- Gujarati News
- National
- AI Threat Alert; Nikola Jurkovic Warns Of Banking Collapse & Ration Need
AIથી 2027માં લાખો લોકોનાં મોત થઈ શકે છે:ઘરમાં 14 દિવસનું રાશન-પાણી અને રોકડ રાખો, ઑનલાઇન બેન્કિંગ પણ ઠપ થશે; નિષ્ણાતોએ આપી ચેતવણી
- કૉપી લિંક

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI કોરોના કરતાં પણ મોટું સંકટ ઊભું કરી શકે છે. તેનાથી 2027માં લાખો લોકોનાં મોત થઈ શકે છે. આ ચેતવણી GPT-5ની સુરક્ષા તપાસ કરી ચૂકેલા વૈજ્ઞાનિક નિકોલા યુરકોવિચે આપી છે.
હાર્વર્ડમાં અભ્યાસ કરેલા નિકોલાએ પત્ર જાહેર કરીને કહ્યું કે ઘરમાં 14 દિવસનું રાશન-પાણી અને રોકડ જરૂર રાખો. ઑનલાઇન બેન્કિંગ ઠપ થઈ શકે છે.
નિકોલાના જણાવ્યા મુજબ, AI પર મનુષ્યોનું નિયંત્રણ નબળું પડી રહ્યું છે. આ વર્ષે AIએ કંપનીઓની કમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. તેમણે ચેતવણી આપી કે આવનારા સમયમાં AIને કારણે લોકોના જીવ જવાનો ખતરો પણ વધી શકે છે.
WHO મુજબ, કોરોના મહામારીથી સમગ્ર વિશ્વમાં 71 લાખથી વધુ મોત નોંધાયા હતા. જોકે, વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે વાસ્તવિક સંખ્યા 2 કરોડથી વધુ હોઈ શકે છે.

2030ના અંત સુધી માનવતા ખતમ થવાનું જોખમ
યુર્કોવિચના જણાવ્યા મુજબ, AIના વિકાસની ગતિ નહીં અટકે તો 2030ના અંત સુધી માનવતા ખતમ થવાનો અથવા AI પરનો નિયંત્રણ ગુમાવવાનો ખતરો 50% છે. જો આમાંથી બચી પણ ગયા તો આગામી 10 વર્ષમાં હાલની મોટાભાગની નોકરીઓ ખતમ થઈ શકે છે.

અન્ય નિષ્ણાતોએ પણ કહ્યું- AIની ઝડપ ઓછી કરો
યોશુઆ બેન્ઝિયો, AIના જનક: આપણે ઝડપથી એવા AI બનાવી રહ્યા છીએ, જેના પર નિયંત્રણ કેવી રીતે રાખવું તે આપણે જાણતા નથી. આ માનવતા માટે જોખમ બની શકે છે.
જેફ્રી હિન્ટન, નોબેલ વિજેતા: આગામી 3 વર્ષમાં AI મનુષ્યોનો નાશ કરી શકે છે અને દુનિયા પર કબજો કરી શકે છે. તેને કાબૂમાં રાખવાનો રસ્તો શોધવો જરૂરી છે.

AI પોતે હથિયારો અને ડ્રોન બનાવી શકે છે
નિષ્ણાતોને ભય છે કે AI ભવિષ્યમાં પોતે નવા હથિયારો બનાવી શકે છે. તે ડ્રોન અને રોબોટની મદદથી મહત્વપૂર્ણ ઠેકાણાઓ પર કબજો કરવાનો પ્રયાસ કરી શકે છે. AIનો ઉપયોગ ખતરનાક જૈવિક હથિયારો બનાવવામાં પણ થઈ શકે છે. AI સુરક્ષા નિષ્ણાત અને એલાઇનમેન્ટ રિસર્ચ સેન્ટરના સ્થાપક પૉલ ક્રિસ્ટિયાનોના જણાવ્યા મુજબ, જો AI પોતાના નિર્ણયો જાતે લેવા લાગે અને મનુષ્યોને પોતાના કામમાં અડચણરૂપ સમજવા લાગે, તો તેને રોકવું મુશ્કેલ બની જશે.

















