- Gujarati News
- Magazine
- Kalash
- USA Visa Rejection Advice | Immigration Rules & Guidelines 2026
ઈમિગ્રેશન:રિજેક્શન પછી ફરીથી એપ્લાય ક્યારે કરાય?
- કૉપી લિંક

રમેશ રાવલ
સવાલ : મારો પુત્ર અમેરિકામાં H-1B વિઝા પર છે અને તેનો ગ્રીનકાર્ડ કેસ (I-140) ચાલુ છે. H-1B વિઝાના નિયમો અને ફીમાં ફેરફાર થવાના કારણે શું મારી પુત્રવધૂના H-4 વિઝા સ્ટેટસ કે વર્ક પરમિટ પર કોઈ અસર પડશે?- ભદ્રેશ જોશી, રાજકોટ જવાબ : જો મુખ્ય અરજદાર (H-1B હોલ્ડર)નો I-140 એપ્રૂવ થયેલો હોય, તો તેની પત્ની H-4 EAD માટે પાત્ર રહે છે. જોકે નિયમોમાં થતા સમયાંતરે ફેરફારો અને H-1B એક્સ્ટેન્શનની પ્રોસેસિંગ ફી તથા સમયગાળાને ધ્યાનમાં રાખીને, H-4 અને EADના રિન્યુઅલ માટે સમયસર ફાઇલિંગ કરવું જરૂરી છે. H-1Bનું સ્ટેટસ વૅલિડ રહેશે ત્યાં સુધી H-4 પર કોઈ સીધી નકારાત્મક અસર થતી નથી. સવાલ : હું અને મારી પત્ની અમેરિકામાં રહેતાં અમારાં પુત્ર-પુત્રવધૂને મળવા માટે B1/B2-વિઝિટર વિઝા માટે એપ્લાય કરવા માંગીએ છીએ, પણ ભારતની કોન્સ્યુલેટમાં ઈન્ટરવ્યૂની એપોઇન્ટમેન્ટ માટે 1-2 વર્ષ જેટલું લાંબું વેઇટિંગ બતાવે છે. તો શું આ એપોઇન્ટમેન્ટ વહેલી મેળવવાનો કોઈ રસ્તો ખરો?- મહેશ શાહ, વડોદરા જવાબ : અમેરિકન કોન્સ્યુલેટમાં વિઝિટર વિઝા માટે વેઈટિંગ પિરિયડ ઘણો વધારે ચાલે છે. જો પરિવારમાં કોઈ ઈમરજન્સી હોય તો જ ઈમરજન્સી એપોઇન્ટમેન્ટ માટે રિક્વેસ્ટ કરી શકાય છે. સામાન્ય પ્રવાસ માટે રેગ્યુલર સ્લોટ જ બુક કરવો પડે છે. ઓનલાઇન પોર્ટલ પર સતત ચેક કરતા રહેવાથી ક્યારેક કેન્સલેશનના કારણે વહેલાં સ્લોટ મળી જતા હોય છે. સવાલ : મારો દીકરો USAમાં F-1 સ્ટુડન્ટ વિઝા ઉપર અભ્યાસ કરે છે. તેનો અભ્યાસ પૂરો થયા પછી તેને OPT (Optional Practical Training) મેળવવામાં અને ત્યારબાદ H-1B લોટરીમાં પસંદગી થવામાં કેટલી તક રહે છે? - પરેશ પટેલ, અમદાવાદ જવાબ : F-1 સ્ટુડન્ટ્સને ડિગ્રી પૂરી કર્યા પછી 1 વર્ષની OPT મળે છે, અને જો STEM (Science, Technology, Engineering, Math) ફીલ્ડ હોય તો વધારાનાં 2 વર્ષની OPT મળે છે. આ સમયગાળા દરમિયાન એમ્પ્લોયર દ્વારા H-1B વિઝા માટે પિટિશન ફાઇલ કરી શકાય છે. પરંતુ H-1B વિઝા લોટરી સિસ્ટમ પર આધારિત હોવાથી કોઈ ચોક્કસ ગેરંટી હોતી નથી. ઘણા વિદ્યાર્થીઓ વિકલ્પ તરીકે O-1, L-1 અથવા અન્ય કન્ટ્રીના વિકલ્પો પણ વિચારતા હોય છે. સવાલ : અમારા F-4 કેટેગરીના ગ્રીનકાર્ડ કેસમાં પ્રાયોરિટી ડેઈટ આવી ગઈ છે. NVC તરફથી ફાઇનાન્સિયલ ડોક્યુમેન્ટ્સ અને DS-260 ફોર્મ ભરવા માટે સૂચના આવી છે. તો સ્પોન્સર કરનાર વ્યક્તિ સિવાય બીજા કોઈ જોઈન્ટ સ્પોન્સરની જરૂર પડે? - રમેશચંદ્ર પ્રજાપતિ, સુરત જવાબ : NVCની પ્રોસેસમાં મૂળ સ્પોન્સરનું ફોર્મ I-864 (Affidavit of Support) અને તેમનું ટેક્સ રિટર્ન રજૂ કરવું ફરજિયાત છે. જો મૂળ સ્પોન્સરની વાર્ષિક આવક US ગવર્નમેન્ટની પોવર્ટી ગાઇડલાઇન્સની મર્યાદા કરતાં ઓછી હોય, તો જ વધારાના જોઈન્ટ સ્પોન્સરની જરૂર પડે છે. તમારા કેસમાં NVC સ્ટેજ પર જ તમામ ડોક્યુમેન્ટ્સ ચોકસાઈપૂર્વક સબમિટ કરવા, જેથી ઈન્ટરવ્યૂમાં મોડું ના થાય. સવાલ : મારો વિઝિટર વિઝાનો ઈન્ટરવ્યૂ થોડા સમય પહેલાં હતો, પણ 214(b) હેઠળ રિજેક્શન આવ્યું છે. હવે મારે ફરીથી એપ્લાય કરવું હોય તો કેટલા સમય પછી કરવું જોઈએ અને ફોર્મ DS-160માં શું ફેરફાર કરવો પડે? - કલ્પેશ મહેતા, જામનગર જવાબ : રિજેક્શનનો અર્થ એ કે તમે ભારતમાં તમારા મજબૂત સંબંધો સાબિત કરી શક્યા નથી. જો તમારી પરિસ્થિતિ (આવક, નોકરી, બિઝનેસ કે કૌટુંબિક સ્થિતિ)માં કોઈ સબળ ફેરફાર ન થયો હોય તો તરત જ ફરીથી એપ્લાય કરવાનો કોઈ અર્થ નથી. ભારતમાં મજબૂત પ્રોપર્ટી, બિઝનેસ અને ટ્રાવેલ હિસ્ટ્રી ઊભી કર્યાં પછી અને પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયા બાદ જ નવી અરજી કરવી યોગ્ય છે. સવાલ : મારો પુત્ર અને પુત્રવધૂ બંને અમેરિકામાં H-1B વિઝા ઉપર છે. જો મારી પુત્રવધૂ F-1 સ્ટુડન્ટ વિઝામાં સ્ટેટસ ચેન્જ કરાવે, તો શું તેને પણ OPT કે CPT હેઠળ કામ કરવાની પરવાનગી મળી શકે?- પ્રકાશ જોશી, વડોદરા જવાબ : F-1 વિઝા ધારક તરીકે જો અભ્યાસ પૂરતો સમય પૂર્ણ કરવામાં આવે, તો નિયમ મુજબ CPT (Curricular Practical Training) અથવા અભ્યાસ પૂરો થયા પછી OPT (Optional Practical Training)ની પાત્રતા મળે છે. જોકે, H-4 વિઝા કરતાં F-1 માં સ્ટેટસ ચેન્જ કરાવવા માટે યુનિવર્સિટીના નિયમો અને સેવિસ (SEVIS)ના નિયમોનું કડક પાલન કરવું જરૂરી બને છે. સવાલ : અમેરિકાના વિઝિટર વિઝા (B1/B2)નો ઈન્ટરવ્યૂ આપતી વખતે કયા કયા મુખ્ય દસ્તાવેજો સાથે રાખવા જરૂરી છે? શું પ્રોપર્ટી કે બેન્ક બેલેન્સના કાગળ જમા કરાવવા પડે છે?- ભરત પટેલ, આણંદ જવાબ : વિઝિટર વિઝા ઈન્ટરવ્યૂ દરમિયાન કોન્સ્યુલર ઓફિસર સામાન્ય રીતે કાગળ જોતા નથી, પણ માંગે ત્યારે બતાવવા માટે તમારી પાસે ભારતમાં સામાજિક અને નાણાકીય ટાઈ સાબિત કરતા ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે, જેમાં બેન્ક સ્ટેટમેન્ટ, સી.એ. રિપોર્ટ, આઈ.ટી. રિટર્ન, પ્રોપર્ટીના કાગળ, નોકરી કે બિઝનેસના પુરાવા અને સ્પોન્સરશિપ લેટર (જો હોય તો) સાથે રાખવા જરૂરી છે. સવાલ : મારી F-2B કેટેગરીમાં પિટિશન ફાઇલ કરેલી છે. જો હું પ્રોસેસિંગ દરમિયાન લગ્ન કરી લઉં તો કેસ પર એની શું અસર થાય?- ચેતન ત્રિવેદી, રાજકોટ જવાબ : ગ્રીનકાર્ડ હોલ્ડર માતા-પિતા દ્વારા ફાઇલ કરાયેલી F-2B કેટેગરી ફક્ત અવિવાહિત પુત્ર કે પુત્રી માટે જ હોય છે. જો પિટિશન પેન્ડિંગ હોય કે એપ્રૂવ થઈ ગઈ હોય તે દરમિયાન અરજદાર લગ્ન કરી લે, તો આ પિટિશન આપોઆપ રદ થઈ જાય છે. તેથી ગ્રીનકાર્ડ ન મળે ત્યાં સુધી લગ્ન ન કરવા અથવા માતા-પિતા અમેરિકાનાં સિટિઝન થાય તેની રાહ જોવી પડે.
















