- Gujarati News
- Election 2024
- Story Of Mufti Mohammad Sayeed Family
પરિવાર રાજદીકરી માટે ગૃહમંત્રીએ 5 આતંકવાદી મુક્ત કર્યા:મહેબૂબાનાં આંસુએ પિતાને CM બનાવ્યા, 'ડેડીઝ ગર્લ'ને આ રીતે મળ્યો મુફ્તી પરિવારનો રાજકીય વારસો
- કૉપી લિંક

1989ની વાત છે. વીપી સિંહ વડાપ્રધાન બન્યા એના માત્ર 6 દિવસ થયા હતા. તેમણે પહેલી વખત એક મુસ્લિમ નેતા મુફ્તી મોહમ્મદ સઇદને ગૃહમંત્રી બનાવ્યા હતા. 8 ડિસેમ્બર બપોરે 3.45 વાગ્યે રાજધાની દિલ્હીના નોર્થ બ્લોકમાં મુફ્તી પોતાના કાર્યકાળની પહેલી બેઠક કરવા જઈ રહ્યા હતા.
એ જ સમયે દિલ્હીથી લગભગ 800 કિલોમીટર દૂર શ્રીનગરમાં તેમની દીકરી રુબિયા સઇદ પોતાની ડ્યૂટી પૂરી કરીને હોસ્પિટલથી ઘરે આવી રહી હતી. MBBS કર્યા પછી આ હોસ્પિટલમાં ઈન્ટર્નશિપ કરી રહી હતી.
હોસ્પિટલથી નીકળીને રુબિયા JFK677 નંબરની એક ટ્રાન્ઝિટ વાનમાં બેઠી. આ વાન લાલ ચોકથી શ્રીનગરના બાહ્ય વિસ્તાર નૌગામ તરફ જઈ રહી હતી. રુબિયા જેવી જ ચાનપુરા ચોક પહોંચી, વાનમાં સવાર અન્ય 3 લોકોએ ગનપોઈન્ટ પર ગાડી રોકી. તેમણે રુબિયાને વાનમાંથી ઉતારીને રસ્તાની બીજી બાજુ પડેલી વાદળી રંગની મારુતિ ગાડીમાં બેસાડી. ત્યાર પછી મારુતિ કાર ક્યાં ગઈ એની કોઈને ખબર નથી.
2 કલાક પછી લગભગ સાંજે 6 વાગ્યે JKLFના જાવેદ મીરે એક લોકલ ન્યૂઝપેપરને ફોન કર્યો અને કહ્યું, અમે ભારતના ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઇદની દીકરી રુબિયાનું અપહરણ કર્યું છે. JKLF તરફથી રુબિયાને છોડવા માટે 20 આતંકવાદીને છોડવાની માગ કરવામાં આવી.
સરકાર અને અપહરણકર્તાઓ વચ્ચે 13 ડિસેમ્બરની બપોરે એટલે કે 5 દિવસ સુધી વાટાઘાટો ચાલુ રહી. આખરે સરકારે 5 આતંકવાદીને મુક્ત કર્યા. બદલામાં થોડા કલાકો પછી લગભગ 7.30 વાગ્યે, રુબિયાને સોનવરમાં મધ્યસ્થી ન્યાયમૂર્તિ મોતીલાલ ભટ્ટના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવી.

રુબિયા રાત્રે 12 વાગે સ્પેશિયલ પ્લેન દ્વારા દિલ્હી પહોંચી ત્યારે મુફ્તી મોહમ્મદ સઇદ ભાવુક થઈ ગયા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે 'એક પિતા તરીકે હું ખુશ છું, પરંતુ એક નેતા તરીકે મને લાગે છે કે આવું ન થવું જોઈતું હતું.'
દેશના શક્તિશાળી રાજકીય પરિવારો પર બનેલી સિરીઝ 'પરિવારરાજ'ના ત્રીજા એપિસોડમાં જમ્મુ-કાશ્મીરના મુફ્તી મોહમ્મદ સઇદ પરિવારના કિસ્સા…

મુફ્તીનો જન્મ અનંતનાગના પ્રભાવશાળી પીર પરિવારમાં થયો હતો મુફ્તી મોહમ્મદ સઈદનો જન્મ 1936માં શ્રીનગરથી 40 કિમી દૂર અનંતનાગ જિલ્લાના બિજબેહરા શહેરમાં થયો હતો. તેઓ પ્રભાવશાળી પીરના પરિવાર સાથે સંકળાયેલા હતા, જે સૂફી મઝારો અને મસ્જિદોની દેખરેખ રાખતા હતા. બિન-કાશ્મીરીઓ પણ તેમને ઘણીવાર 'કાશ્મીરના મુસ્લિમ બ્રાહ્મણો' કહેતા હતા. તેમના પિતાનું નામ મુફ્તી જી. મોહમ્મદ હતું. અનંતનાગના બિજબહેરામાં જ મૌલાના હતા.
પત્રકાર પ્રવીણ દોંતી 'ધ કારવાં' મેગેઝિનમાં લખે છે કે સઈદના મિત્ર મકબૂલ અહેમદ નદીમે તેમને કહ્યું હતું કે એકવાર શાળામાં એક સાપ્તાહિક મીટિંગમાં શિક્ષકે તમામ વિદ્યાર્થીઓને પૂછ્યું કે તેઓ ભવિષ્યમાં શું બનવા માગે છે, ત્યારે મુફ્તીએ કહ્યું હતું કે તે નેતા બનવા માગે છે. તેઓ તેમની શાળા ફેડરેશનના પ્રમુખ પણ બન્યા.
'મુસ્લિમ શિક્ષકનો પુત્ર('મુલ્લાં કી ઔલાદ') કોંગ્રેસ લીડર બનીને ફરે છે' અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી અને આરબ ઇતિહાસમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા પછી મુફ્તી અનંતનાગ પાછા ફર્યા અને જિલ્લા અદાલતમાં કાયદાની પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું.
એ સમયગાળા દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં શેખ અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સનું વર્ચસ્વ હતું. ડાબેરી વિચારધારાના કેટલાક નેતાઓએ નેશનલ કોન્ફરન્સથી અલગ થઈને ડેમોક્રેટિક નેશનલ કોન્ફરન્સની રચના કરી. મુફ્તી મોહમ્મદ સઈદે 1960માં તેના જિલ્લા સંયોજક તરીકે રાજકીય દાવ શરૂ કર્યો હતો. આ નવો પક્ષ 2 વર્ષની અંદર તૂટી ગયો અને સઈદ નેશનલ કોન્ફરન્સમાં જોડાયા.
1962માં તેમણે બિજબેહરા બેઠક પરથી સઈદને વિધાનસભાની ટિકિટ આપી હતી. તેઓ માત્ર 26 વર્ષની વયે ધારાસભ્ય બન્યા હતા. પાંચ વર્ષ બાદ 1967માં મુફ્તીએ આ સીટ ફરીથી જીતી હતી. મુખ્યમંત્રી જીએમ સાદિકે તેમને તેમની સરકારમાં નાયબ મંત્રી બનાવ્યા. થોડાં વર્ષો પછી સઈદ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા.
શેખ અબ્દુલ્લાને સઈદ જરા પણ પસંદ ન હતા. તેઓ સઈદની મજાક ઉડાવતા અને કહેતા, 'મેં સાંભળ્યું છે કે કોઈ મલ્લાકોટ (મુલ્લા કી ઔલાદ) કોંગ્રેસનો નેતા બનીને અહીં ફરે છે.'
રાજીવ ગાંધીએ સાઇડલાઇન કરવા સઈદને દિલ્હી બોલાવ્યા સઈદે કાશ્મીર ઘાટીમાં કોંગ્રેસની પકડ મજબૂત કરવા માટે દિવસ-રાત કામ કરવાનું શરૂ કર્યું. સઈદ કટ્ટરવાદી નેતાઓને પણ કોંગ્રેસ સાથે જોડવામાં સફળ રહ્યા હતા. તેઓ શેખ અબ્દુલ્લાને પડકારી રહ્યા હતા, તેથી કોંગ્રેસે તેમને મહત્ત્વ આપ્યું અને સઈદનો રાજકીય ગ્રાફ ઝડપથી ઊંચો ગયો.
1972માં તેઓ રાજ્યમાં કેબિનેટ મંત્રી અને વિધાન પરિષદમાં કોંગ્રેસના નેતા બન્યા. 1975માં તેમને કોંગ્રેસ ધારાસભ્ય પક્ષના નેતા અને પાર્ટીના જમ્મુ અને કાશ્મીર એકમના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જોકે મુખ્યમંત્રી બનવાની તેમની ઈચ્છા હજુ અધૂરી રહી હતી. શેખ અબ્દુલ્લાના અવસાન બાદ ફારુકે નેશનલ કોન્ફરન્સની કમાન સંભાળી હતી. અહીં ઇન્દિરાની હત્યા બાદ રાજીવ ગાંધી સત્તા પર આવ્યા હતા. રાજીવ અને ફારુક વચ્ચે મિત્રતા હતી

.1986માં વડાપ્રધાન રાજીવ ગાંધીએ મુફ્તી મોહમ્મદ સઈદને રાજ્યસભાના સાંસદ બનાવ્યા અને તેમની સરકારમાં નાગરિક ઉડ્ડયનમંત્રી બનાવ્યા. એક રીતે આ કાશ્મીરમાં ફારુક અબ્દુલ્લા માટે રસ્તો સાફ કરવાનો પ્રયાસ હતો. સઈદ આ વાત સારી રીતે સમજી ગયા હતા. 1987માં તેમણે મંત્રીપદેથી રાજીનામું આપી દીધું અને કાશ્મીર પરત ફર્યા.
1989ની લોકસભા ચૂંટણી પહેલાં મુફ્તી મોહમ્મદ સઈદ કોંગ્રેસ છોડીને જનતા દળમાં જોડાયા હતા. તેઓ કાશ્મીર છોડીને ઉત્તરપ્રદેશની મુઝફ્ફરનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા. સરકાર બનતાંની સાથે જ વીપી સિંહે તેમને ગૃહમંત્રી બનાવ્યા. આ કાર્યકાળ દરમિયાન જ મુફ્તીની પુત્રી રુબિયાનું અપહરણ કરવામાં આવ્યું હતું.
શું સઈદની પુત્રીનું અપહરણ રાજકીય કાવતરું હતું? પીપલ્સ પોલિટિકલ પાર્ટીના અધ્યક્ષ અને અલગતાવાદી નેતા હિલાલ વારે તેમના પુસ્તક 'ધ ગ્રેટ ડિસ્ક્લોઝર, સિક્રેટ અનમાસ્ક્ડ'માં દાવો કર્યો છે કે 'ગૃહમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદે અલગાવવાદી યાસિન મલિક સાથે મળીને પોતાની પુત્રીના અપહરણનું કાવતરું ઘડ્યું હતું. ડિસેમ્બર 1989માં સઈદે તત્કાલીન ડીજીપી ગુલામ જિલાની પંડિતના ઘરે JKLF કમાન્ડર મિયાં સરવરની ગુપ્ત બેઠક યોજી હતી. આ બેઠકમાં જ રુબિયા સઈદના અપહરણનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
એ જ સમયે અન્ય એક વ્યક્તિ, વેદ મારવાહ, જે 1989માં નેશનલ સિક્યોરિટી ગાર્ડના મહાનિર્દેશક હતા, તેમણે તેમના પુસ્તક 'અનસિવિલ વોરઃ ધ પેથોલોજી ઓફ ટેરરિઝમ ઈન ઈન્ડિયા'માં દાવો કર્યો હતો કે, 'મુફ્તી મોહમ્મદ સઈદ આ અંગે વધુ કંઈ કહેતા ન હતા. વડાપ્રધાન વીપી સિંહે આ મામલાની સમગ્ર જવાબદારી વાણિજ્યમંત્રી અરુણ નેહરુને સોંપી હતી. સરકારનો અભિગમ યોગ્ય ન હતો. અપહરણકારો સાથે વાતચીતની ત્રણ ચેનલ ખોલવામાં આવી હતી. દરેક વ્યક્તિ ફક્ત રુબિયા સઈદને તેમની ચેનલમાંથી મુક્ત કરાવવાનો પ્રયાસ કરી રહી હતી.
એ સમયે નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના પૂર્વ મેજર જનરલ રહી ચૂકેલા ઓપી કૌશિકે 2012માં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મુફ્તી મોહમ્મદ સઈદ ઈચ્છતા ન હતા કે તેમની પુત્રીને જલદી મુક્ત કરવામાં આવે. કૌશિકે દાવો કર્યો હતો કે અપહરણની માહિતી મળ્યાની પાંચ મિનિટમાં એનએસજીને ખબર પડી ગઈ હતી કે રુબિયાને ક્યાં રાખવામાં આવી હતી. જ્યારે કૌશિકે સઈદને કહ્યું કે રુબિયાને થોડા સમયની અંદર સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવશે, ત્યારે સઈદ ગુસ્સે થઈ ગયા અને તેમને તરત જ મિટિંગમાંથી બહાર જવાનું કહ્યું.
પત્રકાર સંતોષ ભારતીયે તેમના પુસ્તક 'વીપી સિંહઃ સોનિયા ગાંધી, ચંદ્રશેખર ઔર મૈં'માં આ ઘટનાનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે આ લાગણીમાં આવીને લેવાયેલો નિર્ણય હતો, જેના લાંબા ગાળાનાં પરિણામો સારાં ન આવ્યાં. આનાથી સંદેશ ગયો કે વીપી સિંહ પર દબાણ કરીને કંઈપણ કરી શકાય છે.
1996માં તેઓ તેમની પુત્રી મહેબૂબાને રાજકારણમાં લાવ્યા અને તેમની બેઠક સોંપી 8 નવેમ્બર 1990ના રોજ જનતા દળમાં વિભાજન થયું હતું. જનતા દળ તૂટ્યા બાદ મુફ્તી મોહમ્મદ સઈદ કોંગ્રેસમાં પાછા ફર્યા. મહેબૂબા મુફ્તીએ તેમના પિતાના આગ્રહ પર 1996માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
1996માં પહેલીવાર મહેબૂબા મુફ્તીએ કોંગ્રેસની ટિકિટ પર અનંતનાગની બિજબેહરા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી અને જીતી હતી. આ પછી મહેબૂબાએ 1999માં શ્રીનગર સંસદીય સીટ પરથી ચૂંટણી લડી હતી, પરંતુ હાર થઈ હતી.

એ જ વર્ષે મહેબૂબા મુફ્તીના પિતા મુફ્તી મોહમ્મદ સઈદે કોંગ્રેસ પાર્ટીથી અલગ થઈને તેમની નવી પાર્ટી જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે 1999માં પીડીપીની રચના કરી. મુફ્તી મોહમ્મદ સઈદે તેમની પુત્રી મહેબૂબા મુફ્તીને ઉપાધ્યક્ષ બનાવ્યા અને પોતે પ્રમુખ બન્યા.
1999ની ચૂંટણી દરમિયાન ફારુકના પુત્ર ઉમર અબ્દુલ્લાએ સઈદ અને મહેબૂબા વિશે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'તેઓ આતંકવાદીઓના ઘરે જઈને તેમને હીરો બનાવવા પર તત્પર છે. તેઓ તેમના પરિવારોમાં પૈસા વહેંચી રહ્યા છે અને તેમની સાથે બિનશરતી વાતચીત કરવા વિનંતી કરી રહ્યા છે.
સીએમ બનવા જઈ રહેલા આઝાદે કહ્યું- 'થોભો સાહેબ, આટલી શું ઉતાવળ?' રાજનીતિમાં આવ્યા ત્યારથી મહેબૂબા અલગતાવાદીઓ તરફ મિત્રતાનો હાથ લંબાવી રહી હતી. તે આતંકવાદીઓના જનાજામાં પણ સામેલ થતી જોવા મળી હતી. ઘણી વખત તે આતંકીઓનાં પરિવારજનો સાથે રડતી હતી. રાજકારણના એક સર્કલે તેમને 'રુદાલી' નામ આપ્યું.
જોકે મહેબૂબાની આ વ્યૂહરચના કામ કરી ગઈ અને 2002ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર ત્રણ વર્ષ જૂની પીડીપી 16 બેઠક જીતવામાં સફળ રહી. ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સને માત્ર 28 બેઠકો મળી, જે અત્યારસુધીની સૌથી ઓછી બેઠકો છે. કોંગ્રેસને 20 બેઠક મળી હતી. સરકાર બનાવવા માટે 44 ધારાસભ્યની જરૂર હતી.
ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના નેતા તાજ મોહિઉદ્દીને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે સરકાર બનાવવાની વાત આવી ત્યારે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે સીએમ પદ માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો. પીડીપી અને કોંગ્રેસે સરકાર બનાવવા માટે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી), જમ્મુ અને કાશ્મીર નેશનલ પેન્થર્સ પાર્ટી અને જમ્મુ અને કાશ્મીર ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટી સાથે ગઠબંધન કર્યું.
ગુલામ નબી આઝાદ રાજ્યપાલ સમક્ષ પોતાનો દાવો રજૂ કરવા જઈ રહ્યા હતા, ત્યારે મુફ્તીએ કહ્યું- 'થોભો સાહેબ, શી ઉતાવળ છે?' આ પછી મુફ્તીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવ્યા. થોડા સમય પછી આઝાદને દિલ્હી કોંગ્રેસના મુખ્યાલયમાંથી ફોન આવ્યો અને તેમને કહેવામાં આવ્યું કે મુફ્તી મુખ્યમંત્રી બનશે.
2005માં સાથી કોંગ્રેસના કહેવા પર મુફ્તીએ રાજીનામું આપ્યું અને ગુલામ નબી આઝાદની સરકારને ટેકો આપવાનું ચાલુ રાખ્યું.

'ડેડીઝ ગર્લ'ને મળ્યો પિતાનો રાજકીય વારસો પીડીપીને 'પાપા ડોટર પાર્ટી' કહીને તેની મજાક ઉડાવવામાં આવી છે. ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ પિતા-પુત્રીની સરકાર પણ કહી હતી. જોકે માર્ચ 2015માં ભાજપે પીડીપી સાથે સમજૂતી કરીને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવી હતી. મુફ્તી મોહમ્મદ સઈદને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
જોકે ત્યાં સુધીમાં મુફ્તીની તબિયત બગડી ગઈ હતી. એ દિવસમાં 2-3 કલાકથી વધુ કામ કરી શકતા ન હતા. આ સમયે મહેબૂબા કમાન સંભાળે તેવી અફવાઓ હતી. 2015માં મુફ્તી મોહમ્મદ સઈદના નિવેદનમાં પણ આ વાતની હિમાયત કરવામાં આવી હતી. તેમણે કહ્યું, 'હું ઓફિસમાં રહું છું, મહેબૂબા કાશ્મીરીઓની વચ્ચે રહે છે.'
મુફ્તી મોહમ્મદ સઈદનું 7 જાન્યુઆરી 2016ના રોજ અવસાન થયું હતું. મુફ્તી મોહમ્મદના મૃત્યુ પછી, પીડીપીએ વિચારધારામાં તફાવત દર્શાવીને ગઠબંધન તોડી નાખ્યું. જોકે ભાજપમાં તેના પ્રયાસો ચાલુ હતા. આખરે એપ્રિલ 2016માં બીજેપી અને પીડીપીએ ફરી સરકાર બનાવી. આ વખતે મહેબૂબા મુફ્તી મુખ્યમંત્રીની ખુરસી પર હતાં.
2017માં પિતાના અવસાન પછી મહેબૂબા મુફ્તીએ ભાઈ મુફ્તી તસદ્દુકને પણ ચૂંટણીના રાજકારણમાં ઉતાર્યા. ઓમકારા અને કમીને જેવી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફર તરીકે કામ કરી ચૂકેલા તસદ્દુક અનંતનાગ સંસદીય બેઠક પરથી પેટાચૂંટણીમાં પીડીપીના ઉમેદવાર બન્યા હતા. તેમના પહેલા કોંગ્રેસે ગુલામ અહેમદ મીરને ઉમેદવાર બનાવ્યા હતા. તસદ્દુક આ ચૂંટણી હારી ગયા હતા.

આ સમયે રાજ્યમાં મહેબૂબા મુફ્તીની સરકાર હતી. તેમના પક્ષ વતી તેમણે ભાઈ તસદ્દુકને MLC સભ્ય બનાવ્યા. MLC બન્યા બાદ તેમને જમ્મુ-કાશ્મીરના કેબિનેટ મંત્રાલયમાં સામેલ કરવામાં આવ્યા હતા. મહેબૂબા મુફ્તી દ્વારા તસદ્દુકને પર્યટનમંત્રીનો પોર્ટફોલિયો આપવામાં આવ્યો હતો. હાલમાં તસદ્દુક તેની બહેન સાથે જમ્મુ-કાશ્મીર અને પીડીપીના રાજકારણમાં પણ સક્રિય છે.
પિતાનો રાજકીય વારસો સંભાળનાર મહેબૂબા મુફ્તીને ઘાટીમાં 'ડેડીઝ ગર્લ' કહેવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસને પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ તેમની સામે નોંધાયેલા કેસની ફાઇલમાં મહેબૂબાનું નામ 'ડેડીઝ ગર્લ' તરીકે પણ રાખ્યું હતું. જોકે આ પછી જમ્મુ-કાશ્મીર પ્રશાસનની આકરી ટીકા થઈ હતી.
મુફ્તીને 'ડેડીઝ ગર્લ' કહેવા પર મીડિયા સલાહકાર ઇલ્તિજાએ કહ્યું હતું કે 'મારી માતા તેમના પિતાને પ્રેમ કરતી હતી. સન્માન કરતી હતી. તેમની વચ્ચે અતૂટ બંધન હતું અને તેઓ એકબીજાની સૌથી નજીક હતા. તેથી જ તેમણે 2016માં તેમના આકસ્મિક મૃત્યુ પછી મુફ્તી સાહેબની ઇચ્છાનું સન્માન કર્યું. તેઓ જાણતા ન હતા કે માતા-પિતાને પ્રેમ કરવો એ ગુનો છે.
















