- Gujarati News
- Magazine
- Kalash
- Maharshi Arvind Divya Sankalp & Dreams | India Spirituality Vision
પ્રસંગકથા:દિવ્ય સંકલ્પ અને મહર્ષિ અરવિંદના સ્વપ્ન
- કૉપી લિંક

નટવર આહલપરા
ભારતની આઝાદી માટેના ક્રાંતિકારી વિચારો તેમજ દેશ-વિદેશમાં યોગસાધના માટે મહર્ષિ અરવિંદ જાણીતા છે. તેઓ વિવિધ પ્રસંગો સાથે જ સત્સંગમાં પણ વાતો કરતા: ‘જે તમારું મૂળ જીવન ધ્યેય છે, એ પ્રકાશના એક મહાગરૂડની જેમ તમારા ચિત્ત ઉપર સતત ચકરાવા લેતું રહેવું જોઈએ. લક્ષ્ય પ્રત્યે તમારી એવી ધ્રુવનિષ્ઠા હોવી જોઈએ કે રાત-દિવસ તમને એના વિના બીજું કંઈ જ ન દેખાય. આ જીવનમાં તમારે જે મહાન લક્ષ્ય સિદ્ધ કરવાનું છે એની સતત રટણા તમારી અંદર હશે તો દિવ્ય શક્તિ પોતે જ બાકીનું કાર્ય સંભાળી લેશે અને અદભુત રીતે તમારી આગળનો માર્ગ ખુલ્લો થતો જશે.’ મહર્ષિ અરવિંદની ત્રણ પ્રેરક વાતો પણ પ્રસ્તુત છે. ‘આજના દિવસે હું લગભગ સમસ્ત સંસારમાં એવાં આંદોલનોને જોઈ રહ્યો છું, જેને હું મારા જીવનકાળમાં ફળીભૂત થવાની આશા રાખતો હતો. જોકે, તે સમયે તે એવાં હતાં કે તેમની સફળતા એક સ્વપ્ન જેવી જણાતી હતી, પરંતુ હવે તે સફળતાની નજીક પહોંચી ચૂક્યાં છે અથવા તો સફળતાના માર્ગ પર છે.’ ‘ભારત વર્ષની સ્વાધીનતા પછી મારું બીજું સ્વપ્ન હતું- એશિયાવાસીઓના પુનરુત્થાન અને મુક્તિનું, જેનાથી તેઓ માનવીય સભ્યતાની પ્રગતિમાં પોતાનું મહાન યોગદાન આપી શકે.’ ‘ત્રીજું સ્વપ્ન હતું સમસ્ત સંસારનો એક સંઘ સ્થાપિત થવાનું, જેનો બાહ્ય આધાર માનવમાત્રનું ઉત્તમ, ઉજ્જવળ અને શિષ્ટ જીવન હોય. આ બધી બાબતો નજીક આવતી જાય છે અને થોડા ઘણા અંશે તેની સંભાવનાઓ વધી રહી છે.’ ‘એક બીજું સ્વપ્ન છે, સંસારને ભારત તરફથી આધ્યાત્મિકતાની ભેટ, જેના શ્રીગણેશ થઈ ચૂક્યા છે. ભારતની આધ્યાત્મિકતા યુરોપ અને એશિયામાં પૂરતા પ્રમાણમાં પહોંચી ગઈ છે. આ આંદોલન આગળ વધતું જ જશે. યુગનાં સંકટોની સાથે-સાથે સંસારની વધુ ને વધુ આંખો તેની તરફ આશાની નજરે જોઈ રહી છે અને અસંખ્ય લોકો તેનું ક્રિયાત્મક જ્ઞાન મેળવવા આવી રહ્યા છે.’ ‘અંતિમ સ્વપ્ન છે- વિકાસ તરફ એક નવું કદમ, જેનાથી માનવી હાલ કરતાં વધારે ઉચ્ચ અને વિશાળ ચેતના તરફ અગ્રેસર થઈ શકે. તે એવી સમસ્યાઓને હલ કરી શકે કે જેને હલ કરવામાં આજ સુધી મુશ્કેલીઓ અને કિંકર્તવ્યમૂઢતાનો અનુભવ કરી રહ્યો છે.’ ‘આ એક એવો આદર્શ છે, જેનો પ્રભાવ ભારત અને પશ્ચિમનાં પ્રગતિશીલ મસ્તિષ્કો પર પડવા લાગ્યો છે. આ કાર્યમાં બીજાં ક્ષેત્રો કરતાં વધારે મુશ્કેલીઓ છે, પરંતુ તે દૂર કરી શકાય તેમ છે અને જગતનિયંતાની ઈચ્છા હશે તો જલ્દીથી તેનો અંત આવી જશે. આ કાર્યનો આરંભ આત્મા અને અંતર્ચેતનાની શક્તિ દ્વારા આ જ દેશમાં થઈ શકે છે. આમ તો તેનું લક્ષ્ય સાર્વભૌમ હશે, પરંતુ તેનું કેન્દ્ર ભારતમાં જ રહેશે.’
















