Mon, Nov 16, 2026Updated 02:18 PM IST
Google Preferred Source CTA

પીએમ ઇન વેઇટિંગ
1943માં PM બની ગયા હતા સુભાષચંદ્ર બોઝ:જીવિત હોત તો નેહરુને બદલે વડાપ્રધાન હોત? પૌત્રે કહ્યું- ભાગલા ન પડત

3 વર્ષ પેહલાલેખક: ધર્મેન્દ્ર ચૌહાણ
  • કૉપી લિંક

'જો નેતાજી આઝાદી સમયે જીવતા હોત તો દેશના ટુકડા ન થયા હોત. તેઓ દેશના વિભાજનને સ્વીકારતા નહીં. પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાએ પણ કહ્યું હતું કે હું માત્ર એક જ નેતાને સ્વીકારી શકું છું અને તે છે સુભાષચંદ્ર બોઝ.’

17 જૂન, 2023એ એક કાર્યક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આ નિવેદન આપ્યું હતું. આ પહેલાં પીએમ નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ સુભાષચંદ્ર બોઝને અખંડ ભારતના પ્રથમ વડાપ્રધાન ગણાવ્યા હતા.

નેતાજી સુભાષચંદ્ર બોઝના ભાઈ શરતચંદ્ર બોઝના પૌત્ર ચંદ્રકુમાર બોઝ કહે છે, 'જો નેતાજી આઝાદી સમયે ત્યાં હોત તો તેઓ ભારતના વડાપ્રધાન હોત. હકીકતમાં મોહમ્મદ અલી ઝીણાને માત્ર નેતાજી પર વિશ્વાસ હતો. ઝીણાને નેતાજી પીએમ તરીકે સ્વીકાર્ય હતા. જો નેતાજી હોત તો આજે ભારતનું વિભાજન થયું ન હોત.

30 ડિસેમ્બર 1943, પોર્ટ બ્લેયરના જિમખાના મેદાનમાં ધ્વજ ફરકાવ્યા બાદ નેતાજી. આ પ્રથમ પ્રસંગ હતો, જ્યારે અંગ્રેજો પાસેથી છીનવાઈ ગયેલી ભારતની ધરતી પર વડાપ્રધાન તરીકે કોઈ ભારતીયે ઝંડો ફરકાવ્યો હોય
30 ડિસેમ્બર 1943, પોર્ટ બ્લેયરના જિમખાના મેદાનમાં ધ્વજ ફરકાવ્યા બાદ નેતાજી. આ પ્રથમ પ્રસંગ હતો, જ્યારે અંગ્રેજો પાસેથી છીનવાઈ ગયેલી ભારતની ધરતી પર વડાપ્રધાન તરીકે કોઈ ભારતીયે ઝંડો ફરકાવ્યો હોય

ભાસ્કરની વિશેષ શ્રેણી 'પીએમ ઇન વેઇટિંગ'માં, એવા નેતાઓના કિસ્સાઓ, જેઓ ભારતના વડાપ્રધાન બનતાં-બનતાં રહી ગયા. પ્રથમ એપિસોડમાં આજે સુભાષચંદ્ર બોઝની કહાની…

શ્રીમંત અને તેજસ્વી હતા, પરંતુ પ્રોફેસરને પીટતા કોલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. સુભાષના પિતા જાનકીનાથ બોઝ જાણીતા વકીલ હતા. તેમનું પ્રારંભિક જીવન ઓડિશાના કટકમાં વિત્યું હતું. તેઓ 9 ભાઈ-બહેન હતાં. સુભાષ શરૂઆતના દિવસોથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા. તેથી, કટકથી કલકત્તા આવ્યા પછી, બોઝે પ્રખ્યાત પ્રેસિડેન્સી કોલેજમાં પ્રવેશ લીધો હતો.

યુવાન સુભાષની તસવીર, જ્યારે તે કટકથી કલકત્તા (હાલ કોલકાતા) ભણવા માટે આવ્યા હતા.
યુવાન સુભાષની તસવીર, જ્યારે તે કટકથી કલકત્તા (હાલ કોલકાતા) ભણવા માટે આવ્યા હતા.

નેતાજી સુભાષચંદ્ર બોઝના ભાઈ શરદચંદ્ર બોઝના પૌત્ર અને ઈતિહાસકાર પ્રો. સુગત બોઝે તેમના પુસ્તક 'હિઝ મેજેસ્ટીઝ એપોનન્ટઃ સુભાષચંદ્ર બોઝ એન્ડ ઈન્ડિયાઝ સ્ટ્રગલ અગેઈન્સ્ટ એમ્પાયર'માં તેમના કોલેજના દિવસોનો એક કિસ્સો લખ્યો છે, '10 જાન્યુઆરી 1916ની વાત છે. સુભાષ લાઈબ્રેરીમાં બેસીને વાંચતા હતા. આ દરમિયાન હોબાળો થયો. કેટલાક સહાધ્યાયીઓ તેમની પાસે આવ્યા અને કહ્યું કે ઇતિહાસના પ્રોફેસર એડવર્ડ ફાર્લે ઓટેને કેટલાક વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી. તે સમયે સુભાષ તેમના વર્ગના પ્રતિનિધિ હતા.

સુગત બોઝ લખે છે, 'પ્રોફેસર ઓટેનનો અગાઉનો રેકોર્ડ ભારતીયોની નિંદા અને ટીકાનો હતો. સુભાષ આ બાબત પ્રિન્સિપાલ હેન્રી પાસે લઈ ગયા. સુભાષ ઇચ્છતા હતા કે પ્રોફેસર ઓટેન વિદ્યાર્થીઓની માફી માંગે. પ્રોફેસર ઓટેન પણ મક્કમ હતા. સુભાષે વિદ્યાર્થીઓ સાથે મળીને હડતાળ શરૂ કરી દીધી. રોષે ભરાયેલા પ્રિન્સિપાલે હડતાળ કરનારા વિદ્યાર્થીઓને રૂ.5નો દંડ ફટકાર્યો હતો. ભારે મુશ્કેલીથી મામલો ઠંડો પડ્યો.

સુગત બોઝ લખે છે, 'લગભગ એક મહિના પછી, 15 ફેબ્રુઆરીના રોજ, પ્રોફેસર ઓટેને ફરીથી કેટલાક વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન કર્યું. અપમાનનો બદલો લેવા માટે કેટલાક વિદ્યાર્થીઓ કોલેજની સીડી પરથી ઊતરી રહેલા પ્રોફેસર ઓટેનને માર મારીને ભાગી ગયા. જ્યારે કેસની તપાસ થઇ ત્યારે સુભાષને મુખ્ય આરોપી ગણવામાં આવ્યા. પ્રત્યક્ષદર્શી પટાવાળાએ પણ સુભાષને ઓળખી કાઢ્યા. આ પછી પ્રિન્સિપાલે તેમને કોલેજમાંથી કાઢી મૂક્યા હતા. બાદમાં જ્યારે પરિવારના સભ્યોએ નેતાજીને પૂછ્યું કે શું તેમણે પ્રોફેસરને માર માર્યો હતો, તો તેઓ કંઈ બોલવાને બદલે માત્ર હસ્યા.

બાદમાં સુભાષચંદ્ર બોઝે કોલકાતાની સ્કોટિશ ચર્ચ કોલેજમાં પ્રવેશ લીધો. જ્યાં તેમણે બી.એ.ની પરીક્ષામાં યુનિવર્સિટીમાં બીજો ક્રમ મેળવ્યો હતો. સુભાષચંદ્ર બોઝ પાછળથી લંડન ગયા. અહીં ICS પરીક્ષામાં તેમણે મેરિટ લિસ્ટમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. જ્યારે સુભાષચંદ્ર બોઝ ઈંગ્લેન્ડમાં અભ્યાસ કરીને ભારત પાછા ફર્યા ત્યારે તેમની ઉંમર 25 વર્ષની હતી.

ગાંધીની સહમતીથી બોઝ પ્રથમ વખત કોંગ્રેસ અધ્યક્ષ બન્યા

બોઝે આઝાદીની ચળવળમાં ઝંપલાવ્યું. તે સમયે તેઓ ચિત્તરંજન દાસ સાથે કામ કરતા હતા. પ્રખ્યાત ઈતિહાસકાર રુદ્રાંગ્શુ મુખર્જી તેમના પુસ્તક 'નેહરુ એન્ડ બોઝઃ પેરેલલ લાઈવ્સ'માં લખે છે, '1927 સુધીમાં નેહરુ અને બોઝ બંનેએ પોતાની જાતને રાજકારણમાં સ્થાપિત કરી લીધી હતી અને બંનેએ તેમની પ્રથમ સજા બ્રિટિશ ભારતીય જેલોમાં ભોગવી હતી. બંનેએ ગાંધીનું નેતૃત્વ સ્વીકાર્યું હતું પરંતુ બોઝ સંપૂર્ણપણે ગાંધીના પ્રભાવ હેઠળ આવ્યા ન હતા.

શ્રીજાનકી રમણ કોલેજ, જબલપુરના ઈતિહાસ વિભાગના વડા ડૉ. આનંદ રાણા કહે છે કે ગાંધીજી દ્વારા શરૂ કરાયેલ અસહકાર અને સવિનય આંદોલનને કોઈ મોટી સફળતા મળી ન હતી. સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસને નવા વિચારો સાથે આગળ લઈ અંગ્રેજો પાસેથી આઝાદી મેળવવા માંગતા હતા. ગાંધીજી સમજી ગયા હતા કે સુભાષ સશસ્ત્ર ક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છે.

ગાંધીજીએ 1934માં કોંગ્રેસની સદસ્યતા છોડી દીધી હતી, પરંતુ તમામ નિર્ણયો તેમની ઈચ્છા મુજબ જ લેવાતા હતા. કોંગ્રેસના અધ્યક્ષ કોણ હશે તે તેઓ જ નક્કી કરતા હતા. 1936માં લખનૌમાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં નેહરુ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેમને અધ્યક્ષ બનાવવાનો વિચાર ગાંધીજીનો હતો. નેહરુ અધ્યક્ષ બન્યા ત્યારે થોડાક અંશે વિરોધના અવાજો ઊઠવા લાગ્યા હતા.

ડિસેમ્બર 1936માં જ્યારે નેહરુને પાર્ટીના અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટવાનો પ્રસ્તાવ આવ્યો, ત્યારે સરદાર પટેલે ખુલ્લેઆમ વિરોધ કર્યો. પટેલે નેહરુના અધ્યક્ષ બનવા પર પક્ષ છોડવા સુધીની વાત પણ કરી દીધી. આ પછી 1937માં ગાંધીજીએ કોંગ્રેસ અધ્યક્ષ માટે સુભાષચંદ્ર બોઝનું નામ સૂચવ્યું.

1938માં ગુજરાતના હરિપુરામાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.
1938માં ગુજરાતના હરિપુરામાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

23 જાન્યુઆરી 1938એ નેતાજી તેમના 41મા જન્મદિવસે વિદેશથી પરત ફર્યા હતા. પરત ફરતાની સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. સૌપ્રથમ નેતાજીએ તેમનું અધ્યક્ષનું ભાષણ તૈયાર કર્યું. ગુજરાતના સુરત જિલ્લાના હરિપુરામાં કોંગ્રેસનું 51મું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. 19થી 22 ફેબ્રુઆરી 1938 દરમિયાન યોજાયેલ આ અધિવેશનની અધ્યક્ષતા સુભાષચંદ્ર બોઝે કરી હતી.

જ્યારે ગાંધીજીએ કહ્યું- આ સુભાષની જીત નથી, મારી હાર છે

મનદુ:ખની શરૂઆત બંગાળથી થઈ. ડિસેમ્બર 1938માં સુભાષચંદ્ર બોઝ બંગાળમાં કૃષક પ્રજા પાર્ટી સાથે મળીને સરકાર બનાવવા માંગતા હતા. પહેલા તો ગાંધી સહમત હતા, પણ પછીથી બદલાઈ ગયા. 1939માં કોંગ્રેસ અધ્યક્ષની ફરીથી ચૂંટણી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દ્વારકા પ્રસાદ મિશ્રા તેમના પુસ્તક 'લિવિંગ એન એરા'માં જે.બી. કૃપલાનીને ટાંકીને લખે છે કે સુભાષ બાબુ બીજી વખત અધ્યક્ષ બનવા માંગતા હતા, પરંતુ ગાંધીજીએ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ સમર્થન નહીં કરે. ગુજરાતના બારડોલીમાં મળેલી બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર વિચારણા કરવામાં આવી હતી. સુભાષે તેમાં ભાગ લીધો ન હતો.

ગાંધીજી ઇચ્છતા ન હતા કે સુભાષ ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ બને. તેમની વિનંતી છતાં, નેહરુ, પટેલ અને અબુલ કલામે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. આખરે, ગાંધીજીના આગ્રહ પર આંધ્રપ્રદેશના પટ્ટાભી સીતારમૈયા ચૂંટણી લડવા સહમત થઈ ગયા. હવે સુભાષબાબુ અને સીતારમૈયા ચૂંટણી મેદાનમાં હતા.

29 જાન્યુઆરી 1939એ કોંગ્રેસ અધ્યક્ષ માટે ચૂંટણી યોજાઈ ત્યારે સુભાષચંદ્ર બોઝને 1580 વોટ અને પટ્ટાભી સીતારમૈયાને 1377 વોટ મળ્યા હતા. નેતાજી 203 મતોથી જીત્યા. દ્વારકા પ્રસાદ મિશ્રા તેમના પુસ્તક 'લિવિંગ એન એરા'માં લખે છે કે સુભાષ બાબુએ મને ફોન કરીને સમર્થન માંગ્યું હતું. મેં કહ્યું, માફ કરજો, હું ગાંધીજીની વિરુદ્ધ જઈ શકીશ નહીં. પાછળથી ખબર પડી કે સુભાષ બાબુને સૌથી વધુ મત મધ્ય ભારતમાંથી મળ્યા છે. એટલે કે સુભાષે લોકપ્રિયતામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પણ હરાવ્યા હતા.

ચૂંટણી પછી ગાંધીએ નિવેદન આપ્યું કે મેં સીતારામૈયાને તેમનું નામ પાછું ખેંચવાની મંજૂરી આપી નહોતી. આ કારણે તેમની ઓછી અને મારી હાર વધુ છે.

52 હાથીઓએ નેતાજીનું સ્વાગત કર્યું, નેહરુ સાથે ઝપાઝપી થઈ

સંમેલન 52મું હતું, તેથી નેતાજી સુભાષચંદ્ર બોઝના સ્વાગત માટે 52 હાથીઓને તૈયાર કરીને જબલપુરથી ત્રિપુરી સુધી સરઘસમાં લઈ જવાની યોજના હતી. નેતાજી 5 માર્ચે જબલપુર પહોંચ્યા. કમનસીબે નેતાજી બીમાર હતા. તેમને 105 ડિગ્રી તાવ હતો. તે હાથી પર સવારી કરી શક્યા નહીં, જો કે તે સ્ટ્રેચર પર સૂતા જબલપુર પહોંચ્યા. બાદમાં તે હાથીઓ પર સુભાષચંદ્ર બોઝની તસવીર મૂકીને 15 કિલોમીટરનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. નેહરુ પણ બીજા દિવસે આ સંમેલનમાં પહોંચ્યા હતા.

105 ડિગ્રી તાવ સાથે નેતાજી જબલપુર આવ્યા હતા. તેમને સ્ટ્રેચર પર લાવવા પડ્યા હતા.
105 ડિગ્રી તાવ સાથે નેતાજી જબલપુર આવ્યા હતા. તેમને સ્ટ્રેચર પર લાવવા પડ્યા હતા.

દ્વારકા પ્રસાદ મિશ્રા લખે છે, '10 માર્ચ, 1939એ સુભાષચંદ્ર બોઝે ત્રિપુરી અધિવેશનને અધ્યક્ષ તરીકે સંબોધવાનું શરૂ કર્યું. તેમને સાંભળવા માટે બે લાખથી વધુ લોકો આવ્યા હતા. જેને જ્યાં જગ્યા મળી તે ત્યાં ગોઠવાઈ ગયા. નર્મદા નદીના ઘાટ પર પણ જગ્યા ખાલી નહોતી. સુભાષબાબુ ડોક્ટરોથી ઘેરાયેલા હતા અને ખુરશી પર બેસીને બેઠકમાં હાજર રહ્યા હતા. ત્રિપુરીમાં ગાંધીવાદીઓની સમસ્યા એ હતી કે વિશ્વને કેવી રીતે સમજાવવું કે સુભાષ બાબુ જીત્યા હોવા છતાં આજે પણ મહાત્મા ગાંધી કોંગ્રેસના સર્વોચ્ચ નેતા છે.

નેતાજીએ મંચ પરથી અંગ્રેજોને ભારત છોડવા માટે છ મહિનાનું અલ્ટિમેટમ આપ્યું હતું. સુભાષે કહ્યું કે બીજા વિશ્વયુદ્ધની શરૂઆતના સંકેતો મળી રહ્યા છે. અંગ્રેજો સાથે આરપાર કરવાનો આ યોગ્ય સમય છે.

બીમાર હોવા છતાં નેતાજીએ અધિવેશન સંબોધિત કર્યું હતું.
બીમાર હોવા છતાં નેતાજીએ અધિવેશન સંબોધિત કર્યું હતું.

ડો.રાણા કહે છે કે સુભાષબાબુએ આ વાત કહેતાની સાથે જ વિવાદની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. નેહરુ અને કોંગ્રેસના અન્ય પ્રતિનિધિઓએ નેતાજીને કહ્યું કે તમે આ શું બોલી રહ્યા છો. શું તમે આ બોલતા પહેલાં ગાંધીજી સાથે વાત કરી? જો નહીં, તો આ બાબતે ગાંધીજી સાથે વાત કરવી જોઈએ. તેના પર નેતાજીએ કહ્યું કે હું ચૂંટણી જીત્યો છું. હું કોંગ્રેસનો અધ્યક્ષ છું. મને બોલવાનો અને નિર્ણય લેવાનો અધિકાર છે. મને બોલવા દો.

સુભાષબાબુ સાથે ગેરવર્તણૂક થતી જોઈને ત્યાં હાજર યુવકોએ ઘોંઘાટ કરવાનું શરૂ કર્યું. ડો.રાણાના કહેવા પ્રમાણે, કેટલાક ઈતિહાસકારો એવું પણ કહે છે કે કેટલાક યુવાનોએ નેહરુ સાથે ધક્કા-મુક્કી કરી હતી, જોકે આ વાતનો કોઈ પુરાવો નથી. મામલો શાંત થયો અને નેતાજીએ ફરીથી ભાષણ આપવાનું શરૂ કર્યું.

ભાષણ વાંચ્યા પછી તાવમાં તપી રહેલા નેતાજી ત્યાં જ પડી ગયા અને બેભાન થઈ ગયા. નેતાજીનું બાકીનું ભાષણ તેમના ભાઈ શરદ બોઝે વાંચ્યું હતું. નેહરુ અને કોંગ્રેસ વર્કિંગ કમિટીના લોકોએ નેતાજીને કહ્યું કે તમારે ગાંધીજી જે ઈચ્છે છે તે જ કામ કરવાનું રહેશે. તેના પર નેતાજીએ કહ્યું કે જ્યારે હું અધ્યક્ષ છું તો તેમની વાત કેમ સાંભળું.

ત્રિપુરી અધિવેશનમાં ઊભી થયેલી કડવાશને દૂર કરવા માટે એપ્રિલના છેલ્લા સપ્તાહમાં કલકત્તામાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ કારોબારીએ નેતાજી સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. આ પછી નેતાજીએ 29 એપ્રિલ 1939ના રોજ કોંગ્રેસમાંથી નમ્રતાપૂર્વક રાજીનામું આપી દીધું અને પોતાનો રસ્તો બદલી નાખ્યો. નેતાજીએ 5 દિવસ પછી 3 મે 1939એ પોતાના રાજકીય પક્ષ ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી.

જ્યારે મુસ્લિમ એજન્ટ બનીને અંગ્રેજોની કેદમાંથી ભાગ્યા બોઝ

7 સપ્ટેમ્બર 1940, સમય સાંજે 4 વાગ્યે. હિટલરના 965 જર્મન વિમાનોએ લંડન પર બોમ્બમારો શરૂ કર્યો. અહીં સુભાષચંદ્ર બોઝ કલકત્તાની પ્રેસિડેન્સી જેલમાં કેદ હતા. 2 જુલાઈ 1940એ રાજદ્રોહના આરોપમાં તેમની ધરપકડ થઇ હતી. 29 નવેમ્બરે બોઝે જેલમાં ભૂખ હડતાલ શરૂ કરી. ધીરે ધીરે તેમની તબિયત બગડવા લાગી.

બંગાળના ગવર્નર જોન હર્બર્ટને લાગ્યું કે હવે સુભાષને તેમના ઘરે મોકલી દેવા જોઈએ. જ્યારે તે સ્વસ્થ થઈ જશે, ત્યારે તેમની ફરીથી ધરપકડ કરી લેવામાં આવશે, જેથી તેમને એવા આરોપોનો સામનો ન કરવો પડે કે સુભાષનું મૃત્યુ બ્રિટિશ સરકારની કસ્ટડીમાં થયું હતું.

5 ડિસેમ્બરે હર્બર્ટે બોઝને તેમના ઘરે મોકલ્યા. સરનામું કલકત્તાનો એલ્ગિન રોડ, મકાન નંબર 38/2, જ્યાં 14 જાસૂસો દિવસ-રાત દેખરેખ રાખતા હતા. એ જ દિવસે બપોરે સુભાષે તેમના ભત્રીજા શિશિરને બોલાવ્યા. તેમણે શિશિરને પૂછ્યું- મારા માટે એક કામ કરશો? શિશિર સુભાષનો ઈરાદો સમજી ગયા કે તેઓ જેલમાંથી ભાગી જવા માંગે છે.

આ પછી નવી રણનીતિ બની. શિશિર બજારમાં ગયા અને કેટલાક વિઝિટિંગ કાર્ડ પ્રિન્ટ કરાવ્યા. તે કાર્ડ્સ પર લખ્યું– મોહમ્મદ ઝિયાઉદ્દીન, BA LLB, ટ્રાવેલિંગ ઈન્સ્પેક્ટર, ધ એમ્પાયર ઓફ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, કાયમી સરનામું– સિવિલ લાઈન્સ, જબલપુર. શિશિરે તેમના પુસ્તક ધ ગ્રેટ એસ્કેપમાં આનો ઉલ્લેખ કર્યો છે.

લગભગ દોઢ મહિના પછી. તારીખ 16-17 જાન્યુઆરી 1941, સમય રાત્રે લગભગ 1:30 વાગ્યાનો. સુભાષે મુસ્લિમનો વેશ ધારણ કર્યો અને પોતાના ભત્રીજા સાથે જર્મન વાન્ડેરર કારમાં સવાર થયા. બીજા દિવસે સવારે બંને ત્યાંથી લગભગ 275 કિ.મી. દૂર ધનબાદ પહોંચ્યા. આખો દિવસ અહીં છુપાયેલા રહ્યા અને રાત પડવાની રાહ જોઈ. જેવી સાંજ પડી કે સુભાષ ગોમો જવા રવાના થયા. એક કલાકમાં ગોમો પહોંચી ગયા.

આ જર્મન વાન્ડેરર કારમાં સવાર થઇને સુભાષ પોતાના ઘરેથી નીકળ્યા હતા અને કોલકાતાથી ધનબાદ થઇને ગોમો પહોંચ્યા હતા.
આ જર્મન વાન્ડેરર કારમાં સવાર થઇને સુભાષ પોતાના ઘરેથી નીકળ્યા હતા અને કોલકાતાથી ધનબાદ થઇને ગોમો પહોંચ્યા હતા.

આ પછી તેમણે અહીંથી દિલ્હી જતી ટ્રેન પકડી. આ પછી તે ત્યાંથી પેશાવર પહોંચ્યા. ત્યાં તેમણે એક બહેરા-મૂંગા પઠાણનું રૂપ ધારણ કર્યું, કારણ કે તે સ્થાનિક ભાષા પશ્તો જાણતા ન હતા. આ પછી તેઓ 31 જાન્યુઆરી 1941ની સવારે પેશાવરથી કાબુલ પહોંચ્યા. જર્મની અને ઈટાલીના દૂતાવાસ દ્વારા નેતાજી સમરકંદ થઈને પહેલા મોસ્કો અને પછી જર્મની પહોંચ્યા.

હિટલરને મળ્યા બોઝ, ફિલ્મી રીતે જાપાન પહોંચ્યા

29 મે 1942એ નેતાજીએ સ્વતંત્રતાની લડાઈમાં જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલર પાસે સહકાર માંગ્યો. સુગત બોઝ લખે છે કે હિટલરે નેતાજીને જાપાન જવું જોઈએ એવું સૂચન કર્યું હતું. આ માટે હિટલરે જર્મન સબમરીન U-180ની પણ વ્યવસ્થા કરી હતી.

29 મે 1942એ જર્મન તાનાશાહ હિટલર સાથે મુલાકાત કરતા નેતાજી બોઝ. હિટલરે નેતાજીને સૈનિક આપ્યા હતા, જેમની જાપાનમાં ટ્રેનિંગ થઇ હતી.
29 મે 1942એ જર્મન તાનાશાહ હિટલર સાથે મુલાકાત કરતા નેતાજી બોઝ. હિટલરે નેતાજીને સૈનિક આપ્યા હતા, જેમની જાપાનમાં ટ્રેનિંગ થઇ હતી.

નેતાજીને જાપાન જવા માટે હિટલરે પોતે જ રૂટ મેપ પણ તૈયાર કર્યો હતો. હિટલરની યોજના મુજબ આ યાત્રા છ અઠવાડિયામાં પૂરી કરવાની હતી, પરંતુ નેતાજી ત્રણ મહિના પછી જાપાન પહોંચ્યા.

તેઓને સૌપ્રથમ જર્મન સબમરીન દ્વારા પૂર્વ આફ્રિકા નજીક મેડાગાસ્કરના સમુદ્ર સુધી લાવવામાં આવ્યા. ત્યાં તેમને દરિયાની વચ્ચે ખતરનાક રીતે જાપાની સબમરીનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. એકવાર નેતાજી અને આબિદને સબમરીનમાં રાત્રિભોજન માટે બીફ અને બાફેલી બ્રેડ પીરસવામાં આવી હતી. બીફ જોઈને જ આબિદને ઉબકા આવવા લાગ્યા. તેમણે તરત જ બંને પ્લેટ હટાવી. ઝડપથી સ્ટોર રૂમમાં પહોંચ્યા. ત્યાં જોયું કે એક જગ્યાએ ચોખા રાખેલા હતા.

આબિદે ખીચડી બનાવી અને નેતાજીને પીરસી. સબમરીનમાં મોટાભાગનો સમય નેતાજીએ ખીચડી અને ડ્રાયફ્રુટ્સ ખાઈને કાઢ્યો હતો. નેતાજી જાપાન પહોંચ્યા અને ત્યાંથી હવાઈ માર્ગે સિંગાપોર પહોંચ્યા. ત્યાં આઝાદ હિંદ ફોજ (INA) બનાવનાર રાસ બિહારી બોઝ આતુરતાથી નેતાજીની રાહ જોઈ રહ્યા હતા.

સિંગાપોરમાં આઝાદ હિંદ ફોજની સલામી લેતા નેતાજી.
સિંગાપોરમાં આઝાદ હિંદ ફોજની સલામી લેતા નેતાજી.

સિંગાપોરમાં આઝાદ હિંદ ફોજની કમાન સંભાળી, કહ્યું- ચાલો દિલ્હી 4 જુલાઈ 1943એ સિંગાપોરના કેથે ભવન ખાતે આયોજિત એક ઐતિહાસિક સમારોહમાં રાસ બિહારી બોઝે આઝાદ હિંદ ફોજની કમાન નેતાજી સુભાષચંદ્ર બોઝને સોંપી. નેતાજી આઝાદ હિંદ ફોજના કમાંડર બની ગયા. સુગત બોઝ લખે છે કે બીજા દિવસે 5મી જુલાઈએ સવારે 10.30 વાગ્યે યુનિફોર્મમાં પરેડ થઈ હતી. તે સમયે INAના 12 હજાર સૈનિકો હાજર હતા. નેતાજી પણ લશ્કરી ગણવેશમાં હતા.

નેતાજીએ કહ્યું, 'આઝાદ હિંદ ફોજે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. ગુલામ લોકો માટે ચાલો દિલ્હી... સૈનિકો, હું સુખ-દુ:ખ, તડકો-છાયો દરેક સમયે તમારી સાથે રહીશ. હું તમને ભૂખ-તરસ, મૃત્યુ સિવાય કશું જ આપી શકીશ નહીં, પણ જો તમે મને અનુસરશો તો હું તમને સ્વતંત્રતા અને વિજય તરફ દોરી જઈશ.'

નેતાજી રિસર્ચ બ્યુરોના ધ ઓરેકલ મેગેઝિનના જાન્યુઆરી 2022ના અંકમાં નેતાજી વિશે લખ્યું છે કે કેવી રીતે તેમણે સેનામાં જાતિવાદ અને ધર્મની દીવાલ તોડી હતી. નેતાજી ઇચ્છતા હતા કે INAમાં હિન્દુ, મુસ્લિમ અને શીખ સૈનિકો અલગ-અલગ મેસમાં નહીં પણ એકસાથે ખાય. બોઝે સૈનિકોને કહ્યું કે જો તમે એકતાના નામે ધર્મનો આશરો લેશો તો આપણને ફરીથી વિભાજિત કરી દેવાશે. જો આમ થશે તો આપણે આ યુદ્ધ જીતી શકીશું નહીં.

આઝાદ હિંદ સરકારની પોતાની બેંક પણ હતી. આ આઝાદ હિંદ બેંક દ્વારા જારી કરાયેલ ચલણી નોટ છે.
આઝાદ હિંદ સરકારની પોતાની બેંક પણ હતી. આ આઝાદ હિંદ બેંક દ્વારા જારી કરાયેલ ચલણી નોટ છે.

આ પછી નેતાજીએ INA માટે વિશ્વના વિવિધ દેશો પાસેથી લોન લીધી જેથી આઝાદીની લડાઈ લડી શકાય. લોન લેતી વખતે તેમણે જાપાન સહિત અનેક દેશોને વચન આપ્યું હતું કે જ્યારે ભારત આઝાદ થશે ત્યારે તે સમગ્ર લોન ચૂકવશે. લોકોમાં આઝાદીની જ્યોત પ્રગટાવવા માટે નેતાજીએ 'ફોરવર્ડ' નામનું સામયિક શરૂ કર્યું. આઝાદ હિંદ રેડિયો શરૂ કર્યો.

બોઝે આંદામાનને સ્વતંત્ર જાહેર કરી ત્રિરંગો ફરકાવ્યો

બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. 23 માર્ચ 1942એ જાપાની દળો દક્ષિણ આંદામાનમાં ઊતર્યા. ત્રણથી ચાર કલાકમાં આ વિસ્તાર પર સંપૂર્ણપણે કબજો કરી લીધો. નેતાજી સુભાષચંદ્ર બોઝે જાપાન સાથે ભાગીદારી કરી હતી. 29 ડિસેમ્બર 1943એ જાપાને આ ટાપુ નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ સરકારને સોંપી દીધો.

29 ડિસેમ્બર 1943એ જાપાની સેનાનું એક વિમાન પોર્ટ બ્લેરની એરસ્ટ્રિપ પર ઊતર્યું. વિમાનમાંથી આઝાદ હિંદ સરકારના રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાન સુભાષચંદ્ર બોઝ, પ્રધાન રેન્ક સાથેના સચિવ આનંદ મોહન સહાય, ADC કેપ્ટન રાવત અને બોઝના ડૉક્ટર કર્નલ ડીએસ રાજુ ઊતરે છે.

આંદામાનમાં આઝાદ હિંદ સરકારના ગવર્નર મેજર જનરલ આર્કોટ ડોરાઈસ્વામી લોગાનંદન અને પોર્ટ બ્લેરના જાપાની એડમિરલે તેમનું સ્વાગત કર્યું. ઉપર દેખાતી તસવીર તે સમયની છે.
આંદામાનમાં આઝાદ હિંદ સરકારના ગવર્નર મેજર જનરલ આર્કોટ ડોરાઈસ્વામી લોગાનંદન અને પોર્ટ બ્લેરના જાપાની એડમિરલે તેમનું સ્વાગત કર્યું. ઉપર દેખાતી તસવીર તે સમયની છે.

બીજા દિવસે 30 ડિસેમ્બરે બોઝે પોર્ટ બ્લેરના જિમખાના મેદાનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ પ્રથમ પ્રસંગ હતો, જ્યારે અંગ્રેજો પાસેથી છીનવાઈ ગયેલી ભારતની ધરતી પર વડાપ્રધાન તરીકે કોઈ ભારતીયે ઝંડો ફરકાવ્યો હોય.

એક રહસ્યમયી અકસ્માતમાં બોઝનું મૃત્યુ, નેહરુ બન્યા સ્વતંત્ર ભારતના પ્રથમ PM

વાત 18મી ઓગસ્ટ 1945ની છે. જાપાન બીજા વિશ્વયુદ્ધમાં હારી ગયું હતું. બ્રિટિશ સરકાર નેતાજીની પાછળ પડી હતી. આ જોઈને તેમણે રશિયા પાસેથી મદદ માંગવાનું નક્કી કર્યું. 18 ઓગસ્ટ 1945એ તેમણે મંચુરિયા તરફ ઉડાન ભરી.

5 દિવસ પછી, 23 ઓગસ્ટ, 1945એ ટોકિયો રેડિયોએ અહેવાલ આપ્યો કે Ki-21 બોમ્બર વિમાન તાઈહોકુ એરપોર્ટ નજીક ક્રેશ થયું છે. તેમાં મુસાફરી કરી રહેલા સુભાષચંદ્ર બોઝ ખરાબ રીતે દાઝી ગયા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.

સુભાષચંદ્ર બોઝના મૃત્યુની વિશ્વભરની 10થી વધુ કમિટીઓએ તપાસ કરી છે. સ્વતંત્ર ભારતની સરકારે ત્રણ વખત આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો. અગાઉ બંને વખત પ્લેન ક્રેશને અકસ્માતનું કારણ કહેવામાં આવ્યું. ત્રીજી તપાસમાં કહેવાયું છે કે 1945માં કોઈ પ્લેન ક્રેશ થયું ન હતું.

નેતાજી સુભાષચંદ્ર બોઝની છેલ્લી તસવીર સાયગોન એરપોર્ટ પર 17 ઓગસ્ટ 1945એ લીધી હતી. તસવીર સોર્સ- NETAJI RESEARCH BUREAU
નેતાજી સુભાષચંદ્ર બોઝની છેલ્લી તસવીર સાયગોન એરપોર્ટ પર 17 ઓગસ્ટ 1945એ લીધી હતી. તસવીર સોર્સ- NETAJI RESEARCH BUREAU

15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદી બાદ જવાહરલાલ નેહરુને દેશના પ્રથમ વચગાળાના વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. સુભાષચંદ્ર બોઝના ભાઈ શરતચંદ્ર બોઝના પૌત્ર ચંદ્રકુમાર બોઝે ભાસ્કરને જણાવ્યું, 'જ્યારે દેશ આઝાદ થયો અને પીએમ પદની ખેંચતાણ ચાલતી હતી, ત્યારે મારા પિતા અમયનાથ બોઝ ગાંધીજીને મળવા પૂના ગયા હતા. સામાન્ય રીતે કોઈ ને કોઈ વ્યક્તિ હંમેશાં ગાંધીજી સાથે જ રહેતી. તે દિવસે તે એકલા હતા. પિતાજીએ પૂછ્યું, બાપુ, તમે એકલા કેમ બેઠા છો? ગાંધીજીએ કહ્યું કે આમેય બધા દેશનું વિભાજન ઈચ્છે છે. આટલું બોલીને બાપુ ચૂપ થઈ ગયા. જ્યારે મારા પિતા પાછા આવવા લાગ્યા ત્યારે ગાંધીજીએ કહ્યું– આજે હું તમારા કાકા સુભાષચંદ્ર બોઝને યાદ કરું છું. જો તે આજે જીવતા હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત.

-------------------

'પીએમ ઇન વેઇટિંગ' સિરીઝના બીજા એપિસોડમાં 26મી એપ્રિલે જાણો એક એવા નેતાની કહાની, જેને ચૂંટવા માંગતી હતી 80% કોંગ્રેસની કમિટીઓ, પરંતુ ગાંધીજીએ અવરોધ ઊભો કર્યો.

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links