- Gujarati News
- Utility
- Automobile
- Be Aware Before The Fog Becomes A Shroud Of Death.
ધુમ્મસ મોતની ચાદર બની જાય તે પહેલા ચેતો:ડ્રાઇવ કરતા પહેલા આટલી વસ્તુ ખાસ ચેક કરી લો, ગાડી ચલાવતી વખતે 8 સાવચેતી રાખો
- કૉપી લિંક

સમાચાર વાંચતા પહેલા મોતની ચાદર બનેલા ધુમ્મસની આ તસવીરો જુઓ...
1. યમુના એક્સપ્રેસ-વે


આ તસવીરો મથુરામાં યમુના એક્સપ્રેસ-વેની છે, જ્યાં ધુમ્મસ અને ઝાકળના કારણે 8 બસો અને 3 કાર અથડાઈ હતી. વાહનોમાં આગ લાગવાથી 13 લોકો બળીને મૃત્યુ પામ્યા અને 70 ઘાયલ થયા.
2. હાપુડ અકસ્માત



આ ઘટના ઉત્તર પ્રદેશના હાપુડની છે, અહીં અનવરપુર પાસે ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીને કારણે 6 વાહનો અથડાયા. કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ચાર દિવસમાં 110 વાહનો અથડાયા, 15 લોકોના મોત
દેશના મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને યુપીના 57 જિલ્લાઓમાં બુધવારે સવારે ધુમ્મસના કારણે સવારે 10 મીટર સુધી જોવું મુશ્કેલ હતું.
યુપીમાં છેલ્લા 5 દિવસમાં ધુમ્મસના કારણે અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં 110 વાહનો એકબીજા સાથે અથડાયા છે. જેમાં 15 લોકોના મોત થયા છે.
આવી સ્થિતિમાં, જો તમે પણ આ સિઝનમાં લોંગ ડ્રાઇવ પર જવાનું વિચારી રહ્યા છો, તો પહેલા જાણી લો કે શિયાળામાં માર્ગ અકસ્માતોની સંખ્યા શા માટે વધી જાય છે? સાથે જ જાણીશું કે-
- ધુમ્મસમાં ડ્રાઇવિંગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?
- ધુમ્મસમાં વાહન ચલાવતી વખતે કઈ ભૂલો ન કરવી?
પ્રશ્ન-1: શિયાળામાં માર્ગ અકસ્માતો શા માટે વધે છે?
જવાબ- મુખ્ય કારણ ગાઢ ધુમ્મસ અને ઝાકળ છે. આનાથી વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ જાય છે, ડ્રાઈવરને આગળનું વાહન પણ બરાબર દેખાતું નથી. ખાસ કરીને ઉત્તર ભારતમાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં ધુમ્મસ એટલું ગાઢ હોય છે કે વિઝિબિલિટી શૂન્ય સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં અકસ્માતો સામાન્ય બની જાય છે.

1. ગાઢ ધુમ્મસ અને સ્મોગ શિયાળામાં વહેલી સવારે અને મોડી રાત્રે 'ધુમ્મસ' સૌથી મોટું જોખમ છે.
સામાન્ય દિવસ: 1 કિમી સુધી સ્પષ્ટ દેખાય
ધુમ્મસ વાળો દિવસ: માત્ર 10-20 મીટર જ દેખાય
જ્યારે સામેથી આવતું વાહન દેખાતું નથી, ત્યારે 'હેડ-ઓન કોલિઝન' (સામસામે અથડામણ) થવાની શક્યતા વધી જાય છે.
2. રસ્તા પર ઝાકળનું પડ
શિયાળાની રાત્રે રસ્તા પર ઝાકળ જામી જાય છે. આ ઝાકળ રસ્તા પરના તેલ અને ધૂળ સાથે ભળીને એક પાતળું, લપસણું પડ બનાવે છે.
પરિણામ: અચાનક બ્રેક મારવા છતાં વાહન તરત ઉભું રહેતું નથી અને સ્લિપ થઈ જાય છે.
3. માનવીય પરિબળો અને આળસ ઠંડી અને ઊંઘ: સવારે ઠંડીમાં ડ્રાઈવરને 'માઈક્રો સ્લીપ' (થોડી સેકન્ડ માટેની ઊંઘ) આવવાની શક્યતા રહે છે.
ધીમા રિફ્લેક્સિસ: ઠંડીમાં શરીર થોડું જકડાયેલું રહે છે, જેથી અચાનક સામે કોઈ આવે તો બ્રેક મારવામાં કે સ્ટેયરિંગ ફેરવવામાં મોડું થઈ શકે છે.

પ્રશ્ન-2: ધુમ્મસમાં ડ્રાઇવિંગ કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
જવાબ- શિયાળામાં ગાઢ ધુમ્મસ અને લપસણી સડકો ડ્રાઇવિંગને પડકારજનક બનાવે છે. ઠંડીથી હાથ-પગ સુન્ન પડી જાય છે અને કાર પણ પ્રભાવિત થાય છે. તેથી, ઘરેથી નીકળતા પહેલા કેટલીક જરૂરી વસ્તુઓ તપાસો, જેથી અકસ્માતોથી બચી શકાય.
ધુમ્મસમાં વાહન ચલાવતા પહેલા વાહનની કેટલી બાબતો ચેક કરવી જોઈએ?

1. લાઈટ્સનું ચેકિંગ
ધુમ્મસમાં લાઈટ્સ એ તમારી અને બીજા વાહનચાલકોની સુરક્ષા માટે સૌથી મહત્વની છે.
- હેડલાઇટ: ચેક કરો કે બંને હેડલાઇટ ચાલુ છે. હંમેશા 'લો બીમ' (Low Beam) પર લાઈટ રાખો. હાઈ બીમ રાખવાથી પ્રકાશ ધુમ્મસમાં પરાવર્તિત થાય છે અને દ્રશ્યતા વધુ ખરાબ થાય છે.
- ફોગ લાઈટ્સ (Fog Lights): જો તમારા વાહનમાં ફોગ લાઈટ્સ હોય, તો તે ચાલુ છે કે નહીં તે ચકાસી લો.
- ટેઈલ લાઈટ અને ઈન્ડિકેટર્સ: પાછળની લાઈટ્સ અને ચારેય ઈન્ડિકેટર્સ (Hazard Lights) બરાબર કામ કરતા હોવા જોઈએ જેથી પાછળ આવતા વાહનોને તમારું અંતર ખબર પડે.
2. વિન્ડશિલ્ડ અને વાઇપર (Windshield and Wipers)
- સફાઈ: વિન્ડશિલ્ડ (આગળનો કાચ) અંદર અને બહાર બંને તરફથી એકદમ સાફ હોવો જોઈએ.
- વાઇપર: વાઇપરના રબર બરાબર છે કે નહીં તે તપાસો. ધુમ્મસમાં કાચ પર ભેજ જમા થાય છે, જે વાઇપર વગર સાફ કરવો મુશ્કેલ છે.
- વાઇપર ફ્લુઈડ: વાઇપરના પાણીના ટાંકા (Reservoir) માં પૂરતું પાણી અથવા ક્લીનર હોવું જોઈએ.
3. ડીફોગર અને હીટર (Defogger and Heater)
- ધુમ્મસ દરમિયાન બહારના તાપમાનને કારણે ગાડીના કાચ પર અંદરની તરફથી વરાળ (Fogging) જામી જાય છે.
- ગાડીમાં Defogger બરાબર કામ કરે છે કે નહીં તે ચેક કરો. એસી અથવા હીટરનો ઉપયોગ કરીને કાચ પરની વરાળ કેવી રીતે હટાવવી તેની જાણકારી રાખો.
4. ટાયર અને બ્રેક (Tyres and Brakes)
- ધુમ્મસમાં રસ્તાઓ ઘણીવાર ભીના અને ચીકણા હોય છે.
- ટાયર પ્રેશર: ટાયરમાં હવાનું દબાણ બરાબર હોવું જોઈએ. જો ટાયર ઘસાઈ ગયા હોય, તો બ્રેક મારતી વખતે ગાડી લપસી શકે છે.
- બ્રેક: મુસાફરી શરૂ કરતા પહેલા એક-બે વાર બ્રેક ચેક કરી લો.
5. મિરર્સ (Mirrors)
- સાઇડ મિરર્સ (ORVMs) અને રિયર-વ્યૂ મિરર એકદમ સાફ રાખો. ધુમ્મસમાં પાછળથી આવતા વાહનોને જોવા માટે આ ખૂબ જ જરૂરી છે.
પ્રશ્ન-3: ધુમ્મસ કે ઝાકળમાં ડ્રાઇવિંગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
જવાબ- ડ્રાઇવિંગ માટે ધુમ્મસ સૌથી પડકારજનક હવામાન હોય છે. આ હવામાનમાં રસ્તા પર કંઈપણ સ્પષ્ટ દેખાતું નથી. ઘણીવાર 1-2 મીટર પછી રસ્તા પર કંઈપણ દેખાતું નથી. રસ્તા પર માત્ર ધુમ્મસ જ ધુમ્મસ દેખાય છે.
તેથી આ હવામાનમાં ડ્રાઇવિંગ કરતી વખતે વધારાની સાવચેતી રાખવી જોઈએ. ખાસ કરીને જ્યારે તમે કોઈ હાઈવે, એક્સપ્રેસ–વે કે સિગ્નલ ફ્રી રોડ પરથી પસાર થઈ રહ્યા હો. આ માટે રોડ સેફ્ટી સાથે જોડાયેલી કેટલીક જરૂરી ટિપ્સ અપનાવવી જોઈએ, જેથી સુરક્ષિત ડ્રાઇવ કરી શકાય અને માર્ગ અકસ્માતોથી બચી શકાય.

ચાલો, કેટલાક મુદ્દાઓને વિગતવાર સમજીએ...
તમારી લેનમાં જ વાહન ચલાવો: હાઈવે પર ટુ-વ્હીલર, 4-વ્હીલર અને મોટા વાહનો માટે નિર્ધારિત ડ્રાઇવિંગ લેન હોય છે. ધુમ્મસમાં વિઝિબિલિટી ઓછી હોય ત્યારે લેન બદલવી જોખમી બની શકે છે. તમારી લેનમાં રહો, અકસ્માતોથી બચો અને અન્યની સુરક્ષા પણ સુનિશ્ચિત કરો.
ધુમ્મસના સમયે હેડલાઇટને લો-બીમ પર રાખો: ધુમ્મસના સમયે ગાડીની હેડલાઇટ લો-બીમ પર રાખવી જોઈએ. લો-બીમ હેડલાઇટ્સ વાહનની સામે 50 થી 75 મીટરની વચ્ચે રોશની આપવામાં મદદ કરે છે. જ્યારે હાઈ-બીમ પર લાઇટ ફેલાઈ જાય છે, જેનાથી ધુમ્મસમાં સામે કંઈપણ દેખાતું નથી.
કાચ પર ધુમ્મસ જામતું અટકાવવા માટે ડિફોગર ચાલુ રાખો: શિયાળામાં બહારનું તાપમાન અને ગાડીની અંદરનું તાપમાન અલગ-અલગ હોય છે. આનાથી ગાડીની વિન્ડસ્ક્રીન પર ધુમ્મસ જામવા લાગે છે. આનાથી વિઝિબિલિટી ઓછી થઈ જાય છે. ડિફોગર કાચ પર ધુમ્મસ જામતું અટકાવે છે. તેથી ધુમ્મસમાં ડ્રાઇવિંગ કરતી વખતે ડિફોગર ચાલુ રાખવું જોઈએ.
ઓવરટેક કરવાનો પ્રયાસ ન કરો: ધુમ્મસમાં ઉતાવળ કરવી યોગ્ય નથી. તેથી તમારી લેનમાં જ ચાલો. અન્ય વાહનોને ઓવરટેક કરવાનો પ્રયાસ ન કરો.
આગળ ચાલતી ગાડીઓથી પૂરતું અંતર રાખો: ઘટ્ટ ધુમ્મસના સમયે આગળ ચાલતી ગાડીઓથી સામાન્ય કરતાં વધુ અંતર જાળવી રાખો, જેથી સામે ચાલતી ગાડી અચાનક બ્રેક લગાવે ત્યારે તમને સંભાળવાનો પૂરતો મોકો મળી શકે. ઘણીવાર આના કારણે પણ અકસ્માત થાય છે.
પ્રશ્ન-4: ધુમ્મસના સમયે કઈ સ્પીડમાં ગાડી ચલાવવી યોગ્ય છે?
જવાબ- વધુ ધુમ્મસની વચ્ચે ગાડી 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી વધુ ન ચલાવવી જોઈએ.
સવાલ-5: ધુમ્મસમાં ગાડી ચલાવતી વખતે કઈ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ?
જવાબ- ધુમ્મસમાં ગાડી ચલાવતી વખતે કેટલીક ભૂલો ન કરવી જોઈએ. જેમ કે-
- ધુમ્મસમાં રોડ કિનારે ગાડી પાર્ક કરવાનું ટાળો, જો ઇમરજન્સીમાં રોકાવું પડે તો હેઝાર્ડ લાઇટ ચાલુ કરો.
- ગાડીની વિન્ડશિલ્ડ, રિયર વ્યૂ મિરર, ORVM અને બારીઓ પર ધૂળ કે ધુમ્મસ જામવા ન દો, ડ્રાઇવ કરતા પહેલા તેને સાફ કરો.
- અચાનક ગાડી વાળવાનું ટાળો, ઓછામાં ઓછા 10 સેકન્ડ પહેલા ઇન્ડિકેટર ચાલુ કરો.
- હેઝાર્ડ લાઇટ ચાલુ કરીને ડ્રાઇવ ન કરો, તેનાથી પાછળની ગાડીનો ડ્રાઇવર મૂંઝવણમાં મુકાય છે કે ગાડી ચાલી રહી છે કે ઊભી છે.
















