Mon, Nov 16, 2026Updated 02:14 PM IST
Google Preferred Source CTA

ઓક્સિજન:આપવા માટે કંઈ નથી

12 દિવસ પેહલાલેખક: ગૌરાંગ દરજી
  • કૉપી લિંક

‘તમે તો મને અમૂલ્ય વસ્તુ આપી દીધી, સાહેબ.’ હું મૂંઝાઈને રમેશકાકાને જોઈ રહ્યો. મને એ દિવસ યાદ આવી ગયો. મોર્નિંગ વોક માટે ગાર્ડન જતાં મેં જોયું કે સાઠ-પાંસઠ વર્ષના એક કાકા ગાર્ડનના દરવાજાથી થોડે દૂર ફૂટપાથ ઉપર બેઠા હતા. શરીરે ઉમરની અસર, મોં ઉપર લાચારી, આંખોમાં હતાશા દેખાતાં. પરંતુ, પહેરવેશથી તે સૌમ્ય હતા. હું કળી નહોતો શકતો કે એ કોણ હોઈ શકે? થોડા દિવસ સુધી ત્યાંથી પસાર થતાં નજર એમની ઉપર જ રાખતો. એક દિવસ અમારી નજર મળી અને એમણે ખૂબ સંકોચથી ઢીંચણ ઉપર ટેકવેલો હાથ ઊંધો ફેરવી માંગવાની મુદ્રામાં જરાક આગળ ધર્યો. હું અટક્યો. મોર્નિંગ વોક માટે નીકળ્યો હોવાથી મારી પાસે વોલેટ નહોતું એટલે મેં કહ્યું, ‘કાકા, મારી પાસે આપવા માટે કઇં નથી.’ એમણે શરમ અને અસહજતા અનુભવતા કહ્યું ‘ના, ના, હું માંગતો નથી.’ એમના શબ્દમાં સંકોચ હતો પણ સંકોચાયેલી આંખોમાં જરૂરિયાત દેખાતી હતી. મેં પૂછપરછ કરીને જાણ્યું કે તે કોઈ પ્લાન્ટમાં લેબર સુપરવાઇઝર તરીકે કામ કરતાં હતા, પરંતુ ઉમર થતાં નોકરી છૂટી ગઈ અને હવે કમાણીનું કોઈ સાધન નહોતું. તેમનાં પત્ની એક-બે ઘરની રસોઈ બનાવતાં. થોડો પગાર અને થોડું ખાવાનું લઈ આવતા. કાકા કહે, ‘હું કામ કરી શકું છું પરંતુ મારા શરીરને જોઈ કોઈ કામ આપતું નથી એટલે હવે…’ આખો દિવસ મને એમનો ચહેરો નજર સામે આવતો અને હું પોતાને જ પૂછતો કે શું આપી શકું? મેં બીજે દિવસે તેમને મારી ઓફિસે બોલાવ્યા. કાકા સમયસર આવ્યા. મેં કહ્યું, ‘મારી ઓફિસના આ પાંચ પ્યૂન છે. એમનો યોગ્ય ઉપયોગ થતો નથી. આજથી તમે એમને કામની વહેંચણી કરવાની જવાબદારી સંભાળો. તમે એમના સુપરવાઇઝર.’ એ જ અમારા રમેશકાકા. આ દિવાળીએ પ્યૂનને મીઠાઇ વહેંચવાનું કામ મેં તેમને સોંપ્યું. ક્યારેક મારી આગળ સંકોચથી માંગવા ઊઠેલો હાથ આજે આપવાની મુદ્રામાં હતો. મેં ફરી પૂછ્યું કે મેં એવું તો શું આપ્યું જે અમૂલ્ય છે? એ કહે, ‘આત્મગૌરવ.’

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links