Mon, Nov 16, 2026Updated 02:41 PM IST
Google Preferred Source CTA

સ્કાયલાઇનર્સ-2
ગુજરાતમાં 'બુર્જ ખલીફા' ઊભું કરનારા કોણ છે?:કાપડના ધંધામાંથી રિયલ એસ્ટેટમાં ઝંપલાવ્યું, 'ભૂકંપના દિવસે આંખો સામે બિલ્ડિંગ પડ્યું, ક્ષણમાં અત્યારસુધીના પ્રોજેક્ટ આવી ગયા'

અમદાવાદ10 મહિનો પેહલાલેખક: ઉર્વી બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક

ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં રોજેરોજ નવા નવા લક્ઝુરિયસ ફ્લેટ ને એપાર્ટમેન્ટ લૉન્ચ થઈ રહ્યા છે. ગુજરાતમાં અત્યારસુધીની સૌથી ઊંચાં બિલ્ડિંગ અમદાવાદમાં 161.2 મીટરની એસ.જી. હાઇવે પર બની રહ્યાં છે. આ બિલ્ડિંગ ‘નવરત્ન ગ્રુપ’ બનાવી રહ્યું છે. છેલ્લાં 40 વર્ષમાં

.

'ફેમિલી બિઝનેસ કાપડનો' વાતની શરૂઆત કરતાં પ્રણવભાઈએ કહ્યું, 'મૂળ તો અમારો ફેમિલી બિઝનેસ કાપડનો હતો. મારા પપ્પા દિનેશભાઈના મોટા ભાઈ દેવેન્દ્રભાઈ સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે. તેઓ માસ્ટરનું ભણીને અમેરિકાથી ભારત આવ્યા હતા. એ સમયે તેમને રિયલ એસ્ટેટમાં તક મળી અને તેઓ ત્રણેય ભાઈઓ એટલે મારા પપ્પા દિનેશભાઈ, તેમના મોટા ભાઈ દેવેન્દ્રભાઈ તથા નાના ભાઈ જિતેન્દ્રભાઈએ સાથે મળીને 1975માં પહેલો પ્રોજેક્ટ ‘શાલિમાર’ કર્યો હતો. ત્યાંથી રિયલ એસ્ટેટના ધંધાની શરૂઆત થઈ.'

નવરત્ન નામ કેવી રીતે પડ્યું? નવરત્ન નામ અંગેની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી અંગે પ્રણવભાઈએ જણાવ્યું, 'આ નામ પાછળ પણ એક સુંદર સ્ટોરી જોડાયેલી છે. મારા દાદાનો કાપડનો ધંધો હતો. તેઓ દરેક મિલમાંથી નવી નવી પ્રિન્ટ આપીને કપડું લાવતા. તેઓ દરેક પ્રિન્ટને પોતાની રીતે નામ આપતા. આવી જ એક પ્રિન્ટનું નામ ‘નવરત્ન’ હતું. આ પ્રિન્ટ ખાસ્સી ચાલી અને સારોએવો બિઝનેસ કર્યો હતો. મારા દાદાને લાગ્યું કે આ નવરત્ન તો આપણને સદી ગયું છે ને આપણા માટે સારું છે. તો બસ એના જ આધારે નવરત્ન નામ રાખવામાં આવ્યું.'

પિતા દિનેશભાઈ તથા ભાઈ દેવાંગ સાથે પ્રણવ શાહ (જમણી બાજુ)
પિતા દિનેશભાઈ તથા ભાઈ દેવાંગ સાથે પ્રણવ શાહ (જમણી બાજુ)

'શરૂઆતમાં કોન્ટ્રેક્ટિંગનું જ કામ કરતા' વાતને આગળ વધારતાં પ્રણવભાઈ કહે છે, 'પપ્પા મોસ્ટલી કોન્ટ્રેક્ટિંગનું જ કામ કરતા, એટલે એમાં તો મોટા ભાગે બીજા ડેવલર માટે જ કામ કરવાનું હોય. જ્યારે તમે બીજા ડેવલપર સાથે કામ કરો ત્યારે ખાસ સર્વાઇવલની ચેલેન્જીસ બહુ ઓછી આવતી હોય છે. તેમણે આ દરમિયાન એકાદ-બે પ્રોજેક્ટ્સ અશોકવાડી એપાર્ટમેન્ટ તથા ગુલમોહર બંગલો બનાવ્યા. આ બધી જગ્યાએ પપ્પાએ જાતે પ્રોજેક્ટ કર્યા હતા અને મને વિશ્વાસ છે કે પપ્પાને ત્યારે ચોક્કસથી મુશ્કેલીઓ આવી જ હશે. અલબત્ત, ધંધામાં તો અપ્સ ને ડાઉન આવતા રહે. તમે કેવી રીતે સામનો કરો છે એ વાત મહત્ત્વની છે.'

'પોતાના માટે કંઈક કરવાની ઈચ્છા હતી' પોતાની સફર રિયલ એસ્ટેટમાં કેવી રીતે શરૂ થઈ એ અંગે પ્રણવભાઈ જણાવે છે, 'હું મોટો ને સમજણો થયો ત્યારથી મેં પપ્પાને રિયલ એસ્ટેટ બિઝનેસમાં જ જોયા છે. આ જ કારણે મને પણ રિયલ એસ્ટેટમાં જ રસ હતો. એ વાત પણ એટલી જ સાચી છે કે પહેલેથી મારા મનમાં નક્કી હતું કે અમે ધંધો કરીશું તો પોતાના માટે જ કરીશું, એટલે કે અમે કોન્ટ્રેક્ટિંગનું કામ નહીં કરીએ. અમને ડેવલપર સાઇડમાં વધારે રસ હતો. પછી તો મેં સાયન્સ લીધું ને 12 સાયન્સ પછી બે વર્ષ નડિયાદની ધરમસિંહ દેસાઇ કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. ત્યાર બાદ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગમાં ટ્રાન્સફર લઈને બાકીનાં બે વર્ષ પૂરાં કર્યાં. એજ્યુકેશન પૂરું કર્યા બાદ મેં ને મારા ભાઈએ ‘નવરત્ન ઓર્ગેનાઇઝેશન પ્રાઇવેટ લિમિટેડ’ 1992-93માં શરૂ કર્યું. 1993માં અમે પહેલો પ્રોજેક્ટ કૈવલ્ય અમદાવાદના પ્રીતમનગર અખાડા આગળ બ્રાહ્મણ મિત્ર મંડળ સોસાયટીમાં લોન્ચ કર્યો. પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે પૈસા ક્યાંથી આવશે, કારણ કે નવું સ્ટાર્ટ કર્યું હતું. પપ્પા પાસેથી પૈસા લઈને બધું કરવું યોગ્ય નહોતું એટલે જાતે જ બધું મેનેજ કરીને આ પ્રોજેક્ટ કરવાનો હતો. ભગવાનની દયાથી પહેલા જ પ્રોજેક્ટમાં એટલો સારો રિસ્પોન્સ મળ્યો કે ત્યાંથી શરૂઆત કરીને આજદિન સુધી પાછળ ફરીને જોવું પડ્યું નથી.'

પ્રણવભાઈએ અફોર્ડેબલ મકાન અંગે વાત કરતાં કહ્યું, અફોર્ડબિલિટીની ડેફિનેશન સરકારે નક્કી કરી છે. એ પ્રમાણે મકાનો બને છે અને તેથી જ કદાચ નાના લાગે એ સ્વાભાવિક છે.
પ્રણવભાઈએ અફોર્ડેબલ મકાન અંગે વાત કરતાં કહ્યું, અફોર્ડબિલિટીની ડેફિનેશન સરકારે નક્કી કરી છે. એ પ્રમાણે મકાનો બને છે અને તેથી જ કદાચ નાના લાગે એ સ્વાભાવિક છે.

'બિઝનેસનો મોટો' પ્રણવભાઈને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ બિઝનેસમાં કયા મોટો (ધ્યેયસૂત્ર)થી કામ કરે છે તો તેમણે જવાબ આપ્યો, 'અમારા માટે ક્વૉલિટી ફર્સ્ટ છે. અમે વધુપડતી વાતો કરવાને બદલે કામ કરીને આપવામાં માનીએ છીએ. સૌથી મહત્ત્વનું પારદર્શિતા છે. આ ત્રણ બાબતોને કારણે જ આટલાં વર્ષોથી સર્વાઇવ થયા અને ભવિષ્યમાં પણ આ જ ત્રણ બાબત પર કામ કરીશું.'

'ગુજરાતનું પહેલું મિકસ યુઝ ટાવર અમદાવાદમાં' નવરત્ન ગ્રુપ 161.2 મીટર જેટલું ઊંચું બિલ્ડિંગ અમદાવાદમાં બનાવી રહ્યું છે. ગુજરાત-અમદાવાદમાં અત્યારસુધીની આ સૌથી ઊંચું ટાવર બનશે. આ અંગે વાત કરતાં પ્રણવભાઈએ જણાવ્યું, 'સેટેલાઇટ વિસ્તારમાં પપ્પાએ ગુલમોહર બંગલો બાંધ્યા હતા. આ બધા જ બંગલા અમે 2006માં પાછા ખરીદ્યા. એે બંગલા પાડીને અમે ગુલમોહર પાર્ક મોલ બનાવ્યો. અમે આ મૉલ કિશોર બિયાણીના વેન્ચર ‘ક્ષિતિજ’ સાથે પાર્ટનરશિપમાં બનાવ્યો હતો. 2013માં ક્ષિતિજ વેન્ચરે આ પાર્ટનરશિપમાંથી એક્ઝિટ લીધી. અમે 2013થી લઈને 2023 સુધી એટલે કે 10 વર્ષ સુધી મૉલ ચલાવ્યો. અમારું નક્કી હતું કે ત્યાં અમે અમદાવાદમાં આઇકોનિક બને તેવું કંઈક બનાવીશું. સમય જતાં મોલ પાડીને અમદાવાદનું આજની તારીખે ટોલેસ્ટ બિલ્ડિંગ 161.2 મીટરની ઊંચાઈનું બનાવીએ છીએ. અમદાવાદનો આ પહેલો ફર્સ્ટ મિક્સ યુઝ પ્રોજેક્ટ ઇન સિંગલ ટાવર લૉન્ચ કરી રહ્યા છીએ. એટલે કે આ એક જ ટાવરમાં રિટેલ, ઑફિસ તથા રેસિડેન્શિયલ એમ ત્રણ-ત્રણ બાબતો જોવા મળશે. વિદેશમાં આ પ્રકારનાં બિલ્ડિંગ સામાન્ય છે, પરંતુ અમદાવાદમાં પહેલી જ વાર આ પ્રકારનું ટાવર બની રહ્યું છે.'

'ભૂકંપથી ડરવાની જરૂર નથી' અમદાવાદમાં આટલું ઊંચું ટાવર બને ત્યારે સ્વાભાવિક રીતે જ આગ ને ભૂકંપનો ડર લાગે તે સ્વાભાવિક છે. પ્રણવભાઈએ આ ડર અંગે વાત કરતાં કહ્યું, ગુજરાતમાં આવેલા ભૂકંપ બાદ રિયલ એસ્ટેટના નિયમો બદલાઈ ગયા છે. બિલ્ડિંગ્સ જે રીતે બની રહી છે તે ભૂકંપ રેઝિટન્ટ સ્ટ્રક્ચર સાથે બની રહી છે, આ જ કારણે હવે કોઈએ ગભરાવાની જરૂર નથી. બિલ્ડિંગ હલે એટલે ડર લાગે, પણ હવે નવાં બિલ્ડિંગ અર્થ ક્વેક રેઝિટન્સવાળાં જ હોય છે.'

'અમારા ટાવરના દરેક ઘરમાં રેફ્યૂજ બાલ્કની' 'આ ઉપરાંત ફાયરમાં પણ એડવાન્સ ફાયર સેફ્ટીની સુવિધા હોય છે. અમારી વાત કરું તો, અમે દરેક ફ્લોર પર રેફ્યૂજ બાલ્કની આપી છે. રેફ્યુજ ફ્લોર પણ આપ્યો છે. આ ફ્લોર નિયમ પ્રમાણે દરેક હાઇરાઇઝ બિલ્ડિંગમાં હોય જ છે. અમે ફાયર સેફ્ટીની તમામ તકેદારી રાખી છે. રેસ્ક્યૂમાં ક્યારેય કોઈ તકલીફ ઊભી ના થાય એ વાતનું પૂરતું ધ્યાન અમારા ટાવરમાં રાખવામાં આવ્યું છે.. રેફ્યૂજ બાલ્કની એટલે એવી જગ્યા જ્યાં બહારથી ફાયર કે પછી રેસ્ક્યૂ ટીમ આવી શકે ને તે સરળતાથી ટેન્ડર કે સીડી મૂકી શકે. આમ તો આ બાલ્કની જેવી જ છે, પરંતુ તે એ રીતે ડિઝાઇન ને લોકેટ કરવામાં આવી છે, જેથી ફાયર ફાઇટિંગનાં સાધનો કે રેસ્ક્યૂ માટે સરળતાથી ઉપયોગમાં આવે. અમે દરેક ફ્લોર પર આ રીતની બાલ્કની આપી છે. આ ફરજિયાત નથી, પરંતુ અમે આપી છે. રેફ્યૂજ ફ્લોર ફરજિયાત હોય છે. અમારા ટાવરમાં આ ફ્લોર 16મા માળે છે. તે બિલ્ડિંગના કયા ફ્લોર પર હોય તે નક્કી હોતું નથી. બિલ્ડર પોતાની રીતે ફ્લોર રાખતો હોય છે. અમારી એક સ્કીમમાં રેફ્યૂજ ફ્લોર નવમા માળે હતો, એકમાં 11મા માળે હતો. આ એવો ફ્લોર, જ્યાં બધા ભેગા થાય અને રેસ્ક્યૂ સરળતાથી થઈ શકે.'

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં યુનિક ટાવર તૈયાર થઈ રહ્યું છે.
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં યુનિક ટાવર તૈયાર થઈ રહ્યું છે.

વધુમાં તેમણે સૌથી ઊંચા ટાવરની માહિતી આપતાં કહ્યું, 'ગુલમોહર મૉલમાં કર્મશિયલ ફ્લોરનું નામ ગુલમોહર પાર્ક છે અને રેસિડેન્શિયલ પાર્ટમાં અમદાવાદનાં સૌથી મોટામાં મોટાં એપાર્ટમેન્ટ બની રહ્યાં છે અને તેનું નામ ‘કલ્હાર સ્કાય રેસિડન્સ’ રાખ્યું છે.'

'રોડને આધારે બિલ્ડિંગની હાઇટ નક્કી થાય' પ્રણવભાઈને પૂછવામાં આવ્યું કે બિલ્ડિંગની હાઇટ કેવી રીતે નક્કી થાય, તો તેમણે જણાવ્યું, 'રોડ કેટલા ફૂટનો છે તેના આધારે બિલ્ડિંગની હાઇટ નક્કી થાય. અમારો પ્લોટ 10 હજાર પ્લસ વારનો છે અને અમારી આજુબાજુ મોટા ભાગે લૉ-રાઇઝ બિલ્ડિંગ છે. આ જગ્યા આઇકોનિક બિલ્ડિંગ માટે બેસ્ટ છે. આ ટાવરમાં દરેક ફ્લોરની હાઇટ 4 મીટરની છે અને કેટલાક ફ્લોર ચાર મીટરથી પણ ઊંચા છે. ગ્રાઉન્ડ ને ફર્સ્ટ ફ્લોરમાં રિટેલ શોપ, સેકન્ડથી 15 ફ્લોર સુધી ઑફિસ અને 17થી 38 સુધી રેસિડેન્શિયલ છે. અમે તો બેર શેલ ઘર જ આપતા હોઈએ છીએ, કારણ કે દરેક ક્લાયન્ટની પોતાની રિક્વાયરમેન્ટ અલગ હોય છે. બેર શેલ એટલે ખોખું તૈયાર કરીને અમે પઝેશન આપીએ અને આમ પણ અમે ગમે તે કરીને આપીએ, ખરીદનાર એમના ઇન્ટિરિયર સાથે આવે ત્યારે તેઓ પોતાની રીતે તોડફોડ કરીને ફેરફાર કરતા હોય છે. અમે માનીએ છીએ કે આ તો ખોટો ખર્ચો જ છે. આ એક ક્રિમિનલ વેસ્ટ ઓફ મની છે અને આવું કરવું જોઈએ નહીં..'

'બંગલો ખરીદવો મોંઘો બન્યો' અમદાવાદના રિયલ એસ્ટેટ અંગે વાત કરતાં પ્રણવભાઈએ જણાવ્યું, 'અમદાવાદનું રિયલ એસ્ટેટ ઘણું જ ઝડપથી વિકાસ પામ્યું ને અત્યારે મેચ્યોર થઈ ગયું છે. પહેલાં ને અત્યારના રિયલ એસ્ટેટમાં ઘણા ફેરફાર જોયા છે. નવી જનરેશન આ બિઝનેસમાં આવી છે. જ્યારે નવી જનરેશન બિઝનેસમાં આવે ત્યારે તેમનાં ડ્રીમ્સ ને આઇડિયા જોવા મળે. અન્ય રાજ્યોમાં અમદાવાદ ઘણું જ લોકપ્રિય બન્યું છે. પહેલાં આ જોવા મળતું નહોતું. અમદાવાદને એ લોકો સેકન્ડ ગ્રેડ ગણતા. હવે તેઓ અમદાવાદને ઘણું ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મેટ્રો તરીકે જુએ છે. આ જ કારણે અમદાવાદને ખાસ્સો ફાયદો થયો છે. પહેલાં અમદાવાદીઓની મેન્ટાલિટી બંગલો તો જોઈએ એવી હતી, પરંતુ હવે જે રીતે જમીનના ભાવ વધે છે તે જોતાં બંગલો ખરીદવાની શક્તિ ઘટતી જાય છે. એની સામે અમદાવાદમાં લક્ઝરી એપાર્ટમેન્ટ એટલા સુંદર બની રહ્યા છે કે લોકોને બંગલાની ખોટ પણ સાલતી નથી. આ જ કારણે અમદાવાદમાં હાઇ એન્ડ એપાર્ટમેન્ટનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે..'

'લક્ઝરી એપાર્ટમેન્ટનો ક્રેઝ વધ્યો' લક્ઝરી એપાર્ટમેન્ટ એટલે જ્યાં બધી જ સવલતો મળે. કોઈકના માટે એપાર્ટમેન્ટની સાઇઝ લક્ઝરી છે, કોઈના માટે હાઇટ તો કોઈના માટે ફ્લોરિંગ તો ફેસિલિટી.... એમ અમદાવાદીઓનાં મનમાં લક્ઝરી અંગે વિવિધ કોન્સેપ્ટ છે. આ બધું જ્યાં હોય તે લક્ઝુરિયસ ઘર કહેવાય અથવા તો જે-તે પ્રોજેક્ટ લક્ઝરી કેટેગરીમાં આવે. હવે મારુતિની કોઈ કાર 5 લાખમાં આવે તો મર્સિડિઝ પાંચ કરોડમાં આવે છે. એ જ રીતે આજકાલ અમદાવાદીઓ બાથરૂમથી લઈ કિચન મોં માગ્યા ભાવે સજાવી રહ્યા છે. આ બધામાં બ્રાન્ડેડની સુપર કેટેગરી યુઝ કરવામાં આવે એટલે તમને તે વધારે જ મોંઘું લાગે..'

'આપણી સિવિક સેન્સ સુધરશે તો દુનિયાના કોઈ પણ શહેરને ટક્કર મારી શકીશું' પ્રણવભાઈ માને છે, .'અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ રમાશે અને તેને કારણે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું જ સુધરશે. એ વાત પણ એટલી જ સાચી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે ડેવલપ થાય ત્યારે બધી જગ્યાએ જમીનના ભાવ વધતા હોય છે. રિયલ એસ્ટેટમાં તેજી આવતી હોય છે. હું સ્પષ્ટપણે માનું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ધ કી. ઇન્ફ્રાસ્ટ્રકચરની દૃષ્ટિએ અમદાવાદ બીજાં શહેરો કરતાં સૌથી બેસ્ટ છે. આમ તો મારે ના કહેવું જોઈએ, પણ આપણી સિવિક સેન્સ ઘણી જ ખરાબ છે અને જો આપણામાં એે આવી જાય તો આપણે મુંબઈ-બેંગલુરુ છોડો, દુનિયાનાં કોઈ પણ દેશનાં સિટીને ટક્કર મારીશું.'

નવરત્ન ગ્રુપે માત્ર રેસિડેન્શિયલ કે કર્મશિયલ જ નહીં, ક્લબ ને લાઇફસ્ટાઇલ કમ્યુનિટી બંગલો પણ બનાવ્યા છે.
નવરત્ન ગ્રુપે માત્ર રેસિડેન્શિયલ કે કર્મશિયલ જ નહીં, ક્લબ ને લાઇફસ્ટાઇલ કમ્યુનિટી બંગલો પણ બનાવ્યા છે.

અમદાવાદમાં ક્યાં સૌથી વધારે ભાવ? અમદાવાદમાં કયા વિસ્તારમાં ભાવ વધારે તે અંગે પ્રણવભાઈ સમજાવતાં કહે છે, 'જમીનના ભાવની વાત કરું તો સેટેલાઇટથી આગળ આંબલી-બોપલ, ત્યાર બાદ એસ.જી. રોડથી એસ.પી. રિંગ રોડ વચ્ચેના વિસ્તારના ભાવ અત્યારે સૌથી વધારે છે. એપાર્ટમેન્ટની વાત કરું તો એે કોનો પ્રોજેક્ટ છે એના પર આધાર રાખે છે. ઘણીવાર એક જ એરિયામાં બાજુ-બાજુમાં આવેલાં બે બિલ્ડિંગના ભાવમાં ઘણો મોટો તફાવત હોય છે. સામાન્ય રીતે જ્યાં જમીનના ભાવ વધારે હોય ત્યાં એપાર્ટમેન્ટ મોંઘાં જ મળે. એરિયા પ્રમાણે કહું તો, એસ.જી. રોડથી એસ.પી. રોડની વચ્ચે આંબલી- બોપલ રોડ, રાજપથ-રંગોલી રોડ છે, સિંધુ ભવન રોડ, એનાથી આગળ જાવ તો સોલા, સાયન્સ સિટી રોડ પર બનતાં એપાર્ટમેન્ટ મોંઘાં જ હોય છે.'

'શહેરની વચ્ચે અફોર્ડેબલ હાઉસિંગ બનાવવા અઘરાં છે' અમદાવાદમાં એક-બે બેડરૂમના ફ્લેટ ઓછા બને છે કે નહીં તે અંગે વાત કરતાં પ્રણવભાઈએ જણાવ્યું, 'એક-બે બેડરૂમના અપાર્ટમેન્ટ સાઇઝને ધ્યાનમાં રાખીને બનાવવાના હોય છે. હું જે જમીન પર ચાર-પાંચ બેડરૂમના ફ્લેટ બનાવું છું, ત્યાં જો મારે એક-બે બેડરૂમના ફ્લેટ બનાવવાના હોય તો તે મોંઘા પડે. જમીન મોંઘા ભાવે લીધી હોય છે તો તે મોંઘા જ બને, પરંતુ એક-બે બેડરૂમનાં ઘર ખરીદનારની પેઇંગ કેપેસિટી પણ એટલી ના હોય. આ વર્ગ જે કિંમતે ખરીદવા માગે છે તેટલી કિંમત ડેવલરને પોસાય નહીં. આપણે શહેરની વચ્ચે અફોર્ડેબલ હાઉસિંગ બનાવવા માગીએ તો તે થોડું ડાઉટફુલ લાગે છે. કારણ કે જે ખરીદવર્ગ છે તેની એટલા રૂપિયા આપવાની કેપેસિટી નથી. હું ચાર-પાંચ બેડરૂમના બનાવીશ એટલે તે તરત જ વેચાઈ જશે. આ ચિકન-એગ જેવી પરિસ્થિતિ છે.'

નવરત્નના વિવિધ પ્રોજેક્ટ્સ
નવરત્નના વિવિધ પ્રોજેક્ટ્સ

'રિયલ એસ્ટેટમાં ક્યારે રોકાણ કરવું બેસ્ટ રહેશે' રિયલ એસ્ટેટમાં રોકાણ કે ખરીદી કરવી હોય તો તમે જ્યારે તૈયાર છો એ જ સૌથી સારો સમય એવું હું માનું છું. ઘણીવાર આપણે તૈયાર નથી હોતા તોપણ આપણે કરવું જોઈએ. આ જ કારણે આ ઇન્ડસ્ટ્રીને 'રિયલ' એસ્ટેટ કહેવામાં આવે છે. સ્ટોક માર્કેટ, ગોલ્ડ-સિલ્વરમાં ચઢાવ-ઉતાર આવે છે. જો તમે પ્લાનિંગ સાથે રિયલ એસ્ટેટમાં આવો તો તેમાં ભાવ વધતા હોય છે. જમીન સાથે જોડાયેલ કોઈ પણ ચીજ-વસ્તુના ભાવ વધતા જ હોય છે. એટલે તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો જમીન રિલેટેડ કોઈ પણ પ્રોડક્ટ શોધવી. એના માટે ભલે તમારે અમદાવાદથી થોડે દૂર પણ કેમ ના જવું પડે.’

'ક્વૉલિટી માટે ડેવલપરના ભૂતકાળના પ્રોજેક્ટ્સ જોવા' પ્રણવભાઈ સમજાવે છે, સામાન્ય રીતે હવેના કાયદા તથા રેરાને કારણે કોઈ પણ ડેવલપરને ખોટું કરવામાં રસ નથી. તેમ છતાંય જ્યારે તમે ઘર-ઑફિસ ખરીદવા જાવ ત્યારે સારા ટ્રેક રેકોર્ડ ધરાવતા બિલ્ડર્સ, ભૂતકાળમાં સારી ને કહ્યા પ્રમાણેની ડિલિવરી આપી હોય એવા ડેવલપરને શોર્ટ લિસ્ટ કરવા. આ ઉપરાંત જ્યારે પણ ઘર ખરીદવું હોય તો સૌ પહેલાં એ નક્કી કરો કે કયા એરિયામાં લેવું છે, કયો ડેવલપર એમિનિટિઝથી માંડીને દરેક વસ્તુ શું ઑફર કરી રહ્યો છે તેના પર ધ્યાન આપી શકો છો. ક્વૉલિટી ચેક કરવા ડેવલપરના ભૂતકાળના પ્રોજેક્ટ પર ખાસ ધ્યાન આપો. હવે દરેકે ક્વૉલિટી તો આપવી જ પડશે. જો કોઈ ક્વૉલિટી સાથે સમાધાન કરશે તો લોકો તેના ત્યાં જવાનું જ બંધ કરી દેશે. સાચું કહું તો કોઈને એવું હોતું નથી કે ખરાબ કામ કરીને આપવું છે. એને તો આગળ ધંધો કરવાનો છે એટલે કોઈ ખરાબ કરતું નથી.'

પ્રણવભાઈએ કહ્યું, અમારી થર્ડ જનરેશન નવરત્નમાં જોડાશે એમ મને લાગે છે પણ જોઈએ કે ભવિષ્યમાં શું થાય છે.
પ્રણવભાઈએ કહ્યું, અમારી થર્ડ જનરેશન નવરત્નમાં જોડાશે એમ મને લાગે છે પણ જોઈએ કે ભવિષ્યમાં શું થાય છે.

'ભૂકંપના દિવસે નજર સામે દરેક પ્રોજેક્ટ આવી ગયા' ભૂકંપની વાતને યાદ કરતાં પ્રણવભાઈ કહે છે, 'ગુજરાતમાં આવેલા ભૂકંપે આખી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને હલબલાવી નાખી હતી. એ દિવસે સવારનો સમય હતો એટલે હું મારા ઘરે જ હતો. એટલું કહી શકું કે સેકન્ડના પા ભાગમાં મારી આંખ સામે મારા દરેકે દરેક પ્રોજેક્ટ આવીને જતા રહ્યા હતા. મેં મારી નજર સમક્ષ બિલ્ડિંગને પડતા પણ જોઈ હતી. ભૂકંપના અડધા કલાક બાદ જ ગાડી લઈને અમે દરેકે દરેક પ્રોજેક્ટ ફર્યા અને ચેક કર્યું કે કંઈ થયું નથી ને? ભગવાનની દયાથી નાના ડેમેજથી વધારે ગંભીર નુકસાન થયું નહોતું.'

'મુશ્કેલ સમય આવે ને જાય, મક્કમતા જરૂરી' 'આ ઉપરાંત 1987માં મંદી આવી અને તે 2001-02 સુધી ચાલી હતી. આ સમય કાઢવો ઘણો જ મુશ્કેલ હતો. એક બાજુ મકાનો વેચાય નહીં ને બીજી બાજુ મકાનો બનાવતા હોઈએ તે પૂરાં કરવાના હોય. એ ઘણો જ મોટો પડકાર હતો. રિયલ એસ્ટેટમાં તમારે તમારો ગોલ ફિક્સ રાખીને સસ્ટેન થવા માટે જે કંઈ કરવાની જરૂર પડે તે બધું જ કરવાનું હોય છે. બસ ધ્યાન એટલું રાખવાનું કે ભાગી જવાનું નથી. નાસીપાસ થઈને હારી જવાનું નથી. બસ સમય કાઢવાનો છે. આ દરમિયાન દરેક વ્યક્તિ એકબીજાને સમજતા હોય છે અને એકબીજાને સપોર્ટ કરતા હોય છે. એમને ખ્યાલ છે કે તમને સપોર્ટ કરશે તો તે સર્વાઇવ થશે. એ સમયે બસ એ ધ્યાન રાખવાનું કે એવું કોઈ પગલું ના ભરો કે તમને મુશ્કેલી ઊભી થાય અને તમારા કારણે બીજાને મુશ્કેલી ઊભી થાય. એ સમય કાઢવો સૌથી અગત્યનો છે અને એ સમય સાચે જ અઘરો હોય છે. તમારે એટલી તો મક્કમતા રાખવી જ પડે ને પોતાને મોટીવેટ કરતા રહેવું પડે કે હું કોઈ પણ હિસાબે સર્વાઇવ થઈ શકીશ. 2008ની મંદીની અસર આપણા દેશમાં બહુ જોવા મળી નહોતી. લેહમેન બ્રધર્સનો જે ઇશ્યૂ હતો તેની અસર આખી દુનિયામાં થઈ, પરંતુ ભારતમાં સૌથી ઓછી અસર થઈ. કોરોના પણ જીવનભર યાદ રહેનારી ઘટના છે. કોરોનાને કારણે લોકોનો માઇન્ડ સેટ બદલાયો. કોરોના પછીનો સમય રિયલ એસ્ટેટ માટે ઘણો જ સારો રહ્યો. લોકોની માનસિકતા ને સ્પેન્ડિંગ પાવર બદલાયો. લોકો એમ માને છે કે આપણી પાસે પૈસા હોય તો સારી રીતે જીવન જીવવું જોઈએ. એ કારણે રિયલ એસ્ટેટમાં ખાસ્સી એવી ડિમાન્ડ પણ નીકળી.'

ભાઈ દેવાંગ સાથે પ્રણવભાઈ (ડાબી બાજુ).
ભાઈ દેવાંગ સાથે પ્રણવભાઈ (ડાબી બાજુ).

'હાથ જોડીને બેસી રહેવા કરતાં પ્રયાસો કરવામાં માનું છું' પ્રણવભાઈ કહે છે, 'ભગવાનની દયાથી હતાશા સાથે ક્યારેય જીવ્યો નથી. મારો એ પ્રકારનો માઇન્ડસેટ જ નથી. અમે એક જ વાતમાં માનીએ કે જે વસ્તુ હાથમાં લીધી તે ગમે તેમ કરીને પૂરી તો કરવાની જ. અમારો પોતાનો મોટો છે કે હતાશ થઈને બેસી રહેવાથી કોઈ ફાયદો નથી અને તેને કારણે કોઈ પરિણામ તો આવવાનું નથી. હતાશામાં હાથ જોડીને બેસી રહેવું એને બદલે શક્ય તેટલા પ્રયાસો કરવા વધુ સારું.' પ્રણવભાઈ માને છે, ‘અમારી થર્ડ જનરેશન નવરત્નમાં જોડાશે એમ મને લાગે છે, પણ જોઈએ કે ભવિષ્યમાં શું થાય છે. અત્યારે તો બાળકો ભણી રહ્યાં છે ને અમે ક્યારેય બાળકોને ફોર્સ કર્યો નથી કે તમારે આ સંભાળવાનું છે. તેમને ગમશે તો આ બિઝનેસમાં જોડાશે અને તેમ થશે તો અમને ગમશે.’

'કોઈપણ વ્યક્તિ કોઈપણ ધંધો કરી શકે, બસ મહેનત જરૂરી છે' છેલ્લે પ્રણવભાઈ આજની જનરેશનને સલાહ આપતાં કહે છે, 'કોઈપણ માણસ કોઈ પણ ધંધો કરી શકે છે. તેને પોતાને શું કરવું છે તેની ક્લેરિટી હોવી જરૂરી છે અને તેની પાછળ કેટલી મહેનત કરી શકે તે વાત એટલી જ મહત્ત્વની છે, આ ઉપરાંત જે-તે બિઝનેસમાં કેટલું સસ્ટેન કરી શકે તે જોવું જરૂરી છે. સાચું કહું તો રિયલ એસ્ટેટના બિઝનેસમાં સસ્ટેનેબિલિટી ક્રાઇટેરિયા સૌથી વધુ મહત્ત્વનો છે. આ ફિલ્ડમાં સારો ને ખરાબ બંને સમય જોવાના આવશે. ખરાબ સમયમાં ટકી ગયા તો સારા સમયમાં તો ટકી જ જશો તે નક્કી છે. સૌથી વધારે તમારી ધગશ, જુસ્સો ને કંઈ પણ થાય આ તો હું કરીને જ રહીશ તે પ્રકારનો એટિટ્યૂડ વધારે જરૂરી છે.'

('સ્કાયલાઇનર્સ'માં આવતીકાલે ત્રીજા એપિસોડમાં જાણીશું નાનકડી દુકાનથી બિનોરી સુધીની સફર ખેડનારા રાજેશ શર્માની કહાની…)

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links