- Gujarati News
- Year ender 2025
- 2025 AI Milestones Update; Nine Major Artificial Intelligence Achievements Photos VIDEOS
ગુડબાય 2025AIએ મૃત્યુ પામેલા પિતા સાથે વાત કરાવી:સપનાનો પણ વીડિયો બનાવી દીધો, વર્ચ્યુઅલ એક્ટ્રેસની લાખોની કમાણી; 2025માં AIનાં 9 મોટાં પરાક્રમો
- કૉપી લિંક

2025માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે માત્ર ઝડપી અને સચોટ જવાબો જ નથી આપ્યા, પરંતુ આ વર્ષે AI ઓપરેશન થિયેટરમાં સર્જન બનીને પ્રવેશ્યું, આપણાં સપનાંમાં ડોકિયું કરીને તેનો વીડિયો બનાવી દીધો, આપણા વતી બુકિંગમાં મોલભાવ કર્યો, મૃત્યુ પામેલા પિતા સાથે વાત કરાવી અને કેટલાક દેશોની સરકારમાં પણ સામેલ થઈ ગયું. જે બાબતો અત્યારસુધી સાયન્સ-ફિક્શન લાગતી હતી એ 2025માં હકીકત બની ગઈ.
વીતતા વર્ષની સાથે જાણો 2025માં AIનાં 9 મોટાં પરાક્રમ…
1. ઓપરેશન થિયેટરમાં AI:
જ્યારે રોબોટે પોતે ગાલ બ્લેડરની સર્જરી કરી

- 2025માં પહેલીવાર કોઈ માનવીય હાથ અડાડ્યા વગર SRT-H નામના એક AI રોબોટે ગાલ બ્લેડર એટલે કે પિત્તાશયની સર્જરી કરી દીધી. અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીની લેબોરેટરીમાં આ એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું હતું.
- આ સર્જરી દરમિયાન રોબોટે દરેક ક્ષણે પોતે નિર્ણયો લીધા અને સર્જરીમાં આવતી કોમ્પ્લિકેશન મુજબ પોતાના આગામી કદમમાં જાતે જ સુધારો પણ કર્યો. જોકે, આ સર્જરી અસલી માનવીય શરીર પર નહીં, પરંતુ સિમ્યુલેટેડ (કૃત્રિમ રીતે તૈયાર કરેલા) દર્દી પર કરવામાં આવી છે.
- આ એક્સપેરિમેન્ટનું નેતૃત્વ કરનાર મેડિકલ રોબોટિક્સ એક્સપર્ટ ડો. એક્સેલ ક્રિગરે જણાવ્યું હતું કે હવે રોબોટ માત્ર માણસના આદેશોનું પાલન કરનારાં મશીન નથી રહ્યાં, પરંતુ તેઓ પોતે દર્દીઓની સારવાર કરવામાં સક્ષમ બની રહ્યા છે.
- આ જ વર્ષે AI દુનિયાની ઘણી મોટી હોસ્પિટલોમાં સર્જનના એક ભરોસાપાત્ર સાથી તરીકે પણ સ્થાપિત થઈ ચૂક્યું છે. બ્રેન અને હાર્ટ સર્જરી જેવી જટિલ પ્રક્રિયાઓ દરમિયાન AI સિસ્ટમે રિયલ-ટાઇમમાં લોહીનો પ્રવાહ, ટિશૂની હલચલ અને સર્જરીમાં વપરાતાં ઓજારોની પોઝિશનનું સતત મોનિટરિંગ કર્યું.
- જેવો કોઈ કટ જોખમી સાબિત થાય, કે તરત જ સ્ક્રીન પર એલર્ટ આવતું- Avoid vessel (આ નસથી બચો), Risk rising (જોખમ વધી રહ્યું છે), Shift left by 2 mm (2 મિલીમીટર ડાબી બાજુ ખસો).


2. નિધન પછી જીવન:
જ્યારે AIએ દિવંગત પિતા સાથે વાત કરાવી

- અમેરિકાના બેલવ્યૂ શહેરમાં રહેતા મુહમ્મદ ઔરંગઝેબ અહેમદના પિતાનું એક દાયકા પહેલાં નિધન થયું હતું. તેઓ સતત પોતાના પિતાને યાદ કરતા હતા અને ઇચ્છતા હતા કે તેમનાં બાળકો પણ તેમના દાદાને મળી શકે.
- ઔરંગઝેબે પોતાના દિવંગત પિતાના વોઈસ નોટ્સ અને ડેટાની મદદથી એક AI સિમ્યુલેશન તૈયાર કર્યું, જેને તેઓ 'Grandpa Bot' કહે છે. આ બોટ રિયલ ટાઇમમાં તેમના પિતાના અવાજમાં વાત કરી શકે છે અને પૂછવામાં આવેલા સવાલોના જવાબ પણ એવી જ રીતે આપે છે જેવી રીતે તેમના પિતા આપતા હતા.
- અન્ય દેશોમાં પણ આ ટેકનોલોજીનો પ્રયોગ વધી રહ્યો છે. એક દક્ષિણ કોરિયાઈ મહિલાએ AI અને વર્ચ્યુઅલ રિયાલિટીની મદદથી પોતાની મૃત પુત્રી સાથે 'મુલાકાત' કરી અને તેની સાથે સમય વિતાવ્યો. તેવી જ રીતે ચીનમાં એક એન્જિનિયરે પોતાના દાદાનો સિમ્યુલેટેડ અવતાર બનાવ્યો છે.
- આ ઘટનાઓએ દુનિયાભરમાં 'Grief Tech' (દુઃખમાં મદદ કરતી ટેકનોલોજી) પર નવી ચર્ચા છેડી દીધી છે. જ્યાં AI માત્ર યાદોને સાચવીને નથી રાખતું, પણ એ યાદોને એક જીવંત અને સંવાદ કરી શકાય એવી ઓળખમાં બદલી નાખે છે.


3. સપનાની અંદર:
જ્યારે AI એ સપનાનો વીડિયો બનાવી દીધો

- આપણે સપનાંમાં ઊડીએ છીએ, પડીએ છીએ, વિચિત્ર ચહેરાઓ જોઈએ છીએ અને સવારે ઊઠતાંની સાથે જ બધું ભૂલી જઈએ છીએ. 2025માં AIએ માનવીય સપનાંને ફોટો અને નાના વીડિયોમાં બદલવાનું શરૂ કરી દીધું.
- જાપાનના ક્યોટો શહેરમાં સ્થિત ATR કોમ્પ્યુટેશનલ ન્યુરોસાયન્સ લેબોરેટરીઝના એન્જિનિયરો અને ન્યુરોસાન્ટિસ્ટ્સે એક એવી ટેકનોલોજી વિકસાવી છે, જે AI અને fMRI બ્રેન સ્કેનને જોડીને સપનાંની તસવીરોને સમજવાનો અને ફરીથી બનાવવાનો પ્રયાસ કરે છે.
- આ રિસર્ચની આગેવાની પ્રોફેસર યુકિયાસુ કામિતાનીએ કરી. ટીમે મગજની ગતિવિધિઓને ઊંઘ દરમિયાન રેકોર્ડ કરી. ખાસ કરીને REM ફેઝમાં જ્યારે સપનાં સૌથી વધુ સ્પષ્ટ હોય છે.
- જાગ્યા પછી સહભાગીઓને પૂછવામાં આવ્યું કે તેમણે સપનામાં શું જોયું. ત્યાર બાદ આ જવાબોની સરખામણી તેમના બ્રેન સ્કેન સાથે કરવામાં આવી. AIએ સપનાની સામાન્ય થીમને 60%થી વધુ સચોટતા સાથે ઓળખી કાઢી.



4. સરકારમાં એન્ટ્રી:
ડિએલા બની પહેલી AI મિનિસ્ટર

- અલ્બાનિયામાં 'Diella' નામના એક AI રેગ્યુલેટેડ સિસ્ટમને સરકારી મંત્રી નિયુક્ત કરી. દુનિયામાં આવું પહેલીવાર બન્યું છે.
- ડિએલાને અલ્બાનિયાના વડાપ્રધાન એદી રામાએ ભ્રષ્ટાચાર ઘટાડવા માટે જાહેર ટેન્ડરો અને સરકારી ખરીદીના નિર્ણયો સંભાળવાની જવાબદારી આપી, જેથી સરકારી ખર્ચમાં પારદર્શિતા લાવી શકાય.
- ડિએલાને પરંપરાગત અલ્બાનિયન વેશભૂષામાં એક મહિલાના રૂપમાં તૈયાર કરી છે, જે અવાજથી નાગરિકોને સેવા પૂરી પાડે છે. ડિએલાનો અર્થ સૂરજ થાય છે.
- અલ્બાનિયાની સંસદમાં આપેલા ભાષણમાં Diellaએ કહ્યું કે તેનો ઉદ્દેશ માણસોને હટાવવાનો નથી, પરંતુ તેમની મદદ કરવાનો અને કામમાં ટ્રાન્સપરન્સી લાવવાનો છે. જોકે અલ્બાનિયાના વિપક્ષી પક્ષોએ આને ગેરબંધારણીય ગણાવ્યું છે.


5. મોલભાવ એક્સપર્ટ AI:
માણસો કરતાં 1.5% સસ્તી ડીલ કરાવી

- 2025માં પહેલીવાર AIએ માણસો વતી પોતે નેગોશિયેશન કર્યું. Walmartએ AI-નેગોશિયેશન સિસ્ટમનો ઉપયોગ કરીને નાના સપ્લાયર્સ સાથે પોતે AIથી ડીલ્સ કરાવી.
- AIએ વિક્રેતાઓ સાથે કિંમત, ચુકવણી અને કોન્ટ્રેક્ટની શરતો પર વાતચીત કરીને આશરે 1.5% સુધીની બચત હાંસલ કરી. 75% સપ્લાયર્સ એ AI સાથે વાતચીત કરવી માણસની સરખામણીએ વધુ સારી ગણાવી.
- આ દરમિયાન AIએ સામેવાળાની કિંમત, સ્ટોકની સ્થિતિ, માગ, અગાઉના વેચાણ અને બજારના ટ્રેન્ડને જોઈને પોતે નક્કી કર્યું કે ક્યારે દબાણ બનાવવું અને ક્યારે સમજૂતી કરવી.
- આ પ્રયોગ સાથે જોડાયેલા એક્સપર્ટ્સનું કહેવું છે કે હવે AI માત્ર સૂચન આપતું ટૂલ નથી રહ્યું, પરંતુ તે એક્ટિવ નેગોશિયેટર બની ચૂક્યું છે, જે માણસો વતી નિર્ણયો લઈ શકે છે.


6. મ્યુઝિકમાં AI:
બેન્ડના 17 લાખ શ્રોતા, પણ હકીકતમાં તે છે જ નહીં

- 2025માં પહેલીવાર Spotify પર "The Velvet Sundown" નામનું એક AI-જનરેટેડ બેન્ડ લાખો લોકોએ સાંભળ્યું.
- આ બેન્ડનાં ગીતો, અવાજ, મ્યુઝિક સ્ટાઈલ અને અહીં સુધી કે બેન્ડની ઈમેજ પણ પૂરી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બનાવી છે. કોઈ માનવીય સિંગર કે મ્યુઝિશિયને સીધી રીતે સ્ટુડિયોમાં પર્ફોર્મ કર્યું નથી.
- ગીતો રિલીઝ થયા પછી લિસનર્સે અનુભવ્યું કે બેન્ડનું કોઈ લાઈવ પર્ફોર્મન્સ, ઇન્ટરવ્યૂ કે માનવીય અસ્તિત્વ મોજૂદ જ નથી. આમ છતાં Spotify પર તેના ટ્રેક્સને લાખો વખત સ્ટ્રીમ કર્યા.
- AIએ પોતે નક્કી કર્યું કે કયું મ્યુઝિક ટ્રેન્ડમાં છે, કયા ટેમ્પો અને મૂડનાં ગીતો વધુ સાંભળવામાં આવી રહ્યાં છે અને એે જ મુજબ નવા ટ્રેક્સ તૈયાર કર્યા.


7. એક્ટિંગમાં AI:
લાખોમાં ફી, પણ હકીકતમાં એક્ટ્રેસ નથી

- 2025માં Xicoia નામના એઆઈ ટેલેન્ટ સ્ટુડિયોએ AI-જનરેટેડ ડિજિટલ એક્ટ્રેસ ટિલી નોરવુડ બનાવી દીધી. આની પાછળનો આઈડિયા એ હતો કે એવો વર્ચ્યુઅલ કલાકાર તૈયાર કરવામાં આવે, જેને મોટા પ્રોડક્શન હાઉસ, એજન્સીઓ અને ફિલ્મમેકર્સ ઉપયોગ કરી શકે.
- Xicoia એ સોશિયલ મીડિયા પર ટિલીની પ્રોફાઈલ બનાવી અને ફિલ્મો તથા શોર્ટ સ્કીટ્સમાં તેની પડદા પરની હાજરી બતાવવાનું શરૂ કર્યું.
- ટિલીની ન તો ઉંમર વધે છે, ન તે થાકે છે અને ન તો સેટ પર નખરા કરે છે. તેમ છતાં તે સ્ક્રીન પર ભાવ, ડાયલોગ અને એક્સપ્રેશન સાથે અભિનય કરી શકે છે.
- Xicoia ઇચ્છે છે કે ટિલીને ટેલેન્ટ એજન્સીઓ અને પ્રોડક્શન કંપનીઓ કાસ્ટ કરે, જેના માટે ફી, રોયલ્ટી અને રિપ્રેઝન્ટેશન ફી આપવામાં આવે, જેમ કે એક અસલી કલાકારને મળે છે, જોકે અત્યારસુધી કોઈ મોટી હોલિવૂડ એજન્સી સાથે કોન્ટ્રેક્ટનો ખુલાસો થયો નથી, પણ ચર્ચા ચાલી રહી છે.


8. મગજ વાંચતું AI:
વિચારો અને ટાઈપિંગ થઈ જશે

- 2025માં પહેલીવાર Synchron જેવી કંપનીઓએ AI-BCI સિસ્ટમ એટલે કે Artificial Intelligence- Brain Computer Interface બનાવ્યું.
- આના દ્વારા પેરાલાઈઝ્ડ દર્દીઓને માત્ર વિચારીને ટેક્સ્ટ ટાઈપ કરવામાં અને માત્ર મગજમાં વિચારીને એક રોબોટિક હાથને ચલાવી શકવામાં મદદ કરી.
- આ ટેકનોલોજી અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલી ક્લિનિકલ ટ્રાયલ્સ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવી. આ દરમિયાન દર્દીના મગજમાં એક નાનું ઇમ્પ્લાન્ટ લગાવવામાં આવ્યું, જે સીધા જ બ્રેન સિગ્નલ્સને વાંચે છે.
- આ સિસ્ટમ દરમિયાન દર્દીને ન તો હાથ હલાવવાની કે ન તો બોલવાની જરૂર પડી. AI એ મગજમાં ઉઠતા ઈરાદાઓને સમજીને તેને સ્ક્રીન પર શબ્દોમાં બદલ્યા અથવા રોબોટિક હાથને મૂવમેન્ટનો આદેશ આપ્યો. દર્દી જેવો કોઈ અક્ષર કે મૂવમેન્ટ વિશે વિચારતો, સિસ્ટમ એ મુજબ કામ કરતી હતી.
- આ ટ્રાયલ્સ સાથે જોડાયેલા ન્યુરોસાયન્સ એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે આ પહેલીવાર છે જ્યારે AI માત્ર બ્રેન સિગ્નલ વાંચી જ નથી રહ્યું, પરંતુ એને સમજીને રિયલ-ટાઇમ નિર્ણયો પણ લઈ રહ્યું છે.
- Synchronના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ ટેકનોલોજી લકવા, એટલે કે paralysis થી ઝઝૂમી રહેલા લોકોને ફરીથી સંવાદ કરવાની આઝાદી આપી શકે છે.


9. AIએ બનાવ્યો માણસનો ટ્વિન:
બીમારીઓની ભવિષ્યવાણી કરી શકશે

- 2025માં પહેલીવાર AIએ દર્દીનો Digital Twin એટલે કે આખું વર્ચ્યુઅલ શરીર તૈયાર કર્યું, જેની મદદથી હાર્ટ-એટેક, કેન્સર અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓને લક્ષણો દેખાય એ પહેલાં જ ઓળખવામાં સફળતા મળી.
- Digital Twin અસલી દર્દીના શરીરની એક ડિજિટલ કોપી હોય છે, જેમાં હૃદય, મગજ, લોહીની નળીઓ, હોર્મોન, જીન અને મેટાબોલિઝમ સુધીની બાબતો સામેલ હોય છે. AI આ વર્ચ્યુઅલ શરીર પર હજારો સંભવિત સ્થિતિઓ રન કરીને જુએ છે કે ભવિષ્યમાં શરીરમાં ક્યાં અને શું ખામી સર્જાઈ શકે છે.
- આ સિસ્ટમ દરમિયાન AIએ એ ઓળખી કાઢ્યું કે ક્યારે કોઈ દર્દીના હૃદયના ધબકારાની પેટર્ન હાર્ટ-એટેક તરફ વધી રહી છે, ક્યારે કોષોનું વર્તન કેન્સરની શરૂઆત જેવું થઈ રહ્યું છે અને ક્યારે મગજમાં લોહીનો પ્રવાહ સ્ટ્રોકના જોખમ તરફ ઈશારો કરી રહ્યો છે. આ બધું ત્યારે શક્ય બન્યું જ્યારે દર્દીને પોતે કોઈપણ લક્ષણો અનુભવાઈ રહ્યા નહોતા.
- ભારતના Sanjay Gandhi Postgraduate Institute of Medical Sciencesમાં કાર્ડિયોથોરેસિક સર્જન પ્રોફેસર કેઆર બાલકૃષ્ણને બતાવ્યું કે કેવી રીતે Digital Twin ટેકનોલોજીનો ઉપયોગ દર્દીના વાસ્તવિક ડેટા પરથી તેની વર્ચ્યુઅલ કોપી બનાવીને, વિવિધ સારવારના વિકલ્પોનું પરીક્ષણ કરવા અને પરિણામોનું પૂર્વાનુમાન કરવા માટે કરી શકાય છે, જેનાથી ડોક્ટરો વધુ સારા અને સુરક્ષિત નિર્ણયો લઈ શકે છે.
















