- Gujarati News
- Bhaskar khaas
- Meinbharatkapm
- The Story Behind Rajiv Gandhi Becoming PM
મૈં ભારત કા પીએમસવારે ઈન્દિરાની હત્યા, સાંજે રાજીવના PMપદના શપથ:સોનિયાએ વડાપ્રધાન બનતાં રોક્યાં તો કહ્યું- આમ પણ હું તો મરવાનો છું
- કૉપી લિંક

31 ઓક્ટોબર 1984ની ઠંડીમાં સવારે નરમ તડકો નીકળેલો હતો. ઈન્દિરા માટે એ ખૂબ જ વ્યસ્ત શિડ્યૂલ સાથેનો દિવસ હતો. તેમના પર એક ડોક્યુમેન્ટરી બનાવવા પીટર ઉસ્તીનોવ આવ્યા હતા. બપોરે પૂર્વ બ્રિટિશ PM જેમ્સ કૈલાહન સાથે મિટિંગ હતી. આ પછી રાજકુમારી તેની સાથે ડિનરન
1966માં ઈન્દિરા વડાંપ્રધાન બન્યાં પછી તેમના ડોક્ટર રહેલા કૃષ્ણ પ્રસાદ માથુર કહે છે કે ઈન્દિરા ગાંધી તૈયાર થયા પછી પોતાના ઘર 1 સફદરજંગ રોડથી પોતાની ઓફિસ બંગલા નંબર 1 અકબર રોડ જવા માટે ઊઠ્યાં. અહીં પીટર ઉસ્તીનોવ તેમની રાહ જોઈ રહ્યા હતા.
કેમેરામાં ફોટોજેનિક થવા માટે તેમણે બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું નહોતું. એ દરમિયાન ધમકી મળવાને લઈને તેમને બુલેટપ્રૂફ જેકેટ પહેરવા માટે કહેવામાં આવ્યું હતું. દરવાજા પર ઈન્દિરાના સુરક્ષાગાર્ડ બેઅંત સિંહ અને સંતરી બૂથ પર કોન્સ્ટેબલ સતવંત સિંહ સ્ટેનગન લઈને ઊભા હતા.
ઈન્દિરાએ હંમેશની જેમ બંનેને નમસ્તે કહ્યું. એટલામાં બેઅંત સિંહે .38 બોરની સરકારી રિવોલ્વર ઈન્દિરા ગાંધી તરફ તાકી. ત્યારે ઈન્દિરાએ કહ્યું, 'તમે શું કરી રહ્યા છો?' થોડી સેકન્ડ મૌન રહ્યા પછી બેઅંત સિંહ ફાયર કરે છે. ગોળી ઈન્દિરાના પેટમાં વાગે છે. બીજી તરફ અન્ય એક 22 વર્ષનો શીખ ગાર્ડ સતવંત સિંહ 25 ગોળી ઈન્દિરાની છાતીમાં ધરબી દે છે.

એ સમયે દેશના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ ઓમાનમાં હતા અને ઈન્દિરાના દીકરા રાજીવ ગાંધી પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા. મૈં ભારત કા પીએમ સિરીઝના છઠ્ઠા એપિસોડમાં રાજીવ ગાંધીના વડાપ્રધાન બનવાની સંપૂર્ણ કહાની...
સમય સવારના 9: વાયરલેસ પર જાણ થઈ કે ઈન્દિરા પર હુમલો થયો છે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના પુસ્તક 'ધ ટર્બુલેન્ટ ઈયર્સ: 1980-96'માં લખ્યું છે, '31 ઓક્ટોબર 1984ના રોજ રાજીવ ગાંધી પશ્ચિમ બંગાળમાં કોંટાઈમાં એક સભા સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન મને (પ્રણવ મુખર્જી) પોલીસ વાયરલેસ પર મેસેજ મળે છે કે ઈન્દિરા ગાંધી પર જીવલેણ હુમલો થયો છે. તેઓ રાજીવ ગાંધીને લઈને તાત્કાલિક દિલ્હી પહોંચ્યા.'
આ સાંભળીને મેં રાજીવ ગાંધીને ચૂપચાપ એક ચિઠ્ઠી આપી. એમાં લખ્યું હતું કે તમારું ભાષણ નાનું કરજો, આપણે તાત્કાલિક દિલ્હી જવાનું છે. રાજીવે આવું જ કર્યું. ભાષણ સમાપ્ત કરીને રાજીવે મને પૂછ્યું શું થયું? મેં કહ્યું કે ઈન્દિરાજી પર હુમલો થયો છે.
ગની ખાન ચૌધરી પોતાની મર્સિડીઝ કારથી અમારી સાથે આવ્યા. મેં, રાજીવ અને અન્ય નેતાઓએ સરકારી એમ્બેસેડર કારનો ઉપયોગ કર્યો. ગની ખાને કહ્યું- તમે મારી મર્સિડીઝ લઈ જાઓ. એનાથી જલદી પહોંચી જશો. આ દરમિયાન મેં ત્યાંના સિનિયર પોલીસ અધિકારીને કહ્યું કે દિલ્હી સંદેશ મોકલીને અમારા માટે એક વિશેષ વિમાન મોકલો.
સમય સવારના 9.40: રાજીવે કહ્યું- શું મારી માતા આ લાયક હતી પ્રણવ મુખર્જી લખે છે કે 'અમે ચારેય રાજીવ ગાંધી, ગની ખાન ચૌધરી, રાજીવના અંગત બોડીગાર્ડ અને હું સવારે 9.40 વાગ્યે કોંટાઈથી નીકળ્યા.' રાજીવે કહ્યું, ગાડી હું ચલાવીશ, પરંતુ અમે તેમને આવું કરવાની ના પાડી. રાજીવ માની ગયા, પરંતુ ડ્રાઇવરની બાજુની સીટમાં આગળ જઈને બેસી ગયા.
રસ્તામાં અમે રેડિયો બીબીસી ચાલુ કર્યો. સમાચાર મળ્યા કે ઈન્દિરા ગાંધીને 16 ગોળી મારવામાં આવી છે. રાજીવ પાછળ ફર્યા અને પીએસઓને પૂછ્યું કે વીઆઈપી સિક્યોરિટી ગાર્ડ જે બંદૂક વાપરે છે એની ગોળી કેટલી શક્તિશાળી હોય છે. પીએસઓએ કહ્યું- સર, એ ખૂબ પાવરફુલ હોય છે.
આંખમાં આંસુ સાથે રાજીવ મારી તરફ ફર્યા અને કહ્યું- શું મારી માતા આ ગોળીઓની હકદાર હતી. અમારા કોઈના મોઢામાંથી અવાજ ન નીકળ્યો અને અમે પથ્થરની જેમ બેઠા રહ્યા.
થોડીવાર પછી મેં રાજીવને કહ્યું- અમારી સૂચના અનુસાર ઈન્દિરાજી સાથે મારઝૂડ થઈ છે. હજુ સુધી તેમના મૃત્યુના કોઈ સમાચાર મળ્યા નથી. આ દરમિયાન બીબીસીએ રેડિયો પર સમાચાર ચલાવ્યા કે રાજીવ ગાંધી દિલ્હી પહોંચી ચૂક્યા છે. ખરેખર તો અમે પશ્ચિમ બંગાળના રસ્તા પર ગાડીમાં હતા.
ત્યારે મેં રાજીવને પૂછ્યું કે જુઓ, આપણે ક્યાં છીએ અને આ લોકો શું પ્રસારિત કરી રહ્યા છે. જેમ આ સમાચાર ખોટા છે એવી રીતે ઈન્દિરાજીના મોતના સમાચાર પણ ખોટા હોઈ શકે છે.
સમય બપોરના 11.45: હેલિકોપ્ટર શોધવા નીકળ્યું વાયરલેસ પર એક સંદેશ મળ્યો કે કોલાઘાટમાં થર્મલ પાવર સ્ટેશનના હેલિપેડ પર એક હેલિકોપ્ટર રાહ જોઈ રહ્યું છે. એ હેલિકોપ્ટર કોલકાતા લઈ જશે. સ્ટેટ હાઇવેની હાલત ખરાબ હતી. ઝડપથી ગાડી ચલાવવી મુશ્કેલ હતી. કોલાઘાટ પહોંચતાં અમને બે કલાક લાગી ગયા.
પ્રણવ લખે છે કે 'જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે જોયું તો હેલિકોપ્ટર ત્યાંથી ઊડી ચૂક્યું હતું. અમને લાગ્યું કે પાઇલટ રાહ જોઈને નીકળી ગયો. જ્યારે પૂછપરછ કરી તો જાણ થઈ કે પાઇલટ અમને રસ્તા પર શોધવા નીકળ્યો છે. પાઇલટને જાણ કરવામાં આવી કે રાજીવ ગાંધી હેલિપેડ પર આવી ગયા છે તો તે તાત્કાલિક પરત આવ્યો.'
બપોરે 1: રાજીવને કોકપિટમાં જાણ થઈ કે માતા નથી રહ્યાં કલકત્તા પહોંચતાં 45 મિનિટ લાગી. ત્યાં ઈન્ડિયન એરલાઇન્સનું વિશેષ વિમાન રાજીવની રાહ જોઈ રહ્યું હતું. 1 વાગ્યે ઉડાન ભર્યા પછી તાત્કાલિક રાજીવ કોકપિટમાં જતા રહ્યા.
પ્રણવ લખે છે, 'થોડીવાર પછી તેઓ પાછા આવ્યા અને અમને કહ્યું કે તેમની માતા ઈન્દિરા ગાંધી નથી રહ્યાં. સાંભળતાં જ મૌન છવાઈ ગયું. હું રડવા લાગ્યો, પરંતુ રાજીવે પોતાની જાતને સંભાળી. તેઓ શાંત હતા. નહેરુના મૃત્યુ સમયે ઈન્દિરાએ આવું જ સાહસ બતાવ્યું હતું.'
કોંગ્રેસના વરિષ્ઠ નેતા બલરામ જાખડ, ગની ખાન ચૌધરી, શ્યામલાલ યાદવ, ઉમાશંકર દીક્ષિત અને શીલા દીક્ષિત પણ કોલકાતા એરપોર્ટથી દિલ્હી આવ્યાં હતાં. ઈન્દિરાજીના મૃત્યુના સમાચાર પછી જ્યારે બધા શાંત થઈ ગયા ત્યારે તેમણે આગળ શું કરવું જોઈએ એની ચર્ચા શરૂ કરી. થોડા સમય પછી હું પણ એમાં જોડાયો. અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે રાજીવ ગાંધીએ પીએમ બનવું જોઈએ.
સમય બપોરના 2.30: રાજીવે કહ્યું- શું હું પીએમ પદ સંભાળી શકીશ પ્રણવ મુખર્જી લખે છે કે હું રાજીવને પ્લેનના પાછળના ભાગમાં લઈ ગયો. તેમને કહ્યું કે તમારે જ પીએમ બનવું જોઈએ. તેમણે મને પૂછ્યું કે શું તમને લાગે છે કે હું મેનેજ કરી શકીશ? મેં કહ્યું- હા, બધા તમારી મદદ માટે હાજર છે. તમને દરેકનો સંપૂર્ણ સપોર્ટ મળશે.
મેં રાજીવને કહ્યું કે તેઓ પાછા કોકપિટમાં જાય અને દિલ્હીમાં સંદેશ મોકલે કે નવી સરકારના શપથ લેતાં પહેલાં ઈન્દિરાજીના નિધનની સત્તાવાર જાહેરાત ન કરે. નવા વડાપ્રધાન અને ઈન્દિરાજીની હત્યાની જાહેરાત એકસાથે થવી જોઈએ. જોકે ઉપરાષ્ટ્રપતિ આર. વેંકટરમનને પહેલાંથી જ દિલ્હીમાં આ પ્રકારના નિર્દેશ આપી દીધા હતા.
અમારું વિમાન લગભગ 3 વાગ્યે દિલ્હીમાં ઊતર્યું. કેબિનેટ સચિવ કૃષ્ણાસ્વામી રાવ સાહેબ, ગૃહ સચિવ અને અન્ય અધિકારીઓએ અમને રિસીવ કર્યા. ત્યાં સાંસદની સાથે-સાથે રાજીવના પિતરાઈ ભાઈ અને વિશ્વાસપાત્ર અરુણ નહેરુ પણ હાજર હતા. રાજીવ અને તેઓ તાત્કાલિક અખિલ એઇમ્સ દિલ્હી પહોંચ્યા. હુમલા પછી ઈન્દિરાજીને ત્યાં જ લઈ જવામાં આવ્યાં હતાં.
બપોરના 3.25: સોનિયા ઈચ્છતાં ન હતા કે રાજીવ પીએમ બને રાજીવ એઇમ્સ પહોંચ્યા તો સોનિયાએ પતિને ગળે લગાવ્યા. રાશિદ કિડવાઈ પોતાના પુસ્તક 'ભારતના પ્રધાનમંત્રી'માં લખે છે કે સોનિયા પોતાનાં સાસુની હત્યાથી ગભરાઈ ગઈ હતી. તેઓ વારંવાર વિનંતી કરી રહ્યાં હતાં કે રાજીવ પીએમ ન બને.
પૂર્વ રાજ્યપાલ પીસી એલેક્ઝાન્ડરે પોતાના પુસ્તક 'માય ડેઝ વિથ ઈન્દિરા ગાંધી'માં લખ્યું છે કે સોનિયા અચાનક પોતાના પતિને લઈને સ્વાર્થી થઈ ગયાં. પહેલાં તેઓ વિનંતી કરી રહ્યાં હતાં. પછી તેઓ રાજીવ સાથે ઝઘડવા લાગ્યા કે તમે પીએમ નહીં બનો. તમે પીએમ બનશો તો તમને પણ મારી નાખવામાં આવશે. રાજીવે કહ્યું, મારી પાસે વિકલ્પ નથી. હું તો એમ ને એમ પણ મૃત્યુ પામીશ.

સાંજના 4.10: રાજીવને પીએમ બનાવવાનો પ્રસ્તાવ તૈયાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પોતાના પુસ્તકમાં લખે છે કે 'મેં રાષ્ટ્રપતિને મોકલવાના પત્રનો પહેલો ડ્રાફ્ટ તૈયાર કર્યો. પીવી નરસિમ્હા રાવે એમાં સુધારો કર્યો. આરકે ધવને ટાઈપ કર્યું. પત્રમાં રાષ્ટ્રપતિને રાજીવ ગાંધીને સંસદમાં કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે ચૂંટવાના કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવ વિશે જાણ કરી તેમજ રાજીવ ગાંધીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવા આગ્રહ પણ કરવામાં આવ્યો.
પછી અમે અરુણ નહેરુને એરપોર્ટ પહોંચવા કહ્યું. ત્યાં થોડી જ વારમાં રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલ સિંહ ઓમાનથી આવવાના હતા. અમે તેમને વિમાનમાંથી ઊતરતાં પહેલાં રાષ્ટ્રપતિને જાણકારી આપવા કહ્યું. લગભગ સાડાચાર વાગ્યે નરસિમ્હા રાવ, પીસી એલેક્ઝાન્ડર અને હું રાષ્ટ્રપતિ ભવનમાં એક ગાડીથી પહોંચ્યા.
ઈન્દિરાની હત્યા પછી દેશમાં હાઇએલર્ટ હતું. પોલીસકર્મીઓ પણ ગભરાયેલા હતા. જ્યારે અમારી ગાડી રાષ્ટ્રપતિ ભવન પહોંચી તો અમને દરવાજા પર હાજર ગાર્ડોએ અંદર જવા મંજૂરી ન આપી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ સાથે કોઈ મુલાકાત નક્કી નથી. તમને અંદર મોકલવાની અમારી પાસે કોઈ સૂચના નથી.
ત્યાર પછી એલેક્ઝાન્ડર કારમાંથી બહાર નીકળ્યા અને તેમના પર બૂમો પાડી કે શું તમે ગાડીમાં અંદર બેઠેલા ગૃહમંત્રી અને નાણામંત્રીને ઓળખતા નથી? ત્યાર પછી અમને અંદર જવાની મંજૂરી આપવામાં આવી.
દિલ્હી પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહ સીધા એઈમ્સ ગયા. ત્યાંથી રાજીવ અને તેઓ બંને સાથે રાષ્ટ્રપતિ ભવન આવ્યા.
રાષ્ટ્રપતિ ઝૈલ સિંહે અમને જણાવ્યું કે તેમણે રાજીવને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાનો નિર્ણય પહેલેથી જ કરી લીધો હતો.
સાંજે 6.45: રાજીવની આગેવાની હેઠળની નવી સરકારે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ લીધા રાજીવે નક્કી કર્યું કે તેઓ અન્ય ત્રણ પીવી નરસિમ્હા રાવ, પી. શિવશંકર અને મારી સાથે શપથ લેશે. શીખોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને બૂટા સિંહને પણ શપથ લેવડાવવામાં આવ્યા હતા. વડાપ્રધાનને શપથ લેવા માટે બોલાવવામાં આવે એ પહેલાં જ્ઞાની ઝૈલ સિંહે ઈન્દિરા ગાંધીના આકસ્મિક મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો; બે મિનિટ મૌન પાળ્યું.
આ પછી રાષ્ટ્રપતિ ભવન તરફથી એક પ્રેસ રિલીઝ કરવામાં આવી, જેમાં શ્રીમતી ગાંધીના મૃત્યુની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. નજીકમાં ઊભેલા ઉપરાષ્ટ્રપતિ આર. વેંકટરામને એકસાથે દૂરદર્શન પર રાષ્ટ્રને જાહેરાત કરી કે ઈન્દિરા ગાંધીનું અવસાન થયું છે અને રાજીવ ગાંધીના નેતૃત્વમાં નવી સરકાર શપથ લેશે.

રાજીવ ગાંધીએ 5 વર્ષ અને 32 દિવસ સુધી વડાપ્રધાન તરીકે કામ કર્યું. તેઓ દેશના સૌથી યુવા પીએમ હતા. તેમના કાર્યકાળ દરમિયાન શાહબાનો કેસનો ચુકાદો પલટાયો, રામમંદિરના દરવાજા ખોલવામાં આવ્યા, દેશમાં કોમ્પ્યુટર ક્રાંતિ થઈ અને કથિત બોફોર્સ કૌભાંડ થયું. રાજીવ ગાંધીના જીવન સાથે જોડાયેલી કેટલીક વધુ વાતો...
જ્યારે રાજીવે તમામ સુરક્ષા વાહનોની ચાવી ગટરમાં ફેંકી દીધી હતી એકવાર રાજીવ ગાંધીએ તેમના ત્રણ એસ્કોર્ટ વાહનોની ચાવી ગટરમાં ફેંકી દીધી અને ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા. પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ આરડી પ્રધાન તેમના પુસ્તક 'માય ઈયર્સ વિથ રાહુલ એન્ડ સોનિયા'માં લખે છે, 'આ ઘટના 30 જૂન, 1985ના રોજ બની હતી. આ દિવસે એર ચીફ માર્શલ એલએમ કાત્રેનું હાર્ટ-એટેકથી અવસાન થયું હતું. ભારે વરસાદ હોવા છતાં વડાપ્રધાન રાજીવ ગાંધી અને તેમનાં પત્ની સોનિયા ગાંધીએ તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે સ્વર્ગીય વાયુસેના વડાના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.
પરત ફરતી વખતે રાજીવે સુરક્ષા અધિકારીને કહ્યું કે બાકીના લોકોને કહો કે સુરક્ષા કાફલાએ અમારી પાછળ ન આવવું જોઈએ. રાજીવ ગાંધી પોતે કાર ચલાવતા હતા. તેમની સાથે તેમનાં પત્ની સોનિયા ગાંધી પણ હતાં. થોડે દૂર ચાલ્યા પછી રાજીવે જોયું કે આખો કાફલો તેમની પાછળ આવી રહ્યો હતો.
રાજીવે કાર રોકી અને મુશળધાર વરસાદમાં છત્રી વગર બહાર નીકળી ગયા. પાછળ દોડી રહેલી ત્રણ એસ્કોર્ટ કારની ચાવી કાઢીને ગટરમાં ફેંકી દીધી હતી. સિક્યોરિટીની તમામ 6 કાર દિલ્હીના રાજાજી માર્ગ પર રોડની વચ્ચે પાર્ક કરવામાં આવી હતી.
પ્રધાને લખ્યું છે કે જ્યારે સુરક્ષાકર્મીઓનો પીએમની કારમાં લાગેલા વાયરલેસ સાથે સંપર્ક તૂટી ગયો ત્યારે મોટી સમસ્યા સર્જાઈ. 15 મિનિટ સુધી પીએમ સાથે કોઈ વાતચીત થઈ ન હતી. બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. રાજીવ અને સોનિયા સુરક્ષિત રીતે પીએમ હાઉસ પહોંચ્યાં ત્યારે રાહત થઈ. પ્રધાને લખ્યું છે કે રાજીવ ઘણી વખત પોતાના મનમોજી સ્વભાવને કારણે સુરક્ષાકર્મીઓનો પરસેવો પાડી દેતા હતા.

જ્યારે નારાજ રાજીવે રાજસ્થાનના સીએમને હટાવ્યા હતા વરિષ્ઠ પત્રકાર રાશિદ કિડવાઈ જણાવે છે કે 1986માં રાજસ્થાનમાં ભયંકર દુકાળ પડ્યો હતો. આગામી વર્ષે જાન્યુઆરી 19987માં તત્કાલીન વડાપ્રધાન અને કોંગ્રેસ-અધ્યક્ષ રાજીવ ગાંધીએ કેબિનેટની બેઠક માટે સરિસ્કા નેશનલ પાર્કની પસંદગી કરી હતી. દુષ્કાળના કારણે વિપક્ષ આ બેઠકની ટીકા કરી રહ્યો હતો.
રાજીવ ગાંધીએ તમામ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓને સૂચના આપી હતી કે કોઈપણ વ્યક્તિ સરકારી વાહનોનો ઉપયોગ કરશે નહીં. રાજીવ ગાંધી પોતે કાર ચલાવતા સરિસ્કા પહોંચ્યા હતા. જેમ તેઓ સરિસ્કા પહોંચ્યા કે તરત જ એક ટ્રાફિક કોન્સ્ટેબલે તેમને સીધા જવાને બદલે જમણી તરફ વળવાનો સંકેત આપ્યો. રાજીવ વળ્યા અને પાર્કિંગમાં પહોંચ્યા. ત્યાં પાર્ક કરેલાં વાહનો જોઈને તેઓ ચોંકી ગયા.
રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ સરકારી વાહનોમાં ત્યાં આવ્યા હતા અને તેમનાં વાહનો ત્યાં પાર્ક કરવામાં આવ્યાં હતાં. આ જોઈને રાજીવને ગુસ્સો આવ્યો અને રાજસ્થાનના મુખ્યમંત્રી હરિદેવ જોશીને જાહેરમાં ઠપકો આપ્યો. આનાથી જોશી ગુસ્સે થયા. તેઓ લંચ માટે આવ્યા ન હતા. યજમાનની ગેરહાજરી ચર્ચાનો વિષય હતો.
થોડા દિવસો પછી રાજીવે હરિદેવ જોશીને હટાવવાનો આદેશ જારી કર્યો. જોશી કેમ્પના લોકો બૂમો પાડતા રહ્યા કે અમારી પાસે 87 ધારાસભ્યનું સમર્થન છે. આ પછી પણ રાજીવ ગાંધીએ 25થી ઓછા ધારાસભ્યો ધરાવતા શિવચરણ માથુરને સીએમ બનાવ્યા. પાછળથી જોશીને આસામના રાજ્યપાલ બનાવીને તેમના સક્રિય રાજકારણનો અંત લાવ્યો.

રાજીવ એલટીટીઇના આત્મઘાતી હુમલામાં માર્યા ગયા રાજીવ ગાંધીએ તેમના કાર્યકાળ દરમિયાન શ્રીલંકામાં શાંતિ સેના મોકલી હતી, જેના કારણે તમિળ વિદ્રોહી સંગઠન LTTE (લિબરેશન ટાઈગર્સ ઓફ તમિળ ઈલમ) નારાજ હતા. 1991માં જ્યારે રાજીવ ગાંધી લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ચેન્નઈ નજીક શ્રીપેરામ્બુદુર ગયા હતા ત્યારે એલટીટીઈએ રાજીવ પર આત્મઘાતી હુમલો કર્યો હતો.
એલટીટીઈની મહિલા આતંકવાદી ધનુ રાજીવને ફૂલોના હાર પહેરાવવાના બહાને આગળ આવી. તેણે રાજીવનાં ચરણ સ્પર્શ કર્યાં, નીચે ઝૂકીને કમરે બાંધેલા વિસ્ફોટકોમાં વિસ્ફોટ કર્યો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘણા લોકોના ટુકડા થઈ ગયા હતા.
ધુમાડો હટ્યા પછી રાજીવ ગાંધીની શોધ શરૂ થઈ. માંસના ટુકડા વચ્ચે રાજીવ ગાંધીના પગ દેખાયા, જેમાં તેમણે લોટ્ટોના શૂઝ પહેર્યા હતા. તેમનો હાથ પણ દેખાયો હતો, જેમાં ગુચીની ઘડિયાળ હતી. તેમનું માથું ફાટી ગયું હતું.
મૈં ભારત કા પીએમ સિરીઝના અન્ય એપિસોડ અહીં વાંચો..
એપિસોડ-1 80% કોંગ્રેસ કમિટીઓની પસંદ હતા પટેલ, છેલ્લી ક્ષણે ગાંધી મક્કમ બન્યા; કેવી રીતે વડાપ્રધાન બન્યા નહેરુ
એપિસોડ-2 આંખમાં આંસુ સાથે ઇન્દિરા ગાંધીએ શાસ્ત્રીજીને કહ્યું- હવે તમે જ દેશ સંભાળો, શાસ્ત્રીના પીએમ બનવાની કહાની
એપિસોડ-3 ઈન્દિરાના વડાપ્રધાન બનવાના કિસ્સા; 'ગૂંગી ગુડિયા' કેવી રીતે બની ગઈ આયર્ન લેડી
એપિસોડ-4 મોરારજી દેસાઈ લાંબા આયુષ્ય માટે સ્વમૂત્ર પીતા હતા, ભડભડિયા સ્વભાવના કારણે રો એજન્ટોએ જીવ ગુમાવ્યા
એપિસોડ-5 આ વડાપ્રધાન ક્યારેય સંસદ નથી ગયા, ઈન્દિરાની ધરપકડ કરાવી, ચૌધરી ચરણ સિંહ કેમ બન્યા 5 મહિના માટે પીએમ
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















