- Gujarati News
- Local
- Gujarat
- Gir somnath
- Una
- Purushottam Solanki Visits Una; Attends Koli Samaj Sneh Milan Event
ઉનામાં કોળી સમાજનું પ્રથમ ઐતિહાસિક સ્નેહમિલન:નાદુરસ્ત તબિયત છતાં મંત્રી પુરુષોત્તમ સોલંકી પહોંચ્યા; ‘સમાધાન પંચ’ની રચનાનો સંકલ્પ, 1 વર્ષમાં વિકાસનાં કામો આગળ વધારવાની ખાતરી
- કૉપી લિંક

નવલા વર્ષના પાવન અવસરે કોળી સમાજમાં એકતા, ભાઈચારો અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુથી ઉના-દેલવાડા રોડ પર આવેલા ટાઉન હોલ ખાતે કોળી સમાજ અને કોળી સેના દ્વારા પ્રથમ ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી પુરુષોત્તમ સોલંકી તબિયત નાદુરસ્ત હોવા છતાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
‘આપણે સિંહના સંતાન છીએ અને સિંહ તો સિંહ જ કહેવાય’ નાદુરસ્ત તબિયત છતાં સમાજ પ્રત્યેનો પ્રેમ અને ‘સિંહ’ની ઉપમા સાથે હુંકાર સમારોહને સંબોધતા મંત્રી પુરુષોત્તમ સોલંકીએ પોતાના આગવા અંદાજમાં સમાજને સંદેશ આપ્યો હતો. તેમણે સિંહની ઉપમા આપતા જણાવ્યું હતું કે, આપણે સિંહના સંતાન છીએ અને સિંહ તો સિંહ જ કહેવાય. કોઈના બોલવાથી આપણને કોઈ ફરક પડતો નથી. સિંહ જ્યારે ફરતો હોય ત્યારે આજુબાજુમાં કૂતરા ઘણા ભસતા હોય, પરંતુ સિંહ પોતાની મસ્તીમાં જ રહે છે અને પાછળ કોણ શું બોલે છે તેની પરવા કરતો નથી. સિંહની એક ડણકથી બધા ભાગી જાય છે, એટલે આપણે પાછળ જોવાની જરૂર નથી. તેમના આ નિવેદનથી સમગ્ર સમારોહમાં ભારે ચર્ચા જાગી હતી.

‘દીકરીના આગ્રહથી લંગડાતો-લંગડાતો ઉના આવ્યો’ પોતાની નાદુરસ્ત તબિયત અંગે ભાવુક થતા તેમણે ઉમેર્યું હતું કે, મારી દીકરી દીપુના આગ્રહ અને સમાજના પ્રેમના કારણે મારાથી રહેવાતું નથી. આજે મારા પગમાં અસહ્ય દુ:ખાવો છે અને પગની છેલ્લી આંગળી પણ કાપવી પડી છે, તેમ છતાં હું લંગડાતો-લંગડાતો અહીં ઉના આવ્યો છું.
1 વર્ષમાં વિકાસનાં કામો આગળ વધારવાની ખાતરી આપી તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા 35 વર્ષથી તેઓ સમાજની નિઃસ્વાર્થ સેવા કરતા આવ્યા છે અને આગામી એક વર્ષ દરમિયાન પણ સમાજના આર્થિક ઉત્થાન, શિક્ષણના વિકાસ, સમૂહલગ્નોના આયોજન અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં કોઈ કચાશ રાખવામાં નહીં આવે.

ઉના પંથક સાથેના સંસ્મરણો અને સંગઠનની તાકાત પર ભાર આ પ્રસંગે રાજુલા-જાફરાબાદના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજ-ગુજરાતના પ્રમુખ હીરા સોલંકીએ ઉના પંથક સાથેના જૂના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, અમે ઉનાના વિસ્તારથી અજાણ્યા નથી. અહીં અમારું ફાર્મ હાઉસ, હોટલ તેમજ ધારાબંદર, મજાણા અને ઓથેરા જેવા અમારા પોતાના ગામ છે, જ્યાં બાપુજીની આંગળી પકડીને અમે રખડેલા છીએ. તેમણે સમાજના દરેક વર્ગને સાથે રાખીને સંગઠિત બનવા હાંકલ કરી હતી, કારણ કે સંગઠિત સમાજ જ પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે.
‘સમાધાન પંચ’ની રચનાનો મહત્વપૂર્ણ નિર્ણય યુવા અગ્રણી દિવ્યેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ઉના તાલુકા અને ગીર સોમનાથ જિલ્લામાં કોળી સમાજની ખૂબ મોટી વસ્તી છે. આ સ્નેહમિલન કોઈ રાજકીય હેતુથી નહીં પરંતુ સમાજના તમામ સંગઠનોને એક મંચ પર લાવી છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચાડવાના ચિંતન માટે યોજાયું છે. તેમણે કાંઠા વિસ્તારના નાના-મોટા પ્રશ્નો માટે લોકોને પોલીસ સ્ટેશન સુધી ધક્કા ન ખાવા પડે તે માટે સમાજના પંચો દ્વારા જ સમાધાન થાય તેવી વ્યવસ્થા પર ભાર મૂક્યો હતો.

'5-5 સભ્યની ટીમ બનાવી 'સમાધાન પંચ' સ્થાપિત કરીશું' દીપા બાંભણીયા કોળી સેના ગીર સોમનાથ-જૂનાગઢ જિલ્લાનાં પ્રમુખ દીપાબેન બાંભણીયાએ સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત આટલું ભવ્ય સ્નેહમિલન યોજાયા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, આવનારા દિવસોમાં અમે સમાજના આગેવાનોની નિમણૂક કરીશું અને પાંચ-પાંચ સભ્યની ટીમ બનાવીને 'સમાધાન પંચ' સ્થાપિત કરીશું. જેથી સમાજમાં થતા નાના-મોટા ઝઘડા, બહેનો-દીકરીઓના પ્રશ્નો અને પારિવારિક વિવાદોનો સંવાદ દ્વારા સુખદ ઉકેલ લાવી શકાય.
એકતા, સંગઠન અને સામૂહિક વિકાસની નવી દિશાનો સંકલ્પ આ સ્નેહમિલનમાં સમાજના અગ્રણી રામભાઈ વાળા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોળી સેનાના હોદ્દેદારો, વેપારીઓ, યુવાનો તેમજ માતાઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે બાદ અંતે સૌએ સાથે સમૂહભોજન લીધું હતું. આ પ્રથમ સ્નેહમિલને ઉના પંથકના કોળી સમાજમાં એકતા, સંગઠન અને સામૂહિક વિકાસની નવી દિશાનો સંકલ્પ જગાવ્યો હતો.

ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















