- Gujarati News
- Magazine
- Kalash
- China India War 1962 History: Nehru Menon Arunachal Ladakh Conflict
સહજ સંવાદ:ચીની આક્રમણ: ઓક્ટોબર, નવેમ્બર 1962
- કૉપી લિંક

કેટલાક દિવસો રાજ્ય-સત્તાઓએ, દેશે અને સમાજે યાદ રાખવા જ જોઈએ, જેનાથી સરહદો ખળભળી ઊઠી હતી, સુરક્ષાના બાકોરાંથી સૌ સ્તબ્ધ થઈ ગયા હતા અને સત્તા પર બેઠેલાઓ સદંતર નિષ્ફળ ગયા હતા. હા, આપણે 1962ના ચીની આક્રમણની વાત કરવી છે. એ ઠીક છે કે દરેક દેશ પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે. અમેરિકાની સામે કેટલાક દેશો એકજૂટ થાય, આર્થિક પડકારોની સામે પડે, આ સારી વાત હતી અને તેને માટે પુતિન-શી જિનપિંગે દિલ્હીની ધરતી પર હાથ મેળવ્યા એ સારી નિશાની ગણાય. તેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૂટનીતિ દાખવી તે મહત્ત્વની હતી. પણ અત્યારે અરુણાચલ વિસ્તારના કેટલાક અહેવાલો ચીની નુક્તાચીનીનો અંદાજ આપે છે. આમેય 1950 પછી, ચીને ભારતના અરુણાચલ અને લડાખ સહિત 50,000 ચોરસ માઈલ જમીન પરનો ધૂર્ત દાવો પાછો ખેંચ્યો નથી. સપ્ટેમ્બર 1950થી તેનું આ વલણ છે. પણ, તે સમયે પંડિત જવાહરલાલ પ્રગતિશીલ ડાબેરી વિચારની નજદીક હતા. રશિયાપ્રેમી વી. કે. કૃષ્ણ મેનન ઇંગ્લૅન્ડમાં સ્થાપિત ઇન્ડિયન લીગના નેતા હતા, તેનાથી પ્રભાવિત થઈને ભારત સરકારમાં સંરક્ષણ મંત્રી જેવો મહત્ત્વનો વિભાગ આપ્યો હતો. મેનન વિશેની તાજેતરમાં પ્રકાશિત સામગ્રીમાં એક નવી વાત જાણવા મળી છે કે લંડનમાં જલિયાંવાલા બાગના હત્યારા ઓડવાયરનો જાહેરમાં વધ કરનાર સરદાર ઉધમસિંઘના અદાલતી બચાવ માટે એક પ્રતિનિધિમંડળ મેનનને મળવા ગયું. મેનન ખ્યાતનામ વકીલ હતા અને તગડી આવક કમાતા હતા. દેશભક્ત ઉધમસિંઘનો બચાવ કરવા કાનૂની લડત જરૂરી હતી, પણ મેનને ના પાડી! ભારત સરકારમાં તેમનું વલણ પાકિસ્તાનની વિરુદ્ધ હતું, કેમ કે પાકિસ્તાનને તેઓ અમેરિકા-તરફી માનતા હતા. તેઓ રશિયા-ચીન પર ફિદા હતા. જવાહરલાલ તો સપનામાં પણ એવું નહોતા માનતા કે ચીન ભારત પર આક્રમણ કરશે. ચાઉ-એન-લાઈ સાથે કબૂતર ઉડાડ્યાં, પંચશીલનો ખરીતો બહાર પાડ્યો. એક રીતે આ કૂટનીતિક અંધાપો હતો. 1951માં ચીને સીમા-નિર્ધારણની માગણી કરી. ત્યાંના ભારતીય રાજદૂત ગિરિજાશંકર વાજપેયી દરખાસ્ત લઈને આવ્યા, પણ જવાહરલાલે ઇનકાર કર્યો એવું મેક્સવેલ રિપોર્ટમાં લખાયું છે. 1950માં ચીની સૈનિકોએ તિબેટ પર કબજો કર્યો. છેક અમેરિકન ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના તંત્રીલેખમાં ચેતવણી આપવામાં આવી કે હિમાલય પર ચીની ખતરો તોળાઈ રહ્યો છે. પણ માને કોણ? 25 ઓગસ્ટ, 1959ના દિવસે ભારતીય પ્રદેશ લોંગજુ પર ચીની સેનાએ હુમલો કર્યો. નવ ભારતીય સૈનિકોને મારી નંખાયા. ‘પીપલ્સ ડેઇલી’એ ચીની નજરે કહ્યું કે નેહરુ બુદ્ધિમત્તા ધરાવતા નથી; તેઓ દક્ષિણપંથી રાજકારણીઓ, સંસદસભ્યો અને લશ્કરી અફસરોના ફંદામાં ફસાઈ જઈને ચીન-વિરોધી ચક્રમાં ફસાયા છે. 8 સપ્ટેમ્બર, 1959ના રોજ ચીને ભારતની 50,000 ચોરસ માઈલ જમીન પર દાવો કર્યો. ત્યાં સુધીમાં 12,000 ચોરસ માઈલ તો પચાવી પાડી હતી. નેહરુએ તો વિશ્વશાંતિ માટે ચાઉ-એન-લાઈને 19 એપ્રિલ, 1960ના રોજ ભારત બોલાવ્યા. સેનાને જવાહરલાલે લેહની ઉત્તર-પશ્ચિમે ચોકીમાં ઘૂસી જવું પણ હથિયાર વાપરવાં નહીં એવું જણાવ્યું હતું. ડી. આર. માંકેકરના ‘ગિલ્ટી મેન ઓફ 62’ પુસ્તકમાં આ વિગતો આપી છે. આ શતરંજની ચાલ હતી. નેહરુ માનતા હતા કે ચીન માની જશે અને સંધિ કરશે. પણ, 10 ઓક્ટોબર, 1962ના દિવસે 500 સૈનિકોએ ધોલા-તવાંગ પર મોર્ટાર, બોમ્બ વગેરે સાથે હુમલો કર્યો. તે સમયે ત્યાં માત્ર 50 ભારતીય સૈનિકો હતા. લડાખમાં ચીની કારાકોરમથી નીકળીને સિંધુની ખીણ સુધીનો મેલો પડછાયો પથરાયો. જુલાઈમાં ભારતીય બે ચોકી પર ચીનાઓ ધસી આવ્યા. નેફા (NEFA) મોરચે પણ બંદૂકો ફૂટી, ત્યાં ધોલા થાણું તેમની નજરમાં હતું. 10 ઓક્ટોબરે તેના પર આક્રમણ થયું. જે. પી. દલવી અને કૌલ – બંનેનાં પુસ્તકોમાં નોંધ છે કે ધૂર્ત ચીનાઓ ભારતીય સૈનિકોને કહેતા હતા કે ‘આ જમીન તો અમારી છે, તમે પાછા વળો, હિન્દી-ચીની ભાઈ-ભાઈ!’ છેવટે ભારતે હુમલાઓને મારી હટાવવાનો નિર્ણય લીધો, કેમ કે આખો દેશ ગુસ્સામાં હતો, વિરોધ પક્ષો (તે સમયના દમદાર વિપક્ષી નેતાઓ – કૃપલાણી, અશોક મહેતા, મીનુ મસાણી, અટલ બિહારી વાજપેયી, બલરાજ મધોક)નો બુલંદ વિરોધ ગાજતો થયો હતો. થાંગ-લા, યમત્સુ-લા, ત્સંગ-જો... 20 ઓક્ટોબરે ધોલા પર ચીની આક્રમણ થતાં દેશમાં ‘આઈ હૈ દિવાલી, વો ખેલ રહે થે હોલી...’ જેવી સ્થિતિ હતી. જનરલ કૌલ દિલ્હી દોડ્યા, વડાપ્રધાનને કહ્યું કે આપણી એક ડિવિઝનમાં પણ બ્રિગેડની કમી છે, જ્યારે ચીની લશ્કરમાં નેફામાં ચાર અને લડાખમાં દસ ડિવિઝન મોજૂદ છે. આપણી પાસે ઠંડીથી બચવા ગરમ કપડાં, જૂતાં અને શસ્ત્રોની કમી છે; એટલે ચીનાઓને જવાબ આપવા આક્રમણ કરવાને બદલે જ્યાં છીએ ત્યાં જ પડ્યા રહીએ. નેહરુ તે વાત માની ગયા અને શ્રીલંકા જતાં પૂર્વે હવાઈ અડ્ડા પર કહ્યું કે ચીની આક્રમણથી ભારતીય ભૂમિને મુક્ત કરવા સેનાને કહેવામાં આવ્યું છે, તારીખ નક્કી કરવી એ ફોજનું કામ છે! ધોલા, તવાંગ, લડાખ, વાલોંગ, સી-લા, દિરાંગ જોંગ, બોમડી-લા, નામકા-ચૂ... આ બધાં એવાં નામો છે જ્યાં ઓક્ટોબર-નવેમ્બર, 1962માં લોહી રેડાયું. 21 નવેમ્બરે યુદ્ધવિરામ જાહેર થયો. મેનનનું રાજીનામું લેવાયું અને યશવંતરાવ ચૌહાણ નવા સંરક્ષણ પ્રધાન બન્યા. પણ ‘બૂંદ સે ગઈ વો હોજ સે નહીં આતી.’ સ્વતંત્ર ભારતનું એ બીજું સરહદી યુદ્ધ હતું. 1947માં કાશ્મીર પર પાકિસ્તાનનું પ્રથમ આક્રમણ થયું અને આપણે ‘પોક’ (POK) ખોયું; 1962માં બીજું ચીની આક્રમણ થયું, હજુ તેની પાસે આપણો 12,000 ચોરસ માઈલ વિસ્તાર છે! ઓક્ટોબર-નવેમ્બરમાં આ સ્મરણ ભૂલી જવા જેવું નથી.
















