Sat, Nov 28, 2026Updated 08:42 AM IST
Google Preferred Source CTA

બિસ્લેરીના પાણીના સેમ્પલ ફરી ફેલ:હવે બેક્ટેરિયા મળતા FSSAIએ બીજીવાર કેસની મંજૂરી આપી; અગાઉ ગોવામાં કેન્સરકારક કેમિકલ મળ્યા હતા

કોલકાતા3 મિનિટ પેહલા
  • કૉપી લિંક

પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં બિસ્લેરીના પાણીના સેમ્પલમાં કોલિફોર્મ બેક્ટેરિયા મળી આવ્યા છે. ત્યારબાદ ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI)એ કંપની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે. આ માહિતી ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોને ટાંકીને આપી છે.

FSSAI મુજબ, પ્રાથમિક અને રેફરલ બંને લેબોરેટરીમાં તેની પુષ્ટિ થઈ છે. કોલિફોર્મ બેક્ટેરિયા ગટરના પાણી અથવા ગંદી પાઈપો દ્વારા પીવાના પાણીમાં પહોંચી શકે છે.

આ પહેલાં ગોવામાં બિસ્લેરીના પાણીના સેમ્પલમાં કેન્સર સાથે સંકળાયેલા રસાયણો બ્રોમેટ અને પોલીન્યુક્લિયર એરોમેટિક હાઈડ્રોકાર્બન (PAH) મળી આવ્યા હતા. ત્યારે પણ કંપની સામે કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

બિસ્લેરીની એક બેચના વેચાણ પર મૂકવામાં આવ્યો પ્રતિબંધ

FSSAIએ બિસલેરીના બેચ નંબર PB 201ના પાણીનો નમૂનો તપાસ માટે લીધો હતો. આ નમૂનો પશ્ચિમ બંગાળના જલપાઈગુડી સ્થિત કંપનીના પ્લાન્ટમાંથી લેવામાં આવ્યો હતો. આ બેચનું ઉત્પાદન 20 જુલાઈ 2026ના રોજ થયું હતું અને તેની એક્સપાયરી તારીખ 19 જાન્યુઆરી 2027 હતી.

બે લેબોરેટરીમાં બેક્ટેરિયા મળી આવ્યાની પુષ્ટિ થયા બાદ 12 ઑગસ્ટ 2026ના રોજ આ બેચના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બિસલેરીના માત્ર એક બેચ (PB 201) સામે કરવામાં આવી છે.

દેશભરમાં પાણીના નમૂનાઓની તપાસ કરી રહ્યું છે FSSAI

FSSAIના CEO રજિત પુનહાનીએ જણાવ્યું કે દેશભરમાં પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના નમૂનાઓ લેવામાં આવી રહ્યા છે. તેમની તપાસ આગામી એકથી બે મહિનામાં પૂર્ણ થવાની આશા છે.

તેમણે કહ્યું કે આ કાર્યવાહીનો હેતુ કંપનીઓ પાસે નિયમોનું પાલન કરાવવાનો છે, લોકોમાં ભય ફેલાવવાનો નહીં.

FSSAIએ તમામ રાજ્યોના ખાદ્ય સુરક્ષા અધિકારીઓને પેકેજ્ડ ડ્રિંકિંગ અને મિનરલ વોટરની તપાસ વધારવાના નિર્દેશ આપ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરતી કંપનીઓ સામે કાર્યવાહી કરવા પણ કહેવામાં આવ્યું છે.

બિસલેરીએ કહ્યું- તપાસમાં સંપૂર્ણ સહયોગ કરીશું

બિસલેરીએ પોતાના પાણીને પીવા માટે સલામત ગણાવ્યું છે. કંપનીએ કહ્યું કે તે FSSAIની તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે.

કંપનીના જણાવ્યા મુજબ, પાણી તૈયાર કરતી વખતે 10 તબક્કામાં 90થી વધુ વખત તેની ગુણવત્તાની તપાસ કરવામાં આવે છે. બિસલેરીએ કહ્યું કે પાણીની સુરક્ષા તેની પ્રથમ પ્રાથમિકતા છે.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links