- Gujarati News
- Magazine
- Kalash
- Deep Life Philosophy; Understanding Light And Inner Peace | Offbeat
ઓફબીટ:અંધારાનું તાળું, અજવાળાની ચાવી
- કૉપી લિંક

અજવાળાનો હરખ કરવાના દિવસો શરૂ થશે. અજવાળું પ્રગટે એ જ સહુથી મોટો અવસર. અજવાળાને સ્થિર થઈને જોવાની મઝા માણવા જેવી છે. અજવાળું- શબ્દ કેટલો બધો રોમાંચક છે. ‘અજવાળું’ શબ્દ કેટલી બધી રીતે બોલચાલમાં વપરાય છે. રમેશ પારેખ તો ‘અજવાળાને ઉટકવાનું હોય નહીં’ - એવું કહે છે. જે સ્વયમ્ બીજાને માંજે એની સાફસફાઈ થોડી હોય? કવિ રઈશ મનીઆર અજવાળાને કવિતાનો સંદર્ભ આપે છે. અજવાળું પણ થયું અને પીડા થતી રહી, છાતીના એક ખૂણે કવિતા થતી રહી. સળગી રહેલા ઘરમાં હવાની અવરજવર, શ્વાસોની રોજ અગ્નિપરીક્ષા થતી રહી. અજવાળું પ્રગટે છે ત્યારથી એની અગ્નિપરીક્ષા શરૂ થઈ જાય છે. હોલવાઈ ગયા પછી પણ અજવાળું તો હોય છે જ. શબ્દમાં, મૌનમાં, કવિતામાં, ખાલી કોડિયામાં. મનમાં અંધાર હોય તો ત્યાં પણ અજવાળું હોય છે જ. દોસ્તીનું અજવાળું હૂંફને ઝળાંહળાં કરે છે. અગ્નિનો જન્મ પૃથ્વી જન્મી એ પહેલાંથી હશે કદાચ. તડપન વગર માણસને જીવતાં જ ક્યાં આવડ્યું છે. સૂર્યમાંથી અગ્નિ પૃથ્વી પર વીજળીની આંગળી પકડીને આવી લાગે છે. વીજળીને ઝબકારે ભક્તિનું મોતી પરોવાયું. વીજળીમાંથી અગ્નિ પૃથ્વી પર અવતરી અને માણસે અવનવી શોધની ભરમાર શરૂ કરી. અગ્નિ દઝાડે અને શાતા પણ પમાડે. યજ્ઞ એ પરાકાષ્ઠા છે અગ્નિની પવિત્રતાની! સંબંધોમાં અજવાળું ખૂટે એટલે આપણે અન્નજળ ખૂટી ગયાં એમ કહીએ છીએ. અગ્નિ અને જળને આમ ઓછું બને, પણ બંનેને એકબીજા વગર ચાલે પણ નહીં. લાકડું બળે છે ત્યારે લાકડામાં સુકાઈ ગયેલું પાણી પહેલાં જ્વલનશીલ બને છે. આંસુ એમનેમ ગરમ થોડાં હોય છે? સમજદારીનું અજવાળું શાણપણ કહેવાય છે. અજવાળું ગાંડું બને ત્યારે આગ લાગે છે. અજવાળું કેટકેટલી રીતે આપણા નસીબને ઝગમગ કરે છે! ગમતી વ્યક્તિની આંખોનું અજવાળું આપણને ચિરંતન યુવાન રાખે છે. ગમતી જગ્યાએ વારંવાર જવાનું મન અજવાળાને કારણે જ છે. મૃત્યુની ઊંઘ પણ જન્મના કોડિયાનું અજવાળું જ છે. જ્યાં જીવન છે ત્યાં બધે જ અજવાળું છે. કોડિયામાં તેલના, ઘીના, સરસિયાના કે દીવેલના કારણે અજવાળું ભલે પ્રગટે! મીણબત્તીના મીણથી પણ પ્રગટે તો ભલે પ્રગટે, પણ અજવાળાને કશો ફેર નથી પડતો! એ તો દરેક સ્થિતિમાં સરખું અજવાળું જ આપે છે. આતશબાજી પણ અજવાળાની જ તોફાની નીપજ છે. અજવાળું ભીતરમાં પ્રગટે અને ખરેખરું નવું વર્ષ ઊજવાય! એ અજવાળું સ્વયમ્ પ્રકાશિત છે. ટેકા વગરનું છે. આપણે પહેલાં આપણી જાતમાં અજવાળું કરવાનું છે. જગત આપોઆપ જ એમાં સહભાગી થશે. નવા વરસે દરેકમાં દરેકનું અજવાળું હેમખેમ પ્રગટે એવી પ્રાર્થના સાથે ગીત મૂકું છું. પહેલાં દિલમાં દીવો કરો પછી જગત અજવાળો, પાંખ વિના પણ આભ શોધશે ધરતી ઉપર માળો. જન્મ હોય કે મૃત્યુ અજવાળું તો જોશે બંધ થયેલી આંખો ક્યાંથી એને ખોશે? એને જોતાંવેંત મળે છે પરમેશ્વરનો તાળો! પહેલાં દિલમાં દીવો કરો, પછી જગત અજવાળો. દીવે દીવો પ્રગટાવો પણ પહેલાં પ્રગટો જાતે, ખુદ પ્રગટીને ઝહળહશો તો દિવસ ઊગશે રાતે. શ્વાસોની શગ ધીરે ધીરે અર્થ કહે મરમાળો, પહેલાં દિલમાં દીવો કરો, પછી જગત અજવાળો. ઑન ધ બીટસ ઘટમાં અગ્નિ મુખમાં જ્વાળા, રોમ રોમ અંગાર, અગન દેવના પ્રગટો તોડી, દશે દિશાના દ્વાર - કાન્તિ અશોક
















