Mon, Nov 16, 2026Updated 02:18 PM IST
Google Preferred Source CTA

IPS ડાયરીઝ-6
મામા-ફોઇના પોરિયાએ મળી ₹88 લાખ ગપચાવ્યા:‘ધૂમ’ જેવા કીમિયાથી ચહેરો બદલાવ્યો; IPS રૂપલ સોલંકીના કરિયરના હચમચાવી દેતા કિસ્સા

અમદાવાદ11 મહિનો પેહલાલેખક: ધ્રુવ સંચાણિયા
  • કૉપી લિંક

‘પાંચેક વર્ષની નાનકડી દીકરી ફ્લેટ નીચે એકલી ઊભી ઊભી નોકરીએ ગયેલાં મમ્મી-પપ્પાની રાહ જોતી હતી. મમ્મી-પપ્પા આવે એ પહેલાં એક રાક્ષસની નજર તેન પર પડી ગઈ. દીકરીને એકલી જોઈ તેને તેડી અને ભાગ્યો. દીકરીએ બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું, પણ જેવી પહેલી બૂમ પડી ત્યા

.

આ શબ્દો છે IPS રૂપલ સોલંકીના. અમદાવાદ શહેરના DCP ઝોન-3. મેડમ સરનું ટ્રાન્સફર હજુ થોડા મહિનાઓ પહેલાં જ અમદાવાદમાં DCP તરીકે થયું છે. આ સિરીઝના આગળના એપિસોડમાં વાત કરી એમ ગુજરાત IPS કેડરમાં મહિલાઓ ભલે ઓછી છે, પણ એક એક મહિલા IPS ‘એકે હજારા’ છે. વેલ, ‘ડિસ્કવરી ચેનલ’માં બેર ગ્રિલ્સ જેમ માંડ માંડ જીવ બચાવતો બચાવતો સ્થળો પસાર કરે એમ અમદાવાદની ધોમધખતી બપોરના તડકામાં દિલ્હી દરવાજાથી દરિયાપુર થઈ અમે કાલુપુર રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે આવેલી DCP ઓફિસ પહોંચ્યા. ટ્રાફિકને વીંધી મેડમની ઓફિસમાં પહોંચતાં જોયું તો, નક્કી કરેલા ટાઈમ કરતાં અમે ઓલરેડી અડધો કલાક લેટ હતા. અમને એમ કે અંદર જઈ ઠપકો પડશે, પણ મેડમ? ફુલ ઓફ કાઈન્ડનેસ. રોજે અહીં આવવામાં આટલા ટ્રાફિકને સહન કરીને ટેવાઇ ગયેલાં મેડમે હસીને અમારા મોડા પડવા વિશે બોલવાનું ટાળ્યું અને પાણી ઑફર કર્યું. અમે વાતની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘IPS ડાયરીઝ’ના આજના એપિસોડમાં IPS રૂપલ સોલંકી વાત કરશે એ સમયની… જ્યારે 6 વર્ષની બાળકીને કિડનેપ કરી, બળાત્કાર બાદ આરોપી ‘Mr. ઈન્ડિયા’ થઈ ગયો...

બેંકની નોકરીમાં કંટાળ્યાં અને પોલીસ સર્વિસ જોઇન કરી

મૂળ સુરેન્દ્રનગરના ચુડામાં જન્મેલાં રૂપલ સોલંકીનાં મમ્મી-પપ્પા બંને સરકારી બાબુ. પપ્પા SBIમાં અને મમ્મી ટીચર. એજ્યુકેટેડ ફેમિલીમાં જન્મેલાં રૂપલ મે’મ પાંચ ભાઈ-બહેન વચ્ચે ચુડામાં જ મોટાં થયાં અને ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો. એ પછી સરકારી નોકરીનું જુનૂન ચડતાં અમદાવાદ આવી IBPS (બેંક એક્ઝામ)ની તૈયારી ચાલુ કરી. થોડા સમયમાં તો SBIમાં નોકરી પણ મેળવી લીધી, પરંતુ ત્યાં વર્ષ કામ કરીને કંટાળી ગયેલાં મે’મને પોલીસ ફોર્સમાં જોડાવાનું મન થયું. તેમણે GPSCની તૈયારી શરૂ કરી. તેજ મગજ એટલે નોકરીની સાથોસાથ આ અઘરી પરીક્ષાની તૈયારી કરીને પણ બે જ વર્ષમાં એક્ઝામ પાસ કરી લીધી અને 2011માં DySP તરીકે સર્વિસ શરૂ કરી. પાટણમાં બે વર્ષ પ્રોબેશન પિરિયડ પૂરો કરી ACB (એન્ટી કરપ્શન બ્યૂરો)માં પાંચ વર્ષ સુધી કામ કર્યું અને ત્યાંથી બારડોલી SDPO (સબ ડિવિઝનલ પોલીસ ઑફિસર) તરીકે પોસ્ટ મળી. સફળ પોલીસ કરિયરના કારણે IPS તરીકે પ્રમોશન મળ્યું અને 2022માં સુરત ક્રાઇમ બ્રાન્ચને પહેલાં મહિલા DCP મળ્યાં. પોણાબે વર્ષ બાદ ત્યાંથી ટ્રાન્સફર મળતાં ગાંધીનગર DGPના સ્ટાફ ઓફિસર તરીકે દોઢ વર્ષ કામ કર્યું. એન્ડ ફાઇનલી, ઓગસ્ટ 2025થી અમદાવાદના DCP ઝોન-3 તરીકે ફરજ બજાવી રહ્યાં છે. બાય ધ વે, IPS રૂપલ સોલંકીનાં મમ્મી-પપ્પા પણ સરકારી નોકરીમાં હતાં, ભાઈઓ-બહેનો પણ સરકારી નોકરીમાં છે. રૂપલ મે’મના હસબન્ડ પણ સરકારી નોકરીમાં છે અને સાસુ-સસરા પણ સરકારી નોકરીમાં હતાં!

***

રૂપલ મેડમ સર, તમારા કરિયરનો મોસ્ટ ચેલેન્જિંગ અને થ્રિલિંગ કેસ કયો હતો?

IPS વિધિ ચૌધરીએ પોતાના વૈવિધ્યપૂર્ણ કરિયરના ફ્લેશબેકમાં જઇને એક કેસની યાદ તાજી કરી...

5 જાન્યુઆરી, 2024 સાંજના 5 વાગ્યે લાલગેટ પોલીસ સ્ટેશન, સુરત

સુરત અને અમદાવાદના ક્રાઇમની પેટર્ન થોડી અલગ છે. સુરતમાં જે ક્રાઇમ બને છે, એમાં ગુજરાતની સાથે બહારના રાજ્યની ગુનાખોરીની પણ છાંટ હોય છે. બે વર્ષ પહેલાંની વાત છે. થોડા સમયથી સુરત ગુનાખોરીથી મુક્ત હતું. માહોલ શાંત હતો અને બધા સાંજની ચા પી પેન્ડિંગ કેસ પૂરા કરવાનાં કામે લાગેલા હતા. ત્યાં નવાઝ ફત્તા નામનો 23 વર્ષનો જુવાન હાંફળોફાંફળો થઈ દોડતો દોડતો પોલીસ સ્ટેશનમાં આવ્યો ને ફરિયાદ નોંધાવી કે, કોઈ લૂંટારૂ મારા ₹88 લાખ લૂંટી ગયો. વાત સાંભળી ગુનો થોડો મોટો લગતાં વાત મારા સુધી પહોંચી. મેં નવાઝને બોલાવ્યો ને પૂરી ઘટના સાંભળી,

***

‘મેડમ, હું નવાઝ ફત્તા, ઉનમાં રહું છું. આજે બપોરે બારેક વાગ્યે મારું બર્ગમેન ટૂ-વ્હીલર લઈ મારા સાહેબ મન્સૂરભાઈને મળવા રાંદેર હેરિટેજ ગયો હતો. ત્યાંથી થોડી વારમાં નીકળ્યો, ત્યાં સાહેબના ભાણિયા દાનિશનો મારા પર ફોન આવ્યો કે, હમણાં આંગડિયામાંથી 88,26,700 રૂપિયા આવવાના છે, તો તું લઈ આવજે. નમાઝનો ટાઈમ હતો, એટલે પૈસા આવે ત્યાં સુધી રાહ જોવા કરતાં હું મસ્જિદમાં નમાઝ પઢવા ગયો. ત્યાં મને આંગડિયા પેઢીમાંથી ફોન આવ્યો કે, તમારા પૈસા આવી ગયા છે, લઈ જજો.

‘મારી પીઠમાં બંદૂક ખૂંચવીને કહે, ચૂપચાપ વરાછા જવા દે’ ‘પૈસા આવી ગયા હતા, એટલે હું પૈસા લેવા નીકળ્યો. આંગડિયા પેઢીમાંથી પૈસા લીધા અને ₹88 લાખ ભરેલો થેલો મારા બર્ગમેનમાં આગળ મૂક્યો. પણ હજુ સ્કૂટર ચાલુ કરું એ પહેલાં તો પાછળથી 35-40 વર્ષનો લાલ જર્સી પહેરેલો એક માથે ટાલવાળો અજાણ્યો માણસ આવ્યો ને મારી પાછળ બેસી ગયો. હું પાછળ ફરી કંઈક પૂછું એ પહેલાં તો એ એણે ગન કાઢી મારી પાછળ ખૂંચવી બોલ્યો કે, ચૂપચાપ કશું જ બોલ્યા વિના વરાછા જવા દે. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, એટલે મેં ટુ વ્હીલર ભગાવ્યું ને લસકાણા પાસે પહોંચ્યો એટલે એણે ઊભું રહેવા કહ્યું. ઊભા રહેતાં જ એણે મને નીચે ઉતારી દીધો અને કહ્યું કે, સીધો ચાલવા માંડ ને પાછળ ફરીને જોતો નહીં. એની પાસે ગન હતી એટલે વાત માન્યા સિવાય મારી પાસે કોઈ ઉપાય નહોતો. મારી પાસેથી મોબાઈલ, સ્કૂટર અને ₹88 લાખનો થેલો લઈ એ કામરેજ તરફ ભાગી ગયો. હું ડરી ગયો હતો એટલે સીધો જ મારા શેઠ મન્સૂરભાઈ પાસે ગયો ને અમે અહીં ફરિયાદ કરવા આવ્યા છીએ.’

IPS રૂપલ સોલંકીએ વાત આગળ ધપાવી, ‘બપોરે ધોળા દિવસે જો ₹88 લાખની લૂંટ થઈ જાય તો એ ખરેખર બહુ મોટો ગુનો છે. અમારા માટે પણ મુશ્કેલી કહેવાય. મેં અલગ અલગ ટીમ બનાવી તપાસ ઝડપથી ચાલુ કરાવી. બીજી બાજુ ફરિયાદીની પણ બે વાર પૂછપરછ કરી કે, એ ખોટું તો નથી બોલતો ને? કેમ કે, ઘણા કિસ્સાઓમાં પૈસા પોતે રાખી લેવા પણ ખોવાયાનું કહેતા ગુનેગારો પકડાયા છે. પણ નવાઝે જે જે રસ્તાઓ કહ્યા, એ બધા જ રસ્તે CCTV હતા અને અમે CCTV તપસ્યા તો બધે જ એવો માણસ દેખાયો. મતલબ કે લૂંટ થઈ હતી એ તો પાક્કું હતું.’

પરંતુ ધોળા દિવસે આવું બન્યું કેવી રીતે? કોઈએ જોયું પણ નહિ? નવાઝે કોઈને ઈશારો પણ ન કર્યો? 20-25 કિમી સુધી એના પર કોઈનું ધ્યાન પણ ન પડ્યું? નવાઝની વધુ પૂછપરછ કરી તો કહે, ‘એ જે કહેતો હતો એના પરથી હિન્દી અને કાઠિયાવાડી બોલતો હતો.’

સવાલ ફરી એ જ હતો કે, આરોપી નવાઝને કામરેજ ચાર રસ્તા બાજુ જ કેમ લઈ ગયો? લોકેશનથી આટલો દૂર ગયો છે કે મતલબ એ બાજુથી જ એ આવ્યો હોય. કામરેજથી સવારનાં CCTV તપાસવાનાં ચાલુ કર્યાં તો ધ્યાન પડ્યું કે, પાછળ જે વ્યક્તિ બેઠો હતો, એનાં જેવાં જ કપડાંમાં એક વ્યક્તિ આવ્યો હતો. પણ આરોપી જેવો કોઈ રીતે નહોતો લાગતો. કેમ કે સવારે કામરેજથી જે આવ્યો એ એકદમ પાતળો અને માથે ભરચક વાળ અને સાથે એક યુવતી પણ હતી, પણ CCTV ફૂટેજમાં દેખાતો આરોપી તો ઘણો જાડો હતો અને માથે એક પણ વાળ નહોતો.

ઘટના સામે હતી, પણ કશું ક્લિયર નહોતું થતું. લાંબા ટાઈમ સુધી બધાએ અલગ અલગ CCTV ચેક કર્યા, પણ કોઈ કડી નહોતી બેસતી. એમાં થોડી વાર પછી મારું ધ્યાન પડ્યું કે, સેમ કપડાંમાં આરોપી યુવતી સાથે જ્યારે ગાર્ડનમાં ઘૂસ્યો ત્યારે યુવતીના હાથમાં બેગ હતી, પણ બહાર આવતી વખતે યુવતી પાસે બેગ નહોતી. બીજી બાજુ, થોડી વાર બાદ આરોપી બહાર નીકળ્યો. મને શંકા ગઈ કે, બની શકે આરોપીએ કદાચ માથું ઢંકાઈ જાય એવું માસ્ક પહેર્યું હોય.

આરોપી દર 500 મીટરે રિક્ષા બદલીને આગળ વધી રહ્યો હતો

બસ પછી આ થિયરી પર આગળ વધીને અમે રિવર્સ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું ને એ વ્યક્તિ ક્યાંથી આવ્યો છે એ તપાસ શરૂ કરી. CCTV તપસ્યા તો ધ્યાને આવ્યું કે, આરોપી ગાર્ડનથી કપડાં બદલી લૂંટ કરી એ જગ્યા સુધી પહોંચતી વખતે, દર 500 મીટરે રિક્ષાઓ બદલતો હતો. દર થોડી મિનિટે રિક્ષામાંથી ઊતરે અને નવી રિક્ષા લે. જેથી કોઈ CCTV તપાસે તો એના સુધી પહોંચી ન શકે, પણ અમારા ટેક્નિકલ માણસોએ છેક સુધીનો એનો પીછો કર્યો અને છેલ્લે સુધી પહોંચ્યા. છેલ્લે માહિતી સાચી નીકળી, એ ભાઈ કામરેજથી જ આવ્યો હતો અને એક બસમાંથી ઊતર્યો હતો. પરંતુ એ બસનું નામ-પત્તો કોઈ રીતે મળે નહીં.

ગાર્ડનમાં ગયો અને પાંચ મિનિટમાં આખો લુક ચેન્જ કરી નાખ્યો!

એ દિવસે અમે થોડા કલાકોમાં જ નહીં નહીં તો પણ લગભગ 200-250 જેટલી બસોની પૂછપરછ કરી. એમ કરતાં કરતાં અમે ચોટીલા સુધી પહોંચ્યા અને ત્યાં એક કેમેરામાં એનું લોકેશન ટ્રેક થયું. ચોટીલાથી સુરત સુધી આવવામાં સીધા બસમાં ચડી ટિકિટ લીધી હતી, પણ ચોટીલાથી તપાસ કરી તો ખબર પડી કે ત્યાં પણ એ આગળ કોઈ બસમાંથી જ આવ્યો હતો. ચોટીલા તેઓ જે બસમાંથી ઊતર્યાં હતાં એની પૂછપરછ કરી તો એમાં ટિકિટ બુક કરેલી હતી. એટલે ફાઇનલી એમનું એડ્રેસ, નંબર બધું જ મળી ગયું. અમારી ટીમ જુનાગઢ મોકલી ને આરોપી સુધી પહોંચી એ બંનેની ધરપકડ કરી. પૈસા પણ ત્યાંથી જ મળ્યા. એના ઘરમાં જ દીવાલમાં મોટું બાકોરું પાડી એમાં પૈસા છુપાવી રાખ્યા હતા. બીજું, જે આરોપીના માથાના વાળ અને શરીરનું રહસ્ય પણ ખૂલ્યું. અમારી ધારણા મુજબ જ, આરોપીએ ગાર્ડનમાં જઈ કપડાંનાં એકથી વધુ લેયર કરી લીધાં હતાં જેથી એ જાડો થઈ જાય અને સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એક ટાઈટ ફેસ માસ્ક મંગાવી લીધું હતું, જેથી ચહેરાનો દેખાવ અને વાળ બદલી જાય.

પોલીસની 13 ટીમ, 250 બસ અને 2 હજારથી વધુ CCTV ફૂટેજ

આરોપી પકડાયો એની સાથે આખી નવી જ સ્ટોરી ખૂલી. ધોળા દિવસે થયેલી આવડી મોટી લૂંટ ખરેખર લૂંટ હતી જ નહિ. આરોપી પકડાયો એ ફરિયાદી નવાઝનાં માસીનો દીકરો હતો. બંનેએ મળી આખું કાવતરું ઘડ્યું હતું. યોજના મુજબ, નવાઝને ખબર પડી ગઈ હતી કે, એણે 88 લાખ રૂપિયા લેવા માટે જવાનું હતું, એ વાત એણે માસીના છોકરાને કરી. બંનેએ મળી પ્લાન બનાવ્યો અને એની કંપનીના આંગડિયાના પૈસા લૂંટી લીધા. બે દિવસે આ કેસ સોલ્વ થયો, પણ એ બે દિવસમાં અમારી 13 ટીમોએ મળી નહિ નહિ તો પણ બે હજાર જેટલા CCTV ચેક કર્યા. આખા હાઇવે પર કેટલીય ટ્રાવેલ્સ અને ટ્રક ડ્રાઈવરને મળી આરોપીઓ સુધી પહોંચ્યા. આરોપીએ મૂળ તો ક્રેડિટ કાર્ડનું દેવું ભરવા આ આખી લૂંટ કરી હતી.

***

IPS મેડમે થોડાં વર્ષો પહેલાંનો બારડોલીનો બીજો એક કિસ્સો ઉખેળ્યો...

19 માર્ચ 2019 સવારના 8 વાગ્યે સ્મિમેર હોસ્પિટલ, સુરત ‘મેડમ, આ જુઓ, મારી દીકરીનું શું હાલત કરી છે?’ એટલું બોલી બેડ પર એડમિટ 5-6 વર્ષની દીકરીના પિતા પોક મૂકી રડવા લાગ્યા. આજુબાજુમાં હાજર બધા જ સંબંધીઓનાં મોઢાં પણ દુ:ખથી ઘેરાયેલાં હતાં. પણ કોઈ કશું બોલવા કરતાં વધારે રડે જ રાખે. દીકરી બીમાર હતી, બેડ પર સૂતી હતી અને પોલીસને ફોન કરી બોલાવ્યા? ઘટના શું બની? સાંત્વના આપી માંડ છાના રાખ્યા ને અને પિતાએ રોષ સાથે આખી વાત કરી. દીકરી સાથે જે થયું હતું, એ સાંભળી મારી પણ આંખો ભીની થઈ ગઈ.

*** 18 માર્ચ, 2019 રાતના 10 વાગ્યા આસપાસ હરિપુરા, સુરત છેલ્લાં થોડાં વર્ષોથી સુરતમાં રહેવા આવેલું મૂળ યુપીનું ફેમિલી. સુરતની ભાગદોડમાં એકલા પેટિયું રળવું અઘરું એટલે પતિ-પત્ની બંને નોકરી કરતાં. ઘરે છોકરાં નાનાં એટલે એમની સાચવણી કરવા સંજયભાઇ ફોઈ સાથે રહેતા. એવામાં એક દિવસની વાત. સાંજે થાક્યા પાક્યા ઘરે આવી સંજયભાઇએ જોયું તો ફોઈ એકલાં. એટલે પૂછ્યું કે, ‘મા-દીકરી ક્યાં ગયાં?’ ‘અરે, દીકરી ઘરે નહોતી એટલે વહુ એને શોધવા ગઈ છે.’ સંજયભાઇ અંદરના રૂમમાં ગયા તો જોયું કે દીકરી તો ત્યાં જ સંકોચાઈને એક ખૂણામાં બેઠી હતી. ફરી ફોઈને બોલાવ્યાં કે, ‘દીકરી તો અહીં જ બેઠી છે. તમે કહો છો કે, બહાર ગઈ છે!’ ‘લે, આવી ગઈ? અરે, એ ઘરે નહોતી એટલે જ તો વહુ એને શોધવા બહાર ગઈ, ત્યાં પાછળથી દીકરી આવી ગઈ લાગે છે.’

સંજયભાઇ તો પોતાની ધૂનમાં મસ્ત હતા. એટલે હસતાં હસતાં એમણે દીકરી પાસે જઈ એને તેડી. પણ તેડી ત્યાં તો દીકરીનું શરીર એકદમ ધખધખતું હતું અને કપડાં પણ ફાટેલાં હતાં. સંજયભાઇના મોંમાંથી ચીસ નીકળી ગઈ કે શું થયું? એક બાજુથી ફોઈ દોડતાં દોડતાં આવ્યાં, બીજી બાજુ બહારથી પત્ની પણ આવી ગઈ. દીકરીની હાલત જોઈને માતા-ફોઈના પણ હોંશ ઊડી ગયા અને ત્રણેયની આંખોમાં ચોધાર આંસુ નીકળી પડ્યા. સંજયભાઇ એક જ વાતે રડે રાખે કે, મારી દીકરીને શું થઈ ગયું. માએ દીકરીને પિતા પાસેથી લઈ લીધી ને કહ્યું કે, તમે બહાર જાઓ તો, થોડી વાર અમને વાત કરવા દ્યો. માએ અને ફોઈએ દીકરી સાથે વાત કરી. દીકરી થોડી વાર તો કશું ન બોલી. ખાસ્સી વાર પછી દીકરી કહે, મારે બાથરૂમ જવું છે. મમ્મી બાથરૂમમાં લઈને ગઈ અને ત્યાં જઈને જોયું તો માના હોશ ઊડી ગયા. દીકરીના પ્રાઇવેટ પાર્ટ્સ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા અને કપડાં પણ લોહીલુહાણ હતાં. દીકરીએ પછી આખો પિટારો ખોલ્યો. સંજયભાઇએ તાત્કાલિક 108 બોલાવી ને દીકરીને હોસ્પિટલ લઈ ગયા. એમની દીકરીએ જે વાત વર્ણવી એ સાંભળી અમારા પગ નીચેથી પણ જમીન સરકી ગઈ.

18 માર્ચ 2019 હરિપુરા, સુરત રાતના 8 વાગ્યા આસપાસ (બે કલાક પહેલાં)

નાનકડી માસૂમ દીકરી મમ્મી-પપ્પાના ઘરેથી આવવાની રાહ જોઈ ફ્લેટ નીચે ઊભી હતી, પણ એનાં મમ્મી-પપ્પા આવે એ પહેલાં ત્યાં આવી ગયો એક શૈતાન. દીકરીને ફ્લેટ નીચે એકલી ઊભેલી જોઈ એને ફોસલાવી તેડી અને સાથે લઈ ગયો. ઘરથી દોઢ કિમી દૂર એક ઝાડી-ઝાંખરાવાળા ખાલી પ્લોટમાં લઈ જઈ દીકરીને ઊંચકી નીચે ફેંકી. દીકરીએ ચીસાચીસ ચાલુ કરી, પણ કમનસીબે ત્યાં કોઈ એની ચીસ સાંભળવાવાળું નહોતું. દીકરીએ જેવી બૂમો પાડી એટલે રાક્ષસે એનું મોઢું દબાવી દીધું અને જોરથી એ માસૂમ ફૂલ જેવા ગાલ પર લાફા ઝીંકી દીધા. દીકરી હેબતાઈ ગઈ એટલે બૂમો પાડવાનું બંધ કર્યું. એના પગ ખેંચી ઝાડીઓમાં અંદર ખેંચી ગયો. દીકરીનાં કપડાં ફાડીને…

(એ પછી એ માસૂમ દીકરીની સાથે જે થયું એ આગળનું વર્ણન લખી શકાય એવું નથી)

આરોપીએ થોડી વારમાં પોતાનાં કપડાં પહેરી નીકળવાની તૈયારી કરી. દીકરીએ કહ્યું કે, મને ઘરે મૂકી જાઓ, તો એ નફ્ફટ કહે, મારે નોકરીએ જવાનું છે, મારે મોડું થાય છે. એમ કહી દીકરીને એ જ હાલતમાં ત્યાં છોડીને ભાગી ગયો. દીકરી રસ્તા પર ગઈ અને ત્યાંથી નીકળતાં કોઈને કહ્યું કે, મને મારા ફ્લેટ સુધી મૂકી જાઓ ને. કોઈ ભલો માણસ દીકરીને ઘરે મૂકી ગયો.

***

એક CCTVમાં આરોપી દેખાયો તો ખરો, પણ...

ગુનો અત્યંત ગંભીર હતો, ત્યાં હાજર તમામ વ્યક્તિઓનું લોહી ઊકળી ગયું હતું. દીકરીને આરોપી વિશે પૂછપરછ કરી, પણ દીકરી એ આરોપીને ઓળખતી જ નહોતી. પણ હા, એની પાસેથી થોડી માહિતી મળી. આરોપી યંગ હતો, બાઇક પર આવ્યો હતો અને રાત્રે કહ્યું હતું કે, મારે જોબ પર જવું છે. મતલબ કે એ ક્યાંક નાઈટ શિફ્ટમાં નોકરી કરતો હતો અને ક્યાંક નજીકમાં જ નોકરી કરતો હતો. પ્લસ, દીકરીએ આરોપીએ પહેરેલા કાર્ટૂનવાળા બ્લૂ ટી-શર્ટનું પણ વર્ણન કર્યું હતું. અમે અમારા સારા સાયકોલોજિસ્ટને બોલાવી પેરેન્ટ્સની હાજરીમાં દીકરી સાથે પ્રેમથી વાત કરી ને ધીમે ધીમે વિગતો કઢાવીને આરોપીનો સ્કેચ બનાવડાવ્યો.

અમે પોલીસની અલગ અલગ ટીમો બનવીને તપાસ ચાલુ કરાવી. સુરતના એ વિસ્તારમાં રસ્તે જ્યાં જ્યાં નજીકમાં CCTV હતા એ દરેક જગ્યાએ આરોપીને શોધવા પ્રયત્નો ચાલુ કર્યા. એક ફૂટેજમાં આરોપી દેખાયો, જેમાં એ દીકરીને લઈને જતો દેખાતો હતો. પણ એ ફૂટેજમાં પાછળનો ભાગ જ દેખાતો હતો અને રિટર્ન ફૂટેજમાં ફક્ત દીકરી એકલી જ આવતી હતી. મતલબ રિટર્નમાં એ સાથે નહોતો.

બીજી બાજુ એ જ દિવસે રાત્રે આજુબાજુના વિસ્તારમાં જેટલી પણ ઇન્ડસ્ટ્રીમાં નાઈટ શિફ્ટમાં કામ ચાલુ હોય છે એ દરેક જગ્યાએ પણ તપાસ ચાલુ કરી. કોણ કોણ રાત્રે નોકરી પર આવે છે? એ દિવસે કોણ કોણ આવ્યું હતું? એ દરેકનું નામ, ફોટો બધું જ તપાસવાનું શરૂ કર્યું અને છોકરાના સ્કેચ પરથી ઇન્ડસ્ટ્રી માલિકો અને એ દોઢ કિમીના વિસ્તારમાં પણ પૂછપરછ શરૂ કરી.

‘સાહેબ, આ નખ વાગ્યાનાં નિશાન તો અમે મસ્તી કરતાં હતાં એનાં છે’

એ ફૂટેજ અને સ્કેચ પરથી એક મહિલાએ અમને કહ્યું કે, મેં આને જોયો છે. આ અહીં એક ફ્લેટમાં ભાડે રહે છે, તમે ચેક કરાવો. અમે ચેક કરાવ્યું તો ત્યાં એ છોકરો તો ન મળ્યો પણ ભોગ બનેલી દીકરીએ જે ટીશર્ટનું વર્ણન કર્યું હતું એ ત્યાં મળી ગયું. ત્યાં હાજર છોકરાઓમાં એક છોકરાએ એ સેમ ટીશર્ટ પહેરેલી. ઉપરથી એના ગળા પર નખ વાગેલાનાં નિશાન હતાં. એટલે અમને શક ગયો ને અમે એની ઓળખ કરાવવા લઈ આવ્યા. પણ સ્ટેશને આવી એ છોકરો તો કહે કે, મેં આ ટીશર્ટ બે-ત્રણ દિવસથી પહેર્યું જ નથી, એ તો મારો ભાઈ પહેરી જતો હતો અને આ નિશાન તો અમે રૂમમાં મસ્તી કરતા હતા એનાં છે. એની પાસેથી જ આરોપીની નોકરીની જગ્યા પૂછી અને એ ઇન્ડસ્ટ્રીમાં પહોંચ્યા તો એ ત્યાં જ હતો. ત્યાં ને ત્યાં એની ધરપકડ કરી અને FSL પાસે મેડિકલ રિપોર્ટ કરાવ્યો તો આરોપી એ જ સાબિત થયો અને સામે દીકરીએ પણ સ્વીકાર્યું કે, આ જ મને લઈ ગયો હતો.

એકાદ મહિનામાં જ અમે આ કેસની ચાર્જશીટ તૈયાર કરી દીધી અને બધા પુરાવાઓ સાથે સુરતની સેશન્સ કોર્ટમાં રજૂ કર્યું. ફાસ્ટ ટ્રાયલ ચાલી અને સુરત કોર્ટે એને 20 વર્ષની આકરી સજા ફટકારી. આ કેસમાં કોર્ટમાં જુબાની મેં જ આપી હતી, અને જ્યારે હું જુબાની આપતી હતી ત્યારે મારે પણ પાંચ મહિનાની પ્રેગ્નેન્સી હતી. આ કેસમાં સ્ટ્રોંગ ઇન્વેસ્ટિગેશન જ સૌથી મહત્ત્વનું હતું. જો થોડું પણ મોડું થયું હોત તો આરોપી ભાગી શકતો હતો અને સામે એ હતો પણ સાવ અજાણ્યો. ક્યાંય કોઈ પાસે એનું નામ સુદ્ધાં કશું જ નહોતું. છતાં ઝીરોથી શરૂ કરી અમે એ રાક્ષસને પકડ્યો અને દીકરીને ન્યાય અપાવ્યો.

IPS ડાયરીઝ - એપિસોડ 1 : ‘વર્ષો સુધી લાશને ઝાડ પર લટકાવી રાખે’ : ચડોતરું પ્રથાને નામશેષ કરનારા IPS બ્રહ્મભટ્ટ, ‘કબીલાનો બદલો લેવા આખાં ગામ સળગાવી દેતા’

IPS ડાયરીઝ - એપિસોડ 2 : સ્ટેશનના સળિયાથી જ પોલીસનું માથું છૂંદી નાખ્યું : આરોપીએ કોન્સ્ટેબલને પતાવી દીધો, 14 કલાકમાં ગુજરાત ફંફોળી ચાલુ ટ્રેન ઊભી રખાવી

IPS ડાયરીઝ - એપિસોડ 3 : કિડનેપરને પકડવા ગોળીબાર થયો : બે જિલ્લા ફેંદી અઠવાડિયે બાળકને હેમખેમ પાછું લવાયું, પોલીસે ગોળીએ વીંધી કિડનેપરને જીવતો પકડ્યો

IPS ડાયરીઝ - એપિસોડ 4 : ‘બાળકીનો રેપ કરી બે કટકા કરી નાખ્યા’ : હજારોના ટોળાંએ પોલીસને ઘેરી લીધી, IPS મકરંદ ચૌહાણ કહે, ‘મોડો પડ્યો હોત તો પોલીસને જીવતા સળગાવી નાખત’

IPS ડાયરીઝ - એપિસોડ 5 : નિર્ભયાના એક જ મહિનામાં સુરતમાં એવો જ રેપ : IPS વિધિ ચૌધરીએ ત્રણ રાજ્ય ફેંદી 24 કલાકમાં બળાત્કારીને પાંજરામાં પૂર્યો, દ. ગુજરાતની પહેલી ફાંસી

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links