- Gujarati News
- Year ender 2025
- 2025 Bollywood Flashback: SRK’s Met Gala Debut To 31 Century Hits
ગુડબાય 20252025 બોલિવૂડ ફ્લેશબેક:મેટ ગાલાના રેડ કાર્પેટ પર કિંગ ખાને ઇતિહાસ રચ્યો; અનેક સ્ટાર કપલ્સના ઘરે કિલકારી ગૂંજી; 31 ફિલ્મોએ100 કરોડનો આંકડો વટાવ્યો
- કૉપી લિંક

વર્ષ 2025... એક એવું વર્ષ જેણે બોલિવૂડને ઉતાર-ચઢાવ, આઘાત અને રેકોર્ડ્સ જેવી અનેક લાગણીઓમાંથી પસાર કર્યું. જ્યાં વર્ષની શરૂઆત સૈફ અલી ખાન પર થયેલા જીવલેણ હુમલા જેવા ચોંકાવનારા સમાચારથી થઈ. તો શાહરુખ ખાને મેટ ગાલામાં ભાગ લઈને ઇતિહાસ રચ્યો.
ક્યાંક સંબંધોમાં તિરાડની ચર્ચાઓ રહી, તો ક્યાંક સેલેબ્સના ઘરે કિલકારીઓએ ખુશીઓ વેરી. બોક્સ ઓફિસ પર નાના બજેટની ફિલ્મોએ બાજી મારી, મોટા સ્ટાર્સની ઘણી ફિલ્મો લથડી ગઈ અને ઘણા જૂના ચહેરાઓએ દમદાર કમબેક કર્યું. હિટ, ફ્લોપ, વિવાદ, રેકોર્ડ અને વાપસી... 2025 જતાં-જતાં ઇન્ડિયન સિનેમાની એક આખી કહાણી લખી ગયું.
તો 2025 ને અલવિદા કહેતા પહેલા ચાલો આ તમામ સમાચારો પર એક નજર કરીએ...
પોતાના જ ઘરમાં સૈફ અલી ખાન પર હુમલો થયો
વર્ષ 2025 ની શરૂઆત બોલિવૂડ માટે ચોંકાવનારી ખબર લઈને આવી હતી. વર્ષના પહેલા મહિનાની 16 તારીખે સૈફ અલી ખાન પર અજાણ્યા શખ્સે ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો. એક્ટર પર આ હુમલો તેમના પોતાના જ ઘરમાં થયો હતો. હુમલાખોર એક્ટરના મુંબઈના ખાર સ્થિત સદગુરુ શરણ એપાર્ટમેન્ટના 12મા માળે ઘૂસ્યો હતો.
હુમલાખોર એક્ટરના પુત્રોના રૂમ સુધી પહોંચી ગયો હતો. હુમલાખોરથી બચાવવામાં એક્ટરને ગળા, પીઠ, હાથ અને માથા સહિત 6 જગ્યાએ ચાકુ વાગ્યું હતું. ઘાયલ સૈફને રાત્રે જ લીલાવતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનો કેટલાક દિવસો સુધી ઈલાજ ચાલ્યો.

મેટ ગાલામાં સામેલ થનારો પહેલો બોલિવૂડ મેલ એક્ટર
શાહરુખ ખાને 5 મે, 2025 ના રોજ ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે આયોજિત મેટ ગાલામાં ડેબ્યૂ કર્યું. આમ કરીને તેણે ઇતિહાસ રચ્યો. તે પ્રથમ બોલિવૂડ મેલ એક્ટર બન્યો, જે આ વાર્ષિક ફેશન ઇવેન્ટમાં સામેલ થયો. શાહરુખે આ ખાસ અવસર માટે ઓલ બ્લેક લુક અપનાવ્યો હતો, જેને પ્રખ્યાત ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઇન કર્યો હતો.
એક્ટરે સિલ્ક શર્ટ અને ટ્રાઉઝર સાથે એક લાંબો કોટ પહેર્યો હતો. તેણે પોતાના લુકને પૂર્ણ કરવા માટે ગળામાં અને હાથમાં ખાસ એક્સેસરીઝ પહેરી હતી, જેમાં ‘K’ અને SRK નામવાળું પેન્ડન્ટ ચર્ચામાં રહ્યું.

ગોવિંદા-સુનીતાનો ઝઘડો આખા વર્ષ દરમિયાન ચર્ચામાં રહ્યો
ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજાનો સંબંધ 2025માં આખા વર્ષ દરમિયાન ચર્ચામાં રહ્યો. અલગ-અલગ પ્લેટફોર્મ પર સુનીતાએ પતિ ગોવિંદાને લઈને ખૂબ નિવેદનબાજી કરી. સમાચાર આવ્યા કે સુનીતા આહુજાએ બાંદ્રા ફેમિલી કોર્ટમાં 5 ડિસેમ્બર 2024ના રોજ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. રિપોર્ટ અનુસાર, સુનીતાએ પોતાની અરજીમાં એક્ટર પર વ્યભિચાર (બીજી મહિલાઓ સાથે શારીરિક સંબંધ), ક્રૂરતા, ત્યાગ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા.
કોર્ટે ગોવિંદાને હાજર થવા માટે નોટિસ મોકલી હતી, પરંતુ તેઓ વ્યક્તિગત રીતે ત્યાં સુધી હાજર થયા નહોતા. પછી તેમને મે 2025માં શો કોઝ નોટિસ જારી કરવામાં આવી, જેના પછી એક્ટર કોર્ટમાં હાજર થયો. ઓગસ્ટમાં બંનેના છૂટાછેડાના સમાચાર જોરશોરથી ચર્ચામાં રહ્યા. ગોવિંદાના મેનેજરે આ સમાચારોનું ખંડન કર્યું. પછી ગણેશ ચતુર્થીના અવસરે બંનેએ સાથે સાર્વજનિક હાજરી આપી અને બધા સમાચારો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. તે દરમિયાન સુનીતા આહુજાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું-'મારો ગોવિંદા ફક્ત મારો છે.'
2025 બોલિવૂડ નવા પેરેન્ટહૂડના નામે રહ્યું
વર્ષ 2025 બોલિવૂડના નવા માતા-પિતાના નામે રહ્યું. આ વર્ષે કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા, પરિણીતિ ચોપરા-રાઘવ ચઢ્ઢા અને કેટરિના કૈફ-વિકી કૌશલ પેરેન્ટ બન્યા. કિયારાએ 15 જુલાઈએ દીકરી સરાયાહને જન્મ આપ્યો. જ્યારે, પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાના ઘરે દીકરાનો જન્મ થયો. પરિણીતિએ 19 ઓક્ટોબરે દીકરાને જન્મ આપ્યો. આ કપલે દીકરાનું નામ નીર રાખ્યું છે.
બોલિવૂડના ફેવરિટ કપલમાં સામેલ કેટરિના-વિકી પણ પેરેન્ટહુડ ક્લબમાં જોડાયા. આ કપલે 7 નવેમ્બરે દીકરાનું સ્વાગત કર્યું. હાલમાં કપલે દીકરાના નામની જાહેરાત કરી નથી.

26 ફિલ્મો જેમણે 100 કરોડનો આંકડો પાર કર્યો
2025 ભારતીય સિનેમા માટે એક સારું વર્ષ સાબિત થયું છે. વર્ષ 2025એ ભારતીય સિનેમાની ક્રિએટિવ ડાયવર્સિટીને શાનદાર રીતે દર્શાવી છે. ઓડિયન્સે બોલિવૂડથી લઈને કન્નડ, તમિલ, મલયાલમ દરેક ભાષાની ફિલ્મોને દિલથી અપનાવી. અલગ-અલગ ભાષાઓની ઘણી ફિલ્મોએ ગ્લોબલ બોક્સ ઓફિસ પર કમાલનું પ્રદર્શન કર્યું છે.
આ વર્ષે 31 એવી ફિલ્મો રહી, જેમણે બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કર્યો. આમાં પાંચ હોલિવૂડ ફિલ્મો છે, જ્યારે 26 ભારતીય ફિલ્મો શામેલ છે.

રજનીકાંતની 'કુલી', હૃિતિક રોશનની 'વોર-2', પવન કલ્યાણની 'ધે કોલ હિમ ઓજી', અક્ષય કુમારની 'હાઉસફુલ-5', 'સ્કાય ફોર્સ' અને 'જોલી એલએલબી 3', આયુષ્માન ખુરાનાની 'થામા', ધનુષની 'તેરે ઇશ્ક મેં', તેલુગુ ફિલ્મ 'મિરાઈ' જેવી ઘણી વધુ ફિલ્મો શામેલ છે.
સેકનિલ્કના રિપોર્ટ મુજબ, 2025માં તમામ ભાષાઓમાં લગભગ 1572 ફિલ્મો રિલીઝ થઈ, જેમાં 234 હિન્દી ફિલ્મોનો સમાવેશ થાય છે. તમામ ફિલ્મોનું 2025માં ભારતમાં કુલ કલેક્શન 12864.9 કરોડ રૂપિયા રહ્યું છે, જ્યારે તમામ ફિલ્મોનું કુલ ભારતીય નેટ કલેક્શન 10915.82 કરોડ રૂપિયા રહ્યું છે.
આમાંથી ઘણી ફિલ્મો એવી હતી, જેને ઓછા બજેટમાં બનાવવામાં આવી હતી, પરંતુ બોક્સ ઓફિસ પર તે ફિલ્મોએ જબરદસ્ત કમાણી કરી. જ્યારે, મોટા બજેટ અને સ્ટારકાસ્ટવાળી ઘણી ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ પણ થઈ. પરંતુ તમામ ભાષાની 26 એવી ફિલ્મો રહી, જેમણે 100 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે.


2025 ઘણા સ્ટાર્સ માટે મલ્ટિપલ રિલીઝ અને કમબેક વર્ષ બન્યું
વર્ષ 2025 અક્ષય કુમાર, અજય દેવગન, મોહનલાલ, રશ્મિકા મંદાના, કિયારા અડવાણી, અનન્યા પાંડે, ફાતિમા સના શેખ જેવા એક્ટર અને એક્ટ્રેસ માટે ખૂબ જ ખાસ રહ્યું છે. આ વર્ષે આ કલાકારોની મલ્ટિપલ ફિલ્મો રિલીઝ થઈ છે.



















