સુરત ગેસ કંપની દ્વારા અપાતા ગેસ પુરવઠાને લઈ અડાજણ વિસ્તારમાં ગ્રાહકોએ કંપનીના મેનેજમેન્ટ સામે અનેક સવાલો ઉપાડી સંતોષકારક સેવા ન મળતી હોવાનું જણાવ્યું છે. આ બાબતે સુરત રિઝનના પ્રેસિડેન્ટ ભાસ્કર જોશીએ પણ મૌન ધારણ કરી ગ્રાહકોને લાગતા પ્રશ્નોનો નિકાલ અમદાવાદથી સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અને એમની ટીમ કરતી હોવાનું જણાવી દીધું હતું. 20 દિવસ પહેલાં પણ ગુજરાત ગેસની લાઈન લીકેજ બાદ ગેસ ગટરમાં પ્રસરતા ગટરલાઇન પર ફટાકડા ફોડતા આગ ભભૂકી હતી અને પાંચ બાળક દાઝ્યાં હતાં. ગેસને લઈને બનતી ઘટનાઓમાં જો ગુજરાત ગેસ કંપની હેલ્પલાઈન પર પણ સંપર્ક ન થતો હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે સુરત વિસ્ફોટક પર બેઠું હોય એમ લાગી રહ્યું છે. જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? એ સવાલ લોકોમાં ઉદભવી રહ્યો છે.
ગ્રાહકોને માહિતી કે સૂચના પણ ન આપવામાં આવી
અડાજણ વિસ્તારમાં મંગળવારના રોજ 2 કલાક ગેસ પુરવઠો બંધ રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એટલું જ નહીં પણ બિલ ભરવામાં મોડું થાય તો SMS દ્વારા તાત્કાલિક એલર્ટ કરતી કંપની આવા સમયમાં કેમ ગ્રાહકોને માહિતી કે સૂચના નથી આપતી એવા સવાલો ઉભા કર્યા છે. અડાજણ, પાલ સહિતના વિસ્તારોમાં લોકોના ઘરે ગેસ પુરવઠો પહોંચ્યો ન હતો. જેને કારણે 7 હજાર ઘરમાં વસવાટ કરતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ગેસ કંપની પર લોકોએ અનેક સવાલો ઉભા કર્યા હતાં. કારણ કે, લોકોના ઘરે ગેસ પુરવઠો બંધ થઈ હતા હેલ્પ લાઈન નંબર પર કોલ કર્યા હતાં, પરંતુ હેલ્પ લાઈન પર પણ કોઈ જવાબ આપવામાં આવ્યા ન હતાં.
ગુજરાત ગેસ કંપની સામે રોષને લઈ રહીશો એકઠાં થયા
અતુલભાઈ (ગ્રાહક) એ જણાવ્યું હતું કે મંગળવારની સવાર યાદગાર સવાર રહેશે, ઉઠ્યા બાદ દિન ચર્ચા સાથે લોકો ચાની ચૂસકી મારવાની તૈયારી કરતા હોય છે. પણ એ દિવસે કોઈ પણ સૂચના વગર ગેસ પુરવઠો બંધ થઈ જતા હજારો ગ્રાહકો સવારે 6થી 8 વાગ્યા સુધી અટવાયા હતા. ગુજરાત ગેસ કંપની સામે રોષને લઈ સોસાયટીમાં ભેગા થયા હતા. બિલ ભરવામાં મોડું થાય તો SMS અને ગેસ સપ્લાય બંધ કરવાના હોય ત્યારે કોઈ મેસેજ નહી.
ઇમરજન્સી નંબર ઇમજન્સીના સમયમાં જ વ્યસ્ત થઈ જાય
નામ ન લખવાની શરતે એક ગ્રાહકે જણાવ્યું હતું કે કંપનીના મેનેજમેન્ટની લાલીયાવાડીનો અવાર-નવાર કડવા અનુભવ થાય છે. લાઈન ફેરફારમાં ઘણો સમય લેતા હોય છે, નવા કનેક્શન જલ્દી આપતા નથી, મીટર ઉપર લાગેલા ઇમરજન્સી નંબર ઇમજન્સીના સમયમાં જ વ્યસ્ત થઈ જાય છે. આ નબરો ઉપર કઈક અલગ જ રેકોર્ડિંગ સંભળાવવા માં આવે છે. આ કંપનીની ઇમેજ ખરાબ કરી રહ્યા હોય એમ કહી શકાય છે.
આ વિસ્તારમાં વારંવાર થઈ રહી છે અસર
શહેરમાં તમામ વિસ્તારોમાં ગુજરાત ગેસ કંપની પાઈપ લાઈન દ્વારા રસોઈ માટે ગેસ પુરવઠો પુરો પાડે છે. સમયે સમયે ગુજરાત ગેસ કંપનીની સર્વિસને લઈને ગ્રાહકો દ્વારા ફરિયાદ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને અડાજણ, પાલ, જહાંગીરપુરા, પાલનપુર પાટિયા, એલ.પી સવાણી રોડના 6થી 7 હજાર ઘરોમાં આ ટેક્નિકલ ખામીની અસર થઈ હતી.
અધિકારીએ જવાબ આપવાના બદલે મૌન ધારણ કરી લીધું
ગ્રાહકોના અનેક સવાલો સાથે સુરત રિઝનના પ્રેસિડેન્ટ ભાસ્કર જોશી સાથે ટેલિફોનિક વાતચીત થતા એમને પણ ગ્રાહકોલક્ષી સવાલોના જવાબ આપવા કરતા મૌન ધારણ કરી લીધું હતું. આવા તમામ સવાલોના જવાબો અમદાવાદ હેડ ઓફિસમાં બેસતા સિનિયર વાઇઝ પ્રેસિડન્ટ સંતોષ જોપે સાહેબ અને એમની ટીમ જ આપે છે. પ્રોટોકલ સાથે જ ચાલવું પડે છે. જોકે એક પ્રશ્ન તો ગ્રાહકોનો ઉભો જ રહ્યો કે આગામી દિવસોમાં જો કોઈ મોટું લોકેજ કે દુર્ઘટના સર્જાય તો એના માટે જવાબદાર કોણ?
નાનકડું તણખલું મોટી દુર્ઘટના સર્જી શકે
વધુમાં જણાવ્યું હતું કે, સુરત વિસ્ફોટક પર બેઠું હોય એમ લાગી રહ્યું છે. આજે સુરતમાં લગભગ તમામ વિસ્તારોમાં ગુજરાત ગેસ કંપનીની લાઈન છે એપાર્ટમેન્ટ થી લઈ બગલાઓ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો ને પણ ગેસ સપ્લાય કરી રહી છે. એક નાનકડું તણખલું મોટી દુર્ઘટના સર્જી શકે છે. કંપની એ આ તમામ બાબતોને નજર અંદાજ કરવા કરતાં ધ્યાન આપી કામ કરવું જોઈએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.