Tue, Nov 17, 2026Updated 06:33 AM IST
Google Preferred Source CTA

'પાકિસ્તાનીઓ ના બોલવાનુંય બોલ્યા, એટલે રિએક્શન આપવું પડ્યું':એશિયા કપમાં ભારતને જીતાડવામાં રોલ ભજવનાર રાજકોટના આર્યને ફાઈનલની હાઈ-વોલ્ટેજ ડ્રામા, ટાઇટલ જીત્યાની અંદરની કહાની જણાવી

34 મિનિટ પેહલાલેખક: સૌમ્ય વોરા
  • કૉપી લિંક

મોરબીની ગલીઓથી શરૂ કરીને ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમને એશિયા કપનું ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર 18 વર્ષના યુવા ઓલરાઉન્ડર આર્યન સવસાણીની સફર આત્મવિશ્વાસથી ભરેલી છે. માત્ર 4 વર્ષની ઉંમરે સોફ્ટ ટેનિસથી ક્રિકેટ પ્રત્યે લગાવ લગાવનાર આ ખેલાડી રાજકોટના બાલભવનથી પોતાની ક્રિકેટ કળાને નિખારતા નિખારતા આજે ઈન્ડિયન જુનિયર ટીમની જર્સી સુધી પહોંચ્યો છે. શરૂઆતમાં માત્ર લેફ્ટ આર્મ સ્પિનર તરીકે ઓળખાતા આર્યને નેટ્સમાં પોતાની મહેનત અને પરિસ્થિતિના પ્રતાપે બેટિંગમાં પણ કમાલ કરીને પોતાને એક પ્રોપર ઓલરાઉન્ડર તરીકે સ્થાપિત કર્યો છે.

પાકિસ્તાન સામેની રોમાંચક ફાઈનલ મેચમાં પ્રેશર વચ્ચે મહત્ત્વનો રોલ ભજવનાર આર્યન સવસાણીએ પાકિસ્તાની ખેલાડીઓનું સ્લેજિંગ, મેદાન પરનું આક્રમક સેલિબ્રેશન, સ્ટાર ક્રિકેટર્સના દીકરાઓ (આર્યવીર સેહવાગ અને અન્વય દ્રવિડ) સાથેનું ડ્રેસિંગ રૂમ બોન્ડિંગ તેમજ ભારતીય સ્ટાર રવીન્દ્ર જાડેજા સાથેના પ્રેક્ટિસ સેશનના અનમોલ અનુભવો અંગે દિલ ખોલીને વાત કરી છે…

‘ખાલી બોલર હતો, પણ પછી બેટિંગ કરીને પ્રોપર ઓલરાઉન્ડર બન્યો’

આર્યન સવસાણીએ પોતાની ક્રિકેટની જર્ની ક્યારે અને કઈ રીતે શરૂ કરી, તેના વિશે તેઓ કહે છે કે, ‘હું જ્યારે 4 વર્ષનો હતો, ત્યારથી જ મને ક્રિકેટનો શોખ જાગ્યો હતો...પણ ત્યારે પપ્પા મને સોફ્ટ ટેનિસથી જ ક્રિકેટ રમાડતા..હાર્ડ બોલથી હજુ શરૂ કર્યું નહોતું. રાજકોટમાં ક્રિકેટ કલ્ચર છે, એકેડમી પણ છે, એટલે હું 6 વર્ષનો થયો, ત્યારે અમે રાજકોટ શિફ્ટ થયા. આ પછી 9 વર્ષનો થયો ત્યારે રાજકોટના બાલભવનમાં જોઈન થયો. ત્યારથી હું ત્યાં જ જઈને પ્રેક્ટિસ કરું છું. મારા કોચ આસિફ સર, હિતેશ સર અને મોઈન સર પાસે જ ટ્રેનિંગ લીધી.’

‘હું પહેલા ખાલી બોલર જ હતો. હું લેફ્ટ આર્મ સ્પિનર જ હતો. પણ મારી સિનિયર નેટ્સમાંથી પ્લેયર્સ ઓછા થયા, તો મારી બેટિંગ પણ આવવા લાગી. મને આમપણ પહેલાથી જ ઓલરાઉન્ડર બનવાનો શોખ હતો. પણ મોટાભાગના બેટ્સમેન હતા, તો તેમની જ મોટાભાગે બેટિંગ આવતી. પણ જ્યારે એ લોકો નહોતા, તો મારી બેટિંગ પણ આવવા લાગી…અને હું પ્રોપર ઓલરાઉન્ડર બન્યો.’

12 વર્ષની ઉંમરે મેજર ટુર્નામેન્ટ જીતીને બ્રેક-થ્રુ મેળવ્યું…

નાની ઉંમરે કઈ ટુર્નામેન્ટથી ક્રિકેટમાં આગળ વધ્યા?...આના સવાલના જવાબમાં આર્યન જણાવે છે કે, ‘કોવિડના એક મહિના પહેલાં સ્કોડા સિંગલ વિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ત્યારે મારી ઉંમર 12 વર્ષની હતી. તેમાં હું રનર્સ-અપ રહ્યો હતો. તે ટુર્નામેન્ટ મારા માટે બ્રેક-થ્રુ રહી. સ્કોડા સિંગલ વિકેટ, એટલે તેમાં 1 vs 1 પ્લેયરની જ મેચ હોય. બાકી 10 ફિલ્ડર્સ બન્ને ટીમમાંથી ફિલ્ડિંગ કરે.’

‘મતલબ જેની સામે મારી મેચ હોય; તે મને બોલિંગ નાખે, અને પછી હું એને બોલિંગ નાખું. એમાં 2 ઓવરમાં જે સૌથી વધુ રન બનાવે, તે જીતે...અને તમે આમાં આઉટ થઈ જાઉં, તો 2 રન માઇનસ થઈ જાય. આમાં પહેલા રાજકોટ લેવલે ટુર્નામેન્ટ થઈ હતી. તેમાં 250 છોકરાઓ હતા. તેમાં છેલ્લે 8 સિલેક્ટ થયા. એ આઠ વચ્ચે 1 vs 1ની મેચ રમાઈ. તેમાં ફાઈનલમાં હું પહોંચ્યો અને ક્લોઝ મેચમાં હું જીત્યો.’

‘આવી જ રીતે ભારતના 50 મેગા સિટીમાંથી જે ચેમ્પિયન બન્યા હતા. તેઓ મુંબઈમાં ઓવરઓલ આખી ટુર્નામેન્ટ હતી, તેમાં અમે બધા પ્લેયર્સ સિલેક્ટ થયા હતા. ત્યાં પણ આ જ ફોર્મેટમાં હું ફાઈનલમાં પહોંચ્યો હતો. ત્યાં ફાઈનલમાં હું 2 રનથી હારી ગયો અને રનર-અપ બન્યો. ત્યારે રનર-અપને પ્રાઇઝ 5 લાખ મળતું હતું. એટલે મારી પહેલી ફાઇનાન્શિયલ પ્રાઇઝ મની મળી હોય અને મેજર ટુર્નામેન્ટ જીતી હોય તે 12 વર્ષની ઉંમરે હતી.’

સ્કોડા સિંગલ વિકેટ ટુર્નામેન્ટમાં રનરઅપ ટ્રોફી સાથે આર્યન સવસાણી.
સ્કોડા સિંગલ વિકેટ ટુર્નામેન્ટમાં રનરઅપ ટ્રોફી સાથે આર્યન સવસાણી.

‘પપ્પા-મમ્મીએ કોઈ દિવસ ટોક્યો નથી…કોચે પણ ઘણું માર્ગદર્શન આપ્યું’

પેરેન્ટ્સ અને કોચે આર્યનને શું એડવાઇઝ આપી છે…આ વિશે આર્યને કહ્યું, ‘મારું ફેમિલી છે એ એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડનું છે. પણ મને ક્રિકેટનો શોખ હતો, તો મને કોઈ દિવસ ટોક્યો નથી અને ફૂલ સપોર્ટ કર્યો છે. મારા કોચ પણ મારા પપ્પા સાથે વાત કરતા રહેતા હતા. મારા કોચ પણ મને કહેતા હતા કે જેમ જેમ એજ ગ્રુપમાં (જેમ કે U-14, U-16, U-19) ક્રિકેટ રમતો જઈશ, એવી રીતના તું શીખતો જઈશ. તું તેના કારણે આગળ પણ વધીશ. બધું એકસાથે નહીં આવે, પણ સ્ટેટ બાય સ્ટેપ આગળ વધીશ.’

‘સિલેક્ટ થયો, ત્યારે એક જ ગોલ હતો કે ભારતને જીતાડું…’

U-19માં ભારત માટે સિલેક્ટ થયા પછી ઘરે કેવો માહોલ હતો? આ વિશે આર્યને જણાવ્યું, ‘હું આ વર્ષે મે મહિનામાં BCCIના હાઇ પરફોર્મન્સ કેમ્પમાં પણ સિલેક્ટ થયો હતો. પણ ભારતની U-19 ટીમના મેઇન 15માં સિલેક્ટ થયો નહોતો. પછી આ વર્ષે રાજકોટમાં જ ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની સિરીઝમાં હું રિપ્લેસમેન્ટ તરીકે સિલેક્ટ થયો હતો. ત્યારે મારા સર, મારા પેરેન્ટ્સ અને ફેમિલી મેમ્બર્સ , બધા જ ખુબ ખુશ થયા હતા. આ પછી હું એશિયા કપ હતો અને તેમાં સિલેક્ટ થાઉં, તો તેમાં ખૂબ સારું પરફોર્મન્સ આપું. મારો ત્યારે ગોલ પણ હતો કે ભારત છેલ્લા પાંચ વખતથી આપણે ફાઈનલમાં આવીને હારી જતી, તો મને એમ જ હતું કે આ વખતે ભારતને જીતાડું.’

‘એશિયા કપમાં સિલેક્શન પહેલાં વિનુ માંકડ ટુર્નામેન્ટમાં મારું સારું પરફોર્મન્સ રહ્યું હતું. તેમાં સૌરાષ્ટ્ર માટે હું હાઇએસ્ટ રન સ્કોરર હતો અને બોલિંગમાં પણ 4 ઇનિંગમાં 7 વિકેટ હતી. ત્યારે મને લાગતું જ હતું કે હું એશિયા કપની સ્ક્વોડમાં હોઈશ. બસ, મારું ફોકસ એ જ હતું કે CoEમાં જેટલા પણ કેમ્પ થયા, તેમાં પણ બે પ્રેક્ટિસ મેચ રમાઈ હતી અને ત્યાં મારું સારું પ્રદર્શન રહ્યું હતું.’

રાજકોટમાં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા અંડર-19 સિરીઝમાં જીત્યા પછી ટ્રોફી સાથે આર્યન સવસાણી.
રાજકોટમાં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા અંડર-19 સિરીઝમાં જીત્યા પછી ટ્રોફી સાથે આર્યન સવસાણી.

‘પાકિસ્તાનીઓનું ખૂબ જ ખરાબ વર્તન, એક્શનનું રિએક્શન હતું’

મેચ દરમિયાન કે પછી, પાકિસ્તાનીઓએ કંઈ સ્લેજિંગ કર્યું હતું?...આ જવાબમાં આર્યને કહ્યું કે, ‘ભારત-પાકિસ્તાનની કોઈપણ જગ્યાએ, કોઈપણ ટુર્નામેન્ટ હોય, એ પછી U-19 હોય કે મેઇન ટીમ હોય...એની ઇન્ટેન્સિટી એકદમ હાઈ હોય છે. પાકિસ્તાનના ફેન્સ હોય કે તેમના ક્રિકેટર્સ કેવું વર્તન કરતા હોય છે, એ આપણને બધાને ખબર હોય છે. તેઓ જે ના બોલવાનું હોય, એ બોલે…’

‘મેચમાં પણ જે પ્લેયર્સ રમતા હોય કે ના રમતા હોય, એ લોકોએ ખૂબ જ એબ્યુસિવ લેંગ્વેજ વાપરી છે. ટૂંકમાં જે ના કરવાનું હોય, એ કરી દે છે...આપણી સાઇડથી તો કંઈ શરૂ થતું નથી.. એ લોકોએ જે એક્શન કર્યું હતું, તેનું જ ખાલી આ રિએક્શન હતું.’

‘એ લોકોનો જે કીપર હતો હમઝા, એણે અમારા મેઇન બેટર્સ..જેમ કે આર્યવીર છે બાકીના ટૉપ ઓર્ડરના બેટ્સમેન હતા, તેમની સાથે વિકેટની પાછળથી ખૂબ જ ખરાબ રીતે બોલતો હતો. એટલે જ્યારે અમે જીત્યા, એટલે જ જે પણ એગ્રેશન હતું, એ એની સામે જ નીકળ્યું.’

‘અમારે તે પાકિસ્તાનીઓને જવાબ આપવો જ હતો…’

આપણા સેલિબ્રેશનની ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ રહી છે. અને તેમાં ઘણા લોકોને આ વાત ગમી નથી. તમે ઈન્ડિયન પ્લેયર તરીકે આને કઈ રીતના જોવો છો, એવું તે શું થયું કે આપણા પ્લેયર્સે આવું સેલિબ્રેશન કર્યું? આના જવાબમાં આર્યને ખુલાસો કર્યો કે ‘યશવીર અને મનલ, આ બન્નેએ જે પણ રિએક્શન આપ્યું છે, એ મારા ખ્યાલ પ્રમાણે તો બરાબર જ છે. કારણ કે એ 100% જરૂરી હતું. કારણ કે દિવાળીના દિવસે જ્યારે લીગ મેચમાં અમે તેમની સામે હાર્યા, ત્યારે એ લોકોની જે એક્શન હતી...ઉપરાંત જે સપોર્ટ કરવા આવ્યા હતા, તે ફેન્સ પણ ખરાબ રીતે વર્તન કરતા હતા. એટલે અમે બધા પ્લેયર્સને એ વાત મનમાં રહી ગઈ હતી કે આ બધાનો છેલ્લે ફાઈનલ જીતીને જવાબ દેવો છે. એ બધાને દેખાડવું હતું કે અમે ઈન્ડિયાના પ્લેયર્સ કઈ રીતના કેપેબલ છીએ. પછી એમાં અમે પણ સાવ છેલ્લા બોલે ચેમ્પિયન બન્યા. ત્યારે અમારું બધાનું રિએક્શન એકસાથે નીકળ્યું. એટલે એ બન્નેએ એવી રીતના રિએક્શન આપ્યું, એટલે જ મને લાગે છે કે જે કર્યું એ બરાબર કર્યું.’

BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ પણ અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય ખેલાડીઓના આક્રમક ઉજવણીનો બચાવ કર્યો.
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ પણ અંડર-19 એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય ખેલાડીઓના આક્રમક ઉજવણીનો બચાવ કર્યો.

એક જ ગોલ હતો, પાકિસ્તાનને હરાવવું છે…

ફાઈનલ પહેલા ડ્રેસિંગ રૂમ અને ટીમ મિટિંગમાં શું માહોલ હતો? આના જવાબમાં આર્યને કહ્યું કે, ‘અમારા કોચને અમારા બધા પર ખૂબ જ ટ્રસ્ટ હતો. એટલે તમને ખ્યાલ હતો કે અમે ઘણું સારું પરફોર્મ કરી શકીએ છીએ. અમારે અમારા પ્લાનને બરાબર યુઝ કરવાના હતા. અમારી બેટિંગ લાઇનઅપ પણ ખૂબ જ લાંબી છે...તમામ 11 ખેલાડીઓ બેટિંગ કરી શકતા હતા. જેનો ફાયદો અમને ફાઈનલમાં પણ મળ્યો. અમારો ગોલ એ જ હતો કે ગઈ વખતની એશિયા કપમાં જીતેલી આ જ પાકિસ્તાનની ટીમને હરાવવી છે.’

પ્લાનને વળગી રહ્યા, મેચમાં ભારતને બનાવી રાખ્યું…

આર્યન જ્યારે બેટિંગમાં આવ્યો, ત્યારે તેના મનમાં શું ચાલતું હતું? આના જવાબમાં સવસાણીએ કહ્યું, ‘હું જ્યારે બેટિંગમાં આવ્યો, ત્યારે એક જ ઓવરમાં બે વિકેટ પડી હતી. લક્ષ્ય પછી અન્વય આઉટ થયો. ત્યારે ટાર્ગેટ ચેઝ કરવા માટે દરેક ઓવરમાં 11 રન તો બનાવવા જ પડે તેમ હતા..ત્યારે હું અને મનલ પણ જસ્ટ આવ્યો હતો. તો કોઈ સેટ બેટ્સમેન નહોતા. ત્યારે અમે બન્નેએ એવો પ્લાન હતો કે દરેક ઓવરમાં એક બાઉન્ડરીની સાથે સિંગલ-ડબલ લઈને મેચને છેલ્લે સુધી ખેંચવી હતી. તો અમે એ જ ટ્રાય કરી અને અમે બન્નેએ રનરેટને 11થી લાવીને 9 સુધી કરી દીધી. અમે બન્નેએ એ જ નક્કી કર્યું હતું કે છેલ્લે સુધી મેચને લઈ જઈને મેચ જીતી શકીએ છીએ. પણ હું આઉટ થઈ ગયો…’

‘અમને બધાને વિશ્વાસ હતો કે મોહિત-મનલ જીતાડી દેશે’

મોહિતના ક્રિઝ પર ગયા પછી ઈન્ડિયન કેમ્પમાં શું વાત થઈ? આના પર આર્યન સવસાણીએ જણાવ્યું કે, ‘મારા પછી મોહિત ક્રિઝ પર આવ્યો. ત્યારે પણ ટીમને ઘણો ટાર્ગેટ ચેઝ કરવાનો હતો. તો ત્યારે ડ્રેસિંગ રૂમમાં પણ બધાને વિશ્વાસ હતો કે આ બન્ને બેટ્સમેન છેલ્લે સુધી રમી ગયા તો મેચ જીતી શકીએ છીએ. અમને બધાને વિશ્વાસ હતો કે આ બન્ને મેચ જીતાડી દેશે. બસ, ત્યારે વિકેટ ના પડે તે જ મહત્ત્વનું હતું.’

એટલે જ એ બન્નેએ જે ઇનિંગ રમી, એ ખૂબ જ અનબિલિવેબલ હતી અને ભારતને એશિયા કપ ચેમ્પિયન બન્યું, તેમાં મજા આવી ગઈ.’

આર્યવીર સેહવાગ અને અન્વય દ્રવિડ વિશે…

મોટા ક્રિકેટર્સના દીકરા સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવું કેવું રહ્યું..? આના પર ર્યને કહ્યું, ‘આર્યવીર કે અન્વય, આ બન્નેમાંથી એવું ફીલ જ નહોતું થતું કે એ લોકો મોટા ક્રિકેટર્સના દીકરાઓ છે. અમારું પહેલાથી જ ટીમ બોન્ડિંગ જોરદાર રહ્યું છે. બન્નેમાં જરા પણ ઇગો નહોતો.’

આર્યવીર સેહવાગ અને અન્વય દ્રવિડ.
આર્યવીર સેહવાગ અને અન્વય દ્રવિડ.

રવીન્દ્ર જાડેજા આઇડલ, ફેવરિટ બેટર કેએલ રાહુલ

ક્રિકેટના આઇડલ કોણ અને ફેવરિટ પ્લેયર કોણ? આના જવાબમાં આર્યને કહ્યું, ‘મારા આઇડલ તો પહેલાથી જ રવીન્દ્ર જાડેજા છે. તેમની આ ઉંમરમાં પણ ફિટનેસ અને સ્કિલ્સ છે, એ મને ખૂબ ગમે છે...હું પણ તેમની જેમ જ લેફ્ટ આર્મ સ્પિનર છું અને લેફ્ટ હેન્ડ બોલિંગ કરું છું. મને પણ તેમની જેમ જ પોઇન્ટમાં ફિલ્ડિંગ કરવી ખૂબ જ ગમે છે અને હું એવું જ કરું છું. તેમની સાથે મને બેટિંગમાં કેએલ રાહુલ પણ ખૂબ ગમે છે. કારણ કે બેટિંગમાં જે તેઓ વર્સટાલિટી બતાવે છે, એટલે તેમની બેટિંગ જોવી ગમે છે.’

જાડેજાની સલાહ- તું મેન્ટલી સ્ટ્રોંગ થા, છેલ્લે તને બધું એ ગ્રાઉન્ડમાં રિઝલ્ટ આપશે

આર્યન સવસાણીએ રવીન્દ્ર જાડેજા સાથે પ્રેક્ટિસ સેશન પણ કર્યું હતું. ત્યારે તેમની સાથે શું વાત થઈ હતી? આના પર આર્યન સવસાણી જણાવે છે કે, ‘હમણાં થોડા મહિનાઓ પહેલાં શ્રીલંકા જતા પહેલાં, જ્યારે તેઓ રાજકોટ નિરંજન શાહ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવા આવ્યા, ત્યારે એમની સામે મેં બોલિંગ પણ કરી હતી અને તેમની બોલિંગ સામે બેટિંગ પણ કરી હતી. ત્યારે મને તેમની પાસેથી ખૂબ જ સારું શીખવા મળ્યું, કારણ કે એ જે લેવલના પ્લેયર છે, આટલો અનુભવ છે, તો તેમની પાસેથી ઘણું શીખવા મળે છે. એમણે મને એ જ કીધું હતું કે તું પ્રેક્ટિસમાં પણ તારું 100% આપ. તારું માઇન્ડ એવી રીતે રાખ કે તારે અહીં જ શીખવાનું છે. તું મેન્ટલી સ્ટ્રોંગ થા, છેલ્લે તને બધું એ ગ્રાઉન્ડમાં રિઝલ્ટ આપશે.’

આર્યન સવસાણીએ કહ્યું કે તેનો ક્રિકેટિંગ આઇડલ રવીન્દ્ર જાડેજા છે.
આર્યન સવસાણીએ કહ્યું કે તેનો ક્રિકેટિંગ આઇડલ રવીન્દ્ર જાડેજા છે.

‘જંકફૂડથી દૂર, પરફોર્મન્સ માટે જરૂરી વસ્તું ફોલો કરું છું’

આર્યન પોતાના ડાયેટ પ્લાન વિશે કહે છે કે, ‘ડાયેટ પ્લાનમાં મારે જે પ્રમાણે કેલરી બર્ન કરવાની હોય અને પ્રોટિન જેટલું લેવાનું હોય, એ રીતના લઉં છું. જેટલા પણ ન્યૂટ્રીઅન્ટ્સ છે, એને કવર કરીને અને જંકફૂડને દૂર રાખીને મારી બોડી માટે જે જરૂરી છે અને સાથે પરફોર્મ કરવા માટે, તો તેને ફૉલો કરું છું.’

આર્યન સવસાણીનો હવેનો નેક્સ્ટ ગોલ શું?

આ સવાલના જવાબમાં તે કહે છે, ‘U-19 એશિયા કપના કેમ્પેઇન પછી હવે નેક્સ્ટ ચેલેન્જિસ અને સ્ટેપ્સ આવશે, તેના પર ફોકસ રાખીશ. આવતા વર્ષે અંડર-23ની ટુર્નામેન્ટ આવશે, તેમાં ટીમની જે માગ હશે, તે પ્રમાણે હું તૈયાર થઉં.’

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links