- Gujarati News
- Magazine
- Kalash
- Cyber Fraud Analysis This Diwali; Safe Digital Financial Practices
સાયબર સિક્યુરિટી:આ દિવાળીએ માંડીએ ‘સાયબર ફ્રોડનો હિસાબ’
- કૉપી લિંક

કેવલ ઉમરેટિયા
ગુજરાતીઓ માટે દિવાળી એટલે આખું વર્ષ કેવું ગયું તેનો હિસાબ માંડવાનો સમય. દિવાળીના આ દિવસોમાં આપણે વેપાર-ધંધાના હિસાબ કરીએ છીએ, ચોપડા પૂજન કરીએ છીએ અને જૂનાં ખાતાં સરભર કરીએ છીએ. દિવાળી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે આપણે એક અલગ પ્રકારનો હિસાબ માંડવો છે. આ હિસાબ એટલે ‘સાયબર ફ્રોડનો હિસાબ.’ આ હિસાબના આંકડાઓ જોઈને તમારી આંખો પહોળી થઈ જશે. હિસાબ જોયા બાદ તમને સમજાશે કે સાયબર ફ્રોડ નામની આ ઊધઇ કઇ રીતે સામાન્ય માણસોના પરસેવાની કમાણી ખાઇને દેશને ખોખલો બનાવી રહી છે. તેમાંય તહેવારોનો સમય તો સાયબર ગઠિયાઓ માટે બમ્પર સેલ જેવો સાબિત થાય છે.
સાયબર ફ્રોડની 5 વર્ષની ‘બેલેન્સ શીટ’ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સાયબર ફ્રોડના કેટલાક સત્તાવાર આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ભારતમાં છેલ્લાં પાંચ વર્ષ (2021થી 2025) દરમિયાન લોકોએ કુલ 55,649 કરોડ રૂપિયા સાયબર ફ્રોડમાં ગુમાવ્યા છે. આ કોઈ નાની રકમ નથી, કેટલાંક રાજ્યોના બજેટ કરતાં પણ આ રકમ મોટી છે. આ પાંચ વર્ષમાં સાયબર ફ્રોડની કુલ 65.9 લાખ જેટલી ફરિયાદો નોંધાઈ છે. ખાતાવહી પર નજર કરીએ તો છેતરપિંડીનો ગ્રાફ કેવો ભયાનક રીતે વધ્યો છે તે જોઈ શકાય છે અહીં એક સારી વાત એ જોવા મળી છે કે 2024ની સરખામણીમાં 2025માં સાયબર ક્રાઈમની ફરિયાદોમાં 25%નો ઉછાળો આવ્યો છે, પરંતુ ગુમાવેલી રકમમાં 1.5%નો સામાન્ય ઘટાડો નોંધાયો છે. જેનો સીધો અર્થ એ છે કે ગઠિયાઓ હવે નાની રકમનાં ફ્રોડ વધુ કરી રહ્યા છે અને સામે પક્ષે લોકો પણ જાગૃત થઈ રહ્યા છે.
સૌથી વધુ શિકાર કોણ બન્યું? જે માહિતી સામે આવી છે તે પ્રમાણે સાયબર અપરાધીઓએ વડીલો અને મહિલાઓને સૌથી સોફ્ટ ટાર્ગેટ બનાવ્યા છે. માત્ર 2025ના એક જ વર્ષમાં સીનિયર સિટીઝન્સે કુલ ₹4,005 કરોડ (1 લાખથી વધુ ફરિયાદો) અને મહિલાઓએ ₹3,764 કરોડ રૂપિયા (4.6 લાખ ફરિયાદો) સાયબર ફ્રોડમાં ગુમાવ્યા છે. ડર, ઉતાવળ અને લાલચ ઊભી કરીને લોકોની માનસિક નબળાઇનો સૌથી વધુ ફાયદો ઉઠાવવામાં આવ્યો છે.
તહેવારોની ‘સીઝન’ ફટાકડા અને ગિફ્ટ વાઉચર સ્કેમ: વૉટ્સએપ પર મેસેજ આવે છે કે ‘ફટાકડા પર 80% ડિસ્કાઉન્ટ’ અથવા ફ્રી વાઉચરની લાલચ અપાય છે. જેની સાથે એક લિંક પણ હોય છે. તેના પર ક્લિક કરી પેમેન્ટ કર્યા પછી સામાન ક્યારેય ઘરે આવતો નથી. પાર્સલ અને કુરિયર ફ્રોડ: ‘તમારું દિવાળી ગિફ્ટ પાર્સલ અટક્યું છે, ડિલિવરી ચાર્જના 25 રૂપિયા ઓનલાઈન ભરો’ - આવું લખેલો એક મેસેજ આવે છે. તેમાં પણ એક લિંક હોય છે. જેવી તમે લિંક ખોલો કે તરત .APK ફાઈલ ડાઉનલોડ થાય, બસ પછી તમારા ફોનનો કંટ્રોલ ગઠિયાઓ પાસે જતો રહેશે. ટિકિટ બુકિંગ ફ્રોડ: તહેવારોમાં ટ્રેન કે બસ ફુલ હોય, ત્યારે છેલ્લી ઘડીએ કન્ફર્મ ટિકિટ આપવાના બહાને બોગસ વેબસાઈટથી પૈસા પડાવવામાં આવે છે.
તમારા પૈસાનું શું થાય છે? કદાચ તમને સવાલ થતો હશે કે આ પ્રકારના ફ્રોડમાં ગુમાવેલા પૈસા અપરાધીઓ સુધી પહોંચે છે કેવી રીતે? આ માટે તેઓ ‘મની મ્યુલ’ એટલે કે ભાડે લીધેલાં બોગસ બેંક ખાતાંઓનો ઉપયોગ કરે છે. તમારા એકાઉન્ટમાંથી પૈસા જે ખાતામાં ગયા હોય, ત્યાંથી તરત જ બીજાં ત્રણ ખાતામાં વહેંચાઇ જાય છે. ત્રણમાંથી છ અને છમાંથી બાર. ત્યારબાદ પૈસા ક્રિપ્ટોકરન્સી અને ગિફ્ટ વાઉચરમાં દેશની બહાર નીકળી જાય છે. આ વર્ષના જૂન મહિનાના આંકડા પ્રમાણે સરકારે આવાં 32 લાખ જેટલાં શંકાસ્પદ ખાતાંઓની ઓળખ કરી લીધી છે. મહત્ત્વની વાત એ પણ છે કે ફ્રોડ થયા બાદ સમયસર 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરવાથી સરકાર 11,158 કરોડથી વધુ રકમ અન્ય ખાતામાં જતી અટકાવવામાં સફળ રહી છે. એટલા માટે જ સાયબર ફ્રોડ થયાના એક કલાકની અંદર (ગોલ્ડન અવર) 1930 પર ફરિયાદ કરવાની સલાહ આપવામાં આવે છે.
















