- Gujarati News
- Magazine
- Kalash
- Doctors Diwali Story; Emotional Reunion After 27 Years In Himatnagar
ડૉક્ટરની ડાયરી:આંખેં મલતે મલતે સજની, દિવાલી ફિર આ ગઈ સજની
- કૉપી લિંક

મેં બેગ હાથમાં ઊંચકી, મારા ક્વાર્ટરને લોક કર્યું, વોર્ડ બોય રામજીએ મારા હાથમાંથી બેગ લઈ લીધી, અમે પગથિયાં ઊતરીને હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા. હોસ્પિટલની જીપ મને બસ સ્ટેશને છોડી જવા માટે તૈયાર ઊભી હતી. ડ્રાઇવર વિનુએ હસીને કહ્યું, ‘અમદાવાદ જાઓ છો, સર? ફેમિલી સાથે દિવાળી કરવા માટે? ક્યારે પાછા આવશો? લાભ પાંચમ પછી?’ રામજીએ મારી બેગ પાછળની સીટ પર મૂકી દીધી. હું ડ્રાઇવરની બાજુની આગળની સીટ પર ગોઠવાયો, ‘ના, વિનુ, એટલી બધી રજાઓ તો અમારા નસીબમાં ક્યારે લખાયેલી હોય છે? માંડ માંડ ત્રણ દિવસ... પૂરા ત્રણ પણ નહીં... અઢી દિવસની રજા મળી છે. હું પાછો આવીશ તે પછી સર્જન ફરવા જશે, એ પાછા આવશે ત્યારે આર. એમ. ઓ.’ અઢી દિવસની રજાની વ્યવસ્થા કરવા માટે છેલ્લા અઢી મહિનાથી અમે ત્રણ ડૉક્ટરો શિખર મંત્રણાઓ યોજી રહ્યા હતા. છેલ્લાં બે વર્ષથી દિવાળીની આગળ-પાછળના દસ દિવસ આખી હોસ્પિટલની જવાબદારી મારા એકલાના ખભા ઉપર ખડકી દઈને તમામ ડૉક્ટરો તહેવારની છૂટ્ટી માણવા ઊપડી જતા હતા. એ લોકો પાછા આવે એ પછી મને રજા પર જવા દેતા હતા. પણ બધી ઝાકઝમાળ, તડાફડી અને મીઠાઈની મજા પૂરી થઈ જાય એ પછી રજાનું મારે શું કરવું? બાફણું? આ વરસે તો મેં શ્રાવણ મહિનાથી ઝુંબેશ ઉપાડી હતી, ‘તમારે જે કરવું હોય તે કરજો, પણ ધનતેરસથી બેસતાં વર્ષ સુધીના પાંચ દિવસ તો હું જ રજા પર જઈશ.’ મેં ચાર દિવસ માંગ્યા ત્યારે અઢી મહિને માંડ મામલો અઢી દિવસ પર સેટલ થયો. વિનુ ઈગ્નિશન માટે ચાવી ઘુમાવે ત્યાં જ એક ટેમ્પો હોસ્પિટલના પ્રાંગણમાં દાખલ થયો. મેં બારીમાંથી એ જોવાની કોશિશ કરી કે પેશન્ટ સ્ત્રી છે કે પુરુષ અને જો સ્ત્રી હોય તો સર્જિકલ, મેડિકલ કે ગાયનેકનો કેસ છે! હું એ લોકોને જોઉં તે પહેલાં એમાંથી જ એક જણે મને જોઈ લીધો. રૂરલ એરિયાની એક ખાસિયત છે. ગામડેથી કોઈ ઇમરજન્સી કેસ બાજુના ટાઉનની જનરલ હોસ્પિટલમાં લઈ જવાની જરૂર ઊભી થાય તો એની સાથે ગામની પાંચ-સાત સ્ત્રીઓ અને પાંચ-સાત પુરુષોનું ધાડું પણ વાહનમાં ચડી બેસે. આ ધાડામાંથી એક જણ મને ઓળખી ગયો. એણે દૂરથી જ બૂમ પાડીને મને થોભી જવા કહી દીધું, ‘એ સાહેબ, જતા ન રહેતા. તમારો જ કેસ છે.’ દિવાળીના તહેવારો ફેમિલી સાથે માણવાના મારા સપનાંઓ પર પાણી ફરી વળ્યું. જો હું બે મિનિટ પહેલાં નીકળી ગયો હોત તો વાંધો ન હતો, પણ હવે મારી નજર સામે મારા જ વિભાગનો ઇમરજન્સી કેસ આવેલ હોય ત્યારે નૈતિકતાની અને કાયદાની દૃષ્ટિએ મારાથી જતા ન રહેવાય. હું જીપમાંથી ઊતરી ગયો. ઘરની ચાવી રામજીને આપીને કહ્યું, ‘મારી બેગ ઉપર મૂકી આવ. હું લેબર રૂમમાં જાઉં છું. ત્યાંથી ક્યારે પરવારિશ એ કહી ન શકાય.’ આવા સપરમા દિવસોમાં ગામડેથી જ્યારે કોઈ સ્ત્રીને આવા સમયે લાવવામાં આવી હોય ત્યારે એ નોર્મલ કેસ ન જ હોય એટલું તો હું સમજી ચૂક્યો હતો. પેશન્ટને તપાસતાં પહેલાં મેં એની વિગત પૂછી લીધી. હું જ્યાં ફરજ બજાવતો હતો તે નાનું શહેર હતું, ત્યાંથી પાંત્રીસ કિ.મી. દૂર આવેલા ગામડાંની પ્રાથમિક શાળાની શિક્ષિકા વસુબહેનની આ પ્રથમ પ્રસૂતિ હતી. વસુના પતિ મનોજભાઈ પણ એ જ શાળામાં શિક્ષક તરીકે કામ કરતા હતા. દાયણના ભરોસે આખો દિવસ કાઢી નાખ્યા પછી જ્યારે મનોજભાઈને લાગ્યું કે વસુની હાલત બગડતી જાય છે ત્યારે સરપંચના વાહનમાં પત્નીને સૂવડાવીને હોસ્પિટલમાં લઈ આવ્યા. વસુને ડિહાઇડ્રેશન હતું, ઇન્ફેક્શનના કારણે તાવ પણ ચડ્યો હતો. ગર્ભસ્થ શિશુની હાલત પણ સારી ન હતી. નોર્મલ પ્રસૂતિ થવાની કોઈ જ શક્યતા ન હતી. હોસ્પિટલમાં એનેસ્થેટિસ્ટ ન હતા, બ્લડ બોટલની સુવિધા ન હતી. મારે જાતે જ એનેસ્થેસિયા આપીને ઓપરેશન કરવાનું હતું. મેં કર્યું. દીકરો જન્મ્યો તો ખરો પણ રડ્યો નહીં. રામજી મારો વોર્ડ બોય અને એ જ મારો નિયોનેટોલોજીસ્ટ. એ અભણ માણસ દાયકાઓમા અનુભવ પછી નવજાત શિશુને કેવી રીતે રી-સક્સિનેટ કરાય એ શીખી ગયો હતો. આખરે બાબો રડી ઊઠ્યો. હું પણ મારું કામ પૂરું કરી ચૂક્યો હતો. એ આખી રાત વસુને ઓબ્ઝર્વ કરવામાં વીતી ગઈ. સવારે એની સાથે વાત કર્યા પછી હું અમદાવાદ જવા નીકળી શક્યો. મારા માટે અઢી દિવસની મજા દોઢ દિવસની મજામાં ફેરવાઈ ગઈ. દિવાળીઓ તો ત્યાર પછી અનેક આવી અને ગઈ પણ એ એક દિવાળી રજા અને મજા કરતાં વધુ તો સજાના કારણે યાદ રહી ગઈ. એક વાતનો મને સંતોષ હતો; દોઢ દિવસ પછી જ્યારે હું પાછો આવ્યો, મેટરનિટી વોર્ડમાં રાઉન્ડ લેવા માટે ગયો, ત્યારે વસુ એના દીકરાનું પેટ ભરાવી રહી હતી. મારી સામે આભારપૂર્ણ નજરે જોઇને એણે કહ્યું, ‘સાહેબ, મને ખબર પડી કે મારા કારણે તમારી દિવાળી બગડી ગઈ પણ સાહેબ, તમારા કારણે મારો દીકરો બચી ગયો. આ એક જ ઘટનાના કારણે હું તમને ક્યારેય ભૂલી નહીં શકું.’ મારે કહેવું હતું કે આ જ ઘટનાના કારણે હું પણ તમને ભૂલી નહીં શકું. હું ન બોલ્યો. વસુના શબ્દોએ મારાં જખમ પર ચંદનવાળો હાથ ફેરવી દીધો હતો. 1983ના વર્ષની આ ઘટના. મેં તો બે વર્ષ પછી જોબ છોડી દીધી. અમદાવાદમાં સેટલ થયો. મારી પ્રવૃત્તિઓ અને ભૂમિકાઓ બદલાતી ગઈ. ભૂલતો ન હોઉં તો વર્ષ 2010ની ઘટના. હું એક કાર્યક્રમ સબબ ઉત્તર ગુજરાતના એક શહેર તરફ જવા નીકળ્યો હતો. હિંમતનગર થઈને જઈ રહ્યો હતો. તહેવારના દિવસો હતા. બીજા દિવસે સવારે મારે ‘જીવનનાં માંગલ્યો’ વિષય પર બોલવાનું હતું. હું જગતમાં મેં જાણેલાં માંગલ્યો વિચારી રહ્યો હતો ત્યાં જ મારી સાથે એક અમંગળ ઘટના બની ગઈ. કારનું રીઅર ટાયર ફાટ્યું. ડ્રાઇવર અનુભવી હતો એટલે કાર પર કંટ્રોલ રાખી શક્યો, નહીંતર અવશ્ય કંઈક ખરાબ બની ગયું હોત. સદભાગ્યે જમણી તરફ એક કાર રીપેરિંગ ગેરેજ જેવું દેખાતું હતું. હું કારમાં બેસી રહ્યો. ડ્રાઇવર ગયો, તરત પાછો આવ્યો, ‘માલિક બેઠો છે પણ મિકેનિક એક જ છે. બાકીના રજા પર ગયા છે. માલિક ના પાડે છે.’ મારે રૂબરૂ જવા સિવાય કોઈ ઊગારો ન હતો. હું ચાલીને રોડ ઓળંગીને ગયો, મારો પરિચય આપ્યો, કાર્યક્રમમાં પહોંચવાની જરૂરિયાત વિશે જણાવ્યું. એણે મારું નામ બે વાર પૂછ્યું, પછી બબડ્યો, ‘આ નામ ક્યાંક સાંભળ્યું હોય એવું લાગે છે.’ મારા મનમાં આશાનો સંચાર થયો, ‘આ નામ તમે સાંભળ્યું નહીં હોય પણ વાંચ્યું હશે. હું…’ ‘ના, સાંભળ્યું જ છે. એક મિનિટ, તમે વેઈટ કરશો?’ કહીને એ દૂર ગયો, કોઈની સાથે ફોન પર વાત કરીને પાછો આવ્યો. હવે જાણે એ પૂરેપૂરો બદલાઈ ગયેલો માણસ લાગતો હતો, ‘ડૉક્ટર સાહેબ, તમારું કામ થઈ જશે. નવું ટાયર હિંમતનગરથી લાવવું પડશે. અબ્દુલ જઈને લઈ આવશે. ત્યાં સુધીમાં તમારે એક કામ કરવું પડશે. બાજુમાં જ મારું ઘર આવેલું છે. તમારે મારા ઘરે પગલાં પાડવા પડશે. મારી મા સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. એને મળ્યા વગર, ભોજન કર્યા વગર તમે જઈ નહીં શકો. આ મારી શરત છે અને મારી મમ્મી વસુબહેનનો હુકમ છે. હું જન્મ્યો ત્યારથી એની પાસેથી અસંખ્ય વાર તમારું નામ હું સાંભળતો આવ્યો છું.’ સત્યાવીસ વર્ષ પહેલાં જે વ્યક્તિના નિમિત્તે મારી દિવાળી બગડી હતી એના જ કારણે મારી આ વર્ષની દિવાળી સુધરી રહી હતી. પેટમાં પણ ભૂખ લાગી હતી, મનમાં પણ વસુને ફરીથી જોવાની તરસ જાગી હતી. હું ના શા માટે પાડું? - શીર્ષકપંક્તિ : વલી સાહબ
















