Mon, Nov 16, 2026Updated 02:22 PM IST
Google Preferred Source CTA

આઠમી અજાયબી:રામકિયેન : થાઈલેન્ડના હૃદયમાં ધબકતી રામકથા

12 દિવસ પેહલા
  • કૉપી લિંક

માયા ભદૌરિયા

રામ રોષિ રન રાવન મારા, અસુર સહારી વિભીષન તારા. આયે રામ અયોધ્યા પુરી, ભયે હરષિત સબ નર નારી. ઘર ઘર મંગલ કલશ સજાયે, ઘૃત કે દીપક બહુત જલાયે.

ગોસ્વામી તુલસીદાસજીએ આ ચોપાઈમાં ત્રેતાયુગના એ દિવ્ય વિજયોત્સવનું સુંદર શબ્દચિત્ર દોર્યું છે. અધર્મ પર ધર્મનો વિજય મેળવી શ્રીરામ, માતા સીતા અને લક્ષ્મણજી અયોધ્યા પધાર્યાં, ત્યારે આખી નગરી હરખાઈ ઊઠી. અયોધ્યાવાસીઓએ ઘેર-ઘેર મંગળ કળશ સજાવી અને ઘીના દીવડા પ્રગટાવી ઉત્સવ મનાવ્યો. જોકે, રામકથાની આ દિવ્યતા માત્ર ભારત પૂરતી સીમિત નથી, હજારો કિલોમીટર દૂર બૌદ્ધ ધર્મી દેશ થાઈલેન્ડમાં પણ રામકથા એટલી જ શ્રદ્ધા અને ગૌરવ સાથે જીવંત છે.

થાઈલેન્ડમાં રામકિયેન ક્યાંથી પહોંચ્યું? થાઈ ભાષામાં રામકિયેન અથવા રામકિએર્તીનો અર્થ થાય ‘રામની કીર્તિ’ અથવા ‘રામનો યશ.’ 13મીથી 14મી સદી દરમિયાન ભારતીય વેપારીઓ, પંડિતો અને સાંસ્કૃતિક દૂતો દ્વારા મહર્ષિ વાલ્મીકિ રચિત રામાયણ શિયામ (હાલનું થાઈલેન્ડ) પહોંચી. એ સમયે થાઈ પ્રજાએ રામજીને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું. સમય જતાં થાઈ પ્રજાએ પોતાની સંસ્કૃતિ, પરંપરા અને માન્યતાઓમાં એવી રીતે વણી લીધી કે રામકિયેન થાઈલેન્ડનું રાષ્ટ્રીય મહાકાવ્ય બની ગયું. 1375થી 1767 સુધી થાઈલેન્ડ (તત્કાલીન શિયામ)ની રાજધાનીનું નામ ‘સિ અયુત્થ્યા’ હતું, જે ભારતની અયોધ્યા નગરી પરથી જ રાખવામાં આવ્યું હતું. જોકે, 1767માં બર્મા (મ્યાનમાર)ના આક્રમણમાં અયુત્થ્યાના વિનાશ સાથે જ પ્રાચીન હસ્તપ્રતો બળીને ખાખ થઈ ગઈ, પણ લોકોનાં હૃદયમાંથી રામ કે રામકથા ભુંસાયા નહીં.

રામકથાનો પુનર્જન્મ થાઈલેન્ડના ચક્રી રાજવંશના પ્રથમ શાસક રાજા રામ પહેલાએ 18મી સદીના અંતમાં રામકિયેનની વાર્તાઓને ભેગી કરીને 116 ગ્રંથોમાં પદ્ય સ્વરૂપે પુનઃસંકલિત કરી. પછી રાજા રામ બીજાએ થાઈલેન્ડના સર્વોચ્ચ મુખોટા નૃત્ય ‘ખોન’માં ઢાળીને રામકથાને કલાના શિખરે બેસાડી. થાઈલેન્ડના રાજાઓ પ્રજા સમક્ષ પોતાને રામ જેવા જ આદર્શ અને ન્યાયી શાસક તરીકે પ્રસ્થાપિત કરવા માટે પોતાની જાતને ‘રામ’ની ઉપાધિ આપે છે. જેમ કે, વર્તમાન રાજા મહા વજિરાલોંગકોર્ન રામ 10મા તરીકે ઓળખાય છે.

થાઈ રાવણ કલાપ્રેમી અને મહાન યોદ્ધો ભારતીય રામાયણમાં રાવણ અહંકારી અને અનીતિવાળો હોવા છતાં મહાન વેદપાઠી પંડિત અને શિવભક્ત છે, પણ થાઈ રામકિયેનમાં રાવણ જે થોત્સકાનથી જાણીતો છે તે ફક્ત દાનવ કે ખલનાયક નથી, પણ અતિ જ્ઞાની, કલાપ્રેમી, પરાક્રમી અને રાજનીતિજ્ઞ યોદ્ધા છે. નાંગ સીદા એટલે કે સીતામાતા પ્રત્યેનો તેનો પ્રેમ માત્ર છળ-કપટ કે વાસના નથી, પણ કરુણ અને એકતરફી પ્રેમગાથા તરીકે આલેખાયો છે.

રામાયણ અને રામકિયેન વચ્ચે શું ભેદ છે? ધર્માત્મા રામ : ભારતીય રામાયણમાં શ્રીરામ પરમાત્મા છે. જ્યારે રામકિયેન એ બૌદ્ધ ધર્મની જાતક કથાઓના પ્રભાવ હેઠળ લખાયેલો સાંસ્કૃતિક અને નીતિશાસ્ત્રનો ગ્રંથ છે. અહીં ફ્રા રામ (શ્રીરામ) શ્રેષ્ઠ અને ધર્માત્મા રાજા તરીકે પૂજાય છે. નાંગ સીદા (સીતાજી)ની ઉત્પત્તિ: ભારતીય રામાયણમાં સીતાજી રાજા જનકને હળ ચલાવતી વખતે ધરતીમાંથી મળે છે, પણ રામકિયેનમાં નાંગ સીદા એ થોત્સકાન (રાવણ) અને મંદોદરીની પુત્રી છે! તેમના જન્મ સમયે જ ભવિષ્યવાણી થઈ હતી કે આ કન્યા થોત્સકાનના આખા વંશના વિનાશનું કારણ બનશે, તેથી તેને કમળના ફૂલમાં મૂકી નદીમાં વહાવી દેવામાં આવે છે અને પછી રાજા જનક તેમને દત્તક લે છે. હનુમાનજી: રામાયણમાં હનુમાનજી બાલબ્રહ્મચારી, આજીવન રામજીના દાસ અને પરમ ભક્ત તરીકે પૂજનીય છે. જ્યારે રામકિયેનમાં હનુમાનજી (શ્વેત વાનર) પરાક્રમી હોવાની સાથે સાથે ચતુર, નટખટ, રમૂજી યોદ્ધા છે. રાવણનું હૃદય: ભારતીય રામાયણની કથામાં રાવણની નાભિમાં અમૃત છે, પણ રામકિયેનમાં થોત્સકાન પોતાનું હૃદય શરીરની બહાર એક જાદુઈ પેટીમાં તેના ગુરુ પાસે સુરક્ષિત રાખે છે.

થાઈ પ્રજા પર રામકિયેનનો પ્રભાવ

  • થાઈલેન્ડનું સર્વોચ્ચ શાસ્ત્રીય મુખોટા નૃત્ય ‘ખોન’, ચામડાંની કઠપૂતળીઓનું છાયા-નાટક ‘નાંગ યાઇ’ અને પરંપરાગત કઠપૂતળી કલા મૂળ તો રામકિયેનની વાર્તાઓ જ રજૂ કરે છે.
  • બેંગકોકના પ્રખ્યાત ગ્રાન્ડ પેલેસની ગેલેરીની દીવાલો પર રામકિયેનની આખી વાર્તા મનોહર ચિત્રો રૂપે અંકિત થયેલી છે. વાટ અરૂણ મંદિર ખાતે આવેલાં રાક્ષસોનાં વિશાળ પૂતળાં પણ રામકિયેનની યાદ અપાવે છે.
  • થાઈલેન્ડની શાળાનાં પાઠ્યપુસ્તકોમાં ‘મઇયરાપ’ અથવા અહિરાવણનો પ્રસંગ અને હનુમાનના પુત્ર ‘મચ્છાનુ’ની વાર્તા દ્વારા બાળકોને આભાર વ્યક્ત કરતા, કર્તવ્યનિષ્ઠા, વિવેક અને પ્રામાણિકતા જેવાં મૂલ્યો શીખવવામાં આવે છે.
.

    Local News

    Today Weather Update

    Our Group Site Links