Fri, Nov 27, 2026Updated 03:16 PM IST
Google Preferred Source CTA

ભારતના 'AI કિડ'એ પુતિન સાથે સેલ્ફી લીધી:17 વર્ષની ઉંમરે સ્ટાર્ટઅપ શરૂ કરી પોતાના જ પિતાને આપે છે ₹2 લાખનો પગાર; રશિયન રાષ્ટ્રપતિના સવાલ પર આપ્યો દમદાર જવાબ

નવી દિલ્હી/મોસ્કો18 મિનિટ પેહલા
  • કૉપી લિંક

ભારતના 'AI કિડ' તરીકે જાણીતા 17 વર્ષના રાઉલ જૉન અજુની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

અજુએ આ વર્ષે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તેમની આ કંપનીમાં કુલ 15 લોકો કામ કરે છે. ખાસ વાત એ છે કે તેઓ પોતાના પિતાને પણ કંપનીમાં કામ કરવા માટે દર મહિને 2 લાખ રૂપિયા પગાર આપે છે.

ભારતના AI કિડ અજુ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
ભારતના AI કિડ અજુ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

17 વર્ષની ઉંમરે 15 AI ટૂલ બનાવ્યાં, 5 લાખ લોકોને તાલીમ આપી

રાઉલે ‘AI રિયલ્મ ટેક્નોલોજીઝ’ નામથી પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તેઓ કંપનીના ફાઉન્ડર અને CTO છે. કંપનીનું કામ AI સંબંધિત ટૂલ્સ બનાવવાનું અને લોકોને આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શીખવવાનું છે. આ અંતર્ગત તેઓ વિદ્યાર્થીઓ અને કામકાજ કરતા લોકોને AIની તાલીમ આપે છે.

કંપની અત્યાર સુધીમાં 15 AI ટૂલ્સ બનાવી ચૂકી છે અને આશરે 5 લાખ લોકોને AIની તાલીમ આપી ચૂકી છે. તેમાં IIT અને IIM જેવી સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ કંપનીઓમાં કામ કરતા લોકોનો પણ સમાવેશ થાય છે.

કંપનીની એક એપ પણ છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ રમતની જેમ AI શીખી શકે છે. તેનો હેતુ AIનું શિક્ષણ સરળ અને મજેદાર બનાવવાનો છે. કંપનીની વેબસાઇટ મુજબ, તે દેશભરની શાળાઓ, કોલેજો, કંપનીઓ અને સરકારી સંસ્થાઓ સાથે મળીને AIની તાલીમ અને વર્કશોપ પણ યોજે છે.

રાઉલ જ્હોન અજુ અનેક પોડકાસ્ટ પર પણ નજરે પડી ચૂક્યા છે. (ફાઇલ ફોટો)
રાઉલ જ્હોન અજુ અનેક પોડકાસ્ટ પર પણ નજરે પડી ચૂક્યા છે. (ફાઇલ ફોટો)

પુતિનના AI અંગેના સવાલનો જવાબ આપ્યો

અજુ ગુરુવારે રશિયાની રાજધાની મોસ્કોમાં યોજાયેલી એક આંતરરાષ્ટ્રીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પરિષદમાં સામેલ થયા હતા. અહીં તેમની મુલાકાત રાષ્ટ્રપતિ પુતિન સાથે થઈ. વાતચીત દરમિયાન પુતિને તેમને પૂછ્યું,

QuoteImage

શું અભ્યાસમાં AIનો વધુ પડતો ઉપયોગ બાળકોની વિચારવાની અને સમજવાની ક્ષમતા માટે ખતરો બની શકે છે?

QuoteImage

આ અંગે અજુએ કહ્યું કે AIનો ઉપયોગ માનવીની વિચારવાની ક્ષમતાનું સ્થાન લેવા માટે નહીં, પરંતુ તેમની સાથે મળીને કામ કરવા માટે થવો જોઈએ.

મોસ્કોમાં ગુરુવારે આંતરરાષ્ટ્રીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પરિષદમાં રાષ્ટ્રપતિ પુતિન અને અજુ વાતચીત કરતા
મોસ્કોમાં ગુરુવારે આંતરરાષ્ટ્રીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પરિષદમાં રાષ્ટ્રપતિ પુતિન અને અજુ વાતચીત કરતા

'ગેમ રમીને AIનો ઉપયોગ શીખ્યો'

અજુએ જણાવ્યું કે AIની મદદથી બાળકોને તેમની પસંદગીની રીતથી ભણાવી શકાય છે. તેમણે ગણિતનું ઉદાહરણ આપતાં કહ્યું કે જે બાળકને ગણિત ગમે છે, તે ચિત્રો, વીડિયો અને ગેમ દ્વારા તેને શીખી શકે છે. તેમણે જણાવ્યું કે તેમણે પોતે પણ ગેમ રમીને AI શીખ્યું છે.

અજુએ પોતાની ગણિતની પરીક્ષાનો એક પ્રસંગ પણ સંભળાવ્યો. તેમણે જણાવ્યું કે,

QuoteImage

પરીક્ષાના એક દિવસ પહેલાં હું ગેમ રમી રહ્યો હતો. આ જોઈને મારા પિતાએ પૂછ્યું કે આવતીકાલે પરીક્ષા છે, છતાં ગેમ કેમ રમી રહ્યા છો? તેના પર મેં કહ્યું કે હું અભ્યાસ કરી રહ્યો છું.

QuoteImage

અજુએ કહ્યું કે ગેમ દ્વારા અભ્યાસ કરવાથી તેમને પોતાની પસંદગીની રીતથી શીખવાની તક મળી. તેમણે સવાલ ઉઠાવ્યો કે એક વર્ગમાં 40 બાળકો હોય તો એક શિક્ષક દરેક બાળકને તેની પસંદગી મુજબ કેવી રીતે ભણાવી શકે? મારું માનવું છે કે AI આ કામમાં મદદ કરી શકે છે.

પુતિને કહ્યું- માત્ર યાદ રાખવું પૂરતું નથી

અજુની વાત સાંભળીને પુતિને કહ્યું કે બાળકોને માત્ર માહિતી યાદ રાખવાનું નહીં, પરંતુ વિચારવાનું પણ શીખવવું જરૂરી છે. તેમણે કહ્યું કે યુવાનોને વસ્તુઓ યાદ રાખવી, નવી બાબતો શીખવી અને તેમના વિશે પોતે વિચારીને યોગ્ય નિષ્કર્ષ સુધી પહોંચતા પણ આવડવું જોઈએ.

પુતિને AIને લઈને વધુ એક ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે આજે લોકો AIનો ઉપયોગ પોતાના સહાયક તરીકે કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ખતરો છે કે તેઓ પોતે વિચારવાનું અને કોઈ બાબત પર પોતાનો અભિપ્રાય બનાવવાનું બંધ કરી દે.

આના પર અજુએ કહ્યું કે AI મનુષ્યોની જગ્યા લેનાર નહીં, પરંતુ તેમની સાથે મળીને કામ કરતું સાધન હોવું જોઈએ.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links