Mon, Nov 16, 2026Updated 02:19 PM IST
Google Preferred Source CTA

મૈં ભારત કા પીએમ
ચંદ્રશેખરે પાક. PMને કહ્યું- જાઓ કાશ્મીર તમારું:કોંગ્રેસ વિરોધમાં જીત્યા એમ છતાં રાજીવ ગાંધીએ તેમને વડાપ્રધાન કેમ બનાવ્યા?

3 વર્ષ પેહલાલેખક: એકતા સિન્હા
  • કૉપી લિંક

નવેમ્બર 1990માં વીપી સિંહની સરકાર પડી ગઈ હતી. હવે બે જ રસ્તા હતા - પહેલો, તાત્કાલિક ચૂંટણી યોજવી જોઈએ, બીજો- જોડી-તોડીને સરકાર બનાવાય.

.

ચંદ્રશેખર પોતાની આત્મકથા 'ઝિંદગી કા કારવાં'માં લખે છે, 'એક દિવસ અચાનક જ રાજીવના નજીકના આરકે ધવન મારી પાસે આવ્યા. કહ્યું કે રાજીવ ગાંધી તમને મળવા માગે છે. મને કંઈ સમજાયું નહીં, એમ છતાં હું તેમની સાથે ગયો.

રાજીવ ગાંધીએ મને જોતાંની સાથે જ પૂછ્યું કે શું તમે સરકાર બનાવશો. મેં જવાબ આપ્યો કે મારી પાસે સરકાર બનાવવાનો કોઈ નૈતિક આધાર નથી. મારી પાસે પૂરતી સંખ્યા પણ નથી. રાજીવ ગાંધીએ વળતો જવાબ આપતાં કહ્યું- તમે સરકાર બનાવો. અમે તમને બહારથી સમર્થન આપીશું.

ચંદ્રશેખર વડાપ્રધાન બન્યા પછી પત્રકારોએ રાજીવ ગાંધીને પૂછ્યું - તમે આ સરકાર ક્યાં સુધી ચલાવશો? રાજીવ ગાંધીનો જવાબ હતો - વીપી સિંહની સરકાર કરતાં એક મહિનો વધુ.

ચંદ્રશેખર અને રાજીવ ગાંધીની મુલાકાતનું દૃશ્ય (સ્કેચઃ ગૌતમ ચક્રવર્તી)
ચંદ્રશેખર અને રાજીવ ગાંધીની મુલાકાતનું દૃશ્ય (સ્કેચઃ ગૌતમ ચક્રવર્તી)

'મૈં ભારત કા પીએમ' સિરીઝના આઠમા એપિસોડમાં ચંદ્રશેખરના વડાપ્રધાન બનવાની કહાની અને તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો...

લાલુએ અડવાણીની રથયાત્રા રોકાવી, બીજી તરફ વીપી સરકાર પડી ગઈ

ચાલો... થોડા મહિના પાછળ જઈએ. જનતા દળના વિશ્વનાથ પ્રતાપ સિંહ વડાપ્રધાન હતા. તેમને ભાજપ અને ડાબેરી પક્ષોનું સમર્થન હતું. 7 ઓગસ્ટ 1990ના રોજ વીપી સરકારે મંડલ કમિશનની ભલામણોને લાગુ કરવાની જાહેરાત કરી. એમાં પછાત વર્ગ માટે 27% અનામતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મંડલ કમિશનના રિપોર્ટના અમલની જાહેરાત કરતી વખતે વીપી સિંહે કહ્યું હતું કે 'અમે મંડલના રૂપમાં બાળકને માતાના ગર્ભમાંથી બહાર ફેંકી દીધું છે. હવે કોઈ માતાનો પુત્ર તેને માતાના ગર્ભમાં પરત મૂકી શકશે નહીં. આ બાળક હવે પ્રગતિ કરશે.'

મંડલ કમિશનના અહેવાલના અમલ પછી દેશભરમાં ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓએ તેમના વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું. દેશના રાજકારણમાં ભૂકંપ આવી ગયો. ભાજપ હવે આ સરકારમાં ભાગીદાર બનવા માગતો નહોતો. જોકે તરત જ સરકારને પાડવાથી જનતામાં ખોટો સંદેશ જશે.

મંડલની રાજનીતિ સામે ભાજપે કમંડલની રાજનીતિ શરૂ કરી. લાલકૃષ્ણ અડવાણીએ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મુદ્દે રથયાત્રા કાઢવાનું નક્કી કર્યું. વીપી સિંહના કહેવા પર બિહારના જનતા દળના મુખ્યમંત્રી લાલુ યાદવે અડવાણીની ધરપકડ કરાવી. ભાજપને બહાનું મળી ગયું. તેણે સરકારમાંથી સમર્થન પરત ખેંચી લીધું અને વીપી સિંહને રાજીનામું આપવું પડ્યું.

ચંદ્રશેખર કોંગ્રેસના વિરોધમાં જીત્યા અને તેમના સમર્થનથી PM બન્યા વીપી સરકાર પડ્યા પછી ચંદ્રશેખર 64 સાંસદ સાથે જનતા દળથી અલગ થઈ ગયા. તેમણે સમાજવાદી જનતા પાર્ટીની રચના કરી. ચંદ્રશેખર કોંગ્રેસના સમર્થનથી વડાપ્રધાન બન્યા, જેનો જનતા દળે વિરોધ કર્યો હતો અને સત્તામાં આવ્યા હતા.

ચંદ્રશેખર વિશે એક રસપ્રદ તથ્ય એ છે કે તેઓ ક્યારેય મંત્રી રહ્યા નહીં, સીધા દેશના વડાપ્રધાન બન્યા.
ચંદ્રશેખર વિશે એક રસપ્રદ તથ્ય એ છે કે તેઓ ક્યારેય મંત્રી રહ્યા નહીં, સીધા દેશના વડાપ્રધાન બન્યા.

આ પછી રાજકીય વર્તુળોમાં સવાલો ઊઠ્યા કે ચંદ્રશેખર કોંગ્રેસના સમર્થનથી સરકાર કેવી રીતે બનાવી શકે?

રામ બહાદુર રાય પોતાના પુસ્તકમાં લખે છે, 'મંડલના વિરોધમાં દેશભરમાં લોકો આત્મહત્યા કરી રહ્યા હતા. આ વાતાવરણમાં ચંદ્રશેખરે એવી દલીલ કરીને કોંગ્રેસના સમર્થન સાથે સરકાર બનાવવાનું યોગ્ય ઠેરવ્યું કે તેઓ દેશમાં શાંતિ લાવવા માગે છે. હું સમયની જરૂરિયાત મુજબ સરકાર બનાવી રહ્યો છું.'

માત્ર ત્રણ મહિના જ થયા હતા ને કોંગ્રેસે ચંદ્રશેખર સરકારમાંથી સમર્થન પરત ખેંચી લીધું. લઘુમતીમાં આવ્યા બાદ ચંદ્રશેખરે 6 માર્ચ 1991ના રોજ રાજીનામું આપવું પડ્યું. ત્યાર બાદ તેઓ આગામી વડાપ્રધાન તરીકે એટલે કે 21 જૂન 1991 સુધી ચૂંટાયા ત્યાં સુધી કાર્યકારી વડાપ્રધાન તરીકે આ પદ સંભાળ્યું.

વરિષ્ઠ પત્રકાર રામ બહાદુર રાયને આપેલા ઈન્ટરવ્યૂમાં ચંદ્રશેખર કહે છે, 'જે દિવસે હું વડાપ્રધાન બન્યો એ દિવસે 70-75 જગ્યાએ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. મંડલપંચની ભલામણો સામે રોષે ભરાયેલા યુવાનો આત્મહત્યા કરી રહ્યા હતા. કોમી રમખાણો થતાં હતાં. બીજી તરફ મને સરકાર ચલાવવાનો કોઈ અનુભવ નહોતો. મારા મનમાં એવું હતું કે સરકાર વધુ સમય ટકી રહેશે નહીં. આ છતાં મને વિશ્વાસ હતો કે કોઈક રસ્તો મળી જશે. આવું ન થયું અને મારે રાજીનામું આપવું પડ્યું.'

જ્યારે પીએમ ચંદ્રશેખરે નવાઝને કહ્યું- જાઓ... કાશ્મીર આપ્યું

વડાપ્રધાન બન્યા બાદ પણ ચંદ્રશેખરની બોલચાલ અને ડ્રેસિંગમાં કોઈ ફેરફાર થયો નહી. તેઓ દેશ-વિદેશમાં પણ તેઓ ખાટી જીભમાં બોલતા હતા. પત્રકાર સંતોષ ભારતીયે તેમના પુસ્તક 'વીપી સિંહ, ચંદ્રશેખર, સોનિયા ગાંધી ઔર મૈં'માં આવી જ એક રસપ્રદ વાતનો ઉલ્લેખ કર્યો છે.

'વડાપ્રધાન બનતાંની સાથે જ ચંદ્રશેખર કોમનવેલ્થ કોન્ફરન્સમાં ભાગ લેવા માલદીવ્સની રાજધાની માલે પહોંચ્યા. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ પણ ત્યાં હાજર હતા. એક પ્રસંગે બંને નેતાની મુલાકાત થઈ. ચંદ્રશેખરે તેમના ખભા પર હાથ મૂકીને કહ્યું - તમે ખૂબ લુચ્ચાઈ કરો છો.

નવાઝે જવાબ આપ્યો- તમે મારી લુચ્ચાઈનું કારણ દૂર કરી દો. ચંદ્રશેખરે પૂછ્યું- તમે કારણ જણાવો, હું હમણાં જ દૂર કરી દઈશ. નવાઝ શરીફે કહ્યું- તમે અમને કાશ્મીર આપી દો, લુચ્ચાઈ દૂર થઈ જશે.

ચંદ્રશેખરે થોડીવાર નવાઝ શરીફ તરફ જોયું અને પછી કહ્યું- જાઓ... કાશ્મીર આપ્યું. નવાઝ શરીફે તરત જ કહ્યું- ચાલો એક રૂમમાં બેસીને વાત કરીએ. પેપર વર્ક કરાવે છે. ચંદ્રશેખર કહેવા લાગ્યા – હવે આની શી જરૂર છે? જરા યાદ રાખો કે કાશ્મીરની સાથે અમે તમને અમારા દેશના 15 કરોડ મુસ્લિમો પણ આપીએ છીએ. તમારે તેમને પણ તમારી સાથે લઈ જવા પડશે.

નવાઝ શરીફ ચોંકી ગયા અને પૂછવા લાગ્યા કે આનો અર્થ શું છે?

ત્યારે ચંદ્રશેખરે કહ્યું- તમે મુસ્લિમ વસતિના આધારે અમારી પાસેથી કાશ્મીર લઈ લેશો. ભારતના દરેક ગામમાં મુસ્લિમો વસે છે. કાશ્મીર પર કબજો મેળવતાં જ આ મુસલમાનોને અહીંથી હાંકી કાઢવાની સમગ્ર દેશમાં માગ ઊઠશે. આના કારણે બધે રમખાણો થશે, મારી પાસે આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પૂરતી સેના કે પોલીસ નથી. આવી સ્થિતિમાં જો તમે 15 કરોડ ભારતીય મુસ્લિમો સાથે કાશ્મીરને લઈ જવા તૈયાર છો તો હું હમણાં જ એની જાહેરાત કરીશ.

ચંદ્રશેખરનો જવાબ સાંભળીને નવાઝ શરીફ ચૂપ થઈ ગયા. જો આ મુલાકાત બાદ બંને દેશોના પીએમ ઓફિસ વચ્ચે હોટ લાઇન સેવા શરૂ કરવામાં આવી હતી, જેના દ્વારા બંને પીએમ સીધી વાત કરી શકતા હતા.

ચંદ્રશેખરના મુખ્ય સચિવ એસકે મિશ્રાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ ઘટના બાદ નવાઝ શરીફે ચંદ્રશેખરને ભાઈ સાહેબ કહેવાનું શરૂ કર્યું હતું.

માલદીવ્સમાં ચંદ્રશેખર અને નવાઝ શરીફની મુલાકાતનું દૃશ્ય (સ્કેચઃ ગૌતમ ચક્રવર્તી)
માલદીવ્સમાં ચંદ્રશેખર અને નવાઝ શરીફની મુલાકાતનું દૃશ્ય (સ્કેચઃ ગૌતમ ચક્રવર્તી)

તિજોરી ખાલી હતી, લોન માટે અમેરિકાને સ્થળ આપવું પડ્યું

વર્ષ 1989થી 1991 ભારતીય રાજકારણ માટે વેરવિખેર રહ્યું. પહેલા કોંગ્રેસની સરકાર ગઈ, પછી વીપી સિંહ વડાપ્રધાન બન્યા અને તેમના પછી ચંદ્રશેખર. આ દરમિયાન મંડલ કમિશનનો મુદ્દો, રામમંદિર આંદોલન, પ્રદર્શન અને હિંસા ચાલી રહી હતી. અર્થતંત્ર ખૂબ જ મુશ્કેલ સમયમાં હતું.

આ દરમિયાન ગલ્ફ વોર શરૂ થયું. ભારતીય અર્થતંત્ર તેલ પર નિર્ભર હોવાથી તેલના ભાવ આસમાને પહોંચવા લાગ્યા. ભારતે તેલની આયાત કરવા માટે પહેલાં કરતાં બમણા પૈસા ખર્ચવા પડતા હતા. ભારતનો વિદેશી હૂંડિયામણનો ભંડાર લગભગ ખાલી હતો. માત્ર 2 અઠવાડિયાંના આયાત નાણાં બાકી હતા.

રશીદ કિદવાઈ તેમના પુસ્તક 'પ્રાઈમ મિનિસ્ટર ઓફ ઈન્ડિયા'માં લખે છે કે, અમેરિકા ગલ્ફ વોરમાં કૂદી પડ્યું હતું. ઈરાક અમેરિકાનું દુશ્મન હતું, પરંતુ ભારત સાથે સારા સંબંધો હતા. ભારતને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF પાસેથી લોનની જરૂર હતી. સમસ્યા એ હતી કે IMFમાં અમેરિકાના બે તૃતીયાંશથી વધુ વોટ હતા, તેથી ભારત માટે લોન મેળવવી મુશ્કેલ હતી.

તત્કાલીન વિદેશમંત્રી સુબ્રહ્મણ્યમ સ્વામીએ અમેરિકા સાથે વાત કરી. અમેરિકાએ એક શરત મૂકી કે જ્યારે તેમનાં જહાજો ઈરાક પર હુમલો કરે ત્યારે ભારતે તેમને તેમના લેન્ડિંગ માટે બેઝ અને રિફ્યુઅલિંગ સ્થળ પ્રદાન કરવું જોઈએ. એના બદલામાં તે ભારતને લોન આપશે. વડાપ્રધાન ચંદ્રશેખરે આ શરત સ્વીકારી, જોકે આ રકમ ઊંટના મોંમાં જીરા જેવી હતી.

આખરે વડાપ્રધાન ચંદ્રશેખર, તેમના નાણાં સલાહકાર મનમોહન સિંહ, નાણામંત્રી યશવંત સિંહા અને આરબીઆઈના ગવર્નર એસ. વેંકટરામને દેશનું સોનું ગીરવી રાખવાનું નક્કી કર્યું. ત્યાં સુધીમાં ફેબ્રુઆરી 1991 આવી ગયું હતું અને કોંગ્રેસે સમર્થન પાછું ખેંચી લીધું હતું. ચંદ્રશેખર જૂન સુધી કાર્યવાહક વડાપ્રધાન રહ્યા અને આ સમય દરમિયાન સોનું ગીરવી રાખવાનો સોદો નક્કી કરવામાં આવ્યો.

જુલાઈમાં રિઝર્વ બેંકે 46.91 ટન સોનું વચન આપ્યું હતું અને 400 મિલિયન ડોલર એકત્ર કર્યા. આ સમય સુધીમાં દેશમાં નરસિમ્હા રાવની સરકાર સત્તામાં આવી ગઈ હતી. આ સમાચાર જાહેરમાં આવ્યા બાદ આ મુદ્દાને એટલું મહત્ત્વ મળ્યું કે મનમોહન સિંહે સંસદમાં સ્પષ્ટતા આપવી પડી. એ જ વર્ષે જ્યારે દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગ્યો ત્યારે સોનું પાછું ખરીદી લીધું.

જ્યારે પીએમ ચંદ્રશેખરે માનને કહ્યું- તલવાર મ્યાનમાં મૂકી દો

ચંદ્રશેખર નીડર અને નિર્ભય નેતા હતા. એકવાર પંજાબના અલગતાવાદી નેતા સિમરનજિત સિંહ માન એક લાંબી તલવાર લઈને તેમને મળવા વડાપ્રધાન આવાસ પર આવ્યા હતા. સિક્યોરિટી ગાર્ડે તેમને એમ કહીને રોક્યા કે તેઓ તલવાર લઈને વડાપ્રધાનને મળી શકે નહીં. સિમરનજિત સિંહ માને તલવાર આપવાની ના પાડી દીધી.

આ વાત ચંદ્રશેખર સુધી પહોંચી. તેમણે માનને તલવાર સાથે આવવાની પરવાનગી આપી દીધી. વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવાઈએ તેમના પુસ્તક 'ભારત કે પ્રધાનમંત્રી'માં લખ્યું છે - ચંદ્રશેખરના અંગત સુરક્ષા અધિકારીએ સાવચેતી તરીકે દરવાજો અડધો ખુલ્લો છોડી દીધો હતો. તેઓ બહારથી માન અને તેમની તલવાર પર નજર રાખી રહ્યા હતા.

વાતચીત દરમિયાન માન ચંદ્રશેખરની સામે પહોંચ્યા. માને તલવારનો અડધો ભાગ બહાર કાઢ્યો અને કહ્યું - આ મારા પૂર્વજો પાસેથી મારી પાસે છે અને ખૂબ જ ઘાતક છે. આના પર ચંદ્રશેખરે કહ્યું- તેને મ્યાનમાં રાખી દો. બલિયામાં મારા પૈતૃક ઘરમાં આના કરતાં પણ મોટી તલવાર છે, જે આના કરતાં પણ ઘાતક અને વિનાશક છે.

વિદ્યાર્થી નેતા રહેલા ચંદ્રશેખરનો લોહિયા સાથે ઝઘડો બલિયામાં જન્મેલા ચંદ્રશેખરે અલાહાબાદથી અભ્યાસ કર્યો. તેમણે તેમની રાજકીય કારકિર્દીમાં અનેક પક્ષો બદલ્યા અને બનાવ્યા. તેમણે સમાજવાદી પાર્ટીથી શરૂઆત કરી અને પછી લોહિયાની પાર્ટીમાં જોડાયા. લાલુ-મુલાયમની જેમ ચંદ્રશેખર ક્યારેય લોહિયાના શિષ્ય તરીકે જાણીતા નહોતા. તેઓ તેમની સાથે થતાં ઝઘડા માટે જાણીતા છે.

ચંદ્રશેખરની રાજકીય સફર સમાજવાદી આંદોલનથી શરૂ થઈ હતી. અલાહાબાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે તેમની રેલીમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થવા લાગી હતી.
ચંદ્રશેખરની રાજકીય સફર સમાજવાદી આંદોલનથી શરૂ થઈ હતી. અલાહાબાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે તેમની રેલીમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થવા લાગી હતી.

ચંદ્રશેખર સમાજવાદી નેતા આચાર્ય નરેન્દ્ર દેવને આમંત્રણ આપવા અલાહાબાદ પહોંચ્યા હતા. બલિયામાં વિદ્યાર્થીઓની બેઠક યોજાઈ હતી. આચાર્ય બીમાર હતા અને એ સમયે લોહિયા પણ તેમની સાથે હાજર હતા. આચાર્યે ચંદ્રશેખરને કહ્યું કે તમે ડૉ. લોહિયાને તમારી સાથે લઈ જાઓ. તેઓ મારી જગ્યાએ સભાનો ભાગ બનશે.

લોહિયાએ કહ્યું- મારે મારા પક્ષની કાર્યકારિણી બેઠક માટે કલકત્તા જવું પડશે. હું જઈ શકતો નથી. આના પર ચંદ્રશેખરે કહ્યું- તમે મારી સાથે આવો. હું તમને પરત ફરતી વખતે મારી જીપમાં બક્સર છોડી દઈશ, જ્યાંથી તમને કલકત્તા જવા માટે ટ્રેન મળશે. ડો.લોહિયા સંમત થઈ ગયા.

બલિયા રેલવે સ્ટેશન પર ઊતરતાંની સાથે જ તેઓ જીપ શોધવા લાગ્યા. ચંદ્રશેખરે સમજાવ્યું કે ડૉ.સાહેબ, તમને સાંજે જીપ જોઈએ છે. તમને યોગ્ય સમયે જીપ મળી જશે.

ડૉક્ટર સાહેબ ગણગણાટ કરવા લાગ્યા. ચંદ્રશેખરને આ ગમ્યું નહીં. તેમને આ વાતનું ખરાબ લાગ્યું અને વિચારવા લાગ્યા કે તેમણે સમજવું જોઈએ કે હું એક યુવા નેતા છું અને તેમને વિશ્વાસ સાથે બલિયા લઈને આવ્યો છું, તેથી હું મારી વાત રાખીશ. તેમણે ફરી ડૉ.લોહિયાને સમજાવ્યું.

લોહિયા બડબડતા રહ્યા. આ જોઈને ચંદ્રશેખર ગુસ્સે થઈ ગયા. તેમણે બપોરે લોહિયાને કહ્યું કે ડોક્ટર સાહેબ, તમારી જીપ ઊભી છે અને રસ્તો અહીં છે. તમે જાઓ, અમને તમારી સભાની જરૂર નથી.

આ વર્તનથી લોહિયા દંગ રહી ગયા. તેમના જીવનમાં આ પહેલો પ્રસંગ હતો, જ્યારે કોઈ યુવા નેતાએ તેમની સાથે આ રીતે ખૂલીને વાત કરી હોય.

RSSએ દાઢી વધારવા પર સવાલ ઉઠાવ્યા હતા

ચંદ્રશેખર વિદ્યાર્થી નેતા હતા ત્યારથી દાઢી રાખતા હતા. જ્યારે તેઓ દેશની રાજનીતિમાં સક્રિય થયા તો કેટલાક લોકોએ તેમને દાઢી કરાવવાની સલાહ આપી હતી. ચંદ્રશેખર હંમેશાં એક જ વાતનું પુનરાવર્તન કરતા હતા કે મારી દાઢીને મારી રાજનીતિ સાથે કોઈ લેવાદેવા નથી. ચંદ્રશેખર દાઢી કેમ રાખતા હતા એની પાછળ એક વાર્તા છે.

તેઓ અલાહાબાદ યુનિવર્સિટીમાં હિન્દુ હોસ્ટેલમાં રહેતા હતા. આ જ હોસ્ટેલમાં રહેતા તેમનો એક મિત્ર ટીબીથી પીડિત હતો. તે મિત્રે ચંદ્રશેખરને પૂછ્યું કે મારે આ ઈન્ટરવ્યૂ માટે જયપુર જવાનું છે. ફર્સ્ટ ક્લાસની ટિકિટ મળી છે. ત્રણ દિવસ ત્યાં રહેવું પડશે. તમે જતાં તો હું પણ ચાલ્યો જતો, આ મારા જીવનની સુવર્ણ તક છે.

ચંદ્રશેખર તેની સાથે જવા સંમત થયા. એ પહેલાં ચંદ્રશેખર ક્લીન શેવ કરતા હતા. મિત્ર ઇન્ટરવ્યૂ માટે નીકળી ગયો અને ચંદ્રશેખર જેમને રોજ શેવ કરવાની આદત હતી તેમણે વાળંદની દુકાન શોધવાનું શરૂ કર્યું. તેમણે જયપુરના રસ્તાઓ પર ઈંટો પર બેસીને લોકોને દાઢી મુંડાવતા જોયા. તેઓ હોટલમાં પરત ફર્યા. બીજા અને ત્રીજા દિવસે પણ શેવ કરાવવા ગયા, પરંતુ તેમની પસંદગીની જગ્યા મળી નહીં. આ રીતે તેમની દાઢી સતત વધતી રહી. જ્યારે તેઓ અલાહાબાદ પરત ફર્યા ત્યારે કેટલાક મિત્રોએ કહ્યું કે દાઢી તમને સારી લાગે છે. તેમને પણ આ વાત સાચી લાગી અને દાઢી રાખવા લાગ્યા.

ચંદ્રશેખર સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા હતા. એકવાર RSS સાથે જોડાયેલા કેટલાક લોકોએ તેમને પૂછ્યું - શું તમે દાઢી રાખીને અશોક મહેતા બનવા માગો છો?

ચંદ્રશેખરે જવાબ આપ્યો- ના. મારે ગોવલકર બનવું છે. વાસ્તવમાં અશોક મહેતા સમાજવાદી પાર્ટીના મોટા નેતા હતા. જ્યારે ગોવલકર એટલે કે માધવ સદાશિવરાવ ગોવલકર RSSના બીજા સરસંઘચાલક છે, જેમનો દેશભરમાં પ્રભાવ હતો. બંને દાઢી રાખતા હતા.

ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરના જણાવ્યા અનુસાર, ચંદ્રશેખર દરરોજ આઠથી દસ કિલોમીટર ચાલતા હતા. તેમની ચાલવાની સ્પીડ એટલી ઝડપી હતી કે કોઈ તેમની સાથે ચાલી શકતું નહોતું.
ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખરના જણાવ્યા અનુસાર, ચંદ્રશેખર દરરોજ આઠથી દસ કિલોમીટર ચાલતા હતા. તેમની ચાલવાની સ્પીડ એટલી ઝડપી હતી કે કોઈ તેમની સાથે ચાલી શકતું નહોતું.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links