- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Dahod Celebrates Jalaram Bapa 227th Birth Anniversary | Grand Procession
દાહોદમાં જલારામ બાપાની 227 મી જન્મજયંતિની ઉજવણી:ભવ્ય શોભાયાત્રા, રાસ-ગરબાની રમઝટ, બાળકોની તુલા અને મહાપ્રસાદીનું આયોજન
- કૉપી લિંક

દાહોદ શહેરમાં આસ્થાના કેન્દ્ર સમાન જલારામ મંદિર ખાતે આજરોજ સંત શિરોમણિ જલારામ બાપાની 227 મી જન્મજયંતિ મહોત્સવની ભારે ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

જલારામ સેવા ટ્રસ્ટ તેમજ પ્રજાપતિ સમાજના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પાવન પર્વે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સમગ્ર વાતાવરણ "જય જલારામ" અને "વીરપુરવાળા જલારામ"ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જેના કારણે સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ છવાયો હતો.

જન્મજયંતિ મહોત્સવના ભાગરૂપે નિજ મંદિરેથી જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ઢોલ-નગારા અને બેન્ડવાજાના તાલે નીકળેલી આ શોભાયાત્રામાં ભક્તોએ ભારે ઉત્સાહભેર રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

આ શોભાયાત્રા ગૌશાળા પોલીસ ચોકી, રાધાકૃષ્ણ મંદિર, માર્કેટ યાર્ડ, બહારપુરા, પડાવ રોડ, ગાંધી ચોક અને દોલતગંજ બજાર સહિતના મુખ્ય રાજમાર્ગો પર ફરીને પુનઃ નિજ મંદિરે પરત ફરી હતી. શહેરના વિવિધ માર્ગો પર ઠેર-ઠેર સ્થાનિક વેપારીઓ, સામાજિક સંસ્થાઓ અને રહીશો દ્વારા શોભાયાત્રાનું પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આ જલારામ મંદિર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે. અહીં અનેક શ્રદ્ધાળુઓની મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની લોકવાયકાને પગલે દર વર્ષે જલારામ જયંતિના દિવસે મંદિરે ભક્તોની ભારે ભીડ જામે છે. આજરોજ જે પરિવારોએ સંતાન પ્રાપ્તિ કે અન્ય શુભ કાર્યો માટે બાધા રાખી હતી, તે તમામ શ્રદ્ધાળુઓએ પોતાના બાળકોની વિવિધ દ્રવ્યો સાથે તુલા કરીને પોતાની માનતા પૂર્ણ કરી હતી. મંદિરમાં વહેલી સવારથી જ વિશેષ પૂજા-અર્ચના, અન્નકૂટ દર્શન અને મહાઆરતીના કાર્યક્રમો યોજાયા હતા.

"દેને કો ટુકડો ભલો, લેને કો હરિ કા નામ"ના જીવનમંત્રને સાર્થક કરતા જલારામ બાપાના સેવાકાર્યને અનુરૂપ મંદિર પરિસરમાં વિશાળ ભંડારા અને ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં ઉમટેલા ભાવિક ભક્તોએ શિસ્તબદ્ધ રીતે બેસીને મહાપ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

આ સમગ્ર ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે જલારામ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો, પ્રજાપતિ સમાજના આગેવાનો અને યુવા સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી, જેના પરિણામે સમગ્ર કાર્યક્રમ અત્યંત સુચારુ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.



ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















