Mon, Nov 16, 2026Updated 02:18 PM IST
Google Preferred Source CTA

IPS ડાયરીઝ-5
નિર્ભયાના એક જ મહિનામાં સુરતમાં એવો જ રેપ:IPS વિધિ ચૌધરીએ ત્રણ રાજ્ય ફેંદી 24 કલાકમાં બળાત્કારીને પાંજરામાં પૂર્યો, દ. ગુજરાતની પહેલી ફાંસી

અમદાવાદ11 મહિનો પેહલાલેખક: ધ્રુવ સંચાણિયા
  • કૉપી લિંક

‘ચારેય મજૂરોએ મળી યુવાનને રગદોળ્યો. મારી મારીને અધમૂઓ કરી નાખ્યો ને અંતે બાજુમાંથી દોરી શોધી અર્ધબેભાન પડેલા એ યુવકના હાથ અને પગને કચકચાવીને બાંધી સાઇડમાં ફેંક્યો. એ રાક્ષસો ત્યાં અટક્યા નહીં. એમની નિયત વધુ બગડી. બાજુમાં ડરી ડરીને બેઠેલી એની મંગેતરને

.

ધોળેદહાડે માનવતાને શર્મસાર કરતી સત્ય ઘટના વર્ણવી રહ્યાં છે IPS વિધિ ચૌધરી. અમદાવાદ શહેરનાં એડિશનલ કમિશનર, જેઓ હાલ સ્પેશિયલ બ્રાન્ચ સંભાળી રહ્યા છે. આજે મહિલાઓ દરેક ફિલ્ડમાં ઘણી આગળ વધી ચૂકી છે, પણ જો ગુજરાતના IPS બેડાની વાત કરવામાં આવે તો પુરુષોની સામે મહિલાઓનો રેશિયો સાવ નજીવો છે. પરંતુ એ થોડી મહિલાઓ પણ ‘મ્હારી છોરિયાં છોરોં સે કમ હૈ કે?’ એ વાતને સુપેરે સાચી પાડે છે. પોતાની ફરજ બજાવવા ઉપરાંત તેઓ સમાજને સુધારવા માટેની એકપણ તક નથી છોડતા. એવાં જ એક જાંબાઝ મહિલા IPS અધિકારી એટલે વિધિ ચૌધરી. કોઈ ઓફિસર ગુનેગારોને પકડવામાં માહેર હોય છે, તો કોઈ ગુનેગારોને સુધારવામાં, પણ વિધિ ચૌધરી આ બધાની સાથે સમાજ સુધારવામાં અને માણસને ગુનેગાર બનતા રોકવામાં પણ એટલી જ મહારત ધરાવે છે. આજે ‘IPS ડાયરીઝ’માં સમાજસુધારક IPS વિધિ ચૌધરી વાત કરશે એ સમયની… જ્યારે ચાર પરપ્રાંતિઓએ મળી સુરતના બીચ પર યુવતીને પીંખી…

1985માં રાજસ્થાનના નાગોરમાં જન્મેલાં વિધિ ચૌધરી મૂળ સાયન્સનાં સ્ટુડન્ટ, પણ બાદમાં ઇતિહાસ પ્રત્યે ઝુકાવ વધ્યો. ઇતિહાસ વિષય સાથે M.A. થયાં અને પોલીસ મેનેજમેન્ટમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી. બાદમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી અને જોતજોતામાં UPSC ક્લિયર પણ થઈ ગઈ. 2009માં તેમણે ગુજરાત કેડરથી IPS સર્વિસ શરૂ કરી. ગુજરાતમાં સુરત, પોરબંદર, રાજકોટ, અમદાવાદ સહિત ઘણી જગ્યાએ સર્વિસ કરી ડિસેમ્બર 2024થી તેઓ અમદાવાદનાં એડિશનલ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યાં છે.

***

ચૌધરી મેડમ સર, તમારા કરિયરનો મોસ્ટ ચેલેન્જિંગ અને થ્રિલિંગ કેસ કયો હતો?

IPS વિધિ ચૌધરીએ વાતની શરૂઆત કરી...

‘2013ની વાત છે. ત્યારે હું સુરતમાં ACP તરીકે ફરજ બજાવી રહી હતી અને મારા કરિયરની શરૂઆત જ થઈ હતી. એ વખતે આ કેસ બન્યો હતો. દિવાળીનો સમય હતો. શહેરમાં ઉત્સવનો માહોલ હતો. લોકોને અગવડતા ન અનુભવાય એ માટે પોલીસ વ્યવસ્થામાં લાગી હતી. એ સમયે CP સાહેબનો સુરતના બધા જ IPS માટે નિયમ હતો કે, સવારે 9-10 વાગ્યા સુધીમાં બધાએ કૉલ પર સર સાથે એક મિટીંગ કરી લેવાની, જેમાં આગળના રેગ્યુલર વર્કનો રિપોર્ટ અને પોતાની ટીમને લગતા રોજના ક્રાઇમ વિશે ડિસ્કશન કરવાનું. ભાઇબીજના દિવસે વહેલી સવારે ઊઠીને મેં ન્યૂઝ પેપર ખોલ્યું ત્યાં મારા ધ્યાને રેપનો કેસ આવ્યો. સુરતના ડુમસ બીચ પર ફરવા ગયેલા એક કપલ પર ચાર પરપ્રાંતીયોએ ગંદી રીતે ગેંગ રેપ કર્યો હતો. 9 વાગ્યા ને CP સરનો કોલ આવ્યો. ગઈ કાલની વાત કરી. હું હજુ તો એ કેસ વિશે વાત કરું, એ પહેલાં સરે જ સામેથી મને એ કેસ વિશે વાત કરી અને કહ્યું કે આના પર કામ ચાલુ કરો. દરઅસલ ઘટના એવી બની હતી કે…’

12 નવેમ્બર, 2013 ડુમસ બીચ, સુરત સુરતના મુખ્ય પર્યટન સ્થળ પર ફેસ્ટિવલના કારણે આખો દિવસ લોકોનું કિડિયારું ઊભરાયું હતું. સૂર્યાસ્ત થવાનો ટાઈમ નજીક આવતાં પર્યટકોએ રિટર્ન જવાની શરૂઆત કરી દીધી હતી. બીચ સુંદર, પણ આખા બીચ પર એક પણ સ્ટ્રીટ લાઇટ નહોતી. એટલે રાત્રે બીચના એરિયામાં એકદમ કાળોડિબાંગ અંધકાર છવાઈ જાય. એમાંય દિવાળીના પછીનો દિવસ એટલે અમાસના કારણે ઘોર અંધારું થઈ જાય. ઉપરથી આવી જગ્યા એટલે કોલેજીયન્સ અને દારૂડિયાઓનો અડ્ડો ન બને એની સાવચેતીરૂપે પોલીસે પહેલેથી સાંજે 6 વાગ્યા પછી ત્યાં રહેવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

એવામાં ત્યાં એક નવી નવી સગાઈ થયેલું પ્રેમીજોડકું આવ્યું હતું. સગાઈ પછીનો અને લગ્ન પહેલાંનો સમય એટલે પ્રેમનો ઊભરો, પણ રહેવાનું દૂર એટલે બને એટલો ટાઈમ સાથે ગાળવાનો અભરખો હોય તે સમજી શકાય તેવું છે. ડુમ્મસ બીચ પર બંને ફરવા આવ્યાં. આખો દિવસ સાથે ગાળ્યો હતો, પણ નવો નવો પ્રેમ એટલે સાથે વધારે ટાઇમ એકલતામાં પસાર કરવાની લ્હાયમાં રાત્રે અંધારું થઈ ગયા બાદ પણ બંને ત્યાં ને ત્યાં અંધારામાં બેસી રહ્યાં.

એવામાં ત્યાંથી પાવરલૂમ સેક્ટરમાં કામ કરતાં ચાર પરપ્રાંતીય મજૂરો નીકળ્યા. અંધારામાં ચાલી ને જતા હતા ત્યાં એકલામાં બેઠેલા આ કપલ પર એમની નજર પડી. મોડી રાત, ખાલી શહેર ને અંધારપટ એટલે ચારેયની નિયત બગડી. આ કપલની નજીક જઈને ચારેયે ગંદી ગંદી કોમેન્ટ્સ શરૂ કરી. એમાં છોકરાનો ઇગો હર્ટ થયો. પોતાની મંગેતરને બચાવવા એ સામે પડ્યો, પણ સામે તો ચારેય મજબૂત મજૂરો. લેપટોપ અને મોબાઈલ પર આંગળીઓ ફેરવતો જુવાન પાવરલૂમનાં મશીનો હેન્ડલ કરતા હાથો સાથે કેમ બાથ ભીડી શકે? ચારેય મજૂરોએ મળી યુવાનને ખરાબ રીતે માર્યો. મારી મારીને અધમૂઓ કરી મૂક્યો ને અંતે બાજુમાંથી દોરી શોધી અર્ધબેભાન પડેલા યુવકના હાથ અને પગને કચકચાવીને બાંધીને એને સાઇડમાં ફેંક્યો.

એ ચીંથરેહાલ કપલે ઝૂંપડપટ્ટીમાંથી કપડાં માગ્યાં અને ઘરે ફોન જોડ્યો

એ રાક્ષસો ત્યાં અટક્યાં નહીં. એમની નિયત વધુ બગડી. બાજુમાં ડરી ડરીને બેઠેલી મંગેતરને ઝપટે લીધી. ચારેય હેવાનોએ વારાફરતી એ પારેવા જેવી યુવતીને પીંખવાનું શરૂ કર્યું. માર ખાઇને પડેલો મંગેતર ફરી ફરીને એને બચાવવા મથ્યો, પણ ત્રણ-ત્રણ મજૂરો એને મારતા ગયા અને છોકરીનો વારાફરતી રેપ કરતા ગયા. આટલું કર્યા બાદ પણ આ હેવાનોને સંતોષ ન થયો. ચારેયે મળી યુગલનાં શરીરે પહેરેલાં ઘરેણાં સહિત બધાં જ પૈસા લૂંટીને શાંતિથી ત્યાંથી નીકળી ગયા. માહોલ એકદમ શાંત હતો. પ્રતિબંધિત વિસ્તાર હતો એટલે CCTV તો દૂર, કોઈ ચકલુંય ફરકવાવાળું નહીં. એટલે કોઇને આ ભયાનક ઘટનાની ભનક પણ ન આવી અને ચારેય રાક્ષસો ભાગી ગયા.

અંદાજે બેએક કલાક સુધી યુવક-યુવતી એમની સાથે થયેલી દુર્ઘટનાથી સ્તબ્ધ થઈ ગયાં હતાં અને શું કરવું? શું બોલવું એ કોઈ વાતનો વિચાર પણ ન કરી શક્યાં. એમનાં તન-મન પર શું વીતી હશે, એ વિચારીને આજે પણ આપણે થથરી ઊઠીએ. અંતે યુવતીએ ઊઠી એના મંગેતરના હાથ-પગ છોડ્યા અને બંને ઘણું રડ્યાં. ઘરે શું કહેવું? કેવી રીતે વાત કરવી? ઘણા પ્રશ્નો હતા, પણ ઘરે વાત કર્યા વિના છૂટકો નહોતો. પરંતુ બંનેનાં કપડાં એ હદે ફાટી ગયાં હતાં કે પહેર્યાં ન પહેર્યાં જેવી હાલત થઈ ગઈ હતી. એ કપડાં પહેરે ઘરે તો દૂર ત્યાં બીચ પરથી બહાર પણ જઈ શકાય એવી હાલત રહી નહોતી.

માંડ માંડ ઊભાં થઈ બંને ત્યાં નજીકમાં ઝુંપડપટ્ટી પાસે પહોંચ્યાં. એકાદ ઘરમાં જઈ એમની પાસેથી થોડાં કપડાં લીધા અને પાણી પીધું. એમની પાસેથી જ ઘરે ફોન કરી પરિવારને ત્યાં બોલાવ્યો. થોડી વારમાં પરિવાર આવી જતાં, દવાખાને ભાગ્યાં. ડૉક્ટરે ઈલાજ કરી આપ્યો પણ પોલીસને વાત કરવાનું કહ્યું, તો પરિવારે ના પાડી કે અમારે દીકરીનું નામ ખરાબ થાય એવું નથી કરવું. અંતે ત્યાંથી પણ કોઈ ફરિયાદ ન થઈ.

***

ગેંગરેપ, લૂંટ અને માર મારવા છતાં પરિવારે પોલીસ ફરિયાદ ન નોંધાવી

આટલી મોટી ઘટના ઘટી, પણ આ બંને યુવક-યુવતીએ કે એમના પરિવારે કોઈ પોલીસ ફરિયાદ જ ન નોંધાવી. સમાજનો ડર! લોકો શું કહેશે અને બધાં મારી દીકરી સામે કેવી નજરે જોશે? એવું વિચારી પરિવાર પોલીસ પાસે જ ન આવ્યો. પરંતુ એ પીડિતનો પાડોશી એક પત્રકાર હતો. પત્રકારને માહિતી મળી એટલે એણે કોઈનાં નામ લીધા વિના આખી ઘટના બીજા દિવસના ન્યૂઝપેપરમાં છાપી દીધી.

અમારી પાસે ઘટનાની માહિતી પહોંચી. ગંભીર ઘટના હતી એટલે ગુનેગારો સુધી પહોંચવું જરૂરી હતું. અમે એ ન્યૂઝપેપર સાથે વાત કરી અને કોઈપણ રીતે મનાવી એ પરિવારનો સંપર્ક સાધ્યો. જો પોલીસની રીતે પરિવાર પાસે જઈએ તો એ લોકો એક શબ્દ ન બોલે. એટલે સાદા પરિવેશમાં હું અને સાથે બીજી બે-ત્રણ મહિલા ઓફિસરોને લઈ એમના ઘરે સાંત્વના આપવા ગયાં. ઘરે જઈ પરિવાર સાથે વાત કરી, ધીમે ધીમે એકાદ કલાક બેઠાં તો પરિવારે વાત વાતમાં બધી માહિતી આપી દીધી.

ખાતરી થઈ અને ગુનાની જાણકારી મળી એટલે મેં અમારી ઓળખ એમને આપી દીધી અને ફરિયાદ નોંધાવવા મનાવ્યાં. પણ પરિવાર કોઈ કાળે ફરિયાદ કરવા માનવા તૈયાર જ ન થાય. ફરિયાદ ન થાય તો શું થયું આ ગુનેગારોને પકડવા જરૂરી હતા. મારા IPS કરિયરનો સ્વતંત્ર રીતે આ પહેલો કેસ હતો. અંતે મેં CP સર સાથે વાત કરી, સરે મને જ ઇન્વેસ્ટિગેટિવ ઑફિસર બનાવી અને અમે આ કેસમાં સૂઓમોટો દાખલ કરી. સુરતની અને દક્ષિણ ગુજરાતના ઇતિહાસની પહેલી સૂઓમોટો!

અને ઇન્વેસ્ટિગેશન શરૂ થયું!

પરંતુ આરોપીઓને શોધવા કઈ રીતે? કોઈ CCTV નહીં. કોઈ આઈ વિટનેસ નહીં. રાત્રે ઘોર અંધારામાં ગુનો થયો હતો એટલે વિક્ટિમને પણ કોઈ આરોપીનો સરખો ચહેરો યાદ નહોતો. હું ટીમને લઈ લોકેશન પર પહોંચી અને બધું તપાસવાનું શરૂ કર્યું, બીચથી લઈ બહાર સુધી ત્યાં રહેતા હોય કે ત્યાં કામ કરતાં હોય એ દરેકની પૂછપરછ કરવાની શરૂઆત કરી. સાંજ સુધી બધું ફંફોળ્યું અને પૂછપરછ કરી તો એક કડી મળી. એક રિક્ષાવાળો મળ્યો, જેણે કહ્યું કે, કાલે રાત્રે મેં અહીં ડુમસ બીચ પર ચાર મજૂરને છોડ્યા હતા. મને પણ શંકા ગઈ કે ડુમસ બીચ તો અત્યારે બંધ હોય છે, તો ત્યાં અત્યારે કેમ? પણ હું એવું તો એમને પૂછી ન શકું, એટલે વાત આગળ ન વધી. રિક્ષાવાળાએ કહ્યું કે એ ચાર લોકોને મેં તમે કહેલા ટાઈમના થોડી વાર પહેલાં જ ડુમસ બીચ પર ઉતાર્યા હતા.

રાતનો ટાઈમ અને ઉપરથી આ રિક્ષાવાળાની તો પાછળ બેઠા હતા, એટલે એણે પણ કોઇનો ચહેરો તો જોયો નહોતો. એટલે વાત ત્યાં પણ અટકી ગઈ. પણ એની પાસેથી આગળનું લોકેશન મળી ગયું કે, એ લોકો ક્યાંથી આવ્યા હતા. મેં એની જુબાની લેવડાવી. ચારેય આરોપી બિહારી હતા અને લિંબાયતથી અહીં ડુમસ આવ્યા હતા. અમે લિંબાયતથી પૂછપરછ શરૂ કરી. ત્યાં પણ એક ક્લૂ મળ્યો કે એ અહીં બાજુના એક ગલ્લા પર પાણી પીવા ઊભા રહ્યા હતા.

અમારી ટીમ ત્યાં પહોંચી અને પૂછપરછ કરી તો એ લોકો ત્યાં પોતાની કંપનીની વાત કરતા હતા. એટલે ખબર પડી કે ચારેયનું કામ પાવરલૂમ ઇન્ડસ્ટ્રીમાં જ હતું. ચારેય બિહારી ત્યાં જ મજૂરી કરતા હતા.

બીજી બાજુ, હવે કદાચ એ આરોપી પકડાય તો પણ એમનો આરોપ સાબિત કઈ રીતે કરવો? એ માટે ફોરેન્સિક ટીમને એ પીડિતાને ઘરે મોકલી એ યુવતીને મનાવી એનાં કપડાં પરથી થોડાં ફિંગરપ્રિન્ટ અથવા શરીર પર લાગેલું લોહી અને બીજા હેલ્થકેરના લગતાં ફોરેન્સિક સેમ્પલ લેવામાં આવ્યાં. જેથી આરોપી પકડાય તો વેરિફાય કરી ગુનો સાબિત થઈ શકે. શરૂઆતમાં યુવતી માનવા તૈયાર નહોતી, પણ પછી એને જાણ થઈ કે એને ન્યાય અપાવવા માટે કેસ ઓલરેડી રજિસ્ટર્ડ થઈ ગયો છે, એટલે એને પણ થોડો કોન્ફિડન્સ આવ્યો.

આ બધામાં યુવતી, યુવક, રિક્ષાવાળા અને પાણીની બોટલ લીધી એ ગલ્લાવાળો, એ બધા પાસેથી વાત કઢાવી તો ચારેયના શરીરના બાંધા, રંગ, એમની બોલી ને ચહેરાની થોડી થોડી વિગતો તો મળી ચૂકી હતી, પણ એમના સુધી પહોંચવા એ પૂરતી નહોતી. પોલીસની તપાસ ચાલતી હતી. આ બધા વચ્ચે ઉપરવાળાની દયાથી જે રિક્ષાવાળો એ ચારેયને લઈ ડુમસ સુધી આવ્યો હતો, એ રિક્ષાવાળાને એ જ એરિયામાં ચાર દરિંદામાંનો એક દેખાયો. રિક્ષાવાળો ઓળખી ગયો એમને. તરત જ એણે અમને ફોન કર્યો અને માહિતી આપી. અમારા PI સીધા જ દોડીને મારી પાસે આવ્યા કે મેડમ આ એ લોકો જ લાગે છે. અમે ટીમ લઈ ઝડપથી લોકેશન પર પહોંચ્યા અને સાથે એ પીડિત યુવકને પણ રાખ્યો.

‘મેડમ, આ જ છે એ દરિંદો, પકડી લો એને...’

ત્યાં જઇને જોયું તો યુવક તરત જ એ રાક્ષસને ઓળખી ગયો અને બૂમ પડી બેઠો કે, મેડમ આ જ છે એ. અમારા ઓફિસર્સ ગાડીમાંથી ઊતર્યા અને આરોપીને ઝડપી લીધો. અંદર બેસાડી પૂછપરછ શરૂ કરી પણ ભાઈ એક શબ્દ બોલવા તૈયાર નહોતો. બાદમાં આ છોકરો જેવો સામે આવ્યો એટલે ઢીલો પડ્યો અને બધું કબૂલ્યું. બસ પછી તો વાત પૂરી, એણે જ પોતાની સાથેના ચારેય જણા વિશે માહિતી આપી દીધી. પણ હાલમાં એ બધા બહાર હતા એટલે 1-2 દિવસમાં એના સુધી પહોંચી પોલીસે એમને પણ ઝડપી લીધા. યુવતી અને યુવકે પણ એમની ઓળખ કરી લીધી અને મેડિકલ એવિડન્સ પણ મળી ગયા. આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા અને ઘટનાનાં દોઢ વર્ષ બાદ ચારેયને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી.

આરોપીને સજા થઈ ગઈ, ચારેય જેલમાં ગયા. એકાદ વર્ષમાં સુરતથી મારી બદલી પણ થઈ ગઈ. પણ 2015 બાજુ મને સમાચાર મળ્યા કે, આ કેસનો મુખ્ય આરોપી એક અઠવાડિયાના જામીન લઈને ગયો હતો, પણ ત્યાંથી પછી ભાગી ગયો છે. પરત જેલમાં આવ્યો જ નથી. હવે એ ટાઈમે હું સુરતમાં નહોતી, એટલે સુરતના કેસમાં હું કોઈ દખલઅંદાજી ન કરી શકું. પણ આ વાત મને ઘણી ખૂંચી. મેં આ વાત મારા મનમાં રાખી અને સુરત મારું પોસ્ટિંગ થવાની રાહ જોઈ. જોતજોતાંમાં બે-ત્રણ વર્ષમાં જ 2018માં મારું પોસ્ટિંગ ફરી સુરતમાં થયું, આ વખતે DCP તરીકે. બસ, મારા એક ટાર્ગેટમાં એ કેસ યાદ જ હતો. મેં ફરી મારી રીતે તપાસ ચાલુ કરાવી અને થોડા જ દિવસોમાં એને શોધી લીધો. એ ભાઈ તો ત્યારે એનો આખો વેશ બદલીને IIT, ખડગપુરમાં પટ્ટાવાળાની જોબમાં લાગી ગયો હતો. અમે એને ફરી પકડ્યો અને વધુ સજા સાથે જેલમાં નાખ્યો.

***

આટલું જ નહીં, મહિલાઓનો કેસ આવે ત્યારે કોઈ સામાજિક અત્યાચાર થાય ત્યારે વિધિ ચૌધરી સૌથી આગળ હોય છે. 2018માં જ્યારે તેઓ સુરતમાં DCP તરીકે ફરજ બજાવતાં હતાં ત્યારે ફરી એક એવો જ કિસ્સો બન્યો... જ્યારે સાડા ત્રણ વર્ષની ફૂલ જેવી માસૂમ દીકરીનો કોઇએ રેપ કરી લાશ પોટલામાં બાંધી મૂકી દીધી… વિધિ મેડમે એ થથરાવી મૂકે તેવા કેસની વાત શરૂ કરી

***

સાંજના 7:30 વાગ્યાનો સમય 15 ઓકટોબર, 2018 ગોડાદરા, સુરત બે-ત્રણ મહિના પહેલાં જ મહારાષ્ટ્રથી સુરતમાં રહેવા આવેલો મરાઠી પરિવાર ખુશીથી જીવન વિતાવતો હતો. ચાર-પાંચ વર્ષ પહેલાં લગ્ન થયેલાં પતિ-પત્ની ને સાથે બે દીકરી અને એક દીકરો સુરતની સોમેશ્વર પાર્ક સોસાયટીમાં સુખેથી જીવી રહ્યાં હતાં. એમાં એક દિવસની વાત. રોજની જેમ આજે પણ ઘરના મોભી નારાયણભાઈ ઘરે આવ્યા એટલે ત્રણેય બાળકો એમને વળગી પડ્યાં ને રમતો ચાલુ થઈ. એવામાં પત્નીએ યાદ કરાવ્યું કે, ‘મી કાય મ્હણતે? વો લોન કે પૈસે ભરને કી ડેટ આ રહી હૈ, જરા વક્ત હો તો દે કર આઓ ના.’ નારાયણભાઈને થયું કે, ફ્રી છું તો ચલો આપતો જ આવું.

મોટી 6 વર્ષની દીકરી પપ્પા માટે પાણી લેવા ગઈ, ત્યાં પિતાએ સાડા ત્રણ વર્ષની દીકરીને ખોળામાંથી નીચે ઉતારી અને ઘોડિયામાં સૂતેલા ચાર માસના દીકરાના કપાળે ચુંબન કરી નીકળવાની તૈયારી કરી. ત્યાં મોટી દીકરી પાણી લઈને આવી. પાણી પીધું અને નીકળવાની તૈયારી કરી એટલી વારમાં વચલી ફરી ગળે વળગી પડી કે મારે પણ સાથે આવવું છે. હવે આટલી રાત્રે વરસાદી વાતાવરણમાં ડીંડોલી સુધી એ દીકરીને કેમ લઈ જવી એટલે નારાયણભાઈએ 5 રૂપિયા આપી દીકરીને મનાવી અને ઘરેથી એકલા નીકળ્યા.

અડધો કલાક થયો, પણ દીકરી ઘરે પાછી જ નહોતી આવી

એક કલાક પછી, 8:30 PM વાગ્યે નારાયણભાઈ ઘરે પાછા આવી ગયા. પત્ની રસોઈ તૈયાર કરતી હતી. મોટી દીકરી વાંચવા બેઠી હતી અને નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો, પણ વચલી દીકરી ન દેખાઈ. પત્ની દિપીકાબેનને પૂછ્યું, ‘દીકરી ક્યાં ગઈ?’ ‘તમે પાંચ રૂપિયા આપીને ગયા હતા તો થોડી વાર પહેલાં કંઈક નાસ્તો લેવા ગઈ છે.’ દીકરીની મા બોલી. ‘કેટલા વાગ્યે ગઈ હતી?’ ‘આઠેક વાગ્યે ગઈ હતી’ નારાયણભાઈએ ઘડિયાળમાં જોયું, ‘હેં? 8 વાગ્યે? સાડા આઠ થયા. અડધા કલાકથી હજુ પાછી નથી આવી? દુકાન તો સામે જ છે. હું જોતો આવું.’ બહાર જઈ જોયું તો ત્યાં કોઈ નહીં. આજુબાજુ તપાસ કરી તો ત્યાં પણ કોઈ નહીં. શેરીમાં પૂછ્યું, તો ત્યાં પણ કોઈએ દીકરીને જોઈ નહોતી.

નારાયણભાઈ હવે હાંફળા ફાંફળા થયા. પત્નીને પણ ઘરેથી બોલાવી, દીકરીને શોધવાનું ચાલુ કર્યું. આજુબાજુનો આખો વિસ્તાર ફંફોળી માર્યો. પણ દીકરી ક્યાંય મળે નહીં. એકાદ કલાક સુધી શોધખોળ કરી પણ દીકરી મળી નહિ, એટલે વધુ ચિંતા થઈ. પરિવારનો છેલ્લો આશરો હતો પોલીસ. નારાયણભાઈ પોલીસ સ્ટેશને ભાગ્યા અને ફરિયાદ નોંધાવી.

પોલીસ સ્ટેશને હાજર માણસો થોડી જ વારમાં એમના ઘરે પહોંચ્યા અને તપાસ કરાવી. થોડી વાર સર્ચ ઓપરેશન કર્યું પણ બાળકી ક્યાંય મળી નહીં એટલે અપહરણની શંકા ગઈ. મોડી રાત્રે મને ફોન આવ્યો કે, મેડમ આવી ઘટના બની છે. જેવી જાણ થઈ એટલે હું રાત્રે જ ત્યાં લોકેશન પર જવા નીકળી. રસ્તામાં મારા બેસ્ટ ઓફિસર્સને પણ જાણ કરી બોલાવી લીધા, અને ઘટનાસ્થળે હાજર જવાનો પાસેથી ડિટેલ્સમાં માહિતી મેળવી લીધી.

અભેરાઈ પર પ્લાસ્ટિકનો કોથળો હતો, જેના પર લોહીના તાજા ડાઘ હતા

લોકેશન પર જઈ ત્યાંના તપાસના બધા રિપોર્ટ લીધા અને ચેક કર્યું, પણ છોકરી ભાગી હોય એવું કશું જ મળ્યું નહિ. એટલામાં મારા ધ્યાને આવ્યું કે ત્યાં નારાયણભાઈ જ્યાં પહેલા માળે રહેતા હતા એ ઘરના નીચેના રૂમમાં નીચેના એક દરવાજે તાળું મારેલું છે. નારાયણભાઈને પૂછ્યું તો ખબર પડી કે, અહીં મકાનમાલિકનો ભાણેજ સન્ની રહે છે, પણ એ તો 15 દિવસથી અહીં હાજર નથી એટલે એનો મિત્ર થોડા દિવસથી રહે છે. આજે સવારથી ઘરે જ હતો, પણ અત્યારે બહાર ગયો લાગે છે. ફોન કરી પૂછપરછ કરાવી, પણ કોઈ જવાબ ન મળ્યો. મને વધુ શંકા ગઈ, એટલે મેં તાળું તોડાવ્યું અને અંદર તપાસ કરાવી. નાનકડું ઘર હતું, એટલે તપાસતાં વાર ન લાગી. આખું ઘર ફંફોળી પોલીસ જવાનો મારી પાસે આવ્યા કે, ‘કશું નથી મળ્યું.’ મેં PI સી. આર. જાદવને મોકલ્યા કે, જાઓ તો તમે એકવાર નજર નાખતા આવો. PI જેવા અંદર ગયા, બે જ મિનિટમાં બૂમ પડી, ‘મેડમ, જલદી અંદર આવો!’

જે રીતનો અવાજ હતો, કશુંક અજુગતું થવાની આશ હતી, હું ભાગીને અંદર ગઈ. PIની નજર રૂમના માળિયા (અભરાઈ) પર હતી. માળિયામાં એક પ્લાસ્ટિકનો પીળા કલરનો નાનકડો કોથળો પડ્યો હતો, જેમાં લોહીના ડાઘ દેખાતા હતા, એ પણ તાજા અને ભીના! અમારી સૌથી ભયાનક શંકા સાચી પડી. એ કોથળામાં દીકરીની લાશ હતી. મેં તરત જ ફોરેન્સિક ટીમને બોલાવી અને ત્યાંથી બધું ઇન્વેસ્ટિગેશન અને પુરાવા એકત્ર કરાવડાવ્યા. દીકરી તો મળી ગઈ, પણ કઈ હાલતમાં? લાશ! કિડનેપિંગની શંકા હતી એ મર્ડરમાં ફેરવાઈ. હજુ વાત એટલેથી અટકે એમ નહોતી. ફોરેન્સિક રિપોર્ટ વધુ હેરાન કરવાનો હતો.

બીજા દિવસે જ ફોરેન્સિક રિપોર્ટ આવી ગયો. રિપોર્ટ જોઈને મારા પગ નીચેથી જ જમીન સરકી ગઈ. કેમ કે ફક્ત સાડા ત્રણ વર્ષની બાળકી પર ગંદી રીતે બળાત્કાર કરી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. રિપોર્ટ વાંચતાંવેંત જ મારી આંખો ભીની થઈ ગઈ. નક્કી કર્યું કે કોઈ પણ કાળે આ હેવાન આરોપીને જલદીથી જલદી પકડીશું. ત્યાં સુધીમાં એ આરોપીનો રિપોર્ટ પણ આવી ગયો. નામ હતું અનીલ યાદવ. મૂળ બિહારનો. રાત સુધી ઘરે હાજર જ હતો, પણ દીકરી ખોવાઈ એ પછીથી ત્યાં તાળું મરેલું હતું. જેવી લાશ મળી એટલે ત્યાં સોસાયટીમાં રહેતા લોકોએ નિવેદન પણ આપ્યાં, જેના પરથી અનિલ પર શંકા દૃઢ થઈ.

***

દીકરીને ફોસલાવીને એ હેવાન ઘરની અંદર લઈ ગયો અને...

ઘટના એવી ઘટી હતી કે, ‘દીકરીને પૈસા મળતાં એ નાસ્તો લેવા નીચે જતી હતી, પણ હજુ આગળ વધે એ પહેલાં ત્યાં દરવાજા પાસે ઊભેલા 20 વર્ષીય રાક્ષસ અનિલે એની સાથે વાત ચાલુ કરી. થોડી વાર સુધી ફોસલાવી વાતો કરતો રહ્યો. છોકરી એને ઓળખતી જ હતી, કેમ કે નીચેના ઘરમાં જ રહેતો હતો. વાતવાતમાં દીકરીને ઘરની અંદર બોલાવી અને મોઢું રૂંધી ગંદી રીતે દીકરીનો રેપ કર્યો. એટલેથી ન અટકી અનિલે એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું. બાદમાં લાગ્યું કે, જો આ જીવતી રહેશે તો બહાર જઈ બધાને મારું નામ આપી દેશે. એટલે ગળું દબાવી માસૂમ દીકરીને મારી નાખી. લાશ પ્લાસ્ટિકની કોથળીમાં ભરી ચોકડીની ઉપરના માળિયામાં ચડાવી અને ઘરે તાળું મારી પોતે ભાગી ગયો.

***

એ નરાધમ ઘરમાં અંડરવેર પહેરીને પડ્યો હતો

નારાયણભાઈની બાજુમાં જ રહેતા શ્યામનારાયણ પાંડે અમારી પાસે આવ્યા. એમણે માહિતી આપી કે, ‘નારાયણભાઈ હપ્તો ભરી ઘરે આવ્યા પછી એમની દીકરી નહોતી મળતી, એટલે અમે પણ સાથે શોધવા મંડી પડ્યા હતા. એમાં શોધતો શોધતો હું અનિલના ઘરે પણ ગયો હતો, પણ અનિલ ચડ્ડી પહેરીને સૂતો હતો. હું ખીજાયો પણ ખરો કે, અહીં નારાયણની દીકરી ખોવાઈ ગઈ છે અને તું સૂતો છે? તો એ નફ્ફટે મોઢે કહી દીધું કે, ‘મેરેકો નીંદ આ રહી હૈ, મુજે સોને દો.’ એમ કહી દરવાજો બંધ કરી દીધો. એટલે પછી હું ત્યાંથી નીકળી ગયો.’

સોસાયટીમાં જ રહેતી 19 વર્ષની બીજી એક યુવતીએ પણ પોલીસને વાત કરી, ‘શોધખોળ ચાલુ કરી ત્યારે મેં પણ અનિલનો દરવાજો ખખડાવ્યો હતો. અનિલે અડધો જ દરવાજો ખોલી તોછડાઈથી કહ્યું કે, ‘ક્યા હૈ? મેરેકો નીંદ આ રહી હૈ.’ હું હજુ વધુ પૂછવાની હતી પણ એ નફ્ફટ અનિલ ખાલી અંડરવેર પહેરીને આંટો મારતો હતો. એટલે વધુ કોઈ વાત કરવાને બદલે હું નીકળી ગઈ હતી.

દક્ષિણ ગુજરાતના ઇતિહાસની પહેલી ફાંસી

અનિલ આરોપી હતો એ નક્કી થઈ ચૂક્યું હતું, અમે તપાસ વધુ મજબૂત રીતે શરૂ કરી. એક ટીમને મેં અનિલનો ડેટા કઢાવવા માટે લગાવી અને બીજી ટીમને ટેક્નિકલ મદદ માટે. થોડા જ કલાકોમાં બંને બાજુથી જે રિપોર્ટ આવ્યા એ પરથી કેસ આસાનીથી સોલ્વ થઈ ગયો.

અનિલના સબંધીઓ, એની નોકરીની જગ્યા, બધે જ તાપસ કરી. ખબર પડી કે, અનિલ મૂળ બિહારના બક્સરનો છે અને અહીં કારખાનામાં જોબ કરે છે. કારખાનામાં તપાસ કરી તો અનિલનું કેરેક્ટર સર્ટિફિકેટ મળ્યું. બીજી બાજુ અનિલના ફોટોગ્રાફ્સ તો મળી જ ગયા હતા. એના પરથી સોસાયટીથી આજુબાજુના વિસ્તારના CCTV તપાસવાનું શરૂ કર્યું. CCTV ફૂટેજની ચકાસણી પરથી ખબર પડી કે અનિલ રેલવે સ્ટેશન બાજુ જ ગયો છે. સામે ટેક્નિકલ ટીમને અનિલનો મોબાઈલ નંબર આપ્યો હતો, ત્યાંથી પણ રિપોર્ટ આવ્યો કે, છેલ્લો ફોન એણે બક્સર કર્યો છે અને છેલ્લું લોકેશન રાજસ્થાનના એક ગામડા પાસેની એક નદીનું બતાવે છે.

બધી કડી એકબીજા સાથે જોડાતી હતી. ક્લિયર હતું કે, અનિલ મૂળ બક્સરનો છે, છેલ્લો ફોન પણ ત્યાં કર્યો હતો, અને જ્યાં સિમકાર્ડનું છેલ્લું લોકેશન બતાવે છે, એ રસ્તો સુરતથી બક્સરના રેલવે ટ્રેકનો છે. મતલબ કે, અનિલ ગુનો કરી ત્યાં જવા નીકળી ગયો છે. મેં ક્રાઇમ બ્રાન્ચના બેસ્ટ ઓફિસરોની ટીમ બનાવી અને એમને તાત્કાલિક ધોરણે પ્લેનમાં બિહાર મોકલ્યા. ત્યાંની લોકલ પોલીસ સાથે વાત કરી એમનો સપોર્ટ લીધો અને બક્સર પહોંચી ગયા. અનિલ ઘરે જ હતો, ત્યાંથી જ ધરપકડ કરી અને અનિલને લઈ સુરત આવ્યા.

હું ખુદ મહેનતે લાગી, ટીમ અને PP સાથે મળી થોડા દિવસોમાં જ મોટી અને ઇનડિટેઈલ ચાર્જશીટ બનાવી કોર્ટમાં રજૂ કરી. જોતજોતાંમાં એક-બે મહિનામાં જ કેસનો ચુકાદો આવી ગયો અને અમારી મહેનત લેખે લાગી, અનિલ યાદવને ફાંસીની સજા થઈ. સુરત અને દક્ષિણ ગુજરાતના ઇતિહાસની પહેલી ફાંસી!

IPS ડાયરીઝ - એપિસોડ 1 : ‘વર્ષો સુધી લાશને ઝાડ પર લટકાવી રાખે’ : ચડોતરું પ્રથાને નામશેષ કરનારા IPS બ્રહ્મભટ્ટ, ‘કબીલાનો બદલો લેવા આખાં ગામ સળગાવી દેતા’

IPS ડાયરીઝ - એપિસોડ 2 : સ્ટેશનના સળિયાથી જ પોલીસનું માથું છૂંદી નાખ્યું : આરોપીએ કોન્સ્ટેબલને પતાવી દીધો, 14 કલાકમાં ગુજરાત ફંફોળી ચાલુ ટ્રેન ઊભી રખાવી

IPS ડાયરીઝ - એપિસોડ 3 : કિડનેપરને પકડવા ગોળીબાર થયો : બે જિલ્લા ફેંદી અઠવાડિયે બાળકને હેમખેમ પાછું લવાયું, પોલીસે ગોળીએ વીંધી કિડનેપરને જીવતો પકડ્યો

IPS ડાયરીઝ - એપિસોડ 4 : ‘બાળકીનો રેપ કરી બે કટકા કરી નાખ્યા’ : હજારોના ટોળાંએ પોલીસને ઘેરી લીધી, IPS મકરંદ ચૌહાણ કહે, ‘મોડો પડ્યો હોત તો પોલીસને જીવતા સળગાવી નાખત’

IPS ડાયરીઝ - એપિસોડ 6 : મામા-ફોઇના પોરિયાએ મળી ₹88 લાખ ગપચાવ્યા:‘ધૂમ’ જેવા કીમિયાથી ચહેરો બદલાવ્યો; IPS રૂપલ સોલંકીના કરિયરના હચમચાવી દેતા કિસ્સા

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links