Mon, Nov 16, 2026Updated 02:22 PM IST
Google Preferred Source CTA

ગુડબાય 2025
25 તસવીરમાં 2025નું ભારત:જ્યારે કોહલી મેદાનમાં રડી પડ્યો, વાદળી ડ્રમમાં પતિનો મૃતદેહ, અમદાવાદમાં 32 સેકન્ડમાં પ્લેન ક્રેશ

11 મહિનો પેહલાલેખક: શ્રેયા નાકડે
  • કૉપી લિંક

2025ના વર્ષે દેશને અનેક ઊંડા જખમ આપ્યા. શરૂઆત મહાકુંભની નાસભાગથી થઈ. એપ્રિલમાં પહેલગામ આતંકી હુમલો અને જૂનમાં અમદાવાદ વિમાન દુર્ઘટના થઈ. આ દરમિયાન ખુશીની કેટલીક ક્ષણો પણ આવી. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા અને મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત વન-ડે વર્લ્ડ કપ જીત્યો.

આ વર્ષે ભારતમાં જે પણ થયું... કંઈક સારું, કંઈક ખરાબ, કંઈક જોયેલું, કંઈક અણજોયું, યાદ કરવા માટે આ 25 તસવીર પર નજર કરી લો...

1. મહાકુંભમાં 66 કરોડ લોકોએ ડૂબકી લગાવી

13 જાન્યુઆરી- 26 ફેબ્રુઆરી 2025 પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ વર્ષની શરૂઆત મહાકુંભથી થઈ. 45 દિવસના આયોજનમાં 66 કરોડ લોકોએ ડૂબકી લગાવી હોવાનો દાવો કરવામાં આવ્યો, જોકે મૌની અમાસના સ્નાન પર 28-29 જાન્યુઆરીએ કુંભ વિસ્તારમાં નાસભાગ મચી. વહીવટીતંત્રે 30 લોકોનાં મોતની પુષ્ટિ કરી, પરંતુ સાચો આંકડો આનાથી વધુ હોઈ શકે છે.

2. દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપની વાપસી

8 ફેબ્રુઆરી 2025 નવી દિલ્હી, દિલ્હી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 27 વર્ષ પછી ભાજપની સરકાર બની. ગત ચૂંટણીમાં 70માંથી 62 બેઠકો જીતનારી આમ આદમી પાર્ટી માત્ર 22 બેઠક પર સમેટાઈ ગઈ. ભાજપને 48, જ્યારે કોંગ્રેસને એકપણ બેઠક મળી નહીં. જીત બાદ પીએમ મોદીએ ભાજપ મુખ્યાલયમાં કાર્યકરો સાથે ઉજવણી કરી. પ્રથમ વખત ધારાસભ્ય બનેલાં રેખા ગુપ્તા સીએમ બન્યાં.

3. હિંસા શરૂ થયાનાં 2 વર્ષ પછી મણિપુરના સીએમનું રાજીનામું

9 ફેબ્રુઆરી 2025 ઇમ્ફાલ, મણિપુર મણિપુર હિંસા શરૂ થયાનાં અંદાજે 2 વર્ષ પછી સીએમ એન. બિરેન સિંહે રાજીનામું આપ્યું. ત્યારથી રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાગુ છે. હિંસામાં અત્યારસુધીમાં લગભગ 260 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 70 હજારથી વધુ લોકોને પોતાનું ઘર છોડીને જવું પડ્યું. હવે કેન્દ્ર સરકાર અને કુકી સંગઠનોએ શાંતિ માટે સમજૂતી કરી છે, ત્યાર બાદ પીએમ મોદીએ પણ પ્રથમ વખત રાજ્યની મુલાકાત લીધી.

4. દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં 18નાં મોત

15 ફેબ્રુઆરી 2025 નવી દિલ્હી, દિલ્હી નવી દિલ્હી રેલવે સ્ટેશન પર રાત્રે અંદાજે 09:30 વાગ્યે નાસભાગ મચી ગઈ, જેમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા. કુંભમાં જનારા શ્રદ્ધાળુઓ અને ટ્રેનો મોડી હોવાને કારણે પ્લેટફોર્મ પર સામાન્ય દિવસો કરતાં વધુ ભીડ હતી. પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું કે ટ્રેનનું પ્લેટફોર્મ બદલાવાને કારણે નાસભાગ મચી. ઓગસ્ટમાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે એક વ્યક્તિના માથા પરથી ભારે થેલો બીજા લોકો પર પડ્યો, જેના પછી નાસભાગ મચી.

5. 12 વર્ષ પછી ભારત ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું

9 માર્ચ 2025 દુબઈ, UAE ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો. કેપ્ટન રોહિત શર્મા પ્લેયર ઓફ ધ મેચ રહ્યા. આ ટુર્નામેન્ટનું યજમાન તો પાકિસ્તાન હતું, પરંતુ ભારતે ત્યાં જવાની ના પાડ્યા પછી ભારતીય ટીમની તમામ મેચો UAEમાં રમાઈ. ભારત ટુર્નામેન્ટમાં એકપણ મેચ હાર્યું નહીં. કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પ્રથમ ICC ઇવેન્ટ સફળતા હતી.

6. હાઈકોર્ટના જજના ઘરેથી કરોડોની રોકડ મળી

14 માર્ચ 2025 નવી દિલ્હી, દિલ્હી દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા જ્યારે રજા પર ગયા ત્યારે તેમના સરકારી ઘરે આગ લાગી. ફાયરબ્રિગેડને આગ ઓલવતી વખતે ઘરમાંથી 500 રૂપિયાની અડધી બળેલી નોટોનો ઢગલો મળ્યો. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમની અલાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરી દીધી. આંતરિક તપાસમાં પણ તેઓ દોષિત જણાયા. ત્યાર બાદ સંસદના ચોમાસુ સત્રમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ સાંસદોએ મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યો.

7. મુસ્કાને વાદળી ડ્રમમાં પતિની લાશ છુપાવી

18 માર્ચ 2025 મેરઠ, ઉત્તરપ્રદેશ લંડનમાં નોકરી કરતા પતિ સૌરભની મુસ્કાને બોયફ્રેન્ડ સાહિલ સાથે મળીને હત્યા કરી દીધી. તેની લાશના 4 ટુકડા કરી વાદળી ડ્રમમાં નાખીને સિમેન્ટ ભરી દીધો. ત્યાર બાદ બંને શિમલા ફરવા ગયાં. પાછાં આવ્યાં બાદ મુસ્કાને તેની માતાને સૌરભના મર્ડર વિશે જણાવ્યું. પરિવારે મુસ્કાનને પોલીસને સોંપી દીધી. અત્યારે મુસ્કાન અને સાહિલ બંને જેલમાં છે. મુસ્કાને નવેમ્બરમાં જ દીકરીને જન્મ આપ્યો છે.

8. પહેલગામ હુમલામાં 26નાં મોત

22 એપ્રિલ 2025 પહેલગામ, જમ્મુ-કાશ્મીર બૈસરન ખીણમાં 4 આતંકવાદીએ અંધાધૂંધ ગોળીબાર કરીને 26 પ્રવાસીની હત્યા કરી દીધી. આમાં એક મૃતક નેવીના લેફ્ટનન્ટ વિનય નરવાલ હતા, જેમના 7 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા. આતંકવાદીઓએ પત્નીની સામે જ તેમને ગોળી મારી દીધી. NIA મુજબ હુમલાનું કાવતરું પાકિસ્તાનમાં ઘડવામાં આવ્યું હતું. જુલાઈમાં ભારતે 'ઓપરેશન મહાદેવ' ચલાવીને ચારેય આતંકીને ઠાર કર્યા.

9. ઓપરેશન સિંદૂરમાં 9 આતંકી ઠેકાણાં તબાહ

7 મે 2025 PoK, ભારત પહેલગામ હુમલાના જવાબમાં 7 મેની રાત્રે ભારતે 9 આતંકી ઠેકાણાં પર હુમલો કરીને કેમ્પ નષ્ટ કર્યા. આમાંથી 5 PoK અને 4 પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હતા, જેમાં જૈશ-એ-મોહમ્મદનું હેડક્વાર્ટર- મરકઝ સુભાનલ્લાહ અને લશ્કર-એ-તૈયબાનું હેડક્વાર્ટર- મરકઝ તૈયબા પણ સામેલ છે. બીજા દિવસે પાકિસ્તાને પણ ભારત પર હવાઈ હુમલા કર્યા અને રાફેલ જેટ તોડી પાડવાનો દાવો કર્યો. 10 મેના રોજ બંને વચ્ચે સીઝફાયર થઈ ગયું.

10. RCBએ પ્રથમ વખત IPL જીતી

3 જૂન 2025 અમદાવાદ, ગુજરાત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL ફાઈનલમાં 6 રને જીતીને, 18 વર્ષમાં પ્રથમ વખત ટ્રોફી પોતાના નામે કરી. જેવી જીતની ક્ષણ નજીક આવી, ફિલ્ડિંગ કરી રહેલા વિરાટ કોહલી રડવા લાગ્યો. તેમણે 35 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. જીતના બીજા દિવસે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ મચી ગઈ, જેમાં 11 લોકોનાં મોત થયાં.

11. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 241નાં મોત

12 જૂન 2025 અમદાવાદ, ગુજરાત એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ટેક ઓફના 32 સેકન્ડ પછી જ ક્રેશ થઈ ગઈ. આમાં સવાર 242 મુસાફર અને ક્રૂ-મેમ્બર્સમાંથી 241નાં મોત થયાં. પ્લેન સિવિલ હોસ્પિટલના હોસ્ટેલ સાથે ટકરાયું. ક્રેશ થનારું વિમાન બોઇંગ 787-8 ડ્રીમલાઇનર હતું, જે ખામીને કારણે અગાઉ પણ ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ક્રેશનું કારણ પ્લેનનાં બંને ફ્યૂઅલ એન્જિન બંધ થવાનું જણાવવામાં આવ્યું.

12. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા શુભાંશુ શુક્લા

25 જૂન 2025 સ્પેસ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ચાર એસ્ટ્રોનોટ સાથે 14 દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચ્યા. તેમનું એક્સિયમ-4 એક પ્રાઈવેટ સ્પેસ ફ્લાઈટ મિશન હતું, જે અમેરિકન કંપની એક્સિયમ, NASA અને સ્પેસએક્સની ભાગીદારીથી થયું. આ દરમિયાન સ્પેસમાં 60થી વધુ પ્રયોગો કરવામાં આવ્યા. સ્પેસક્રાફ્ટમાં શુભાંશુની સીટ બુક કરવા અને ટ્રેનિંગમાં ભારતે આશરે 548 કરોડ રૂપિયા ખર્ચ્યા.

13. દિવ્યા દેશમુખ પહેલી ભારતીય ચેસ ચેમ્પિયન

28 જુલાઈ 2025 બટુમી, જ્યોર્જિયા 19 વર્ષની દિવ્યા દેશમુખ ચેસનો FIDE મહિલા વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની. તેણે ફાઈનલમાં ભારતની જ કોનેરુ હમ્પીને ટાઈબ્રેકર રાઉન્ડમાં હરાવી. આ માટે તેને 42 લાખ રૂપિયા મળ્યા. અગાઉ દિવ્યાએ વર્લ્ડ ટીમ રેપિડ અને બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં દુનિયાની નંબર-1 ચેસ પ્લેયર હાઉ યિફાનને પણ હરાવી હતી. આ વર્ષે અર્જુન એવોર્ડ માટે તેને નોમિનેટ કરવામાં આવી છે.

14. 34 સેકન્ડમાં તબાહ થયું ધરાલી

5 ઓગસ્ટ 2025 ધરાલી, ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં આ વખતે ભારે વરસાદથી ઘણું નુકસાન થયું. વાદળ ફાટવાથી માત્ર 34 સેકન્ડમાં ધરાલી ગામ તબાહ થઈ ગયું. લોકોનાં ઘર વહી ગયાં. સરકારી આંકડા મુજબ 43 લોકો લાપતા છે. માત્ર એક લાશ મળી શકી. આના 18 દિવસ પછી ચમોલીમાં પણ વાદળ ફાટ્યું, જેમાં 70થી 80 ઘરોમાં 2 ફૂટ સુધી કાટમાળ ઘૂસી ગયો.

15. ભાઈ-બહેનની બાઇક પર વોટર અધિકાર યાત્રા

27 ઓગસ્ટ 2025 મુઝફ્ફરપુર, બિહાર બિહારમાં વોટર અધિકાર યાત્રાના 11મા દિવસે રાહુલ ગાંધી બહેન પ્રિયંકાને બાઇક પર બેસાડીને યાત્રા કરતા જોવા મળ્યા. 16 દિવસની યાત્રામાં રાહુલે 23 જિલ્લાની 50 વિધાનસભા બેઠકો આવરી લીધી. બિહાર ચૂંટણી પહેલાં SIRના વિરોધમાં રાહુલ ગાંધીએ આ યાત્રા કાઢી હતી, જોકે આ છતાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 6 બેઠક મળી.

16. 3 વર્ષ પછી ભારતમાં બ્લડ મૂન દેખાયો

7 સપ્ટેમ્બર 2025 જયપુર, રાજસ્થાન વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આખા દેશમાં જોવા મળ્યું. આ એક બ્લડમૂન હતું. હકીકતમાં ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે. પૃથ્વીનું વાતાવરણ સૂર્યનાં વાદળી કિરણો રોકી દે છે અને લાલ તરંગો ચંદ્ર સુધી પહોંચે છે, જેનાથી ચંદ્ર લાલ-નારંગી દેખાય છે. એશિયાના બીજા દેશો, યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં પણ ચંદ્રગ્રહણ દેખાયું હતું. આ પહેલાં 2022માં ભારતમાં બ્લડમૂન જોવા મળ્યું હતું.

17. વિજયની રેલીમાં નાસભાગથી 40નાં મોત

27 સપ્ટેમ્બર 2025 કરુર, તામિલનાડુ અભિનેતા અને TVK પાર્ટીના નેતા વિજય, કરુર ખાતે ચૂંટણી રેલી માટે પહોંચ્યા હતા. વહીવટીતંત્રે રેલીનો સમય બપોરે 3 વાગ્યાનો જણાવ્યો હતો, પરંતુ પાર્ટીએ સોશિયલ મીડિયા પર 12 વાગ્યાનો સમય જાહેર કરી દીધો. સવારે 10 વાગ્યાથી જ લોકોની ભીડ ઊમટી પડી. વિજય પણ રાત્રે 7:40 વાગ્યે આવ્યા. અંદાજ કરતાં લગભગ ત્રણ ગણી ભીડની વચ્ચે વિજય પોતાની મોટી બસ લઈને આવ્યો, જેને કાઢવાની મથામણમાં નાસભાગ મચી ગઈ. આમાં 40 લોકોનાં મોત થયાં.

18. એશિયા કપ ભારત જીત્યું, પણ ટ્રોફી ન મળી

28 સપ્ટેમ્બર 2025 દુબઈ, UAE એશિયા કપના ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ભારતે 9મી વખત ટ્રોફી જીતી. પહેલગામ આતંકી હુમલાને કારણે ભારતે જીત્યા પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ મોહસિન નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કરી દીધો, કારણ કે તેઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પણ ચીફ છે. ત્યાર બાદ ભારતને બીજા કોઈના હાથે ટ્રોફી આપવાને બદલે નકવી ટ્રોફી લઈને સ્ટેડિયમમાંથી ચાલ્યા ગયા. ખેલાડીઓએ ટ્રોફી વગર જ ઉજવણી કરી. ભારતને અત્યારસુધી ટ્રોફી મળી શકી નથી.

19. અફઘાન મંત્રીની પ્રેસ-કોન્ફરન્સમાં મહિલાઓને ન બોલાવી

12 ઓક્ટોબર 2025 નવી દિલ્હી, દિલ્હી અફઘાનિસ્તાનના વિદેશમંત્રી આમિર ખાન મુત્તકી 7 દિવસની ભારત મુલાકાતે આવ્યા હતા. તેમની પ્રથમ પ્રેસ-કોન્ફરન્સમાં કોઈપણ મહિલા પત્રકારને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. વિરોધ પછી થયેલી પ્રેસ-કોન્ફરન્સમાં અફઘાન અધિકારીઓએ મહિલા પત્રકારોને પણ બોલાવ્યા અને આગળની સીટ પર બેસાડ્યાં. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બન્યા પછી આ પ્રથમ મંત્રીની મુલાકાત હતી.

20. મહિલા ટીમે પ્રથમ વખત વન-ડે વર્લ્ડ કપ જીત્યો

2 નવેમ્બર 2025 મુંબઈ, મહારાષ્ટ્ર ભારતીય મહિલા ટીમે 47 વર્ષની લાંબી રાહ જોયા પછી વુમન્સ વર્લ્ડ કપ જીતી લીધો. ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રને હાર આપી. એક સમયે સતત ત્રણ મેચ હાર્યા પછી ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર હતું. જ્યારે સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે વમન્સ વન-ડેના ઇતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ (339 રન) ચેઝ કરીને ફાઈનલમાં એન્ટ્રી લીધી હતી.

21. રાજધાનીમાં ફિદાયીન હુમલો, 15નાં મોત

10 નવેમ્બર 2025 નવી દિલ્હી, દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના પાર્કિંગ પાસે સાંજે 6:52 વાગ્યે એક કારમાં બ્લાસ્ટ થયો. આમાં 15 લોકોનાં મોત થયાં. સુસાઈડ હુમલો કરનાર ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં પ્રોફેસર ડો. ઉમર હતો. હુમલાના દિવસે સવારે ફરીદાબાદમાંથી 360 કિલો વિસ્ફોટકો મળ્યા હતા. તપાસ એજન્સીઓએ આ હુમલા સાથે જોડાયેલા જે લોકોને પકડ્યા તેમાં અનેક ડોક્ટરો સામેલ હતા. તેમના સમર્થકોની શોધ હજુ ચાલુ છે.

22. બિહારમાં 10મી વખત નીતિશ, મોદીએ જીતનો ગમછો લહેરાવ્યો

20 નવેમ્બર 2025 પટના, બિહાર બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAએ ફરી એકવાર જીત નોંધાવી. 89 બેઠકો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બની. JDUને 85 તો ચિરાગ પાસવાનની લોકજનશક્તિ પાર્ટીને 19 બેઠકો મળી. આ જીત પછી નીતિશ કુમાર 10મી વખત બિહારના સીએમ બન્યા. મોદીએ તેમના શપથગ્રહણમાં ગમછો લહેરાવીને જીતની ઉજવણી કરી. RJDના ફાળે 25 તો કોંગ્રેસ પાસે માત્ર 6 બેઠકો ગઈ.

23. રામ મંદિર પર 673 દિવસ પછી ધર્મ ધ્વજા લહેરાઈ

25 નવેમ્બર 2025 અયોધ્યા, ઉત્તરપ્રદેશ 32 માળના એક રહેણાક કોમ્પ્લેક્સમાં સમારકામ માટે લગાવવામાં આવેલા વાંસમાં આગ લાગી ગઈ. એક પછી એક 8 ઇમારતોમાં આ આગ ફેલાઈ ગઈ. અકસ્માતમાં 161 લોકોનાં મોત થયાં અને લગભગ 123 ઘાયલ થયા. 24 કલાક પછી પણ માત્ર 5 ઇમારતની આગ કાબૂમાં આવી. આ દરમિયાન એક 71 વર્ષનો માણસ તેની પત્નીને શોધે છે. 77 વર્ષ પહેલાં 1948માં હોંગકોંગના એક ગોદામમાં આગ લાગી હતી, જેમાં 176 લોકોનાં મોત થયાં હતાં.

24. પ્રોટોકોલ તોડી મોદીની કારમાં બેઠા પુતિન

4 ડિસેમ્બર 2025 પાલમ એરપોર્ટ, દિલ્હી રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્રથમ વખત ભારત આવ્યા. તેમણે પ્રોટોકોલ તોડ્યો અને પોતાની ઓરસ સિનેટ ગાડી છોડીને મોદી સાથે હોટલ ગયા. પુતિનની બે દિવસની મુલાકાત દરમિયાન કોઈ મહત્ત્વની ડિફેન્સ ડીલ થઈ શકી નહીં. જોકે રશિયાએ ભારતને સસ્તું તેલ આપતા રહેવાનું વચન આપ્યું તો ભારતે રશિયાને પોતાના સ્કિલ્ડ વર્કર્સ આપવાનું.

25. મેસી ન મળ્યા તો ચાહકોએ તોડફોડ મચાવી

3 ડિસેમ્બર 2025 કોલકાતા, પશ્ચિમ બંગાળ આર્જેન્ટીનાના ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસી 3 દિવસની ભારત મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ, અભિનેતા શાહરુખ ખાન અને પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર સહિત અનેક હસ્તીઓ સાથે મુલાકાત કરી. કોલકાતામાં તેમને જોવા આવેલા ચાહકોની ભારે ભીડ ઊમટી હતી, પરંતુ સિક્યોરિટી ટીમે તેમને માત્ર 20 મિનિટમાં જ લઈ લીધા. ગુસ્સે ભરાયેલી ભીડે સોલ્ટ લેક સ્ટેડિયમમાં તોડફોડ મચાવી દીધી.

આ સમાચાર પણ વાંચો....

ચાલુ કોન્સર્ટમાં CEO અને HRની પ્રેમલીલા છતી થઈ: તાલિબાનીઓએ PAK સૈનિકોનાં પેન્ટ લહેરાવ્યાં, મક્કા ગયેલા 45 ભારતીયો બળીને ખાક; ટ્રમ્પ-ઝેલેન્સ્કી બાખડ્યા

2025 પૂરું થવા આવ્યું છે. આ વર્ષે ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વ્હાઇટ હાઉસમાં મીડિયા સામે લડ્યા. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો રાજીનામું આપીને પોતાની ખુરસી પણ સાથે લઈ ગયા. ઓસ્કાર જીતતા જ અભિનેતાએ મોઢામાંથી ચ્યુંઈંગ ગમ કાઢીને ગર્લફ્રેન્ડ તરફ ફેંકી. અફઘાનિસ્તાને પાકિસ્તાની સૈનિકોની પેન્ટ લહેરાવી અને Gen-Zએ નેપાળની સરકાર પાડી દીધી.

આ વર્ષે જે પણ થયું... કંઈક સારું, કંઈક ખરાબ, કંઈક જોયેલું, કંઈક અણજોયું; યાદ કરવા માટે આ 25 તસવીરો પર નજર કરી લો...

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links