- Gujarati News
- Local
- Gujarat
- Kheda
- Gas Released From A Factory In Limbasi At Midnight Disrupts Sleep For 20,000 Residents Of Four Villages
સ્વાસ્થ્ય સાથે ચેડાં:લીંબાસીની ફેક્ટરીમાંથી મધરાતે ગેસ છોડાતા ચાર ગામના 20 હજાર રહીશોની ઉંઘ હરામ
- કૉપી લિંક
માતર તાલુકાના લીંબાસી માલાવાડા રોડ ઉપર રણાસર ગામની સિમ વિસ્તારમાં આવેલી કોનકોર્ડ બાયોટેક લિમિટેડ કંપની દ્વારા રાત્રિના સમયે હવામાં ઝેરી ગેસ છોડાતો હોવાના આક્ષેપ સાથે આસપાસના ગ્રામજનોએ આંદોલનની ચીમકી આપી છે.
પ્રદૂષિત વાયુના કારણે ચાર ગામના 20 હજારથી વધુ લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને શારીરિક અસ્વસ્થતા ઊભી થઈ રહી હોવાથી ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે.
ખેડા જિલ્લાના લીંબાસી વિસ્તારમાં સ્થિત કોનકોર્ડ બાયોટેક લિમિટેડ નામની દવા બનાવતી ફેક્ટરી હાલ ભારે વિવાદમાં સપડાઈ છે. સ્થાનિક આસપાસના ગ્રામજનો દ્વારા કંપની સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે, આ કંપની દ્વારા મોડી રાત્રિના સમયે હવામાં દુર્ગંધયુક્ત અને પ્રદૂષિત વાયુ મુક્ત કરવામાં આવે છે. આ ઝેરી ગેસના કારણે રાત્રિના સમયે આસપાસની વસાહતોમાં રહેતા લોકોને ઊંઘવું પણ મુશ્કેલ બની જાય છે.
કંપની દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણને પગલે રવિવારે મોટી સંખ્યામાં 200 જેટલા ગ્રામજનોએ કંપનીના મુખ્ય ગેટ બહાર ઉપસ્થિત થઈને હાય રે કોનકોર્ડ હાય હાય ના ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
કંપનીની બહાર ગામ લોકોએ સૂત્રોચાર કરે તેમ છતાં કંપનીના કર્મચારીઓએ કંપનીનો ગેટ ખોલ્યો ન હતો તેમજ કંપનીના જવાબદાર કર્મચારીઓ કોઈ ગામ લોકો સાથે વાત કરવા તૈયાર ન હતા. સ્થાનિકોની રજૂઆત મુજબ રાત્રે 12 વાગ્યાથી સવારના 3 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કંપનીમાંથી કેમિકલયુક્ત ઝેરી વાયુ છોડવામાં આવે છે.
આ પ્રદૂષિત હવાના કારણે લીંબાસી અને તેની આસપાસના ચાર ગામોના લગભગ 20 હજાર જેટલાં લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
આ વાયુના સંપર્કમાં આવવાથી સ્થાનિક રહીશોમાં આંખોમાં બળતરા થવી, શ્વાસ લેવામાં તકલીફ થાય પેટમાં દુ:ખાવો થવો,ગળા અને છાતીમાં અસહ્ય બળતરા થવા જેવી વિવિધ શારીરિક સમસ્યાઓ ઊભી થાય છે, જેની અસર સવાર સુધી રહે છે. જીપીસીબી તેમજ જિલ્લા કલેક્ટરને લેખિતમાં અનેક ફરિયાદો પાઠવવામાં આવી છે. તેમ છતાં સરકારી તંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
યોગ્ય તપાસ રિપોર્ટ તૈયાર કરી ઉપર મોકલાયો : જીપીસીબીના અધિકારી જીપીસીબીના ઇન્ચાર્જ રિજિયોનલ ઓફિસર એમ.યુ. પટેલ સાથે ગ્રામજનોની ટેલિફોનિક વાતચીતનો વિડીયો સામે આવ્યો છે. જેમાં અધિકારીએ પોતે સ્થળ તપાસ કરી હોવાનું સ્વીકાર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મુલાકાત સમયે કદાચ દુર્ગંધ ન આવતી હોય તે શક્ય છે, પરંતુ સ્થાનિકોને પડતી તકલીફોને ધ્યાને રાખીને યોગ્ય તપાસ રિપોર્ટ તૈયાર કરીને જરૂરી પગલાં લેવા માટે આગળ મોકલી આપવામાં આવ્યા છે.
રાત્રિના સમયે ઘરના દરવાજા બંધ કરી દેવાની ફરજ પડે છે રણાસર ગામ પાસે જે કોર્નકોડ કંપની આવેલી છે આ કંપની રાત્રે 12 થી 3 માં જે ગેસ છોડે છે. જેનાથી સ્થાનિક લોકો એટલા હેરાન થાય છે કે રાત્રિના સમયે ઘરના દરવાજા બંધ કરી દેવા પડે છે. આ દુર્ગંધનો સામનો ચારથી પાંચ ગામના 20 હજાર લોકો કરે છે. વહેલી તકે આ કંપની સામે કાર્યવાહી કરીને નિકાલ કરવામાં આવે. > દિનેશભાઇ સોલંકી, સરપંચ, લીંબાસી ગ્રામ પંચાયત
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















