની જેમ આ વખતે પણ વાત રાજનીતિ પર શરૂ થઈ અને એ ચર્ચામાં ફેરવાઈ ગઈ. મુદ્દો હતો કેરળની પ્રથમ ચૂંટાયેલી સામ્યવાદી સર
હકીકતમાં એ સમયે ઈન્દિરા ગાંધી કોંગ્રેસનાં અધ્યક્ષ હતાં અને તેમના દબાણ હેઠળ કેરળ સરકારને બરતરફ કરવામાં આવી હતી. ડાઈનિંગ ટેબલ પરની એ ચર્ચા દરમિયાન ફિરોઝે ઈન્દિરા તરફ ઈશારો કરતાં કહ્યું- આ તો ફાસીવાદ છે.
આ ઘટનાનો ઉલ્લેખ કરતાં સ્વીડિશ પત્રકાર અને લેખક બર્ટિલ ફાલ્ક તેમના એક લેખમાં લખે છે, 'ફિરોઝ ગાંધી એ પ્રથમ વ્યક્તિ હતા, જેમણે તેમની પત્નીના સરમુખત્યારશાહી વલણને ઓળખી લીધું હતું.
આ ઘટનાનાં 7 વર્ષ પછી 1966માં જ્યારે શાસ્ત્રીના મૃત્યુ પછી નવા વડાપ્રધાનની પસંદગી કરવાનો વારો આવ્યો ત્યારે કોંગ્રેસ સિન્ડિકેટ પણ ઈન્દિરાની આ વૃત્તિને સમજી શકી નહીં. સિન્ડિકેટ એટલે એ જૂના કોંગ્રેસીઓ, જેઓ સંગઠન અને સરકાર પર આધિપત્ય જમાવતા હતા.
'મૈં ભારત કા પીએમ' શ્રેણીના ત્રીજા એપિસોડમાં ઈન્દિરા ગાંધીના વડાપ્રધાન બનવાની કહાની અને એની સાથે જોડાયેલા કિસ્સા...
શાસ્ત્રીનું મૃત્યુ અને નવા વડાપ્રધાન શોધવાની મથામણ
11 જાન્યુઆરી 1966ની મોડીરાત્રે...એતે સમયના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું તાશ્કંદમાં અવસાન થયું હતું. એક તરફ તેમના પાર્થિવદેહને ભારત લાવવાની તૈયારી ચાલી રહી હતી, તો બીજી તરફ ભારતમાં કોંગ્રેસની અંદર વડાપ્રધાન પદની રેસ ફરી એકવાર શરૂ થઈ ગઈ હતી. મોરારજી દેસાઈ એક સમયે વડાપ્રધાન બનવાનું ચૂકી ગયા હતા, પરંતુ આ વખતે તેઓ તક ગુમાવવા માગતા નહોતા.
મોરારજીના રસ્તામાં કોંગ્રેસ સિન્ડિકેટ ઊભી હતી, જેમાં કે. કામરાજ, નીલમ સંજીવ રેડ્ડી, એસ. નિજલિંગપ્પા, એસ.કે. પાટીલ, હિતેન્દ્ર કે. દેસાઈ, વિરેન્દ્ર પાટીલ, સી.એમ. પૂનાચા, અતુલ્ય ઘોષ, સત્યેન્દ્ર નારાયણ સિન્હા, ચંદ્રભાનુ ગુપ્તા, પી.એમ. નાડગૌડા, અશોક મહેતા, ત્રિભુવન નારાયણ સિંહ, રામ સુભાગ સિંહ અને બીડી શર્મા જેવા નેતા હતા.
સાગરિકા ઘોષ તેના પુસ્તક 'ઈન્દિરા ઇન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટર'માં લખે છે કે શાસ્ત્રીના મૃત્યુ પછી સિન્ડિકેટ ફરી એકવાર સક્રિય થઈ ગઈ હતી. સિન્ડિકેટે કોંગ્રેસ-પ્રમુખ કે. કામરાજને નવા પીએમ બનાવવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો.
કામરાજ જાણતા હતા કે એ સમયે દેશ બિન-હિન્દી ભાષી દક્ષિણ ભારતીયને પીએમ તરીકે સ્વીકારશે નહીં. આ કારણોસર તેમણે સિન્ડિકેટને કહ્યું કે મને રહેવા દો. હું ન તો હિન્દી કે ન તો અંગ્રેજી બરાબર જાણું છું, તો પછી હું પીએમ કેવી રીતે બની શકું.
સિન્ડિકેટ કામરાજની વાત સાથે સહમત થઈ ગઈ. તેમણે એક શરત મૂકી કે મોરારજી દેસાઈને આ પદથી દૂર રાખવા પડશે. જો તેઓ પીએમ બનશે તો તેઓ કોઈનું સાંભળશે નહીં. આ એ સમય હતો, જ્યારે ઈન્દિરા ગાંધી માહિતી અને પ્રસારણમંત્રી હતાં. સંસદમાં કોઈપણ પ્રશ્નનો જવાબ આપતી વખતે તેમના હાથ-પગ ધ્રૂજતાં હતાં. જવાબ આપતાં પહેલાં તેમણે ઘણી પ્રેક્ટિસ કરવી પડતી હતી. લોકો તેમને ‘ગૂંગી ગુડિયા’ કહેવા લાગ્યા હતા.
તે ‘ગૂંગી ગુડિયા’ સિન્ડિકેટ માટે પર્ફેક્ટ પસંદગી હતી, કારણ કે તેઓ નહેરુની પુત્રી હોવાથી તેમને કોઈ નકારી શકે એમ ન હતું. સિન્ડિકેટ તેમના થકી બેકડોરથી સરકાર ચલાવી શકતી હતી. 1967ની સામાન્ય ચૂંટણીને 13 મહિના બાકી હતા. ઈન્દિરા રાષ્ટ્રીય ચહેરો હતા. તેમના ચહેરા પર સરળતાથી મત માગી શકાતા હતા.
સાગરિકા લખે છે કે એક વખત મોરારજી દેસાઈએ જાહેરમાં કહ્યું હતું કે તેઓ પીએમ બનશે, પરંતુ ઈન્દિરાએ આ વાતને જાહેર થવા દીધી ન હતી. ઈન્દિરાએ યોગ્ય સમયની રાહ જોઈ. તેમણે માત્ર એટલું જ કહ્યું કે તેઓ માત્ર એટલું જ કરશે, જે કે. કામરાજ ઈચ્છે છે.
જ્યારે મોરારજીને લાગ્યું કે તેઓ બીજી વખત પીએમ પદ ગુમાવશે, ત્યારે તેમણે કામરાજને કહ્યું કે પીએમ કોણ બનશે એ ચૂંટણી દ્વારા નક્કી કરવું જોઈએ. 19 જાન્યુઆરી 1966ના રોજ ઈન્દિરા અને મોરારજી વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. ઈન્દિરાને 355 અને મોરારજીને 169 વોટ મળ્યા. આ રીતે તેઓ પીએમ તરીકે ચૂંટાયા.
24 જાન્યુઆરી, 1966ના રોજ શપથગ્રહણ સાથે તેઓ દેશનાં પ્રથમ મહિલા વડાંપ્રધાન બન્યાં. આ પછી, 1967, 1971 અને 1980ની ચૂંટણી જીત્યા પછી તેઓ ફરીથી વડાંપ્રધાનની ખુરસી પર બેઠાં.
અમેરિકા ગયા તો અખબારોએ લખ્યું- ભીખ માગવા આવી છે
1965 પછી 1966માં પણ અપૂરતા વરસાદને કારણે દુષ્કાળ પડ્યો હતો. 1965ના યુદ્ધ પછી અમેરિકાએ ભારત અને પાકિસ્તાન બંનેને મદદ કરવાનું બંધ કરી દીધું હતું. દેશને મદદની જરૂર હતી. આ કારણથી ઈન્દિરા ગાંધી વડાપ્રધાન તરીકે પ્રથમ વખત વિદેશપ્રવાસે અમેરિકા ગયાં હતાં. ત્યારે અમેરિકન અખબારોએ લખ્યું હતું કે ન્યૂ ઇન્ડિયન લીડર કમ્સ બેગિંગ, મતલબ કે ભારતનાં નવાં નેતા ભીખ માગવા આવ્યાં છે.
એ સમયે ભારતીય વિદેશ સેવાના અધિકારી અને ભૂતપૂર્વ વિદેશમંત્રી નટવર સિંહ તેમની બાયોગ્રાફી 'વન લાઈફ ઈઝ નોટ ઈનફ'માં લખે છે કે 'શ્રીમતી ગાંધી તેમના પ્રથમ વિદેશપ્રવાસે અમેરિકા ગયાં હતા. એ સમયે હું ન્યૂયોર્કમાં ડેપ્યુટી સેક્રેટરીનો હોદ્દો સંભાળતો હતો. અચાનક મારી બદલી દિલ્હીના પીએમ સચિવાલયમાં કરવામાં આવી. આજે એને આજનું પીએમઓ કહી શકાય. મારી ટ્રાન્સફરથી બધા ચોંકી ગયા હતા.''
તેઓ કહે છે કે ઈન્દિરાનો ઉછેર પશ્ચિમમાં થયો હતો. તેઓ તેમની રહેણીકરણીથી પરિચિત હતા. અમેરિકા પ્રવાસ દરમિયાન તેઓ સાડી સાથે હીલ્સ પહેરતા હતા. તેમણે પોતાની જાતને ખૂબ જ ફેશનેબલ રજૂ કરી હતી, જેથી અમેરિકન રાષ્ટ્રપતિ લિન્ડન બેન્સ જોન્સનને એવું ન લાગે કે તે એક સામાન્ય મહિલા સાથે રૂબરૂ થઈ રહ્યા છે.

1967ની લોકસભા ચૂંટણી, નાક તૂટ્યું, પણ ભાષણ ચાલુ રાખ્યું
1967ની લોકસભા ચૂંટણી 15થી 21 ફેબ્રુઆરી સુધી યોજાવાની હતી. ઈન્દિરા ગાંધી જોરશોરથી ચૂંટણીપ્રચાર કરી રહ્યાં હતાં. 8 ફેબ્રુઆરીએ ઈન્દિરા ભુવનેશ્વરમાં એક રેલીને સંબોધિત કરી રહ્યાં હતાં.
ઈન્દિરા ગાંધીના ફુઇ કૃષ્ણા હઠીસિંહ તેમના પુસ્તક 'ઈન્દુ સે પ્રધાનમંત્રી'માં લખે છે કે ઓડિશામાં સ્વતંત્ર પક્ષોનો પ્રભાવ વધુ હતો. તેમને વિશ્વાસ હતો કે તેઓ બહુમતીથી જીતશે. તેઓ ઈન્દિરાના ભાષણથી નારાજ હતાં. કેટલાક લોકોએ સભામાં હોબાળો મચાવ્યો હતો. ઇંદિરાએ બોલવાની શરૂઆત જ કરી હતી ને ભીડમાંથી પથ્થરોનો વરસાદ શરૂ થયો. એક પથ્થર ઇંદિરાના નાક પર વાગ્યો અને એમાંથી લોહી નીકળવા લાગ્યું.
કૃષ્ણા લખે છે કે 'ત્યાં હાજર સુરક્ષા અધિકારી અને સ્થાનિક કોંગ્રેસી નેતા ઈન્દિરાને સ્ટેજની પાછળ સુરક્ષિત જગ્યાએ લઈ જવા માગતા હતા. ઈન્દિરાએ કોઈનું સાંભળ્યું નહીં. તેઓ સ્ટેજ પર જ ઊભાં રહ્યાં . તેના નાકમાંથી લોહી નીકળતું હતું. નાક પર રૂમાલ લગાવી ઉપદ્રવીઓને પડકાર ફેંકતાં ઈન્દિરાએ કહ્યું, "આ મારું નહીં, પણ દેશનું અપમાન છે, કારણ કે વડાપ્રધાન તરીકે હું દેશનું પ્રતિનિધિત્વ કરું છું."
નટવર સિંહ 'વન લાઈફ ઈઝ નોટ ઈનફ'માં લખે છે. કે ઈન્દિરાજીના નાકમાંથી સતત લોહી વહેતું હતું, પરંતુ દુઃખની વાત એ હતી કે કોઈને પણ તેમના બ્લડ ગ્રુપની પણ ખબર નહોતી.
કૃષ્ણા હઠીસિંહ લખે છે કે 'આ પછી ઈન્દિરા કલકત્તામાં પણ તૂટેલા નાક સાથે સભા સંબોધવા ગયાં હતાં. જ્યારે તેમણે દિલ્હી જઈને તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું કે તેમનું નાક તૂટી ગયું હતું. ઓપરેશન પછી જ્યારે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે મેં બોમ્બેથી ફોન કરીને તેમની તબિયત વિશે પૂછ્યું. ઈન્દિરાએ મજાકમાં કહ્યું કે ફુઇ ભાનમાં આવતાં જ મેં ડૉક્ટરને પૂછ્યું કે તમે પ્લાસ્ટિક સર્જરી કરીને મારું નાક તો સુંદર બનાવી દીધુ છે ને? તમે તો જાણો જ છો કે મારું નાક કેટલું લાંબુ છે? એને સુંદર બનાવવાની આ એક તક હતી, પરંતુ ડોકટરોએ કંઈ કર્યું જ નહીં અને હું એવી જ રહી ગઇ. ’

1971નું યુદ્ધઃ અમેરિકા આવે એ પહેલા જ પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું પાકિસ્તાને 3 ડિસેમ્બર 1971ના રોજ ઓપરેશન ચંગેઝ ખાન હેઠળ ભારતના કાશ્મીર પર હુમલો કર્યો હતો. પાક વાયુસેનાએ પશ્ચિમ બાજુથી બોમ્બ નાખવાનું શરૂ કરી દીધું હતું. આ એ સમયગાળો હતો જ્યારે પૂર્વ પાકિસ્તાન જેને આજે આપણે બાંગ્લાદેશ તરીકે ઓળખીએ છીએ, ત્યાં પાકિસ્તાની સેનાના અત્યાચારોને કારણે દરરોજ એક લાખ શરણાર્થીઓ ભારતમાં આવી રહ્યા હતા. અમેરિકાએ પણ આમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે પાકિસ્તાને હુમલો કર્યો ત્યારે ઈન્દિરા કલકત્તામાં એક સભામાં ભાષણ આપી રહ્યા હતા.
સાગરિકા ઘોષ પોતાના પુસ્તકમાં લખે છે કે હુમલાના સમાચાર સાંભળીને ઈન્દિરાએ કહ્યું હતું કે ભગવાનનો આભાર કે તેમણે અમારા પર હુમલો કર્યો. હવે અમારી પાસે યુદ્ધમાં જવા માટે યોગ્ય કારણ છે. ઈન્દિરાએ સેનાને આદેશ આપ્યો અને પાકિસ્તાન પર હુમલો કર્યો.
12 ડિસેમ્બરે અમેરિકાએ પાકિસ્તાનની મદદ માટે તેનો સાતમો કાફલો મોકલ્યો. એમાં 70 જહાજ અને સબમરીન, 150 એરોપ્લેન અને 20 હજાર મરીન હતાં. આ અમેરિકાનો સૌથી મોટો કાફલો હતો.
આ દિવસે ઈન્દિરા દિલ્હીના રામલીલા મેદાનમાં એક સભાને સંબોધી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે અમે કોઈનાથી ડરવાના નથી અને કોઈની સામે ઝૂકીશું નહીં. ઈન્દિરાએ કહ્યું કે અમે અમારી આઝાદી માટે લડીશું. જરૂર પડશે તો દુશ્મનોનો સામનો મુક્કાઓથી પણ કરીશું.
જોકે મુકાબલાની સ્થિતિ ઊભી ન થઈ, કારણ કે લડાઈ 14 દિવસમાં પૂરી થઈ ગઈ. 7મો કાફલો બંગાળની ખાડી સુધી પહોંચે એ પહેલા જ પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું હતું. વિશ્વમાં પ્રથમ વખત 93 હજાર સૈનિકોએ શસ્ત્રો નીચે મૂકી સરેન્ડર કર્યું હતું. આ રીતે બાંગ્લાદેશનો જન્મ થયો.

ઈમર્જન્સીઃ જગજીવન રામે કહ્યું અને ઇંદિરાએ રાજીનામું આપવાનો વિચાર બદલી નાખ્યો
જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં ઈન્દિરા ગાંધી વિરુદ્ધ દેશભરમાં દેખાવો થઈ રહ્યા હતા. 12 જૂન, 1975ના રોજ અલાહાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીની ચૂંટણીને ગેરકાયદે જાહેર કરી અને છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો.
ઈન્દિરા પર આરોપ હતો કે તેમના અંગત સચિવ યશપાલ કપૂરે ચૂંટણી દરમિયાન તેમના એજન્ટ તરીકે કામ કર્યું હતું, જ્યારે તેઓ સરકારી નોકર હતા. અદાલતે એ પણ નોંધ્યું હતું કે 1971ની ચૂંટણી રેલી દરમિયાન લાઉડસ્પીકર માટે સરકારી વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ તેમને પદ પરથી હટી જવું પડ્યું હતું.
ઇંદિરા ગાંધીના સારા મિત્ર પુતલ જયકર તેમના પુસ્તક 'ઇંદિરાઃ અ બાયોગ્રાફી'માં લખે છે કે, 'ઇંદિરાએ પદ છોડવાનું મન બનાવી લીધું હતું. પણ તેમનો નાનો પુત્ર સંજય જ્યારે તેની મારુતિ કારમાં સાંજે ફેક્ટરીમાંથી પાછો આવ્યો ત્યારે તેમણે ચીસો પાડીને કહ્યું કે માએ રાજીનામું આપવાનો કોઈ પ્રશ્ન જ નથી. તેમણે કહ્યું કે જેઓ આજે વફાદારીના શપથ લઈ રહ્યા છે. સત્તામાં આવતાં જ તેઓ તમારી પીઠમાં છરો મારશે.
ઈન્દિરા ગાંધીના અંગત સચિવ આર.કે.ધવને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઈન્દિરાએ તેમનું રાજીનામું ટાઈપ કરાવ્યું હતું, પરંતુ તેમણે ક્યારેય તેના પર હસ્તાક્ષર કર્યા નહીં.
ઈન્દિરાના રાજકીય સલાહકાર સિદ્ધાર્થ શંકર રેએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઈન્દિરાએ પદ છોડી દેવાનું મન બનાવી લીધું હતું. આ દરમિયાન બાબુ જગજીવન રામે ઈન્દિરાને કહ્યું હતું કે મેડમ, તમારે રાજીનામું ના આપવું જોઇએ. જો તમે પદ છોડતા હોવ તો તમારા અનુગામીની પસંદગી અમારા પર છોડી દો. આ સાંભળીને ઈન્દિરાએ પોતાનો વિચાર બદલી નાખ્યો અને તેમને સંજયની વાત પર ભરોસો થઇ ગયો. સાગરિકા ઘોષે પણ પોતાના પુસ્તક ઈન્ડિયાઝ મોસ્ટ પાવરફુલ પ્રાઇમ મિનિસ્ટરમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
ઈન્દિરાએ 25 જૂને દેશમાં ઈમર્જન્સી જાહેર કરી દીધી હતી. આ પછી તમામ વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. પ્રેસ પર સેન્સરશિપ લાદવામાં આવી હતી. નસબંધી અને અન્ય ઘણા કાર્યક્રમોથી લોકોમાં રોષ ફેલાયો હતો. 25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધીના 21 મહિનાના સમયગાળા માટે ભારતમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. આ પછી ચૂંટણી થઈ અને કોંગ્રેસનો પરાજય થયો. તેની બેઠકો ઘટીને માત્ર 153 રહી ગઇ હતી.

હાથી પર બેસીને દલિતોને મળવા પહોંચ્યાં , ફરી બન્યાં પીએમ કોંગ્રેસની હાર બાદ દેશમાં જનતા પાર્ટીની સરકાર આવી. મોરારજી દેસાઈને પીએમ બનાવવામાં આવ્યા. જનતા સરકારમાં મંત્રાલયોને લઈને આંતરિક લડાઈ શરૂ થઈ ગઈ હતી. ઇંદિરા ગાંધી થોડા મહિના મૌન રહ્યાં. આ સમય દરમિયાન બિહારના બેલછીમાં દબંગોએ દલિતો પર ગોળીબાર કર્યો અને 11 લોકોને સળગાવી દીધા.
ચાર મહિના પહેલાં જ કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો અને ઈન્દિરા ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગયાં હતાં. ઈન્દિરા બેલછી જવા રવાના થયાં. તેઓ ટ્રેન દ્વારા પટના સુધી પહોંચ્યાં. એ બાદ જીપ દ્વારા પહોંચ્યાં હતાં. જીપ ફસાઈ જતાં તેઓ ટ્રેક્ટરમાં બેસી ગયાં, પણ એ પણ ફસાઈ ગયું. પછી ઈન્દિરા પોતાની સાડીને પગની ઘૂંટી સુધી બાંધી કાદવમાં ચાલવા લાગ્યાં.
બિહારના વરિષ્ઠ પત્રકાર સ્વ. જનાર્દન ઠાકુર તેમના પુસ્તક 'ઈન્દિરા ગાંધી એન્ડ હર પાવર ગેમ'માં લખે છે કે 'ઈન્દિરાએ કાદવમાં ચાલવાની શરૂઆત કરી આ દરમિયાન કોઈએ સૂચવ્યું કે તેઓ હાથી દ્વારા પણ જઇ શકે છે. ઇંદિરાએ કહ્યું કે હાથીની વ્યવસ્થા કરો. આ પછી ઈન્દિરા બેલછી પહોંચ્યાં. લંડનના ગાર્ડિયને લખ્યું કે ઈન્દિરાના મતદારોએ તેમને દસ મિનિટમાં જ માફ કરી દીધા.
પરત ફરતી વખતે ઈન્દિરાએ તેમના કટ્ટર હરીફ જયપ્રકાશ નારાયણ સાથે મુલાકાત કરી. આ મિટિંગ પછી જેપી જ્યાં સુધી જીવિત રહ્યા ત્યાં સુધી ક્યારેય તેમણે ઈન્દિરા વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું ન હતું. ત્રણ વર્ષ પછી 1980માં મધ્યસત્ર ચૂંટણી યોજાઈ અને ફરી એકવાર ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસે પુનરાગમન કર્યું. કોંગ્રેસને 353 બેઠક મળી.
ઓપરેશન બ્લૂ સ્ટાર પછી તેમના જ અંગરક્ષકોએ ગોળીબાર કર્યો
પંજાબમાં 1980ના દાયકાની શરૂઆતથી ખાલિસ્તાનની માગે જોર પકડ્યું હતું. જનરલ સિંહ ભિંડરાંવાલેના નેતૃત્વમાં આ આંદોલન ચાલી રહ્યું હતું. ભિંડરાંવાલેએ અમૃતસરમાં હરિમંદિર સાહિબ સંકુલને પોતાના મુખ્યાલય તરીકે રાખ્યું હતું. ભિંડરાંવાલેને પકડવા ઈન્દિરા ગાંધીના આદેશ પર સેના હરિમંદિર સાહિબમાં પ્રવેશી હતી. ખૂબ જ લોહી વહ્યું હતું. આનાથી શીખો ખૂબ ગુસ્સે થયા હતા.
30 ઓક્ટોબર 1984નો દિવસ હતો. ઈન્દિરા ગાંધી ઓડિશાના ભુવનેશ્વરમાં રેલી કરી રહ્યાં હતાં. ત્યારે ઈન્દિરા તેમના પૂર્વ આયોજિત ભાષણની બહાર બોલવા લાગ્યાં અને કહ્યું 'હું આજે અહીં છું. કાલે કદાચ હું અહીં નહીં હોઉં. હું રહું કે ના રહું તેની મને પરવા નથી. મારું લાંબું જીવન રહ્યું છે અને મને એ વાતનો ગર્વ છે કે મેં મારું આખું જીવન મારા લોકોની સેવામાં વિતાવ્યું છે. હું મારા છેલ્લા શ્વાસ સુધી આ કરતી રહીશ અને જ્યારે હું મરીશ ત્યારે મારા લોહીના એક-એક ટીપાનો ઉપયોગ ભારતને મજબૂત કરવા માટે કરાશે.'
આના 24 કલાક પછી 31 ઓક્ટોબર 1984ની સાંજે સમાચાર આવ્યા કે દેશનાં વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી નથી રહ્યાં. ઈન્દિરાના જ પોતાના બે શીખ રક્ષકોએ તેમને ગોળી મારી દીધી હતી. દેશની જનતા અવાચક રહી ગઈ હતી. એવું કહેવાય છે કે ઇન્દિરા ગાંધીને તેમના મૃત્યુનું અનુમાન થઇ ગયું હતું.
-----------------------------------
મૈં ભારત કા પીએમ શ્રેણીના ચોથા એપિસોડમાં આવતીકાલે એટલે કે 19 માર્ચે જાણો, બેવાર ઠોકર ખાધા પછી આખરે કેવી રીતે મોરારજી દેસાઈને વડાપ્રધાનની ખુરસી મળી.
-----------------------------------
મૈં ભારત કા પીએમ શ્રેણીના એપિસોડ અહીં વાંચો...
એપિસોડ-1 : 80% કોંગ્રેસ કમિટીઓની પસંદ હતા પટેલ, છેલ્લી ક્ષણે ગાંધી મક્કમ બન્યા; કેવી રીતે વડાપ્રધાન બન્યા નેહરુ
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















