- Gujarati News
- Election 2024
- Patel Said To Muslims Do Not Ride On Two Horses
પીએમ ઇન વેઇટિંગપટેલે મુસ્લિમોને કહ્યું- બે ઘોડા પર સવારી ન કરો:સરદાર પટેલને PM બનાવવા ગાંધી શા માટે ડરતા હતા; 4 વખત અટકાવ્યા
- કૉપી લિંક

સપ્ટેમ્બર 1945, એટલે કે આઝાદીનાં લગભગ 2 વર્ષ પહેલાં ઝીણાના નેતૃત્વમાં મુસ્લિમ લીગે અલગ દેશની માગને તેજ કરી હતી. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે નિવેદન આપ્યું હતું કે 'આજે મુસ્લિમ લીગ કહે છે કે કોંગ્રેસ પર હિન્દુઓનું વર્ચસ્વ છે. મુસ્લિમ લીગ પાકિસ્તાન માટે બૂમો પાડી રહી છે. તે ચંદ્ર મેળવવાનું સપનું જોઈ રહી છે.'
જાન્યુઆરી 1948, એટલે કે આઝાદીના લગભગ 4 મહિના પછી. કબાઈલીઓની મદદથી પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો. ત્યારે સરદાર પટેલે લખનઉમાં નિવેદન આપ્યું હતું કે 'મને મુસ્લિમોનો દુશ્મન માનવામાં આવે છે, પણ હું સીધી વાતમાં માનું છું. મુસ્લિમોએ પાકિસ્તાની હુમલાની નિંદા કેમ ન કરી? બે ઘોડા પર સવારી ન કરો. એક ચૂંટો. જે લોકો પાકિસ્તાન જવા માગે છે તેઓ જઈ શકે છે.'
બંનેનાં નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે સરદાર પટેલ મુસ્લિમો વિશે કડવી અને સ્પષ્ટ રીતે બોલ્યા હતા. તેમની છબિ મુસ્લિમવિરોધી બનાવવામાં આવી હતી. આનું પરિણામ પણ તેમણે ભોગવવું પડ્યું. દિલ્હી યુનિવર્સિટીની મહારાજા અગ્રસેન કોલેજના પ્રિન્સિપાલ અને સરદાર પટેલ પર સંશોધન કરનારા પ્રોફેસર સંજીવ કુમાર તિવારી કહે છે, તેમને સૌથી મોટું નુકસાન ત્યારે થયું જ્યારે ગાંધીજીએ પીએમ પદ માટે પટેલને બદલે નેહરુને સમર્થન આપ્યું.

'પીએમ ઇન વેઇટિંગ' સિરીઝમાં આજે સરદાર વલ્લભભાઈ પટેલના કિસ્સા, જેમની પાસે કોંગ્રેસ સમિતિઓમાં બહુમતી હતી, તેમ છતાં તેઓ વડાપ્રધાન બનતાં બનતાં રહી ગયા…
પાકિસ્તાનની માગ ઊઠી ત્યારે મૌલાના કલામને કોંગ્રેસ-અધ્યક્ષ બનાવ્યા 1939 સુધી દેશમાં બે મોટા પક્ષ હતા - કોંગ્રેસ અને મુસ્લિમ લીગ. જીણાની મુસ્લિમ લીગે ધર્મના આધારે અલગ રસ્તો પસંદ કર્યો હતો, જ્યારે કોંગ્રેસ ધર્મનિરપેક્ષ દેશની વાત કરતી હતી. મુસ્લિમોનો વિશ્વાસ જીતવા માટે મૌલાના અબુલ કલામ આઝાદ 1939માં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા.
આ સમય દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને ભારત છોડો આંદોલન શરૂ થયું. એના કારણે 1946 સુધી કોંગ્રેસ-અધ્યક્ષની ચૂંટણી થઈ શકી નહોતી અને મૌલાના આઝાદ અધ્યક્ષપદે રહ્યા હતા, પરંતુ આઝાદીની કાનાફૂસી થતાં નવા પ્રમુખની પસંદગી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
અબુલ કલામ આઝાદ તેમની જીવનચરિત્ર ‘ઇન્ડિયા વિન્સ ફ્રીડમ’માં લખે છે, ‘મને ફરીથી રાષ્ટ્રપતિ બનાવવાનો મુદ્દો પ્રેસમાં ઉઠાવવામાં આવ્યો હતો. જોકે નવા પ્રમુખને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડના આંતરિક જૂથોમાં મતભેદો જોવા મળ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ પણ ઈચ્છતા હતા કે તેમને કોંગ્રેસ-અધ્યક્ષ બનાવવામાં આવે.

ગાંધીએ કહ્યું- અધ્યક્ષપદેથી રાજીનામું આપો, નેહરુ અધ્યક્ષ બનશે
'ધ કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી'ના 90મા ખંડ મુજબ 20 એપ્રિલ, 1946ના રોજ લખેલા પત્રમાં ગાંધીજીએ લખ્યું, 'મૌલાના સાહેબ, તમારા વિશે (અખબારોમાં) જે કંઈપણ લખવામાં આવ્યું છે એનો કોઈ આધાર નથી. મેં મારો અભિપ્રાય કોઈને વ્યક્ત કર્યો નથી. જ્યારે કોંગ્રેસ સમિતિના એક-બે સભ્યોએ મને કોંગ્રેસ-પ્રમુખ વિશે પૂછ્યું ત્યારે મેં તેમને કહ્યું. તેઓ એમ પણ કહે છે કે એક જ પ્રમુખને રિપીટ કરવા યોગ્ય નથી.'
ગાંધીએ લખ્યું છે કે 'પરિસ્થિતિને જોતાં હું પણ આ સમયે એક મુસ્લિમના કોંગ્રેસ-અધ્યક્ષ બનવાથી ખુશ નથી. હું ઈચ્છું છું કે તમે જાહેર કરો કે તમે હવે કોંગ્રેસ-અધ્યક્ષ બનવા માગતા નથી. બાદશાહ ખાનનું નામ પહેલેથી જ પ્રસ્તાવિત હતું. મેં આ નામનો વિરોધ કર્યો હતો. જો મારો અભિપ્રાય પૂછવામાં આવશે તો હું જવાહર લાલને પ્રાધાન્ય આપીશ. આનાં ઘણાં કારણો છે, પરંતુ હું એમાં જવા માગતો નથી.'
ગાંધીજીએ તેમના પત્રમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ જવાહર લાલ નેહરુને કોંગ્રેસ-અધ્યક્ષ બનાવવા માગે છે. કોંગ્રેસ-અધ્યક્ષને આઝાદી બાદ વચગાળાના વડાપ્રધાન બનાવવાના હતા. અબુલ કલામ આઝાદ તેમની બાયોગ્રાફીમાં લખે છે, 'મારો અનુગામી પસંદ કરવાનો અધિકાર મને હતો. મેં મારા અનુગામી તરીકે જવાહરલાલ નેહરુના નામની જાહેરાત કરી.'
કોંગ્રેસ સમિતિની બેઠકના ત્રણ દિવસ પહેલાં આઝાદે આ જાહેરાત કરી હતી. જોકે એનાથી બહુ ફરક પડ્યો નહીં. એ સમયે સરદાર પટેલની લોકપ્રિયતા ચરમસીમાએ હતી. લોકો તેમને કોંગ્રેસ-અધ્યક્ષ અને પીએમ તરીકે જોવા માગતા હતા. મૌલાના આઝાદ અને જેબી ક્રિપલાની બંને જાણતા હતા કે પટેલ પણ વડાપ્રધાન બનવા માગે છે.
15માંથી 12 કોંગ્રેસ સમિતિએ પટેલને પસંદ કર્યા, પરંતુ ગાંધી નેહરુની સાથે હતા 29 એપ્રિલ 1946ના રોજ મુંબઈમાં કોંગ્રેસ સમિતિની બેઠક મળી. મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી તેમના પુસ્તક 'પટેલ અ લાઈફ'માં લખે છે કે, 'પરંપરા મુજબ પ્રાંતની 15 કોંગ્રેસ સમિતિ પ્રમુખના નામનો પ્રસ્તાવ કરતી હતી. પાર્ટીએ પટેલને ભારત છોડો અભિયાનમાં સક્રિય રીતે જોયા. જ્યારે મતદાનનો વારો આવ્યો ત્યારે 12 સમિતિએ સરદાર વલ્લભભાઈ પટેલને પ્રમુખ તરીકે ચૂંટ્યા. જેબી કૃપાલાનીને બે વોટ અને પટ્ટાભી સીતારામૈયાને એક વોટ મળ્યો. જવાહર લાલ નેહરુનું નામ બહુ જાણીતું નહોતું.'
એ સમયે કોંગ્રેસના મહાસચિવ રહેલા આચાર્ય જે.બી.કૃપાલાની તેમના પુસ્તક 'ગાંધી હિઝ લાઈફ એન્ડ થોટ્સ'માં લખે છે કે મેં કોંગ્રેસ વર્કિંગ કમિટીએ આપેલાં પરિણામોના આધારે એક પેમ્ફલેટ તૈયાર કરીને ગાંધીજીને રજૂ કર્યું હતું. ગાંધીજીએ એના પર નજર કરી. એમાં નેહરુનું નામ નહોતું. તેમણે એકપણ શબ્દ બોલ્યા વિના સ્લિપ પરત કરી દીધી.

ગાંધીજીનો પત્ર પહેલેથી જ જાહેર કરવામાં આવ્યો હતો. બધાને ખબર હતી કે ગાંધી નોમિનેશન સ્લિપમાં જવાહરનું નામ જોવા માગતા હતા, પરંતુ નોમિનેશન સ્લિપમાં ત્રણ નામ હતાં - પટેલ, કૃપાલાની અને સીતારામૈયા.
કૃપાલાનીએ વર્કિંગ કમિટીની સામે એક પેપર સર્ક્યુલેટ કર્યું. કોંગ્રેસ વર્કિંગ કમિટીના લોકોએ નેહરુના નામનો પ્રસ્તાવ મૂક્યો. નેહરુના નામનો પ્રસ્તાવ આવતાંની સાથે જ કૃપાલાની અને સીતારમૈયાએ પોતાનાં નામ પાછાં ખેંચી લીધાં. હવે મેદાનમાં માત્ર બે જ નામ બચ્યાં હતાં - સરદાર પટેલ અને નેહરુ.
ગાંધીએ પટેલને કહ્યું- જવાહર બીજું સ્થાન નહીં લે, નામ પાછું ખેંચી લો કૃપાલાની લખે છે કે મેં નેહરુ અને પટેલનાં નામનો પ્રસ્તાવ મૂક્યો અને ગાંધી સમક્ષ મૂક્યો. આ જોઈને ગાંધીજીએ કહ્યું હતું કે જવાહર વર્કિંગ કમિટી સિવાય કોઈ પ્રાંતીય સમિતિએ તમારું નામ આગળ કર્યું નથી. આ અંગે તમારું શું કહેવું છે. જવાબમાં નેહરુ મૌન રહ્યા.
ગાંધી નેહરુના મૌનને સમજી ગયા. હવે આખી રમત કૃપાલાનીની સમજ પર નિર્ભર હતી. કૃપલાણીએ સરદાર પટેલની સંમતિ લીધા વિના નામાંકન પાછું ખેંચવાનો પત્ર તૈયાર કર્યો હતો. પટેલની સામે મૂક્યો. જોકે પટેલ પણ પીએમ બનવા માગતા હતા. પટેલ જાણતા હતા કે આ તેમની છેલ્લી તક છે. તેઓ 71 વર્ષના હતા. પટેલ સમજી ગયા કે જો તેઓ આ વખતે નિષ્ફળ જશે તો તેઓ ભાગ્યે જ ફરી PM બની શકશે.
રાજમોહન ગાંધી લખે છે કે પટેલે નામ પરત ખેંચવાના પત્ર પર સહી કરવાનો ઇનકાર કર્યો અને તેને કૃપલાનીને પરત કરી દીધો. કૃપલાનીએ એ પત્ર ગાંધીને આપ્યો, પરંતુ એમાં સરદાર પટેલની સહી નહોતી. આ વખતે ગાંધીજીએ ફરીથી પટેલને વાપસીનો પત્ર સુપરત કર્યો. ગાંધીએ પટેલને કહ્યું કે 'જવાહર બીજું સ્થાન નહીં લે. કૃપલાનીએ તૈયાર કરેલા સ્ટેટમેન્ટ પર સહી કરો. પટેલે નામાંકન પરત ખેંચવા પર સહી કરી દીધી.

અબુલ કલામ આઝાદ તેમની બાયોગ્રાફી 'ઇન્ડિયા વિન્સ ફ્રીડમ'માં લખે છે કે હિમાલય કરતાં પણ મોટી ભૂલ હતી કે મેં કોંગ્રેસ-અધ્યક્ષ પદ માટે મારું નામ પાછું ખેંચીને પટેલને સમર્થન ન આપ્યું. સરદાર પટેલ ભલે 15 ઓગસ્ટ 1947ના રોજ વડાપ્રધાન ન બની શક્યા, પરંતુ તેમને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા.
પટેલ અને નેહરુ વચ્ચે બોલાચાલી, ગાંધીને દરમિયાનગીરી કરવી પડી નેહરુ સાથે પટેલની સીધી બોલાચાલીની એક ઘટના છે, જેમાં ગાંધીજીને હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. નવેમ્બર 1946ની વાત છે. મેરઠમાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન યોજાયું હતું, જેમાં સરદાર પટેલે પાકિસ્તાન વિશે વાત કરનારાઓને કહ્યું- તમે જે પણ કરો એ પ્રેમ અને શાંતિના માર્ગે કરો. તમે સફળ પણ થઈ શકો, પરંતુ તલવારનો જવાબ તલવારથી જ આપવામાં આવશે.
આ નિવેદન બાદ જવાહર લાલ નેહરુએ જાહેરાત કરી કે કોંગ્રેસના મંત્રીઓ વચગાળાની સરકારમાંથી રાજીનામું આપી શકે છે. મેરઠ પરિષદના થોડા દિવસો પછી સરદાર પટેલે મુંબઈમાં દરિયાકિનારે હજારો લોકોને સંબોધિત કર્યા. નેહરુને જવાબ આપતાં તેમણે કહ્યું કે રાજીનામું આપવાનો મારો કોઈ ઈરાદો નથી. ભલે મારા સાથીદાર (નેહરુ) રાજીનામું આપે. હું પદ પર રહીશ.
બંને બાબત ફરિયાદના રૂપમાં ગાંધીજી સુધી પહોંચી. ગાંધીજીને કહેવામાં આવ્યું કે સરદાર પટેલ હિંસા વિશે વાત કરતા હતા. આ પછી મહાત્મા ગાંધીએ 30 ડિસેમ્બર 1946ના રોજ સરદાર પટેલને પત્ર લખ્યો હતો. ગાંધીજીએ સરદારને લખ્યું, 'મેં તમારી સામે ઘણી ફરિયાદો સાંભળી છે. તમારાં ભાષણો ભડકાઉ છે. તમે હિંસા અને અહિંસા વચ્ચે ભેદ કરતા નથી. તમે લોકોને તલવારનો જવાબ તલવારથી આપવાનું શીખવો છો. જો આ બધું સાચું હોય તો એ ઘણું નુકસાનકારક છે.'

પટેલે 7 જાન્યુઆરી, 1947ના રોજ ગાંધીજીને પત્ર લખ્યો કે 'હું હોદ્દા પર રહેવા માગું છું એ મનગણત છે. જવાહર લાલ ક્યારેક રાજીનામાની નિષ્ક્રિય ધમકીઓ આપતા રહે છે. મને કડવું સત્ય બોલવાની ટેવ છે. હિંસા સાથે હિંસા મળવા અંગેની ટિપ્પણીને લાંબા સમયથી વિકૃત કરવામાં આવી છે અને સંદર્ભની બહાર લેવામાં આવી છે. મૃદુલા (સારાભાઈ)એ તમને આ ફરિયાદો કરી હશે. મને અપમાનિત કરવાનું તેણે પોતાનું કામ બનાવી લીધું છે. હું તેની હરકતોથી કંટાળી ગયો છું. જો કોઈ જવાહર લાલ સાથે સહમત ન હોય તો તે તેને સહન કરી શકે નહીં.
મૃદુલા સારાભાઈ પ્રખ્યાત વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈનાં બહેન હતાં અને મહાત્મા ગાંધી સાથે સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલાં હતાં.

પટેલને વડાપ્રધાન બનાવવાથી મહાત્મા ગાંધી કેમ ડરતા હતા? તત્કાલીન જાણીતા પત્રકાર દુર્ગાદાસે તેમના પુસ્તક 'ઈન્ડિયા ફ્રોમ કર્ઝન ટુ નેહરુ'માં લખ્યું છે કે 'રાજેન્દ્ર પ્રસાદે મને કહ્યું હતું કે ગાંધીજીએ તેમના વિશ્વાસુ સાથીદારને ગ્લેમરસ નેહરુ માટે બલિદાન આપ્યું હતું અને મને ડર છે કે હવે નેહરુ અંગ્રેજોના રસ્તે આગળ વધશે.
બધા જાણતા હતા કે નેહરુની સરખામણીમાં પટેલ ઝીણા જેવા લોકો સાથે તેમની ભાષામાં વાટાઘાટો કરી શકે છે. ગાંધીજી પણ આ વાત માનતા હતા. આમ છતાં તેમણે સરકાર ચલાવવા માટે નેહરુને કેમ પસંદ કર્યા?
ગાંધીજીએ પત્રકાર દુર્ગાદાસને કહ્યું હતું કે 'જવાહર ક્યારેય બીજા નંબરે આવવા તૈયાર નહીં થાય. તેઓ પટેલ કરતાં આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ વધુ સારી રીતે સમજે છે. સરકારી બળદગાડાને ખેંચવા માટે આ બે બળદ છે. આમાં આંતરરાષ્ટ્રીય કાર્ય માટે નેહરુ અને રાષ્ટ્રીય કાર્ય માટે પટેલ હશે. બંને ગાડીને સારી રીતે ખેંચશે.'

સરદાર પટેલ ભલે વડાપ્રધાન ન બની શક્યા, પણ તેમને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા. તેમના કાર્યકાળની કેટલીક રસપ્રદ વાતો...
પાકિસ્તાનને 6માંથી એક પણ પ્રિન્ટિંગ મશીન આપવા માગતા નહોતા જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે ઘણી વસ્તુઓનું વિભાજન થઈ રહ્યું હતું. લોર્ડ માઉન્ટબેટન, સરદાર પટેલ અને મુસ્લિમ લીગના નેતા લિયાકત અલી આવી જ એક વિભાજનની બેઠકમાં બેઠા હતા. આઝાદી સમયે દેશમાં છ સરકારી પ્રિન્ટિંગ મશીન હતી. લિયાકત અલીએ કહ્યું- છ સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાંથી એકને દિલ્હીથી કરાચી લઈ જવામાં આવે. આ સાંભળીને પટેલનો ગુસ્સો વધી ગયો.

રાજમોહન ગાંધી લખે છે કે પટેલ લિયાકત અલી તરફ એવું જોતા હતા કે જાણે તેઓ તેમને ભસ્મ કરી દેશે. પટેલે કહ્યું- તમામ છ પ્રેસ સંપૂર્ણપણે ભારત સરકારના કામમાં વ્યસ્ત છે. તેમાંથી કોઈપણ આપી શકાય તેમ નથી.
પછી લોર્ડ માઉન્ટબેટને સરદારને કહ્યું કે મહેરબાની કરીને ઓછામાં ઓછું એક મશીન તો આપવું પડશે, ભલે એનાથી સરકારને મુશ્કેલી થાય. આ યોગ્ય વિતરણ હશે. આ પછી સરદારે માઉન્ટબેટન તરફ જોયું. ગુસ્સે થઈને સરદારે કહ્યું- કોઈએ પાકિસ્તાનને અલગ થવા કહ્યું નહોતું. જોકે બાદમાં સરદાર મશીન આપવા સંમત થયા.
જ્યારે હૈદરાબાદના નિઝામે 1.5 કરોડ હિન્દુને મારી નાખવાની ધમકી આપી રાજમોહન ગાંધી લખે છે કે હૈદરાબાદનો નિઝામ સૌથી ધનવાન હતો, પરંતુ તે ખૂબ જ કંજૂસ અને ખરાબ પોશાકવાળી વ્યક્તિ હતી. ભાગલા પછી તેઓ સ્વતંત્ર રહેવા માગતા હતા. તેણે અંગ્રેજોને કહ્યું કે તે કોઈની સાથે રહેવા માગતો નથી. ઝીણાએ હૈદરાબાદને નિશાન બનાવ્યું અને નિઝામે પાકિસ્તાનમાં જોડાવાની યોજના બનાવી. સરદાર પટેલ કોઈપણ સંજોગોમાં હૈદરાબાદને પાકિસ્તાનમાં જોડાવા દેવા માગતા નહોતા.
આ દરમિયાન, સૈયદ કાસિમ રિઝવીએ "ઇત્તિહાદ-એ-મુસ્લિમ" નામની એક સાંપ્રદાયિક સંગઠનની રચના કરી, જે પછીથી હૈદરાબાદની સેના બની હતી જેઓ ઇત્તિહાદ-એ-મુસ્લિમને ત્રાસ આપતા હતા મુસ્લિમ નામનું સંગઠન પાછળથી રાજકીય પક્ષ AIMIM બન્યું, જેના વર્તમાન નેતા અસદુદ્દીન ઓવૈસી છે.
આચાર્ય ચંદ્રશેખર શાસ્ત્રી તેમના પુસ્તક 'નેશન મેકર સરદાર પટેલ'માં લખે છે કે અંગ્રેજો વતી સર વોલ્ટન માંટકને પ્રસ્તાવ મૂક્યો હતો કે નિઝામ સાથેના કરારમાં કેટલાક ફેરફારો કરવા જોઈએ. તેના પર સરદાર પટેલે કહ્યું કે આવું ન થઈ શકે. નિઝામને વિશેષ છૂટ આપવાનો અર્થ અન્ય રજવાડાઓને છેતરવાનો છે. અમે તે નહીં કરીએ. હૈદરાબાદને એ જ શરતો પર ભારતનો એક ભાગ બનવું પડશે કે જેના આધારે અન્ય રજવાડાઓ રચાયા છે.

સરદારે પૂછ્યું કે હૈદરાબાદ કોની સાથે રહેશે. આ નક્કી કરનારા નિઝામ કોણ છે? આ ત્યાંના લોકો નક્કી કરશે. જનતા જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. જો કે, નિઝામે લોકમતની ઓફરને નકારી કાઢી.
નિઝામના પ્રતિનિધિ નવાબ અલી યાવર જંગ લોર્ડ માઉન્ટબેટનને મળ્યા. તેમને કહ્યું કે જો હૈદરાબાદને ભારતમાં ભેળવી દેવામાં આવે તો ત્યાંની મુસ્લિમ વસતિ હિન્દુઓની વસતિ કરતાં પચાસ ટકા વધી જશે. ત્યારે લોર્ડ માઉન્ટબેટને કહ્યું, તમને શું લાગે છે, શું ભારત સરકાર આ બધું થતાં શાંતિથી જોઈ રહેશે.
એપ્રિલમાં, નિઝામના પ્રતિનિધિ લાઇક અલી ફરી એકવાર દિલ્હી પહોંચ્યા અને પટેલને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. જેમ કે અલીએ તેની ધમકીઓ ચાલુ રાખી. પટેલ શાંતિથી આ સાંભળતા રહ્યા. ત્યારે પટેલે કહ્યું- તમે પણ જાણો છો અને મને પણ ખબર છે કે હૈદરાબાદમાં સત્તા ક્યાં છે? હાલમાં હૈદરાબાદ પર કબજો જમાવનાર સજ્જન (સૈયદ કાસિમ રિઝવી)એ કહ્યું છે કે જો ભારતીય સૈન્ય હૈદરાબાદ આવશે તો તેઓ 1.5 કરોડ હિન્દુઓને મારી નાખશે. ભારત સરકારને તેમની રાખ અને હાડકાં સિવાય કશું જ નહીં મળે.
સરદારે કહ્યું હતું કે જો આવું જ હોય તો નિઝામ અને તેના સમગ્ર પરિવારે ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. તેમનું શું થશે? હું તમને નિઝામને પૂછવાની છેલ્લી તક આપું છું કે તેઓ શું ઈચ્છે છે.
13 મેના રોજ સંરક્ષણ સમિતિની એક બેઠક યોજાઈ હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હૈદરાબાદ પર હુમલો કરવો જોઈએ, પરંતુ પીએમ જવાહરલાલ નેહરુએ કહ્યું કે જ્યાં સુધી કોઈ મોટો નરસંહાર કે અપ્રિય ઘટનાની શક્યતા ન હોય ત્યાં સુધી આપણે આ પગલું ન ભરવું જોઈએ.
10 સપ્ટેમ્બરના રોજ સરદાર પટેલે નિઝામને ફાઈનલી અને અંતિમ અલ્ટીમેટમ આપ્યું હતું કે તેણે તમામ નાટક છોડીને લોકોની ઈચ્છા મુજબ ભારતમાં જોડાઈ જવું જોઈએ, પરંતુ નિઝામે આ અંતિમ ઓફર પણ નકારી કાઢી હતી. બીજા દિવસે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાનું મોતન થયું.
ડૉ.આર.કે.સિંહ તેમના પુસ્તક સરદાર પટેલમાં લખે છે કે લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, જેનું નામ ઓપરેશન પોલો છે. આ નામ એટલા માટે આપવામાં આવ્યું, કારણ કે હૈદરાબાદમાં વિશ્વમાં સૌથી વધુ 17 પોલો ગ્રાઉન્ડ હતા. બીજા દિવસે ભારતીય સેના હૈદરાબાદમાં પ્રવેશી. પાંચ દિવસની કાર્યવાહી બાદ ભારતે હૈદરાબાદને પોતાનું રાજ્ય બનાવી લીધું.

















