Mon, Nov 16, 2026Updated 02:19 PM IST
Google Preferred Source CTA

વસુંધરાના વહાલાં દવલાં:ગ્લોબલ વોર્મિંગ સામે એકતા: યાક પાલકોનો ત્રિવેણી સંગમ

12 દિવસ પેહલાલેખક: રોનક ગજ્જર
  • કૉપી લિંક

સમુદ્ર સપાટીથી 14,000 ફૂટથી વધુ ઊંચાઈએ, જ્યાં સામાન્ય માનવી માટે શ્વાસ લેવો પણ પડકારરૂપ બની જાય છે, ત્યાં માઇનસ ડિગ્રી તાપમાન અને વિષમ ભૂગોળ વચ્ચે સદીઓથી એક સંસ્કૃતિ ધબકે છે: હિમાલયના યાક પાલકોની સંસ્કૃતિ. સ્થાનિક લોકો જેને શ્રદ્ધાપૂર્વક પહાડોની જીવાદોરી માને છે, તે ચમરી ગાય એટલે કે ‘યાક’ માત્ર એક પશુ નથી, પરંતુ ઉચ્ચ હિમાલયી સમુદાયોના આહાર, વસ્ત્ર, પરિવહન અને આજીવિકાનો આધારસ્તંભ છે. પરંતુ આજે ગ્લોબલ વોર્મિંગ, સંકોચાતાં ગોચરો અને નવી પેઢીના પલાયન વચ્ચે આ પરંપરાગત જીવનશૈલી ગંભીર અસ્તિત્વના સંકટ સામે ઝઝૂમી રહી છે. આ કટોકટીનો સામનો કરવા ભારત, ભૂટાન અને નેપાળના યાક પાલકોએ ભૌગોલિક અને રાજકીય સીમાઓ ઓળંગીને એક ઐતિહાસિક પહેલ હાથ ધરી છે.

સંકટનાં વાદળો અને ઘટતી સંખ્યા હિન્દુકુશ હિમાલય ક્ષેત્રનો 60 ટકાથી વધુ વિસ્તાર ઘાસનાં મેદાનો અને ગોચરો ધરાવે છે, જેના પર અંદાજે અઢીથી ત્રણ કરોડ આદિવાસી અને સ્થાનિક લોકો નિર્ભર છે. જોકે, છેલ્લા બે દાયકામાં ક્લાઇમેટ ચેન્જના કારણે આ વિસ્તારોનું ચિત્ર ઝડપથી બદલાયું છે. અનિયમિત હિમવર્ષા, અકાળે પીગળતા ગ્લેશિયર્સ અને તાપમાનમાં સતત વધારાને કારણે ઊંચાઈ પર આવેલાં પરંપરાગત ઔષધીય ગોચરો સુકાઈ રહ્યાં છે. યાક કુદરતી રીતે ઠંડી આબોહવા માટે અનુકૂલિત જીવ છે. તાપમાન વધતાં તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાય છે. આ સંકટના આંકડા ચિંતાજનક છે.

ગોચરોની અછતની સાથે હિમચિત્તાની પણ ચિંતા ભારતમાં વર્ષ 2019ની 20મી પશુધન વસ્તી ગણતરી મુજબ યાકની સંખ્યા આશરે 58,000 નોંધાઈ હતી. જ્યારે 2026માં ‘યાક ફેડરેશન ઓફ ઇન્ડિયા’ સાથે સંકળાયેલા અહેવાલો દર્શાવે છે કે, આ આંકડો ઘટીને માત્ર 32,000 આસપાસ રહી ગયો છે. ગોચરોની અછતની સાથે હિમચિત્તા (સ્નો લેપર્ડ) અને જંગલી વરુઓ દ્વારા પશુઓ પર થતા હુમલાઓ તેમજ યુવા પેઢીનું રોજગારી અર્થે શહેરો તરફ સ્થળાંતર આ પરંપરાગત વ્યવસાયને વધુ નિર્બળ બનાવી રહ્યા છે.

ત્રણ દેશો, એક સહિયારી વેદના આ પરિસ્થિતિમાં ભૂટાનના વાર્ષિક ‘રોયલ હાઇલેન્ડ ફેસ્ટિવલ’ના મંચ પરથી એક આશાસ્પદ અધ્યાયની શરૂઆત થઈ છે. ભારત, ભૂટાન અને નેપાળના યાક પાલકોએ એકઠા થઈને સૌપ્રથમવાર ‘હિમાલયન યાક હર્ડર્સ નેટવર્ક’ની સ્થાપના કરી છે. વર્ષ 2016માં ICIMOD (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ) દ્વારા શરૂ થયેલી વિચારણા હવે એક મજબૂત ક્ષેત્રીય ગઠબંધન બની ચૂકી છે. આ નેટવર્ક પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ફરિયાદ કરવાનો નથી, પરંતુ પેઢીઓથી સંચિત થયેલાં પરંપરાગત જ્ઞાન અને સરહદપારના સહકાર દ્વારા ટકાઉ ઉકેલ શોધવાનો છે.

સરહદપાર ગોચર સમજૂતી પ્રાચીન સમયમાં પશુપાલકો ઋતુ પ્રમાણે મુક્તપણે સરહદો ઓળંગી ચરાણ કરતા હતા. આધુનિક વાડ અને નિયંત્રણો હળવાં કરી પશુઓનાં વૈવિધ્યસભર સંવર્ધન અને ઘાસચારાની આપ-લે માટે વ્યવસ્થા ઊભી કરવી, યાકના દૂધમાંથી બનતી ‘છુર્પી’ (જે પરંપરાગત કઠણ પનીર છે) તેમજ ઊન અને કાપડ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારો સાથે સાંકળી પાલકોને પોષણક્ષમ આવક અપાવવી, અને ક્લાઇમેટ એડેપ્ટેશન કરીને હવામાનના અણધાર્યા ફેરફારો સામે પશુધનનું રક્ષણ કરવા માટે પૂર્વચેતવણી પ્રણાલી અને પશુચિકિત્સા સુવિધાઓ વધારવી- આ તમામ તેના મુખ્ય પાસાં છે. આ આંદોલન સાબિત કરે છે કે પર્યાવરણીય પડકારો કોઈ નકશાની સીમાઓ કે સરકારી સરહદો ઓળખતા નથી. જ્યારે કુદરત સામે સંકટ ઊભું થાય છે, ત્યારે તેનું નિવારણ પણ સહિયારા પ્રયાસોથી જ શક્ય બને છે. હિમાલયનાં દુર્ગમ શિખરો પર વસતા આ માલધારીઓએ વૈશ્વિક મંચને સંદેશ આપ્યો છે કે, મોંઘી ટેક્નોલોજી કે એરકન્ડિશન્ડ પરિષદો કરતાં સ્થાનિક સમુદાયોની એકતા અને પારંપરિક ડહાપણ પર્યાવરણ સંરક્ષણ માટે વધુ કારગર સાબિત થઈ શકે છે. જો આપણે હિમાલયની સંવેદનશીલ ઇકોસિસ્ટમ અને યાક પાલકોની સંસ્કૃતિને બચાવવી હશે, તો નીતિ ઘડવૈયાઓએ તેમની આ સહિયારી પહેલને માત્ર કાગળ પર નહીં, પણ વાસ્તવિક જમીન પર સક્ષમ ટેકો આપવો પડશે.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links