- Gujarati News
- Bhaskar khaas
- Meinbharatkapm
- Narasimha Strikes Amid Talk Of Sharad Pawar Becoming PM
મૈં ભારત કા પીએમસોનિયા ગાંધી માટે પોલિટિકલ ટૂલ હતા રાવ?:બાબરીનો ઢાંચો તૂટી રહ્યો હતો ત્યારે નરસિમ્હા પૂજા કરતા રહ્યા; રાજનીતિ છોડવાના હતા ને અચાનક જ PM બન્યા
- કૉપી લિંક

1991માં લોકસભા ચૂંટણી પહેલાં રાજીવ ગાંધી પોતાની દિલ્હી ઓફિસમાં બેઠા હતા. તેમના સચિવ વિન્સેટ જોર્જે અંદર આવીને કહ્યું- બહાર નરસિમ્હા રાવ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. થોડીવારમાં નરસિમ્હા રાવ રૂમમાં આવ્યા અને રાજીવ ગાંધીએ તેમને સંબોધ્યા, તમે ઘરડા થઈ ગયા
ઉંમરની 70 વસંત જોઈ ચૂકેલા નરસિમ્હા રાવ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. અગાઉની કેન્દ્ર સરકારોમાં તેમણે ગૃહમંત્રી, રક્ષામંત્રી અને વિદેશમંત્રીની જવાબદારીઓ સંભાળી હતી. પૂર્વ વિદેશમંત્રી નટવર સિંહ લખે છે, 'જ્યારે રાજીવે તેમને સાઇડ લાઇન કર્યા ત્યારે નરસિમ્હાને ઘણું દુઃખ થયું હતું. તેઓ વધારે બોલતા ન હોવાથી તેમણે રાજકારણ છોડીને શાંતિથી હૈદરાબાદ પાછા જવાની તૈયારી શરૂ કરી, કોઈ હોબાળો કર્યો નહોતો.
માર્ચ 1991માં તેમણે પોતાના પુસ્તકનાં 45 બોક્સ હૈદરાબાદ મોકલાવી દીધાં. આ દરમિયાન જ્યોતિષનો શોખ રાખનાર એક વડીલ અધિકારીએ રાવને કહ્યું હતું- મને લાગે છે કે તમારું ભાગ્ય બદલવાનું છે. થોડા મહિના હજુ રોકાઈ જાઓ, નહીંતર ફરી દિલ્હી પાછું ફરવું પડશે.
દુર્ભાગ્યથી 21 મે 1991ના રોજ રાજીવ ગાંધીની હત્યા થઈ ગઈ અને તમામ ઉતાર-ચઢાવ પછી રિટાયરમેન્ટની તૈયારી કરી ચૂકેલા નરસિમ્હા રાવ દેશના વડાપ્રધાન બન્યા

‘મૈં ભારત કા પીએમ’ સિરીઝના નવમાં એપિસોડમાં પીવી નરસિમ્હા રાવના વડાપ્રધાન બનવાની કહાની અને એની સાથે જોડાયેલા કિસ્સા...
શરદ પવારના પીએમ બનવાની ચર્ચા હતી, પરંતુ પીવી નરસિમ્હાએ બાજી મારી
રાજીવ ગાંધીની હત્યા પછી આવેલાં લોકસભા પરિણામોમાં કોંગ્રેસે 232 સીટ જીતી હતી. સોનિયા ગાંધી રાજનીતિમાં આવવાની ના પાડી ચૂક્યાં હતાં. મોટો સવાલ હતો કે કોંગ્રેસ કોને પોતાના વડાપ્રધાન પસંદ કરશે.
17 જૂનના ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં મહારાષ્ટ્રના સીએમ અને ત્યારે કોંગ્રેસ નેતા શરદ પવારના હવાલાથી સમાચાર છપાયા હતા કે મહારાષ્ટ્રના સાંસદ નક્કી કરશે કે દિલ્હીમાં દેશનું નેતૃત્વ કોણ કરશે. 18 જૂને ફરી શરદ પવારને પીએમ પ્રોજેક્ટ કરવાના સમાચાર છપાયા. મહારાષ્ટ્રથી દિલ્હી સુધી ચર્ચા હતી કે શરદ પવાર પીએમપદ માટે ‘સ્યૂટેબલ બોય' છે.
પીવીના જૂના મિત્ર અને લેખક સંજય બારુ પોતાના પુસ્તક ‘1991 હાઉ પીવી નરસિમ્હા રાવ મેડ હિસ્ટ્રી'માં લખે છે, 20 જૂને હું પીવી નરસિમ્હા રાવના સરકારી બંગલા પર ગયો. પીવીના પર્સનલ સેક્રેટરી રામ ખાંડેકરે મને પીવીના લિવિંગ રૂમમાં લઇ ગયા.
પીવી કોટનની લુંગી અને બનિયાન પહેરીને કોંગ્રેસના ભગવત ઝા આઝાદ અને કીર્તિ આઝાદ સાથે ચર્ચા કરી રહ્યા હતા. મેં બેસતાં જ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એ સમાચારને લઈને સવાલ કર્યો કે શું શરદ પવાર પીએમ બની રહ્યા છે.
પીવીએ કહ્યું- ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એડિટર દિલીપ પડગાંવકર, રાજદીપ સરદેસાઈ બધા જ મહારાષ્ટ્રના છે. એટલે પોતાની વ્યક્તિને આગળ કરી રહ્યા છે, પરંતુ હકીકતમાં દિલ્હીમાં શરદ પવારની કોઈ લહેર જ નથી.
પૂર્વ વિદેશમંત્રી નટવર સિંહ પોતાના પુસ્તક વન લાઇફ ઇન નોટ ઇનફમાં લખે છે કે 10 જનપથમાં સોનિયા ગાંધીએ પોતાના સલાહકાર પીએન હક્સરને પૂછ્યું કે કોંગ્રેસ તરફથી પીએમ બનવા માટે કોણ વધારે શ્રેષ્ઠ છે. ત્યારે હક્સરે કહ્યું કે વરિષ્ઠતા પ્રમાણે તો ઉપરાષ્ટ્રપતિ શંકરદયાળ શર્મા પીએમ પદ માટે પર્ફેક્ટ છે.
નટવર લખે છે, મને અને અરુણા આસફ અલીને જવાબદારી આપવામાં આવી છે કે અમે શંકરદયાળ શર્મા સાથે વાત કરીએ. શું તેઓ આ જવાબદારી માટે તૈયાર છે? હું અને અરુણા શંકરદયાળને મળ્યા અને તેમને સોનિયા ગાંધીની ઓફર જણાવી. શંકર દયાળે કહ્યું- પ્રાઇમ મિનિસ્ટર ફુલટાઇમ જોબ છે. મારું ખરાબ સ્વાસ્થ્ય અને વધતી ઉંમર મને દેશના સૌથી મહત્ત્વપૂર્ણ ઓફિસને સંભાળવાની મંજૂરી આપતું નથી. ત્યાર બાદ પીએન હક્સરે સોનિયાને પીવી નરસિમ્હા રાવનું નામ સૂચવ્યું.
સોનિયા ગાંધી માટે પોલિટિકલ ટૂલ હતા રાવ? નટવર સિંહ લખે છે, પીવી નરસિમ્હા રાવ એક સાધારણ પરિવારથી આવેલી વ્યક્તિ હતા. અધ્યાત્મ અને ધર્મમાં તેમનું ઊંડું જ્ઞાન હતું. તેઓ એક બૌદ્ધિક અને ઉત્તમ વિચારક હતા અને ઘણી ભાષાઓ જાણતા હતા.
રાવની એક અન્ય ખાસિયત હતી, જે તેમના પક્ષમાં જતી હતી. વિનય સીતાપતિના જણાવ્યા પ્રમાણે સોનિયા ગાંધીને લાગતું હતું કે રાવ પોતાની જગ્યા જાણે છે. લાંબા સમયગાળાથી સરકાર અને સંગઠનમાં રહેતાં તેમણે ક્યારેય ગાંધી પરિવાર સામે બળવાખોર વલણ દાખવ્યું ન હતું. શરદ પવાર અને એનડી તિવારી આ માપદંડ પર ખરા ઊતર્યા નહીં.
રાજીવ ગાંધીના ખાસ મિત્ર સતીશ શર્માએ પણ આ જ ખાસિયતના કારણે રાવનું નામ સોનિયા ગાંધીને સૂચવ્યું. 29 મે 1991ના રોજ એકવાર ફરી CWCની મિટિંગ થઈ, જેમાં પીવી નરસિમ્હા રાવ સર્વસંમતિથી કોંગ્રેસ પ્રેસિડેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા. કૉંગ્રેસના એક વર્ગનું માનવું હતું કે સોનિયાએ રાવને ત્યાં સુધી આગળ રાખ્યા હતા જ્યાં સુધી તેમણે પોતે સત્તા સંભાળવાનું નક્કી ન કર્યું.

21 જૂનના રોજ બપોરે 12 વાગીને 53 મિનિટ પર રાષ્ટ્રપતિ અને વેંકટરમને પીવી નરસિમ્હા રાવને દેશના વડાપ્રધાન તરીકે શપથ લેવડાવ્યા.
નરસિમ્હા વડાપ્રધાન બન્યા તો ખજાનામાં માત્ર 2 અઠવાડિયાંના ખર્ચના રૂપિયા હતા
પીવી નરસિમ્હા રાવ એક અનુભવી નેતા હતા. તેમણે પોતાના પૂર્વ કાર્યકાળમાં સ્વાસ્થ્ય, શિક્ષા અને વિદેશ મંત્રાલય જોયા હતા. નાણામંત્રીનો તેમને અનુભવ હતો નહીં. પીએમપદના શપથ લેવાના એક દિવસ પહેલાં 20 જૂન 1991ની સાંજે કેબિનેટ સેક્રેટરી નરેશ ચંદ્ર નરસિમ્હા રાવને મળ્યા.
પહેલી મુલાકાતમાં નરેન્દ્ર ચંદ્રએ તેમને 8 પાનાંની ફાઇલ આપી. આ ફાઇલ પર ટોપ સિક્રેટ લખ્યું હતું. એમાં લખાયેલું હતુ કે કાલે જ્યારે નરસિમ્હા રાવ શપથ લેશે તો તેમણે સૌથી પહેલા શું કરવાનું છે. પીવીએ જ્યારે એ ફાઇલ વાંચી ત્યારે તેમના હોશ ઊડી ગયા
ફાઇલ જોતાં જ તેમણે નરેશ ચંદ્રને પૂછ્યું- શું દેશની ઇકોનોમી આટલી ખરાબ થઈ ગઈ છે. નરેશે જવાબ આપતાં કહ્યું, નહીં સર, આનાથી પણ વધારે ખરાબ છે. વિદેશી મુદ્રા ભંડારની સ્થિતિ ખરાબ છે. આ વર્ષ (1991)ના જાન્યુઆરીમાં અમારી પાસે માત્ર $890 મિલિયનનું વિદેશી નાણું બાકી હતું, જેના કારણે માત્ર 2 અઠવાડિયાંનો આયાત ખર્ચ પૂરો થઈ શકે છે.
નરસિમ્હા રાવે મનમોહન સિંહને શોધી કાઢ્યા વિનય સીતાપતિ પોતાની પુસ્તક 'હોફ લાયનઃ હાઉ પીવી નરસિમ્હા રાવ ટ્રાન્સફોર્મ્ડ ઇન્ડિયા'માં લખે છે કે પીવીએ નક્કી કરી લીધું હતું કે તેઓ એક એક્સપર્ટ અર્થશાસ્ત્રીને નાણામંત્રી બનાવશે. તેમણે તરત જ તેમના સંકટના સાથી અને ખાસ મિત્ર પીસી એલેક્ઝેન્ડર સાથે વાત કરી.
એલેક્ઝેન્ડરે તેમને રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના ડાયરેક્ટર આઈજી પટેલને નાણામંત્રી બનાવવા માટે કહ્યું. પટેલ સુધી પ્રસ્તાવ પહોંચ્યો ત્યારે તેમણે ના પાડી દીધી, જોકે એ સમયે તેમના માતા બીમાર હતાં. આ કારણે તેઓ વડોદરા છોડવા ઇચ્છતા નહોતા.
જોકે પટેલે એક અન્ય નામની સલાહ આપી. આ નામ હતું યુજીસીના ચેરમેન ડો. મનમોહન સિંહ. પીવીએ તરત મનમોહનની શોધખોળ શરૂ કરી અને તેમના ઘરે ફોન લગાવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેઓ યુરોપ ગયા છે. રાત્રે પાછા ફરશે. બીજા દિવસે સવારે ફોન કર્યો ત્યારે મનમોહન સિંહના નોકરે જણાવ્યું કે સાહેબ સૂઈ રહ્યા છે. તેમને જગાડી શકાશે નહીં.
શપથગ્રહણના 3 કલાક પહેલાં નરસિમ્હા રાવે મનમોહન સિંહની યુજીસીની ઓફિસમાં જ ફોન કર્યો. તેમણે નાણાકીય મંત્રી બનવાની ઓફર આપી અને કહ્યું- જો આપણે સફળ થયા તો એની ક્રેડિટ આપણને બંનેને મળશે. જો ફેઇલ થયા તો તમારે રાજીનામું આપવું પડશે.

જ્યારે બાબરી મસ્જિદ પડી રહી હતી ત્યારે પીવી પૂજા કરી રહ્યા હતા
6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં જ્યારે હજારો કારસેવકોએ બાબરી મસ્જિદના વિવાદાસ્પદ ઢાંચાને તોડવાનું શરૂ કર્યું ત્યારે પીવી નરસિમ્હા રાવ પૂજા કરવા જતા રહ્યા હતા. તેઓ કલાક સુધી પૂજા કરતા રહ્યા હતા.
વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયરે પોતાની બાયોગ્રાફી 'બિયોન્ડ ધ લાઇન્સ'માં લખે છે કે આ વિધ્વંસમાં નરસિમ્હા રાવની મિલી-ભગત હતી. જ્યારે કારસેવક ઢાંચો તોડવા લાગ્યા ત્યારે પીવી પૂજાપાઠ કરવા લાગ્યા અને જ્યારે ઢાંચો સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યો ત્યારે તેઓ પૂજા કરીને ઊભા થયા. કુલદીપ નૈયર લખે છે કે સમાજવાદી નેતા મધુ લિમયે મને જણાવ્યું હતું કે પૂજા દરમિયાન જ્યારે પીવીના એક સહયોગીએ તેમના કાનમાં કહ્યું કે ઢાંચો સંપૂર્ણપણે તૂટી ગયો છે ત્યારે તેમણે પૂજા પૂરી કરી.

ઢાંચો તોડી પાડ્યા પછી પીવીએ પત્રકારોને એ જણાવવા માટે બોલાવ્યા કે આ મામલે તેમની કોઈ ભૂમિકા નથી. તેમણે કહ્યું હતુ કે યુપીના સીએમ કલ્યાણ સિંહે મને અંધારામાં રાખ્યા હતા. જ્યારે મેં પીવીને પૂછ્યું કે રાતોરાત કેવી રીતે ત્યાં એક નાનકડું મંદિર ઊભું થઈ ગયું છે તો પીવીએ કહ્યું હતું કે હું પાછળથી સીઆરપીએફની એક ટુકડી મોકલવા ઇચ્છતો હતો, પરંતુ વાતાવરણ ખરાબ થવાના કારણે વિમાનમાં જઇ શક્યું નહોતું. પછી તેમણે પત્રકારોને કહ્યું હતું કે આ મંદિર વધારે દિવસો સુધી રહેશે નહીં.
કુલદીપ લખે છે કે મને ગૃહમંત્રી રાજેશ પાઇલટે જણાવ્યું હતું કે તેમણે પીવીને કહ્યું હતું કે અમે રાતોરાત આ મંદિરને હટાવી શકીએ છીએ, પરંતુ રાવે એની ના પાડી દીધી હતી. પીવીને અનુમાન હતું કે આ મંદિર હટાવશે તો હિન્દુઓ નારાજ થઈ જશે.
રાજ્યસભાની ચૂંટણીએ સોનિયા અને પીવી વચ્ચે અંતર ઊભું કર્યું પીએમ બનવાના થોડા મહિના પછી સોનિયા ગાંધીને લાગતું હતું કે નરસિમ્હા રાવ નેહરુ-ગાંધી પરિવારના મહત્ત્વને સતત ઘટાડી રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવાઈ પોતાન પુસ્તક 'ભારત કે પ્રધાનમંત્રી'માં લખે છે, જાન્યુઆરી 1992માં રાજ્યસભા ચૂંટણીએ સોનિયા ગાંધી અને પીવી નરસિમ્હા રાવની વચ્ચે અંતર ઊભું કર્યું હતું.
જોકે સોનિયા ગાંધીના અંગત સચિવ વિન્સેન્ટ જોર્જને રાજ્યસભા મોકલવાના હતા. બીજી બાજુ માગરિટ અલ્વા ચોથીવાર રાજ્યસભા જવાની તૈયારીમાં હતા. પાર્ટીના અનેક નેતા માગરિટ અલ્વાનો વિરોધ કરી રહ્યા હતા. પીવી પણ ઉમેદવારીને લઇને શંકામાં હતા.
પીવી રશિયા યાત્રા પર જવાના હતા. તેમણે રાજ્યસભાનો મામલો ખતમ કરવા માટે સીધો સોનિયા ગાંધીને ફોન કર્યો. સોનિયાએ થોડા સંકેત આપ્યા, પરંતુ સ્પષ્ટ કશું જ કહ્યું નહીં. જ્યારે વિદેશથી રાજ્યસભા ઉમેદવારોનાં નામની યાદી મોકલવામાં આવી ત્યારે એમાં માગરિટ અલ્વાનું તો નામ હતું, પરંતુ વિન્સેન્ટ જોર્જનું નામ હતું નહીં. એ પછી સોનિયા અને નરસિમ્હા રાવ વચ્ચે અંતર વધી ગયું.

આ અંતર એટલું વધ્યું કે 2004માં જ્યારે નરસિમ્હા રાવનું નિધન થયું ત્યારે તેમના અંતિમસંસ્કાર દિલ્હીમાં થવા દેવામાં આવ્યા નહીં. વિનય સીતાપતિ પોતાના પુસ્તકમાં લખે છે, રાવના દીકરા પ્રભાકરા કહે છે કે અમને અનુભવ થયો કે સોનિયાજી નથી ઇચ્છતાં હતાં કે અમારા પિતાના અંતિમસંસ્કાર દિલ્હીમાં થાય. તેઓ એવું પણ ઇચ્છતાં નહોતાં કે અહીં તેમનું મેમોરિયલ બને.
ઇલેક્શન પરિણામના બે દિવસ પહેલાં કલામને કહ્યું- ન્યૂક્લિયર ટેસ્ટ માટે તૈયાર રહો પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે 24 જાન્યુઆરી 2013ના રોજ આરએન કાઓ મેમોરિયલમાં મુખ્ય મહેમાન તરીકે નરસિમ્હા રાવની પ્રામાણિકતા સાથે જોડાયેલો કિસ્સો સંભળાવ્યો હતો. કલામે જણાવ્યું હતું કે 1996ના જનરલ ચૂંટણી પરિણામોના ઠીક બે દિવસ પહેલાં તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવે મને કહ્યું હતું કે એપીજે, તમે તમારી ટીમને પરમાણુ પરીક્ષણ માટે તૈયાર રાખો.
નરસિમ્હા રાવે એવું પણ કહ્યું હતું કે તમે વિપક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર અટલ બિહારી વાજપેયીને મળો. વાજપેયીને આ કાર્યક્રમ વિશે જણાવો. કલામે કહ્યું હતું કે નરસિમ્હા રાવે મને આવું કરવા માટે એટલા માટે કહ્યું હતું કે જો તેમની સરકાર પડી ભાંગે તો આગામી વડાપ્રધાન દેશ માટે જરૂરી ન્યૂક્લિયર કાર્યક્રમને શરૂ રાખી શકે. કલામે કહ્યું કે તેમનું આ કામ એવું જણાવે છે કે નરસિમ્હા રાવ એક દેશભક્ત રાજનેતા હતા.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















