Mon, Nov 16, 2026Updated 02:17 PM IST
Google Preferred Source CTA

રિફ્લેક્શન:પોસ્ટકાર્ડ અને પત્રનું ભાવવિશ્વ

12 દિવસ પેહલા
  • કૉપી લિંક

નમ્રતા દેસાઈ

હવે દિવાળી નજીક છે. પરંતુ પહેલાં જેવો રંગ અને ઉમંગ ઓછો અને ઝાકમઝોળ જ વધારે છે. ચારે તરફ ભીતર અને બહાર બધું જ બદલાઈ રહ્યું છે. જીવન સતત પરિવર્તનશીલ છે એ ખબર છે. છતાંય માહ્યલાનાં કેટલાંક સ્મરણો અચાનક સૂકીભઠ થઈ ચૂકેલી જમીન પર ફરી કૂંપળોની જેમ ઉત્સવો આવે એટલે ફૂટવા માંડે છે. જેમ જેમ ઉંમર વધતી જાય એમ આવું પ્રત્યેકનાં જીવનમાં થતું રહે છે. આ દિવાળીના દિવસોમાં નાસ્તા, રંગોળી, દીવડા, નવાં કપડાં, વહેલાં ઊઠીને મંદિર જવાનું, સબરસ અને મુખવાસની નાની તાસક તો યાદ આવે જે. સાથે જો સૌથી વધારે યાદ આવતી હોય તો એ જે ટપાલી ખાખી થેલામાં ત્રણ-ચાર જાતનાં રંગબેરંગી દેશ-દુનિયાના સ્થળો, ભગવાનના ફોટા અને ફૂલ-વેલીની પ્રિન્ટવાળાં ‘નૂતનવર્ષાભિનંદન’ લખેલાં મામા, કાકા, દાદા, ફોઈ, જૂના પાડોશીથી લઈને ક્યારેક તો થોડી અમથી મિત્રતાના આવતા પોસ્ટકાર્ડ. આ જોઈ-વાંચીને ધન્ય થઈ જવાતું. વળી, વળતી ટપાલે આપણે પણ આવાં પોસ્ટકાર્ડ લઈને મંડી પડતા. આંતરદેશીય (Inland Letter), તાર અને નાનકડી ચિઠ્ઠી... આમ કાગળ અને કલમનો સંબંધ હજી પણ અચાનક એકાંતમાં ડોકિયું કરી લે ત્યારે આનંદની થોડી ક્ષણો ક્યાંયકથી આવીને વળગી પડે. મહાકવિ કાલિદાસે ‘મેઘદૂત’ નામે એક ખંડકાવ્ય લખીને આપણા સાહિત્યને બહુ મોટી ભેટ આપી. ‘મેઘદૂત’ એ પત્ર દ્વારા પ્રગટ થયેલું એક ઉત્તમ પ્રણયકાવ્ય છે. યક્ષ અને એની પ્રેયસી વચ્ચે થતો પ્રેમાલાપ મેઘને ‘દૂત’ એટલે કે સંદેશાવાહક તરીકે આ કાવ્યગ્રંથમાં વર્ણવ્યો છે. આ વર્ણન એટલું અદભુત રીતે થયું છે કે વાંચતી વખતે આપણી સમક્ષ યક્ષનો વિરહ અને એની વેદના આબેહૂબ પ્રગટ થાય છે. શાળાઓમાં વર્ષોથી પત્રલેખન વિશે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે, પણ આ ગોખણપટ્ટીવાળાં પત્રલેખન ફક્ત અને ફક્ત માર્ક્સ માટે જ લખાયાં હોય છે. પોતાની વાત કે લાગણી સૌપ્રથમ જો કોઈને જણાવવી હોય તો આપણા અત્યંત નિકટના સ્વજનને. એટલે કશું બોલતાં જો શરમ-સંકોચ અનુભવાય ત્યારે દૂર વસેલી વ્યક્તિને શબ્દો કલમ દ્વારા કાગળ પર ઉતારી માણસ પોતાની અભિવ્યક્તિ કરવા માટે તરસે. મનુષ્યજાતિને જ્યારે વાણી અને ભાષા મળ્યાં એ જ ઈશ્વરે આપેલો અમૂલ્ય ઉપહાર છે અને લિપિ એ મનુષ્યનું પોતાનું સર્જન છે. એક સમય હતો, જ્યારે જેણે જેણે એમના જીવનમાં જે કોઈને પત્રો લખ્યા એમાં એમની ભીતરની મીઠી, ખારી, કડવી કે તૂરી લાગણી પૂરેપૂરી પ્રામાણિકતાથી અભિવ્યક્ત થઈ હોવી જોઈએ, કારણ કે એ પત્રો અનેક સંવેદનાઓને પ્રગટ કરવાનું એક સચોટ માધ્યમ હતું. હજી આજે પણ નાના કસબાઓ અને ગામડાંઓમાં પોસ્ટઓફિસ પોતાનો મહત્ત્વનો દરજ્જો ધરાવે છે. પહેલાંના સમયમાં પરદેશ કે સરહદ પર ગયેલાં પ્રેમી કે પતિ માટે પોતાની પત્ની અને પ્રેમિકાના પત્રો એમને જીવવાનું એક બળ આપતાં. પરંતુ આજે એક આખી નવી પેઢી જે 80/90ની સાલમાં અવતરી છે, એ જનરેશનને તો આ પત્રલેખનનાં વિવિધ પ્રકારનાં નામો વિશે ભાગ્યે જ ખબર હશે! અને ‘ઝેન ઝી’ને તો લખવા કરતાં બોલવામાં જ મજા આવે છે. ખુલ્લા મનથી અને નિખાલસતાથી લાગણીઓને શબ્દો દ્વારા કાગળ પર અભિવ્યક્ત થવાની કલા તો કદાચ પત્ર દ્વારા જ થઈ શકે. ભૂતકાળમાં કે આપણા સમય દરમિયાન અત્યંત વ્યસ્ત અને મુઠ્ઠી ઊંચેરા મોટા માણસોએ લખેલા પત્રોની સમૃદ્ધિ જોઈએ તો છક થઈ જવાય... પ્રણયની નાજુક છાની-છપની, અંગત ગુસ્સાની કે આનંદની વાત, પરસ્પર વિનિમયની કે લીગલ ડોક્યુમેન્ટ, કે આંધળી માની ફિકર, ચિંતા અને વાત્સલ્ય તો પત્રમાં જ કંડારાય. આની આગળ ફોન, મેસેજ કે ઈમેલ સાવ નિર્જીવ જ લાગે. એક માતાનો પુત્ર પ્રત્યેના સચોટ પ્રેમનો જો ખરેખર રસાસ્વાદ કરવો હોય તો આપણા નીડર લેખક સ્વ. ચંદ્રકાન્ત બક્ષી અને એમની માતા વચ્ચે થયેલો પત્રવ્યવહાર વાંચવા જેવો છે. કવિ રવીન્દ્રનાથ અને વિક્ટોરિયા ઓકામ્પો વચ્ચેના સંબંધની તીવ્રતા હોય કે અમૃતા પ્રીતમે લખેલા ઈમરોઝ પરના પત્રો હોય! જવાહરલાલ નેહરુએ લખેલા એડવિના પરના પત્રો પણ એટલા જ રસપ્રદ છે. ગાંધીજીના પત્રો, મહાન સંગીતકાર બીથોવનનો એની પ્રેમિકાને લખેલો પત્ર કે રુક્મિણીનો કાનાજીને લખાયેલો પત્ર... આ સહુએ પોતપોતાની સહજ લાગણીની અભિવ્યક્તિ એટલી સરળતાથી કરી છે કે આ પત્રો વાંચતાં કોઈ પણ ઉંમરે આપણા હૃદયની ઊર્મીઓ પણ રોમાંચિત થઈ ઊઠે. ખાસ કરીને આજના માણસ-માણસ વચ્ચેના સંવાદમાં જે કાંઈ ખૂટે છે તે આ પત્રો વાંચવા મળે તો ખરેખર અનુભવાશે. કીબોર્ડ પર થતો શબ્દોનો વાણીવિલાસ એ તો સાવ બીબાંઢાળ. એમાંય ખાસ કરીને લખાતી ‘હિંગ્લિશ’ ભાષાએ પ્રણયના ઉન્માદનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હોય એવું લાગે. સાવ ટૂંકા મેસેજમાં કોઈ પોતાની સમગ્ર હૃદયની વેદના કે ખુશાલી કેવી રીતે વ્યક્ત કરી શકે? પત્રલેખન આપણી અંદર રહેલી લાગણીઓને જ્યારે વ્યક્ત કરે ત્યારે લખનાર માણસના અક્ષર સુંદર, સ્વચ્છ, મરોડદાર હોય કે વાંકા-ચૂકા, પણ લખનાર આખેઆખો એમાં પ્રગટ થઈ જતો હોય છે. પ્રેમપત્ર, અવસાન સંદેશ, દિલસોજી વ્યક્ત કરતા પત્રો, સલાહ-સૂચન, શુભ પ્રસંગો, નામના પત્રો, સંવેદના આલેખતા પત્રો હોય કે સ્નેહીજનોને સ્નેહ અને વહાલ આલેખતા પત્રો... અત્યારે તો ક્યાંક ખોવાઈ ચૂક્યા છે એ નક્કી. કાગળ અને કલમના સંગાથની સાથે સાથે પ્રેમ પણ મુરઝાઈ ગયો છે. લાગણી અને સંવેદનાની અછત સાથે માણસજાતની આ કલા વિસરાઈ જવા માંડી છે. પત્રલેખન એ એક ખૂબ સુંદર કલા છે. એ નામશેષ થઈ જાય એ પહેલાં એને જાળવી રાખીને નવી પેઢીને દરેક પરિવારે વારસામાં આપવી જોઈએ. માણસને માણસ તરીકે જીવંત રહેવું હોય તો પત્રલેખન કરતા રહેવું જોઈએ. પરિવારમાં, શાળામાં કે ઓફિસમાં ક્યારેક ‘પેપરલેસ વર્ક’ના બદલે કાગળ અને કલમને પણ પ્રાધાન્ય આપતા રહીશું તો સંવેદનાનો તંતુ કદાચ જળવાઈ રહેશે; કારણ કે પત્રો જોજનો દૂર વસતી વ્યક્તિને આત્મીયતાનો અહેસાસ કરાવે છે.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links