- Gujarati News
- Local
- Gujarat
- Gir somnath
- Una
- Complaint Filed Against Four People In Enmity Over Old Fish Business
ઊનામાં માથાકૂટ:યુવક પર લોખંડના પાઇપથી હુમલો, કારના કાચ તોડ્યા
- કૉપી લિંક
ઉના શહેરના માણેક ચોક વિસ્તારમાં જૂના મચ્છીના ધંધાની અદાવતને લઈ મારામારી અને વાહનમાં તોડફોડની ઘટના સામે આવી છે.
જેમાં એક યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવામાં આવી હતી, જ્યારે તેની કિયા સેલ્ટોસ કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ બનાવને પગલે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, ઉનાના માણેક ચોકમાં રહેતા મહંમદ સાબીર ઈકબાલભાઈ ચોરવાડા (ઉંમર 33) મચ્છીનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 11 નવેમ્બરના રોજ તેઓ રાત્રિના સમયે ઘરેથી વાળ-દાઢી કરાવવા ગયા હતા.
ત્યારબાદ તા. 12 નવેમ્બરના રોજ રાત્રિના આશરે એક વાગ્યાના અરસામાં પોતાની કિયા સેલ્ટોસ કાર (નંબર GJ-11-CD-4636) લઈને માણેક ચોકમાં ઊભા હતા. તે દરમિયાન ગામના જીણાભાઈ મકવાણા, માસુમભાઈ હારૂનભાઈ કાસમાણી, રીયાજભાઈ રફીકભાઈ મેમણ અને સાજીદ ઉર્ફે સજુ પટેલ દાદાભાઈ દિવેચા ત્યાં આવ્યા હતા.
આ સમયે જીણાભાઈએ લોખંડના પાઇપ વડે હુમલો કરતાં ફરિયાદી ત્યાંથી ભાગીને પોતાના ઘર તરફ ગયા હતા. જોકે, આરોપી ત્યાં પણ પહોંચી ગયો હતો ફરી લોખંડના પાઇપ વડે હુમલો કરતાં ફરિયાદીને પીઠના ભાગે તથા જમણા હાથમાં ઇજા પહોંચી હતી.
બીજી તરફ, સાજીદ પટેલ, રીયાજ અને માસુમભાઈએ ફરિયાદીની કિયા સેલ્ટોસ કારના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. કારમાં ગેસ બોટલ પાસે રાખેલા રૂ.5,500 પણ મળી આવ્યા ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ ઉપરાંત, અગાઉ ફરિયાદીના ઘર પાસે જઈ જીણાભાઈ, માસુમભાઈ અને રીયાજે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વાત પણ ફરિયાદમાં કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ફરિયાદીએ 112 અને 108 ઇમરજન્સી સેવાને ફોન કર્યો હતો.
ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકને પરિવારજનો સાથે ઉના સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે વેરાવળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વિવિધ દિશામાં તપાસ શરૂ કરાઇ જૂના મચ્છીના વ્યવસાયને લઈને મનદુઃખ રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે પોલીસે ચારેય શખ્સો સામે મારામારી, વાહનમાં તોડફોડ, જાનથી મારી નાખવાની ધમકી અને જાહેરનામાના ભંગ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















