Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

મહિલા દિવસ વિશેષ
નવા ભારતનું નિર્માણ કરી રહેલી 10 મહિલાઓ:અંશુલા વર્લ્ડ બેન્કની પહેલી મહિલા MD, મોહના યુદ્ધવિમાન ‘તેજસ’ ઉડાવે છે; સ્નેહાએ AIમાં ધ્વજ લહેરાવ્યો

2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

અંશુલા કાંત વર્લ્ડ બેન્કની પ્રથમ મહિલા એમડી છે. મોહના સિંહ તેજસ ઉડાવનાર દેશની પ્રથમ મહિલા પાઇલટ છે. એક સમયે દૈનિક મજૂરી કરીને ગુજરાન ચલાવતા યશોદા લોધી આજે યુટ્યુબ પરથી દર મહિને 80 થી 90 હજાર રૂપિયા કમાઈ રહ્યા છે. એવી મહિલાઓની યાદી લાંબી છે જેમણે પોતાની હિંમત અને જુસ્સાથી નવી વાર્તાઓ અને રેકોર્ડ બનાવ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, આવી જ 10 મહિલાઓની કહાની...

1. વર્લ્ડ બેન્કના પ્રથમ મહિલા એમડી, સીએફઓ અંશુલા કાંત

983માં એસબીઆઈમાં કાન્તે પ્રોબેશનરી ઓફિસર તરીકે કારકિર્દી શરૂ કરી હતી. અહીં 36 વર્ષ સુધી મહત્ત્વનાં પદો પર રહ્યાં અને મેનેજિંગ ડિરેક્ટર પદ સુધી પહોંચ્યાં. તેમના કાર્યકાળમાં મહિલાઓને પારિવારિક જવાબદારીઓ માટે અલગ રજા આપવાની શરૂઆત થઈ. 2019માં વર્લ્ડ બેન્કની પ્રથમ મહિલા એમડી, સીએફઓ બન્યાં.

જન્મ: 7 સપ્ટેમ્બર 1960

સિદ્ધિ: 2024માં ફોર્બ્સ ઇન્ડિયાએ સેલ્ફમેડ મહિલાઓની પાવર સૂચિમાં સામેલ કર્યા હતાં

નજર કેમ : 2030 સુધી દારુણ ગરીબી નાબૂદી અને વૈશ્વિક સમૃદ્ધિના વર્લ્ડ બેન્કનાં લક્ષ્યોને પૂરા કરવાની જવાબદારી.

2. ઇ. પંથોઈ ચાનુ, ઓસ્ટ્રેલિયામાં ફૂટબોલ રમનાર પ્રથમ ભારતીય

ઈ પંથોઈ ચાનૂ ફૂટબોલ રમે એવું પરિવાર ઇચ્છતો ન હતો. 10 વર્ષની ઉંમરે એકેડમી સાથે જોડાઈ. 2014માં ભારતની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું. 2021માં ગંભીર ઈજા થઈ. જોકે, તેણે વાપસી કરી અને ઓસ્ટ્રેલિયામાં પ્રોફેશનલ ફૂટબોલ રમનારી પ્રથમ ભારતીય ખેલાડી હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. જન્મ: 1 ફેબ્રુઆરી 1996, મણિપુર સિદ્ધિ: ઓસ્ટ્રેલિયામાં પ્રોફેશનલ ફૂટબોલ રમનારી દેશની પ્રથમ ફૂટબોલર નજર કેમ: યુવાન ખેલાડીઓ માટે પ્રેરણા છે. આગામી મેચોમાં તેના દેખાવ પર નજર રહેશે.

3. મોહના સિંહ જીતરવાલ, ફાઇટર જેટ 'તેજસ' ઉડાડનાર પ્રથમ મહિલા પાઇલટ

જોધપુરમાં થયેલી તરંગશક્તિ એક્સરસાઈઝમાં તેણે ભાગ લીધો હતો.મોહનાના પરિવારમાં અનેક લોકો ડિફેન્સમાં રહ્યા છે. દાદા-નાના વગેરે. સ્કૂલમાં લીલા રંગના ડ્રેસમાં સેના અધિકારી આવતા હતા. મોહનાને તે સ્માર્ટ લાગતા હતા. એરફોર્સની પસંદગીનું આ પણ એક કારણ છે. એન્જિનિયરિંગના અભ્યાસ પછી એક કંપનીમાં કામ કર્યું. તે મિગ-21 પણ ઉડાવી ચૂકી છે. તેજસ ઉડાડનારી દેશની પ્રથમ મહિલા પાઇલટ છે.

જન્મ: જાન્યુઆરી 1992, ઝૂંઝનુ (રાજસ્થાન)

સિદ્ધિ: તેજસ ઉડાવનારી દેશની પ્રથમ મહિલા પાઈલટ છે.

નજર કેમ: એરફોર્સમાં અત્યારે યુદ્ધ વિમાન ઉડાવનારી માત્ર 20 મહિલા પાઇલટ છે. નવી પેઢી માટે મોહના પ્રેરણા છે.

4. સૂર્ય મિશનને સફળ બનાવનાર આદિત્ય એલ-1 ના પ્રોજેક્ટ ડિરેક્ટર નિગાર શાજી

નિગાર શાજી 1987માં ઇસરોના યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર સાથે જોડાયાં હતાં. તેઓ છેલ્લાં 38 વર્ષથી ઇસરોમાં છે. શુક્ર મિશનના અધ્યય ડિરેક્ટર હતાં. આદિત્ય એલ-1 મિશન પ્રોજેક્ટના ડિરેક્ટર તરીકે શાજી અને તેમની ટીમે 8 વર્ષ સુધી આ મિશન પર કામ કર્યું. આદિત્ય એલ-1 ઇસરોનું સૂર્યનો અભ્યાસ કરતું પ્રથમ મિશન છે. જન્મ: 1964 સિદ્ધિ: ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય એલ-1નું નેતૃત્ત્વ. યાન કક્ષામાં સ્થાપિત થઈ ગયું છે. નજર કેમ: નિગાર શાજી ઇસરોનાં વિવિધ સેટેલાઇટ પ્રોગ્રામ અને જુદાં-જુદાં ગ્રહોના મિશન પર કામ કરી રહ્યાં છે.

5. સ્નેહા રેવાનુર વિશ્વના ટોચના 100 AI નિષ્ણાતોમાં સામેલ

દાવોસ 2024 વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેનારી સૌથી નાની વયની સભ્ય બની. તેમનું એનકોડ જસ્ટિસ સંગઠન એઆઈના સાચા ઉપયોગ માટે કામ કરી રહ્યું છે. આ સંગઠન તેમણે 15 વર્ષની વયે 2020માં બનાવ્યું હતું. આ સંગઠન અનેક દેશોમાં કામ કરી રહ્યું છે. જન્મ: 2004, સેન જોસ, કેલિફોર્નિયા સિદ્ધિ: ટાઇમ મેગેઝિને તેને 2023માં એઆઈના ક્ષેત્રે કામ કરતી દુનિયાની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં સામેલ કરી હતી. નજર કેમ: 30 દેશોમાં 800 યુવાનો તેના સંગઠનના સભ્ય છે. એઆઈના દુરૂપયોગથી લોકોને જાગૃત કરવાનું કામ કરે છે.

6. ડાયના પુંડોલે – પ્રથમ મહિલા રેસિંગ ચેમ્પિયન

ડાયના પુંડોલેએ પુરુષપ્રધાન મનાતી રેસિંગમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતીને બધાને ચોંકાવી દીધા છે. ચેન્નઈની જે એમઆરએફ ઇન્ડિયન નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનશિપને ડાયનાએ જીતી છે, તેને જીતનારી તે એકમાત્ર ભારતીય મહિલા છે. તે ફોર્મ્યુલા વન, દુબઈ ઓટોડ્રોમ સહિત યુરોપ અને સંયુક્ત અરબ અમિરાતના દુનિયાના પ્રસિદ્ધ રેસિંગ ટ્રેક પર પણ કાર દોડાવી ચૂકી છે. તે વ્યવસાયે શિક્ષિકા અને બે બાળકોની માતા છે. જન્મ: 15 ઓગસ્ટ 1993 સિદ્ધિ: ઓગસ્ટ 2024ના રોજ ચેન્નઈની મદ્રાસ ઇન્ટરનેશનલ સર્કિટમાં આયોજિત સેલૂન શ્રેણીમાં એમઆરએફ ઇન્ડિયન નેશનલ કાર રેસિંગ ચેમ્પિયનશિપ જીતી. આમ કરનારી દેશની પ્રથમ મહિલા છે. નજર કેમ : કાર રેસિંગના જુદા-જુદા ફોર્મેટમાં ઝંપલાવાની તૈયારી કરી રહી છે.

7. ડિજિટલ શિક્ષક અને યુટ્યુબર યશોદા લોધી, જે દેહાતી મેડમ તરીકે પ્રખ્યાત

પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. પતિ રોજમદાર મજૂર હતા. 2019માં એક દુર્ઘટનાને કારણે તે કામ કરવા અસમર્થ બની ગયા. ત્યાર પછી યશોદાએ 2021માં યુટ્યૂબ પર બાળકોને અંગ્રેજી ભણાવવા માટે દેહાતી મેડમ નામની ચેનલ શરૂ કરી. તેના વીડિયો 3 કરોડવાર જોવાઈ ચૂક્યા છે. આજે તે દર મહિને 80થી 90 હજાર કમાઈ લે છે. જન્મ: 1994, કોશામ્બી, યુપી સિદ્ધિ: ‘દેહાતી મેડમ’ યુટ્યૂબ ચેનલ દ્વારા અંગ્રેજી શીખવાડે છે. તેમની ચેનલના લાખો ફોલોઅર્સ છે. નજર કેમ: ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં આજે પણ છોકરીઓના અભ્યાસ પર ધ્યાન અપાતું નથી ત્યાં તેમને આગળ ભણવા પ્રેરિત કરી રહ્યાં છે.

8. ગ્રાન્ડ પ્રિકસ વિજેતા ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા પાયલ કાપડિયા

પાયલ એફટીટીઆઈ પૂણેની વિદ્યાર્થિની રહી છે. 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની શોર્ટ ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એજ લાઇટ’એ ગ્રાં પ્રી પુરસ્કાર જીત્યો છે. આ પુરસ્કાર જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા છે. તે પ્રથમ ભારતીય મહિલા દિગ્દર્શક છે, જેની ફિલ્મને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ માટે નોમિનેટ કરાઈ છે. જન્મ: 04 જાન્યુઆરી 1986 સિદ્ધિ: તેમની ‘ઓલ વી ઇમેજિન એજ લાઇટ’ને કાન્સમાં ગ્રાં પ્રી એવોર્ડ મળ્યો છે. નજર કેમ: પાયલ મંબઈ પર આધારિત બીજી એક વિશેષ ફિલ્મ પર કામ કરી રહી છે. આ વિષય પર તે ત્રણ ફિલ્મો બનાવવા માગે છે.

9. અભિનેત્રી, ક્રિકેટર અને દોડવીર સૈયામી ખેર

અભિનેત્રી સૈયામી ખેરે દુનિયાની સૌથી પડકારજનક ઇવેન્ટમાંથી એક આયરન મેન70.3 ટ્રાયલથોન પૂરી કરીને બધાને ચોંકાવી દીધા છે. તે મહારાષ્ટ્રની મહિલા ક્રિકેટ ટીમમાં ફાસ્ટ બોલર તરીકે રમી ચૂકી છે. પછી 2015માં તેલુગુ ફિલ્મ ‘રે’ સાથે અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું. 2016માં ફિલ્મ ‘મિર્ઝિયા’માં હર્ષવર્ધન કપૂર સાથે હિન્દી ફિલ્મોમાં પગ મુક્યો. સ્ટારડસ્ટ મેગેઝિને તેને ‘સુપરસ્ટાર ઓફ ટુમોરો’નો પુરસ્કાર આપ્યો હતો. જન્મ: 29 જૂન 1992 સિદ્ધિ: સપ્ટેમ્બર 2024માં જર્મનીમાં હાફ આયરન મેન ઇવેન્ટમાં 1.2 માઇલ સ્વિમિંગ, 56 માઇલ સાઇકલિંગ અને 13.1 કિમીનું રનિંગ કર્યું હતું. નજર કેમ: આ વર્ષે સની દેઓલ સાથે તેની એક્શન ડ્રામા ફિલ્મ ‘જાટ’ રિલીઝ થવાની છે. આ ફિલ્મની ઘણી ચર્ચા છે.

10. આદિવાસી ટેટૂ કલાકાર મંગલા બાઈ મારાવી

મંગલા બાઈએ લગભગ 7 વર્ષની ઉંમરે જ છૂંદણા કળા શીખી લીધી હતી. 12 વર્ષની ઉંમરે માતા સાથે ભોપાલના જનજાતીય સંગ્રાહલયમાં ગયાં તો આદિવાસી કલાકારોની કલાકૃતિઓથી પ્રભાવિત થયાં. તેઓ છૂંદણાના કામમાં કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરતાં નથી. જન્મ: 1988, મધ્યપ્રદેશ સિદ્ધિ: મંગલા બાઈ મરાવીના જનજાતીય ટેટૂનું ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પ્રદર્શન લાગી ચુક્યું છે નજર કેમ: બેંગા અને ગોંડ જનજાતિઓની છૂંદણા કળાને બચાવવાનું કામ કરી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે આ કળાને ઓળખ અપાવી રહ્યાં છે.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links